તા. ૨૭-૩-૯૪ના TIMES OF INDIAના DRUGS કેફીદ્રવ્યોના સેવન વિશેનો અહેવાલ વાંચીને સૌ કોઈને ચિંતા ઉપજે એ સ્વાભાવિક છે. ૧.૬૦ લાખ જેટલા ગુજરાત યુનિ.ના વિદ્યાર્થીઓમાંથી ૬૦ ટકા વિદ્યાર્થીઓ આ માદક દ્રવ્યોના સેવનનો ભોગ બને છે અને ૮૫ ટકા વિદ્યાર્થીઓ બિભત્સ મૅગૅઝિનો- સામયિકોના વાચનથી મનોવિકારોની દુનિયામાં આથડે છે. નવાઈની વાત તો આ છે કે કેફી દ્રવ્યોના સેવન ક૨વામાં આવા દ૨ ૧૦૦ વિદ્યાર્થીઓ પૈકી ૨૫ બહેનો હોય છે. સ્હેજે પ્રશ્ન થાય કે: શું થયું છે આપણા યુવાસમાજને? શું થશે આપણા સમાજનું? આવું કેમ બને છે? આમાંથી કોઈ આરોઓવારો આવશે ખરો? આ સમસ્યા આપણને સૌને મૂંઝવે છે – થકવી દે તેવું માનસિક તાણ આવે છે.

જે છે તે અભદ્ર દૃશ્ય છે એને ભદ્રંકારી-કલ્યાણકારી બનાવવું પડશે નહીં તો આપણું શું થશે એની કલ્પના કરવી મુશ્કેલ છે – એટલે આપણે આપણા ઘર આંગણેથી માંડીને વિશ્વવિદ્યાલયના પ્રાંગણ સુધી બધું સમુંસુતર કરવું પડશે. ઘ૨માંથી સારા અને સાચા સંસ્કારોનું ભાથું સંતાનોને મળે, તેમાં સારાસારની દૃષ્ટિવાળી ધર્મદૃષ્ટિ ભળે, ગળથૂંથીથી જ બાળકમાં સારા સંસ્કાર અને સાચી ધર્મ સંસ્કૃતિનું સિંચન થાય તો પહેલું પગથિયું આસાનીથી ચડી શકાય.

એની સામે નચિકેતા, આરુણિ, પ્રહ્‌લાદ અને ધ્રુવના ઉદાહરણો જરૂરી છે. જે એના જીવનની ઈમારતના પાયાને મજબૂત બનાવવાનું કૌવત ધરાવે છે. આના માટે જરૂરી છે માતાપિતામાં સમતા, કરુણા, પ્રેમ, સહાનુભૂતિ, હૃદયનું અખૂટ બળ તથા પુરુષાર્થ તેમજ ઝંઝાવાતની સામે અડગ મનથી લડવાની આત્મશક્તિ.

માતૃમુખેન શિક્ષણમ્ પિતૃમુખેન પ્રશિક્ષણમ્

ભાઈભાંડુઓનો ભાવપ્રેમ, સખામિત્રનો ઉદાત્ત ભાવ અને એની સાથે જ્યારે ‘ગુરુદેવો ભવ’નો ભક્તિભાવભર્યો વિદ્યાનિષ્ઠાનો પૂરપ્રવાહ ભળે તો તેનું જીવન ઘડતર સુપેરે થાય.

સદ્વાચન, સત્સંગ, અને સદ્વિચાર, વિદ્યાનિષ્ઠા, એની જીવનગંગાના મેલને ધોઈધફોઈ નિર્મળ બનાવે છે. ભૌતિક સુખ પાછળની આંધળી દોટ, આકડે મધ મેળવી લેવાની વિચિત્ર લાલસા, ટૂંકા માર્ગે સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની ઘેલછા અને આપણા કહેવાતા વડીલોનાં અસદ્-અભદ્ર આચરણો – એના જીવનને મલિન બનાવી દે છે; એને કોઈ સાચા રાહબર મળતા નથી – એ બિચારા સાચી જીવનદૃષ્ટિને ઝંખે છે ખરા – પણ કોઈ માર્ગદર્શક ન મળતાં એ અથડાતા રહે છે-ભટકતા રહે છે અને આવી અંધારી આલમની દુનિયામાં અંતે સપડાઈ જાય છે.

આ યુવાનો સામે નરસિંહ ને મીરાંના સંઘર્ષમય જીવનની વાત તો કરો – એમની સામે હરિશ્ચંદ્ર-તારામતી, નળ-દમયંતીના આદર્શો તો ૨જૂ કરો, સરદાર ભગતસિંહ – સુખદેવ – રાજ્યગુરુ – રામપ્રસાદ બિસ્મિલની યાદ તો એમને અપાવો -સ્વામી વિવેકાનંદ, લેાકમાન્ય ટિળક, સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધીના જીવન કાર્યોને સાચો પરિચય તો કરાવો – જરૂ૨ એમના જીવનમાં પરિવર્તન આવશે. પણ પ્રશ્ન એ આવીને ઊભો રહે છે કે આ બધું કરશે કોણ?

પ્રભુની પ્રતિમા કંડારતા શિલ્પકારે કે શિલ્પકારોએ પોતાની હથોડી કે ટાંકણાને એવી રીતે ચલાવવાના છે કે એ પથ્થર મટીને આરાધ્યદેવ બની જાય. આ આરાધ્યદેવના સર્જન માટે માતા-પિતા, શિક્ષક-શિષ્ય, તથા સમાજના હિતચિંતકો સૌએ સાથે મળીને આરાધના ક૨વી પડશે તો જ આપણી આ – સમસ્યાનો ઉકેલ આવશે અને યુવાનોને ઉન્નતિના માર્ગે દોરી જવાનું શ્રેય – પુણ્ય કમાઈ શકાશે.

સ્વામી વિવેકાનંદ કહેતા તેમ ‘Face the terrible & face it boldly’નો જીવનમંત્ર આ યુવાનોને આપણે ગળથૂંથીથી જ પાઈ દેવો પડશે. એનામાં સ્વામી વિવેકાનંદે પ્રબોધેલી-

“Never say ‘No’; Never say ‘I cannot’; You can do anything & everything; You are almighty-”

આ આત્મશ્રદ્ધા એમને પાઈ દેવી પડશે એ બિચારાં – બાપડાં નથી, એ અસહાય નથી પરંતુ You are the children of immortal bliss ‘તમે અનંત, અનશ્વર – અમૃતનાં – સંતાનો છો,’ એવી ખાતરી એમને કરાવવી પડશે. ‘અમે ઘેટાં છીએ’ એવી ભ્રમજાળ ખંખેરાવીને ‘તમે તો અમૃતનાં સંતાનો છો’ – એ વાત દ્વારા તેમને હૈયાધારણ આપવી પડશે – તો જ એ સઘર્ષગામી બનશે – જીવનના ગમે તેવા સંઘર્ષને પી જવાની તાકાત એમને બક્ષવી પડશે.

આ બધા માટે આપણે સૌ મોટેરાંઓએ ઉદાહરણ પૂરાં પાડવાં પડશે અને એવું જીવન જીવી બતાવવું પડશે કે એમને હંસદૃષ્ટિ મળી રહે. મનની ઉઘાડી બારીવાળી વિચાર દૃષ્ટિ જ એમના મનનું સમાધાન સાધી શકશે.

“MASS MEDIA, MEGA MEDIA, INDIVIDUAL MEDIA” એટલે કે આપણું T.V. કે આંતરરાષ્ટ્રીય T.V. અને વીડિયો કૅસેટોએ પોતાના અભદ્ર, અકલ્યાણકારી અને સર્વનાશ નોતરતા કાર્યક્રમોને બદલે માણસને માણસ બનાવતા કાર્યક્રમો ૨જૂ ક૨વા પડશે. એમની પાસે આવા કાર્યક્રમ અપાવવા પડશે. સમગ્ર સમાજે આપણા યુવાધનને બચાવવા વિવેકભરી દૃષ્ટિએ આગળ વધવું પડશે. આંધળું અનુકરણ નહિ, ૫૨ન્તુ સમજણપૂર્વકનું, દૃષ્ટિવાળું ‘અનુસરણ’ એ અત્યંત હિતકારી છે – એ પાયાની વાત એમને સમજાવવી પડશે. એ અનુસર્જક પેઢી છે તેનું મહત્ત્વ પણ તેમને સમજાવવું પડશે – તો જ આપણે એને ત૨તા કરીશું – તરતા રાખીશું. ‘આપણે’ અને ‘એ’ બંને ડૂબતાં બચીશું. એટલે કે ત૨ના૨ અને તા૨ના૨ આપણે છીએ – ડૂબનાર તથા ડુબાડનાર પણ આપણે જ છીએ. ક્યો માર્ગ પસંદ કરવો એ આપણા હાથમાં છે. અસ્તુ.

મનસુખલાલ મહેતા

Total Views: 141
By Published On: May 1, 1994Categories: Mansukhbhai Maheta0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram