આદિ શંકરાચાર્યની જયંતી પ્રસંગે

વિશ્વને શ્રેષ્ઠ જ્ઞાનના પ્રકાશથી આલોકિત કરનાર શ્રીમદ્ આદ્ય શંકરાચાર્ય જીવમાત્રના હૃદયમાં વસેલા આદિગુરુ ભગવાન શંકરનો અવતાર મનાયા છે. માનવજાતના સુખ અને ઉન્નતિનો વિચાર કરનાર સાંપ્રત જગતમાં જે કંઈ વાદો અને વિચારધારાઓ પ્રચલિત છે તેમાંનો એક પણ વાદ કે વિચારધારા એવાં નહિ હોય કે જેના પર શંકરાચાર્યના અદ્વૈતમતનો સીધો કે આડકતરો પ્રભાવ ન પડ્યો હોય. વાસ્તવમાં તો માનવએકતા, વિશ્વબંધુત્વ અને પ્રાણીમાત્રના કલ્યાણના ધ્યેય અને આદર્શો સેવનારા આ જુદાજુદા વાદોને તાત્ત્વિક ભૂમિકા તો આ અદ્વૈતવાદે જ પૂરી પાડેલ છે. જગતની વિચારધારાઓ આ અદ્વૈત તત્ત્વજ્ઞાનની ઋણી છે.

સમગ્ર વિશ્વ એક જ ચૈતન્યરૂપ પરમાત્મતત્ત્વનો જ વિલાસ છે. તે એક જ જ્ઞાનસ્વરૂપ તત્ત્વની સત્તા છે, અસ્તિત્વ છે, તેના સિવાય બીજું કોઈ તત્ત્વ નથી, કે બીજા કશાનું અસ્તિત્વ નથી એવી પ્રતીતિ કરાવનાર અદ્વૈતવાદનું તત્ત્વજ્ઞાન મૂળમાં તો પ્રાચીન વેદોમાં, ઉપનિષદોમાં, ગીતા, બ્રહ્મસૂત્ર વગેરેમાં સમાયેલું છે જ. પણ શ્રીમદ્ આદ્ય શંકરાચાર્યે તેને એક તર્કસંગત શાસ્ત્રરૂપે, એક હૃદયંગમ દર્શનરૂપે, જગત સમક્ષ એવું તો પ્રભાવી રીતે રજૂ કર્યું છે કે, આ પ્રાચીન તત્ત્વજ્ઞાન એક સુવ્યવસ્થિત મતરૂપે ત્યારથી, તેમના નામ સાથે જોડાઈ ગયેલ છે, અને આચાર્યશ્રીના મત તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે.

પાછલા વર્ષે વિ. સ. ૨૦૪૯ની વૈશાખ સુદ પના રોજ, ભારત વર્ષે આચાર્યશ્રીની ૧૨૦૫મી જન્મજયંતી ઊજવી. આ તેમની ખરેખર કેટલામી જન્મજયંતી ગણાય તે વિષે વિદ્વાનોમાં મતભેદ રહ્યો છે, અને તે કાયમ રહે તેવી પરિસ્થિતિ છે. દેશકાળથી પર એવા નિત્ય ચૈતન્યતત્ત્વના જ્ઞાન અને ઉપાસનામાં રત રહી જીવન સમર્પિત કરનારા આ દેશના પ્રાચીન મનીષીઓએ ઇતિહાસની બહુ ખેવના કરી નથી; જ્યારે પશ્ચિમી રીતે તૈયાર વિદ્વાનોમાં ઇતિહાસ માટે ઘણી આસક્તિ જણાય છે. આથી શંકરાચાર્યના જીવનકાળ સંબંધમાં પરંપરાને માનનારા પંડિતો અને આધુનિક વિદ્વાનોમાં ઘણો મોટો મતભેદ રહેલ છે. પરંપરાને અનુસરનારા પંડિતો પૈકી કેટલાકના મતે, પાછલા વર્ષે આચાર્યશ્રીની ૨૦૩૭મી જન્મજયંતી હતી, જ્યારે બીજા કેટલાકના મત અનુસાર, એ તેમની ૨૫૦૦મી જન્મજયંતી હતી. પ્રથમ મત અનુસાર આચાર્યશ્રીએ ઈ. સ. પૂર્વે ૪૪માં જન્મ ધારણ કરેલો તેમ માનવામાં આવે છે. જ્યારે બીજા મત અનુસાર તેમનો જન્મ ઈ. સ. પૂર્વે ૫૦૮માં થયેલો મનાય છે. કાંચીપીઠ અને દ્વારિકાપીઠમાં જે ગુરુપરંપરાકાળ પ્રસિદ્ધ છે તે અનુસાર, આચાર્યશ્રી ઈ. સ. પૂર્વે પાંચમી સદીમાં વિદ્યમાન હતા અને તેમનો આવિર્ભાવ ઈ. સ. પૂર્વે ૪૭૬માં થયો હતો તેમ માનવામાં આવે છે, જ્યારે કેરળમાં, જે પરંપરા અનુસરાય છે તે મુજબ, ઈ. સ. પૂર્વે ૪૪માં તેઓશ્રીનું પ્રાગટ્ય થયેલ તેમ મનાય છે. ફક્ત બત્રીસ જ વર્ષનું ટૂંકું આયુષ્ય ભોગવી તેમણે દેહત્યાગ કરેલો એ બાબતમાં લગભગ બધા જ એકમત છે. યુરોપીય વિદ્વાનોમાં પણ તેમના જન્મ સંબંધે એકમત પ્રવર્તતો નથી. વર્નેલ તથા સિવેલે તેમના ગ્રન્થોમાં શંકરાચાર્યનો આવિર્ભાવકાળ સાતમી શતાબ્દી ઠરાવ્યો છે. વેબર સાહેબે આ કાળ આઠમી શતાબ્દી ઠરાવ્યો છે. લ્યુસરાઈસે શૃંગેરી-મઠની ગુરુપરંપરાને એક-એક કરીને જોડીને એવું તારણ કાઢ્યું છે કે, શ્રીમદ્ આદ્ય શંકરાચાર્ય ઈ. સ. ૭૪૦થી ૭૬૭નાં વર્ષો વચ્ચે જીવિત હતા. મૅક્સમૂલર, ડૉ. રાધાકૃષ્ણન વગેરે વિદ્વાનોના મતે આચાર્યશ્રીનું પ્રાગટ્ય ઈ. સ. ૭૮૮ના વર્ષમાં થયેલું અને બત્રીસ વર્ષનું આયુષ્ય ભોગવી સને ૮૨૦માં તેઓ તિરોધાન પામેલા. આ મતને આજકાલ અધિકાંશ લોકો માને છે, જે અનુસાર પાછલા વર્ષે તેમની ૧૨૦૫મી જન્મજયંતી હતી. કાળગણના અંગેના આ વિવાદને બાજુએ રાખીને, સમગ્ર સંસારમાં જ્ઞાનનો પ્રકાશ પાથરનાર, વિશ્વની આ મહાન વિભૂતિનાં જીવન અને દર્શનનું તેમની જન્મજયંતી નિમિત્તે કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરવું ઈષ્ટ છે.

આચાર્યશ્રીના જીવન સંબંધમાં જે કાંઈ સામગ્રી ઉપલબ્ધ છે તે પરથી તેઓશ્રીનો જન્મ કેરળ રાજ્યમાંની પૂર્ણા નદીના તટ પાસે આવેલ કાલડી નામના ગામે, વૈશાખ સુદી ૫ના રોજ થયેલો. કોચીન-શે૨નપુર રેલવે લાઈન ૫૨ આવેલ, અલવોઈ સ્ટેશનથી, આ કાલડી ગામ ફક્ત દસ કિલોમીટર દૂર છે. તેમના પિતાનું નામ શિવગુરુ અને માતાનું નામ સુભદ્રા હતું. પિતા એક તપસ્વી, વૈરાગ્યશીલ, વેદશાસ્ત્રસંપન્ન નાંબુદ્રી બ્રાહ્મણ હતા. માતા સુભદ્રા પણ એક વિદુષી, ધર્મપરાયણ, પતિને અનુસ૨ના૨ સતી સ્ત્રી હતાં. પ્રૌઢાવસ્થા પૂરી થવા આવવા છતાં આ બ્રાહ્મણ દંપતીને કંઈ સંતાન થયેલ નહિ ત્યારે આ પતિ-પત્નીએ ખૂબ જ શ્રદ્ધાભક્તિપૂર્વક ભગવાન શંકરની ઉત્કટ ઉપાસના કરી. તેમની ઉપાસનાથી પ્રસન્ન થયેલ ભગવાન આશુતોષે તેમને સ્વપ્નમાં દર્શન આપી વરદાન આપ્યું કે, ‘તમારે ત્યાં મારો દિવ્ય અંશ જન્મ ધારણ ક૨શે, જગતને જ્ઞાનનો પ્રકાશ આપશે અને જગદ્ગુરુ તરીકે પ્રસિદ્ધિ પામશે.’ ભગવાન શંકરના આશીર્વાદથી ત્યાર બાદ, શુભ મુહૂર્તમાં જન્મેલ દિવ્ય કાંતિવાળા આ પુત્રરત્નનું બ્રાહ્મણ દંપતીએ ભગવાનના નામ પરથી ‘શંકર’ નામ જ રાખ્યું.

બાળ શંકરના રૂપમાં કોઈ મહાન શક્તિ અવતરિત થઈ છે, તેનું સૌને બચપણથી જ પ્રમાણ મળવા લાગ્યું. પહેલા જ વર્ષમાં બાળક શંકર માતૃભાષાનું જ્ઞાન પ્રાપ્ત કરી દોષરહિત શુદ્ધ ભાષા બોલવા લાગ્યો. બીજા વર્ષમાં માતાના મુખેથી સાંભળેલ પુરાણો, કથાઓ વગેરે કંઠસ્થ કરી લીધાં. બાળક શંક૨ શ્રુતધર હતા. એક વખત સાંભળેલું તેઓ અક્ષરશઃ સ્મૃતિમાં ધારણ કરી શકતા. ત્રીજા વર્ષે તેમનો ચૌલ સંસ્કાર ઉત્સાહપૂર્વક કર્યા બાદ પ્રારબ્ધયોગે તેમના પિતાનો દેહવિલય થયો. પાંચમા વર્ષે યજ્ઞોપવિત ધારણ કરાવી બાળક શંકરને ગુરુગૃહે વિદ્યાધ્યયન માટે મોકલવામાં આવ્યા. ગુરુ પાસે રહેતા શંકર માત્ર સાત જ વર્ષની ઉંમરે પહોંચતા સુધીમાં તો વેદ, વેદાન્ત અને અન્ય શાસ્ત્રોમાં પારંગત થયા. તેમની અસાધારણ બુદ્ધિપ્રતિભા અને અલૌકિક સ્મૃતિશક્તિથી તેમના ગુરુ તથા સહાધ્યાયીઓ આશ્ચર્યચકિત થયા. ગુરુને ત્યાં બે વર્ષ રહ્યા તે દરમ્યાન બાલતપસ્વી શંકરે ભિક્ષાવૃત્તિ કરતાં એક નિર્ધન બ્રાહ્મણ દંપતીના દારિદ્રયનું દુઃખ પોતાના પવિત્ર આશીર્વાદથી દૂર કર્યું, જે ઘટનાથી ગુરુજનો પ્રભાવિત થયેલા. ગુરુને ત્યાંથી પોતાના ઘેર પાછા ફર્યા બાદ બાળક શંકરનાં જ્ઞાન અને પ્રતિભાની ખ્યાતિ ઉત્તરોત્તર ફેલાતી રહી. કેરળ દેશના વિદ્વાન મહારાજ રાજશેખરે શંકરને રાજ્યદરબારમાં બોલાવી તેમનું ભવ્ય સ્વાગત કર્યું અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આઠ વર્ષના આ અસાધારણ પ્રતિભાવાળા પોતાના પુત્રનું ભાવિ જાણવા ઉત્સુક થયેલાં શંકરનાં માતાને જ્યોતિષીઓએ કહ્યું કે, ‘આ બાળકનું આયુષ્ય ઘણું અલ્પ પણ ઉગ્ર તપશ્ચર્યા દ્વારા તેને સર્વ સિદ્ધિ પ્રાપ્ત થશે.’ માતા સુભદ્રા આ ભવિષ્યકથન જાણી ચિંતામાં પડી ગયાં, ત્યારે શંકર પોતાના કર્તવ્યનો વિચાર કરવા લાગ્યા, અને તેમને વૈરાગ્ય ધારણ કરી, સંન્યાસ લેવાનો માર્ગ યોગ્ય લાગ્યો, તેથી પોતાની માતા પાસે તે માટે અનુમતિ માગી. અવસ્થાએ પહોંચેલ કઈ મા પોતાના એકના એક પુત્રને સંન્યાસ લેવાની છૂટ આપે? શ્રી શંકરની માતાએ તો સાફ ના પાડી દીધી. વિમાસણમાં પડેલા શંકર માતાને નારાજ કરી સંન્યાસ લેવા માગતા નહોતા. તેવામાં એક ઘટના બની. નિત્યક્રમ પ્રમાણે નદીએ સ્નાન કરવા ગયેલા શંકરનો પગ મગરે પકડી લીઘો. પોતાના પુત્રને આ રીતે સંકટમાં આવી પડેલ જોઈ કિનારે ઊભેલી તેમની માતાના હોશકોશ ઊડી ગયા. મુંઝાયેલી માતાએ પુત્રને બચાવવા હાહાકાર મચાવી દીધો. પણ મગરને જોયા પછી, કાંઠે ઊભેલા માણસોમાંથી કોઈએ હિંમત કરી નહિ. શંકરે માતાને કહ્યું: ‘મને જો સંન્યાસ લેવાની આજ્ઞા આપો તો કદાચ મગર મને છોડી દે. માતા, જલ્દી નિર્ણય કરો.’ માતાએ વિચાર્યું કે, પુત્ર મૃત્યુ પામે તે કરતાં સંન્યાસી થઈ જીવંત રહે તો ઘણું સારું. માતાએ ત્વરિતપણે જણાવ્યું, ‘જા, તને સંન્યાસ ગ્રહણ કરવા રજા આપું છું.’ માતાએ પોતાની અનુમતિ જાહેર કરતાં જ આશ્ચર્યકારક ઘટના એવી બની કે મગરે શંકરને પોતાના પાશમાંથી મુક્ત કર્યા. શંકરે કિનારે આવી પોતાની માતાને આશ્વાસન આપ્યું. શંકરની શ્રદ્ધા અને સંકલ્પબળનો વિજય થયો. માતાની આજ્ઞા પ્રાપ્ત કરી શંક૨ ફક્ત આઠ વર્ષની ઉંમરે ઘર છોડી નીકળી ગયા અને જતી વખતે માતાની ઇચ્છાનુસાર એવું વચન આપતા ગયા કે તેમના મૃત્યુ સમયે, પોતે અવશ્ય જ્યાં હશે ત્યાંથી ઘર ૫૨ હાજર થશે.

ઘ૨ છોડીને નીકળેલા શંકરે પવિત્ર નર્મદાતટે ગુફામાં રહેતા સિદ્ધયોગી ગુરુ ગોવિન્દ્રાચાર્યની ખ્યાતિ સાંભળી, તેમની પાસે જઈ, સંન્યસ્તદીક્ષા લેવા વિચાર્યું. છેક દક્ષિણે રહેલા કેરળ પ્રદેશથી ઉત્તરે અતિ દૂર રહેલા નર્મદાતટે અનેક સંકટો વેઠી શંકર પહોંચ્યા. ગુરુને પ્રસન્ન કરી તેમનું શિષ્યત્વ સ્વીકારી, સંન્યસ્ત દીક્ષા લીધી. ગુરુ ગોવિન્દાચાર્યે તેમનું ભગવત્ પૂજ્યપાદ શંકરાચાર્ય નામ રાખ્યું. ગાવિંદાચાર્ય સમર્થ યોગી હતા. શંકરાચાર્યનો અધિકા૨ તેઓ સમજતા હતા. તેમણે જોયું કે સંન્યસ્ત દીક્ષા ધારણ કરેલા બાર વર્ષના શંકરાચાર્ય વેદ, વેદાંગ, તર્ક, ન્યાય વગેરે શાસ્ત્રોમાં પારંગત જ છે. એટલે વાસ્તવમાં તેમને ઝાઝું શાસ્ત્ર ભણાવવાપણું નથી. ભગવાનના જાણે દિવ્ય અંશ હોય તેમ નાની વયમાં જ અસાધારણ ગ્રહણશક્તિ, પવિત્ર અંતઃકરણ અને હ્રદયમાં ભવ્ય શ્રદ્ધા ધરાવતા શંકરાચાર્યને માટે અનુભૂતિ અને સિદ્ધિ પ્રાપ્ત કરવા પણ આસાન હતાં. તેમણે જોયું કે શંકરાચાર્ય માટે ગુરુ કરવાનું પણ આવશ્યક નહોતું. જગતમાં એક વિશિષ્ટ કાર્યને માટે આવેલા શ્રીશંકરે, કેવળ, ગુરુશિષ્ય પ્રણાલિકાનું સન્માન કરવા અને તે પરંપરા ભારતમાં ટકાવી રાખવા જ શિષ્યત્વ સ્વીકારેલું છે. અતિ પ્રેમથી ગુરુ ગોવિન્દ્રાચાર્યે તેમને પોતાની પાસેની વિદ્યા આપી, અનુભવનું માર્ગદર્શન આપી સાધનાના માર્ગે આગળ લઈ ગયા. ગુરુ-ઉપદિષ્ટ માર્ગે સાધના કરતાં ટૂંક સમયમાં જ શંકરાચાર્યે શાસ્ત્રોમાં જેનું વર્ણન છે તે અંતિમ આધ્યાત્મિક અનુભવો પ્રાપ્ત કર્યા. સવિકલ્પ, નિર્વિકલ્પ સમાધિ દ્વારા વિશુદ્ધ જ્ઞાન અને નિષ્ઠા મેળવી, શંકરાચાર્ય યોગસિદ્ધ મહાપુરુષ બન્યા. તેમની સિદ્ધિ જોઈ પ્રસન્ન થયેલા ગુરુએ તેમને કાશી જઈ, વેદોના સારરૂપ બ્રહ્મવિદ્યા જેમાં સંગૃહિત છે તે મહર્ષિ બાદરાયણ વ્યાસ રચિત બ્રહ્મસૂત્ર – વેદાંતસૂત્ર પર ભાષ્ય લખવા આજ્ઞા કરી, અને સમગ્ર સંસારમાં વેદાંતમતનો પ્રસાર કરીને તે દ્વારા લોકોને સંકુચિત વાડા અને સંપ્રદાયોમાંથી, રૂઢિ, વહેમો અને વ્યર્થ કર્મકાંડમાંથી મુક્ત કરવા આદેશ આપ્યો. પોતાના જીવનના વિશિષ્ટ કાર્યનો ખ્યાલ જેમને આવી ગયેલ તે શંકરાચાર્યને, ગુરુના આદેશનું સમર્થન મળતાં, તેઓ તુરત કાશી આવી પહોંચ્યા. કાશીક્ષેત્રમાં આવ્યા બાદ શંકરાચાર્યની ખ્યાતિ ચારે તરફ ટૂંક સમયમાં જ ફેલાવા લાગી અને અસંખ્ય લોકો તેમનાથી આકર્ષિત થઈ, પ્રતિદિન શાસ્ત્રચર્ચા માટે, શંકાસમાધાન માટે અને તેમનાં દર્શન માટે આવવા લાગ્યા. કેટલાય લોકોએ તેમનું શિષ્યત્વ ગ્રહણ કર્યું. તેમાં સૌ પ્રથમ શિષ્ય બન્યા શ્રી સનન્દન, જે પાછળથી પદ્મપાદાચાર્યના નામથી પ્રસિદ્ધ થયા. કાશીમાં રોજેરોજ સેંકડો લોકોની અવરજવર વચ્ચે ભાષ્ય લખવાનું – ગ્રન્થરચના કરવાનું ગુરુઆદેશ મુજબનું કાર્ય પાર પાડવાનું કઠિન બનતાં, શંકરાચાર્ય પોતાના શિષ્યો સાથે બદરિકાશ્રમ પધાર્યા, અને ત્યાંના ઉચ્ચ, પવિત્ર અને શાંત વાતાવરણ વચ્ચે રહી, તેમણે બ્રહ્મસૂત્ર, ઉપનિષદો, ગીતા વગેરે પર જગતને આશ્ચર્ય અને અહોભાવમાં ડુબાડી દે તેવાં અમર ભાષ્યોની રચના કરી. તેમણે વિષ્ણુસહસ્રનામ અને સનત સુજાતીય ઉપ૨ પણ ભાષ્યો લખ્યાં, તથા ઉપદેશસાહ્મી, વિવેકચૂડામણિ આદિ ગ્રન્થોની રચના કરી. આ મહાકાર્ય સંપન્ન થતાં તેઓ કાશીક્ષેત્રમાં પાછા ફર્યા.

જ્ઞાનીને પણ પૂર્વસંસ્કારના પ્રભાવ સામે સતત જાગ્રત રહેવાનું હોય છે તે વાતની પ્રતીતિ કરાવતી એક ઘટના કાશીમાં બની. કહે છે કે, ભગવાન કાશીવિશ્વનાથ શંકરાચાર્યની નિષ્ઠા પાકી કરવા તેમની સમક્ષ એક ઉન્મત્ત ચાંડાલના રૂપમાં, ચાર કૂતરાઓ સાથે તેમના માર્ગ આડે આવી ઊભા રહી ગયા. પૂર્વસંસ્કાર અને સમાજની રૂઢિની પ્રબળ અસર નીચે, માર્ગ આડે ઊભેલા ચાંડાલ અને કૂતરાઓને જોતાં જ સર્વત્ર એક જ ૫૨માત્મતત્ત્વ વિલસી રહેલ છે એવું પોતાનું જ્ઞાન અને અનુભવ ક્ષણભર વીસરી જઈ, શ્રી શંકરાચાર્યથી બોલાઈ જવાયું, ‘હે ચાંડાલ, મારા માર્ગથી દૂર થાઓ’ એ સાંભળી ચાંડાલ બોલ્યો, ‘સર્વત્ર એક જ ચૈતન્ય તત્ત્વ છે તો કોણ કોનાથી દૂર જાય? જે આત્મા તમારામાં છે તે મારામાં છે. તમે શું મને માત્ર દેહરૂપે જ જોયો?’ શંકરાચાર્ય તુરત જ પોતાના જ્ઞાન આડે આવેલ પૂર્વસંસ્કારનું આવરણ સમજી ગયા, અને તે દૂર કર્યું, તો ચાંડાલમાં તેમને ભગવાન કાશીવિશ્વનાથનાં દર્શન થયાં. આચાર્યશ્રી પામી ગયા કે, આ રીતે જાગૃત કરનાર અને બ્રહ્મનિષ્ઠા સુદૃઢ કરનાર સાક્ષાત્ શ્રી ભગવાન સિવાય બીજું કોઈ હોઈ જ શકે નહિ. આચાર્યશ્રીએ ભગવત્સ્વરૂપ ચાંડાલને ભક્તિપૂર્વક વંદન કરતાં તે અદૃશ્ય થયા. આ પ્રસંગનું ‘મનીષાપંચક’માં ખુદ આચાર્યશ્રીએ હૃદયંગમ વર્ણન કરેલ છે.

જ્યોતિષીઓએ શ્રી શંકરાચાર્યનું આયુષ્ય ફક્ત આઠ વર્ષનું ભાખેલું અને તપશ્ચર્યાથી બીજાં આઠ વર્ષ વધશે તેમ કહેલું તે પ્રમાણે નાની વયમાં જ ઉગ્ર તપશ્ચર્યાથી બીજાં આઠ વર્ષે સંન્યાસ દીક્ષા લેતાં, આચાર્યશ્રીનું આયુષ્ય સોળ વર્ષનું થયેલું. આ આયુષ્ય પૂરું થવાની ઘડી નજીક આવતાં જ એક ઘટના બની. ભગવાન વેદવ્યાસ બ્રાહ્મણનું રૂપ લઈ તેમની પાસે આવ્યા, અને વેદાંતસૂત્રોના અર્થ વિષે આચાર્યશ્રીને પ્રશ્નો પૂછયા. આચાર્યશ્રીએ તેમના પ્રશ્નોનું ઊંડાણ જોઈ તેમને ઓળખી કાઢયા, અને ભક્તિભાવપૂર્વક વંદન કર્યા. આચાર્યશ્રીના નમ્રતાપૂર્વક અપાયેલા ઉત્તર સાંભળી મહર્ષિ વેદવ્યાસ અતિ પ્રસન્ન થયા અને તેમણે શંકરાચાર્યને જગતમાં અદ્વૈતવાદનો પ્રચાર કરવા આજ્ઞા કરી અને કહ્યું કે, ‘મારા વરદાનથી, તમારું આયુષ્ય, જે ફક્ત સોળ વર્ષનું છે, તે વધીને બત્રીસ વર્ષનું થશે.’ આ પ્રસંગ પછી, શંકરાચાર્ય દિગ્વિજય માટે નીકળી પડ્યા.

આચાર્યશ્રી કાશીમાં રહ્યા તે દરમ્યાન તેમણે તમામ વિરુદ્ધ મત ધરાવનારાઓને પરાસ્ત કર્યા. બાર વર્ષથી સોળ વર્ષની ઉંમર સુધીમાં તેમણે તમામ ગ્રન્થો લખ્યા. આમાં મોટા ભાગના અને મુખ્ય ગ્રન્થો તેમણે બદરિકાશ્રમમાં રહીને લખ્યા, જ્યારે અન્ય પ્રકીર્ણ ગ્રન્થો, ગૌણ કૃતિઓ, સ્તોત્રો વગેરે તેમણે કાશીમાં રહી લખ્યાં. પોતાનું અદ્‌ભુત, ગૂઢ, અનુભવસિદ્ધ તત્ત્વજ્ઞાન જે વિસ્તૃતરૂપે તેમણે પોતાના મહાન ગ્રન્થોમાં પીરસ્યું, તે જ આત્યંતિક કરુણાથી પ્રેરાઈ સારરૂપે સ૨ળ સ્તોત્રોમાં સંગૃહિત કરી તેમણે જનસામાન્ય માટે સુલભ કર્યું. તેઓશ્રી કાશીથી પ્રયાગ આવ્યા અને ત્યાં કુમારિલ ભટ્ટ સાથે તેમનો મેળાપ થયો. કુમારિલ ભટ્ટના એ અંતિમ દિવસો હતા. વૈદિક સંસ્કૃતિની પ્રતિષ્ઠા માટે આત્મબલિદાન આપનારા એ વિરલ આત્મા પાસેથી પ્રેરણા લઈ તેમના સૂચન પ્રમાણે આચાર્યશ્રી પ્રયાગથી મગધ દેશમાં આવ્યા અને મગધદેશની માહિષ્મતી નગરીમાં પહોંચી, મહાપંડિત મંડનમિશ્ર ક્યાં રહે છે, તેમનું ઘર ક્યાં છે તેની પૂછપરછ કરી ત્યારે રસ્તે મળેલી પનિહારીઓએ કહ્યું કે, “જેના ઘરની બહાર લટકાવેલાં પિંજરમાં રહેલાં મેના અને પોપટ પણ ‘વેદ સ્વતઃપ્રમાણ છે કે પરતઃપ્રમાણ છે? જગત નિત્ય છે કે અનિત્ય? પ્રાણીઓને ફળ આપનાર કર્મ છે કે ઈશ્વર?’ વગેરે જીવનના ગૂઢ પ્રશ્નોની શાસ્ત્રીય ચર્ચા કરતાં હોય તે ઘર મંડનમિશ્રનું જાણશો.” આચાર્યશ્રીને વિસ્મય સાથે આનંદ થયો. આખરે તેઓ મંડનમિશ્રને ઘે૨ આવી પહોંચ્યા. શ્રાદ્ઘક્રિયામાં બેઠેલા મંડનમિત્રે આચાર્યશ્રીનું યથોચિત સ્વાગત કર્યું. બંને વચ્ચે ત્યાર બાદ શાસ્ત્રાર્થ શરૂ થયો. શાસ્ત્રચર્ચાની આકરી શરત એ હતી કે જેનો પરાજય થાય તેણે બીજાનું શિષ્યત્વ ગ્રહણ કરી તેનો આશ્રમ સ્વીકારવો પડે. આ મહાન ચર્ચાના નિર્ણાયક મધ્યસ્થી તરીકે, મંડનમિશ્રનાં ધર્મપત્ની દેવી ઉભયભારતી જ તમામ દૃષ્ટિએ યોગ્ય અને શ્રેષ્ઠ વ્યક્તિ છે તેવો અભિપ્રાય તે સમયે એકઠા થયેલા વિદ્વાનોએ વ્યક્ત કરતાં શંક૨ચાર્યે તેનો સ્વીકાર કર્યો. દિવસો સુધી ચાલેલા આ વાદવિવાદના અંતે, મંડનમિશ્ર શાસ્ત્રાર્થમાં નિરુત્તર થાય છે એટલે ઉભયભારતી પોતાના પતિનો પરાજય અને શંકરાચાર્યનો વિજય જાહેર કરે છે. શંકરાચાર્ય કહે ‘શરત પ્રમાણે મંડનમિશ્ર હવે મારા શિષ્ય બને અને સંન્યાસ આશ્રમ સ્વીકારે.’ ઉભયભારતી કહે, ‘આપનો વિજય હજુ અધૂરો છે. હું મંડનમિશ્રની અર્ધાંગના છું. એટલે જ્યાં સુધી આપ મારી સાથે ચર્ચા કરી, મને પરાજિત કરો નહિ ત્યાં સુધી શરતનો અમલ કરાવી શકાય નહિ.’ આ પછી ઉભય ભારતી સાથે બીજા દિવસથી શાસ્ત્રાર્થ શરૂ થયો જેમાં અંતે ઉભયભારતી સ્વયં પોતાની હાર સ્વીકારે છે. મંડનમિશ્ર આચાર્યશ્રીનું શિષ્યત્વ સ્વીકારે છે અને સંન્યસ્તદીક્ષા ધારણ કરે છે. શંકરાચાર્ય તેમને સુરેશ્વરાચાર્ય નામથી વિભૂષિત કરે છે. ઉભયભા૨તી પણ સંન્યાસ લેવા તૈયાર થયાં. તેમનાં જ્ઞાન, વૈરાગ્ય અને અભ્યાસ જોઈ આચાર્યશ્રીએ તેમને પણ દીક્ષા આપી. પાછળથી આચાર્યશ્રીએ શૃંગેરી મઠની સ્થાપના કરી તે વખતે સુરેશ્વરાચાર્યને તેના અધિષ્ઠાતા બનાવ્યા. ઉભયભારતી પણ ત્યાં જઈને રહ્યાં. બંનેએ અદ્વૈત સિદ્ધાંતના પ્રસાર માટે ભગી૨થ કાર્ય કર્યું. જે અનેક શિષ્યો તેમણે તૈયા૨ કર્યા તે પરંપરાથી તેમના નામ સાથે ‘ભારતી’ એવા ઉપનામથી પ્રસિદ્ધ થયા.

મગધવિજય કરીને શંકરાચાર્ય દક્ષિણ દેશમાં આવ્યા અને મહારાષ્ટ્રમાં શૈવ અને કાપાલિકોને પરાજિત કર્યા. શંકરાચાર્યને બુદ્ધિ અને જ્ઞાનથી તો કદી જીતી શકાશે નહિ તેથી યુક્તિ રચીને તેમની હત્યા કરવાનો વિચાર કાપાલિકોને આવ્યો, અને તેઓએ કાપાલિક ઉગ્ન ભૈરવને આચાર્યશ્રી પાસે મેાકલ્યા. ઉગ્ર ભૈરવ આચાર્યશ્રીના શિષ્ય થઈને સાથે રહ્યો અને તક જોઈને આચાર્યશ્રી જ્યારે સમાધિસ્થ થઈ શાંત બેઠા હતા તે વખતે છુપાઈ રહેલો ઉગ્ર ભૈરવ ખુલ્લી તલવાર સાથે આચાર્યશ્રીની સમીપ હુમલો ક૨વા ધસી ગયો. આચાર્યશ્રી બધી વાત પામી ગયા, પણ શાંત બેસી રહ્યા. એ વખતે ગુરુ ૫૨ આત્યંતિક પ્રેમ કરનાર અને સતત તેમનું ધ્યાન રાખનાર શિષ્ય સનંદન જો ત્યાં સમયસર આવી પહોંચ્યો ન હોત અને ઉગ્ર ભૈરવને મારી હટાવ્યો ન હોત તો આચાર્યશ્રીની તે વખતે જરૂર હત્યા થવા પામી હોત. આચાર્યશ્રીએ તે વખતે પણ સનંદનને ઠપકો આપી જ્ઞાનોપદેશ કર્યો છે.

આ પછી આચાર્યશ્રી ત્યાંથી ચાલીને દક્ષિણમાં તુંગભદ્રા નદીના તટ પર આવ્યા અને ત્યાં એક મંદિર બનાવી તેમાં શારદાદેવીની પ્રતિષ્ઠા કરી અને તે સાથે શૃંગેરી-મઠની સ્થાપના કરી અને તેના આચાર્યપદે પોતાના શિષ્ય સુરેશ્વરાચાર્યને નિયુક્ત કર્યા. એ દિવસોમાં શંકરાચાર્યને પોતાની માતાનું મૃત્યુ સમીપ આવેલું છે તેવી જાણ થતાં માતાને આપેલ વચન પ્રમાણે તેમની પાસે પહોંચી ગયા. આચાર્યશ્રીનાં માતા શ્રી કૃષ્ણનાં ઉપાસક હતાં. પોતાના ઈષ્ટદેવનાં દર્શન કરાવવા માતાએ ઇચ્છા પ્રકટ કરતાં સગુણ સાકાર ભગવાન શ્રી કૃષ્ણની શંકરાચાર્યે અતિ આર્દ્રભાવે સ્તુતિ કરી, જેથી, કહે છે કે, પ્રસન્ન થઈ ભગવાન શ્રીકૃષ્ણે તેમની માતાને દર્શન આપ્યાં અને ભગવદ્-દર્શન પ્રાપ્ત કરી માતા સદ્ગતિ પામ્યાં. સંન્યસ્ત ધર્મની રૂઢિની પરવા ન કરતાં આચાર્યશ્રીએ, પોતાની માતાનો જાતે અગ્નિસંસ્કાર કરી, અલૌકિક માતૃભક્તિનું ઉદાહરણ પૂરું પાડયું. પછી ત્યાંથી આચાર્યશ્રી જગન્નાથપુરી ગયા અને ત્યાં ગોવર્ધનમઠની સ્થાપના કરી, તેના આચાર્યશ્રી પદ્મપાદાચાર્ય (સનંદન)ને નિયુક્ત કર્યા. દક્ષિણ દેશમાં ચૌલ અને પાંડ્ય રાજાઓના પ્રદેશોમાં ફરી, શાક્ત, ગાણપત્ય વગેરે સંપ્રદાયોમાંના અનાચારોને દૂર કર્યા અને દક્ષિણમાં સર્વત્ર વેદાંત ધર્મની ધજાપતાકા લહેરાવી. ત્યાંથી ફરી ઉત્તર ભારત તરફ ચાલી નીકળ્યા. વરાડ થઈ ઉજ્જૈનના પ્રદેશમાં આવી ત્યાં ભૈરવોની ચાલતી અઘોર સાધના બંધ કરાવી. ત્યાંથી આચાર્યશ્રી ગુજરાત સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવ્યા અને દ્વારકામાં શારદામઠની સ્થાપના કરી, તેના આચાર્યપદે પોતાના શિષ્ય હસ્તામલકને સ્થાપ્યા. આ પછી ગંગા નદી આસપાસના પ્રદેશોમાં ફરી વેદ વિરુદ્ધ મતો – સંપ્રદાયોનું નિરસન કરી આચાર્યશ્રી કાશ્મીર પહોંચ્યા અને ત્યાંના પંડિતોને શાસ્ત્રચર્ચામાં હરાવી, અદ્વૈત મતની પ્રતિષ્ઠા કરી. ત્યાંથી પાછા ફરી, આચાર્યશ્રી આસામના કામરૂપ પ્રદેશમાં પહોંચ્યા અને ત્યાં શૈવો સાથે શાસ્ત્રાર્થ કરી તેમને પરાસ્ત કર્યા. ત્યાંથી આચાર્યશ્રી બદરિકાશ્રમમાં પાછા ફર્યા અને હિમાલયની આ તળેટીમાં આચાર્યશ્રીએ જ્યોતિર્મઠની સ્થાપના કરી અને તેના આચાર્ય તરીકે પોતાના શિષ્ય તોટકાચાર્યને નિયુક્ત કર્યા. આચાર્ય ત્યાંથી કેદારક્ષેત્રમાં આવ્યા. હિમાલયની પર્વતમાળા વચ્ચે કેદારનાથ સમીપ અલ્પ દિવસો રહી, ભારતવર્ષનો આ પ્રોજ્જવલ સૂર્ય બત્રીસ વર્ષની ઉંમરે સદાને માટે અસ્ત થઈ ગયો. હિમાલયની ગોદમાં મહાસમાધિમાં લીન થઈ આચાર્યશ્રીએ પોતાના નશ્વર દેહનો ત્યાગ કર્યો. પણ પોતાના લોકોત્તર વિચારો રૂપે તેઓશ્રી સમગ્ર ભારત વર્ષમાં અને વિશ્વભરમાં છવાઈ રહ્યા. સારા માર્ગો અને વાહનો વગરના એ કાળમાં આસેતુહિમાચલ આખાયે ભારત દેશમાં ફરી, વૈદિક સંસ્કૃતિના પુનરુત્થાનનું જે કાર્ય આચાર્યશ્રીએ કરી દેખાડ્યું, તે ખરેખર એક ચમત્કારરૂપ જ કહી શકાય. કલ્પનામાં ન ઊતરે તેવી વાત તેમણે સિદ્ધ કરી બતાવી.

આચાર્યશ્રીનો અક્ષરદેહ, તેમનું વાઙ્મય સ્વરૂપ, હજી આજે પણ આપણી વચ્ચે મોજૂદ છે અને તે આ દેશનો અમૂલ્ય વારસો છે. આમ તો, તેમના નામે એકંદર ૨૭૨ કૃતિઓ ગણાવવામાં આવે છે, પણ એ બધી જ તેમની રચનાઓ છે તે નિશ્ચયપૂર્વક કહેવાનું મુશ્કેલ છે. પછીના આચાર્યોએ તેમના પ્રત્યેના પ્રેમ અને આદરથી પ્રેરાઈને પોતાની કૃતિઓ આચાર્યશ્રીના નામે ચડાવી હોય તેમ બનવાનો પણ સંભવ મનાય છે. આચાર્યશ્રીની મુખ્ય કૃતિઓ આ પ્રમાણે છે અને તે તેમની જ રચના છે તેમ લગભગ બધા વિદ્વાનો માને છે:

(૧) બ્રહ્મસૂત્ર-ભાષ્ય, (૨) ઉપનિષદો પ૨નું તેમનું ભાષ્ય, (૩) ગીતાભાષ્ય, (૪) વિષ્ણુસહસ્રનામ ભાષ્ય, (૫) સનત્સુજાતીય ભાષ્ય, (૬) હસ્તામલક ભાષ્ય, (૭) વિવેકચૂડામણિ, (૮) પ્રબોધસુધાકર, (૯) ઉપદેશસાહસ્રી, (૧૦) અપરોક્ષાનુભૂતિ, (૧૧) શતશ્લોકી, (૧૨) દશશ્લોકી, (૧૩) સર્વવેદાંતસિદ્ધાંતસા૨સંગ્રહ, (૧૪) વાક્યસુધા, (૧૫) પંચીકરણ, (૧૬) આત્મબોધ, (૧૭) મનીષાપંચક વગેરે.

આચાર્યશ્રીનાં ભવ્ય અને ઉદાત્ત દર્શનનો, જીવ, જગત અને ઈશ્વર વિષેના તેમના વિચારોનો, તેમના કેવલાદ્વૈત મતનો અલ્પાંશે પરિચય કરાવવાનું પણ આ નાના લેખમાં શક્ય નથી. તેમના તત્ત્વજ્ઞાન વિષે સ્વતંત્ર રીતે જ લખવું પડે. આચાર્યશ્રીની જીવનલીલાનું રહસ્ય પામવાનું કઠિન છે. અત્રે માત્ર કૃતજ્ઞતા અને ભક્તિભાવપૂર્વક તેમના જીવનપ્રસંગોનું આલેખન કરવાનો નમ્ર પ્રયાસ કરેલ છે.

જ્યાં સુધી માનવ સમાજને એકતા અને ભ્રાતૃભાવના વિચારોની, પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ અને કરુણાના વિચારોની આવશ્યકતા રહેશે, (અને તે કાયમ રહેવાની છે,) ત્યાં સુધી આ બધા આદર્શોની આધારશીલા શ્રીમદ્ આદ્ય શંકરાચાર્યનું અદ્વૈતવાદનું તત્ત્વજ્ઞાન બની રહેશે. માનવજાતની ભૌતિક ઉન્નતિનો વિચાર કરનાર હેગલ, માર્ટ્સ, ઍન્જલ કે તેના માનસિક ઉત્કર્ષનો વિચાર કરના૨ ફ્રોઈડ, એડલર, જુંગ કે પછી વિજ્ઞાનના ક્ષેત્રે ક્રાંતિકારી સંશોધન કરનારા આઈન્સ્ટાઈન, જેમ્સ જીન્સ, હેસનબર્ગ, શ્રોડિન્જર વગેરે આધુનિક યુગના મહાન વિચારકો અને સંશોધનવીરો પર જેમના તત્ત્વજ્ઞાનનો સીધો યા આડકતરો પ્રભાવ પડ્યો છે એવા ભારતીય તત્ત્વજ્ઞાનરૂપી આકાશના અતિ દેદીપ્યમાન તેજસ્વી તારક શ્રીમદ્ આદ્ય શંકારચાર્યના ચરણે કોટિ કોટિ વંદન હજો.

(‘અદ્વૈત વેદાંતના જ્યોતિર્ધરો’માંથી સાભાર)

Total Views: 83
By Published On: May 1, 1994Categories: Jasvant Kanabar0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram