શિકાગો ધર્મ મહાસભા ઔર રામકૃષ્ણ ભાવધારા, લેખક: સ્વામી બ્રહ્મેશાનન્દ, પ્રકાશક: રામકૃષ્ણ મિશન આશ્રમ, સ્વામી વિશુદ્ધાનન્દ માર્ગ, મોરાબાદી, રાંચી (૮૩૪૦૦૮) (બિહાર) મૂલ્ય ૩૦ રૂપિયા, પૃષ્ઠ સંખ્યા ૨૩૬.

શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસી સ્વામી બ્રહ્મેશાનંદે લખેલા કુલ એકવીસ હિન્દી લેખોનો આ પુસ્તકમાં સંગ્રહ કરાયો છે. પુસ્તકને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પ્રથમ ભાગમાં તાત્ત્વિક વાતો પરત્વે લખાયું છે અને એમાં દસ લેખો સંગ્રહાયા છે અને બીજા ભાગમાં શ્રી ઠાકુર, શ્રી સ્વામીજી અને શ્રીશ્રીમા વિષયક અગિયાર લેખો સંગ્રહાયા છે.

મૂળે આ બધા જ લેખો રામકૃષ્ણ ભાવધારાને પ્રસરાવતી હિન્દી માસિકપત્રિકા ‘વિવેકશિખા’માં પ્રકાશિત થયા હતા અને સ્વામી વિવેકાનંદના શિકાગો – વિશ્વધર્મપરિષદમાં સંમિલિત થવાના મંગલ અવસરની શતાબ્દીના ઐતિહાસિક અવસરે એ બધા લેખોનું સંકલન અહીં પુસ્તકાકારે પ્રસ્તુત કરવામાં આવ્યું છે અને આ સંપાદન પણ ‘વિવેકશિખા’ના સંપાદક મહાશયે જ કર્યું છે એ આનંદની વાત છે.

‘વિવેકશિખા’ના સંપાદકશ્રીએ કેવળ આ લેખોનું સંકલન જ નથી કર્યું પણ તેમણે આઠેક પૃષ્ઠોમાં “શિકાગો ધર્મ મહાસભા ઔર રામકૃષ્ણ ભાવધારા” વિષયક એક મનનીય અને ભાવપૂર્ણ લેખ પણ આ સાથે જોડ્યો છે. તેમાં રામકૃષ્ણ ભાવધારાનું સ્વરૂપ, સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ અને તેમણે આપેલા યોગદાનનું સુંદર આલેખન ક૨વામાં આવ્યું છે.

રામકૃષ્ણ ભાવધારાનું ઉદ્‌ઘાટન કરતા પુસ્તકના પ્રથમ ભાગના દસ નિબંધોમાંનું વિવરણ વાંચીને એ ભાવધારાની ગંગોત્રીની પિછાણ કરવાની જિજ્ઞાસા થાય જ. એની પૂર્તિ માટે એ ગંગોત્રીનાં ત્રિરભ ઠાકુરજી, સ્વામીજી અને શ્રીશ્રીમાનાં શીલ પ્રેમ – ક્ષમા વગેરે ભાવો, વિચારો, ગુણો અને અંતઃ પ્રવૃત્તિઓનું વિશદ ધ્યાન આપતા અગિયાર નિબંધો બીજા ભાગમાં આપેલા છે.

પુસ્તકના પૂર્વાર્ધમાં ભાવધારાના તાત્ત્વિક વિષયનો સ્પર્શ કરીને ભાવધારાની પરિભાષા, એનો ઉદ્ગમ, પ્રવાહ, વિકાસ, ઉપયોગ અને સાતત્યની સ્પષ્ટતા કરી છે. અને એ ભાવધારાની ગંગોત્રી સમી ઠાકુર – શ્રીમા – સ્વામીજીની ત્રિમૂર્તિના ઉપદેશોનો સમન્વય કરીને તેમની અભિન્નતા બતાવવામાં આવી છે. અને એના કેન્દ્રબિંદુ તરીકે “આત્મનો મોક્ષાર્થ જગત્ હિતાય ચ”નું સિદ્ધાંતસૂત્ર સ્થાપ્યું છે. “સ્વામી વિવેકાનંદ પ્રતિપાદિત કર્મયોગનું વૈશિષ્ટય”ના લેખમાં લેખકે ગીતોક્ત કર્મયોગના સ્વપ૨ક અને ૫૨૫૨ક દૃષ્ટિકોણની વાત કરીને સ્વામીજીના કર્મયોગની વિશિષ્ટતા વિષે કેટલુંક મૌલિક ચિંતન કર્યું છે. ભાવિ ધર્મની વૈજ્ઞાનિકતા, તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનના સુમેળ વગેરે વિશે પણ બેએક નિબંધો આ પુસ્તકમાં છે અને બેએક નિબંધો રામકૃષ્ણ મઠ – મિશનની વિશેષતા, એના આદર્શ અને કાર્યપરત્વેના પણ અપાયા છે.

બીજા ભાગમાં ચાર લેખો શ્રીરામકૃષ્ણદેવ વિષયક છે, પાંચ લેખો સ્વામી વિવેકાનંદ વિષેના છે અને બે લેખો શ્રીશ્રીમા શારદાદેવી વિષેના છે. શ્રીરામકૃષ્ણદેવના ભક્તપ્રેમ, અવતારતત્ત્વ, ધર્મસંસ્થાપન અને મહામાનવત્વ પર અહીં પ્રકાશ પાડવામાં આવ્યો છે. શ્રીશ્રીમાની પવિત્રતા, તપસ્વિતા, તિતિક્ષા, વત્સલતા વગેરે પર પણ સદૃષ્ટાન્ત કહેવાયું છે.

આધ્યાત્મિક ક્ષેત્રે આ ત્રિમૂર્તિની સહજ વિશ્વ-કલ્યાણકારિતા આ પુસ્તકના બધા લેખોમાં વરતાય છે. જનસેવા, રાષ્ટ્રનિર્માણ અને સહિષ્ણુતા વગેરે તો એ કેન્દ્રીભૂત ક્ષેત્રની આનુષંગિક બાબતો છે એટલે આ પુસ્તકના લેખોમાં એ કેન્દ્રિય ભાવને જ મુખ્યત્વે પકડવામાં આવ્યો છે અને એમાંથી પ્રસ્ફુટિત થતા વિલક્ષણ ભાવો જનસમાજ માટે ઉપયોગી બન્યા છે, એણે યુવાનોને દિશા બતાવી છે, એણે ધર્મસમન્વય પ્રબોધ્યો છે, એણે સહિષ્ણુતા શીખવી છે. એણે વિશ્વને ભૌતિકવાદની પકડમાંથી બચાવવા બનતું બધું કર્યું છે. એનાં પરિણામો પણ આજે ઇતિહાસના મર્મજ્ઞો સ્પષ્ટરૂપે જોઈ રહ્યા છે.

આ પુસ્તકમાં સંકલિત થયેલા રામકૃષ્ણભાવધારા સંબંધી બધા લેખો એવો સંદેશ આપી જાય છે કે આ રામકૃષ્ણ ભાવધારા એ આધ્યાત્મિક ભાવસમૂહની સુધામયી જલધારા છે કે જે ભાવિ કાલખંડોમાં ભૌતિકવાદથી જીર્ણ – શીર્ણ – ત્રસ્ત માનવજાતને શાન્તિ અને શાશ્વત સુખનો આસ્વાદ કરાવશે.

રામકૃષ્ણની આ ભાવધારા અનુસાર ધર્મના વિષયમાં લેખક લખે છે કે એ ધર્મ વૈજ્ઞાનિક હશે, એ ધર્મમાં અનિવાર્ય મૂળ તત્ત્વ કેન્દ્રમાં હશે અને એનાં ગૌણ અને સહાયક તત્ત્વો યુગે યુગે બદલાતાં રહેશે, બધાં ધાર્મિક ઉપકરણોનું તર્કસંગત અને મનોવૈજ્ઞાનિક વર્ગીકરણ થઈ ચૂક્યું હશે; માનવમનમાં સુપ્ત – જાગ્રત સર્વ ક્ષમતાઓનાં વિકાસને એ ધર્મમાં અવકાશ મળતો હશે; એમાં વૈવિધ્ય અને પૂરતું લચીલાપણું હશે; પોતાનું તેમ જ જગતનું સર્વાંગીણ કલ્યાણ ક૨વાનો એનો ઉદ્દેશ હશે; વિશ્વના વિશાલતમ જનસમાજને એ આંબતો હશે. (ભાગ ૧, લેખ ૩, ૫, ૬)

લેખક એક બીજી સારી અને સાચી વાત પણ કરે છે. એ કહે છે કે આપણા આવડા મોટા ઉપખંડ ભારતવર્ષમાં આ ભાવધારાની એકમાત્ર નહે૨ – રામકૃષ્ણ મઠ, મિશન પર્યાપ્ત નથી. એ માટે એવી બીજી ઘણી નહેરો ખોદી અને આ ભાવધારાનો પ્રચારપ્રસાર થવો જોઈએ. (ભાગ ૧. લેખ ૧૦) કહે છે: “રામકૃષ્ણ સંઘ (મઠ અને મિશન) ભલે આ બૃહત આંદોલનની મહત્ત્વની શાખા છે, છતાં આખરે તો એ શાખા જ છે.” વળી (ભા.૧ લે. ૧માં) “આવો આપણે એમાં નવી નહેરો ખોદીએ જેથી એ વિશ્વના ખૂણેખૂણે પહોંચી જાય.” શાખા-શાખા વચ્ચે ભાવૈક્ય સર્જવાની અને ગુટબંધી દૂર કરી કામ કરવાની મધમીઠી સલાહ એમાં લેખકે આપી જણાય છે.

ખાસ કરીને નારીમાં રહેલ માતૃત્વના વિશિષ્ટ ગુણ, વિશિષ્ટ મનોદશા અને એને અનુષંગે આવતો અન્ય ગુણલક્ષણોનો પ્રચાર પ્રસાર – વિકાસ જનસમાજ અને વ્યક્તિમાં થાય, એ રામકૃષ્ણધારાનું બીજું ખાસ વલણ પુસ્તકમાં બતાવ્યું છે. દરેકે પોતાનું નિરીક્ષણ પરીક્ષણ કરીને એ ખામી હોય તો એને પૂરી કરવી જોઈએ. (ભા.૧ લેખ ૭-૮)

એક બીજી ઉલ્લેખનીય વાત એ છે કે આ પુસ્તકના ભક્તિપ્રવણ લેખક પોતે તો અવશ્ય જ શ્રીરામકૃષ્ણદેવને અવતાર તરીકે લેખે છે અને એ વાત એમણે (૨-૧) સોદાહરણ ચર્ચી પણ છે. છતાં પોતાની એ માન્યતાને તેઓ વાચકો ઉપર ઠોકી બેસાડવા માગતા નથી. એમણે પોતે જ આ પ્રશ્ન ઉઠાવીને નિષ્કર્ષ બતાવ્યો છે કે રામકૃષ્ણને અવતાર માનવા અનિવાર્ય નથી. પુસ્તકના બીજા ભાગના શ્રીરામકૃષ્ણ સંબંધી લેખોમાં આ બાબતની સારી છણાવટ કરવામાં આવી છે. વાચકો આથી પૂર્વગ્રહોથી મુક્ત થશે, તટસ્થ ચિંતન મનન કરશે અને એ વિષેનો નિર્ણય પોતે જ કરી લેશે.

આ પુસ્તકના ત્રિમૂર્તિ વિષયક લેખોના કેટલાક મૌલિક મુદ્દાઓ એવા પણ છે કે જેના વિશે સંશોધનને પણ પૂરો અવકાશ છે. અનુસંધાન કરનારાઓ એનો લાભ લઈ શકે છે. ‘મા શારદા કી સાધનાયેં’માં કરેલ ચાર યાગોનું વ્યાવહારિક ભૂમિકા પર તાત્ત્વિક વિશ્લેષણ તેમજ “શિવાવતાર સ્વામી વિવેકાનંદ”ની રૂપકપ્રધાનતામાં વાચકને ચિંતનની નવી સામગ્રી મળી શકે તેમ છે.

ત્રિમૂર્તિથી અપરિચિત પાઠકોમાં જિજ્ઞાસા અને પરિચિત પાઠકોમાં ચિંતનસમૃદ્ધિ વધારતું આ પુસ્તક સૌ કોઈ માટે પ્રે૨ક નીવડે તેવું છે એમાં શંકા નથી.

સમીક્ષક: શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 242

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.