વિશ્વધર્મ પરિષદ ૧૯૯૩

(૧૯૯૩માં શિકાગોમાં યોજાયેલી વિશ્વધર્મ પરિષદમાં ગુજરાતના પ્રસિદ્ધ સાક્ષર અને જૈનદર્શનના ચિંતક ડૉ. કુમારપાળ દેસાઈએ જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. આ વિશ્વધર્મ પરિષદનો એમણે મેળવેલો પ્રત્યક્ષ અનુભવ અહીં આલેખીએ છીએ.)

એકસો વર્ષે ફરી ઇતિહાસ આળસ મરડીને બેઠો થયો. ઈ.સ. ૧૮૯૩માં અમેરિકાના શિકાગો શહેરમાં વિશ્વધર્મ પરિષદનું આયોજન થયું હતું. આ ધર્મપરિષદ સત્તર દિવસ સુધી ચાલી હતી. દેશ-વિદેશના દસ હજાર પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. એકહજાર જેટલા નિબંધો આવ્યા હતા, અને પાંચસો પાંત્રીસ વક્તવ્યો થયાં હતાં.

આજથી એકસો વર્ષ પહેલાં થયેલી પરિષદનો ઈરાદો જગતને ખ્રિસ્તી ધર્મનો પરિચય કરાવવાનો હતા જુદાજુદા ધર્મોના અગ્રણીઓ સમક્ષ ખ્રિસ્તી ધર્મના પ્રભાવનો પરચો આપવાનો હતો. પરંતુ વાત સાવ વિપરિત બની. સ્વામી વિવેકાનંદ અને શ્રી વીરચંદ ગાંધી જેવાએ પૂર્વના ધર્મોની મહત્તા બતાવીને પશ્ચિમને દંગ કરી દીધું. ભારતને રાજા, વાઘ અને કોબ્રાનો દેશ માનના૨ બહા૨ની દુનિયાને ભારતની ભવ્ય સંસ્કૃતિ અને ગહન તાત્ત્વિક વિચારણાનો અનુભવ થયો.

એકસો વર્ષ બાદ ફરી શિકાગોમાં વિશ્વધર્મ પરિષદ યોજાઈ ત્યારે મજાની વાત એ બની કે એક સૈકા પૂર્વે આ પરિષદના આયોજન પાછળ ખ્રિસ્તી ધર્મનો દોરીસંચાર હતો. જ્યારે આ વખતે અમેરિકાના શિકાગો શહેરમાં પૂર્વના ધર્મોએ વિશ્વધર્મ પરિષદ યોજવાનું બીડું ઝડપ્યું હતું.

શિકાગોની વિવેકાનંદ વેદાંત સાસાયટીના કેટલાક મિત્રો એકઠા થયા હતા. એમને વિચાર જાગ્યો કે એકસો વર્ષ પહેલાં જેવી પરિષદ યોજાઈ હતી એવી વિશ્વધર્મ પરિષદ ફરી યોજીએ. આ સમયે હિંદુ, જૈન, બૌદ્ધ, શિન્તો અને કન્ફયુશિયસ ધર્મના અનુયાયીઓ ભેગા થયા હતા.

૧૯૮૮ની વસંત ઋતુમાં આ સહુએ મળીને નિર્ણય લીધો કે ફરી શતાબ્દી સમારોહરૂપે વિશ્વધર્મ પરિષદનું આયોજન કરવું અને ધીરેધીરે બીજા ધર્મો પણ આમાં જોડાયા.

આખીય પરિષદનો ખર્ચ ૨૩ લાખ ડૉલર આંકવામાં આવ્યો. આમાં પહેલી મદદ વિશ્વ પ્રસિદ્ધ રૉકફેલ૨ ફાઉન્ડેશને કરી. એક બેંકે પોતાનું વિશાળ મકાન આના કાર્યાલય માટે સોંપી દીધું અને ધીરેધીરે એક ઝરણું વિરાટ રૂપ લેવા માંડ્યું.

આયોજકોને માટે એક મૂંઝવણ પણ ઊભી થઈ હતી. કોઈ એક સ્થળે સઘળા કાર્યક્રમો યોજવા શક્ય ન હતા. આમ તો શિકાગોની સત્ત૨ નંબરની ઈસ્ટ મનરો સ્ટ્રીટમાં આવેલા વિશાળ પાલ્મર હાઉસના અનેક ખંડોમાં આનું આયોજન રાખ્યું હતું. બધા જ કાર્યક્રમોને પહોંચી વળવું અહીં મુશ્કેલ લાગ્યું. આથી મુખ્ય કાર્યક્રમો પાલ્મર હાઉસમાં રાખીને બીજા કાર્યક્રમો માટે ગ્રાન્ડ પાર્ક, ઍવરી ફિલ્ડ, સૅન્ટ જ્હૉન કૅથેડ્રલ, શિકાગો થિયેટ૨, શિકાગો મંદિર, શિકાગો જૈન સૅન્ટર અને યહૂદી ધર્મનું નૉર્થ શોર ક્રોંગ્રેગેશન જેવાં સ્થળોએ આયોજન કરવામાં આવ્યું હતું.

આમાં ભાગ લેવા વિશ્વભરના ધર્મના અગ્રણીઓ, ચિંતકો, સર્જકો, વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદોને નિમંત્રણ આપવામાં આવ્યાં હતાં. કુલ છસો જેટલા કાર્યક્રમો યોજાયા. પરિષદના મુખ્ય આયોજક ડૉ. ડેનિઅલ ગોમેઝ ઈબાનેઝ આની સફળતા માટે આખી દુનિયાનું પરિભ્રમણ કરી આવ્યા. ડેનિયલ ગોમેઝ અમદાવાદની એક દિવસની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે કહ્યું કે તેઓ એક સમયે વિસકોન્સિલ યુનિવર્સિટીના ભૂગોળના અધ્યાપક હતા. અત્યારે વિસકોન્સિલની પાવર ઍન્ડ લાઈટ કંપનીના ડાયરેક્ટર છે. પરંતુ એમને ભારતીય તત્ત્વવિચારમાં રસ જાગ્યો. શ્રીરામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રભાવિત થયા અને એને કારણે જ નોકરીમાંથી વગર પગારે રજા લઈને ગાંઠના પૈસે છેલ્લાં પાંચ વર્ષથી પરિષદની સફળતા માટે પ્રયાસ કરી રહ્યા હતા. ડેનિયલ ગોમેઝની દૃષ્ટિ આગવી છે. એ ધર્મને વ્યવહારમાં ઉતારવા માગે છે. આજની દુનિયાના પ્રશ્નોની વેદના એમની આંખોમાં ચમકતી હતી.

એશિયાઈ અને આફ્રિકન દેશોની ગરીબી એમને ઉજાગરા કરાવે છે. વારંવાર થતાં યુદ્ધો એમના અંતરને આઘાત આપતા હતા. જગતભરમાં ચાલતા શોષણ અને અન્યાયનો એમને ભારે અજંપો હતો. પર્યાવરણ, શિક્ષણ, ધર્મો વચ્ચેનો સદ્ભાવ આ બધા અંગે આ પરિષદમાં કશુંક રચનાત્મક થવું જોઈએ એમ તેઓ માનતા હતા.

માત્ર હિંસાનો વિરોધ કરવાથી પૂર્ણવિરામ આવી જતું નથી. બલ્કે એ હિંસાનો વિરોધ કરવાની દિશામાં સક્રિય પગલાં લેવાં એ જ સાચું પૂર્ણવિરામ છે. આ ધર્મ પરિષદમાં પાંચસો જેટલા વર્કશોપ યોજાયા. ધર્મની ભાવનાઓને આજના માનવીના જીવનમાં ઉતારવાનો એનો ઉદ્દેશ્ય રખાયો.

ધર્મની ભાવનાઓ સારી. ધર્મનો ઉપદેશ મહાન. કિંતુ શાને માટે જગતમાં ધર્મના નામે યુદ્ધ થાય છે? આ સવાલ પરિષદમાં ભાગ લેનારા સહુ કોઈની સમક્ષ મૂકવામાં આવ્યો હતો. એનો હેતુ એ હતો કે ગરીબી, બિમારી, ભૂખમરો અને પ્રદૂષણને કારણે આ પૃથ્વી ભયજનક બની છે. એ ભય નિવારણ માટે નક્કર પગલાં ભરીએ. હવે પ્રવચનો નહીં પણ પ્રવૃત્તિ જોઈએ.

આ રીતે પરિષદનો હેતુ આવતી કાલની દુનિયા માનવીને રહેવા માટેનું શાંત અને સુરક્ષિત સ્થળ બને તે હતો. માત્ર આમાં જે ઉપસ્થિત છે એને માટે જ આ ઉજવણી નહોતી. આ ઉજવણીનો આશય તો જેઓ આ વિશ્વધર્મ પરિષદમાં હાજર નથી, અરે! જેઓ હજી જન્મ્યા નથી એમને માટે સુંદર જગતની ભેટની નવાજેશ કરવાનો હતો.

જગતને આધ્યાત્મિક્તાનું મંદિર બનાવવાનો આ પરિષદનો હેતુ હતો. આની સાથોસાથ ૧૯૯૫માં યોજાનારી યુનો સંસ્થાની અર્ધશતાબ્દી અને ૧૯૯૯માં યોજાનારી હેગમાં મળનાર વર્લ્ડ પીસ કોન્ફરન્સની શતાબ્દીની ઉજવણીને પણ સાંકળી લેવામાં આવી હતી. માનવજાતને એના સર્વ સામાન્ય વારસા સાથે અને એની આંતરિક આધ્યાત્મિક્તા સાથે જોડવાનો આ પ્રયાસ હતો. આ સમયે દાગ હેમરશીલ્ડના એ શબ્દો યોજકોના મનમાં ઘૂમતા હતા. એમણે કહ્યું હતું, “આ જગતમાં કાયમી શાંતિ સ્થપાય એવી આશા ગુમાવી બેઠો છું. મેં ઘણા પ્રયત્નો કર્યા અને કરુણ રીતે નિષ્ફળ ગયો. જો આ જગતનો આધ્યાત્મિક પુનર્જન્મ નહીં થાય તો સંસ્કૃતિનો સર્વનાશ થશે.” આવા આધ્યાત્મિક નવજાગરણને લક્ષમાં રાખીને આ પરિષદ યોજાઈ રહી હતી. આ પરિષદમાં કોઈ ધર્મોનો પ્રચાર કે પ્રભાવ બતાવવાનો ઈરાદો ન હતો. પરંતુ જગતમાં આધ્યાત્મિક ક્રાંતિ સર્જવાનો આશય રાખ્યો હતો.

૧૯૯૩ની વિશ્વધર્મ પરિષદના પ્રારંભ પૂર્વે જ વીસેક દિવસે અગાઉ રજિસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું હતું.

સાડા ત્રણસો ડૉલર અને પાંચસો ડૉલરની મોંઘી રજિસ્ટ્રેશન ફી હોવા છતાં જિજ્ઞાસુઓનો પ્રવાહ એમાં પ્રવેશવા માટે અધીરો બન્યો હતો. યોજકોએ કલ્પના પણ નહોતી કરી કે સમગ્ર વિશ્વમાંથી આટલો બધો હુંફાળો પ્રતિભાવ મળશે.

૧૯૯૩ની ૨૮મી ઑગસ્ટ અને શનિવારે પાલ્મર હાઉસ હિલ્ટનમાં જ્યારે આ વિશ્વધર્મ પરિષદનો પ્રારંભ થયો, ત્યારે કેટલાય નવાં પરિમાણો રચાઈ ચૂક્યાં હતાં.

અવિસ્મરણીય આરંભ પૂર્વે ઘણી નવી ઘટનાઓ સર્જાઈ હતી. આ વિશ્વધર્મ પરિષદ એ જુદાજુદા ધર્મોના વૈવિધ્ય, વ્યાપક્તા અને ઊંડાણ એ ત્રણેય દૃષ્ટિએ વિવિધ ધર્મના અગ્રણીઓની સૌથી મોટી સભા બની ચૂકી હતી.

આમાં વ્યાપક પ્રચાર કરવાની સુંદર કલા ધરાવતો નાનકડો બહાઈ ધર્મ હતો. બૌદ્ધ, ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મ એની દેશ દેશની ભિન્નતા સાથે પણ સામેલ થયા હતા. હિંદુ, જૈન, યહુદી, કન્ફ્યુશિયસ, શિન્તો અને તાઓ ધર્મના અગ્રણીઓ પણ ભાગ લેતા હતા. શીખ ધર્મ પ્રભાવશાળી રીતે રજૂ થયો હતો. નેટીવ અમેરિકન, નીઓ પાગાન, યુનિટેરિયન અને રાસ્ટાફરીયન્સ જેવા ઓછા જાણીતા ધર્મો પણ પોતાની આગવી વિચારસરણી સાથે હાજર હતા. સ્વામી વિવેકાનંદનો સંદેશ આ ધર્મપરિષદમાં સતત ગુંજતો હતો. “યુનિવર્સલ રિલિજિયન”ની એમની ભાવના આજેય એટલી જ સાંપ્રત જણાતી હતી.

ગુજરાતી કવિ “કાંત”ના જીવનમાં વિચાર આંદોલનો જગાડનાર સ્વીડનબોર્ડના પંથની વાતો સંભળાતી હતી. તો બીજી બાજુ જન્મ-પુનર્જન્મની ઘટનાઓ વર્ણવતો થિયૉસૉફિકલ પંથ પણ હતો.

આખું વિશ્વ એની વિવિધરંગી રંગીનતા સાથે પાલ્મર હાઉસમાં ઉમટ્યું હોય તેવો અનુભવ થતો હતો. આમાં ધર્મનેતાઓ એમના પોતાના પોશાકમાં ઘૂમતા જોવા મળતા હતા. કોઈ ત્રિપુંડધારી સાધુ મળે, ત્રિશૂળધારી યોગી દેખાય, કોઈ પાદરી શ્વેત વસ્ત્રમાં હોય તો કોઈ રેડ ઈન્ડિયન એના હથિયાર સહિત ઊભો હોય. કોઈ ટાઈ-શુટમાં ઘૂમતા હોય. તો કોઈ પોતાના દેશના પોશાકમાં ફરતા હોય.

અમેરિકાના મૂળ વતનીઓની ૩૮ જાતિઓએ આમાં ભાગ લીધો હતો, તો આફ્રિકાની આદિવાસી જાતિઓ પણ એના ધર્મ અને ધર્મગુરુ સાથે ઉપસ્થિત હતી. દરેક ધર્મની પ્રણાલીને અહીં આદર આપવામાં આવતો હતો. કોઈ નાનકડી આદિવાસી જાતિનો ખોબા જેવડો ધર્મ પણ અહીં ખોવાઈ ગયો ન હતો.

આવા સમયે મારા મનમાં કલ્પના જાગી કે આજથી એકસો વર્ષ પૂર્વે સ્વામી વિવેકાનંદે શિકાગોની ધરતી પર પગ મૂક્યો હશે ત્યારે અજાણ્યા મુલકમાં એકલા અટુલા માનવી જેવા લાગ્યા હશે. અમેરિકાની ધરતી પર કાઠિયાવાડી પાઘડી સાથે શાલ વીંટાળીને ભારતીય પોશાકમાં આવના૨ વીરચંદ ગાંધીને આ શિકાગો શહેર કેવું લાગ્યું હશે!

આજથી સો વર્ષ પહેલાં ૧૮૯૩ના સપ્ટેમ્બરમાં રોમન કૅથૉલિક પાદરી, કન્ફયુશ્યસ સાધુ અને તાઓ સાધુ, બૌદ્ધ ભિખ્ખુ, પ્રોટેસ્ટન્ટ મિનિસ્ટર્સ અને હિંદુ સ્વામીઓ જ્યારે પોતીકા વેશમાં નીકળ્યા હતા, ત્યારે કેવું અજાયબ વાતાવરણ ઊભું થયું હશે?

આજે એ શિકાગોમાં ત્રીસ લાખ ડૉલરના ખર્ચે તૈયાર થયેલું વિશાળ જૈન મંદિર છે અને શિકાગો અને એની આસપાસ ૨૫૦૦થી વધુ જૈન વસે છે. આખા અમેરિકામાં આ આંકડો સિત્તેર હજારને પણ વટાવી જાય.

આજથી સો વર્ષ પહેલાં વર્લ્ડ પાર્લામેન્ટમાં શ્રીલંકાના અંગારિક ધમ્મપાલ અને જાપાનના શોગન સાકુ આવ્યા હતા. આ સમયે આ બૌદ્ધ વિદ્વાનોએ ભારે કુતૂહલ જગાવ્યું હતું. આજે અમેરિકામાં ચાલીસ લાખ બૌદ્ધો વસે છે. એક લાખ અને પંચાવન હજાર તો શિકાગો અને તેની આસપાસ વસે છે.

એક સદી પૂર્વે સ્વામી વિવેકાનંદ હિંદુ ધર્મના નેતા તરીકે આવ્યા હતા, જ્યારે આ વિશ્વધર્મ પરિષદમાં ચૌદ જેટલા હિંદુ ધર્મગુરુઓ આવ્યા હતા અને શિકાગોની આસપાસ પંદરેક જેટલાં હિંદુ ધર્મસ્થાન આવેલાં છે. એકાદ લાખ હિંદુઓ આ વિસ્તારમાં વસે છે.

૧૮૯૩માં માત્ર એક જ વ્યક્તિએ ઈસ્લામ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જ્યારે આ વખતે અઢી લાખ મુસ્લિમોએ શિકાગો અને એની આસપાસ મસ્જિદમાં નમાજ પઢી હતી. બીજી બાજુ ખ્રિસ્તી ધર્મનું પ્રાધાન્ય અમેરિકામાં હોય તે સ્વાભાવિક છે. પરંતુ પહેલી જ વાર રેડ ઈન્ડિયન અને ઍગ્લીક્ન્સ નામની ધર્મ પરંપરાને આ વખતે સ્થાન મળ્યું હતું.

ભૂતકાળની એ ઘટના અને વર્તમાનની આ ઘટના વચ્ચે એક મોટો તફાવત હતો. ૧૮૯૩ની વિશ્વધર્મ પરિષદમાં ધર્મોની સમજનો સવાલ હતો. જ્યારે આ વખતે આજના વિશ્વના પ્રશ્નો ઉકેલવામાં ધર્મ કઈ રીતે સહાયભૂત બને તેનો વિચાર કરીને એ બાબતોનો અસરકારક અમલ કરવાનો હતો. યુદ્ધ, ગરીબાઈ, પ્રકૃતિનો વિનાશ એ બધી બાબતો વિશે પ્રત્યેક ધર્મ પોતાની ભાવના અને ઉકેલ સાથે હાજર થયો હતો.

જેમ વિશ્વ ઑલિમ્પિકમાં જગતના તમામ દેશના ખેલાડીઓ મળે છે, એક સાથે જુદીજુદી ૨મત સ્પર્ધામાં ભાગ લે છે, એ પ્રમાણે આ વિશ્વધર્મ પરિષદનો એક આશય સંવાદિતાના વાતાવરણમાં ભિન્નભિન્ન ધર્મોની વિશેષતા બતાવવાનો હતો. અપાર વૈવિધ્યની વચ્ચે એક સુમેળ સાધવાનો હતો. પરસ્પરના ધર્મો વિશે સમજ કેળવીને એક નૈતિક અવાજ ઉઠાવવાનો હતો.

આ ધર્મ પરિષદનો પ્રારંભ વિશાળ સરઘસથી થયો હતો. દરેક ધર્મના અગ્રણીઓ સરઘસાકારે નીકળ્યા અને મુખ્ય કાર્યક્રમ યોજ્યો હતો, તે વિશાળ ખંડમાં ગોઠવાતા ગયા. પ્રારંભ થયો ત્યારે વિરાટ હૉલમાં કેટલાય માણસો એવા હતા કે જેમને બેસવાની જગ્યા ન હતી. કેટલાક મોડા પડતા એમને બહાર ઊભા રહેવું પડયું હતું. ભવ્ય ગરિમા સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. એકસોવીસ જેટલા ખ્યાતનામ ધર્મગુરુઓ આવ્યા હતા, ચિંતકો અને પર્યાવરણવાદીઓ આવ્યા હતા.

એક પછી એક ધર્મની પ્રાર્થના શરૂ થઈ. પ્રાર્થના પૂરી થાય અને તાળીઓનો ગડગડાટ થાય. ખૂબીની વાત એ હતી કે દરેક પ્રાર્થના સહુની પોતપોતાની ભાષામાં હોવા છતાં એનો ભાવ સહુને સ્પર્શી જતો હતો.

પ્રાર્થના પછી મૌનને સ્થાન મળ્યું. બ્રહ્માકુમારી પ્રતિમાદેવીએ સહુને મૌન પ્રદેશમાં એક સાથે પ્રવેશવા ઈજન આપ્યું હતું. ૧૯૯૩ની વિશ્વધર્મ પરિષદની કલ્પના કરનાર અને એને સાકાર કરવા માટે અવિરત પુરુષાર્થ કરનાર ડેનિયલ ગોમેઝ : ઈબાનેઝે સંક્ષિપ્ત પણ માર્મિક પ્રવચન કર્યું હતું.

એમણે દરેક ભાષામાં “સ્વાગત”ને માટે વપરાતો શબ્દ કહ્યો. ધર્મ-ધર્મ વચ્ચે સંવાદ અને સહકાર સધાય એને આ ધર્મપરિષદની મુખ્ય ભૂમિકા ગણાવી ભાવવિભોર થઈને એમણે કહ્યું, “આ વિશ્વધર્મ પરિષદનું ઉદ્‌ઘાટન નથી પણ આપણાં હૃદયોનું ઉદ્‌ઘાટન છે. પૃથ્વોનો માનવ અહીં એનાં અંતરના દ્વાર ખોલશે અને બીજાના અંતરને પારખશે. ધર્મ ધર્મના સંવાદની સાથે હૃદય-હૃદયનો સંવાદ હવે સર્જાશે.”

સમગ્ર સભાખંડે ડેનિયલ ગોમેઝ: ઈબાનેઝને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો.

ધર્મનું એક વ્યાપક દૃશ્ય અહીં ખડું થયું હતું. ક્યાંય કોઈ સંકુચિતતા નહીં. ક્યાંય જડતા, મતાગ્રહ કે અંધશ્રદ્ધા નહીં. ધર્મનું અહીં જે સ્વરૂપ જોવા મળ્યું તેમાં શ્રદ્ધા અને સમજણ બંનેનો સમન્વય હતો. યુનોના એક સમયના મદદનીશ સૅક્રેટરી જનરલ ડૉ. રૉબર્ટ મૂલર અહીં વિશ્વના પ્રશ્નો અને ધર્મના પ્રદાનની વાત કરતા હતા. આપણે ત્યાં નાના વાદવિવાદોમાં, નિવેદનબાજીમાં, સિદ્ધિ પ્રસિદ્ધિમાં, અહમાં અને મતાંધતામાં આપણે ધર્મની કેવી દુર્દશા કરી છે! સ્વામી વિવેકાનંદનું પુણ્ય સ્મરણ કરવામાં આવ્યું હતું.

ધર્મપરિષદના આરંભે અમેરિકન બૌદ્ધિસ્ટ કૉંગ્રેસના ડૉ. યુથેન ફાંગચાએ એવી ભાવના વ્યક્ત કરી કે આ પરિષદ એ માનવજાતિમાં સમજદારી અને શાંતિ ફેલાવવાનું સાધન બને, જ્યારે રોમન કૅાલિક ચર્ચના પાદરી અને શિકાગો શહેરના અગ્રણી ધાર્મિક નેતા જૅસેફ કાર્ડિનલ બૅ૨ના૨ડીને કહ્યું કે, “માનવ કુટુંબ તો એક જ છે, પણ આજે એક જ કુટુંબના સભ્યો વચ્ચે અસહિષ્ણુતા, હિંસા અને અન્યાય જોવા મળે છે. તે ઓછા કરીએ તેવી આજના સમયની માગ છે.” એમણે લાગણીસભર અવાજે પ્રભુને પ્રાર્થના કરતા કહ્યું કે, “હે પ્રભુ તમે તમારા તમામ સર્જનને પ્રકાશ આપો.”

નાનકડી બહાઈ કોમ આજે દુનિયાભરમાં પ્રચાર અને પ્રગતિશીલતામાં ઉદાહરણરૂપ ગણાય છે. બહાઈ ધર્મને હજી માંડ દોઢસો વર્ષ થયાં છે. છતાં વિશ્વમાં વ્યાપકપણે વિસ્તરેલા ધર્મોમાં એનું બીજું સ્થાન છે. આજે ૨૩૨ દેશોમાં એના ઉપાસકો મળે છે.

ઈરાકમાં શરૂ થયેલો આ ધર્મ એક ઈશ્વરની ઘોષણા કરે છે. વળી કહે છે કે આ ઈશ્વર માનવતાની પ્રગતિ માટે સતત સક્રિય છે. એમાંથી ધર્મની એકતાની ભાવના પ્રગટે છે.

આ બહાઈ કોમની આધ્યાત્મિક ઍસૅમ્બલીના મોવડી ડૉ. વિલ્મા ઍલિસે સભાજનોને માર્મિક સવાલ કર્યો, “ભગવાન સહુ પ્રત્યે ન્યાયી છે તો પછી આપણે શા માટે અન્યાયી બનીએ છીએ? એ સહુને આપે છે તો આપણે શા માટે એણે આપેલું છીનવી લઈએ છીએ? ઈશ્વર આપણા સહુનું રક્ષણ કરે છે અને આપણે માનવીઓ શા માટે એકબીજાની હત્યા કરીએ છીએ? પ્રભુનું દર્શન તો ની૨વ શાંતિમાં થાય છે અને આપણે શા માટે ભયાનક અશાંતિ સર્જીએ છીએ? એકતા અને ભાઈચારો એ દરેક ધર્મનું મૂળ સૂત્ર છે એ પ્રમાણે જીવવા આપણે સૌ કોશિશ કરીએ.”

આ પરિષદના આયોજનમાં સક્રિય એવા પ્રજાપતિ બ્રહ્મકુમારી પ્રતિમાદેવીએ લાગણીભીના અવાજે કહ્યું કે એમણે પ્રવચન લખવાનો પ્રયાસ કર્યો પણ શબ્દો મૌનમાં ઓગળી ગયા. એમણે કહ્યું કે ઈશ્વર એ પ્રેમનો સાગર છે. સૌંદર્યનો મહાસાગર છે. જ્ઞાનનો દરિયો છે.

શીખ કોમના ભાઈ મેાહિંદરસિંઘે શીખ પ્રાર્થના ગાઈ અને હિંદુ કમિટિના સંત સ્વામી ચિદાનંદ સરસ્વતીએ કહ્યું, “ઈશ્વર એક છે. માત્ર એના નામ જુદાંજુદાં છે. કોઈ એને અલ્લાહ કહે છે, કોઈ અર્હંત, તો કોઈ બુદ્ધ અને કોઈ શંકર.”

પછી ક્રમ આવ્યો યુનાઈટેડ મૅથૉડીસ ચર્ચના પાદરી શેલ્ડના ડકરનો. એમણે જાતિ, રંગ અને વર્ગ વગરના સમાજની કલ્પના આપી. અમેરિકન ઈસ્લામી કૉલેજના ડૉ. ઈરફાન ખાને કહ્યું, “તમામ માનવજાતના પ્રભુ આ વિશ્વપરિષદને સફળ બનાવે. ગરીબાઈ, ભૂખમરો અને ભ્રષ્ટાચારથી ભરેલા આ જગતને શેતાન વિખૂટું ન પાડે તેમ કરે. આખું વિશ્વ એક કુટુંબ બને. જેથી માણસ ૫૨ કોઈનું પ્રભુત્વ ન હોય.”

સ્પેર્ટસ કૉલેજ ઑફ જુડીકાના ડૉ. હોવર્ડ સુલકીને પ્રાર્થના કરી કે, “અમારાં બાળકો માટે અને એ બાળકોનાં બાળકો માટે અમે આમેન (શાંતિ) ચાહીએ છીએ.”

વિશ્વધર્મ પરિષદનું ઉદ્‌ઘાટન એના ચેરમેન ડૅવિડ રામેજે કર્યું હતું. એમણે કહ્યું કે અહીં આપણે આપણી પૃથ્વી અને આપણી પ્રજા પર સંઘર્ષો અને યાતનાને પરિણામે લાગેલા આઘાતોને ઓછા ક૨વા એકઠા થયા છીએ. આપણા અનુભવો વહેંચીને, એકબીજા સાથે સંવાદ સાધીને ઉપાય શોધવો પડશે. આપણે બીજા પાસેથી સન્માનની આશા રાખીએ છીએ, ત્યારે પહેલાં આપણે સન્માન આપતાં શીખવું જોઈએ. અમેરિકાના પ્રસિદ્ધ નિગ્રો નેતા માર્ટિન લ્યુથર કીંગને યાદ કરીને ડૉ. ડૅવિડ રામેજે કહ્યું, “ચાલો, આવતી કાલના જગતમાં આપણે એક સાથે આગળ ડગ ભરીએ.”

પરિષદના આરંભે સ્નેહ અને સદ્ભાવનું વાતાવરણ જામ્યું હતું; પણ એની સાથોસાથ સૌના માથે માનવજાતિના ભવિષ્યની ચિંતા ઝળુંબતી હતી.

પરિષદના પ્રથમ દસ આયોજકોએ પોતાની પ્રાર્થના અને ભાવના પ્રગટ કરી. એમાં હિંદુ અને શીખ હતા, બૌદ્ધ અને બહાઈ હતા, ઈસ્લામ અને યહૂદી ધર્મના નેતાઓ હતા. સૌએ આવતીકાલના જગતની સુખાકારી માટે પ્રાર્થના કરી. કોઈએ ક્યાંય પોતાના ધર્મની મહત્તા દર્શાવવાની કોશિશ ન કરી. બીજાના કરતાં પોતે ચડિયાતા હોવાનો અહમ્ પ્રગટ કર્યો ન હતો. ન યહૂદીએ ખ્રિસ્તી ધર્મની ટીકા કરી કે ન ઈસ્લામે હિંદુ ધર્મની કોઈ ક્ષતિ બતાવી.

આજે આપણે ચોતરફ ધર્મના નાના-નાના પંથોને લડતા જોઈએ છીએ. એક તિથિ માટે કે પર્વની ઉજવણી માટે ઝઘડતા જોઈએ છીએ. પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરવા માટે બીજાને હીનતામાં ધકેલતા જોઈએ છીએ ત્યારે આશ્ચર્ય લાગે કે ધર્મના મુખ્ય પુરુષોમાં કેવો સમભાવ રહેલો છે. વર્તમાન જગત વિશે કેવી વેદના તેઓ અનુભવે છે. આવતી કાલનું વિશ્વ ઉજ્જવળ અને આશાભર્યું બને તે માટે કેટલી ખેવના તેઓ રાખે છે.

વિશ્વધર્મ પરિષદે આ જગતના ઉપેક્ષિતોને ઉચ્ચ સ્થાને બેસાડીને આપણી ક્ષતિઓ સુધારવા એક યત્ન કર્યો. વિશ્વના ચાર ખૂણે વસતા આદિવતનીઓએ એમની પ્રાર્થનાઓ રજૂ કરીને આશીર્વાદ આપ્યા હતા.

પૃથ્વીની પૂર્વ દિશામાંથી ઑનડાગાના ઑરેન લિઑન્સ આવ્યા હતા. દક્ષિણ દિશામાંથી નવાજોના આલ્ફ્રેડ યાઝી આવ્યા હતા. પશ્ચિમ દિશામાંથી હોપીના થૉમસ બન્યાક્યા આવ્યા હતા અને ઉત્તર દિશામાંથી ક્રૉવિના થૉમસ યલોટેલ આવ્યા હતા. પૃથ્વીની વચ્ચે રહેતા આદિવાસીઓને પણ કેમ ભૂલાય?

પટોવાટોમીના અર્નેસ્ટ પીગોન આવ્યા હતા. વિશ્વના ચાર ખૂણેથી આદિવતનીઓને બોલાવીને આ પૃથ્વી ઉપર આવેલા આખાય આકાશને આવરી લીધું. પૃથ્વીના આદિવતનીઓએ પહેલાં એકબીજા સાથે હાથ મિલાવ્યા અને પછી એકબીજાને ખભે હાથ મૂકીને વર્તુળાકારે ફર્યા હતા. આ આદિવતનીઓની પ્રાર્થનામાંથી એક જ સૂર નીકળતો હતો. આપણા પિતા ઈશ્વર છે અને માતા પૃથ્વી છે. એમાં પણ આ આદિવતનીઓની પ્રાર્થનામાં એમ કહેવાયું કે “આ પૃથ્વી પર તમે અમને નદી, વૃક્ષ અને ધરતી આપ્યાં. અમે વનને રણ બનાવ્યા. નદીનાં નીર સુકવી નાખ્યાં અને ધરતીને ખોદીને ખાણો બનાવી. અમારી આ ભૂલ માટે હે ઈશ્વર! તું અમને માફ કરજે.”

આ પછી જુદાજુદા ધર્મના અગ્રણીઓએ સંક્ષેપમાં પોતાની ભાવના વ્યક્ત કરી. વિવેકાનંદ વેદાંત સોસાયટીના સ્વામીજીએ એક સો વર્ષ પહેલાંના ઇતિહાસને યાદ કરીને કહ્યું કે સ્વામી વિવેકાનંદે વિશ્વધર્મ પરિષદમાં વૈશ્વિક ધર્મ (યુનિવર્સલ રિલિજીયન)ની વાત કરી હતી. તેનો ઉલ્લેખ કરીને એક સમાન ભૂમિકાએ સૌને એકઠા થવાનો સંદેશ આપ્યો હતો. એમણે કહ્યું કે વિચારવાનું એ છે કે ધર્મોની એકતાની વાત કર્યા છતાં આ જગત પર આટલાં બધાં યુદ્ધો કેમ થયાં? દરેક ધર્મ પાછળ રહેલા સત્યને કેમ આપણે પામી શક્યા નથી?

ઈવાન ગેલિકન લુથે૨ન ચર્ચના પાદરી કાર્લ મૅકૅન્ઝીએ એટલું જ કહ્યું કે, “માનવજાત અત્યારે અંધકાર યુગમાંથી પસાર થઈ રહી છે. ત્યારે ઈશ્વર એને સાચો માર્ગ બતાવે.”

યુનિરેટિયન યુનિવર્સાલિસ્ટ નામના ધર્મના ટોની લારસને દરેક ધર્મના પ્રતીકમાં રહેલું સામ્ય બતાવ્યું. થિયૉસૉફીકલ સોસાયટીના પ્રતિનિધિ ડૉ. જહૉન એલગીઓએ એકસો વર્ષ પહેલાં ઍની બેસન્ટે જે શબ્દો કહ્યા તે જ વાંચ્યાં. જેમાં એમણે કહ્યું કે, “દરેક માનવીમાં રહેલો છૂપો પ્રકાશ પ્રગટ થાય.” જ્યારે સમાપન કરતાં શ્રીમતી બેટ્ટી રૅન્કરે કહ્યું કે આપણી પાસે આપણું ધ્યેય નક્કી હોવું જોઈએ. આપણું ધ્યેય છે આધ્યાત્મિક્તાની ખોજ. બધા ધર્મો સાથે આવે, બધી ઉપાસનાઓ એકઠી થાય અને એ રીતે વિશ્વનો પ્રત્યેક માનવી આધ્યાત્મિક્તાના સૂત્રે બંધાઈને એક સૂરનું સંગીત રચે!

આ આરંભ સમયે વાતાવરણમાં ઉત્સાહ હતો. રોમાંચ હતો. વક્તાની વાતને સહુ તાળીઓના ગડગડાટથી વધાવી લેતા હતા. દરેક ધર્મનેતા બીજાને આદર આપતો હતો અને એ રીતે ધર્મોનું મિલન ગૂંજી ઊઠ્યું હતું.

આખીયે પરિષદ દરમિયાન પરસ્પર પ્રત્યે સદ્ભાવ અને સહયોગનું વાતાવરણ જોવા મળ્યું હતું. ક્યારેક એમ થાય કે આપણે ત્યાં એક ધર્મના બે ફાંટા પણ સાથે રહી શકતા નથી. સદાય સામસામે જ રહે છે. ત્યારે કેટલાય જુદાજુદા ધર્મોએ અહીં એક સાથે મળીને આવતી કાલના પ્રશ્નો અંગે ગંભીર પર્યેષણા કરી!

Total Views: 90
By Published On: May 1, 1994Categories: Kumarpal Desai0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram