(રામકૃષ્ણ મિશનના ખેતડી કેન્દ્રના સેક્રેટરી સ્વામી સોમેશ્વરાનંદજીએ શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં તા. ૯.૧૦ તથા ૧૧મી ઑગસ્ટ ૧૯૯૨ના રોજ યુવાવર્ગને આપેલાં વ્યાખ્યાનોને આધારે કરેલું સંકલન.)

માનવમાત્ર મોટે ભાગે એમ માનતો હોય છે કે પૈસો-ધન એ જ મોટામાં મોટું બળ છે, એ જ મોટામાં મોટી શક્તિ છે. આ કલ્પના ખોટી છે. મૂળમાંથી જ આ વિચાર બરાબર નથી. પૈસાથી ખરીદવાની વસ્તુઓ એટલે કે ભૌતિક પદાર્થો વેચાતા લઈ શકાય છે. પરંતુ હિંમત, ચારિત્ર્ય, વિવેક, વિનય, નિર્ભયતા, આંતરિક શક્તિ, હૃદયની વિશાળતા વગેરે અનેક બાબતો એવી છે જેને પૈસા સાથે સ્નાનસૂતક પણ નથી.

પૈસા સિવાય પણ એવી ઘણી બધી બાબતો છે જેની શક્તિ સમાજમાં આજે પણ છે. આથી પૈસો – ધન એ જ મોટામાં મોટી શક્તિ છે – બળ છે એમ માનવું ભૂલ ભરેલું છે. પૈસો એ શક્તિ છે. પરંતુ એ જ મોટામાં મોટી શક્તિ નથી.

આપણી એવી જ એક માન્યતા છે કે બુદ્ધિમત્તા એ જ મોટામાં મોટી શક્તિ છે કે મોટામાં મોટું બળ છે. બુદ્ધિમત્તા એ એક બળ છે. એટલી વાત જરૂર સ્વીકારી શકાય. પરંતુ એ મોટામાં મોટું બળ છે એ ખ્યાલ બરાબર નથી. ઘણા બધા માણસો વિદ્વાન હોય છતાં પણ કોઠાસૂઝવાળાને વધારે મહત્ત્વ અપાતું આપણે જોઈએ છીએ. જેની પાસે કોઈ એવી વસ્તુ છે જે લેવા માટે એમની પાસે જવા આપણને આકર્ષણ થાય છે એવા લોકોનું પણ વધારે મહત્ત્વ છે.

આથી બુદ્ધિમત્તા એ જ મોટામાં મોટું બળ છે એમ પણ કહી શકાશે નહિ. એ એક બળ જરૂર છે, એટલું ખ્યાલમાં રાખીએ.

સફળતાને નસીબ સાથે અથવા તક સાથે પણ કોઈ સંબંધ નથી. સફળતા નસીબદારને જ વરે છે એ ખ્યાલ પણ ખોટો છે. તક મળે તો જ સફળતાને પ્રાપ્ત કરી શકાય એ કલ્પના પણ સ્વીકારી શકાય તેમ નથી.

તો પછી વધારેમાં વધારે મોટું કયું બળ સમાજમાં સર્વત્ર કાર્ય કરી રહ્યું છે? લોકોનું બળ. સંગઠન શક્તિ મોટામાં મોટી શક્તિ છે. લોકો જો તમને સ્વીકા૨શે તો જ તમે સફળ થઈ શકશો. લોકો તમને વધારેમાં વધારે સ્વીકારે એ માટે તમારે લોકપ્રિય થવું જરૂરી છે.

તો લોકપ્રિય કેવી રીતે થઈ શકાય એની ચાવી તમારે શોધવી રહી. સામાન્ય રીતે આપણી એક જ અપેક્ષા રહી છે કે માબાપે, શાળાએ, કૉલેજે, સમાજે, રાજ્યે કે દેશે અમારે માટે શું કર્યું? આપણે બીજા પાસેથી કાંઈક મેળવવાની ઇચ્છા રાખીએ છીએ. પરંતુ આપણે બીજાને માટે શું કરી શકીએ એમ છે એનો કદી વિચાર કરીએ છીએ ખરા? જ્યારે જન્મે છે ત્યારે દરેક માણસનું મગજ એક જ સરખું હોય છે. આ મગજની પાસે અખૂટ શક્તિ છે. એમ કહેવાય છે કે આખી જિંદગી દરમિયાન આમાંથી માત્ર ૨૦ ટકા શક્તિનો જ આપણે ઉપયોગ કરીએ છીએ. બાકીના એંશી ટકા શક્તિનો ઉપયોગ આપણે કરતા જ નથી.

તમારામાં બુદ્ધિમત્તા છે, કુશળતા છે, સામા માણસને પૂરેપૂરો સાંભળવાની અને સમજી શકવાની પણ તમારામાં આવડત છે, એકબીજા સાથે કેવો વ્યવહાર રાખવો એની પણ તમને જાણ છે. તમે એમ કહો છો કે સફળતા મળતી નથી. તો એને મેળવવા માટે શું કરવાની જરૂર છે ? જરૂર છે લોકપ્રિય થવાની. અને લોકપ્રિય થવા માટે તમારે બીજાનાં કામો કરી છૂટવાની જરૂર છે. જે લોકોને જરૂર છે એમને મદદ કરો, જેમને તમારા સહકારની, તમારી સહાયની આવશ્યકતા છે તેમને માટે તમે કાંઈક કરો, જેમને તમારી સહાનુભૂતિની જરૂર છે એમને માટે તમે કાંઈક કરો. જેમને તમારા શ્રદ્ધાભર્યા આશ્વાસનની જરૂર છે એમને માટે કાંઈક કરો. જે મુશ્કેલીમાં છે એને મદદની જરૂર છે, તો તમે એમને એમની મુશ્કેલી વખતે મદદ કરી એમની મુશ્કેલી દૂર કરવાનો પ્રયત્ન કરો.

તમારી અસર લોકો ઉ૫૨ થશે અને જેટલી વધારે અસ૨ થશે તેટલું બળ તમને મળશે. તમે અનન્ય બનશો. તમે અજોડ બનશો. ટૂંકમાં, ‘હું બીજા માટે, સમાજ માટે, શું કરી શકું’ એમ વિચારો, તમારી અખૂટ શક્તિનો ઉપયોગ કરી સહાય કરવા માંડો, સફળતા આપોઆપ તમને મળશે.

હવે, ક્યો ધંધો કરવો અને તેમાં સફળતા શી રીતે મેળવવી એને વિશે થોડો વિચાર કરી લઈએ. કોઈ પણ ધંધો કરવાનો વિચાર કરતાં તમારી સમક્ષ મુખ્ય અને દૃઢ સંકલ્પ એ હોવો જોઈએ કે ‘મારે લોકો માટે કામ કરવું અને લોકોનું કલ્યાણ થાય એવું કાંઈક કરવું છે.’ બીજો એ સંકલ્પ તમારા મગજમાં દૃઢ થવો જોઈએ કે જે ધંધો બીજા લોકો કરે છે એ જ ધંધો નથી ક૨વો. મારે કાંઈક નવું કરવું છે અને એવું ક૨વું છે કે જે બીજા પાસેથી લોકોને મળતું નથી. કોઈની સાથે હરીફાઈમાં ઉતરીને કામ કરવું નથી. જલદી પૈસા મળે, ખૂબ નફો થાય એવો વિચાર કદી લાવશો નહિ. તમારી પ્રતિભા અને પ્રતિમા ઊભી કરવાનો જ પ્રયત્ન કરજો. પૈસાના રૂપમાં નફો થાય તેના કરતાં તમારી પ્રતિભા વધે એના રૂપમાં જે નફો થાય એ વધારે મહત્ત્વનો છે. પ્રામાણિકતા એ જ પ્રતિમા છે. પ્રતિષ્ઠા એ જ પ્રતિમા છે. કોઈ પણ ધંધામાં ગયા વર્ષ કરતાં આ વર્ષે કેટલો નફો વધારે થયો એની ગણતરી નહિ કરતાં ગયા વર્ષ કરતાં આ વર્ષે મારા ગ્રાહકો કેટલા વધ્યા એની ગણતરી કરવી વધારે હિતાવહ છે. એ જ તમારી પ્રતિષ્ઠાની પારાશીશી છે. અંતે એટલું પણ નક્કી મનમાં રાખજો કે અંતરાયો વિનાની, વિઘ્નો સિવાયની હોય એવી સરલ જિંદગીમાં મુશ્કેલીઓ તો આવવાની જ, હાડમારીઓ તો જરૂર આવવાની. એનો તમે કેવી રીતે સામનો કરો છો એમાં જ તમારી પ્રતિષ્ઠા છે. તમારી સફળતાનો આધાર અનેક મુશ્કેલીઓ વચ્ચેથી તમે તમારો માર્ગ કેવી રીતે કાઢો છો એના ઉપર અવલંબે છે.

લોકોની જરૂરિયાતો પોષાતી હોય અને એ જરૂરિયાતાને બીજા કોઈ પોષતા ન હોય એ શોધી કાઢીને ધંધાની શરૂઆત કરવી. શરૂઆતમાં સેવા કરવાની જ વૃત્તિ રાખો. પૈસાની પરવા કરશો જ નહિ. તમે શરૂ શરૂમાં સેવાની પાછળ દોડશો અને પછી પૈસો તમારી પાછળ-પાછળ દોડશે.

દુનિયાને આજે નવા વિચારો જોઈએ છીએ. લોકો પૈસા આપવા તૈયાર થાય છે પરંતુ એ ત્યારે જ તૈયાર થાય જ્યારે એમને ખાતરી થઈ જાય કે તમે જે નવો વિચાર આપો છો તે એમના જીવનમાં ખૂબ ઉપયોગી નીવડે એવો છે, એમની જરૂરિયાતો પૂરી પાડે એવો છે. વ્યક્તિત્વનો વિકાસ એ આજની માગ છે. એ કેવી રીતે કરવો એના માર્ગો શોધી કાઢે એ જ સફળતાને વરે. પરદેશોમાં આજકાલ વિકાસશીલ મૅનૅજમેન્ટનો નવો વિચાર શરૂ થયો છે. અને એના વિષે અનેક પુસ્તકો પ્રકાશિત થઈ રહ્યાં છે, માર્ગદર્શન કેન્દ્રો ઊભાં થઈ રહ્યાં છે. જૂના વિચારો આજે ફેંકાઈ ગયા છે. એનું સ્થાન નવા વિચારોએ લીધું છે.

કોઈ પણ ધંધો શરૂ કરતાં પહેલાં તમારા ધંધાનું ક્ષેત્ર અને સ્તર નક્કી કરો. જેમ કે વિદ્યાર્થીઓ. હવે એ વિષયમાં વિચારો કે વિદ્યાર્થીઓને લગતા સળગતા પ્રશ્નો ક્યા છે. એને પ્રથમ અગ્રતા આપી શકાય. બીજે ક્રમે એ વિચારો કે વિદ્યાર્થીઓના અંગત એટલે કે પોતાને લગતા પ્રશ્નો ક્યા છે અને ત્રીજે ક્રમે આવે છે પ્રત્યક્ષ અસ્તિત્વવાળા એટલે કે ઑબ્જેક્ટિવ અર્થાત્ સૌની નજરે ચઢી શકે એવા પ્રશ્નો ક્યા છે. વિદ્યાર્થીઓના સળગતા પ્રશ્નોની વાત કરીએ ત્યારે કહી શકાય કે બેકારી એ એમનો મોટો પ્રશ્ન છે. નોકરી નથી મળતી એ પ્રશ્ન ઉપરાંત નોકરી માટે એ લાયક નથી એ પણ પ્રશ્ન છે. આજનું શિક્ષણ એમને જીવનનો સામનો કરવા તૈયાર કરી શકતું નથી. અંગ્રેજી બોલતાં નથી આવડતું એટલે ઈન્ટરવ્યૂમાં જોઈએ તેવી સિદ્ધિ મેળવી શકતા નથી. અંગત પ્રશ્નોની વાત કરીએ તો એમ વિચારી શકાય કે વાંચેલું યાદ રહેતું નથી, વાંચવાની સુવિધાઓ નથી, ઘરકામને લીધે વાંચવાનો સમય ઓછો મળે છે, ખિસ્સા ખર્ચ બિલકુલ મળતો નથી અથવા ઓછો મળે છે, બહેનોના કરતાં ભાઈઓને સ્વતંત્રતા વધારે મળે છે, મા બાપ એમને ગણકારતા જ નથી. વગેરે, વગેરે. કેટલાક માનસિક પ્રશ્નો એવા હોય છે જેની વાત વિદ્યાર્થીઓ પોતાના માબાપને અથવા કોઈને કહેતાં અચકાય છે. ઑબ્જેક્ટિવ પ્રશ્નોની વાત કરીએ તો કહી શકાય કે આજના વિદ્યાર્થીઓના દિલમાં અજંપો છે, એને ક્યાંયે શાંતિ મળતી નથી, એમને ક્યાંયે વિશ્વાસ મૂકવા લાયક માણસો કે નેતાઓ મળતા નથી. એમને સાચા રસ્તે દોરે એવા લોકો એમને શોધ્યા જડતા નથી.

હવે આવા બધા પ્રશ્નોનો તમે વિચાર કરો અને એ માટેના ઉપાયો વિચારો. નિષ્ણાતોની સલાહ લેવી પડે તો તે પણ લો. સાચા સંતોની, મહાત્માઓની સલાહ અને માર્ગદર્શન યોગ્ય લાગતું હોય તો તે પણ લો અને પછી આ પ્રશ્નો પૈકી ક્યા-ક્યા પ્રશ્નો માટે તમે વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકો એમ છો એ વિશ્વાસપૂર્વક વિચારો. તમને બરાબર ખાતરી થાય કે અમુક ઉપાયો કરવાથી અમુક પ્રશ્નોનો ઉકેલ જરૂરથી આવી શકે, ત્યાર પછી તમે વ્યક્તિગત વિદ્યાર્થીઓને મળી જ્યારે-જ્યારે તક ઊભી થાય ત્યારે એમને એમના પ્રશ્નોમાં સાચું માર્ગદર્શન આપતા રહો. જેમ-જેમ વિદ્યાર્થીઓને લાગશે કે તમે સૂચવેલ ઉપાયોથી એમના પ્રશ્નોના ઉકેલ માટે સારી એવી સુવિધા થઈ ગઈ છે, ત્યારે એ બીજાઓને કહેશે અને વધુને વધુ વિદ્યાર્થીઓ તમારી પાસે આવવાના શરૂ થશે. યાદ રાખજો કે શરૂઆતમાં લોકો તમારી મશ્કરી કરશે, પછી તમારો વિરોધ કરશે અને તમે તમારું કાર્ય પડતું મૂકો એ માટે શક્ય એટલા વિઘ્નો ઊભાં કરશે. પરંતુ જો તમે વિદ્યાર્થીઓની સાચા અંતરથી સેવા કરવાના હેતુથી, એમને સહાયભૂત થવાના હેતુથી કાર્ય શરૂ કર્યું હશે તો તમે તમારા કાર્યમાં અડગ રહી શકશો અને ધીમેધીમે પરિણામ એ આવશે કે તમારામાં વિશ્વાસ મૂકનારાની સંખ્યા વધતી જશે. એકવાર પ્રતિષ્ઠા થઈ જાય પછી તમારે પૈસાની પાછળ દોડવું નહિ પડે, પૈસા તમારી પાસે આવશે. સમાજમાં બીજે ક્યાંય એમને મળી શકતું નથી એવું કાંઈક તમે આપો છો એ વિશ્વાસ તમારી પ્રતિભાને વધા૨શે, એમાં શંકા રાખશો નહિ.

વિદ્યાર્થીઓ ઉપરાંત, યુવાનો, યુવતીઓ, શિક્ષકો, વેપારીઓ, ગરીબો, ગૃહિણીઓ, મધ્યમવર્ગના લોકો, પૈસાદાર લોકો, એવા ઘણા બધાં ક્ષેત્રો છે જેના પ્રશ્નો વિશે તમે વિચારીને, નિષ્ણાતોની સલાહ અને માર્ગદર્શન લઈને, એવા ઉપાયો અને ઉકેલો શોધી કાઢો કે જે એમને કોઈના તરફથી મળતા ના હોય. તમારાથી કેટલા પ્રશ્નોનો ઉકેલ શક્ય છે એ તમે શોધી કાઢો અને પછી આગળ વધો. હૃદયમાં પડેલી અખૂટ શક્તિનો ખજાનો છે એનો ઉપયોગ કરો અને આગળ વધો. હું બીજા માટે શું કરી શકું છું એ મંત્ર રટતા રહો. બીજાની સંભાળ કેવી રીતે લઈ શકું એ વિચાર કરતા રહો. એ જ સફળતાની ગુપ્ત ચાવી છે

મુંબઈનાં એક બહેને માર્ગદર્શન માગ્યું કે તેનાથી શું કરી શકાય. તેમને પૂછવામાં આવ્યું “શું-શું આવડે છે?” તમારા ઘરમાં જગ્યા છે? આ પ્રકારના પ્રશ્નો પૂછી તેમની પાસેથી માહિતી મેળવીને બહેનને કહેવામાં આવ્યું -નવવધુઓને રસોઈની સમસ્યા હોય છે તો એનો ઉકેલ થઈ શકે એવા ઉપાયો કરવા જોઈએ, એમને ગુજરાતી, પંજાબી, સાઉથ ઈન્ડિયન વગેરે વાનગીઓ બનાવતાં શીખવી શકાય. એક-બે બહેનો જ વર્ગમાં લેવી અને સારી એવી ફી રાખવી. આ સલાહ પ્રમાણે એ બહેને આ કામ શરૂ કર્યું અને પછી તો નવવધુઓ ઘણી સંખ્યામાં આવવા માંડી અને પેલાં બહેનને તો કમાણીનું સાધન થઈ ગયું અને સાથે-સાથે સેવા પણ થઈ ગઈ.

સંકલક: શ્રી વાલ્મીકભાઈ

Total Views: 209

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.