પરમ પુરુષને પ્રણામ!

આ કોણ આહીં?

છાનું માનું, એકાંતને ખૂણે,

કોણ અરે! આ વ્યાકુલ પ્રાણે રોઈ રહ્યું છે?

*

નયનોનાં ના,

અંતરનાં ના,

ભીતરનાં ના,

આત્માના મબલખ આંસુ કોઈ ખાઈ રહ્યું છે?

*

એ શા માટે?

કોને કાજે? એ શું યાચે?

*

ના, ના, ના, ના:

એ યાચે ના નિજને માટે,

એ યાચે છે પરને કાજે;

એ ઝૂરે છે પરને સાટે:

*

એ પાગલશો, લઘરો વઘરો

એ કોણ પુરુષ છે? પાગલ છે

ના, ના, ના, ના:

કો એ માનવ છે ઊર્ધ્વતણો,

ના, પાગલ છે: સૌથી આગળ છે: ખૂબ આગળ છે:

*

એ જગને જોતો ને રોતો,

જગનાં દુરિતોને, દુઃખોને,

નિજની પાંપણના પાણીથી, જાયે ધોતો, જાયે રોતો:

*

નિજને ભાવ સમાધિમાં, વારે વારે ખોઈ દેતો:

એ પાગલ ના! એ પાગલ ના!

એ પરમ પુરુષ છે: પરમહંસ છે:

જગજનનીનો એ જાયો છે:

ભૂતળપર આહીં આયો છે:

શ્રીરામકૃષ્ણ કહેવાયો છે:

પરમસિંધુના પરમ જલે એ ન્હાયો છે:

*

એ બિંદુથી ઝરણું થઈને,

એક ઝરણ થકી સરિતા થઈને;

એ સાગર સંગ સમાયો છે!

સૃષ્ટિ સમસ્ત જનમાં, મનમાં

સર્વ ધર્મના સાક્ષાત્કારે છાયો છે!

*

એ પરમ પુરુષ શ્રીરામકૃષ્ણના

ચરણ પદ્મને વંદુ છું: આનંદું છું!

(ને પેઠમ એની) હું પણ ક્યારે-ક્યારે,

મૂગા એકાંત વિષે કૈં ક્રંદું છું!

– રતુભાઈ દેસાઈ

Total Views: 207
By Published On: May 1, 1994Categories: Ratubhai Desai0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram