શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૈારીમાના જીવનપ્રસંગો
હાવડાના શિવપુર પ્રાંતમાં પાર્વતીચરણ ચટ્ટોપાધ્યાય રહેતા હતા. ધર્માનુરાગી પાર્વતીચરણ બહુ જ સ૨ળ સ્વભાવના હતા. તેઓ ખિરદાપુરની વ્યાપારી પેઢીમાં કામ કરતા હતા. જ્યારે ઑફિસમાં કામ કરવા જાય ત્યારે પણ તેઓ લલાટ ૫૨ તિલક કરીને જતા હતા. એમનું આ ધર્મચિહ્ન કપાળ પ૨ દરરોજ જોઈને તેમના સાહેબ તેમની મજાક પણ કરતા. પરંતુ પાર્વતીચરણે કદી તિલક ક૨વાનું છોડ્યું નહીં. ધર્મ પ્રત્યે એમને અતૂટ આસ્થા હતી. એમનાં પત્ની ગિરિબાલા મા કાલીની ઉપાસિકા હતાં. પિતાની વિશાળ સંપત્તિનાં તેઓ એક માત્ર વારસદાર હતાં. એટલે સંપત્તિનો વહિવટ કરવા માટે ઘણું કરીને તેઓ પોતાના પિતૃગૃહે જ રહેતાં હતાં. તેઓ ભણેલાં હતાં. બંગાળી ને સંસ્કૃત ભાષા તેમને સારી રીતે આવડતી હતી. તેઓ તો પર્શિયન ભાષા ને અંગ્રેજી પણ જાણતાં હતાં. સંગીતનો તેમને ખૂબ શોખ હતો. તેમનો કંઠ મધુર હતો. એ સુમધુર કંઠે જ્યારે સ્તોત્રો ને સ્તવનો ગાતાં ત્યારે સમગ્ર વાતાવરણ પવિત્રતાથી ભરાઈ જતું. તેઓ જાતે સ્તવનો ને ભજનો રચતાં. પોતાની રચનાઓને તેમણે નામસાર અને વૈરાગ્ય-સંગીતમાલા રૂપે પ્રગટ કરી હતી. મા કાલીની સાધિકા હોવા ઉપરાંત તેઓ દુન્યવી કાર્યોમાં પણ કુશળ હતાં. શાંત સ્વભાવવાળા પાર્વતીચરણ એમને ઘણીવાર કહેતા; “આટલી બધી ઝંઝટ શા માટે? આપણને તો કોઈ વસ્તુનો મોહ નથી. તો પછી આ બધી ઉપાધિ શા માટે કરવી? ચાલો, આપણે આ બધું છોડીને કાશી જતાં રહીએ અને ત્યાં આપણે બાકીની જિંદગી શાંતિથી સાધન ભજનમાં વિતાવીએ.” પતિના મુખે આવી વાત સાંભળીને ગિરિબાલા ઉત્તેજિત થઈને બોલવા લાગતાં: “હું શા માટે બધું છોડીને ચાલી જાઉં? શા માટે બધો અન્યાય ને અત્યાચાર ચૂપચાપ સહન કરું? મા અસુરવિનાશિની મારી સહાયકર્તા છે. મારો કોઈ વાળ વાંકો પણ કરી શકે તેમ નથી.” તેમની આવી જુસ્સાભરી વાણી સાંભળીને પછી પાર્વતીચરણ ચૂપ થઈ જતા અને પછી કાશી જવાની પોતાની ઇચ્છા પ્રગટ કરતા નહીં.
કાલિસાધિકા ગિરિબાલાએ એક રાત્રે સ્વપ્ન જોયું. સ્વપ્નમાં તેમણે જોયું કે એક જ્યોતિર્મય મહામાયા એક સ્વરૂપવાન લાવણ્યમય દેવકન્યાને લઈને ઊભાં છે. અને પછી તો તેમણે એ દેવકન્યાને ગિરિબાલાના હાથમાં સોંપી દીધી. અને એ પછી એમણે સુંદર દેવકન્યા જેવી પુત્રીને જન્મ આપ્યો ત્યારે આ પુત્રીને જોતાં તેમને પ્રતીતિ થઈ ગઈ કે આ તો મહામાયાએ આપેલી જ દેવકન્યા છે! પુત્રીનું નામ આપ્યું મૃડાની.
પુત્રી હતી પણ સર્વથી નિરાળી. એ નાની હતી ત્યારે બધાં બાળકોની જેમ જ રડતી. પણ પછી બધા બાળકોની જેમ તે છાની ન રહેતી. તેને છાની રાખવા માટે તેને કોઈ દેવતાનું નામ સંભળાવવું પડતું. દેવતાઓનું નામ સાંભળી તે તુરત જ ચૂપ થઈ જતી. જેમજેમ તેની વય વધતી ગઈ તેમતેમ તેના આંતરગુણો પ્રગટવા લાગ્યા. સ્વભાવે તે ખૂબ જ ઉદાર હતી. ઘરે આવતા ભિક્ષુઓને આપવામાં તેને બહુ જ આનંદ આવતો. તેને નહોતું કપડાનું આકર્ષણ કે નહોતું કોઈ વસ્તુનું આકર્ષણ. નાની ઉંમરની કન્યાઓને પોતાના ઘરેણાં, કપડાં ને રમકડાં એટલાં પ્રિય હોય છે કે બીજું કોઈ તેને હાથ અડાડે તો પણ તેઓ સહી શકતી હોતી નથી. જ્યારે મૃડાનીનું ચિત્ત કશામાં આકર્ષાતું નહોતું છતાં રૂપમતી કન્યાને માતા વસ્ત્રાભૂષણોથી શણગારતી રહેતી. પરંતુ એક વખત પોતાના શરીર પર પહેરેલાં ઘરેણાં જોઈને મૃડાનીને જુદી જ અનુભૂતિ થઈ. તેને થયું કે ઘરેણાં ૫હે૨વાથી જ આનંદ મળે છે તેવું નથી. આનંદ એ ઘરેણાંથી પર રહેલી વસ્તુ છે. ઘરેણાં ન પહેર્યાં હોય તો પણ આનંદ મળે છે! પછી તેણે હાથમાંનું કંગન કાઢીને દાંતેથી ચાવી જોયું. પણ તેમાં તેને બિલકુલ સ્વાદ ન લાગ્યો અને કંગન ઉતારી લેતાં પણ તેના આનંદમાં કોઈ કમી ન જણાઈ એટલે તેણે કંગનો ઉતારીને ગંગામાં ફેંકી દીધાં! આ માટે તેને ઘરના સભ્યો તરફથી ઠપકો પણ સાંભળવા મળ્યો. પરંતુ નાનપણમાં થયેલા આ જ્ઞાને તેનાં અંતરમાં એક નવી જ દૃષ્ટિ ખોલી આપી કે આનંદ એ વસ્તુઓ કે ઘરેણાં કે સંપત્તિ સાથે સંકળાયેલો નથી અને આ દૃષ્ટિનો એમના સમગ્ર જીવનમાં સતત વિકાસ થતો રહ્યો હતો.
હા, સાત વરસની આ મુગ્ધ કન્યાને આકર્ષણ હતું હિમાલયનું, ઉત્તરભારતનાં તીર્થધામોનું. જાણે આ પવિત્ર સ્થળો એના આત્માને સાદ કરી બોલાવી રહ્યાં હતાં. પડોશમાં રહેતા ચંડીમામાએ ઉત્તર ભારતનાં તીર્થધામોની યાત્રા ઘણીવાર કરી હતી અને તેઓ નાની મૃડાનીને આ યાત્રાધામોની વાતો કહેતા રહેતા. તે સમયે મૃડાનીનાં મનઃ ચક્ષુ સમક્ષ જાણે એ પવિત્ર સ્થળો ખડાં થઈ રહેતાં અને તે એ પવિત્રધામોમાં સ્વપ્નવિહાર કરવા લાગતી. ત્યારે તેને થતું કે “એક દિવસ હું જરૂર આ પવિત્ર મંદિરોમાં ભગવાનનાં દર્શને જઈશ.” બાલિકાની આવી ધર્મપરાયણ વૃત્તિ જોઈને ચંડીમામાએ એનો હાથ જોયો અને હાથ જોઈને ભવિષ્ય ભાખ્યું કે “આ બાલિકા યોગિની બનશે.” પણ ત્યારે તો ચંડીમામાની વાતને કોઈએ માની નહીં.
મૃડાનીના મા શિક્ષિત હતાં. એટલે તેઓ પોતાની આ તેજસ્વિની પુત્રીને પણ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવા ઇચ્છતાં હતાં. પરંતુ તે સમયે કન્યાઓને શિક્ષણ આપવા માટેની કોઈ વ્યવસ્થા ન હતી. વળી સામાન્ય લોકો તો પોતાની કન્યાઓને નિશાળમાં મોકલવા રાજી પણ ન હતાં. મોટાભાગના શિક્ષિત લોકો પણ છોકરીઓને ભણાવવાની બાબતમાં ઉદારમતના ન હતા. પણ ગિરિબાલા દૃઢ હતાં એટલે તેમણે મૃડાનીને બંગાળના શ્રીમંતોની કન્યાઓ માટે કુમારી ફ્રાન્સિસ મેરિયા મીલમૈને ભવાનીપુરમાં સ્થાપેલા વિદ્યાલયમાં દાખલ કરાવી. આમ તે મિશનરી સ્કૂલમાં ભણવા લાગી. મિશનરી સ્કૂલમાં ભણવા જનાર તે પ્રથમ હિંદુ બાલિકા હતી. તે ભણવામાં, બધા જ વિષયોમાં એટલી બધી હોશિયાર હતી કે પહેલે જ વસે તેને સુવર્ણચંદ્રક ઈનામમાં મળ્યો. પણ તે હિંદુ હતી અને ક્રિશ્ચિયન સ્કૂલમાં ક્રિશ્ચિયન કન્યાઓને જ પ્રવેશ આપવો તેવી નીતિ અમલમાં હતી, એટલે તેને એ સ્કૂલ છોડવી પડી. પણ પછી પાદરીઓએ ઉદાર વલણ દાખવી હિંદુ કન્યાઓને સ્કૂલમાં પ્રવેશ આપવાની તૈયારી બતાવી. પણ ત્યારે તો મૃડાનીએ હિંદુ નિશાળમાં પ્રવેશ મેળવી લીધો હતો અને ત્યાં તેનો અભ્યાસ સારો ચાલી રહ્યો હતો, એટલે પછી તે ફરી ત્યાં ગઈ નહીં અને હિંદુ નિશાળમાં જ અભ્યાસ કરવા લાગી. તેની મેધાશક્તિ તીવ્ર હતી, સ્મૃતિશક્તિ સતેજ હતી. આથી નાની વયમાં જ તેણે દુર્ગા સપ્તશતી, ગીતા, દેવદેવીઓના અનેક સ્તોત્રો, રામાયણ, મહાભારત, ને મુગ્ધબોધ સંસ્કૃતના ઘણા ભાગો કંઠસ્થ કરી લીધા હતા.
તે સમયે મૃડાનીની વય નવ વર્ષની હતી. એક સવારે બધાં બાળકો મેદાનમાં રમતાં હતાં. ત્યારે મૃડાની રમતમાં ન જોડાતાં એક ખૂણામાં ચૂપચાપ બેઠી હતી. એટલામાં એક પવિત્ર બ્રાહ્મણ ત્યાં આવ્યો ને બધાં બાળકોથી અલગ આ રીતે બેઠેલી આવી સુંદર કન્યાને તેણે જોઈ એટલે તેણે પૂછ્યું; “બેટા, બધાં બાળકો કેવાં ૨મી રહ્યાં છે, તારે રમવું નથી? તું અહીં એકલી કેમ બેઠી છો?” પવિત્ર બ્રાહ્મણને આ રીતે વાત કરતા જોઈને તેણે તેમના ચરણોમાં પ્રણામ કરતાં કહ્યું; “બાબા, આવી ૨મતો મને જરા પણ ગમતી નથી, એટલે હું તેમાં ભાગ લઈ શકતી નથી. આથી હું અહીં બેઠી છું.” આટલી નાની બાલિકાની આવી ભગવદ્વૃત્તિ જોઈને અને તેના આવા ઉત્તમ સંસ્કાર જોઈને બ્રાહ્મણે જાણી લીધું કે આ કોઈ સામાન્ય કન્યા નથી લાગતી. તેમણે મૃડાનીને આશીર્વાદ આપતાં કહ્યું; “બેટા, તારી કૃષ્ણમાં ભક્તિ થાઓ” બ્રાહ્મણદેવતાના મુખમાંથી સહજપણે અપાયેલા આ આશીર્વાદ એના સમગ્ર જીવન સાથે જડાઈ જશે અને તેનું જીવન જ કૃષ્ણમય બની જશે તેનો કાલીસાધિકા ગિરિબાલાની પુત્રીને ખ્યાલ ક્યાંથી હોય? અને આશીર્વાદ આપનાર બ્રહ્મણદેવતા પણ કદાચ એ જાણતાં નહીં હોય!
એ બ્રાહ્મણની મુલાકાત પછી મૃડાની ઘરે આવી. પણ કોણ જાણે કેમ, એના અંતરમાં એ બાહ્મણદેવતા પાસે જવાની ઇચ્છા વારંવાર થવા લાગી પણ એને ખબર નહોતી કે તેઓ ક્યાં રહેતા હતા અને શું કરતા હતા? પણ પડોશની વૃદ્ધા પાસેથી આખરે એ બ્રાહ્મણની ભાળ મળી ગઈ કે કલકત્તાથી દસ માઈલ દૂર આવેલા બેલઘરિયામાં નિમતેઘોલામાં એ બ્રાહ્મણનો આશ્રમ છે. આટલી ભાળ મળી જતાં મૃડાની હવે ત્યાં કેવી રીતે જવું એ અંગે વિચારવા લાગી અને તેને ત્યાં પહોંચવાનો રસ્તો પણ મળી ગયો. તેના મોટાભાઈ અવિનાશચંદ્ર તેના માસીને ત્યાં વરાહનગર આવતા હતા. તે પણ મોટાભાઈની સાથે વરાહનગર આવી પહોંચી અને ત્યાંથી તેણે એ બ્રાહ્મણ દેવતાની શોધ આદરી. ચાલતાં-ચાલતાં તે દક્ષિણેશ્વરની નજીક આવેલા કેળાના એક બગીચામાં આવી પહોંચી અને તેના આશ્ચર્ય વચ્ચે આ બગીચામાં એક વૃક્ષ નીચે પેલા બ્રાહ્મણ ધ્યાનસ્થ બેઠા હતા. આથી મૃડાની ત્યાં દૂર ઊભી-ઊભી તેમનું ધ્યાન પૂરું થાય તેની પ્રતીક્ષા કરવા લાગી. થોડીવાર પછી બ્રાહ્મણ ધ્યાનમાંથી જાગૃત થયા ત્યારે મૃડાનીને સામે ઊભેલી જોઈને આનંદથી બોલી ઊઠ્યા; “અરે, તું આવી ગઈ છો?” જાણે તેઓ એની પ્રતીક્ષા કરી રહ્યા ન હોય, એવા ભાવથી તેમણે કહ્યું. પછી તેમણે પડોશમાં રહેતા બ્રાહ્મણ કુટુંબમાં તેની રહેવાની વ્યવસ્થા કરાવી આપી. તે રાત્રે મૃડાની તે બ્રાહ્મણ કુટુંબમાં રહી. બીજે દિવસે રાસપૂર્ણિમા હતી. સવારે મૃડાનીને તે બ્રાહ્મણ દેવતાએ કહ્યું “મા, તું ગંગાસ્નાન કરીને પછી સીધી મારી પાસે આવજે.” તે પ્રમાણે ગંગાસ્નાન કરીને મૃડાની જ્યારે પાછી આવી ત્યારે તે બ્રાહ્મણે તેને મંત્રદીક્ષાથી દીક્ષિત કરી. આમ ફક્ત નવ વર્ષની ઉમ્મરે જ જાણે કોઈ દૈવી યોજનાનું આયોજન કરવામાં આવેલું હોય એ રીતે મૃડાનીને દીક્ષા મળી.
પરંતુ આ બાજુ ફરવા નીકળેલી મૃડાની સમયસર ઘરે પાછી ન આવતાં ઘરમાં ધમાલ મચી ગઈ. ઘરના લોકો ચિંતાતુર બનીને તેની શોધાશોધ કરવા લાગ્યા. ખૂબ શોધ કરતાં પણ તેનો પત્તો ન મળ્યો તેથી ભાઈ દુ:ખી થઈ ગયો કે માતાપિતાને શો જવાબ આપવો? આખરે એક વૃદ્ધાએ તેમને જણાવ્યું કે એવી એક બાલિકાને તેમણે નિમતેઘોલાના બ્રાહ્મણ સાધક પાસે જોઈ હતી. આથી અવિનાશ તુરત જ એ બ્રાહ્મણ પાસે પહોંચી ગયો અને તેને ખૂબ જ ક્રોધિત જોઈને તે બ્રાહ્મણે તેને શાંત પાડતાં કહ્યું “જુઓ, બેટા આ તો નાની બાળકી છે, એના પર ગુસ્સે ન થશો. પીળી ચકલી (જે પૃથ્વી ઉપર ભાગ્યે જ દેખાય એવી સુવર્ણરંગી સ્વર્ગીય પંખિણી)ને પાંજરામાં પૂરવી મુશ્કેલ છે!” અને બ્રાહ્મણની વાત સાચી જ હતી કે સ્વર્ગની આ પંખિણીને સંસારના પિંજરમાં પૂરી શકાય તેમ હતી જ નહીં! પણ ગુસ્સાના આવેગમાં ભાઈ બ્રાહ્મણદેવતાની વાતને સમજી શક્યો નહીં. પછી તે બ્રાહ્મણે મૃડાનીને કહ્યું “છોટી મા, ગંગાકિનારે એક દિવસ હું તને જરૂર મળીશ. પણ અત્યારે તો તું ભાઈની સાથે ઘરે જા!” બ્રાહ્મણના કહેવાથી મૃડાની ત્યારે તો ઘરે પાછી ફરી પણ હવે તે મંત્રથી દીક્ષિત બનીને પાછી આવી હતી અને જાણે તેની આંતરચેતનામાં કંઈક પરિવર્તન થઈ ગયું જણાતું હતું! દુન્યવી આકર્ષણો અને પ્રલોભનોથી તે સાવ અનાસક્ત બની ગઈ. વિશેષ રૂપે તે ભગવદ્ભક્તિમાં સમય ગાળવા લાગી. શાલીગ્રામની કે દુર્ગાની પૂજા કરતી વખતે તે તન્મય બની જતી. બાલિકાના અંતરની પૂજા ને ભક્તિભાવનાથી પ્રસન્ન થઈને સ્વયં ભગવાન એક દિવસ તેની પાસે આવી પહોંચ્યા.
Your Content Goes Here