શ્રીમદ્ શંકરાચાર્યે ગીતા ભાષ્યના પ્રારંભમાં કરેલી ટીકા પ્રમાણે ભારતવર્ષમાં માનવતાનો આદર્શ ‘બ્રાહ્મણત્વ છે.’ બ્રાહ્મણત્વના રક્ષણનો ઉપદેશ આપવો એ શ્રીકૃષ્ણના આગમનનો મહાન હેતુ હતો. આ બ્રાહ્મણ ઈશ્વરદર્શી માનવી જેણે બ્રહ્મનો સાક્ષાત્કાર કર્યો છે તે આદર્શ મનુષ્ય પૂર્ણ પુરુષ રહેવો જ જોઈએ. તેના વિનાશ ન જ થવો જોઈએ અને વર્ણવ્યવસ્થામાં અનેક ખામીઓ જ હોવા છતાં બીજા વર્ષે કરતાં આ બ્રાહ્મણ વર્ણમાંથી સાચા બ્રાહ્મણત્વવાળા વધુ માણસો નીકળ્યા છે, તે માટે આપણે બધાએ બ્રાહ્મણવર્ણને આટલી શાબાશી આપવા તૈયાર રહેવું જ જોઈએ. વાત પણ સાચી છે. બીજા બધા વર્ષો તરફથી બ્રાહ્મણો એ માનને પાત્ર છે. આપણે હિંમતપૂર્વક તેમની ખામીઓ બતાવી આપવી જોઈએ, પણ સાથેસાથે તેઓ જે માનને પાત્ર છે તે પણ તેમને આપવું જોઈએ. એટલા માટે મિત્રો! જ્ઞાતિઓએ અંદરોઅંદર લડવાનો કાંઈ અર્થ નથી. એથી શું ભલું થવાનું છે? એથી આપણામાં વધુ ભાગલા પડશે. આપણે વધુ નબળા થઈશું. આપણે વધુ નીચા પડીશું.

બ્રાહ્મણેત૨ વર્ણોને મારે કહેવાનું છે કે જરા થોભો, ઉતાવળા ન થાઓ, બ્રાહ્મણો સાથે ઝઘડો ક૨વાની એકેએક તક ઉપાડી ન લો, કારણ કે મેં તમને બતાવ્યું તેમ-તમે તમારા પોતાના જ વાંકે હેરાન થાઓ છો… આધ્યાત્મિકતા અને સંસ્કૃતના અભ્યાસ વિષે બેદરકાર રહેવાનું તમને કોણે કહ્યું હતું? આ બધો સમય તમે શું કરતા આવ્યા છો? શા માટે તમે બેદરકાર રહ્યા? બીજા કોઈકમાં વધુ બુદ્ધિ, વધુ સામર્થ્ય, વધુ આવડત અને વધુ સાહસ હોય એથી તમે હવે ધૂંવાફૂવાં શા માટે થાઓ છો? છાપામાં વ્યર્થ વાદવિવાદો અને ચર્ચાઓ ચલાવવામાં તમારી શક્તિનો વ્યય કરવા કરતાં, તમારા પોતાના ઘરમાં જ કજિયા અને મારામારીનું પાપ લાવવા કરતાં, બ્રાહ્મણમાં છે એ સંસ્કારિતા પ્રાપ્ત કરવામાં જ તમારી સમગ્ર શક્તિ વાપરો ને? એ કરો એટલે તમારું કામ પતી ગયું! શા માટે તમે સંસ્કૃતના વિદ્વાનો નથી બનતા? ભારતની અંદર તમામ વર્ણોને સંસ્કૃતનું શિક્ષણ આપવા સારુ શા માટે લાખોનો ખર્ચ નથી કરતા? મુખ્ય પ્રશ્ન એ જ છે. જે ઘડીએ તમે આ ક૨વા લાગશો, તે જ ઘડીએ તમે બ્રાહ્મણની સમકક્ષાએ આવી જશો. ભારતમાં શક્તિનું રહસ્ય એ છે. સંસ્કૃત ભાષા અને પ્રતિષ્ઠા ભારતમાં એક સાથે જ રહે છે.

સ્વામી વિવેકાનંદ

(“જાતિ, સંસ્કૃતિ અને સમાજવાદ”, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ (પ્રથમ સંસ્કરણ) પૂ. સં. ૫૫-૫૬)

Total Views: 226

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.