યૌવનને નિરાશા પોષાય? ના. તેને તો નીલગગનમાં પાંખો વીંઝવાની છે, અતલ સાગરના તાગ મેળવવાના છે, આતંકવાદનો વિવાદ મિટાવવાનો છે, ધર્મના – અસહિષ્ણુતાના ઝેર ગટગટાવીને નીલકંઠ થવાનું છે, છતાં જ્યારે તેના ય જીવનમાં ક્યારેક અંધકાર છવાઈ જાય છે, બેકારી અને ભૂખમરાનો અજગર ભરડો ભીંસી વળે છે, ત્યારે કવિશ્રી રવીન્દ્રનાથ ઠાકુર કહે છે-
નિઃશબ્દ તુજને રોકતું છે
દ્વાર બંધ ઊભું અહીં-
ફરી ફરી ખખડાવ તું,
છો એ કદી ઊઘડે નહીં-
તો યે નિરાશ નહીં થજે.
Knock on the door. બંધ બારણાંને ખખડાવવામાં ભલે આખી જિંદગી કેમ નથી વીતી જતી! યુવાની જેનું નામ તેને કદી નિરાશ થવું ના જ પોષાય. આવો અમર આશાવાદ જ્યારે આપણી યુવાની પોતાના જીવનમાં કેળવશે ત્યારે પેલા સમ્રાટ નેપાલિયનની જેમ પેાતાના જીવન-કોષમાંથી ‘અશક્ય’ શબ્દ દૂર કરી શકશે! ‘પુરુષાર્થી આત્મા માટે સારાય વિશ્વમાં કશું જ અશક્ય નથી’ સ્વામી વિવેકાનંદે કહ્યું છે. ‘જે બળપૂર્વક ના થતું હોય તેને કળપૂર્વક કરો’ સ્વામીજી કહે છે:
એકલો તુજને મૂકી સ્વજન તુજ ચાલ્યાં જશે.
આશા રસવેલી સૂકી ધૂળ મહીં જ મળી જશે;
તો યે નિરાશ નહીં થજે.
યૌવનને તે વળી સ્વજન – પરજનના ભેદ શા? એકલતા પચાવવી. એકલી વ્યક્તિ સાથે પણ તેનો આત્મા તો હોય છે જ ને ! ભલે આખો સૂર્ય ના હોય પણ તેનું એક માત્ર કિરણ યુવાની માટે પૂરતું છે. છતાં દુઃખ સાથે નોંધવું પડે છે કે આપણું યૌવન તેનો માર્ગ ચાતરી રહ્યું છે. નીતિનાશને માર્ગે ફંટાઈ રહ્યું છે, ફંટાઈ ગયું છે. ભૌતિક – સુખોપભોગની આંધળી દોટ પાછળ, ગાંડીતૂર નદીના જળ જેમ, પૂરનો મહાવિનાશ પલકવારમાં વ્હોરી લે તેમ યોગ્ય નેતૃત્વના અભાવે ભરાતી હરણફાળ, રણના લુખ્ખાસુક્કા વેરાન પ્રદેશમાં તો નથી ભરાઈ રહીને! કોણ વિચારશે?
પંખી પશુ ટોળે મળી મધુર સ્વર તુજ સૂણશે,
પણ સ્વજન તુજ એ ગીતની નવ કદર કંઈ પણ બૂજશે તો યે નિરાશ નહીં થજે.
A man should be a master of his circumstances. પછી ભલે આપણને Creature થતાં શિખવવામાં આવ્યું હોય!
એકલો જ પહેલો રહી શકે છે, થઈ શકે છે, વેરાન વગડામાં ગાયો ચરાવતા શ્રીકૃષ્ણ કે અરબસ્તાનના વેરાન રણમાં ઘેટાં – બકરાં ચરાવતા ભગવાન ઈસુને જેમ એકલતા ફળી તેમ આપણે સૌ એ ભીડથી દૂર જઈ, એકલતામાં આત્મ નિરીક્ષણ કરી, આપણી અંદર બિરાજતા પરમાત્માની ઝાંખી કરતાં શિખવું પડશે. ગરીબોનાં દુઃખદર્દ દૂર કરનાર માટે એકલતા શાપરૂપ નથી પણ આશીર્વાદરૂપ છે. ‘જનારાં ભલે ચાલ્યાં જાય!’ હું તો મારે માર્ગે આગળ જ ધપીશ. ‘યા હોમ કરીને પડો, ફત્તેહ છે આગે’ કવિ નર્મદે ગુજરાતના યૌવનને આપેલો આ મહામંત્ર વાગોળવા જેવો છે. બંધ બારણાંને અવિરત રીતે ખટખટાવવાનો પુરુષાર્થ કરવા જેવો છે, પછી ભલે તે કદી ઊઘડવાનું ના હોય!
Your Content Goes Here