(સ્વામી વિદેહાત્માનંદજી હિન્દી ત્રિમાસિક પત્રિકા વિવેક જ્યેાતિના સંપાદક છે.)

સ૨ હીરેમ સ્ટીવન્સ મૅકિસમ અમેરિકાના એક પ્રસિદ્ધ આવિષ્કારક હતા. પોતાની વિલક્ષણ વૈજ્ઞાનિક પ્રતિભાને કારણે તેઓ અમેરિકાની એક પ્રમુખ વિદ્યુત કમ્પનીના મુખ્ય એન્જિનિયર તરીકે નિયુક્ત થયા હતા. અહીં કામ કરતાં કરતાં બલ્બો માટે ઉપયોગમાં આવતા કાર્બનતંતુના ઉત્પાદનની એક વિશેષ પદ્ધતિનો તેઓએ વિકાસ કર્યો હતો. ઈ.સ. ૧૮૮૯ની પૅરીસ પ્રદર્શનીમાં તેઓએ એક વિદ્યુત-ચાપ-નિયંત્રક-યંત્રનું નિદર્શન કર્યું. ઈ.સ. ૧૮૮૯થી ૧૮૯૪ દરમિયાન એક ૪૦ મીટર લાંબું ૩ ટન વજનનું તથા ૧૫૦ અશ્વ-શક્તિ ધરાવતા બે બાષ્પ એન્જિનોવાળું વાયુયાન નિર્માણ કર્યું. પરીક્ષણ-ઉડ્ડયનના પ્રથમ પ્રયત્ને જ આ વાયુયાન ધરાશાયી થયું. તેઓએ અમેરિકા અને યુરોપમાં પોતાના સેંકડો આવિષ્કાર પેટન્ટ કરાવ્યા હતા જેમાં સર્વાધિક મહત્ત્વ છે એક મશીનગનનું – જેનો વિકાસ કરવાના હેતુથી તેઓ લંડન જઈને સ્થાયી થયા હતા.

ઈ. સ. ૧૮૮૪માં તેઓએ પહેલી જ વાર એક એવી મશીનગન બનાવી કે જે પૂર્ણપણે સ્વયં – ચાલિત હતી. જેમાં વિસ્ફોટના ધક્કાથી જ ખાલી કારતૂસ બહાર આવી જતી. એનો ઘોડો પૂર્વવત ઉપર ચઢી જતો. આ મશીનગનની કાર્યક્ષમતા વધા૨વા માટે મૅક્સિમ સાહેબે કાર્બાઈડ નામના એક ધૂમ્રરહિત દારૂગોળાની પણ શોધ કરી હતી. આ પ્રકારની મશીનગનોનું મોટા પાયે ઉત્પાદન થાય તે માટે ઇંગ્લેંડમાં એક કારખાનું નંખાયું. થોડાંક જ વર્ષોમાં વિશ્વની સમસ્ત પ્રમુખ સેનાઓ મૅક્સિમ મશીનગનો અથવા તો તેના જેવી જ બીજી મશીનગનોથી સજ્જ થઈ ગઈ. ૧૯૦૯માં સરકારે તેઓને “સર”ની ઉપાધિ આપી.

વિશ્વ- ધર્મ સમ્મેલનમાં ભાગ લેવા માટે સ્વામી વિવેકાનંદ સન ૧૯૦૦ની ત્રીજી ઑગસ્ટે પૅરીસ પહોચ્યા. સમ્મેલનમાં ભાગ લેવા ઉપરાંત પણ એક ખાસ કામ સ્વામીજીએ એ કર્યું કે વિશ્વભરમાંથી ત્યાં આવેલા બુદ્ધિજીવીઓ સાથે ચર્ચા – વિચારણા કરી. લગભગ ત્રણ મહિના તેઓ ફ્રાન્સમાં રહ્યા અને ત્યાંથી ઑસ્ટ્રિયા, તુર્કી, યુનાન, મિસર વિગેરે દેશોની પ્રવાસની યોજના કરી. સમ્ભવતઃ આ સમયગાળા દરમિયાન ઑક્ટોબર મહિનાની એક સાંજે મૅક્સિમ સ્વામી વિવેકાનંદને મળવા આવ્યા હતા. તેઓ સમાચારપત્રોમાં સ્વામીજી વિશે અપાયેલી માહિતીથી તથા સ્વામીજીના ગ્રંથો વાંચીને સ્વામીજી પ્રત્યે અત્યંત પ્રભાવિત થયા હતા. પૅરીસ પ્રદર્શની વખતે તક મળતાં જ તેઓ સ્વામીજીને મળ્યા અને ધીરે ધીરે બંને વચ્ચે આત્મીયતા સ્થપાતી ગઈ.

પૅરીસ છોડતાં પહેલાં પોતાની યુરોપ યાત્રાનાં સંસ્મરણોમાં સ્વામીજી લખે છે – “મૅક્સિમે મારી પ્રવાસની સુવિધા માટે અનેક સ્થળો માટે પત્રો એકત્રિત કરી આપ્યા છે. જેથી દરેક દેશનું પરિભ્રમણ સ૨ળતાથી થઈ શકે. મૅક્સિમ, પ્રસિદ્ધ મૅક્સિમગનના નિર્માતા છે. આ એક એવી તોપ છે કે જેમાંથી લગાતાર દારૂગોળાની વર્ષા થતી રહે જે પોતાની જાતે જ ભરાતી રહે છે અને પોતાની જાતે જ ગોળાઓ છોડતી રહે છે – અવિરામ! નિરંતર! તોપ વિષે વધુ વાતો છેડીએ તો મૅક્સિમ ચીઢાઈ જાય છે. કહે છે “શું મહાશય હિંસક મશીનગન સિવાય મેં બીજું કંઈ જ નથી શોધ્યું?” મૅક્સિમ ચીન-ભક્ત છે, ભારત-ભક્ત છે. ધર્મ અને દર્શનાદિ પર સુંદર લેખેા લખે છે. મારાં પુસ્તકો વાંચીને મારા પર અપાર અનુરાગ રાખે છે. મૅક્સિમ ભલે રાજા મહારાજાઓને તોપ વેચતા પરંતુ તેમના નિકટના મિત્ર છે લી-હું-છાંગ. ચીન ૫૨ તેમની વિશેષ શ્રદ્ધા છે અને તેઓ કન્ફયુશિયસ ધર્મ પ્રત્યે આસ્થા ધરાવે છે. ક્યારેક કોઈ ચીનવાસીના નામે અખબારોમાં ખ્રિસ્તી પાદરીઓ વિરુદ્ધ પણ લખી નાખે છે. મૅક્સિમ પાદરીઓની ધર્મ-પ્રચાર નીતિથી નારાજ છે. મૅકિસમનાં પત્ની પણ ચીન-ભક્ત છે અને ખ્રિસ્તીને અણગમાની નજરે જુએ છે. મૅક્સિમ વૃદ્ધ છે ને અઢળક પૈસો છે તેમની પાસે.

તા. ૨૨મી ઑક્ટોબરે સ્વામીજી શ્રીમતી ઑલીબુલને એક પત્ર લખે છે “બન્દૂક માટે પ્રસિદ્ધ શ્રી મૅક્સિમને મારા વિચારોમાં ઊંડી અભિરુચિ છે. ચીન અને ચીનવાસીઓ વિશેની પોતાની કૃતિમાં તેઓ મારા અમેરિકાની યાત્રા સમયના કાર્ય અંગે કંઈક લખવા ધારે છે. હાલમાં મારી પાસે એના વિશેની કંઈ જ માહિતી રહી નથી. તમારી પાસે હોય તો આપશો. તેઓ આપને મળવા તથા આ અનુસંધાનમાં વાતચીત કરવા આવશે.”

શ્રી મૅક્સિમે તથ્ય એકત્રિત કરીને પોતાના પુસ્તકમાં સંગ્રહિત કર્યાં હતાં. પરંતુ આ પુસ્તક પ્રકાશિત થવામાં ઘણો જ વિલંબ થયો. ૧૯૧૩માં પ્રકાશિત તેમના પુસ્તક “લી- હું- ચાંગ સ્ક્રેપ બૂક”ની ભૂમિકામાં તેઓએ સ્વામી વિવેકાનંદની શિકાગો ધર્મસભામાં ઉપસ્થિતિ તથા સ્વામીજીના પ્રચાર કાર્યના પ્રભાવ વિશે અત્યંત સજીવ આલેખન કર્યું હતું – મૅક્સિમ લખે છે- “થોડાં વર્ષો પહેલાં શિકાગોમાં ધર્મ-સભા આયોજિત થઈ. અનેક લોકોને લાગતું હતું કે આ પ્રકારનું સમ્મેલન અસંભવ છે. બધા જ પક્ષો – સંપ્રદાયો પોતાને સાચા અને અન્યને સદંતર ખોટા માને છે. આવી સ્થિતિમાં આ તમામનું કોઈ એક ઘાટ પર એકત્રિત થવું કે એમની વચ્ચે સંવાદ સ્થાપવો અશક્ય છે. તેમ છતાં પણ આ ધર્મસભાએ અમેરિકાની પ્રજાના દસ લાખથી પણ વધુ ડૉલર અને વિદેશ જનારા કેટલાયે લોકોનાં જીવન બચાવી લીધાં છે. આ બની શક્યું છે માત્ર એક સાહસિક અને સત્યનિષ્ઠ વ્યક્તિ દ્વારા. તે છે સ્વામી વિવેકાનંદ. આ સંન્યાસીનું પ્રભાવશાળી વ્યક્તિત્વ, ગહન પાંડિત્ય તથા ભાષાપ્રભુત્વ વેબ્સ્ટર જેવું છે. અમેરિકી પ્રોટેસ્ટંટોએ બાજી પોતાના હાથમાં જ છે એમ માનીને તેમના વર્ષોથી ચવાઈ ગયેલા અર્થહીન પ્રલાપો દ્વારા, સભાની કાર્યવાહી શરૂ કરી. આમ તેઓ કોઈને ય આકર્ષી ન શક્યા. કોઈને ય એમની જરીપુરાણી વાતોમાં રસ ન પડ્યો. પરંતુ જ્યારે સ્વામી વિવેકાનંદે બોલવાનું શરૂ કર્યું ત્યારે પ્રોટેસ્ટંટોને લાગ્યું કે ઓહ! નેપોલિયનનો મુકાબલો કરવો પડે એવું વિરલ વ્યક્તિત્વ છે વિવેકાનંદનું! સ્વામીજીનું પ્રથમ વ્યાખ્યાન જ દિવ્ય રહસ્યોદ્ઘાટન સમાન હતું. સંવાદદાતાઓએ અક્ષરે અક્ષરની નોંધ લીધી અને તેમના આ વ્યાખ્યાનને તાર દ્વારા ખૂણે ખૂણે પ્રસારિત કરી દીધું. હજારો સમાચાર પત્રો સ્વામીજીના શબ્દોથી ગાજી ઊઠ્યાં. વિવેકાનંદ એ સભાના સિંહ પુરવાર થયા. તેમનાં વ્યાખ્યાનો માટે આવનાર શ્રોતાઓ કોઈ પણ હૉલમાં સમાઈ શકે તેમ ન હતા. આજ સુધી ખ્રિસ્તી મિશનરીઓ બીનખ્રિસ્તી (બીનઈસાઈ), આર્થિક રીતે ગરીબ અને અજ્ઞાન અંધકારમાં ડૂબેલા લોકોને ધર્માન્તરિત કરવાના આશયથી હજારો અર્ધશિક્ષિત માણસો અને કરોડો ડૉલર મોકલતા રહ્યા. આજે એમને લાગ્યું કે આ કહેવાતા પતિત લોકોનું પ્રતિનિધિત્વ કરતા સ્વામી વિવેકાનંદ પાસે તો ધર્મ દર્શન અને જ્ઞાનનો અખૂટ ખજાનો છે. આતંકિત થયેલા આ મૂઢ લોકોએ સ્વામીજીને શૈતાનના પ્રતિનિધિ તરીકે જાહે૨ ક૨વાની પેરવી કરી પરંતુ તેઓ ફાવ્યા નહીં. આ પ્રથમ અવસર હતો કે લોકોને સ્વામીજીના પ્રવચન દ્વારા ધર્મનો સાચો પરિચય થયો. સ્વામીજીનું કામ તો સફળ થઈ ગયું હતું. બીજ રોપાઈ ગયું હતું. અમેરિકન પ્રજા વિચારવા લાગી- “જેમને ધર્મનો કક્કો યે નથી આવડતો એવા મિશનરીઓ આવા મહાન લોકોને શિક્ષા આપવાનો દાવો કરે છે તે શું યોગ્ય છે? અમે અમારા પૈસા શા માટે વેડફીએ?” પરિણામે મિશનરી સંસ્થાઓની વાર્ષિક આવક દસ લાખ ડૉલરથી પણ વધુ ઘટી ગઈ.

આપણે આ વિવરણ દ્વારા એવું જરાયે ન માની બેસીએ કે સ્વામીજી ઈસાઈ મિશનરીઓ સાથે લડવા-ઝગડવા અમેરિકા ગયા હતા. સ્વામીજીએ એ લોકોને ભારત છોડવા પણ નથી કહ્યું. તેઓએ માત્ર એટલું જ કહ્યું કે આ લોકો અમેરિકામાં ભારત વિશે ખોટો પ્રચાર કરવાનું બંધ કરે અને ઈશુ ખ્રિસ્તના ઉપદેશનું પાલન કરતાં કરતાં ભારતની સેવા સાચા અર્થમાં કરે. સ્વામીજીએ તેમની કટ્ટર ધર્માંધતાની ટીકા કરી.

શ્રી મૅક્સિમ દ્વારા અપાયેલા પરિચય પત્રોએ સ્વામીજીની વિદેશયાત્રામાં તેમના ધ્યેયને પ્હોંચી વળવા માટે ઘણો સહકાર આપ્યો. મૅક્સિમે સ્વામીજી આગળ ચીન જવા માટેનો પ્રસ્તાવ મૂકેલો. સન ૧૯૦૧ના જૂનમાં સ્વામીજીને જપાનથી ઓકાકુરાનું નિમંત્રણ મળ્યું ત્યારે તેઓએ ચીન જવા વિચાર કરેલો. તેમને હતું કે જપાન જવાનું બનશે તો તેઓ અવશ્ય મૅક્સિમ દંપતિનો પત્ર લઈને ચીન જશે. ત્યાં તેઓ લી-હું-ચાંગ જેઓ આ દંપતિના પરમ શ્રદ્ધેય હતા તેઓને મળીને અધ્યાત્મ-ચર્ચા કરશે. પરંતુ પોતાની નાદુરસ્ત તબિયતને લીધે સ્વામીજીને જપાન જવાનો વિચાર પડતો મૂકવો પડ્યો.

સર હીરેમ મૅક્સિમ સ્વામીજીના અનેક વૈજ્ઞાનિક મિત્રોમાંના એક હતા. એશિયા અને પૂર્વની સભ્યતા સંસ્કૃતિ તરફ મૅક્સિમને વિશેષ પક્ષપાત હતો. સ્વામીજી વિષેના મૅક્સિમના વિવરણ પરથી નિઃશંક લાગે છે કે સ્વામીજીને મળેલું “તોફાની હિંદુ”નું બિરુદ સાર્થક હતું.

ભાષાંતર: શ્રીમતી જ્યોતિબહેન ગાંધી

Total Views: 231

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.