(કાકાસાહેબ કાલેલકરે વર્ષો પૂર્વે બેડ મઠની યાત્રા કરી તે પછી બેલુડમઠમાં ઘણાં પરિવર્તનો થયાં છે, શ્રીરામકૃષ્ણદેવનું ભવ્ય મંદિર સ્થપાયું છે, તેમજ શ્રીમા શારદાદેવી, સ્વામી વિવેકાનંદ અને સ્વામી બ્રહ્માનંદજીનાં મંદિરો ગંગાકિનાર ચણાયાં છે, ભૌગોલિક તથા સામાજિક પરિવર્તનો આવ્યાં છે, બેલુડ મઠની આસપાસ રહેતા લોકોમાં સ્વામી વિવેકાનંદ વિષે જાગૃતિ આવી છે, તેમ છતાં કાકાસાહેબ કાલેલકરના આ યાત્રા વિષેનાં સંસ્મરણો અત્યંત રોચક હોવાથી વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ. સ્વામી વિવેકાનંદ, શ્રીમા શારદાદેવી, શ્રી તેમ જ રામકૃષ્ણ મિશન પ્રત્યેનો તેમનો અહોભાવ પણ અહીં પ્રગટ થાય છે.)

બોધિગયાથી અમે બંગાળ ચાલ્યા. બંગાળમાં હું પહેલવહેલો જતો હતો. ટ્રેનમાં રાત પૂરી કરી સવારે ઊઠ્યા ત્યાં સુજલા, સુફલા, મલયજશીતલા બંગભૂમિનું દર્શન થયું. બંગાળ એટલે નાનાં મોટાં તળાવોની ભૂમિ. ત્યાંના લોકો તેને પુકુર કહે છે. પુકુર એટલે પુષ્કર. મારો બંગાળનો પ્રથમ પરિચય બહુ આનંદદાયક ન નીવડ્યો. રાત્રે ઊંઘતા ઊંઘતાં વિચાર આવતા હતા કે, રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદની બંગભૂમિ જોવાને મળશે; બિપિન પાલ અને અરવિંદ ઘોષની પુણ્ય-ભૂમિનું દર્શન થશે; ખુદીરામ બોઝ અને કનૈયાલાલ દત્તની ‘બાંગલા’ હું સવારે ઊઠીને જોઈશ. ‘આનંદમઠ’ અને ‘દેવી ચૌધરાણી’માં વર્ણવેલી ભૂમિ પ્રત્યક્ષ થશે.

આવા મધુરા વિચાર કરતો કરતો હું સૂઈ ગયો. વૈશાખ મહિનો હતો એટલે બુવાએ પોતાનાં કપડાં ઉતારી ડબામાં ઉપર ટિંગાવી દીધાં અને તે પણ સૂઈ ગયા. સવારે ઊઠીને જોઈએ તો કપડાં ન મળે. બંગાળના દારિદ્રની દયા આવી. મને થયું કે કપડાં ઉઠાવી જનાર માણસ, રાત્રે નજરે પડત તો મારાં કપડાં પણ એને ઉતારી આપત. મેં કલકત્તા જઈ કપડાં ઉતાર્યાં અને હરિદ્વારમાં જઈ ત્યાંના રામકૃષ્ણ સેવાશ્રમમાં મારાં બધાં કપડાં આપી દીધાં, પણ તેનું કારણ જુદું હતું.

ટ્રેન લીલુઆ સ્ટેશન આગળ થેાભી. અમે ઊતર્યા. ત્યાં જઈને વિવેકાનંદનો બેલુડ મઠ ક્યાં છે એમ અમે પૂછ્યું. કોઈને બેલુડ મઠની ખબર ન હતી. ચોખંડમાં વિખ્યાતિ પામેલા વિવેકાનંદનો મઠ ક્યાં છે. એની લીલુઆ સ્ટેશન ૫૨ કોઈને જ ખબર ન મળે! કેટલા દુઃખની વાત! રખડતા રખડતા અમે બેલુડ ગામમાં જઈ પહોંચ્યા. ત્યાં એક વૃદ્ધ ‘ભદ્ર પુરુષ’ મળ્યો. એણે સજ્જનતાથી કહ્યું, ‘ચાલો હું તમને બેલુડ મઠ સુધી પહોંચાડું.’ સવારથી મળેલા જવાબ પરથી આટલી સજ્જનતાની મેં અપેક્ષા રાખી ન હતી. તે માણસની પાછળ પાછળ અમે ચાલ્યા પણ અરે દૈવ! ડોસાનો વેગ કીડીના વેગથી વધે જ નહીં. વખત ગુમાવવાના દુઃખ કરતાં, અમારે લીધે આ વૃદ્ધ માણસને આટલી તકલીફ પડે છે એનું જ મને વધારે દુઃખ થયું. મેં કહ્યું, ‘મહાશય, હું મારો રસ્તો ખોળી લઈશ, આપને તકલીફ આપવા હું નથી ઈચ્છતો.’ તેમણે કહ્યું, ‘ના ના, મારે પણ મઠમાં જ જવું છે.’ થયું, હવે તો અમારે પણ કીડીને વેગે ટગુમગુ કર્યા વગર છૂટકો જ નહોતો.

બેલુડ મઠમાં રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદની સમાધિઓ છે. મઠ બરાબર ગંગા નદીના કાંઠા પર છે. એક છેડા ઉપર દીવાદાંડી સમો લાલ દીવો પણ છે. અમે જઈને મઠપતિ સ્વામી પ્રેમાનંદને નમસ્કાર કર્યા. ‘આવો બેસો’ કહી તેઓ પાછા પોતાને કામે વળગ્યા. એટલામાં એક બે બ્રહ્મચારીઓ અમારી પાસે આવ્યા. તેમાંના એક મને પૂછ્યું, ‘તમે પાછા ક્યારે જવાના? અહીં કેટલા દિવસ રહેવા માગો છો?’ હું કબૂલ કરું છું કે આવા સ્વાગતને માટે હું તૈયાર ન હતો. મને લાગ્યું કે હું એક અનિષ્ટ પરોણો છું! મેં કહ્યું ‘ભાઈ, હું તો આવતી કાલે જ જવાનો છું.’ આટલું અભયદાન દીધા પછી મને લાગ્યું કે હવે વાતો કરી શકાય. એક જણને મેં પૂછ્યું, ‘સ્વામી વિવેકાનંદની સમાધિ ક્યાં છે?’ તેમણે કહ્યું ‘તે હજી બંધાય છે. સ્વામીજી મહારાજનું આરસનું પૂતળું તૈયાર છે, જે સમાધિની ઓરડીમાં છે. તે તમને બતાવી શકું.’

કાશી અને ગયાની ત્રિસ્થળોની યાત્રા હું કરી આવ્યો હતો. પણ જેમના ધર્મગ્રંથો વડે મારામાં ધર્મશ્રદ્ધા ફરી સ્થાપિત થઈ તે સ્વામી વિવેકાનંદની સમાધિનાં દર્શન એ મારી દૃષ્ટિએ મહાયાત્રા હતી. ડગલે ને પગલે મારા હૃદયમાં શ્રદ્ધા ભક્તિ ઊછળવા લાગ્યાં. બસ, ચાળીસ-પચાસ કદમ ચાલીશ એટલે મારા આટઆટલા વર્ષના મનોરથ પૂર્ણ થશે. યાત્રાનું સુફળ મળશે. સંશયવાદની સુષુપ્તિમાં પડેલા ભારતવર્ષને અમેરિકાની સર્વધર્મપરિષદના વ્યાસપીઠ ઉપરથી જગાડનારા સ્વામી વિવેકાનંદનાં – સંગેમરમરના રૂપમાં ભલે હેાય – દર્શન થશે. એ મારા વલોવાયેલા હૃદયને માટે ઓછું ન હતું. સમાધિની ઓરડીમાં અમે ગયા. મેં અત્યંત ભક્તિભાવે દંડવત્ પ્રણામ કર્યા અને ક્ષણેકને માટે લગભગ બેભાન થઈ ગયો.

પાછા ફરી નદીના ઘાટ પર નાહી લીધું. ઘાટ પાસે મોટી મોટી કોઠીઓની એક હાર હતી. તે તરફ લક્ષ જતાં મેં તે વિશે ત્યાંના એક બ્રહ્મચારીને પૂછ્યું. અને તેમણે કહ્યું, ‘ગંગા અહીં સમુદ્રથી બહુ દૂર નહીં હોવાથી સમુદ્રની ભરતી અહીં આવે છે તે વખતે નદીનું પાણી ખારું થઈ જાય છે; અને સમુદ્રમાં જ્યારે ઓટ થાય છે ત્યારે પાણી મીઠું થાય છે. એટલા માટે ઓટ હોય ત્યારે પીવાનું પાણી અમે આ કોઠીઓમાં ભરી રાખીએ છીએ.’

નાહીધોઈને મંદિરમાં પ્રવેશ કર્યો. ત્યાં ઉપલે મેડે રામકૃષ્ણ પરમહંસના અસ્થિ એક ત્રાંબાના ડબામાં રાખવામાં આવ્યાં છે, અને તે ડબા ઉપર રામકૃષ્ણ પરમહંસનો એક નાનો સરખો ફોટો રાખવામાં આવ્યો છે. તેની જ પૂજા થાય છે. પાછળની બાજુએ એક ધ્યાનની ઓરડી છે. આ વ્યવસ્થા મને ખૂબ ગમી. ધ્યાનના ઓરડામાં હંમેશ શાંતિ હોય છે. ગમે તેટલા લોકો ધ્યાન કરે તો પણ કોઈને બીજાની ખલેલ ન પહોંચે. અવાજ કર્યા વગર માણસ અંદર આવીને બેસે અને અવાજ કર્યા વગર જાય.

સામાન્ય રીતે સભામાં પણ આવવા જવાથી બીજાઓને તકલીફ ન થાય એ તરફ બંગાળી લોકોનું ધ્યાન ખાસ હોય છે. ઘણા લોકો બેઠા હોય અને વચમાંથી જવું પડે તો નીચે નમી, પોતાને કઈ દિશામાં જવું છે એ સૂચવવા માટે એક હાથ આગળ કરી, દરેક જણની માફી માગતો હોય એવી મુદ્રા ધારણ કરી, માણસ ભીડમાંથી પસાર થઈ જાય છે.

ધ્યાનમંદિરમાં બેસી અમે ધ્યાન કર્યું. પરમહંસની સમાધિ આગળ બેસી ગીતા અને ઉપનિષદનો પાઠ કર્યો. મારા આ સ્વાધ્યાય અને શુદ્ધ સંસ્કૃત ઉચ્ચારને લીધે ત્યાંના બ્રહ્મચારીઓમાં મારી પ્રતિષ્ઠા જરા વધી એમ મેં જોયું.

મંદિરમાંથી અમે પાછા મઠમાં ગયા. ત્યાં ઉપલે મેડે સ્વામીજી મહારાજની ઓરડી હતી. આ ઓરડીમાં સ્વામી વિવેકાનંદ રહેતા હતા તે વખતે ઓરડીની જે સ્થિતિ હતી તેવી જ જાળવી રાખી છે. સ્વામીજી મહારાજની સૂવાની ગાદી, તેમનો ફેંટો, ‘અલખલ્લો’ (અંગરખા જેવી કફની) તથા કાનટોપી અને તેમનું મોટું કમંડલુ, હુક્કો-સઘળી વસ્તુઓ સંભાળપૂર્વક ત્યાં ગોઠવી રાખેલી છે. મારા જેવા પ્રેક્ષકને ઓરડીની અંદર જવાની રજા હોઈ ન શકે. બારણામાં જ આડો આગળો હતો ત્યાંથી મેં ડોકિયું કર્યું અને પાછો ફર્યો. અજ્ઞાત ભિખારીની પેઠે આખો દેશ ઘૂમી હિંદુ ધર્મ અને સમાજની આધુનિક સ્થિતિ તેઓ જ્યારે નિહાળતા હતા ત્યારે જે મોટું કમંડલુ તેઓ સાથે ફેરવતા હતા તેણે જ મારું ધ્યાન ખેંચ્યું. આ કમંડલુના પેટમાં કેટલા કીમતી અનુભવો સમાયેલા હશે તેનો હું વિચાર કરવા લાગ્યો.

બપોરે જમવાનો વખત થયો. બંગાળી ભોજન જમવાનો આ મારે પહેલવહેલો પ્રસંગ હતો. બંગાળી લોકોના મુખ્ય આહાર ભાત અને શાક જ છે. શાક એટલી જાતનું હોય અને એટલું બધું હોય છે કે, ભાતને માટે શાક હોય છે કે, શાકને માટે ભાત એવી શંકા મારા મનમાં સહેજે આવી ગઈ. એક વર્ષ ઉપર મેં મરચાંમસાલાનો ત્યાગ કર્યો હતો. અને અહીં તો શાકમાં મરચાંનો ઉપયોગ ઉદારતાથી ક૨વામાં આવ્યો હતો. દરેક કોળિયા સાથે મારે પાણી પીવું પડતું હતું. એટલામાં મારા ભાણામાં-કેળના પાંદડા ઉ૫૨-ઘીના જેવું કંઈક જામી ગયેલું તેના પર મારી નજર પડી. મેં માન્યું કે હવે મરચાંનું ઓસડ મળી ગયું; પણ દુર્ભાગ્યે એ તો દેવતામાં શેકેલા બટાટાનો છૂંદો હતો અને તેમાં પણ લીલાં મરચાં હતાં.

પ્રાયો ગચ્છતિ યત્ર ભાગ્યરહિતસ્તત્રૈવ યાન્ત્યાપદઃ।

જમીને બગીચામાં હાથ ધોવા ગયો. મેં વિચાર્યું કે, હાથ ધોવાનું પાણી ગમે તેમ રેડીએ તેના કરતાં ફૂલઝાડને પાણી મળે તો ઠીક, મેં હાથ ધોવાનું શરૂ કર્યું ત્યાં તો બે ત્રણ બ્રહ્મચારીઓએ હાહાકાર મચાવી મૂક્યો. તેઓ અંગ્રેજીમાં બરાબર ન સમજાવી શકે અને હું તેમની બંગાળી ભાષા ન સમજી શકું. આખરે ખબર પડી કે, આ ઝાડનાં ફૂલ ઠાકોરજીને ચડાવવામાં આવે છે તેને એઠું પાણી પવાય નહીં.

હું અજાણ્યો માણસ અને મારો એ પહેલવહેલો અપરાધ હતો, એટલે એક ભાઈએ ક્ષમા આપવાનો ઠરાવ મૂક્યો; અને કેટલાકોએ ઉદારતાથી અને બીજાઓએ શિક્ષા કરવાનો ઉપાય ન સૂઝવાથી તે સ્વીકાર્યો એમ મેં જોયું.

મારું દક્ષિણી ચોખ્ખાઈનું અભિમાન ગળી ગયું. સાચે જ, પૂજાનાં ફૂલઝાડોને એઠું પાણી કેમ અપાય? કર્ણાટકમાં લિંગાયત લોકો પોતાની ન્યાતના લોકોના હાથનું જ પાણી પીએ છે; એટલું જ નહીં પણ, ચુસ્ત લિંગાયત જે ગાયનું દૂધ પીતા હેાય તે ગાયને માટે ઘાસ અને પાણી પણ લિંગાયતે જ આણેલું હોવું જોઈએ. શાસ્ત્રમાં લખેલું જ છે : આહારશુદ્ધૌ સત્ત્વશુદ્ધિઃ।

બપોરે બ્રહ્મચારીઓને નવરાશ હતી એટલે તેમની સાથે વાતો કરવામાં વખત ગાળ્યો. બ્રહ્મચારીઓમાં એક મુસલમાન હતો. તે પણ કાલીનો ઉપાસક બન્યો હતો અને પરમહંસના ઉપદેશનો અનુવાદ કરવામાં સમય ગાળતો હતો. તેણે મને પૂછ્યું, ‘તમે ગુરુ મહારાજનો ઉપદેશ વાંચ્યા છે?’ મેં કહ્યું, “હા, જી.” મારી પરીક્ષા લેવા એણે સવાલ પૂછ્યો, ‘કહો ત્યારે, કાલીનો વર્ણ શ્યામ શા માટે છે?’ મેં કહ્યું, ‘શ્યામ વર્ણ આકાશનો છે. આકાશ અનંત છે. કાલી પણ અનંત છે. માટે કાલી પણ શ્યામ છે.’ તેમણે કહ્યું, ‘બરાબર.’ હું પાસ થયો અને તેમના વાદવિવાદમાં ભળવાને લાયક થયો. તેમને સામો પ્રશ્ન પૂછવાની મને ચળ ઊપડી. મેં કહ્યું, ‘સ્વામી વિવેકાનંદની ‘Kali the Mother (કાલીમાતા) એ કવિતાનું રહસ્ય સમજાવશો?’ તેમણે કહ્યું. ‘ચાલો, સ્વામી પ્રજ્ઞાનંદ પાસે, તેઓ સમજાવશે.’ મારી બાજી બગડી. લાંબા વખત સુધી વિનોદ કરવાની મારી વૃત્તિ ન હતી, પણ સ્વામી પ્રજ્ઞાનંદ પાસે ગયા પછી મારે ઠાવકું મોઢું કરી જિજ્ઞાસુ બનવું જ પડ્યું. તેમણે મને કહ્યું, ‘તમે પોતે આ કવિતાનું રહસ્ય શું માનો છો?’ મેં ટૂંકામાં કહી દીધું. તેમણે કહ્યું, ‘બરાબર છે,’ એટલે હું છૂટ્યો.

આ સ્વામી પ્રજ્ઞાનંદ જાણવા જેવી વ્યક્તિ હતી. તેમનું મૂળ નામ દેવવ્રત બોઝ. તેઓ એક જાણીતા બ્રાહ્મસમાજી હતા. મિત્રમંડળમાં તેમની ખ્યાતિ ખૂબ હતી. અલીપુર બૉમ્બ કેસમાં તેઓ સપડાયા હતા, પણ આખરે છૂટ્યા. લાંબા વખત સુધી તેમનો મુકદ્દમો ચાલેલો. તે દરમિયાન તેમને જેલમાં રહેવુ પડેલું. ઘણા લોકોને જેલમાં પહેલી જ વાર એકાંત મળે છે અને ત્યાં આત્મપરીક્ષણ કરી તેઓ પોતાના જીવનના આખા પ્રવાહમાં પલટો કરી નાખે છે. દેવવ્રત બોઝને એમ જ થયું. બ્રાહ્મો મટી તેઓ વેદાંતી બન્યા અને સંન્યાસ લઈ પ્રજ્ઞાનંદ થયા. બેલુડ મઠમાં આવ્યા પછી તેમણે બંગાળી ‘ઉદ્‌બોધન’ માસિકમાં ‘ભારતેર સાધના’ કરીને એક સુંદર લેખમાળા લખી હતી, જેમાં હિંદુસ્તાનને ભાગે ઈશ્વરે ક્યું કામ રાખ્યું છે તેની સરસ ચર્ચા કરી હતી. થોડા દિવસ પછી આ સ્વામી હિમાલય માયાવતી મઠમાં મઠપતિ થઈને રહ્યા હતા અને ‘પ્રબુદ્ધ ભારત’ માસિક ચલાવતા હતા. થોડા વર્ષ આ કામ કર્યા પછી તેમણે સમાધિ લીધી.

મારે ‘Gospel of Shri Ramkrishna’ (શ્રીરામકૃષ્ણ કથામૃત)ના લખનારા શ્રી ‘M’ ને મળવું હતું. અને બની શકે તો રામકૃષ્ણ પરમહંસનાં ધર્મપત્ની અને શિષ્યા શ્રી શારદામાતાનું પણ દર્શન કરવું હતું. ‘M’ ને અહીં બધા માસ્ટર મહાશય કહેતા. મેં મઠપતિ સ્વામી પ્રેમાનંદની રજા લીધી. તેમણે મારી સાથે એક બ્રહ્મચારી આપ્યો. અમે એક નાનકડી હોડીમાં બેસી સામે કાંઠે ગયા અને ત્યાંથી નાની સ્ટીમલોંચમાં બેસી કલકત્તા ગયા. રસ્તામાં બ્રહ્મચારી જોડે ખૂબ વાતચીત થઈ. તેઓ બહુ મિલનસાર હતા. બંગાળના અનેક જુવાનોની પેઠે પહેલાં તેઓ ક્રાંતિકારક પક્ષમાં હતા. પછી ધાર્મિક વૃત્તિ વધતાં રાજકારણનો રસ ઓછો થયો અને એ રામકૃષ્ણ મિશનમાં દાખલ થયા. મેં તેમને પૂછ્યું, ‘તમારો આદર્શ શો છે?’ એમણે કહ્યું, ‘અમને દીક્ષા મળી છે. તે ‘આત્મનો હિતાય’ અને ‘જગત સુખાય’ જિંદગી વિતાડવી એ છે. સ્વામી મહારાજે મઠના બ્રહ્મચારીઓને કહી રાખ્યું છે તમારી જિંદગી સોલ્જરના જેટલી કઠણ હોવી જોઈએ. તત્ત્વજ્ઞાનના કૂટમાં ફૂટ પ્રશ્નની ચર્ચા કરી શકો એટલી તીવ્ર અને તેજસ્વી તમારી બુદ્ધિ હોવી જોઈએ અને ખેતરમાં કામ કરી શાકભાજી ઉગાડી તે બજારમાં વેચી આવો એટલી સાદાઈ, મહેનત અને વ્યવહારકુશળતા તમારામાં હોવાં જોઈએ.’ આ બ્રહ્મચારીએ બે જ દિવસમાં ખૂબ માયા લગાડી. બંગાળી લોકો ભાવનાપ્રધાન હોય છે એનો ખ્યાલ આ બ્રહ્મચારીએ મને આપ્યો. એને હું ભૂલું એમ નથી.

અમે માસ્ટર મહાશય –મહેન્દ્રનાથ ગુપ્તને મકાને આવી પહોંચ્યા. તેઓ પૂજામાં બેઠા હતા એટલે જરા રાહ જોવી પડી. હું રાહ જોતો બેઠો એટલામાં તેમની ભવ્ય મૂર્તિ બહાર આવી. તેમણે શ્વેત વસ્ત્ર ધારણ કરેલાં હતાં. લાંબી દાઢી છાતી પર શોભતી હતી. ગંભીરતા અને નમ્રતા એ એમની મુખાકૃતિની વિશેષતા હતી. તેઓ ભોંય પર જ બેઠા. મારા મિત્ર ગુણાજીએ ‘Gospel of Shri Ramakrishna’નું ભાષાંતર મરાઠીમાં કર્યું હતું તેમાં મારો હાથ હતો, એટલે એને વિશે જ વાતો શરૂ થઈ. મારો પરિચય થયા પછી તેમણે સમાધાન દર્શાવતા કહ્યું, ‘ત્યારે ‘Gospel’નું ભાષાંતર ક૨ના૨ શુષ્ક પંડિત નથી. પણ સાધુ પણ છે.”

માસ્ટર મહાશય સાથે વધુ વાતચીત ન થઈ. અમે ‘ઉદ્‌બોધન’ કાર્યાલયમાં શ્રી શ્રીમાનું દર્શન કરવા ગયા. શ્રી શ્રીમા એટલે શારદામાતા. કાર્યાલયમાં બારણા આગળ જ એક ઓરડી હતી ત્યાં સ્વામી શારદાનંદ બેઠા હતા. સ્વામી શારદાનંદ આખા રામકૃષ્ણ મિશનના મંત્રી છે. આખી દુનિયામાં જ્યાં જ્યાં રામકૃષ્ણ મિશનની સંસ્થાઓ ચાલે છે તે બધી ઉપર તેમની દેખરેખ છે. એટલે તેમના ઉપર કાર્યભાર ઘણો છે. પોતાના આસન ઉપર પગ લાંબા કરીને બેસે છે અને આખો દિવસ કામ કરે છે. એમનું શરીર ઉઘાડું હતું અને પેટ બહુ જ મોટું હતું. એક જ ઠેકાણે બેસી હંમેશ કામ કરવાનું તેનું અને બંગાળી આહારનું જ એ પરિણામ હતું. ‘સાધુ ચલતા ભલા’ એ કહેવતનું રહસ્ય મેં નવા અર્થમાં જોયું.

‘નમો નારાયણ’ કહી મેં એમને નમસ્કાર કર્યા. ‘નારાયણ’ કહી એમણે મને આશીર્વાદ આપ્યો. એ આપણો જૂનો રિવાજ છે. સંન્યાસીને આ જ શબ્દમાં નમસ્કાર કરાય. નમસ્કાર કરી અમે અંદર ગયા. થોડો વખત રાહ જોયા પછી દર્શનની રજા મળી. રામકૃષ્ણ પરમહંસના અનુયાયીઓ શારદામાતાને દુર્ગાનો અવતાર માને છે. અને કોઈ પણ મહત્ત્વનું કાર્ય એમને પૂછ્યા વગર કરતા નથી. શારદામાતાનું દર્શન મેં અત્યંત ભક્તિપૂર્વક કર્યું. પતિને જ ગુરુ કરી તેમની ઈશ્વરની પેઠે જીવનપર્યંત શુદ્ધ સેવા કરનાર અને તેમની સમાધિ પછી ચોવીસે કલાક રામકૃષ્ણ પરમહંસના ધ્યાનપૂજનમાં જિંદગી વિતાડનાર આ તપસ્વિની બ્રહ્મચારિણી આદર્શ પત્નીનું દર્શન હું મારી જિંદગીનું એક અદ્વિતીય અહોભાગ્ય સમજું છું. મેં સાષ્ટાંગ પ્રણામ કર્યા. સાધારણ ભાષાને અભાવે વાતચીત થઈ શકે એમ તો હતું જ નહીં. મેં ભક્તિ અને આર્જવપૂર્વક તેમને ચરણે દૃષ્ટિપાત કર્યો; તેમણે માતૃવાત્સલ્યથી આશીર્વાદ આપ્યો અને અમે પાછા ફર્યા.

(કાકા કાલેલકર ગ્રંથાવલિ-૧ પૃ. ૩૧-૩૬માંથી સાભાર)

Total Views: 111
By Published On: June 1, 1994Categories: Kaka Saheb Kalelkar0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram