ઈ. સ. ૧૯૧૪ના વર્ષની આસપાસ અમારું કુટુંબ પોરબંદર આવ્યું. મારા પિતા ત્યારે નવીબંદર મહાલની નવીબંદરની મામલતદારની ઑફિસમાં સરકારી નોકર હતા. ભૂતકાળમાં મિયાણી પછી નવીબંદરની ત્યારે જાહોજલાલી હતી. પરન્તુ તેનું બારું રેતીથી પુરાઈ જવાથી નકામું થઈ ગયું અને તેને પ્રાપ્ત થયેલી સમૃદ્ધિ એકદમ ઓસરી ગઈ. છતાં તે નવીબંદર મહાલનું પાટનગર હોઈને તેની વહીવટી અગત્યતા જળવાઈ રહી હતી અને તેની માતબર ઑફિસો, કૉર્ટકચેરી અને ભૂતકાળની જાહોજલાલીની ચાડી ખાતી મોટી મોટી પણ ખાલી વખારોથી મહાલના મુખ્ય શહેરનો મોભો માંડમાંડ જાળવી રહ્યું હતું. આમ નવીબંદરથી મારા પિતાની પોરબંદર સિટી મામલતદારની ઑફિસમાં બદલી થતાં અમે સૌ પહેલીવાર પોરબંદર આવ્યા. આ નવીબંદર વિષે ત્યારે વિનોદમાં એમ કહેવાતું કે તેમાં માણસની વસતી કરતાં કૂતરાંની વસતી વધારે છે! તેનું એક કારણ એ કે તે ઉજ્જડ બંદર તરીકે જીવી રહ્યું હતું. અને પોરબંદરના મહાજનની જીવદયાને લઈને પોરબંદર શહેરનાં કૂતરાંને પાંજરામાં પકડીને નવીબંદરની ખાડીની સામે પાર છોડી દેવામાં આવતાં અને તેઓ પણ ખાડી તરીને માણસોની વચ્ચે ગોઠવાઈ જતાં અને આમ વસતિમાં ઉમેરો કરતાં. પરન્તુ મારા બાળમન ઉપર તો નવીબંદરની દમામદાર ખાડી, તેનાં ભરતીઓટ, નૌકાઓ અને તેમનો જલ-સંચાર, નાવિકોના શોરબકોર અને હાકોટાઓ આ સઘળો ગતિશીલ બંદર વ્યવહાર એક જાતનું કુતૂહલ ઉત્પન્ન કરતાં, અને ક્યારેક તો એ સધળું આશ્ચર્યવત્ થઈ જઈને જોયા જ કરતો! સાગરખેડૂ સાહસિક ખારવાભાઈઓનું હલનચલન, તેમની શ્રમપરક વેશભૂષા, હૃષ્ટપુષ્ટ શરીરો અને પરિશ્રમ અને પ્રસ્વેદનું તેમનું જીવન મારે માટે આકર્ષણના વિષયો બની જતા અને એ બધા વચ્ચે નવીબંદરની સરી ગયેલી સમૃદ્ધની વિસ્મૃતિ ચાલી જતી.

પોરબંદર આવ્યા ત્યારે વસંતઋતુ ચાલતી હતી. હોળીના દિવસોનું વાતાવરણ હતું. ઘેરૈયાઓ રંગની પીચકારીઓ અને પાત્રો લઈને શેરીમાં ઘૂમી રહ્યા હતા. અમારું કુટુંબ ઠીક ઠીક મોટું. એમાં અમને બે ભાઈઓને આ વસન્ત-ઉત્સવમાં ભળવા મન થતું. પણ રંગ ક્યાંથી લાવવા? અને તેના પૈસા ક્યાંથી કાઢવા? એ અમારે માટે કૂટપ્રશ્નો હતા. એવા લોમ-વિલોમ વચ્ચે માતાજીએ કહ્યું: “ગોપીનાથજીની હવેલીમાં જાઓ ત્યાં આપણા મુરલીધરજી છે ને? આરતી સમયે ત્યાં તો અબીલ-ગુલાલની ઝોળીઓ ઊડે છે. એટલે એમની રજા લઈને આરતી થઈ રહ્યા પછી આરસની ફરસબંદી ઉપર જમા થઈ ગયેલાં અબીલ-ગુલાલ એકઠાં કરી લેજો અને તેને ઘેર લાવી રંગ આપીને ઉડાડજો.” આ મુરલીધરજી તે બીજા કોઈ નહીં પણ આપણા પ્રખ્યાત ભારતીય કળાકાર સ્વ. જગન્નાથ અહીવાસીના પિતાશ્રી. આ વૃદ્ધ વૈષ્ણવ પુરુષનું ભર્યું ભર્યું મધુર વ્યક્તિત્વ, એમની મીઠાશયુક્ત વ્રજભાષાની વાણી, રંગબેરંગી કાનટોપીમાંથી બહાર નીકળતો ગૌર ચહેરો, ભરાવદાર રૂપેરી થોભિયાં અને ઓડિયાં – હું નીરખી નીરખીને જોઈ રહેતો. તેઓ બેઠા હતા ત્યાં લાકડાની પાટ પાસે પથ્થરના કોતરેલા બે મોટા રંગેલા હાથીઓ પડ્યા હતા. ફૂલડોલ અને હિંડોળાના ઉત્સવ સમયે હિંડોળાને ઊભો રાખવા માટે તે વપરાતા હતા. એટલે તે કેટલા મોટા હશે તેનો ખ્યાલ આવી શકશે. મુરલીધરજીના હાથમાં તંબૂરો હતો અને પડખે ઝાંઝ પખવાજ પડેલા હતા. જોતજોતામાં હવેલીનાં ભવ્ય દ્વારો ઊઘડ્યાં. મુરલીધરજીએ મંદિરની પરશાળમાં જઈને હાથમાં તંબૂર સજ્જ કર્યો, ખોળામાં ગોઠવ્યો અને ક્ષણવારમાં તેના ભ્રમરના ગુંજારવ સમા સ્વરો છતમાં અથડાઈને પરશાળમાં, નિજમંદિરમાં, ચોકની ફરસબંદી ઉપર અને સમગ્ર વાતાવરણમાં ફેલાઈ ગયા! સ્વર-પ્રસ્તારના શ્રવણનો મારો આ પહેલો અદ્‌ભુત અનુભવ હતો. આજે પણ જ્યારે આટલાં વર્ષો પછી કોઈ સમારંભમાં, એકાએક તંબૂરો છેડે છે, ત્યારે બાળચિત્રનો એ અનુભવ ફરી સ્મરણમાં જાગૃત થાય છે. સફાળું મારું ચિત્ત ત્યાર પછી એક જુદી જ સૃષ્ટિમાં પ્રવેશ પામ્યું. મુરલીધરજીએ તંબૂરની મિલાવટ કરીને કીર્તન શરુ કર્યું. નિર્મળ જળના ફુવારાઓ આરસ મઢ્યા ચોકમાં ઊડવા લાગ્યા! અબીલગુલાલની ઝોળીઓ ઊડવા લાગી. રંગોની રમઝટ મચી રહી: આરતીના પ્રકાશના આરોહ-અવરોહમાં ચળકતાં પશુપંખીના શિલ્પ નજરમાં વસી ગયાં, અને નિજસ્વરૂપ પાછળની પિછવાઈઓમાં ડોકે ઘૂઘરા બાંધેલી, પગમાં શણગાર સજેલી અને પીઠ ઉપર ભાતીગળ ઝૂલ ઓઢેલી ગાયોની દૂર દૂર ટોકરીઓ સંભળાવા લાગી. આ મુરલીધરજી કેવળ એક પરંપરાગત કીર્તનકાર હતા; પરન્તુ ‘દ્રુપદ-ધમાર’ની પ્રાચીન ગાયકીના નિષ્ણાત પણ હતા. એટલે એમના કીર્તનમાં શાસ્ત્ર સાથે ભક્તિ નીગળીને એકરૂપ થઈ જતી હતી અને તેઓ ઋતુૠતુના, પ્રહરપ્રહરના, દર્શન પ્રસંગોને અનુકૂળ જે જે રાગરાગિણીઓ છેડતા તેમાં વૈષ્ણવધર્મને સહજ એવું માધુર્ય અને શાસ્ત્રાજ્ઞાનો સંગમ રચાતો. તેઓ એ જ હવેલીના વૈષ્ણવ આચાર્ય ગાદીએ આવ્યા, ત્યારે એમની સાથે જ વ્રજથી પોરબંદર આવેલા હતા; અને આ હવેલીને ભક્તિધામ બનાવવામાં કીર્તનને ઉપકારક બનાવ્યું હતું. એના સંસ્કાર બાલ અહીવાસીમાં પણ પડેલા હતા અને મોટપણે જ્યારે જગન્નાથ અહીવાસી નિજાનંદ માટે કીર્તન કરતા, ત્યારે કીર્તન દરમિયાન તેમની આંખમાંથી આસું ખરતાં હતાં અને શ્રી કૃષ્ણજીવનના ભાવાવેશમાં પ્રવેશી કૃષ્ણ-પ્રેમની મસ્તી માણતા અમે પહેલી જ વાર જોએલા. અદ્‌ભુત દર્શનની જ્યારે માતાજી પાસે જઈને હોંશે હોંશે વાત કરી ત્યારે આ નિરીક્ષણ પર અનુભવ સમૃદ્ધ સન્નારી બોલ્યા: “દીકરા, વૈભવ કાં રાજદ્વારે હોય અથવા દેવદરબારે હોય!” આ બે ભર્યાં ભર્યાં વાક્યમાં એમણે રાજ્ય અને દેવદરબારની સમૃદ્ધિનો હૃદયને સ્પર્શી જાય એવો ખ્યાલ આપ્યો. ભારતીય કળા પ્રત્યેનો આ મારો પહેલો ચેતના- સંસ્પર્શ!

મારો બીજો ઘનિષ્ઠ ચેતના-સંસ્પર્શ શ્રી જગન્નાથભાઈ અહીવાસી સાથેના સુદીર્ઘ અને પ્રેમાળ સંબંધનો ગણી શકાય. તેમનું બાળપણનું હુલામણાનું નામ લલ્લુ હતું. પોરબંદરમાં એમને સહુ લલ્લુભાઈ તરીકે જ ઓળખે. અહીવાસી એ તો કળાસૃષ્ટિનું નામ! અને જગન્નાથ એ તો શાળાને ચોપડે ચઢેલું નામાભિધાન! જગન્નાથભાઈ જ્યારે પાંચ વર્ષના હતા, ત્યારે મુલાયમ, ગૌર, લાંબી ડોકવાળા આ બાળકને છોડીને માતા મહાદેવી ગોલોકવાસી થયાં! મુરલીધરજીએ ત્યારથી એમના આ પ્રિય પુત્રને પિતાની છત્રછાયાથી અને માતાના વત્સલ ભાવથી ઉછેર્યો. આમ પિતા લાલનપાલન કરે; પરંતુ જરાક મોટા થતાં પડોશમાં જાય, ત્યારે મારાં નાનીબા આ લલ્લુનું ધ્યાન રાખે અને હેત પાઈને એમના હૃદયને સંતૃપ્ત કરે. મારા માતાજી છોટીબેનનાં જગન્નાથભાઈ સમવયસ્ક! બન્ને જણાં આમ મારાં નાની બાની હુંફાળી છાયા અનુભવે; સાથે રમેજમે, અને ઉછરે! એટલે તેઓ નાનપણથી જ મારા મોસાળના જ એક અંગભૂત બની ગયા હતા. મુરલીધરજી જીવ્યા ત્યાં સુધી જગન્નાથભાઈના હાથે મારા માતાજીને વીરપસલી અપાવતા અને એમની મીઠી મીઠી વ્રજભાષામાં આ ‘ગોપીહૃદય’ પુરુષ પોતાનો ભાવ વ્યક્ત કરતા: આ જગન્નાથ મોટપણે ભાવસિંહજી હાઈસ્કૂલમાં શિક્ષણ અર્થે આવતા. અંગ્રેજી ત્રણ ધોરણ સુધીનો તેમનો ત્યાંનો અભ્યાસ. છેક ઈ.સ. ૧૯૦૪થી ભાવસિંહજી હાઈસ્કૂલના વિદ્યાર્થીને માટે એક વિરલ લાભ મળતો, તે તેનો ખાસ બપોરની છૂટી અને સાંજની છૂટી પછી જે ચિત્રકળા વર્ગ ચાલતો ત્યાં ‘ડ્રોઈંગ’ની તાલીમ લેવાનો. તેના કળા નિર્દેશક તરીકે સ્વ. શ્રી માલદેવ રાણા કેશવાળા કામ કરતા હતા. એ જગન્નાથભાઈના પ્રથમ કળાગુરુ, છેક ઈ. સ. ૧૯૦૪થી આ સરકારી હાઈસ્કૂલમાં ચિત્રકળાના કળાગુરુ. સારા સ્વૈચ્છિક વર્ગો ચાલતા અને ચિત્રકળાના ફરજિયાત તાસો પણ પ્રત્યેક ધોરણોમાં રખાતા. તેઓ વડોદરાના ‘કળાભવન’ના સ્નાતક હતા. તેમની સેવાઓને લીધે પોરબંદરમાં શુદ્ધ ચિત્રકારોની અને વ્યાવસાયિક ચિત્રકારોની એક લાંબી પરંપરા સ્થપાઈ. તેમના મુખ્ય શિષ્યમાં શ્રી જગન્નાથ અહીવાસી, સ્વ. નારાયણ ખેર અને અરિસિંહ રાણાને ગણી શકાય. પોરબંદરના ગ્રામપંથકમાં વસતી બહાદૂર અને સોહામણી મહેર જાતિનું એ ફરજંદ, આ શહેરની આબોહવામાં મહેકી ઊઠ્યું. એમના પોષાકમાં આ ચિત્રગુરુ રાજવંશી પુરુષ જેવા લાગતા. એમની મૃદુવાણી, ચિત્રકળા પ્રત્યેની તેમની દૃષ્ટિ, લોકકળાની ઊંડી સમજ, માર્ગદર્શન આપવાની કળા, તથા શિષ્ય જો અધિકારી હોય, તો ઓછામાં ઓછા શબ્દો દ્વારા તેમનાથી અપાતું મૂક નિદર્શન ઊગતા વિદ્યાર્થીના વિકાસ માટેની અસ્ક્યામત બની રહેતાં. બખરલા અને મારી જન્મભૂમિ ભડ પાસે આવેલા મિત્રાળા ગામમાં ઘેડપ્રદેશમાં એમનો ગરાસ. એટલે ગ્રામીણ સરળતા અને શહેરી આભિજાત્યથી એમનું કળાપૂત વ્યક્તિત્વ શોભી ઊઠતું. પોતે સિતારવાદનના શોખીન. એમણે પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યો, ત્યારથી જગન્નાથનાં હૃદયના કમાડ ખુલી ગયાં અને તેઓ એમના અનાક્રમણશીલ અને મૃદુ માર્ગદર્શન નીચે ક્રમે ક્રમે ચિત્રકાર તરીકે વિકસતા ગયા. મુંબઈની સરકારી કળાશાળાની બે પરીક્ષાઓ શાળામાં જ કેન્દ્ર હોવાથી ઊત્તીર્ણ કરી અને આગળ વિશેષ અભ્યાસ અર્થે મુંબઈ જવા વિચાર કર્યો. પણ અજાણી નગરી. અકિંચન શિષ્ય અને હવેલીની સાત્ત્વિક પરંપરામાં ઉછરેલો આ ગભરુ યુવાન ‘મોહમયી’ મુંબઈની વૈભવ અને વિલાસપૂર્ણ નગરીમાં રહે ક્યાં અને રહે તો તે ત્યાં ટકે શી રીતે? પરન્તુ એમના આ પ્રથમ ચિત્રગુરુએ પોતાના આ વહાલસોયા શિષ્યને જાતે જઈને મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટસમાં, નિયમોને અતિક્રમીને, (જગન્નાથને) પ્રવેશ અપાવી દીધો. ત્યાં એમણે ચિત્રકળાના છેલ્લા વર્ષની પરીક્ષા પસાર કરી. અહીં જગન્નાથ માત્ર ચિત્રાધ્યાપક તરીકે નહીં, પરંતુ ચિત્રસર્જક તરીકે પણ મ્હોર્યા. એમણે ચિત્રકારોની પ્રલંબ પેઢીનું સર્જન કર્યું અને ભારતીય ચિત્રકળાના એક અનન્ય સર્જક તરીકે તેમણે હિન્દમાં અને હિન્દ બહાર નામના મેળવી. એમણે ન્યુ-દિલ્હીની વૉઈસરિગલ લૉજમાં – હાલના રાષ્ટ્રપતિ ભવનમાં – મ્યુરલ્સ ભીંતચિત્રો કર્યાં. એમનાં ભારતીય ઢબનાં અને વૈષ્ણવ પ્રકૃતિના કળા માધુર્યથી મ્હોરતાં ચિત્રો છેક વેમ્બ્લીના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં પહોંચી ગયાં અને તેમણે એક અનોખા ભારતીય ચિત્રકાર અને કળાસ્વામી તરીકે વિશ્વભરના સંસ્કૃત જગતમાં કીર્તિ પ્રાપ્ત કરી. એમના ‘સંદેશ’ ચિત્રને મુંબઈના ‘જ્યૉર્જ ધ ફીફ્થ’ કળા મ્યુઝિયમમાં માનપૂર્વક ખરીદીને જાળવવામાં આવ્યું.

આવા દક્ષ ચિત્રસાધક અને કળાચાર્યને ખાસ મળવાનો એક પ્રસંગ ઉપસ્થિત થયો ત્યારે ભાવસિંહજી હાઈસ્કૂલની અને પોરબંદર રાજ્યના વિદ્યાધિકારી તરીકે પોરબંદરના મહારાણા શ્રી નટવરસિંહજીએ રાષ્ટ્રવાદી ભાવનાથી ભરપૂર એક પૌઢ વ્યક્તિને શિક્ષણ અને સંસ્કૃતિ ક્ષેત્રની જવાબદારી સોંપી. એ સ્પૃહણીય વીર વ્યક્તિનું નામ છોટાલાલ લક્ષ્મીશંકર માંકડ. એ મારા એક રીતે પહેલાંના મિત્ર અને ઉમરમાં થોડાક મોટા, એટલે વડીલ પણ ખરા, એમણે પોરબંદર રાજ્યના કેળવણીના મુખપત્ર તરીકે ‘હનુમાન જર્નલ’ નામનું ત્રૈમાસિક પ્રકટ કરવાનું રાજ્યાજ્ઞાથી હાથમાં લીધું. તેના તેઓ તંત્રી બન્યા અને હું ઉપતંત્રી. શિક્ષણ વિભાગ, તેમાં તેઓ સંભાળે અને સાહિત્ય અને સંસ્કૃતિના વિષયો મારે સંભાળવા એવું મૈત્રીભાવે નક્કી થયું. એમાં પોરબંદરની હાઈસ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓનાં જીવન-ચરિત્રો આપવાં જેથી શાળાના વિદ્યાર્થીને પ્રેરણા મળે અને સાથે સાથે આ શૈક્ષણિક પત્રનો એક ભાગ સમૃદ્ધ બને. હું તે અરસામાં ભાઈશ્રી ગુલાબદાસ બ્રોકરને ત્યાં મુંબઈ ગયો. ઈ. સ. ૧૯૩૫ની સાલ હશે. ત્યારે જગન્નાથભાઈએ મને મુલાકાત આપવાની અનુકૂળતા કરી આપી. મારે આ મુલાકાતમાંથી એક પરિચય-લેખ તૈયાર કરવાનો હતો અને તે આ ખાસ વિભાગમાં પ્રસિદ્ધ કરવો એવી ધારણા હતી. નિશ્ચિત સમયે દીર્ઘ વિરામકાળ દરમિયાન હું સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટસ-મુંબઈમાં મુલાકાતીઓને મળવાના ખંડમાં ગયો અને શિક્ષણનો તાસ પૂરો થતાં જગન્નાથભાઈ મને પ્રેમપૂર્વક ભેટી પડ્યા! બાળપણનાં બધાં સંભારણાં અને બે કુટુંબ વચ્ચેની માયા, એ વિધિપૂર્વકના મિલન પહેલાં ભેટતાં વાર જ મળી ગઈ! મને થયું મુલાકાત અવશ્ય હૃદયસ્પર્શી અને પ્રેરણામૂલક થવાની. થોડીક ઔપચારિક વાતચીત કર્યા પછી એમણે મને કહ્યું: “ચાલો, આપણે કળાશાળાની કેન્ટિનમાં જઈએ, ત્યાં થોડોક ઉપાહાર લઈએ અને તાજા થઈએ. પછી વાતચીત કરીશું.” મેં તરત જ સંમતિ આપી. મેં ભારતીય કળા વિષે ત્યાર પછી જે પ્રશ્નો પૂછ્યા તેના તેઓએ સંતૃપ્તિકર ઉત્તરો પણ આપ્યા અને ભારતીય કળાના મહાપ્રસાદ વિષે એમણે જે કહ્યું – અર્ધો કલાક જેટલા સમયમાં – તેને લઈને મારો તેમાં સંપ્રજ્ઞાત અભિનિવેષ થયો. આ મુલાકાતે જ મને ચોક્કસ રીતે ભારતીય કળાના અધ્યયન તરફ વાળ્યો. મેં તેમણે જે કંઈ કહ્યું હતું, તેની પૂર્તિ કરવા ગ્રંથો સૂચવવાનું કહ્યું; ત્યારે તેમની કળાશાળાના આચાર્ય અને બીજા ચિત્રગુરુ પ્રિન્સિપાલ ગ્લેડસ્ટન સૉલૉમને પ્રસિદ્ધ કરેલા બે ગ્રંથો પ્રાપ્ત થયા. તેના નામ અનુક્રમે ‘મોગલ મિનિએચર’ અને ‘મ્યુરલ પેઈટિંગ’ હતાં. પહેલો ગ્રંથ મોગલ-યુગની વિશિષ્ટ નાજુક ચિત્રકારીને લગતો હતો; તો બીજા ગ્રંથમાં ભારતીય શૈલીના ભીંતચિત્રો (મ્યુરલ્સ) વિષે આ મહામના આચાર્યે મહત્ત્વપૂર્ણ વિશ્લેષણ અને વિવેચન કરેલું. આ બે ગ્રંથોએ મને વિધિપૂર્વક ભારતીય કળાના ક્ષેત્રમાં પ્રવેશ કરાવ્યો તેણે મારી સર્જક-કલ્પનાને મૂર્તિના આ એક નવા ક્ષેત્રમાં વિહાર કરવાનો અવકાશ કરી આપ્યો અને તેણે વાચન અને અનુભવે મારી આંતર ચેતનાને નવો જ મોડ આપ્યો.

ત્યાર પછી બે ત્રણ વર્ષો વીતી ગયાં. ભાઈ ગુલાબદાસ બ્રોકરે અને તેમના પિતરાઈ ભાઈ કાંતિલાલ બ્રોકરે પોરબંદરના પોતાના ઘનિષ્ટ મિત્રો શ્રી નવનીતભાઈ છાયા, ભાઈલુભાઈ છાયા અને મને પંદરેક દિવસ સૌની સાથે રહેવાને નોતર્યા. બપોરના શેરબજારનું કામ પૂરું થાય, એટલે અમે પાંચેય મિત્રો ત્યાં એકઠા થઈને કંઈને કંઈ સાંસ્કૃતિક કાર્યક્ર્મ જોવાની યોજના ઘડી કાઢતા. કશુંએ ન હોય તો પણ બન્ને અભ્યાસી મિત્રોના પુસ્તકાલયમાંથી અંગ્રેજી, બંગાળી, હિન્દી અને ગુજરાતી કવિતાના સંગ્રહો લઈને સાથે બેસતા અને સહવાચન અને સહઆસ્વાદ લેતા. ક્યારેક ‘હેની ધ ઍઈટ’ જેવાં ઐતિહાસિક ચલચિત્રો કે “રોમીયો જુલિયટ’ જેવા શૃંગારપરક ચલચિત્રો ‘હાવ ગ્રીન વોઝ માય વેલી’ કે ટૉલ્સ્ટૉયનું ‘વોર એન્ડ પીસ’ જેવાં પ્રાકૃતિક અને ભવ્ય ઐતિહાસિક સાહિત્યિક ચલચિત્રો જોવાનું ચૂકતા નહીં.

Total Views: 155
By Published On: June 1, 1994Categories: Ratilal Chhaya0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram