ગુજરાતમાં દાસીજીવણ, ગંગાસતી, ધીરો, ભોજા ભગત, પ્રીતમ, નિરાંત, રાજે, રણછોડ, રત્નો, મીઠો, દેવાયત, રવિસાહેબ, બ્રહ્માનંદ, આદિ અનેક કવિઓનાં ભજનો લોકમુખે સચવાયેલાં છે. ભજનોમાં નિરૂપિત વિચારધારા પ્રમાણે વૈષ્ણવ સંપ્રદાય, કબીરપંથ, નાથપંથ, મહાપંથ, અથવા બીજમાર્ગ જેવી પરંપરાઓ છે. આ ભજનોમાં ગુરુમહિમા, પ્રેમલક્ષણા ભક્તિ કે વેદાન્ત, સાકાર કે નિરાકારની ઉપાસના વર્ણવાઈ હોય છે.

દેવાયતની “દેવાયત પંડિત દાડા દાખવે…” કે કવિ સાહેબની “એવો પ્યાલો મુંને પાયો રે ગુરુએ મારે પ્રેમે કરી…” કે નારણદાસની “મોરલો મરતલોકમાં આવ્યો…” અથવા તો ત્રિકમ સાહેબની “તારો રે ભરોંસો મુંને ભારી, એવો ગરવો દાતાર…” વગેરે પંક્તિઓ સાંભળીએ ત્યારે આ બધા કવિઓએ પોતાનો આધ્યાત્મિક અનુભવ અને વીપ્સા કેવા લાઘવથી રજૂ કર્યા છે એનો ખ્યાલ આવે છે. ભજનોમાં પ્યાલો, કટારી, બગલો, કે મોરલીનો પ્રતીકાત્મક અને રૂપકાત્મક વિનિયોગ થએલો જોવા મળે છે. અને એ દ્વારા આધ્યાત્મિક અનુભવ સહજ અભિવ્યક્તિરૂપ પામે છે. દાસી જીવણે ૧૬ જેટલા ગુરુઓ કરેલા પણ મનની શાંતિ મળેલી નહીં, છેવટે તેમણે રવિ-ભાણ સંપ્રદાયના ભીમસાહેબની ખ્યાતિ સાંભળી પોતાની મનોવ્યથા પત્ર રૂપે પાઠવી:

કહોને ગુરુજી મારું મનડું ન માને મમતાળું,

દિલડું ન માને દુબજાળું…

વારી વારી મનને હું તો વાડલે પૂરું રે વાલા,

પતળેલ જાય પરબારૂં… ગુરુજી મારું મનડું.

***

ઘડી એક મનડું મારું કીડી અને કુંજર વાલા,

ઘડીક ઘોડેને ઘડીક પાળું…ગુરુજી મારું મનડું.

***

કહો તો ગુરુજી રૂડા મંદિરું ચણાવું ને

કહો તો સમાતું રે ગળાવું…

ગુરુજી મારું મનડું ન માને.

દાસી જીવણ કહે છે કે વારે વારે મારા મનને યમ-નિયમ વગેરે બંધનોમાં બાંધવાનો પ્રયાસ કરું છું. સાધનાનો આરંભ કરું છું પણ મારું મન હરાયા ઢોરની માફક કૂદીને વાડામાંથી બહાર નાસી જાય છે. હું શું કરું? હું તો તમારે શરણે આવ્યો છું. તમે જો ધાર્યું હશે તો સારું થશે.

ભીમ સાહેબે એનો જવાબ પણ ભજનથી જ વાળ્યો. અને ‘સંદેશો સતલોકનો…’ એ ભજન મોકલ્યું. એમાં રવિ-ભાણ સંપ્રદાયની સાધના અને સિદ્ધાંતોની વાત સમજાવતાં કહે છે:

જીવણ, જીવને ત્યાં રાખીએ,

વાગે અનહદ તૂરા;

ઝળહળ જ્યોતું ઝળહળે;

વરસે નિરમળ નૂરા…

જ્યાં અનહદ નાદનો તૂરો (એક વાદ્ય) સતત સંભળાય છે અને જ્યાં ઝળહળ જ્યોત ઝળહળે છે ત્યાં એટલે કે આત્મતત્ત્વમાં સ્થિત થવાનું જણાવે છે. આગળ ઉપ૨ પણ એ જ વાત કરતાં કહે છે:

નૂરત સુરતની આ સાધના,

પ્રેમીજન કોઈ પાવે;

અંધારું ટળે એની આંખનું,

નૂર એની નજરૂંમાં આવે…

અજ્ઞાન તિમિર હટાવવા માટે જ્ઞાન-ભક્તિનો માર્ગ કવિએ ચિંધ્યો છે. આ બંનેનો અપૂર્વ સમન્વય આ સુંદર ભજનમાં થયો છે.

આ જ ભક્તિતત્ત્વની વાત “શામળિયે કરી છે ચકચૂર…” માં રજૂ થઈ છે. પોતે પુરુષ હોવા છતાં ભક્ત જીવન હવે ‘દાસી’ બને છે – કૃષ્ણની. ભજનમાં ‘ચકચૂર’, ‘ઘેલીતૂર’, ‘ઉરાઉર’, ‘હુજુર’ જેવા પ્રાસો અનાયાસ આવી જાય છે. ભક્તકવિએ હવે ભીમસાહેબનું શરણું સ્વીકાર્યું છે એથી જ તો, “દાસી જીવણ સત ભીમ કેરાં શરણાં…” એમ દરેક ભજનને અંતે જણાવે છે. તેમાં ‘ઝાલરી’ પ્રકારના ‘ઝણણણ ઝણણણ ઝાલરી વાગે…’ પદમાં જોનારા, નિરીક્ષણ કરનારા અને પરીક્ષણ કરનારા હૃદયમાં બીજી રહેલી ઝાલરીને સાંભળી શકે છે – સાધનાની આ ત્રિવિધ પ્રક્રિયા ‘દેખંદા’, ‘નિરખંદા’, અને ‘પરખંદા’ એ શબ્દો દ્વારા ક્રમશઃ રજૂ કરી છે. નિરંજનભાઈ ‘ઝણણણ ઝણણણ ઝાલરી વાગે’ પંક્તિ ગાતા હતા ત્યારે રીતસર અમે ઝાલરીનો ઝણકાર સાંભળતા હતા!

ગંગાસતીનું પેલું ભજન તો જાણીતું છે:

વિજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ!

અચાનક અંધારાં આવશે…

અથવા તો – તેમનું:

ભક્તિ રે કરવી તેણે રાંક થઈને રેવું પાનબાઈ

મેલવું અંતરનું અભિમાન રે…

અથવા તો મૂળદાસ ગાય છે:

સુંદર વરની ચૂંદડી,

માંહી છે આતમરામનો અંક સુંદર વરની ચૂંદડી

‘ભજનરસ’ની પ્રસ્તાવનામાં શ્રી મકરન્દ દવે કહે છે: “ભજનોનો ખરો રસ તેના અસલી ઢાળમાં અને અંદરની આરતથી તે ગવાય તેમાં છે. ભજન શબ્દ વડે કહે છે તે કરતાં સૂર વડે વધુ કહે છે. આ શબ્દ-સૂરના સંગાથથી જે વાતાવરણ રચાય છે તેમાં જો મનુષ્યના પ્રાણ સ્પંદિત થઈ ઊઠે તો ભજન પૂરું સમજાય. ન સમજાય તો પણ અંતરમાં એક ઊજળી રેખા અંકિત કરી જાય છે.”

અંતરની આરતથી ગવાતાં અને હૃદયમાં ઊજળી રેખા અંકિત કરી જતાં ભજનો સૌરાષ્ટ્રમાં અને અન્યત્ર અસલી ઢાળોમાં લોકકંઠે સચવાયેલાં છે. આપણો એ મહામૂલો વા૨સો છે. એ લુપ્ત થાય એ પહેલાં આપણે એને ધ્વનિમુદ્રિત કરી લઈએ.

Total Views: 219
By Published On: June 1, 1994Categories: Ramanlal Joshi Dr.0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram