ગઈ કાલે આવેલું સપનું: સાગરકાંઠે હું ને ઈશ

ભમતા’તા ત્યાં મુજ જીવનની, ઘટના થૈ આવી તાદૃશ.

 

આભ વીંધતી ઘટનાઓમાં, રેતમહીં જોઈ મેં છાપ

બબ્બે ચરણયુગલની જોડી, મારી ને હરિવરની આપ-

 

પણ વિપદાનો વખત આવતાં, હરિપદચિહ્મ થયાં જ અલોપ

કપરે કાળ કર્યો કાં આમ જ, હરિએ અણધાર્યો આ કોપ?

 

પૂછ્યું: “દીન દુઃખીના પાલક! વચન વીસર્યા કેમ અહીં?

આફતની આંધી વચ્ચે તું, છોડી છટકી ગયો કયહીં?”

 

બોલ્યા ઈશ: “હંમેશાં તારી, પ્યારા બાળક ‘સાથ રહ્યો’

વિપદામાં ખાંધે ઉંચક્યો તો, તુજને તું જ પદ લુપ્ત થયો.”

અજ્ઞાત

(મૂળ અંગ્રેજી ઉપરથી)

 

One night I had a dream.

I was walking along the beach with God and across the skies flashed scenes from my life. In each scene I noticed two sets of footprints in the sand. However to my surprise, I found that at many times there was only one set of footprints and that was during lowest and saddest times in my life.

I asked God about it:

‘God you said that once I decided to follow you, you would walk with me all the way. But I noticed that during the most troublesome times in my life, there is only one set of footprints. I do not understand why you left my side when I needed you most.’

God said ‘My precious child, I never left you during your times of trial. Where you see only one set of footprints, I was carrying you.

 

 

આસ્વાદ

“પગલાં દબાવતી જગદંબા તારી પાછળ જ છે.”

છેલ્લાં પાંચ – સાત વરસથી દીવાળીની શુભેચ્છા પત્રિકાઓ વિવિધ રંગે અને વિવિધ સ્વરૂપે આપણા ઘરનાં બારણાં ખખડાવતી આવી પહોંચે છે. કવિઓની કાવ્ય પંક્તિઓ, મહાત્માઓનાં પ્રેરક વચનો, ગીતા, ઉપનિષદ કે શાસ્ત્રો માંહેના શ્લોકોથી આ પત્રિકાઓ આપણું નવું વર્ષ ઉજ્જવલ કરે છે, વર્ષ આખાનું ભાથું બંધાવે છે. આવી જ એક પત્રિકાએ મારું મન હરી લીધું અને કલમે પોતાનું કામ પૂરું કર્યું.

ઈશ્વ૨ની સાથે ભક્તનો નાતો અદ્‌ભુત હોય છે અને ઈશ્વ૨ પણ ભક્તને પોતાનું સંતાન માની વાત્સલ્યની અમીવર્ષા પણ કરતો હોય છે. ભક્ત પાસે તો એક જ વાત છે શરણાગત ભાવની, સમર્પણ ભાવની. એની પ્રાર્થના પણ સાવ સીધી સાદી.

“મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે,

મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે.

અને આ પ્રાર્થનાના જવાબ સ્વરૂપે જગદંબાની હૈયાધારણ આપતી વાણી પણ ગુંજી ઊઠે છે.

“તારાવિહીન રાત્રિની ભીષણ આંધીમાં હે બંધુ! તું ડગીશ નહિ, તારાં પગલાં દબાવતી જગદંબા તારી પાછળ જ છે.” અને પ્રહલાદ, ધ્રુવ, દ્રોપદીને સહાયરૂપ થતી દૈવી શક્તિનો સ્પર્શ આપણે પણ અનુભવીએ છીએ. મુશ્કેલીના સમયે અનેક ભક્તોને સહાયરૂપ બનતી ઈશ્વરી શક્તિમાં આપણી શ્રદ્ધા પણ વધુ દૃઢ બને છે.

છતાં ભક્ત એ ભક્ત છે. એ યોગી કે જ્ઞાની નથી. કોઈ વાર ઊર્મિનાં મોજાં ઉ૫૨ સવાર થઈ પાગલ બની એ નાચે છે તો કોઈ વાર નિરાશાની ઘાતક ક્ષણોની ખીણમાં ગબડી પડે છે. કોઈ વાર એ ગાઈ ઊઠે છે, “અગર મૈં ઐસા જાનતી પ્રીત કિયે દુઃખ હોઈ, નગર ઢીંઢોરા પીટતી પ્રીત ન કરિયો કોઈ,” તો મિલનની ઉત્કટ ક્ષણોમાં, ઉત્સાહથી પોકારી ઊઠે છે, “હવે તો કહું ધડુકતે ઢોલ મેં હરિને હાથ કરી લીધા.”

સામા પાના પરના આ ગદ્યખંડમાં એક અબોધ ભક્તની ભગવાનને ફરિયાદ છે અને ભગવાનની ભક્તને હૈયાધારણ આપતી વાણી છે. તો ચાલો માણીએ એ સ્વપ્ન જગતની, ભક્ત – ભગવાનની પેટ છૂટી વાતોને.

ભક્તને સ્વપ્ન આવે છે. સ્વપ્નમાં ભક્ત અને ભગવાન દરિયા કિનારે લટાર મારે છે. ભક્તને પોતાના જીવનમાં બનેલા, કડવા – મીઠા અનેક બનાવો તાદૃશ્ય થાય છે. બરાબર એ જ સમયે દરિયાની રેતી ઉપર ભક્ત બે જોડી પદ્ચિહ્નોની જુએ છે. ભક્તનાં પદ્ચિહ્નો અને ભગવાનનાં પદ્ચિહ્નો. ભગવાનની હાજરીની ભક્ત આ રીતે નોંધ લે છે.

પરંતુ કોઈ વાર ભક્તના આશ્ચર્ય વચ્ચે રેતીમાં એક જોડી જ પદ્ચિહ્નોની જોવા મળે છે. એ નિરાશ થાય છે. ભગવાનને પૂછે છે, “હે પ્રભુ તેં તો વચન આપેલું કે મુશ્કેલીના સમયમાં કોઈ ભક્તને હું તરછોડીશ નહિ. સદાયે મારા આર્ત ભક્તની બાજુમાં જ રહીશ. પણ મારો અનુભવ તો જરા જુદો જ છે. તેં તો મને તરછોડી દીધો છે. જ્યારે તારી તાતી જરૂરિયાત હતી ત્યારે જ દરિયાની રેતીમાંથી એક જોડી પદ્ચિહ્ન અદૃશ્ય થયાં, ફક્ત એક જ જોડી રહ્યાં. ભગવાન! આવું કેમ થયું?”

અને સાંભળો હવે ભગવાનનો જવાબ, “મારા વહાલા બાળ! આફતની આંધીમાં જ્યારે તું સપડાયો અને તેં ચારને બદલે બેજ પદ્ચિહ્નોની છાપ રેતીમાં જોઈ એ છાપ મારાં જ પગલાંની હતી કારણ કે એ વખતે મેં તને તેડી લીધેલો, ઊંચકી લીધેલો, ખભે બેસાડી દીધેલો.”

I was carrying you

સ્વપ્નનું ધુમ્મસ દૂર થાય છે. અબોધપણાનો પડદો હટી જાય છે. અને સવારના પહોરમાં ‘એકતારા’ ઉપર ગુંજી ઊઠે છે સાંઈ મકરંદની વાણી.

પગલું માંડું હું અવકાશમાં

જોઉં નીચે હરિવરનો હાથ,

અજંપાની સદા સૂની શેરીએ

ગાતો આવે અદીઠો સંગાથ,

જાગીને જોઉં તો કોઈ નથી એકલું .

અને યાદ આવે છે ‘આશ્રમ ભજનાવલિ’માંથી એક સુંદર – અંગ્રેજી કાવ્ય પંક્તિ.

‘We shall know each other better

When the mists have rolled away.

ક્રાન્તિકુમાર જોશી

Total Views: 187
By Published On: June 1, 1994Categories: Krantikumar Joshi0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram