નેસડો
બોલાવશો નહિ; મને ઘરના ઊંબરેથી-
દોરવાશો નહિ; પદચિહ્નોમાં – મારા…!!!
ઘટાદાર વટવૃક્ષ નીચે અહીં,
તારલા ને ચાંદની સાક્ષીએ-
કહેવો છે, વૃત્તાંત ઉપવનને!
શીતલ-સ્નિગ્ધ મંદ-મંદ વાતા મલય જોડે
કરવી છે ભાઈ-બંધીની વાતો થોડીક!
પંપાળવી છે પુષ્પોની કોમળ ડાળીઓને…
પક્ષીઓ સાથે કરવી છે . . ગુફતેગો!!
માર્ગની ચપટી ધૂળને સૂંઘી-
ધરતીને ચુંબન ચોડવું છે!
નથી જવું, હવે . . . ઘે . . . ૨!!
ખસી ગઈ દીવાલો હૃદયપટની . . .
છે ખુલ્લું આકાશ મારા મસ્તિષ્કમાં!
હૈયામાં ઉઠતા નિત્ય આનંદ સાગર તરંગો…
ઊંચે . . . ઊંચે . . . ઊંચે જઈ-
સમાય છે, પોતાનામાં જ!!
અનંત ક્ષિતિજના ઊંબરે,
આત્મ-જ્યોતિ પ્રગટ્યો છે!
આ જ વિસામો છે મારો-
આ જ છે . . . ને . . . સ . . . ડો . . .!
મારે હવે નથી જવું ઘેર!!
– અશોક ‘ચંચલ’
Your Content Goes Here