નાવ પાણીની ઉ૫૨ જ રહે છે. પરંતુ પાણી જો નાવની અંદર આવવા લાગે તો નાવ ડૂબી જશે. ગૃહસ્થ ઈશ્વરભક્તની પણ એ જ સ્થિતિ છે. સંસારના વહેવારોની વચ્ચે રહેતા હોવા છતાં મન પર દુનિયાદારીની ચિંતાનો અધિકાર જામવા દેવો જોઈએ નહીં. નહીં તો આપણે તેમાં જ ડૂબી જઈશું.

આપણે એક હાથથી દુનિયાદારીનાં કામો કરતા જવું જોઈએ અને બીજા હાથથી પ્રભુના ચરણ પકડી રાખવાં જોઈએ. એટલું જ નહીં, જ્યારે પણ અવકાશ મળે ત્યારે બંને હાથોથી પ્રભુનાં ચરણ મજબૂત રીતે પકડવાં જોઈએ.

ધાવ પોતાની શેઠાણીના બાળકને બહુ જ પ્રેમથી પયપાન કરાવે છે, જાણે તે પોતાનું જ બાળક ન હોય! સાથે સાથે તે એ વસ્તુ નથી ભૂલતી કે એ બાળક કોક બીજાનું છે, તેને ધવડાવવા સિવાય તેના પર તેનો બીજો કશો અધિકાર નથી. તેમ જ એ સિવાય બાળક સાથે તેને બીજો કશો સંબંધ પણ નથી. એ જ રીતે ભક્ત સંસારનાં કામો ભગવાનની સેવા સમજીને કરતો રહે છે.

આપણાં ઘરબાર, ધનદોલત બધું ઈશ્વરનું છે. સાચો માલિક તે જ છે. એને આપણે એક વાર સમજી લઈએ તો આપણામાં આ જ ભાવના હંમેશાં કાયમ રહેશે.

સૈનિકોમાંથી કેટલાક ખુલ્લા મેદાનમાં શત્રુનો સામનો કરે છે. બીજા કિલ્લાની અંદર રહીને શહેરની રક્ષા કરે છે. સંન્યાસીઓ બહાર ઊભા રહીને લડનારા સૈનિકોના જેવા છે. ગૃહસ્થીઓ કિલ્લાની અંદર રહીને લડનારા સૈનિકોના જેવા છે. બીજાઓના કરતાં તેમને અવશ્ય કેટલીક અનુકૂળતાઓ મળી જાય છે. પરંતુ બંને પ્રકારના સિપાઈઓ વીર તો હોય જ છે.

રણક્ષેત્રમાં જઈને લડવાને યોગ્ય બનવા પહેલાં લોકો યુદ્ધનું શિક્ષણ લે છે. ગૃહસ્થજીવનમાં જ માણસોને વૈરાગ્યનું પણ શિક્ષણ મળી જાય છે. ત્યાં જ તેમનું મન સંન્યાસ માટેની પરિપક્વ અવસ્થા પ્રાપ્ત કરે છે.

મનની પરિપક્વતા વિના ઘરમાં પત્ની અથવા પિતા સાથે ઝઘડો કરીને કોઈ સંન્યાસ લઈ લે, તો તેને આપણે સંન્યાસી ન કહી શકીએ. એવા માણસનું મન થોડા જ દિવસોમાં વિષયવાસનાઓની પાછળ દોડવા લાગશે.

આપણે કૌટુંબિક કામો નિર્લેપ ભાવથી કર્યા કરવાં જોઈએ. જે કંઈ કરીએ તે પ્રભુની સેવા સમજીને કરવું જોઈએ. ધીરે ધીરે અભ્યાસથી મન પરિપક્વ થઈ જશે. ત્યારે સંન્યાસ પણ લઈ શકાય છે. ત્યારે બધી વસ્તુઓમાં પરમાત્માનાં દર્શન કરીને સંન્યાસનો લાભ ઉઠાવી શકાય છે.

(શ્રીરામકૃષ્ણ ઉપનિષદ (૧૩))

Total Views: 119
By Published On: June 1, 1994Categories: Rajgopalachari Chakravarti0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram