તુકારામના અભંગોએ મહારાષ્ટ્રને લગભગ ચારસો વર્ષ સુધી ઘેલું કર્યું છે. તેમની વાણી સમગ્ર મહારાષ્ટ્રમાં લગભગ પ્રત્યેક ઘરે પહોંચી ગઈ છે. વિનોબાજીએ ઉચિત રીતે જ કહ્યું છે કે તુકારામ મરાઠી લોકોને મા જેવા જ લાગે છે. પછી કહે છે: ‘સાધારણ લોકોની બધી વાસનાઓ, વેદનાઓ, ભાવનાઓ અને યાતનાઓનો એમને અનુભવ હતો. એટલા માટે એમનાં ચિત્તનાં અનેક સ્તરોનું જેટલું વિશ્લેષણ મળે છે, તેટલું બીજે ક્યાંય પણ સહજ નથી મળતું.’

તુકારામની વિશેષતા એ હતી કે હજારો લોકો તેમને માનતા હતા, તેમના પ્રત્યે પારાવાર ભક્તિભાવ રાખતા હતા, પણ તુકારામ કોઈના ગુરુ થવા તૈયાર નહોતા. વિનોબાજીએ તુકારામના જીવનનો એક પ્રસંગ નોંધ્યો છે તે આ બાબતને સમર્થન આપે છે: “એક બ્રાહ્મણ જ્ઞાનદેવની ‘સમાધિ’ પાસે જ્ઞાન મેળવવા ધરણાં ધરીને બેઠો. હવે સાડા ત્રણસો વર્ષ સુધી સમાધિમાં પડી રહેલા જ્ઞાનદેવ એને સ્વમુખે જ્ઞાન કેવી રીતે આપે? એટલે એમણે બ્રાહ્મણના સ્વપ્નમાં આવીને ઈશારાથી એને તુકારામની પાસે જવા કહ્યું – એટલે પેલો તો ગયો તુકારામ પાસે. પરંતુ તુકારામે તો કહી દીધું, “તારો મિત્ર બનીને ચાર વાતો અનુભવની કહી દઉં, પણ હું કાંઈ ગુરુ-બુરુ નથી. મારા અને વળી તમામ મરાઠી લોકોના ગુરુ તો એ જ – જ્ઞાનદેવ. એ જ આપણા સૌના શિરોધાર્ય છે. મારી તો એવી યોગ્યતા પણ નથી, હું તો એમના પગની પાવડી છું. પગની પાવડી પગમાં જ શોભે.” કદાચ આ જ કારણે મહારાષ્ટ્રે તેમને ગુરુપદ ન આપતાં ‘માવડી’ – માતાનું પદ આપ્યું.

માતા સંતાનોનાં દુઃખને જોઈ શકતી નથી. તેને લાગે કે સંતાનો જે માર્ગે જવાં જોઈએ તે માર્ગે જતાં નથી ત્યારે તેમને સાચા રાહે વાળવા માતા મૌન ધરી બેસી રહેતી નથી; અને આ ‘માવડી’ સામાન્ય નથી. તેને પરમ જ્ઞાન ઉપલબ્ધ થયેલું છે. અનેક વિટંબણાઓમાંથી પસાર થયા પછી તેમને ઈશ્વરની અનુભૂતિ થઈ છે. એટલે લોકો આડેઅવળે રવાડે ન ચડી જાય તેની તેમને કાળજી છે. ભગવતી સરસ્વતીની તેમના પર અપરંપાર કૃપા છે, એટલે હૃદયની વાત લોકોને પહોંચાડવાનું તેમને માટે સ૨ળ બન્યું છે. જ્ઞાનદેવને અપવાદરૂપ ગણીએ તો તુકારામને વાણીનું જેટલું વ૨દાન મળ્યું છે તે અન્ય કોઈ મરાઠી ભક્ત-કવિને મળ્યું નથી. તુકારામને અંજલિ આપતાં આચાર્ય વિનોબા ભાવેએ સાચું જ કહ્યું છે કે ‘એમની વાણીમાં જે તેજ છે, હૃદયને ખેંચવાનું અને ભેદવાનું જે સામર્થ્ય છે, એ કમ સે કમ મરાઠીમાં તો અજોડ છે. તુકારામની વાણી મરાઠી ભાષાની ગંગા છે, સૌ કોઈને પાવન કરનારી અને વળી સૌ કોઈને સુલભ! બાળકોને શીખવવા માટે માને ભાષા શીખવી પડતી નથી. આ જ સ્થિતિ તુકારામની છે.’

એમ કહેવાય છે કે મહારાષ્ટ્રીયનોને રાજનૈતિક અનુશાસન શિવાજી પાસેથી અને આધ્યાત્મિક અનુશાસન તુકારામ પાસેથી મળ્યું. એમના અભંગોનું ગાન મહારાષ્ટ્રમાં વેદમંત્રોની જેમ ઘરે ઘરે થવા લાગ્યું. લોકો તેમના અભંગોને ‘અધ્યાત્મ – મંદિરનો કળશ’ માનવા લાગ્યા. છતાં તુકારામ પોતે કહેતા: ‘હું જે કાંઈ બોલું છું તે સંતોનું એઠું છે. હું જે બોલું છું તે દેવ જ મને બોલાવે છે. તેનો ગુહ્ય અર્થ-ભાવ શું છે, તે પણ તે જ જાણે છે. કોઈ કહેશે કે આ તુકારામ કવિતા કરે છે; પણ કવિતાની વાણી મારી પોતાની નથી. મારી કવિતાનો પ્રકાર યુક્તિનો નથી. વિશ્વંભર જ મને બોલાવે છે. હું પામર અર્થ – ભેદ શું સમજું? જે ગેાવિંદ બોલાવે છે તે બોલું. અહીં ‘હું’ નામની કોઈ ચીજ નથી. બધી સ્વામીની જ સત્તા છે.’

આ સ્વામીની સત્તાને કારણે તેમને શબ્દરૂપી રત્નોનો ખજાનો પ્રાપ્ત થયો છે. તેઓ કહે છે: ‘શબ્દ જ મારું જીવવાનું એક સાધન છે અને લોકોને હું શબ્દનું જ દાન કરું છું. જુઓ, જુઓ! આ શબ્દ જ દેવ છે અને શબ્દગૌ૨વથી જ હું તેનું પૂજન કરું છું.’

તેમના શબ્દરૂપી ખજાનામાં ઘણાં બધાં મૂલ્યવાન રત્નો છે, જેનો ઉપયોગ તેમણે જનહિતાર્થે કર્યો છે. તેમની આ અનુભવવાણીને જીવનમાં સાકાર કરવા જેવી છે. જેમણે જીવનયાત્રામાં અધ્યાત્મનો પંથ પસંદ કર્યો છે તેમને માટે તેમનું માર્ગદર્શન અતિ મહત્ત્વનું છે. એમના બહુસંખ્ય અભંગોમાંથી કેટલાકનો છાયાનુવાદ આપવા ધાર્યું છે. એમાંથી થોડાનો પૂર્ણ ભાવાર્થ આપવાને બદલે અંશમાત્ર આપ્યો છે.

તુકારામની વિચારપ્રેરક ઉક્તિઓ

હરિનું નામ એ સારનો પણ સાર છે; અર્થાત્ જે હરિનામનું નિત્યચિંતન કરે છે, તેને શરણે આવીને યમદેવ તેનો દાસ થઈ જાય છે.

***

તમારો દેહ તો નહિ રહે, એને કાળ ખાઈ જશે. હજી પણ જાગો, નહિતર તુકારામ કહે છે કે છેતરાશો.

***

જે વાવવામાં આવે છે તેની જ લણણી કરવી પડે છે. બાવળના વૃક્ષ પર કેરી કેવી રીતે આવવાની? ઈશ્વરને કાંઈ ન કહે. તું પોતે જ તારો શત્રુ-મિત્ર છે.

***

જો તું ઇન્દ્રિયોનું દમન નથી કરી શક્યો તો પછી તેં આ પરમાર્થની દુકાન શા માટે લગાવી રાખી છે? બહારથી ધોયેલો અને અંદરથી મલિન. આ રીતે અંતે તારા હાથમાં કાંઈ નહીં આવે.

***

શરીરને બહારથી ધોવાનો શો અર્થ છે? જ્યારે અંતઃકરણ ગંદું છે, પાપ-પુણ્યની ગંદકી તારી અંદર ભરેલી છે; પછી હંમેશાં પવિત્ર રહેતી ભૂમિના આભડછેટનો શું કામ વિચાર કરે છે?

***

આ ક્ષણિક દ્રવ્ય, સ્ત્રી અને પરિવાર તમારાં નથી. અંતકાળે જે તમારું હશે તે તો એક વિઠ્ઠલ જ છે. તુકારામ કહે છે કે તેને જ જઈને પકડો.

ઇન્દ્રિયોનું નિયમન નથી. મુખમાં ભગવાનનું નામ નથી; આવું જીવન તો ભોજનની સાથે માખી ગળી જવા જેવું છે. આવું ભોજન શું કદી સુખ આપી શકે?

***

ભગવાનની પૂજા કરો તો નિર્મળ મનથી કરો. તેમાં બહારના દેખાવનું શું કામ? જેને જણાવવા ઈચ્છો છો, તે અંતરની વાત જાણે છે, કારણ કે સાચાઓમાં સાચો તે જ છે.

***

અહંતા નાબૂદ થવી જોઈએ; ભગવાનના સ્તુતિપાઠમાં સાચી ભક્તિ જોઈએ; હૃદયની સાચી લગની જોઈએ. હરિના ચરણોમાં પૂર્ણ નિષ્ઠા હોય તો જ કામ બને.

***

વૃક્ષ પર જેટલો મૉર આવે છે એ બધો ફળરૂપ નથી બનતો. કેટલોક ખરી જાય છે, કેટલોક સડી જાય છે અને થોડોક જ પરિપક્વ થાય છે.

***

ઢોંગનો કોઈ વ્યવહાર વધુ નથી ચાલતો; છેવટે સાચા ખોટાનો નિવેડો થઈ જાય છે. જેને પ્રભુચિંતનનો જ પ્રેમ છે, તેને જ સાચા લાભમાં સમજવો.

***

અરે! તું કૃપાળુ દેવનું ચિંતન કેમ નથી કરતો? તે એકલા જ બધાનું ભરણપોષણ કરે છે. ગર્ભમાં રહેલા બાળકની વૃદ્ધિ અને માતાના સ્તનમાં દૂધની ઉત્પત્તિ કોણ કરે છે? ગ્રીષ્મ ઋતુમાં વૃક્ષો પર કૂંપળો ફૂટે છે, તેને પાણી કોણ આપે છે? તેણે તારી શું ચિંતા નથી કરી? તું તેનું સ્મરણ કરતો રહે. જેનું નામ વિશ્વભર છે, તેનું તું સતત ધ્યાન ધર.

***

ત્યાગ કરવો હોય તો અહંકારનો ત્યાગ ક૨. પછી જે સ્થિતિમાં તું હો તેમાં રહે. પછી જો કે બાકી શું બચ્યું? દ્વૈતને સામે ન આવવા દે. શુદ્ધ મન અને સંતોષ જરૂરી છે.

***

Total Views: 172
By Published On: June 1, 1994Categories: Kantilal Kalani0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram