સમાજ પરિવર્તનશીલ છે અને સામાજિક પરિવર્તનો સામાજિક ક્રાન્તિના મૂળમાં છે તેથી પ્રગતિ અને આબાદી માટે સમાજ સુધારણા, સમાજની નીતિરીતિ અને ગતિવિધિમાં ફેરફાર, અનિવાર્ય અને ઇષ્ટ છે એટલું સ્વીકાર્યા પછી પણ કેટલીક બાબતો સાથે તડજોડ ક૨વાનું કે સમાધાન સ્વીકારવાનું અકારું થઈ પડે છે. કોઈ પણ વ્યક્તિનું સમાજનું, સામાજિક સંસ્થાઓનું કે સમગ્ર જનસમાજનું અને રાષ્ટ્રનું જીવન પાયાના, મૂળગત, સર્વસ્વીકૃત સિદ્ધાંતો, આદર્શો અને ભાવનાઓને કેન્દ્રમાં રાખીને ચાલે છે. તેને અતિક્રમીને કે ઉવેખીને ચાલનાર સમાજ લાંબું ટકતો નથી. સ્વતંત્ર વિચારધારા કે મુક્ત વિચારસરણી અને આગવી જીવનશૈલી અપનાવનાર સમાજને પોતાના આગવા નિયમો, સિદ્ધાંતો, મર્યાદાઓ અને નિષેધો હોય છે જ. સિદ્ધાંતો અને મૂલ્યો જીવનની આધારશિલા છે. સમાજની ઈમારત આ સર્વમાન્ય મૂલ્યો, આગ્રહો અને સિદ્ધાંતો ૫૨ ઊભી છે. મૂલ્યહ્રાસ કે સામાજિક મૂલ્યો, અને જીવનનાં મૂલ્યોની ઉપેક્ષા, પરિહાસ કે ઉલ્લંઘન કોઈ પણ તંદુરસ્ત રહેવા ઇચ્છનાર સમાજ માટે ભયાવહ છે. માનવમૂલ્યો વિસરાતાં જાય, સિદ્ધાંતો નેવે મુકાય, આદર્શોની અવહેલના થાય અને જીવનનાં સર્વસ્વીકૃત મૂલ્યોની ઘો૨ ખોદાય એ સમાજ લાંબો સમય ટકી ન શકે.

આજે આપણે એવા સંક્રાન્તિકાળે આવીને ઊભા છીએ જ્યારે જીવનની જડ અને આધારશિલા વધુ મજબૂત બનાવવાની જરૂર છે, સમાજના પાયાને વધુ મજબૂત બનાવવાની જરૂર છે જેથી તે બુલંદી પર પહોંચી શકે. ખોખરો અને ખોખલો સમાજ અલ્પકાળનું આયુષ્ય ધરાવે છે. આદર્શો વિનાનું જીવન, ભાવનાઓવિહીન વ્યવહા૨-વર્તન, સિદ્ધાંતવિહીન રાજકારણ, ધર્મસંસ્થા અને મૂલ્યવિહીન કે મૂલ્યરહિત જીવનરીતિ કદાપિ ઇષ્ટ કે સ્વીકૃત બની ન શકે. વિસરાતાં જીવનમૂલ્યો અને માનવમૂલ્યોનો ઉપહાસ – વિડંબના – ઉપેક્ષા, પાયામાં સુરંગ ચાંપવાનું કામ કરે છે. માનવમૂલ્યોનું નિકંદન નીકળી રહ્યું હોય, જીવનમૂલ્યોને ગળે ટૂંપો દેવાતો હોય ત્યારે કોઈ પણ બૌદ્ધિક, વિચારશીલ, સંવેદનશીલ વ્યક્તિ ચૂપ બેસી રહેવાનું કે નિષ્ક્રિય રહેવાનું મુનાસિબ નહીં સમજે. મૂલ્યોનું સરેઆમ સતત ધોવાણ થતું જાય, મૂલ્યનિષ્ઠા ઘસાતી જાય, મૂલ્યો જાળવવાનો આગ્રહ ક્ષીણ થતો જાય, જીવનમૂલ્યો અને માનવમૂલ્યોનો હ્રાસ અને નાશ થતો જાય તે સમાજ ક્યાં જઈને અટકશે, કેટલો લાંબો સમય ટકશે અને તેની આવતીકાલ કેવી ધૂંધળી અને હતાશ કરે તેવી નિરાશાજનક હશે તેની તો કલ્પના જ કરવી રહી.

કુદરતી આપત્તિ – રેલસંકટ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ – દુષ્કાળ, ભૂકંપ, રોગચાળો, જ્વાળામુખી કંપ-વિસ્ફોટ, દુર્ઘટના કે હોનારત સમયે રાહતકામગીરી કે સહાયપ્રવૃત્તિ કાર્યરત અને ક્રિયાશીલ બને છે. સક્રિય રીતે સૌ કોઈ પોતાના ગજા અને ગુંજાશ, શક્તિ અને સામર્થ્ય પ્રમાણે યોગદાન આપે છે. આજે માનવમૂલ્યોનો જ હ્રાસ થતો રહ્યો છે, મૂલ્યો ઘસાતાં જઈ રહ્યાં છે, જાણે મૂલ્યોનો દુષ્કાળ સર્જાઈ રહ્યો છે ત્યારે સમાજની અને જનજીવનની – લોકજીવનની ધરાશાયી થવા જઈ રહેલી કડડભૂસ થતી ઈમારતને કોણ ટેકો દેશે? કોણ ટકાવી રાખશે? મૂલ્યોના દુષ્કાળ વચ્ચે થોડા મુઠ્ઠીભર સિદ્ધાંતવાદી, મૂલ્યોના આગ્રહી, આદર્શો અને ભાવનાઓના પુરસ્કર્તા, ઉચ્ચ માનવમૂલ્યો અને જીવનમૂલ્યોના પ્રવર્તક, વિવર્ધક અને સંવર્ધક સમાજને મળશે ખરા?

જ્યારથી માણસ બગડવા માંડ્યો છે ત્યારથી સમાજ અને સંસાર બગડવા માંડ્યા છે. આમ જોઈએ તો બીજું કશું જ બગડ્યું નથી; માત્ર માણસ જ બગડ્યો છે – તેની નિયત – દાનત, વૃત્તિ – વિચારો, નિષ્ઠા અને આચાર બગડ્યાં છે. – માણસ સુધરે તો સમાજ સુધરે, જીવન સુધરે, જગત સુધરે. માણસે મનની મોટપ, દિલની દિલાવરી, અંતરની ઉદારતા અને હૃદયની વિશાળતા ગુમાવી દીધાં છે. માણસનાં અંતર આળાં થતાં ગયાં છે, સંવેદનાની ધાર બુઠ્ઠી થતી જાય છે. માણસ થોડો લાગણીશૂન્ય અને લાગણીજડ બન્યો છે. તેનામાં ક્ષમાશીલતા, ઉદારતા, જતું કરવાની વૃત્તિ અને સહનશીલતા ઘટતાં ગયાં છે. ક્ષણિક આવેશ અને ઉત્તેજના, સહિષ્ણુતાનો અભાવ, સદ્ભાવના, સમભાવ અને સદ્વૃત્તિનો અભાવ આમાં કારણભૂત છે. મૂલ્યોની અવગણના – ઉપેક્ષા લાંબા ગાળે માનવજાત માટે આત્મઘાતક અને આત્મવિનાશક સાબિત થઈ શકે છે – મૂલ્યનાશે સર્વનાશ.

રાજકારણ સિદ્ધાંતવિહોણું, સગવડિયું, તડજોડ કરનારું, તકવાદી અને મૂલ્યહીન કે મૂલ્યરહિત ગણાયું છે. Everything is fair in love, war and politics એ સર્વવિદિત સત્ય છે. પક્ષપલટો, પાટલી બદલવી, પક્ષાંતર કરવું, સગવડિયું તકવાદી જોડાણ કરવું એ અહીં સ્વાભાવિક ગણાયું છે. રાજકારણની જેમ ધર્મ અને સંપ્રદાયોની વાડાબંધીમાં કે યાદવાસ્થળીમાં રાચતા ધર્મનું ખોળિયું જ શેષ રહ્યું છે. તેના આત્મા અને પ્રાણ મરી પરવાર્યા છે. ધર્મ કે ધર્માચારને નામે બાહ્યાચાર, પાખંડ, દંભ અને ઉપરછલ્લો આચાર પૂજાતા રહ્યા છે. રાજકારણ અને ધર્મને લાગેલ આ લૂણો સમાજના કલેવરને, સમાજના દેહને ખોતરતો ને કોતરતો રહ્યો છે. સમાજની ઇમારતને લાગેલો આ લૂણો વ્યક્તિનિષ્ઠ તેમજ સમાજનિષ્ઠ છે. તળિયાથી ટોચ સુધી અને પાયાથી કળશ સુધી ફેલાયેલો છે. મૂલ્યોના હ્રાસ, વિનાશ અને નીતિમત્તા કે સિદ્ધાંતની અવગણનાનું આ પરિણામ છે.

આજનો માનવી આત્મકેન્દ્રી – સ્વકેન્દ્રી અને સ્વાર્થપરાયણ કે સ્વાર્થપટુ બન્યો છે. તેની સમજદારી, દિલાવરી, ઉદારતા, ક્ષમાશીલતા, સહનશીલતા અને મનની મોટપ ઘટ્યાં છે. મનુષ્ય જડ અને લાગણીહીન બનતો જાય છે, સંવેદનશૂન્ય અને નિષ્ઠુર થતો જાય છે. સમાદર, સાયુજ્ય, સમસંવેદન, સદ્ભાવના, સમભાવ અને સદ્વૃત્તિનો અભાવ સર્વત્ર જોવા મળે છે. યુવાપેઢી પણ દિશાહીન, ગુમરાહ, બેજવાબદાર તથા કૃતઘ્ન અને વિવેકહીન બનતી જાય છે. આજનો આખો સમાજ સત્તા, સંપત્તિ અને જાતીયતા પાછળ આંધળી દોટ દઈ રહ્યો છે. ફિલ્મોમાં અને ટી.વી. સીરિયલોમાં હિંસા અને જાતીયતાનાં વરવાં વિરૂપ દર્શન થાય છે. હિંસા અને જાતીયતાથી ફિલ્મો ઊભરાય છે. આખો સમાજ જાણે નીતિનાશને માર્ગે છે. નીતિમત્તા, નૈતિકતા, નિષ્ઠા, જવાબદારી, ફરજપાલન, પ્રામાણિકતા, ઈમાનદારીનો જાણે મૃત્યુઘંટ વાગી રહ્યો છે. સંપત્તિ પાછળની આંધળી દોટ અને વ્યામોહ, સત્તા પાછળની ઘેલછા, બાહ્ય ચળકાટવાળા મોજશોખથી ભર્યા જીવનનું આકર્ષણ અને ભપકો, બાહ્ય દેખાવ, આડંબર સાર્વત્રિક જોવા મળે છે. સંપત્તિ, ધનલાલસા, સત્તા-પદપ્રાપ્તિ અને જાતીયતા, નિરર્થક હિંસાએ અનેક દૂષણો, કૌભાંડો, દુરાચારો અને અનિષ્ટો સર્જ્યાં છે. આપણી ઉદાત્ત સંસ્કૃતિ, સભ્યતા અને દૃઢમૂલ, મૂલગત સંસ્કારોનું નિકંદન નીકળવા બેઠું છે ત્યારે મૂલ્યહ્રાસના આ જમાનામાં મૂલ્યોનો દુષ્કાળ સમાજને ક્યાં લઈ જશે એ જ ચિંતાનો વિષય છે. એટલી જ પ્રાર્થના – સબકો સન્મતિ દે ભગવાન.

Total Views: 88
By Published On: July 1, 1994Categories: Rajendra Upadhyay0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram