કૉલેજનો અગ્રગણ્ય વિદ્યાર્થી પણ અંતર વેચી બેઠેલો. આખો દિવસ વ્યાકુળ રહે. પ્રયત્ન કરે ગૂંચવાયેલા કોકડાને ઉકેલવાનો. પણ પ્રયત્ન કરે એમ પીડા વધે. કોકડું વધુ ગૂંચવાતું જાય!

વર્ગમાંય એ જ વ્યાકુળતા. બાગના બાંકડા ૫૨ પણ એ જ વ્યાકુળતા.

ખો ગયે જબ તેરા મકાન દેખા!

મિટ ગયે, જબ તેરા નિશાન દેખા!

પુસ્તકો એની પીડ મિટાવી ન શક્યાં! નાટકો એને રાહ દેખાડી ન શક્યાં! સભાઓ એને સંતોષ આપી ન શકી!

રે સુંદર મૂરતવાળા નવજુવાન! આ ઉંમર તો પ્રેમની છે. કઈ મનહર માનુની તારું ચિત્ત હરી ગઈ! રે નયનસુંદર દેહવાળા નરેન્દ્ર! કઈ નારીનો નેહ તારા ચિત્તને ચોરી ગયો!

પણ નરેન્દ્રના હોઠ દૃઢતાથી બિડાયેલા હતા. નરેન્દ્ર નાનો હતો અને પોતાના પિતાની અશ્વશાળાની મુલાકાત લેતો હતો ત્યારથી એને કોડ હતા કે એક દહાડો હું અશ્વપાલ બનીશ. અચ્છો અશ્વપાલ બનીશ.

અશ્વ તો ભલા ઇંદ્રિયોના! ભલભલી લગામને ગાંઠે નહિ!

અશ્વપાલ એટલે મનોનિગ્રહ.

નરેન્દ્ર મંદિરોમાં ગયો – સૂફી જેને માશુક કહે છે એને ખોજવા! પણ ત્યાં અતિ શ્રદ્ધાનું ગાંડપણ જોયું! નિરાશ થઈને પાછો ફર્યો.

વૈષ્ણવ જેને પોતે ગોપી બની, આશક તરીકે ઉપાસે છે એ શ્યામ સલોણાને સભાઓમાં ગોત્યો, પણ ત્યાં અતિ તર્કના આટાપાટા રમાતા હતા!

રે! નરેન્દ્ર નિષ્ફળ છે તારી શોધ! અને તારી શોધ કોઈ મદભરી માનુનીની હોત તો! અમે પણ મદદ કરી શકત: શેરીએ, ચોરે, ચૌટે, ચાર દિવારીએ ક્યાંય ને ક્યાંય એ ચતુરાનનાઓ સાથે તારો ભેટો કરાવી દેત. પણ અમે સમજી ગયા છીએ કે તું ઈશ્વરની શોધમાં પડ્યો છે!

અક્કલને ચકરાવે ચઢાવે એવા તેં યુરોપના ગ્રંથો વાંચ્યા છે, ને તને શંકાઓ સતાવી રહી છે. મહાનચિંતક હરબર્ટ સ્પેન્સરનો ગ્રંથ તેં વાંચ્યો છે. ને તું સમજ્યો કે સંસારની મોટામાં મોટી ઇંદ્રજાળ ઈશ્વર છે!

પણ તારો આત્મા ભારતીય છે! વેદ ઉપનિષદનો છે. વેદાંતનો છે. તને એમ લાગ્યું છે કે ભારતના વિદ્વાનો અતિ શ્રદ્ધાને વળગ્યા છે, એમ યુરોપના વિદ્વાનો અતિ તર્કને વળગ્યા છે!

બંને ગુમરાહ છે!

મારે વાતનો તાગ લેવો! નરેન્દ્રે નાનપણમાં અશ્વપાલ થવાની મુરાદ સેવેલી. બીજા અશ્વો પર એ કાબૂ મેળવી ન શક્યો, પણ વિષય-કષાયના જે અશ્વો એના ૫૨ કાબૂ મેળવી શક્યો, ને એક દહાડો નિર્ણય કર્યો કે,

‘નારીમાં જનનિભાવ જોવો. ભગિની ભાવ પરખવો. લગ્ન ન કરવાં!’

અને નરેન્દ્ર અશ્વપાલ બન્યો – સાચો અશ્વપાલ બન્યો. ઇંદ્રિયોના અશ્વોનો એ સારથી બન્યો.

મિત્રો પણ નરેન્દ્રની આ આશિકી જાણી ગયા, ને મશ્કરી કરવા લાગ્યા.

માણસ માત્ર મૂર્તિપૂજક છે. સારો દેહ, સુંદર ચહેરો ને સુઘટિત દેહ જોયો કે નયણાં એને ભરપેટ નીરખી રહેવાનાં! નરેન્દ્ર એવો નયનસુંદર હતો. એમાંય કંઠ એનો અતિ સુંદર હતો. ગાવું ભાવસુંદર હતું!

કોઈએ મનની પીડ ટાળવા નરેન્દ્રને બ્રાહ્મસમાજમાં ભેળવ્યો. ત્યાં શ્રી કેશવચંદ્ર સેનના પરિચયમાં આવ્યો, પણ દિલના દર્દની દવા ત્યાં પણ ન જડી!

મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર પાસે જઈ વસ્યો. પણ મનનો મોરલો માનસર જઈને પણ તૃષાતુર જ રહ્યો.

કંટાળીને લોકોએ એક પાગલ પુરુષ તરફ આંગળી ચીંધી, કહ્યું: ‘જા! એણે ભગવાનને જોયો છે. તને બતાવશે.’

ગરજ નરેન્દ્રને એ ગાંડા માણસ પાસે લઈ ગઈ. અરે, પણ આ માણસે તો નિશાળ જ જોઈ નથી. ને પોતે તો ગ્રૅજ્યુએટ! ડબલ ગ્રૅજ્યુએટ થવાની ભાવના અને આ પાગલમૂર્તિનાં કપડાંનાં ઠેકાણાં નથી, ખાવાનાં ઠેકાણાં નથી, બોલવાનાં ઠેકાણાં નથી, ને લોક એને મહાયોગી કહે છે! આ દુનિયાના ઊંધા ચશ્મા!

રે સાવ પાગલ! પાગલ ન હોય તો કંઈ પણ કારણ વગર રડે શું કામ? હસે શું કામ?

ભણેલા ગણેલા, સંસ્કારી ને સુધરેલા નરેન્દ્રે મત બાંધ્યો: ‘નક્કી આ ઠાકુર પાગલ છે!’

પણ પાગલ કહેવા માત્રથી છૂટી શકાતું નથી. એ પાગલ માણસની મોહિની અજબ છે! સતત મનને ખેંચી રાખે છે. એક દહાડો ખેંચાયેલા નરેન્દ્રે પ્રશ્ન કરી દીધો:

‘આપે ઈશ્વરને જોયો છે?’

ઠાકુરે બાળકની જેમ ખડખડાટ હસતાં કહ્યું:

‘અવશ્ય.’

‘મને દર્શન કરાવી શકશો?’ નરેન્દ્ર પ્રશ્ન કર્યો.

‘જરૂર.’ જાણે બાળકને પિપ૨મીટ આપવાની હોય એટલી સાદાઈથી ઠાકુરે કહ્યું.

નરેન્દ્રનાથે રૂપાળા હોઠ દૃઢતાથી બીડ્યા. આંખોનું અપ્રતિમ તેજ ઠાકુર પર ઢોળ્યું! રે સાધુ! નરેન્દ્ર જેવા ભણેલાગણેલા જુવાનને ભોળવવો સહેલ નથી. ટેઢી ખીર છે!

ઠાકુરે નરેન્દ્રને પાસે બોલાવ્યો!

એના અંગૂઠા પર અંગૂઠો મૂક્યો!

ને નરેન્દ્રને જાણે સમાધિ લાધી ગઈ. એનું જ્ઞાન, તર્ક, પાંડિત્ય, પ્રજ્ઞા બધું પૂરના પાણીની જેમ વહી ગયું!

ને ગૂંગાએ ગોળ ખાધા જેવું નરેન્દ્રને થયું! કંઈ શબ્દોથી વર્ણવી ન શકાય તેવો અનુભવ થયો! ઈશ્વર વિષેની શંકા સરી ગઈ.

એ ઠાકુર તે રામકૃષ્ણ પરમહંસ!

નરેન્દ્રનાથ એમનો શિષ્ય બની ગયો.

પ્રાજ્ઞ શિષ્ય ને અજ્ઞ ગુરુ! ગુરુએ પ્રાજ્ઞની પીડા શમાવી.

નરેન્દ્ર બી.એ. થયો. એલએલ.બી.નો અભ્યાસ કરી રહ્યો, ને અંતે એક નવા મહાનતત્ત્વનું દર્શન થયું!

એ મહાતત્ત્વ રોટી! એ મહાપીડા ભૂખ!

નરેન્દ્ર અશ્વપાલ બન્યો હતો: ઇંદ્રિયોનો નિગ્રહ કર્યો હતો. નૈષ્ઠિક બ્રહ્મચારી રહેવાનો નિર્ધાર કર્યો હતો. પણ નિરાધારની નૌકાને ભૂખ-દુઃખના ખડકે અથડાવી ભુક્કા કરી નાખે તેવા પ્રસંગો આવીને ઊભા રહ્યા. મહાન પિતા ગુજરી ગયા. મોટું કરજ વારસામાં મૂકતા ગયા. કુટુંબપાલનનો ભારે બોજ એકાએક માથે આવીને પડ્યો.

સુખની ઘડીઓ સ્વપ્નની જેમ સરી ગઈ. દુઃખ અને ભૂખ, અછત ને ઉપાધિની દુનિયા પ્રત્યક્ષ થઈ.

ઘરમાં દાણા ન રહ્યા! માતાના દેહ પર ઘરેણું ન રહ્યું. ખિસ્સામાં પાઈ પણ ન રહી.

નરેન્દ્રે મા-બહેનને જમાડવા માટે ભૂખ્યા રહેવા માંડ્યું, અને કલકત્તાની ડામરભરી ધગધગતી સડકો ૫૨ નોકરી માટે ઘૂમવા માંડ્યું!

પહાડી દેહ કોઈ પણ પરિશ્રમ માટે તૈયાર હતો. સુરેખ મુદ્રા સદાચારનું સર્ટિફિકેટ આપવા સદા સજ્જ હતી. પણ જ્યાં જાય ત્યાં ‘જગ્યા નથી’નો જવાબ મળવા લાગ્યો!

છતાં એક સ્થળેથી આશા સંપત્તિના સૂરો આવવા લાગ્યા. ફક્કડ નવ જુવાન મુરતિયો જોઈ કન્યાના પિતાઓ કહેણ મોકલવા લાગ્યા કે અમારી કન્યાનો હાથ તમે ગ્રહણ કરો, તમારો હાથ, અમે પકડીશું. કોઈ વાતની તંગી રહેવા નહિ દઈએ.

રે નરેન્દ્ર! નરેન્દ્રના નિગ્રહી મને કહ્યું: આ તંગીમાં તો તું જીવી શકે છે, પેલી તંગીમાં તારાથી જીવાશે નહિ! મરાશે નહિ. અશ્વપાલ થવાનું તારું સ્વપ્ન! રખે એ સ્વપ્ન વેચતો!

હિમાલય જેવો નરેન્દ્ર અડગ રહ્યો, પણ એની રાતો શિશિરની બની ગઈ. અને ચારે તરફથી થિજાવી નાખે તેવો હિમપાત શરૂ થયો.

મિત્રો મદ્ય લાવ્યા. કહ્યું કે “એક જામ પી, દુઃખનો દરિયો દૂર થઈ જશે.”

સ્નેહીઓ સુંદરીઓ લઈ આવ્યા. કહ્યું: “એક લબ ચૂમ. લાખો નિરાશાઓ આશામાં પલટાઈ જશે.”

નરેન્દ્ર અશ્વપાલ હતો! ઇંદ્રિયોનો દાસ નહોતો, સ્વામી હતો. આખરે એ ગુરુચરણમાં પહોંચી ગયો.

ઠાકુરે કહ્યું: “તંગી એ તો કસોટી છે, દર્શન છે. જે તંગીનું દર્શન થયું તે પૂરતું છે. હવે તને તંગી નહિ દેખાય!”

ગુરુસેવા એ પછી નરેન્દ્રનાથનું જીવનધ્યેય બની ગયું. ઈ.સ. ૧૮૮૬ની ઑગસ્ટની ૧૬મી તારીખે પોતાની પાછળનો તમામ ભાર નરેન્દ્રને માથે નાખી, ઠાકુર રામકૃષ્ણ પરમહંસ દિવ્યધામમાં ચાલ્યા ગયા!

(3)

ત્રીજું દૃશ્ય શરૂ થાય છે, ને નરેન્દ્રનાથ નવું નામ ધરીને અમેરિકામાં બેઠા છે.

નામ રાખ્યું છે વિવેકનો આનંદ – વિવેકાનંદ.

સ્વામી વિવેકાનંદ પાસે મૂડીમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસની દુઆ અને નિજ જ્ઞાન ધ્યાનનાં દૈવત છે. ભારતીય સંસ્કૃતિની ગૌરવ ગરિમાથી ભરેલો એ ભારતીય આત્મા છે. ભારતીય ગૌરવના પ્રચાર માટે એ અમેરિકા આવ્યા છે!

શિકાગો શહેરમાં સર્વધર્મપરિષદ મળી છે. ઈ.સ. ૧૮૯૩ના સપ્ટેમ્બરની ૧૧મી તારીખે ૧૦ વાગે જગતના સાત હજાર વિદ્વાનોની હાજરી વચ્ચે એ યાદગાર સભા શરૂ થાય છે.

વારા પછી વારો. એક પછી એક ધર્મવેત્તાઓ નિજ ધર્મની ખૂબીઓ દાખવતા જાય છે.

સ્વામી વિવેકાનંદનો વારો આવ્યો. સ્વામીએ કહ્યું: ‘પછી બોલીશ.’

થોડીવાર ફરી પ્રમુખે કહ્યું: ‘બોલો.’

જવાબ મળ્યો, ‘પછી બોલીશ.’

પ્રમુખે કડક થઈને કહ્યું: ‘બોલવું હોય તો અત્યારે બોલો, પછી સમય નહીં મળે.’

ને સ્વામી વિવેકાનંદ અવશપણે ખડા થયા, સદ્ગુરુનું ધ્યાન ધર્યું, ને બોલ્યા,

‘સિસ્ટર્સ ઍન્ડ બ્રધર્સ ઑફ અમેરિકા! અમેરિકા નિવાસી બહેનો અને ભાઈઓ!’

એકદમ તાળીઓનો ગડગડાટ શરૂ થયો. સહુના કાન બહેર મારી ગયા. સ્વામી વિવેકાનંદ ખુદ મુંઝાયા, રે! આટલી તાળીઓ કેમ! ધન્યવાદની કે ફજેતીની!

થોડીવારે ખબર પડી કે એમના આ નવા સંબોધનથી અમેરિકાના લોકો આકર્ષાઈ ગયા હતા. નારીપ્રતિષ્ઠાનો પ્રેરક ધ્વનિ એમાંથી ગુંજતો હતો!

આ પછી તો સ્વામી વિવેકાનંદનાં ભાષણોનું લોકોને ઘેલું લાગ્યું!

એક તો કદાવર દેહ, સુગઠિત બાંધો, અષ્ટમીના ચંદ્ર જેવું ભવ્ય લલાટ!

દેહ ૫૨ લાંબો કથ્થાઈ ઝભ્ભો, માથે ભગવો કટકો, ભેટ પર કસેલી કમર!

સિંહસમી નિર્ભય તેજોમયી મૂર્તિ! અને એ મૂર્તિના મુખમાં સ્વયં નાયગરાના ધોધ જેવી વહેતી ભારતીય સંસ્કૃતિ ને સરસ્વતી! આંખોની રોશની શ્રોતાના દિલને વીંધે. એ વીંધાએલા દિલમાં પછી સંસ્કૃતિનાં મોતી મૂકે!

વીસમી સદીના એ મહાન સંન્યાસી, મહાન ધર્મપ્રચારક ને અજોડ કર્મયોગી વિવેકાનંદે યુરોપને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ઘેલું કર્યું!

અમેરિકા, ફ્રાન્સ, જાપાન, ઇંગ્લેન્ડનાં કેટલાંય સ્ત્રી-પુરુષો એમનાં શિષ્ય બન્યાં!

યુરોપવાસીઓ કોઈ સારી વાત મફત લેવામાં માનતા નથી. મોટી મોટી કંપનીઓ આ ભાષણો યોજતી, ને એક એક ભાષણની એ વખતે સાત-આઠ હજાર આવક થતી. સ્વામી તો નિઃસ્પૃહી હતા.

સ્વામીજીની ધર્મવાણીનું એક લક્ષણ મહત્ત્વનું હતું.

કોઈ પણ ધર્મનું તેઓ ખંડન ન કરતા. આખા વિશ્વને સામે રાખી બોલતા.

એમનાં ભાષણોના મુખ્ય સૂર આ હતા:

આત્માને ઓળખો.

કર્તવ્ય માટે કમર કસો.

દરિદ્રનારાયણની સેવા કરો.

માતૃભૂમિનો ઉદ્ધાર કરો.

આ મહાન કર્મયોગીનો દેહ અતિ પરિશ્રમના કારણ ૪ જુલાઇ ૧૯૦૨ના રોજ ફક્ત ૩૯ વર્ષની ઉંમરે પડી ગયો: પણ ભારતીય સંસ્કૃતિના પ્રસાર માટે સ્થાપેલી સંસ્થાઓ અને ગાળેલા જીવનથી એ અમર છે! અમર તું મરણે રે! સ્વામી!

(“ગુજરાત સમાચાર” ૧૭-૧-‘૬૩માંથી સાભાર)

Total Views: 88
By Published On: July 1, 1994Categories: Jay Bhikhkhu0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram