ઘણાં ત્યાગથી દૂર ભાગે છે. તેની નિરર્થકતા અને તેની નુકસાનકારકતા સિદ્ધ કરવા જુદી જુદી દલીલો આગળ ધરવામાં આવે છે. બ્રહ્મચર્ય સામેની નિરર્થક દલીલો ઘણુંખરું અર્થ વગરની અને હાસ્યાસ્પદ છે. બ્રહ્મચર્ય આધ્યાત્મિક શક્તિની સાચી બુનિયાદ છે તેના સિવાય આધ્યાત્મિકતામાં કોઈ ગણનાપાત્ર પ્રગતિ શક્ય નથી અને ત્યાગ વિના પૂર્ણ બ્રહ્મચર્ય લગભગ અવ્યવહારુ છે.

આધ્યાત્મિક જીવનમાં આગળ વધવા શું ત્યાગ જરૂરી છે? બધા ધર્મો અને સંનિષ્ઠ ધર્માચાર્યો સંમત થાય છે કે માનસિક ત્યાગ વિના ઈશ્વર-સાક્ષાત્કાર કે દિવ્યપ્રેમ પ્રાપ્ત કરવો અશક્ય છે. તેઓ બધા આ મુદ્દા ઉપર ખૂબ ભાર મૂકે છે. અલબત્ત અવારનવાર આપણે સાંભળીએ છીએ કે કેટલાક આધુનિક આચાર્યો ત્યાગની સામે ઝુંબેશો ચલાવે છે. પરંતુ તેઓ બધા અનિવાર્યપણે ઈંદ્રિયોના પૂજકો કે ઈંદ્રિયજન્ય આનંદોને જ સાચા માનનારા ચાર્વાકો છે. તેઓ બીજી બાબતોમાં ભલે મહાન હોય, પરંતુ આપણી પરંપરા એવી છે કે એક સિદ્ધિ ધરાવતા મનુષ્યને જ આપણે દરેક બાબતમાં મહાન સમજી બેસીએ છીએ. જો કોઈ મહાન કવિ હોય તો આપણે તેને એકદમ સંતના વાઘા પહેરાવી દઈએ છીએ. જો કોઈ મહાન પ્રતિભાશાળી, બુદ્ધિશાળી વ્યક્તિ હોય તો આપણે તેને એકદમ ઋષિ તરીકે નવાજીએ છીએ અને કોઈ પણ વિષય ઉપર તે કાંઈ પણ બોલે તો તેને બ્રહ્મવાક્ય સમજીએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે માણસ અનેક બાબતોમાં મહાન હોય તેમ છતાં ધર્મ-જીવનમાં તે એક નાનું બાળક પણ હોય. ધર્મ એ વિચારોના ભમરડા નથી.

તે સંનિષ્ઠ અને ખંતભરી સાધના (વ્યવહાર) અને સાક્ષાત્કાર (સંપૂર્ણ શુદ્ધ વ્યવહાર) છે. આધુનિકો છે ખરા જેઓ પોતાની જાતને આચાર્ય તરીકે ખપાવે છે. ત્યાગને તુચ્છકારથી હસી કાઢે છે. કેમ કે તેઓ જાતે હજુય વિષયભોગની ઇચ્છાના કેદી હોય છે. પરંતુ બધા સદ્ગુરુઓ ગઈકાલના અને આજના, ઓછામાં ઓછા આંતરિક ત્યાગની આવશ્યકતાના સંબંધમાં સર્વંસંમત છે. તેઓ બધા સંમત થાય છે કે અનાત્માનું અથવા આ દૃશ્ય પ્રપંચમય સંસારનું જ્ઞાન અને તેમાં આસક્તિ એ દિવ્યજ્ઞાન અને દિવ્ય પ્રેમના સંપૂર્ણપણે અર્થ વિરોધી અને વિસંગત છે. બન્ને એક સમાન ભૂમિકા ઉપર નથી. એક કદી બીજામાં લઈ જતું નથી. ઈશ્વરને જાણવા અને તેને પ્રાપ્ત કરવા સાંસારિક પદાર્થો અને વ્યક્તિઓ માટેની ઝંખના અને તેનું સતત ચિંતન આપણે છોડી દેવું જોઈએ. જ્યાં સુધી ઈશ્વર સિવાય અન્ય કોઈ પણ પદાર્થ કે વ્યક્તિની સહેજ પણ ઝંખના આપણામાં હોય ત્યાં સુધી આપણે તેને મેળવી શકતા નથી.

આપણે ઘણું ખરું આપણી ઇચ્છાઓને લઈને ખોટે માર્ગે ચઢી જઈએ છીએ. તેઓ હંમેશાં તેમના ખરા રંગમાં દેખાતી નથી. તેઓ કેટલીકવાર પવિત્ર વાઘા સજે છે અને તેઓ આધ્યાત્મિક છે તેવું માનવાને માટે આપણને પ્રેરે છે. આપણા મનમાં અનેક સૂક્ષ્મ ઇચ્છાઓ હોય છે જેને આપણે તત્ક્ષણ જાણતા હોતા નથી. જ્યારે પ્રવર્તમાન સ્થૂળ ઇચ્છાઓ પૂરેપૂરી નિર્મૂળ થઈ જાય તે પછી સૂક્ષ્મ ઇચ્છાઓ ઊઠે છે. કેવળ સાધકો, જેમણે સ્થૂળ ઇચ્છાના પદાર્થો કે વ્યક્તિઓનો ત્યાગ કર્યો હોય તેઓ જ તેને જાણી શકે છે. આધ્યાત્મિકતાના બે મોટા અને મૂળ શત્રુઓ છે કામ અને કાંચન. આ ઇચ્છાઓ અનેકવિધ આકારો ધારણ કરી શકે છે. વિચાર અને કર્મના હેતુઓનું હંમેશાં પૃથક્કરણ કરવું જોઈએ. સેવા માટેની ઇચ્છા દેખીતી રીતે ઘણી ઉમદા હોવા છતાં કેટલીકવાર રમણીય પદાર્થ કે વ્યક્તિને પ્રાપ્ત કરવા માટેની વાસના અને કામનાનું પડદાનશીન રૂપ સિવાય બીજું કશું હોતું નથી. એટલા માટે આપણા જીવનની પ્રત્યેક ક્ષણે આપણે સાવધાન રહેવું જોઈએ.

અધ્યાસ અને ભ્રમણાનાં આ જોખમોથી ભિન્ન જોખમ મિથ્યાદર્શનમાંથી ઉદ્દભવે છે. આધુનિક યુગ એ પ્રધાનપણે ભૌતિકપ્રેમી છે. ભૌતિકવાદને તેનાં વધુ સૂક્ષ્મરૂપો હોય છે. એક ભૌતિકવાદ ઉઘાડો અને નેક છે. તે કહે છે કે ઈશ્વર નથી, આત્મા નથી, હવે પછી પુનર્જન્મ નથી, મનુષ્ય સ્થૂળ શરીર સિવાય કશું નથી, એટલે ખાઓ-પીઓ અને મજા કરો. આ જાતના ભૌતિકવાદની હવે માણસો પર ઝાઝી પક્કડ નથી. પરંતુ સૂક્ષ્મ ભૌતિકવાદ કહે છે કે કેવળ ઈશ્વર બસ નથી, તેની સિવાય વિશ્વ હોવું જોઈએ. આ સંપ્રદાયના પુરસ્કર્તાઓના મત મુજબ કેવળ ઈશ્વરને જાણવા તે અપૂર્ણતા છે. ઈશ્વરની સાથોસાથ વિશ્વને જાણવું તે પૂર્ણતા છે અને તેઓ આ મતના સમર્થનમાં અનેક સૂક્ષ્મ દલીલો આગળ ધરે છે. બીજા મહાન આચાર્યોના ઉપદેશો અને તર્કયુક્ત દલીલો તેમનું સમર્થન ન કરતી હોય તો તેઓ અજ્ઞાની છે. તેવું આરોપણ કરવામાં તેમને સંકોચ થતો નથી. મહાન આચાર્ય શંકરના જ્ઞાનને સુધ્ધાં પડકારતા હોય તેવા મનુષ્યો અમે જોયા છે! તેઓ કહે છે કે મનની એક ભૂમિકા એવી છે કે જ્યાં બુદ્ધિની પહોંચ નથી ત્યાં જે બધું બને છે તેનું આપણે તર્ક દ્વારા મૂલ્યાંકન કરી શકીએ નહીં. ત્યાં આત્મા અને અનાત્મા બન્નેનું સહ-અસ્તિત્વ હોય છે, ઈશ્વર અને વિશ્વ આંતર સંકલિત છે અને તે સર્વોચ્ચ અવસ્થા છે. આ વિધાન અત્યંત ગેરમાર્ગે દોરી જનારું છે. એ ખરું છે કે ઈશ્વર તર્કથી પર છે અને તર્ક કે બુદ્ધિશક્તિ દ્વારા તે ચેતનાતીત કે પ્રકૃતિથી પર એવી ચૈતન્ય અવસ્થાને આપણે પહોંચી શકીએ નહીં. પરંતુ એનો અર્થ એવો નથી કે તે ઉચ્ચ ભૂમિકા ઉપરની અનુભૂતિઓ અસંગત છે. સ્વામી વિવેકાનંદે સ્પષ્ટપણે કહ્યું છે કે તર્ક દ્વારા ચેતનાતીત અવસ્થાએ પહોંચી શકાય નહીં. તેમ છતાં તે તર્ક વિરુદ્ધ નથી. બધા મહાન આચાર્યોએ આ દૃષ્ટિકોણનું સમર્થન કર્યું છે.

આ વિચારધારામાં આપણે ક્ષતિઓ એકદમ શોધી શકીએ. બધા સ્વીકારે છે કે મન શાંત છે, મર્યાદિત છે અને બ્રહ્મ મનથી પર છે. જ્યાં સુધી મન રહે છે ત્યાં સુધી બ્રહ્મનું જ્ઞાન અસંભવિત છે. આપણે મનથી પર જવાનું હોય છે. જ્યાં મન ન હોય ત્યાં સંસાર કેવી રીતે હોય? મન વિના સંસાર હોઈ શકે નહિ, કેમ કે તે કોઈ સ્વતંત્ર સત્તા નથી. તેનું અસ્તિત્વ તેના જ્ઞાન ઉપર આધારિત છે. કદાચ ઘોર પદાર્થવાદીઓ કહેશે કે, “તર્કની દૃષ્ટિથી જોતાં તે સાચું લાગશે. પરંતુ “વાસ્તવિકતા તર્કશાસ્ત્રના નિયમોની ગુલામ નથી. એટલે તમારી દલીલો તેને લાગુ પડતી નથી. આપણે બ્રહ્મ અને સંસારને સાથોસાથ જાણી શકીએ.” પરંતુ જો વાસ્તવિકતા તર્કશાસ્ત્રથી પર હોય તોપણ આપણું મન અને જ્ઞાન તેનાથી પર નથી અને આખરે તો આપણે જ ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાનો છે. આપણે આપણી પોતાની પ્રકૃતિથી પર જઈ શકતા નથી અને આપણી પ્રકૃતિની અંતિમ મર્યાદા એવી છે કે તે આ અ-તર્ક નૈતિક ભૂમિકા ઉપર રહી શકે નહીં. તેની સુસ્થિરતા કેવળ પરિપૂર્ણ વિચારમાં છે, એકીસમયે તે વિરોધાભાસી સિદ્ધાંતોનું પ્રતિપાદન કરી શકે નહીં. અખંડ અદ્વૈત (એકતા)ને તે ન પહોંચે ત્યાં સુધી, તેને માટે વિરામ નથી. સાધકોના એક સમાન અનુભવ આ હકીકતનું સમર્થન કરે છે. (સાધક એટલે સાધના કરી રહેલા અને સિદ્ધ એટલે સાધના પરિપૂર્ણ કરીને સિદ્ધ બનેલા.)

આધ્યાત્મિકતા શું છે? તે વૃત્તિઓનું સંપૂર્ણ શમન છે. આ વિશ્વ આત્મલક્ષી દૃષ્ટિએ વૃત્તિઓના ભંડાર સિવાય બીજું કશું નથી. આધ્યાત્મિક પ્રગતિ આ વૃત્તિઓની સંખ્યાનો ઘટાડો કરવામાં રહેલી છે અને એમ કરતાં કરતાં મનમાં આખરે એકમાત્ર ઈશ્વરને લગતી વૃત્તિ શેષ રહે છે. આપણે આ અવસ્થાએ એકાગ્રતા અને ધ્યાન દ્વારા પહોંચીએ છીએ. આપણે એક પછી એક વૃત્તિઓને ઓછી કરીએ છીએ. ધ્યાનના એક જ વિષય ઉપર મનને આપણે એકાગ્ર કરીએ છીએ ત્યારે ક્રમશઃ બીજી વૃત્તિઓ લય પામે છે અને કેવળ ઈશ્વરની વૃત્તિ શેષ રહે છે. આમ છતાં આ અંતિમ પરિપૂર્ણતા નથી. આપણે એક પછી એક પગલું આગળ ભરવાનું છે. છેલ્લામાં છેલ્લી વૃત્તિને સુધ્ધાં નિર્મૂળ કરવાની હોય છે. જ્યારે તેમ થાય છે ત્યારે કેવળ બ્રહ્મ જ રહે છે. મનનો તેમાં લય થઈ જાય છે. શેષ શું રહે છે તે કોઈ કહી શકે નહીં. ઉપનિષદો કહે છે કે મન સાથે વાણી તેને પ્રાપ્ત કર્યા સિવાય ત્યાંથી પાછી ફરે છે. અહીં સુધ્ધાં આપણે જોઈએ છીએ કે ઈશ્વર અને સંસાર એકસાથે વિદ્યમાન હોઈ શકે નહીં; કેમ કે સંસારને જાણવા મનમાં સંસારવૃત્તિ હોવી જરૂરી છે. પરંતુ જે ક્ષણે મનમાં સંસારવૃત્તિ ઉદ્ભવે છે તત્ક્ષણે ઈશ્વરવૃત્તિ અદૃશ્ય બની જશે. કેમ કે સમગ્ર મન એક ન બન્યું હોય ત્યાં સુધી મનમાં ઈશ્વરવૃત્તિ ઉદ્દભવી શકે નહીં. કેવળ સમગ્ર મન બીજી કોઈ પણ વૃત્તિથી ચંચળ ન બન્યું હોય, સંપૂર્ણ સ્થિર હોય તે જ ઈશ્વરની પ્રતીતિ કરાવી શકે.

ખરી વાત એ છે કે, બ્રહ્મ અને સંસાર વચ્ચેનો વિરોધ બીજી કોઈ રીતે પાર કરી શકાય નહિ. તેમની વચ્ચે એક રહસ્યમય સમુદ્ર છે, જેની ઉપર સેતુબંધ થાય નહીં. એટલા માટે સંસાર અને ઈશ્વર વચ્ચે સંધિનો દાવો કરતી આ નવી વિચારસરણી શંકાની નજરે જોવી ઘટે. તર્ક વિચાર પ્રાચીન અને અર્વાચીન અને સમુદાયના પક્ષે રહેવું તે – અતાર્કિક અને જડવાદીઓને સાંભળવા કરતાં – વધુ સારું છે.

શા માટે તેઓ ઈશ્વરને સંસાર સાથે સાંકળવા ઉત્સુક હોય છે? કારણ કે, તેમના અંતરમાં છૂપી કદાચ ઊંડે-ઊંડે સંસારભોગની ઇચ્છા હોય તે તેમનો ત્યાગ સંપૂર્ણ હોતો નથી. તેમનું મન ઈશ્વર માટે તૈયાર હોતું નથી. એટલા માટે માયાવાદના વિચારનો વિરોધ કરવાનો તેમનો આ ઉત્કટ પ્રયાસ છે અને સંસારને અનંત સિદ્ધ કરવામાં તેમને રસ છે. આ વિચારનું મિથ્યાપણું કાળ બતાવશે. તે આધ્યાત્મિક જાત-અનુભવમાંથી આવ્યો નથી. અને બૌદ્ધિક નિરર્થકતા કરતાં સહેજ ઠીક દેખાય છે.

એટલે ત્યાગ જરૂરી છે. બધા આચાર્યો, તેથી જ, ઓછામાં ઓછા માનસિક ત્યાગ ઉપર ખૂબ ભાર મૂકે છે. આપણે મનને એવી રીતે કેળવવું જોઈએ કે તે તેની બાહ્ય વૃત્તિ અને તેની આસક્તિ (ગમે તે ક્ષણે) છોડી શકે અને ઈશ્વર ઉપર સતત ચિંતન કરવાનું તે શીખે. આપણે ગમે ત્યાં હોઈએ, ગમે તેવી સ્થિતિમાં હોઈએ તો પણ ઈશ્વર સિવાય અન્ય પ્રત્યેક પદાર્થ પ્રત્યે અનાસક્ત રહેવાનું આપણે શીખવું જોઈએ. રાષ્ટ્રસેવા, માનવસેવા, કરુણા અને દયા અને અન્ય બૌદ્ધિક આદર્શોનો અંચળો ઓઢીને વિક્ષેપો કરનારા અંતરાયો તો આવશે જ. પરંતુ જેને ઈશ્વરની ચાહના હોય તેણે આ બધાથી ઉપર જવું જોઈએ. નિ:સંશય તે બધું પ્રિયકર છે. પરંતુ જેઓ હજુય સંસારમાં આસક્ત છે તેમને માટે તે બરાબર છે. તેમને માટે તે ઉપયોગી છે. પરંતુ જેઓને તેમના અંત:સ્તલમાં એવી પ્રતીતિ થઈ શકે કે કેવળ એક ઈશ્વર જ સત્ય છે તેમણે ઈશ્વર સિવાય બધું જ ભૂલી જવું જોઈએ અને તેમની શક્તિ ઈશ્વર-સાક્ષાત્કાર માટે વાપરવી જોઈએ. આધુનિક માણસો ઈશ્વર – સાક્ષાત્કાર સમાજ, દેશ અને માનવજાતને માટે કેટલો ઉપયોગી છે તેને સુધ્ધાં ત્રાજવે તોળવા માગશે. દેખીતી રીતે આ વલણ ખોટું છે અને પ્રવર્તમાન ભૌતિકવાદને આભારી છે. ખરું સત્ય તેનાથી ઊલટું છે. આપણે પ્રત્યેક પદાર્થ અને વ્યક્તિનું મૂલ્યાંકન આપણને ઈશ્વર-સાક્ષાત્કાર કરાવવાની તેની શક્તિ ઉપરથી કરવું જોઈએ.

ભાષાંતર: શ્રી યશસ્વીભાઈ મહેતા

(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત ‘Spiritual Practice’માંથી સાભાર)

Total Views: 356

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.