(શિકાગોમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે ૧૮૯૩માં લીધેલા ભાગના સ્મારક શતાબ્દી મહોત્સવનું ઉદ્‌ઘાટન કરતાં, ૧૯૯૩ની ૯મી ઑક્ટોબરે દિલ્હીના તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમમાં ભારતના સન્માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલા પ્રવચનનો મૂળ પાઠ.)

હું, મને આવા પ્રતિષ્ઠિત સંમેલનને સંબોધન કરવાની તથા શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે લીધેલા ભાગના શતાબ્દી મહોત્સવનું ઉદ્‌ઘાટન કરવાની તક મળવા બદલ, ધન્યતાની લાગણી અનુભવું છું.

લગભગ એક વર્ષ પહેલાં, ૧૯૯૨ના અંત ભાગમાં, કન્યાકુમારીમાં સ્વામી વિવેકાનંદની ‘ભારત પરિક્રમા’ની તથા તેમના શિકાગો-પ્રવચનની શતાબ્દી પ્રસંગે આવી જ એક સભાને સંબોધવાનું મને સદ્ભાગ્ય સાંપડ્યું હતું. તે પ્રસંગે ‘રાષ્ટ્ર-ચેતના વર્ષ’નું ઉદ્‌ઘાટન કરતી વખતે મેં મારી જાત સમક્ષ, તથા મારા શ્રોતાઓ સમક્ષ, એક પ્રશ્ન રજૂ કર્યો હતો: ‘આજે આપણે આપણા દેશમાં સ્વામી વિવેકાનંદની ખરેખરી ઉદા૨ દૃષ્ટિને રાષ્ટ્રચેતનાના પ્રસાર સાથે કઈ રીતે સાંકળી શકીએ?’

આજે તો આ પ્રશ્ન વધારે પ્રસ્તુત, વધારે તાકીદભર્યો, અને વધારે ધ્યાન માગી લે તેવો બની જાય છે; કારણ, (આજે) સ્વામી વિવેકાનંદને તેઓ ખરેખર જે ન હતા તેવા, અર્થાત્, તેઓ જે હતા તેના કરતાં તદ્દન જુદા જ દર્શાવવાનો સહેતુક પ્રયાસ થઈ રહ્યો છે. તેમને તેઓ જાણે કે કોઈ ધર્મઝનૂની હોય તેવા ચીતરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આના કરતાં સત્યથી વધારે વેગળું બીજું કશું હોઈ શકે નહીં. છેલ્લા એક કે બે મહિનામાં આ અંગે જે કંઈ કરાઈ રહ્યું છે તેના કરતાં સત્યની વધારે ખરાબ વિડંબનાની કલ્પના થઈ શકે તેમ નથી, અને તેનાથી વ્યાપક રીતે આધ્યાત્મિકતાની, અને ખાસ કરીને સ્વામી વિવેકાનંદની વધારે કુસેવા બીજી કશી હોઈ શકે નહીં. મારે (આ અંગેની) વિગતો આપવાની જરૂર નથી; તે સુવિદિત જ છે. આમ, અત્યારે આપણે સ્વામી વિવેકાનંદ વિષે માત્ર જાણવાનું જ નથી, કે સ્વામી વિવેકાનંદને માત્ર ઓળખવાના જ નથી, પરંતુ (અત્યારે એવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે કે) આપણા ઉ૫૨ ખુદ સ્વામી વિવેકાનંદને જ બચાવવાની, તેમને કોમવાદી તરીકે ચિતરાવામાંથી બચાવવાની, તેમના વિચારોને સંપૂર્ણપણે વિકૃત થતા, તથા ખોટી રીતે અર્થઘટિત થતા બચાવવાની, અને તેમને યાદ કરવામાં હવે માનવજાતને કશો રસ ન રહે તેવા પ્રકારે તેમનું નિરૂપણ થવામાંથી બચાવવાની જવાબદારી આવી પડે છે. આપણી સમક્ષ આજે મને જ ભય લાગે છે, તે આ છે.

હું જાણું છું કે, તે સમયે પણ આ (ઉપર જણાવ્યા તે) પ્રશ્નનો ઉત્તર આપવાનું સહેલું ન હતું, અને આજે પણ નથી. પરંતુ, મેં હમણાં સમજાવ્યું તેમ, તેની તાકીદતા તો રહે જ છે. સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશનો વધારે ઝીણવટભર્યો અભ્યાસ, અને આપણા પોતાના સમાજની વધારે ઊંડી સમજણ (આ બંને) આપણને આના જવાબ તરફ, અથવા તો જવાબ જેવા કશાક તરફ, આગળ વધવામાં મદદરૂપ થશે. (આમેય તે) જીવનમાં કોઈ પણ વસ્તુના આપણને ચોક્કસ જવાબ તો મળતા જ નથી.

જ્યારે આપણે સ્વામી વિવેકાનંદ વિષે વિચાર કરીએ છીએ ત્યારે આપણે સત્યની તથા વૈશ્વિક સમજૂતીની સતત ખોજમાં હોય તેવી એક વ્યક્તિ વિષે વિચારીએ છીએ. શ્રીરામકૃષ્ણ સંઘ (જેનું નામકરણ તેમના સુવિખ્યાત ગુરુના નામ ઉપરથી થયું છે) સમક્ષ માત્ર ધ્યાન દ્વારા મુક્તિનો જ નહિ, પરંતુ ઈશ્વરને દુઃખી માનવીએની સેવામાં શોધવાનો પણ ધ્યેય રહેલો છે. આપણે શ્રીરામકૃષ્ણ મિશન અને તેના કાર્યથી વધારે પડતા પરિચિત છીએ, જેથી તેના આ અત્યંત મહત્ત્વના પાસાને આપણે સમજી કે મૂલવી શકતા નથી. જ્યાં સંકટ હોય, જ્યાં જરૂર હોય, ત્યાં તમે શ્રીરામકૃષ્ણ મિશનને હાજર રહેલું, કદાચ બીજા કોઈ કરતાં વધારે વહેલું પહોંચી ગયેલું, જોશો. આમ, નિઃસ્વાર્થ સેવાપરાયણતા એ શ્રીરામકૃષ્ણ મિશનની સૌથી મહત્ત્વની લાક્ષણિક્તા તરીકે, કોઈને પણ આકર્ષે તેવી પહેલી બાબત છે. તેઓ (મિશનના કાર્યકર્તાઓ) મૂંગા મૂંગા પોતાનું કાર્ય કર્યે જાય છે, અને અદ્‌ભુત કાર્ય કરે છે. તેમણે (તે વિષે) કદી કોઈ જાહેરાત કરવાનો પ્રયત્ન કર્યો નથી – અને એ જ (અન્ય સંસ્થાઓ અને તેની વચ્ચે) તફાવત છે. ખરેખર, આ એક અનોખી સેવા-સંસ્થા છે.

શ્રીરામકૃષ્ણ પરમહંસ અને તેમના શિષ્ય સ્વામીજી (વિવેકાનંદ) ભારતના અમર આત્માનું પ્રતિનિધિત્વ કરે છે. સ્વામીજીનાં શિકાગોનાં પ્રવચનોની અસર ઘણી ઊંડી હતી, કારણ તેમણે જેઓ ભારત વિષે ઘણું ઓછું જાણતા હતા, અને ઓછું વિચારતા હતા, તેવા શ્રોતાઓને પહેલી જ વખત, મુદ્દાસર છતાં છટાદાર વાણીમાં, ભારતના આત્માનાં દર્શન કરાવ્યાં હતાં. આપણે બધા યુવાન નરેન્દ્રનાથને જે કંગાલિયતમાંથી પસાર થવું પડ્યું હતું તે વિષે જાણીએ છીએ. આ યુવાનને માટે તેના પિતાના અવસાન પછી પોતાના કુટુંબનું ભરણપોષણ ક૨વાનું ઘણું મુશ્કેલ બન્યું હતું. તેમ છતાં રાજિંદી મુશ્કેલીઓએ આ માણસને તેની સત્યની ખોજ માટેની સફર શરૂ કરવામાં નિરુત્સાહિત કર્યો ન હતો. તેની આ તીવ્ર ઝંખના જ તેને એક ગુરુથી બીજા ગુરુ પાસે લઈ ગઈ હતી; છેવટે તેઓ શ્રીરામકૃષ્ણને મળ્યા, જેઓ તેના ‘તમે ઈશ્વરને જોયા છે?’ એવા સીધાસાદા, પરંતુ અત્યંત મુશ્કેલ, પ્રશ્નનો જવાબ તે આપી શક્યા હતા.

સત્ય માટેની આ ખોજે જ તેમને ‘ભારત પરિક્રમા’ શરૂ કરવા પ્રેર્યા હતા. આ પરિક્રમાએ તેમને ભારતની વાસ્તવિકતાનો, તેની આધ્યાત્મિક સમૃદ્ધિનો, અને તે સાથે તેની ભૌતિક કંગાલિયતનો પણ પ્રત્યક્ષ અનુભવ કરાવ્યો હતો. હું તો હજુ પણ કહું છું કે, ભારતમાં સૌથી શ્રેષ્ઠ શિક્ષણકાર ભારત પોતે જ છે. જે વ્યક્તિ પોતાના જ રાજ્યમાં કે પોતાના જ જિલ્લામાં કે ગામમાં બંધાઈ રહે છે, પણ તે વ્યક્તિ લોકો જેને ‘કૂપમંડૂક’ કહે છે તેવી છે; તેને તેમાંથી બહાર નીકળવા દો, તે વિશ્વ ન જુવે તો કંઈ નહીં, પરંતુ તેને ભારત અને તેની સઘળી જીવંતતા નિહાળવા દો. એટલા માટે જ (ભારતમાં) ‘વાનપ્રસ્થ’ની સંસ્થા છે, અને સાધુઓની સંસ્થા છે. આ સાધુઓ-ધર્મપ્રચારકો એક જગ્યાએથી બીજી જગ્યાએ તેમને માત્ર ફરવાનો શોખ છે તેથી નથી ફરતા, પરંતુ એ વિચરણમાં (વિહારમાં) ઘણુંબધું શિક્ષણ સમાયેલું હોય છે. આમ, ભારતમાં આ સંસ્થાઓ, આ પરંપરાઓ માનવીની (જ્ઞાનની) ક્ષિતિજો વિસ્તા૨વાના હેતુસર રચાયેલી હતી. આ માટે જ સ્વામીજીએ ‘પરિક્રમા’ શરૂ કરી હતી, અને આ ‘પરિક્રમા’માં એ મહાપુરુષ ઘણી બધી બાબતો શીખ્યા હશે, તેમને ઘણુંબધું શીખવા મળ્યું જ હશે, તેમાં મને શંકા નથી.

સ્વામીજી બંગાળના ‘નવજાગૃતિ’ સમયની નીપજ હતા. (તે સમયે) ધર્મસુધારણાનો નાદ ક્યારનોય સંભળાવા લાગ્યો હતો અને મૃતઃપ્રાય જેવા ધાર્મિક ક્રિયાકાંડો સામેના વિરોધો વિવિધ સ્વરૂપે વ્યક્ત થવા લાગ્યા હતા. આપણે ત્યાં ભારતમાં ઘણા સુધારકો થઈ ગયા છે. તેમના વગર (દેશ અને સમાજનું) શું થયું હોત તે મને ખબર નથી. તેઓ સમયે સમયે સુધારણાનું કાર્ય કરતા રહ્યા છે. સાધુઓના સમગ્ર સાહિત્ય – તેમનામાંથી જેઓ નીચી કક્ષાની પશ્ચાદ્ભૂમિકામાંથી આવતા હતા તેમના સાહિત્યે પણ – જે સંદેશ આપ્યો હતો તે એટલો તો પ્રબળ હતો કે તેણે તેમના સમયના સમાજને બદલી નાખ્યો હતો. વાસ્તવમાં આ લોકો જ ભારતીય સમાજના નિયામકો રહ્યા છે. હવામાં જાણે કે કંઈક ઊડી રહ્યું છે, અને તમે નિયામક-ખંડમાં બેઠા બેઠા જરૂરી હોય તે સુધારા કરતા જાઓ છો, ચાંપો દાબતા જાઓ છો, પરિસ્થિતિઓને એવી રીતે સંભાળતા જાઓ છો કે, તે તેના ઉડ્ડયન-માર્ગમાં જ રહે, આડુંઅવળું ન થાય, ઝોલાં ન ખાય, કે ગબડી ન પડે. તેઓએ, આ મહાન સુધારકોએ કબીર, દાદુ, દયાળે – ભારતના જુદા જુદા ભાગના આ બધા જ લોકોએ, આમ જ કર્યું હતું. આવી રીતે જ આપણી સંસ્કૃતિમાં, આપણા ધર્મમાં, આપણી આધ્યાત્મિકતામાં સ્વયં-સુધારણાતંત્ર કાર્ય કરી રહ્યું છે; અને સ્વામી વિવેકાનંદ એ બધામાં મહાન સુધારણાકાર્ય કરનારા હતા. તેઓ એ મહાન સુધારકોમાંના એક હતા. સુધારણાના આ નવજાગૃતિ-આંદોલને ક્યારેક “યુવા-બંગાળ આંદોલન”નું સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં યુવાનો ઉદ્ધાર માટે પશ્ચિમ તરફ નજર નાખતા; તો ક્યારેક તે હિંદુ-ધર્મના મુખ્ય પ્રવાહથી છૂટા પડીને જેમાં રાજિંદા હિંદુ-કર્મકાંડોને કોઈ સ્થાન ન હોય તેવા ‘બ્રાહ્મોવાદ’ જેવા નવા ધર્મની સ્થાપનામાં પરિણમ્યું હતું. આમ છતાં નવજાગૃતિ-આંદોલનનું એક ઘટકતત્ત્વ ઘણું બળવાન હતું; અને તે હતું તેનું સામાજિક પાસું – એટલા માટે જ કબીરે કહ્યું હતું:

‘જાત ન પૂછો સાધુ કી, પૂછ લિજિયે જ્ઞાન,

મોલ કરો તલવાર કા, પડી રહન દો મ્યાન.’

(હિંદુધર્મમાં પેસી ગયેલા) ખોખલા કર્મકાંડોનું આનાથી વધારે સાદું અને વધારે આબેહૂબ વર્ણન બીજું ક્યું હોઈ શકે? ખરેખર, આ અતિ સાદી ભાષા તેના પ્રભાવમાં અત્યંત અસરકારક છે.

સ્વામીજીમાં પ્રાચીન અને અર્વાચીનનો સંપૂર્ણ સંગમ થયો હતો. ગુરુ રામકૃષ્ણ (જેઓ સ્વયં-શિક્ષિત હતા – કારણ, તેમણે ઔપચારિક શિક્ષણ જેવું ખાસ કશું લીધું ન હતું) ભારતીય સંસ્કૃતિના વિશુદ્ધ ડહાપણનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેઓ સત્ય તરફ દોરી જતા માર્ગની અનિવાર્ય બહુવિધતાને સ્વીકારનારા શાંત અને નિરાડંબરી ભારતીય શાણપણના પ્રતીક હતા. તેમને એ જ્ઞાન લાધ્યું હતું કે, માણસ જ્યારે સત્યની શોધમાં હોય છે ત્યારે તેનું લક્ષ્ય આત્મસાક્ષાત્કારનું હોય છે. કારણ, એ જ જ્ઞાનપ્રાપ્તિની દીર્ઘ પ્રક્રિયાનો અંતિમ તબક્કો હોય છે.

એ તો એક બાળકને પણ સ્પષ્ટ સમજાઈ જવું જોઈએ, કે આ દુનિયા, માનવજાતિ, માત્ર એક જ પ્રકારના બીબામાં ઢળાયેલી નથી. અહીં તો કંઈ કેટલાયે ચહેરા, કેટલાયે સ્વભાવો અને કેટલાયે અવાજો છે. તમે ટેલિફોન ઉપર સામે છેડે કોનો અવાજ છે તે કહી શકો છો. (કારણ) અવાજની ભાત વ્યક્તિએ વ્યક્તિએ જુદી પડતી હોય છે. (તે જ રીતે) દરેક બાબત વ્યક્તિએ વ્યક્તિએ જુદી પડતી હોય છે. આ સંસારમાં કોઈ પણ બે વસ્તુ, બે પુરુષો કે બે સ્ત્રીઓ સરખાં હોતાં નથી. ઈશ્વ૨નું સર્જન જ આ પ્રકારનું છે. શું આ બધી ભિન્નતા હોવા છતાં પણ આપણે બધા માનવીઓ છીએ તે સીધું-સાદું સત્ય આપણે નથી સમજી શકતા? આ સમજવામાં કઈ મોટી મુશ્કેલી છે? પાણી તો ગમે તે જગ્યાએથી વહેવાનું શરૂ થઈ શકે છે, પરંતુ આખરે તો તેમાંનું જે પાણી બચે છે, તે સમુદ્રને જ મળે છે – આકાશાત્પતિતં તોયં યથા ગચ્છતિ સાગરમ્ (જેવી રીતે આકાશમાંથી પડેલું વરસાદનું પાણી સાગરમાં જાય છે. હું ગામમાં, મારા ઘરના છાપરાનાં નેવાં પરથી પડેલા પાણીના બંગાળના ઉપસાગર સુધીના પ્રવાહને સહેલાઈથી પકડી શકું તેમ છું. આ પાણી ક્યાં ક્યાં જાય છે? એક તળાવમાંથી બીજામાં, ત્યાંથી ત્રીજા તળાવમાં, અને તે પછી છેલ્લા તળાવમાં અને આખરે ગોદાવરીમાં, અને ત્યાંથી બંગાળના ઉપસાગ૨માં! આ બધું આમ છે! વિવિધતાને સમજવાનો આ માર્ગ જો આપણે આપણામાં (ઘણા કિસ્સામાં તો બચપણથી) કમનસીબે ઊછરી રહેલા પૂર્વગ્રહોને દૂર કરી શકીએ તો, ઘણો સરળ થઈ જાય તેમ છે. લોકોમાં પૂર્વગ્રહોને બદલે એક પ્રકારની સહિષ્ણુતાનો ઉછેર થવો જોઈએ; આપણી પરંપરાએ હંમેશાં આ જ શીખવ્યું છે, અને શીખવતી રહે છે. પરંતુ ગમે તેમ, સમય જતાં, પાછલી સદીઓ દરમ્યાન, એ શિક્ષણનું બાષ્પીભવન થઈ ગયું હોય તેમ લાગે છે; અને તેની જગ્યા ધિક્કાર ઉ૫૨ બીજાઓ તરફની કે બીજાઓના ધર્મો તરફની, બીજાઓની પરંપરાઓ તરફની હીનદૃષ્ટિ ઉપર આધારિત હોય તેવા બીજા કશાકે લઈ લીધી છે. એક વખત (પરંપરામાં) આ ગાબડું પડે, પછી તો તેનો કોઈ અંત જ ન આવે. આ ગાબડું આખરે સંપૂર્ણ અરાજકતા તરફ દોરી જઈ શકે છે, અને તે તેમ કરે જ છે.

સ્વામીજીએ પશ્ચિમની સમક્ષ ભારતીય સંસ્કૃતિનું જે પાસું રજૂ કર્યું હતું, તે આ હતું. તેમણે શિકાગોમાં તેમના પ્રથમ જ પ્રવચનમાં કહ્યું હતું, અને લોકોએ ત્યાં આ યુવાન સ્વામી વિવેકાનંદ પાસેથી સાંભળ્યું હતું તેમ, “અમે માત્ર વૈશ્વિક સહિષ્ણુતામાં જ નથી માનતા, પરંતુ અમે બધા જ ધર્મો સત્ય છે, તેમ પણ સ્વીકારીએ છીએ.” જો અમે બધા જ ધર્મો સત્ય હોવાનું સ્વીકારીએ છીએ, તો તમે શા માટે ઝઘડો કરો છો? તે (ઝઘડા)ની પાછળ શો ખ્યાલ છે? આ કોઈ સાઠમારીની રમત છે? જીવન એ કંઈક ગંભીર બાબત છે. તમે અમુક બાબતો ઉ૫૨ સંમત થાઓ છો, અને કહો છો. -આ પેલાની બરાબર છે; તેથી પેલું આની બરાબર હોવું જોઈએ તો પછી શા માટે આ દીવાલો ઊભી કરવામાં આવે છે? શા માટે માનવજાતિ ઉપર ધર્મના નામે આટલી બધી અધાર્મિકતા લાદી દેવામાં આવે છે – અને તે પણ ખાસ કરીને ભારતમાં, ત્યાં તો કદી તેવું બનવું ન જોઈએ? (આમ કહેવામાં) સ્વામીજી ભારતીય સંસ્કૃતિના તત્ત્વસાર ઉપર ભાર મૂકી રહ્યા હતા. સ્વામીજીનો વૈશ્વિક સહિષ્ણુતાનો ખ્યાલ તેમના પોતાના જ શબ્દોમાં ઉત્તમ રીતે સમજી શકાય તેમ છે:

“હું મુસલમાનની મસ્જિદમાં જઈશ; હું ખ્રિસ્તી દેવળમાં પ્રવેશ કરીશ અને ક્રૂસની સમક્ષ ઘૂંટણીએ પડીશ; હું બૌદ્ઘમંદિરમાં દાખલ થઈશ, જ્યાં હું બુદ્ધ અને તેના ધાર્મિક નિયમોનું શરણ લઈશ, હું વનમાં જઈશ, અને જે દરેકના હૃદયને પ્રકાશિત કરે છે તે પરમજ્યોતિનું ધ્યાન ધરવાનો પ્રયત્ન કરનાર હિંદુની સાથે ધ્યાનમાં બેસી જઈશ.”

તો પછી, મુશ્કેલી શી છે? ઝઘડો શેનો છે? આપણે બધી જગ્યાએ જઈ શકીએ છીએ. મને નથી લાગતું કે, ઉપાસનાનું એવું સ્થળ હોય કે જ્યાં જવા ઉ૫૨ લોકો માટે પ્રતિબંધ હોય. પ્રશ્ન જવાનો નથી, પ્રશ્ન તમે ત્યાંથી શું પ્રાપ્ત કરો છો, તે છે. તમે દેવળમાં જઈ શકો છો, ગુરુદ્વારામાં જઈ શકો છો, પરંતુ તમે ત્યાં જઈને પ્રાપ્ત શું કરો છો? તમને ત્યાં ક્યો ઉદ્દેશ પ્રાપ્ત થાય છે? જો એ ઉદ્દેશ બધા જ ધર્મોની સમાનતાનો હોય, તત્ત્વસારની પસંદગીનો હોય, અર્થાત્ આવશ્યકને પકડી લઈને, અનાવશ્યકને છોડી દેવાનો હોય, તો તો કોઈ સમસ્યા હોવી જ ન જોઈએ.

‘સર્વધર્મસમભાવ’નું આ પાસું, જેને આજે આપણે ધર્મનિરપેક્ષતા, અર્થાત્ બધા ધર્મો માટે સરખું સન્માન કહીએ છીએ, તે વિશ્વને આપણા દેશ તરફથી આપવામાં આવેલું એક અજોડ પ્રદાન છે. લોકો ધર્મનિરપેક્ષતાને સમજી શકતા નથી તે નવાઈ પમાડે તેવું છે. બીજા દેશોમાં વિવિધ ધર્મો હોય તોપણ તેમની દૃષ્ટિએ તે જુદા જુદા ધર્મોનો એક સમૂહ છે- (જ્યારે) આપણી દૃષ્ટિએ તે આવો સમૂહ નથી, તે એક – વત્તા-એક વત્તા એક જેવો કોઈ ગાણિતિક સમૂહ (કે જથ્થો) નથી. આપણો ખ્યાલ એ પ્રમાણેનો નથી; તે એક ‘જથ્થા’ના ખ્યાલ કરતાં કંઈ કેટલોયે ઊંચો ખ્યાલ છે, અને તેને જ આપણે ‘ધર્મનિરપેક્ષતા’ ગણીએ છીએ. આપણો ધર્મનિરપેક્ષતાવાદ નાસ્તિકવાદી નથી, તેમ અધાર્મિક પણ નથી તે ધર્મ પ્રત્યે ઉદાસીન કે બેપરવા પણ નથી. તે ધર્મને વ્યક્તિના જીવનમાં એક શક્તિશાળી તત્ત્વ તરીકે સ્વીકારે છે, કારણ, ભારતમાં તથા વિશ્વના ઘણા મોટા ભાગના લોકો આમ જ કરે છે. પરંતુ તેવા સ્વીકાર પછી તે એક ડગલું આગળ જાય છે અને લાંબા સમયથી ચાલી આવતી ભારતીય પરંપરાની ભાવના અનુસાર, એમ પણ સ્વીકારે છે કે (સમાજમાં) એક કરતાં વધારે સાચા ધર્મો હોઈ શકે છે, અને તે બધા પ્રત્યે યોગ્ય આદરભાવ દર્શાવવો જોઈએ. આ આદરભાવ જેટલો ઈશ્વર પ્રત્યે – એ ઈશ્વર કે જેને માટે આપણે આપણી પોતાની વિનમ્ર રીત મુજબ એમ માનીએ છીએ કે તેની એક કરતાં જુદી જુદી પદ્ધતિએ ઉપાસના થઈ શકે છે, તે ઈશ્વર પ્રત્યે – છે, તેટલો જ વ્યક્તિના- એ વ્યક્તિ કે જેની વિચાર, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા તેની (મૂળભૂત) સ્વતંત્રતા તથા (અન્યો સાથેની) સમાનતા સાથે અભિન્ન રીતે સંકળાયેલી હોય છે. તે વ્યક્તિના – ગૌરવ પ્રત્યે પણ છે.

રામકૃષ્ણ મિશને સ્વામીજીના સંદેશનો, ખાસ કરીને બાળકો અને યુવાનોમાં, પ્રસાર કરીને રાષ્ટ્રઘડતરનું એક મહાન કાર્ય કર્યું છે. યુવાની આદર્શવાદી અને ઉત્સાહપૂર્ણ હોય છે. એ (યુવાનીનો) સમય સ્વપ્નો અને મહત્ત્વાકાંક્ષાઓનો સમય હોય છે. આપણાં પાછલાં વર્ષોની સિદ્ધિઓ આપણે આપણી યુવાનીના સમયનો કઈ રીતે ઉપયોગ કર્યો હતો તેની સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલી હોય છે. સ્વામીજીએ જ્યારે વિશ્વધર્મ પરિષદને સંબોધી, ત્યારે તેઓ માત્ર ત્રીસ વર્ષની વયના હતા, અને તેમનું જીવન ભારતની તથા બીજી પ્રજાઓની પેઢીઓની પેઢીઓ માટે પ્રેરણારૂપ બની ગયું છે. કદાચ માત્ર આવા યુવાન વિવેકાનંદ જ શિકાગો-સભાને, તેમણે જે રીતે સંબોધી હતી તે રીતે, સંબોધી શકે. (તેમની જગ્યાએ) કોઈ પ્રૌઢ વ્યક્તિ હોત તો કદાચ તેની ભાષાશૈલી અને બીજું બધું જુદું હોત, અને તો કદાચ તે આટલું પ્રભાવકારક ન પણ બન્યું હોત. સ્વામીજી હજુ પણ ઘણી બધી પેઢીઓને પ્રેરણા આપ્યા કરશે. તેઓ ભારતના સનાતન યૌવનનું પ્રતિનિધિત્વ કરે છે.

સ્વામીજીનું પ્રદાન માત્ર આધ્યાત્મિક ક્ષેત્રે જ ન હતું; તેમણે વિશ્વ સમક્ષ માત્ર ભારતના આધ્યાત્મિક શાણપણને રજૂ કરવાનું તથા તેનું અર્થઘટન કરવાનું જ કાર્ય કર્યું ન હતું; તે એવા પ્રકારના માનવી હતા કે જેમણે, તેમના ઉપર ધર્મે જેટલી અસર કરી હતી તેટલી જ પોતે ધર્મ ઉપર અસર કરી હતી. તેઓ પરિવર્તનના હિમાયતી હતા. તેઓ એક ક્રિયાશીલ વ્યક્તિ હતા. સામાજિક સુધારણા એ તેમના સંદેશનો એક મૂળભૂત અંશ હતો. અહીં મહાત્મા ગાંધી સાથેનું તેમનું સામ્ય નજર બહાર જઈ શકે તેમ નથી. તેમની બંનેની ઊંડી ધાર્મિક મનોવૃત્તિએ તેમને ધર્મનાં કેટલાંક સામાજિક અને કર્મકાંડને લગતાં પાસાંઓમાં પરિવર્તનની આવશ્યકતા પ્રત્યે બેધ્યાન બનાવ્યા ન હતા. આ બાબતમાં પણ તેઓ બંને લાંબા સમયથી ચાલી આવતી ભારતીય પ્રણાલિકા(જે અમુક સમયે કદાચ સુષુપ્તાવસ્થામાં ભલે હોય, પરંતુ ક્યારેક સમાપ્ત થઈ ન હતી)ની સાથે જ હતા. (ભારતમાં) ધર્મને હંમેશાં એક જીવંત વસ્તુ તરીકે સમજવામાં આવે છે, જે સમયની સાથે વૃદ્ધિ અને વિકાસ પામતી રહે છે, જે (વૃદ્ધિ અને વિકાસ) તેના આત્મિક અને આધ્યાત્મિક પાસાંઓમાં બૌદ્ધિક પરિસંવાદો અને ધ્યાન દ્વારા, અને તેના સામાજિક પાસાંનાં આપણી આસપાસની ભૌતિક પરિસ્થિતિઓમાં થતાં પરિવર્તનો દ્વારા સધાતો હોય છે.

સ્વામીજીનો સમાજ પ્રત્યેનો ઉત્સાહ તેમને આજે આપણા માટે વધારે પ્રસ્તુત બનાવે છે. તેમનો ધર્મ હતો ‘દરિદ્રનારાયણની સેવા’. તેઓ કોઈ દયાને કારણે દરિદ્રો કે જરૂરતમંદોને સેવા કરવા પ્રેરાયા ન હતા. તે તો તેમની એક પ્રકારની ઈશ્વર-સેવા હતી. સ્વામી વિવેકાનંદે કર્મયોગના સમગ્ર તત્ત્વજ્ઞાનને લોકો સમજી શકે તે રીતે કેન્દ્રમાં લાવી દીધું. તેઓ જાણે કે એમ કહેતા હતા કે, તમે કોઈ પણ પ્રકારના ઊંડા હેતુ વિના, તમારાથી બને તે રીતે માનવજાતિની સેવા કરો. સત્યની પ્રાપ્તિ માટેનો એ સૌથી વધુ ભરોસાપાત્ર માર્ગ છે.

આવી પ્રેરણાએ આપણા યુવાન ભાઈ-બહેનોને જ્યારે જ્યારે કોઈ કટોકટી ઊભી થાય, પછી તે દુષ્કાળ હોય, લડાઈ હોય કે ધરતીકંપ હોય, ત્યારે ત્યારે સહાય માટે નીકળી પડવા હંમેશાં પ્રોત્સાહિત કર્યા છે. સેવાની આ ભાવના જ રામકૃષ્ણ મિશન જેવી સંસ્થાઓને આપત્તિને કારણે આવી પડેલા દુઃખને સમયે વિશ્વના ખૂણે ખૂણે લઈ ગઈ છે. સ્વામીજીએ આપણા માટે ધર્મના આ માનવીય પરિમાણને પુનર્જીવિત કર્યું છે. આપણે આ પુનર્જીવનને ઉછેરવાનું છે અને તેને આગળ વધારવાનું છે.

આપણે જ્યારે આજે આ મહાન પુરુષને યાદ કરીએ છીએ, ત્યારે વિશ્વધર્મ પરિષદમાં તેમણે ઉચ્ચારેલા થોડાક શબ્દોને પણ યાદ કરી લઈએ. તેમણે કહ્યું હતું: “વિશ્વમાં પવિત્રતા, શુદ્ધતા અને દયા એ કોઈ દેવળ (ધર્મસંસ્થા)ની એકલાની જ માલિકીની વસ્તુ નથી. દરેક પદ્ધતિએ અતિ ઉચ્ચ પ્રકારના ચારિત્રશીલ પુરુષો અને સ્ત્રીઓને પેદા કર્યાં છે.” ઈ.સ. ૧૮૯૩માં શિકાગોમાં વિશ્વધર્મ પરિષદમાં ઉચ્ચારાયેલા આ શબ્દો કેવા આહ્‌વાનરૂપ હતા! આની તો પાત્ર કલ્પના જ કરી શકાય. આજે કદાચ તે અતિ સામાન્ય લાગે; (કારણ) દરેક વ્યક્તિ આ શબ્દોનું રટણ કર્યા કરતી હોય છે. પરંતુ તેમને (સ્વામીજીને) માટે આટલે બધે દૂર અમેરિકામાં શિકાગોમાં જવું, અને આ પ્રકારની આહ્‌વાનભરી ભાષામાં આમ કહેવું, તે ખરેખર અદ્‌ભુત લાગે તેવું છે. આપણે તો તેના ખરા મહત્ત્વ વિષે કલ્પના પણ કરી શકીએ તેમ નથી. વળી, તેમણે કહ્યું:

“…આ સાબિતી હોવા છતાં જો કોઈ માત્ર તેના પોતાના જ ધર્મના અસ્તિત્વનું, તથા અન્ય ધર્મોના નિકંદનનું સ્વપ્ન સેવતા હોય, તો હું તેમને માટે મારા હૃદયના ઊંડાણમાંથી દયાની લાગણી અનુભવું, અને તેમનું એ બાબત ઉપર ધ્યાન દોરું કે, ટૂંક સમયમાં જ દરેક ધર્મની ધ્વજા ઉ૫૨, જોકે તેનો વિરોધ થશે તોપણ, લખાશે કે, “લડાઈ નહીં, સહાય”, “વિનાશ નહીં, સમન્વય”, “ક્લહ નહીં, પરંતુ સુસંવાદિતા અને શાંતિ.”

મને લાગે છે કે, તમે, સો વરસ પહેલાંની તો એક વાત, પરંતુ આજની દૃષ્ટિએ પણ આનાં કરતાં વધારે પ્રસ્તુત, વધારે સુયોગ્ય વિધાન યાદ નહીં કરી શકો. આથી એમ લાગે છે કે તેઓ કાયમ માટે પ્રસ્તુત હોય એવું કશુંક વિચારી શકતા હતા. આની સાબિતી એ છે કે, તેમણે જે કહ્યું હતું તે તેના સો વરસ પછી પણ એટલું જ પ્રસ્તુત છે.

સ્વામી વિવેકાનંદે શિકાગોમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં ભાગ લીધો તે પ્રસંગના શતાબ્દી મહોત્સવનું ઉદ્‌ઘાટન કરતાં મને અત્યંત આનંદ થાય છે. આ મહોત્સવ સાથે સંકળાયેલાં સૌને હું અભિનંદન આપું છું અને તેમને બધી સફળતા ઈચ્છું છું.

ભાષાંતર: શ્રી દેવેન્દ્ર વૃ. ભટ્ટ

(‘પ્રબુદ્ધ ભારત’ ફેબ્રુઆરી ’૯૪માંથી સાભાર)

Total Views: 91
By Published On: July 1, 1994Categories: P. V. Narasimharao0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram