માર્કસ પ્લેન્ક અને આઈન્સ્ટાઈને ક્વૉન્ટમ યુનિવર્સ એટલે કે પરિમાણ જગતના જ્ઞાનની ભેટનો ઉમેરો આધુનિક ભૌતિક વિજ્ઞાનમાં કર્યો છે. ભૌતિક વિજ્ઞાનના અધિષ્ઠાતા દેવ ક્વૉન્ટમ મિક્નિક્સ એટલે કે પરિમાણતંત્ર છે. આ પરિમાણ જગતનાં બે મૂળ ઘટકો છે, એક સમય અને બીજો અવકાશ. અનાદિકાળથી આ વિશ્વ સમય અને અવકાશના એક અતૂટ દોરથી રચાયું છે. આખું વિશ્વ સમય અને અવકાશનું સ્વરૂપ છે. સર્વ સમય (ત્રિકાળ) અને સર્વ અવકાશને વિશ્વ આવરી લે છે. આઈન્સ્ટાઈનની ભાષામાં પ્રત્યેક રચના અને ઘટનાના એકમો સમય-અવકાશ છે. જ્યારે શક્તિ અંશ સમય માટે, અંશ અવકાશનું મૂર્ત રૂપ ધારણ કરે છે ત્યારે રચના એટલે કે પદાર્થ ઉત્પન્ન થાય છે. પદાર્થ શક્તિનું સાકાર સ્વરૂપ છે. શક્તિ પદાર્થનું નિરાકાર સ્વરૂપ છે.

સમય અને અવકાશના પરિમાણ જગતમાં એક નવા ઘટકના અસ્તિત્વની હાજરી સ્વીકારવામાં આવી છે. આ ઘટક માહિતીરૂપી જ્ઞાન ધરાવતી ચેતના છે. આ ચેતના શક્તિ નથી અને પદાર્થ પણ નથી. આ બે નકારાત્મક ગુણધર્મોને લીધે તે ચેતના ગતિ, સમય, અવકાશ કે સ્થળથી મુક્ત છે. તેને ગતિમાન થવાની જરૂર નથી અને અવકાશ રોકવાની પણ જરૂર પડતી નથી. ચેતના ત્રિકાળજ્ઞાની અને સર્વવ્યાપી છે. તે બધે જ છે એટલે આ પૃષ્ઠ પર પણ જગ્યા રોક્યા વિના હાજર છે. ચેતના સ્થળ અને સમયનાં બંધનોથી મુક્ત હોવાને કારણે અનાદિ અને અનંત છે. આ ચેતના જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના રૂપે જગતમાં સર્જન, પાલન અને સંહારનું અવિરત કાર્ય કરે છે. ચેતના જ ઈશ્વર છે. નિરંજન, નિરાકાર, સર્વવ્યાપી, સર્વગામી, સર્વશક્તિમાન, અનાદિ, અનંત ચેતનાને વિવિધ રૂપ આપી શકાય. એમાંનું એક સ્વરૂપ નટરાજનું છે. “તાંડવનૃત્ય કરતા નટરાજના એક હાથમાં વિનાશની જ્વાળા છે અને બીજા હાથમાં સર્જનના પ્રતીક રૂપી ડમરુ તાલ પુરાવે છે, સર્જન અને વિનાશનો સંવાદ જ્વાળાનો ચકરાવો રચે છે અને ડમરુનો નાદ ધૂમકેતુના પરિભ્રમણની જેમ નિયમિત ગુંજતો રહે છે. શિવ કોઈ પણ વિશેષ કારણ કે કાર્યથી પર છે. સમતા અને શાંતિથી છવાયેલ શિવનું સૌમ્ય મુખ સકળ સૃષ્ટિના પાલનનું પ્રતીક છે.” તત્ત્વચિંતક ગુલ્ડઝના આ શબ્દો સર્વવ્યાપી ચેતનાના શિવસ્વરૂપની ઝાંખી કરાવે છે.

નિરાકારની વાસ્તવિકતા કેવી? એક બાજુ જે સ્થૂળ જગત શાશ્વત રૂપે દેખાય છે એવી અને બીજી બાજુ નિત્ય નવીનરૂપે દેખા દેતા નશ્વર જગત જેવી. સ્થૂળ સનાતન જેવું દેખાતું સાકાર ભૌતિક વિશ્વ ૧૦૪ અણુ (ઍટમ્સ) ઘટકોનું બનેલું છે. અણુની સરખામણી આપણી લિપિના મૂળાક્ષરો સાથે કરી શકાય. વિશ્વભરમાં રહેલી અણુની સંખ્યા છે ૧૦૮૪. આમાંનો પોણો હિસ્સો હળવામાં હળવા હાઇડ્રોજનનો છે. બાકીના પા ભાગમાં એટલે ૨૫ ટકામાંથી ૨૪ ટકા હિલિયમ રૂપે પ્રવર્તે છે અને કેવળ ૧ ટકાના અણુઓથી બાકીના ૧૦૨ મૂળાક્ષરો બનેલા છે જે આ સકળ વિશ્વના તારા, ગ્રહ, ચંદ્ર, પૃથ્વી વગેરેનું નિર્માણ કરે છે. ચેતનાએ આ પ્રત્યેક મૂળ અણુઓનું સર્જન કરી એ એકસો ચારેય અણુઓને વિવિધ ગુણધર્મો આપ્યા. વિવિધ પદાર્થોની રચના થઈ. પદાર્થ જગતમાં એક સર્વસામાન્ય નિયમ લાગુ પડ્યો કે કોઈ પણ પદાર્થ જેમ ઠંડો પડે એમ સંકોચાય. આ નિયમના અંકુશથી ચેતનાને ચિંતા થઈ કે જો આ નિયમ અફર રહે તો તો પાણીનો બરફ થતાં પાણીના કદનું સંકોચન થતાં જળ જગતમાં શૂન્યાવકાશ થઈ જાય. માટે જ કોઈ પણ ભૌતિકશાસ્ત્ર સમજાવી ન શકે એવી પ્રક્રિયા હેઠળ પાણી ૪° સેં. અને ૦° સેં. વચ્ચે વિકસે છે. તત્ત્વચિંતક અને અગ્રગણ્ય જેસુઈટ પાદરી ટેઈલ્હાર્ડે કહ્યું છે કે માની લઈએ કે પૃથ્વી કેવળ સૂર્યમાળામાંથી અલગ થયેલ એક ભાગ જ છે પણ એ કોણે નિયમન કર્યું કે પૃથ્વી સૂર્યથી કેટલા અંતરે દૂર જાય, જીવન પોષી શકે એટલી જ ગ૨મી ૨હે જેથી કરીને લાખો વર્ષ સુધી પૃથ્વીનું સરેરાશ ઉષ્ણતામાન ૨૦ સેં.થી વધ્યું નથી. કોણે એ નિયમન કર્યું કે પૃથ્વીની ધરી ૨૩ ૧⁄૨નો ખૂણો કરીને પરિભ્રમણ સૂર્યની આસપાસ કરે જેથી નિરંતર ઋતુચક્ર બની રહે. ૧૦૪ અણુ પોતે પણ પ્રોટોન, ઇલેક્ટ્રૉન અને ન્યુટ્રૉનના બનેલા છે. આ બધી રચના ચેતનાની તાબેદારી નીચે થાય છે. એટલે એક જગ્યાએ સોનું રચાય અને બીજી જગ્યાએ લોઢું.

નિરાકાર જગતની વાસ્તવિકતા પર તદ્દન સર્વસામાન્ય રોજબરોજના અનુભવો પૂર્તિ પુરાવે છે. ટેપરેકોર્ડરની ટેપ કે કૉમ્પ્યૂટરની ડિસ્ક કોરી હોય અને પછી એના અવરોહને ધ્યાનમાં લઈએ તો એમની પણ એક સેકન્ડમાં નિત્ય ૧,૮૬,૦૦૦ માઇલની ગતિ થઈ જાય છે. હિમાલય કે સોનું પણ સ્પંદનોનો આવો એક મેળો જ છે. પદાર્થ, પદાર્થ છે કારણ કે આપણી બુદ્ધિએ એમાં આકારનું પ્રતિપાદન કર્યું છે. સકળ વિશ્વ ૧૦૮૪ અણુઓના સ્પંદનોનો અદ્‌ભુત મેળો છે જેમાં પ્રત્યેક અણુ અન્ય સર્વ અણુઓ સાથે સંપર્કમાં છે. લોખંડની એક ફૂટપટ્ટીને લટકાવો અને એની આજુબાજુ તાર રાખી તેમાં જો ઈલેક્ટ્રિસિટી પસાર કરો તો નિત્ય પ્રકાશની ૧,૮૬,૦૦૦ માઈલ સેકન્ડની ગતિએ આ પટ્ટી પૃથ્વીના પેટાળમાં રહેલ લોહચુંબક સાથે સાન્નિધ્ય સાધે છે. આ સંપર્કનો સેતુ વિદ્યુતચુંબક-સ્પંદનોનો બનેલ છે.

સમસ્ત મુંબઈને અંધારી રાત્રે પ્રકાશિત કરી દેનાર વલવન ડેમ પર આવેલ તાતાનું વીજળી ઉત્પાદક ઘર છે. આવાં અસંખ્ય વીજળીઘરો દુનિયાભરમાં છે. અબજો એકમ વીજળી પૃથ્વી પર રોજ પેદા કરવામાં આવે છે. ઝૂંપડપટ્ટીના ટમટમિયાથી માંડીને પંચતારક હોટલને વાતાનુકૂલ બનાવનાર વીજળીઉદ્યોગનાં ચક્રો ગતિમાન રહે છે. પશ્ચિમી દેશોમાં જીવનસંચાલન વીજળીથી જ થાય છે. આ અવિરત પ્રવાહ કોને આભારી? પાણીના ધોધમાં કે ડીઝલમાં નક્કી વીજળી નથી. આ કાર્યરત દેવતા છે વિદ્યુતચુંબક ક્ષેત્ર. જ્યારે કોઈ આ ક્ષેત્રમાં ચુંબકની મધ્યમાં રહેલ વીજળીના તા૨ના ગૂંચળાને ફેરવીને ખલેલ પહોંચાડે ત્યારે પ્રકાશની નિત્યગતિ ૧,૮૬,૦૦૦ માઈલ એક સેકન્ડની ઝડપે નવું ક્ષેત્ર ઊભું થાય છે અને જૂનું ક્ષેત્ર વીજળી શક્તિ રૂપે દૂર સુધી પહોંચી જાય છે. વીજળીનાં ઉત્પાદન અને પ્રકાશની અવિરત ગતિ, બધે જ આઈન્સ્ટાઈનનો આપેલ નિત્ય પ્રકાશની ગતિનો ‘સી’ (કોન્સ્ટન્ટના પહેલા અક્ષર પરથી E=MC2ના સમીકરણમાં વપરાયેલ) પ્રવર્તે છે.

એક પ્રકાશવર્ષના માઈલ થાય ૬૦૦૦ ૦૦૦ ૦૦૦ ૦૦૦. જે પ્રકાશની શરૂઆત ૧૪૦૦૦ ૦૦૦ ૦૦૦ વર્ષો પહેલાં થઈ અને આજે આપણે એની નોંધ કરી એણે ૧૪૦૦૦ ૦૦૦ ૦૦૦ x ૬૦૦૦ ૦૦૦ ૦૦૦ ૦૦૦ માઈલોની મટકું માર્યા વિના અને શક્તિ ગુમાવ્યા વિના મુસાફરી કરી. કેવી રીતે? વિશ્વની શરૂઆતથી જે અણુઓ છે તેમાં ૪૦,૦૦૦ માઈલની ઝડપે નૃત્ય કરતાં પ્રોટોન ન્યુટ્રૉનને શક્તિનો પુરવઠો કોણે પૂરો પાડ્યો? જવાબ છે – સ્ત્રી: પુરુષ/ન૨: માદા/યીન: યેન્ગ/યોનિ: લિંગમ્ જેને સાકાર માયાવી જગતના માતાપિતા લેખી શકાય. તેઓ શક્તિમાંથી પદાર્થ અને પદાર્થમાંથી શક્તિ રચી આઈન્સ્ટાઈનના E=MC2 સમીકરણને નિત્ય સાચું ઠરાવે છે. બંનેને જાણે એકબીજા વિના ગમતું નથી. એટલે એકબીજાને પૂરક રૂપે જન્મ આપ્યા કરે છે. વિદ્યુતચુંબકનાં સ્પંદનોનો અર્ધો ભાગ નારી અને અર્ધો ભાગ નર. નારી નરને અને નર નારીને રચતાં જ રહે છે. સમય અને અવકાશથી મુક્ત, અણુના હાર્દમાં કે ૨૮૫ સૂર્યનું કદ ધરાવતા ચકચકિત તારા એન્ટેરીસમાં, જેને આપણે ૪૩૦ વર્ષ જૂનો જ જોઈ શકીએ, એવા દરેક સર્જનમાં નરનારીની ક્રીડા નિત્ય છે. બૌદ્ધ ધર્મચિંતક એલન વોટ્સે નારી અને નરને ઈશ્વરના બે હાથ કહી નવાજ્યા છે. એ બે હાથની વચ્ચે અજાતીય બ્રહ્મ છે. ઉપનિષદની પરિભાષામાં કહીએ તો અજાતીય બ્રહ્મ લીલા રૂપે, માયા દ્વારા, સજાતીય યોન્લિંગમથી ઉદ્ભવેલ સકળ સાકાર વિશ્વ રચે છે. એમાં શક્તિના પ્રવાહો વહેતા મૂકે છે. શંકરના મંદિરમાં બિરાજતા યોનિ અને લિંગ સાકાર પદાર્થ જગતનું, પ્રાણી જગતનું, નિરાકાર સૃષ્ટિમાં રચનાનું દ્વિમુખી હોવા છતાં એકમ છે. કમભાગ્ય છે કે પશ્ચિમી ચિંતક આર્થર કસ્લર શંકરના મંદિરમાં આ સત્ય જોઈ ન શક્યા અને તેથી તેમણે કેવળ મંદિરના પ્રતીક માટે કેવળ બીભત્સ ટીકા કરી.

અણોરણીયાન્ મહતોમહિયાન્

અમેરિકન ખગોળશાસ્ત્રી એડવીન હુબલે ૧૯૨૩માં સાબિત કર્યું કે બ્રહ્માંડ પ્રકાશની અડધી ગતિથી સતત વિકસી રહ્યું છે. રાત્રે નરી આંખે દેખાતી દૂધગંગા ૧૦૦,૦૦૦ પ્રકાશવર્ષ પહોળી છે. આપણી સૂર્યમાળાની પહોળાઈ થોડા પ્રકાશકલાક છે. સમસ્ત બ્રહ્માંડની ત્રિજ્યા ૧૩થી ૧૫૦૦૦ ૦૦૦ ૦૦૦ પ્રકાશવર્ષ છે. ચેતના તો વિકસતા વિશ્વમાં નિત્ય નિત્ય અધિવ્યાપિત છે.

આપણી સમજ અને સંજ્ઞાઓ મોટા કદને સમજવા, ઓળખવા, કલ્પના કરવા ટેવાયેલા છે પરંતુ નાનામાં નાનું અંતર કેટલું હોઈ શકે કે નાનામાં નાની કુદરતની કૃતિ કેવડી હોઈ શકે એની કલ્પના સહેજે થઈ શકતી નથી. આપણા નાના મગજનું કદ અડધી મૂઠી જેટલું હોય છે. તેના એક ચોરસ મિલીમીટર જેટલા ટુકડામાં ૩૬૦૦૦૦૦ જ્ઞાનકોષો અને એનાથી ૧૦ ગણા અન્ય પોષક કોષો હોય છે. ૦.૪૫ ઘન મિલીમીટર લોહીમાં ૫૦,૦૦,૦૦૦ લાલ રક્ત-કોષો એકબીજાની હડફેટમાં આવ્યા વગર પરિભ્રમણ કરી આપણને જીવંત રાખે છે. માનવશરીરના એક કોષમાં ફક્ત ૦.૦૦૦૦૦૦૦૦૦૦૧ ગ્રામ ડી એન એ હોય છે. ત્રિકાળજ્ઞાની ડી એન એમાં વૈવિધ્યની ક્ષમતા એટલી રહે છે કે એનો આંકડો દિવસરાત અટક્યા વગર એકસરખું લખતા રહીએ તો પૂરાં પિસ્તાળીસ વર્ષો નીકળી જાય.

વિક્ટર હ્યુગોએ લખ્યું છે કે જ્યાંથી દૂરબીનની ક્ષમતા અટકે છે ત્યાંથી સૂક્ષ્મદર્શકની પ્રવૃત્તિ શરૂ થાય છે. બેમાંથી કોણ વધુ ભવ્ય દર્શન કરાવે છે? દૂરબીનથી સતત વિકસતા વિશ્વ વચ્ચે અને સૂક્ષ્મદર્શકની નીચે નિત્ય સૂક્ષ્મ થતા વિશ્વ વચ્ચે કોઈ ભેદ નથી. આ હકીકત ઍલન વોટ્સે બહુ સુંદર રીતે કહી છે: “વિવેકબુદ્ધિની દૃષ્ટિએ કદનું કોઈ જ મહત્ત્વ નથી.” રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું છે કે, “ભગવાનના સામ્રાજ્યમાં પૃથ્વી પરના તણખલાથી માંડીને બ્રહ્માજી સુધી સર્વે સમાન છે.”

કોઈ પણ વ્યક્તિનો ચહેરો, આંગળાંની છાપ, કોષ કે કૅન્સ૨, કૂતરાની પૂંછડી કે બરફનો એક કણ સર્વ કંઈ અજોડ રહે છે. કોઈ પણ વ્યક્તિ – ભલે બે જોડિયા ભાઈ કે બહેનોમાંથી એક હોય એ નિત્ય અજોડ રહે છે, એમની અજોડતાને કારણે ભૂતકાળમાં પણ એમની જેવું કોઈ થઈ ગયું નથી હોતું અને ભવિષ્યમાં થવાનું નથી. આ જ હકીકત વ્યક્તિની આંગળાંની છાપ કે વ્યક્તિને થયેલ કૅન્સર માટે સત્ય રહે છે. આશ્ચર્ય થાય છે કે શા માટે પ્રત્યેક સર્જન આવું અજોડ થાય છે? એનો જવાબ છે ચેતનાનો સમભાવ. એની દૃષ્ટિમાં દરેક રચના અને ઘટના વિશ્વનું કેન્દ્ર છે. પ્રત્યેક રચના અને ઘટના અન્ય સર્વ રચના અને ઘટના જેટલું જ મહત્ત્વ ધરાવે છે. કોઈ ઊંચ કે નીચ નથી, કોઈ બિનજરૂરી નથી.

સમદૃષ્ટિ પ્રવર્તે છે કેવી રીતે? ગ્રીક દ્વિમુખી દેવતા જેનસ છે જેના ૫૨થી જાન્યુઆરી મહિનાનું નામ પડ્યું છે. તે એક બાજુથી જનાર વર્ષ તરફ જુએ છે અને બીજી બાજુથી આવના૨ વર્ષ તરફ જુએ છે. દરેક વ્યક્તિ પણ જેનસ છે જેની એક બાજુ છે સ્વસ્વરૂપ અને બીજી બાજુ છે વિશ્વસ્વરૂપ. ચંદ્રની દેખાતી બાજુની જેમ સ્વસ્વરૂપ આપણને દેખાયા કરે છે. ન દેખાતી બીજી બાજુ ત્રિકાળથી પર અન્ય સાથે સંપર્કમાં રહીને સ્વસ્વરૂપને આગળ આવવા દે છે. એ કેવી આનંદની બીના છે કે તમારું રૂપ કે કોષ, હાથ પરની શિરા કે કોઈનો પણ રોગ-કૅન્સર કે હૃદયરોગનો હુમલો આખા વિશ્વને અને ત્રિકાળને આવરી લેતો બનાવ છે. પ્રત્યેક વસ્તુ, વ્યક્તિ, કૅન્સર અને કોષ, સર્વ રચના અને ઘટના ત્રિકાળમાં વિશ્વવ્યાપી બની જાય છે. બ્રહ્મ રહે છે. એકમ એવ અદ્વિતીયમ્ બ્રહ્મ સત્ય જગત મિથ્યા ઉક્તિ સાચી ઠરે છે.

જીવનની શ્રેષ્ઠ પળો ત્યારે બને છે જ્યારે આપણું મન કૃતજ્ઞતા, અહોભાવ અને પૂર્ણતાથી ગદ્ગદ થઈ જાય છે. વૈજ્ઞાનિક પ્રગતિ પછી પણ માનવકેન્દ્રિત અહંકાર દૂર કરીએ તો જ ચોતરફ વિશ્વ એક બાળોદ્યાન સમું દેખાય છે. શાશ્વત દેખાતા ઘટક જગતમાં સ્થિરતા નથી. દરેક સેકન્ડના લાખમા ભાગમાં પણ સતત ફેરફારો થાય છે. જેમ પંખો વધુ ઝડપથી ફરે એમ વધુ સ્થિર દેખાય તેમ ઘટક જગત ત્વરિત ગતિથી વધુ સ્થાયી દેખાય છે. ભૌતિક વાસ્તવિકતા વૈજ્ઞાનિક ચક્ષુથી પણ શિવના તાંડવ સ્વરૂપે જ દેખાય છે. સમસ્ત સાકાર અને નિરાકાર વિશ્વ એક આનંદમેળો બની જાય છે, જ્યાં સર્વમાહિતીપૂર્ણ જ્ઞાનમય ચેતનાના ઇશારે લીલા થઈ રહી છે. નરસિંહ મહેતાના શબ્દોમાં કહીએ તો, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે. હિમાલયથી પણ વિશાળ આપણા મનદર્પણમાં થતી આ વિશ્વલીલાની ઝાંખી અહંકારને આશ્ચર્યચકિત અહોભાવમાં ફેરવી દે છે. બાળકના કૂતુહલથી દરેક વસ્તુ વ્યક્તિ કે ઘટનાને એના મૂળ સ્વરૂપે જોતાં આપણને ખ્યાલ આવે છે કે આપણે તો ડિઝનીલૅન્ડ સમા દુન્યવી મેળામાં નથી પણ વિશ્વમેળામાં છીએ. જ્યાં કોઈ ભેદભાવ નથી, કોઈ ઊંચું નથી કે નીચું નથી. નાનું નથી કે મોટું નથી. સર્વ બ્રહ્મની જ પ્રસાદી છે સાક્ષાત્ એકમ્ એવ અદ્વિતીયમ્ બ્રહ્મ છે.

Total Views: 265

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.