નવજાગરણનો શંખધ્વનિ

જાગો હે ભારત! સ્વામી વિવેકાનંદ, પ્રકાશક, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, પહેલી આવૃત્તિ (૧૯૯૪) પૃષ્ઠ ૯૮, કિંમત રૂ. ૬=૦૦

આજથી ૧૦૦ વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદે શિકાગોમાં મળેલી વિશ્વધર્મમહાપરિષદમાં ભાગ લીધો હતો (૧૮૯૩-૧૯૯૩) એ ઐતિહાસિક ઘટનાના શતાબ્દી મહોત્સવની ઉજવણી દેશ-વિદેશમાં થઈ. આ પ્રસંગે સમગ્ર ગુજરાત રાજ્યમાં યુવવર્ગ અને ઉત્સાહીજનોમાં પૂ. સ્વામીજીની ભાવધારાના પ્રચાર – પ્રસાર અર્થે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ તરફથી ચાર પ્રેરક પુસ્તકોનું વિશિષ્ટ પ્રકાશન ક૨વામાં આવ્યું છે, તે પૈકીનું એક પ્રકાશન છે, “જાગો, હે ભારત!”

સ્વામી વિવેકાનંદ પશ્ચિમના દેશોમાં વેદાન્તના પ્રચાર દ્વારા દિગ્વિજય કરીને ૧૮૯૭માં ભારતમાં પાછા ફર્યા. ત્યાર પછી પોતાના દેશવાસીઓને ઢંઢોળતાં જે ભાષણો આપ્યાં, તે ભાષણોમાંથી છએક પ્રેરક પ્રવચનોના ચૂંટેલા અંશો આ પુસ્તકમાં પ્રસ્તુત કરાયા છે. “વિશ્વને ભારતનો સંદેશો,” “શા માટે ભારત હજુએ જીવે છે?” “મારી ભાવિ યોજના,” “ભારતીય જીવનમાં વેદાન્ત”, “ભારત વિશ્વવિજયી કેવી રીતે બને?”, “ભારતનું ભાવિ” અને “હિન્દુધર્મની સર્વસામાન્ય ભૂમિકાઓ” આ વિષયો પરના સંગ્રહાયેલાં આ પ્રવચનાંશો વાચકમાં અવશ્ય નવચેતનાનો ઉછાળો લાવે તેવા છે. દા.ત. ભારતના ધ્યેય વિષે લખતાં સ્વામીજી જણાવે છેઃ “આપણી પ્રજાનું જીવનકાર્ય કદી રાજકીય મહત્તા કે લશ્કરી તાકાત નથી; એ કદી હતું પણ નહિ. અને મારા શબ્દો લક્ષમાં રાખજો કે એ કદી બનવાનું પણ નથી. જીવનકાર્ય તરીકે આપણને સોંપાયેલું કામ બીજું જ છે. તે છે પ્રજાની સમગ્ર આધ્યાત્મિક શક્તિને સંભાળવાનું; જાળવવાનું, જાણે કે એક ડાયનેમોમાં સંઘરી રાખવાનું. જ્યારે જ્યારે સંજોગો અનુકૂળ હોય, ત્યારે એ સંગૃહીત શક્તિને જગત ૫૨ પૂરની પેઠે વહાવી દેવાનું.”

સ્વામીજી, ‘આત્મા માટે પ્રકૃતિ છે, પ્રકૃતિ માટે આત્મા નથી’ એમ સમજીને પ્રબળ કર્મયોગ, અખૂટ હિંમત અને અદમ્ય બળની શીખ આ પ્રવચનાંશોમાં આપે છે. દેશની દુર્દશાથી દુઃખી દુઃખી થઈ ગયેલા તેઓ વલોવાઈ જઈ માનવસેવાને જ પ્રભુસેવા કહે છે, ‘શિવભાવે જીવસેવા’નો મહામંત્ર પણ આમાં આપે છે.

દીન-હીન-દબાયેલા-પિસાયેલા ભારતને જોઈ ખૂબ વ્યથિત થયેલા સ્વામીજીને આમ છતાંય પરમ શ્રદ્ધા છે કે ભવિષ્યમાં ભારતનું અદૃષ્ટપૂર્વ ઉત્થાન અવશ્ય થશે જ. આ વાતની તેમણે એ પ્રવચનાંશોમાં પ્રતીતિકર આર્ષવાણીમાં ઉદ્ઘોષણા કરી છે. તેઓ છાતી ઠોકીને કહી ઊઠે છે કે ભારત ભવ્યતાના સર્વોચ્ચ સિંહાસનને સ૨ ક૨શે, વિશ્વના આધ્યાત્મિક નેતૃત્વનું સુકાન ભારત સંભાળશે.

આપણા રાષ્ટ્રે ૧૨૦૦ વર્ષ સુધી વિદેશી શાસનની ગુલામી અને પરિણામે અવનતિ ભોગવી છે. એની છણાવટ સ્વામીજીએ કરી છે અને ભૂતકાલીન ઊણપોથી ઊગરવા આપણને ઢંઢોળ્યા છે. રાષ્ટ્રના પુનરુત્થાન માટે તથા રાષ્ટ્રની મૂંઝવતી સદીઓ જૂની સમસ્યાઓ ઉકેલવા સીધો રાહ ચીંધ્યો છે. સ્વામીજીની આ વીરવાણી, આ અભયવાણી, આ અમોઘઅગ્નિમંત્રો, આ અપ્રતિરોધ્ય ધોધ – એવાં તો અમોઘ હતાં કે તેમના સમકાલીન યુવાનો જ નહિ, આબાલવૃદ્ધ સર્વે રાષ્ટ્રનેતાઓ, રાષ્ટ્રનિર્માતાઓ, દેશપ્રેમીઓ – આ બધા જ માતૃભૂમિ માટે ફનાગીરી વહો૨વા કટિબદ્ધ બની ગયા હતા!

આજે પુનઃ ભારતીય સમાજમાં એ જુસ્સો જગાડવાની તરતની જરૂર ઊભી થઈ છે. ભારતના યુવાનો પાસે આજે આ અપેક્ષા છે કે તેઓ સ્વામીજીની વાણીમાંથી પ્રેરણા લઈ ભારતના પુનરુત્થાનનો સાચો માર્ગ શોધી કાઢે.

આ હેતુથી જ શિકાગો વિશ્વધર્મ પરિષદશતાબ્દીના અવસરે શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ તેમજ શ્રીરામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન બેલુર તરફથી આ પુસ્તિકાનું યુવવર્ગમાં વિતરણ થયું છે.

સ્વામીજીના સ્વપ્નની ભારતની મહત્તાનું ઐતિહાસિક ધ્યેય હાંસલ કરવા માતૃભૂમિની બલિવેદી ૫૨ સેવાસર્વસ્વ સમર્પિત ક૨વા આ પુસ્તક પ્રેરણા સ્રોત બની રહેશે એમાં શંકા નથી.

– કેશવલાલ વિ. શાસ્ત્રી

સંત ગુંજન, કવન અને ભાવાંજલિ

સંત ગુંજન, કવન અને ભાવાંજલિ: લેખક અને પ્રકાશક: મકરંદ દેસાઈ, નંદકુટિર, શ્રીકોલોની, રાજકોટ-૪, પૃષ્ઠ સંખ્યા ૪૪, કિંમત રૂ. ચાર

કવિ શ્રી મકરંદ દેસાઈનાં કાવ્યોના આ સંગ્રહમાં સ્તોત્રો, પ્રાર્થનાઓ, વર્ડઝવર્થ અને બીજા અંગ્રેજ કવિઓના તેમજ સંસ્કૃત અને હિંદી કાવ્યોના અનુવાદનો સમાસ કરવામાં આવ્યો છે. તેઓ પોતાની કવિતાઓમાં સહજ સંઘ સંવેદન સાથે સરળ ભાવથી શબ્દોનો સ્વાંગ આપી નિર્વ્યાજ ભાવ દીપાવી શકે છે. તેથી હિંદી, સંસ્કૃત અને અંગ્રેજી કાવ્યોનાં ભાષાંતરો સ૨ળ બન્યાં છે. બીજી એક પુસ્તિકામાં લેખકે શ્રી શંકરાચાર્ય કૃત ચાર સ્તોત્રોનું ગુજરાતી પદ્ય ભાષાંતર ઉપનિષદના વેદિક શાન્તિમંત્રો તથા તેનું ગુજરાતી પદ્ય ભાષાંતર અને ગુરોપદેશ તથા તેનું ગુજરાતી પદ્ય ભાષાંતર આપ્યું છે.

– જેરામભાઈ રાઠોડ

Total Views: 271

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.