(મે માસના અંકથી આગળ)

(૨) એ તારા પ્રેમમાં મત્ત થયા છે

પાર્વતીચરણનું ઘર સાધુ સંતો અને અભ્યાગત અતિથિ માટે હંમેશાં ખુલ્લું રહેતું. તીર્થાટને નીકળેલા સાધુજનો તેમને ત્યાં ઊતરતા ને રોકાતા. મૃડાનીની દીક્ષાના થોડા દિવસ બાદ જ તેમને ત્યાં વૃંદાવનથી એક સાધ્વી આવ્યાં. આ સાધ્વી પાર્વતીચરણને ત્યાં થોડા દિવસ રોકાયાં. આ સાધ્વી પાસે પથ્થરમાં કોતરેલા દામોદર હતા. જેને દામોદરશીલા કહી શકાય. આ દામોદર-શીલાને રાધાદામોદર માનીને તે સાધ્વી તેની પૂજા કરતી હતી. જાણે તે પ્રતિમા જીવંત હોય એમ માનીને તે તેની સાથે વર્તન કરતી હતી. તેને સ્નાન કરાવવું, જમાડવું, દૂધ પીવડાવવું, ભોગ ધરાવવો, પોઢાડવું બધું જ જે રીતે જીવંત વ્યક્તિને કરાવવામાં આવે તે જ રીતે તે કરતી. તેની આ બધી ક્રિયાઓ દસ વર્ષની મૃડાની ભક્તિપૂર્વક નિહાળ્યા કરતી. તેના અંતરમાં પણ એવું થતું હતું કે આ પ્રતિમાની તે પણ આવી રીતે પૂજા ભક્તિ કરે. પણ એ સાધ્વી તેના ભગવાનને કોઈનો ય સ્પર્શ પણ કરવા દેતી ન હતી. મૃડાનીની સાથે એ સાધ્વીને ધીમે ધીમે આત્મીયતા બંધાઈ ગઈ તો પણ તે પોતાના અતિપ્રિય દેવતાનો સ્પર્શ કરવા દેતી ન હતી. મૃડાની તેને પૂજા કાર્યમાં હવે મદદ પણ કરતી હતી. પણ હજુ તેને દેવતાની પૂજા કરવાની તક મળતી ન હતી. અને તેથી જ તેના અંત૨ની ઇચ્છા વધુ પ્રબળ બનતી જતી હતી. એક દિવસ એ તક પણ તેને મળી ગઈ.

એક દિવસ તે સાધ્વી બહાર ગઈ હતી ત્યારે મૃડાનીએ તક ઝડપી લીધી. તે તેના ઓરડામાં ગઈ અને દામોદરશીલાને પોતાના હાથમાં લઈને તેની પૂજા કરવા લાગી. આ પૂજામાં તે એવી તન્મય બની ગઈ કે પેલી સાધ્વી આવીને ગુસ્સે થઈ જશે એ અંત૨માં રહેલો ભય પણ અદૃશ્ય થઈ ગયો. અને ઘણો સમય વીતી ગયો તે સાધ્વી આવી પહોંચી ને તેણે જોયું તો મૃડાનીના ખોળામાં બેઠેલા હતા તેના સ્વામી રાધાદામોદર! તેના પ્રભુની સાથે આવી ચેષ્ટા કરનાર આ બાલિકા પ્રત્યે તેનો રોષ ભભૂકી ઊઠ્યો. તેણે મૃડાની પાસેથી તેના સ્વામીને લઈને આજીજી ભર્યા સ્વરે પ્રાર્થના કરી ને ક્ષમા માગી. અને પછી મૃડાનીને આ રીતે એની ગેરહાજરીમાં પ્રભુને કષ્ટ ન આપવા સમજાવ્યું. પણ આ હતી તો પથ્થરમાં કોતરેલી પ્રતિમા જ. પણ એમાં એવું તો ચુંબક હતું કે મૃડાની તેના દર્શન કર્યાં વગર રહી શકતી ન હતી. એટલે જ્યારે તે સાધ્વી પૂજા કરતી હોય કે પ્રભુને ભોગ ઘરાવતી હોય ત્યારે મૃડાની ત્યાં બેસીને બધું જોતી અને દેવતાનાં દર્શન કરતી.

થોડા દિવસ બાદ તે સાધ્વીને જવાનો દિવસ આવી પહોંચ્યો. મૃડાનીને અંતરમાં થયું કે શું હવે આ દેવતા પણ ચાલ્યા જશે? એમનાં દર્શન ક૨વા કદી પણ નહીં મળે? એના અંત૨માં એ દુઃખ અનુભવી રહી હતી. પણ તે કોઈને કહી શકતી ન હતી. પરંતુ તે પોતે જે કહી શકતી ન હતી, તે તેના આરાધ્ય દેવતાએ કહી દીધું! જતી વખતે તે સાધ્વીએ મૃડાનીને પોતાના પ્રાણપ્રિય આરાધ્ય દેવની સોંપણી કરતાં કહ્યું; “બેટા, આ દામોદર એ મારા આ લોકનું અને પરલોકનું જીવન સર્વસ્વ છે. ખૂબ જ જાગ્રત દેવતા છે. અત્યાર સુધી હું એમનાથી જરા પણ અળગી રહી નથી. તેઓ હંમેશાં મારી પૂજાભક્તિ ને ભોગ રાગનો સ્વીકાર કરતા આવ્યા છે. પણ હવે તેઓ તારા પ્રેમમાં મત્ત થયા છે. અને એમને હવે તારી પાસે રહેવું છે. એટલે હવે તેમને હું તારા હાથમાં સોંપું છું. એમને પથ્થરનો ટૂકડો ન માનીશ. તેઓ સાક્ષાત્ દામોદર છે. એ જ રીતે એમની પૂજા કરજે. એથી તારું કલ્યાણ થશે.” આમ સ્વયં દામોદર પોતે જ મૃડાનીના અંતરનો પ્રેમાર્ધ્ય સ્વીકારવા તેની પાસે રહી ગયા. તે મૃડાનીના સમગ્ર જીવનકાળ દરમિયાન તેમની સાથે જ રહ્યા. તેમના જીવનના થોડા અંતિમ કલાકો અગાઉ તેમણે પોતાના આ જીવનદેવતાને પોતાની શિષ્યાના હાથમાં સોંપ્યા હતા. ત્યાં સુધી તેઓ આ દામોદરશીલાનું જીવની જેમ જતન કરતાં રહ્યાં. જ્યારે એ સાધ્વીએ તેમને દામોદરશીલા સોંપી તે જ ક્ષણે મૃડાનીએ સંકલ્પ કરી લીધો કે હવે તો આ જ મારા સ્વામી. આ લોકના અને પરલોકના પણ. હવે તેઓ કોઈ મનુષ્ય પતિને નહીં વરે અને તે પણ દામોદરશીલાની સેવા પૂજામાં લીન બની ગઈ, તેના પ્રેમમાં મત્ત બની ગઈ.

(૩) અમર વરને જ વરીશ

તે સમયના બંગાળમાં તો નવ દસ વર્ષની કન્યાને પરણાવી દેવામાં આવતી. કન્યાની જો એથી મોટી ઉમ્મર થતી તો સમાજની ટીકાનો ભોગ બનવું પડતું. મૃડાનીએ પ્રથમ દાયકો વટાવી લીધો. એટલે ઘરના લોકોને ચિંતા થવા લાગી કે “હવે દીકરી ઘણી મોટી થઈ ગઈ કહેવાય. હવે તેને પરણાવી દો.” તેને માટે હવે યોગ્ય મુરતિયાની શોધ પણ આદરવામાં આવી. ઘણાં શ્રીમંત અને ઊંચાં કુટુંબોમાંથી તેના માગાં આવવા લાગ્યાં. તેને જોવા માટે પણ ઘણા લોકો આવવા લાગ્યા. મૃડાનીનું રૂપ લાવણ્ય જોઈને લોકો ચકિત થઈ જતા અને પોતાના પુત્ર માટે આવી સુંદર કન્યાને મનોમન પસંદ પણ કરી લેતા હતા. પણ પછી કન્યાની પ્રતિજ્ઞા સાંભળીને તેઓ ના પાડી દેતા હતા. કન્યા જોવા આવનારને તે કહેતી “મારી પ્રતિજ્ઞા છે કે હું એવા પતિને વરીશ કે જેને મૃત્યુ ન હોય!” આવું તે કદી હોઈ શકે? આ કન્યાનું મસ્તક ઠેકાણે તો છે ને?

ના રે આવી કન્યા આપણે નથી જોઈતી. અતિ સુંદર હોય તો શું થઈ ગયું? પણ સમજણ તો હોવી જોઈએ ને?” આમ જોવા આવનાર બધા જ અંદરોઅંદર ચર્ચા કરીને પછી ના પાડીને ચાલ્યા જતા. મૃડાનીને પરણવા કોઈ જ તૈયાર ન થયું. આથી ઘરના લોકોને તેને માટે ખૂબ જ ચિંતા થવા લાગી કે કન્યા આમ ને આમ મોટી થતી જાય છે. હવે કોઈ પણ હિસાબે તેના હાથ પીળા કરી જ નાખવા જોઈએ. હવે તેર વર્ષની ઉમ્મર તો થઈ ગઈ અને કોઈ જ તેને પરણવા તૈયાર થતું નથી. આમ ને આમ મોટી થઈ જશે તો પછી માતા પિતા પર ભાર વધશે. કોઈ પણ હિસાબે હવે એને લગ્નસૂત્રથી બાંધવી જ જોઈએ એમ કુટુંબીજનો કહેવા લાગ્યા. પણ કોની સાથે? એ તો જીદ લઈને બેઠી હતી કે “અમર વરને જ વરીશ.” તેની આ જીદની સામે હવે કુટુંબીજનો મક્કમ બન્યા. કોઈ બીજું પાત્ર ન મળતાં ઘરના લોકોએ નક્કી કર્યું કે પાનીહાટીમાં રહેતા તેના જ બનેવી ભોળાનાથ મુખોપાધ્યાયની સાથે તેનાં લગ્ન કરી દેવાં. આ વાતની ખબર પડતાં જ મૃડાની પ્રચંડ બની ગઈ!

હવે મૃડાનીએ ઘરના લોકોનો સામનો ક૨વા એકલે હાથે સંગ્રામમાં ઝુકાવ્યું. ઘરના લોકો પણ મચક આપે તેમ ન હતાં. એમણે તો લગ્ન નક્કી કરી નાખ્યાં અને તૈયારીઓ પણ કરી લીધી. આખરે લગ્નનો દિવસ પણ આવી પહોંચ્યો. રાતના સમયે લગ્ન હતાં. લગ્ન માટે કન્યાને મંડપમાં લઈ જવાની હતી. ત્યારે બધા કન્યાને શોધવા લાગ્યા. પણ કન્યા ક્યાં?

કન્યા તો ગૌરાંગદેવની એક છબિ અને બીજા પોતાના જીવનદેવતા દામોદરને લઈને એક ઓરડામાં પુરાઈ ગયેલી. ને અંદરથી બારણું બંધ કરી દીધું. મુર્હૂત વીતી જતું હતું. અને કન્યા બહાર આવતી ન હતી. “આમ કેમ ચાલે? તેને ઊંચકીને લઈ લાવો ને ફેરા ફેરવી દો. આવાં તે શાં તૂત લઈને બેઠી છે?” કુટુંબીજનો ફાવે તેમ બોલવા લાગ્યા. “બારણું ન શું ખોલે? ખોલાવડાવો ને તેને પકડીને અહીં લઈ આવો” એક વડીલે કહ્યું. બધાની આજીજી, વિનંતી અને ધમકી પણ નિષ્ફળ ગઈ. ઓરડામાં પુરાયેલી કન્યા પોતાના સંકલ્પમાં અચળ રહી. બહાર બધાં ધૂંધવાતા હતા. ઉશ્કેરાટ હતો. અને અંદ૨માં કન્યા આંસુભરી આંખે પોતાના જીવન દેવતાને આરાધી રહી હતી, “હે દામોદર મારું રક્ષણ કરો. મને બચાવો.” અને દામોદરે તેની આર્તભાવે કરેલી પ્રાર્થના સાંભળી. તેઓ તેની માતા ગિરિબાલાના અંતરમાં જાગ્યા અને ગિરિબાલાએ સહુ સગાંવહાંલાઓને કહ્યું; “મને તેની પાસે જવા દો, હું તેને સમજાવી દઈશ.” બારણા પાસે જઈને ગિરિબાલાએ ધીમેકથી કહ્યું “બેટા બારણું ખોલ. હું તારી માતા ગિરિબાલા છું.” એક માત્ર પોતાની માતામાં જ મૃડાનીને કંઈક વિશ્વાસ હતો. આથી માનો સાદ સાંભળીને તેણે બારણું ખોલ્યું. મા અંદર આવ્યાં અને પુત્રી માને ભેટીને ડૂસકાં ભરીને રડવા લાગી. પુત્રીની વેદના અને આક્રંદ જોઈને માતાનું હૃદય પીગળી ગયું. ડૂસકાં ભરતી પુત્રી માતાને આજીજી ભર્યા સ્વરે કહી રહી હતી, “મા, હું લગ્ન નહીં કરું. હું કોઈ જ મનુષ્ય પતિની સાથે લગ્ન નહીં કરી શકું. જો તમે તેમ કરશો તો હું પ્રાણ ત્યાગ કરી દઈશ.” પુત્રીને હૃદય સરસી ચાંપીને તેના મસ્તકે હાથ ફેરવતાં માતાએ તેને કહ્યું ‘બેટા, તારા અંતરની વ્યથા હું સમજું છું, પણ આ સગાંઓ તારા અંતરની નિર્મલ ભક્તિભાવનાને સમજી શકશે નહીં અને તને સુખ લેવા નહીં દે. પણ હું તને હવે આ લગ્ન માટે દબાણ નહીં કરું.” પોતાની માતાના મુખે આવાં વચન સાંભળીને મૃડાનીની આંસુભરી આંખ પણ ચમકી ઊઠી. અને સાચ્ચે જ જાણે તેના દામોદરે ચમત્કાર સર્જ્યો હતો કે તેની માતા તેની વહારે આવી પહોંચી હતી. હવે તેની માતા પણ દૃઢ અને નિર્ભય બની ગયાં. તેઓ ફક્ત સાંત્વના આપીને જ અટક્યાં નહીં, પણ તેમણે તો મૃડાનીની ઇચ્છાને મૂર્ત કરતું પગલું પણ ભર્યું જેની મૃડાનીને કલ્પના પણ ન હતી. માતાએ બે હાથ જોડી આંસુભરી આંખે ભગવાનને પ્રાર્થના કરી તેમનું રક્ષણ માગ્યું અને પછી કહ્યું; “હે વિશ્વના સ્વામી, હે સર્વ સૌંદર્યમય, આનંદમય ૫૨મ પ્રેમસ્વરૂપ, અજર, અમર, નિત્યનૂતન પ્રભુ, મારી આ બાળકીનો હાથ હું તમારા હાથમાં સોપું છું. તમે એનો સ્વીકાર કરો. હવે તમારી જ છે.” બહાર ધમાલ ને ઘોંઘાટ ચાલી રહ્યો હતો. શોરબકોર મચી રહ્યો હતો. વડીલો સમજતા હતા કે માતા પુત્રીને સમજાવી રહી છે. અને ત્યારે માતા પુત્રીના રક્ષણ માટે ૫રમાત્માને વિનવી રહી હતી. માતાના કાર્યથી મૃડાનીના હૃદયમાં પણ હવે પરિસ્થિતિનો સામનો કરવાની પ્રબળ શક્તિ જાગી ઊઠી. પણ માએ પુત્રીને ખુલ્લો વિરોધ કરવાની ના પાડી. અને તેમણે જ રસ્તો કાઢ્યો. થોડે દૂર રહેતાં પોતાના વિધવા કાકીને ત્યાં તેઓ મૃડાનીને મૂકી આવ્યાં અને તેને જણાવ્યું કે બીજે દિવસે તેને ત્યાંથી પણ દૂર મોકલવાની વ્યવસ્થા કરી આપશે. આમ મૃડાની બચી ગઈ. સંસારની જ્વાળાઓ તેને લપેટમાં લે, તે પહેલાં જ તેના અમર સ્વામીએ તેને પોતાના પ્રેમપાશમાં ખેંચી લીધી. પણ સગાંવહાલાંઓ તેને એમ સહેલાઇથી છોડે તેમ નહોતાં. ભલેને, મૃડાની દૂર ચાલી ગઈ તેથી શું થઈ ગયું? તેનાં લગ્ન તો નક્કી કરવામાં આવ્યાં હતાં ને! આથી સગાંઓએ તો જાહેર કરી દીધું કે તેના બનેવી સાથે તેના લગ્ન થઈ ગયાં છે. અને તેથી બીજે દિવસે એ વિધવા કાકીને ત્યાંથી તેને ફરજિયાત પાછી પોતાના ઘરે લાવવામાં આવી.

સગાંઓની જાહેરાતથી કંઈ મૃડાનીના આચરણમાં ફે૨ પડ્યો નહીં. સર્વના અનેક પ્રયત્નો આ વિરક્ત બાલિકાને સંસારના બંધનમાં બાંધી શક્યા નહીં. ઊલટાનું આ બધા વિરોધો ને અવરોધોએ તેને દામોદરશીલાની પૂજા ભક્તિમાં વધુ લીન કરી દીધી. તેના સ્વામી સાથેનું તેનું પ્રેમબંધન અતૂટ બની ગયું. હવે તેને ઘરમાં ગૂંગળામણ થવા લાગી. સાંસારિક સંબંધોમાંથી હવે તેનું મન ઊઠી ગયું. દૂરનાં તીર્થધામો જાણે તેના આત્માને બોલાવી રહ્યાં હોય તેવું તે અનુભવવા લાગી. આથી એક દિવસ વહેલી સવારે ઊઠીને પોતાના સ્વામી દામોદરશીલાને ગળામાં લટકાવીને તે ચાલી નીકળી. પણ આ મુગ્ધ કિશોરી ઘરથી બહુ દૂર નીકળી શકી નહીં. વળી તેને ચાલવાનો ખાસ મહાવરો પણ ન હતો એટલે તે બહુ દૂર જઈ શકી નહીં. ઘરના સભ્યોને જાણ થતાં, બહુ દૂર સુધી નહીં પહોંચી શકેલી મૃડાનીને તેઓ ફરીથી ઘરમાં પકડી લાવ્યા અને હવે તો તેને ઘરની ચાર દિવાલોમાં કેદ કરી દીધી. તેના ઉપર હવે કડક ચોકીપહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો કે જેથી તે ગમે તૈટલા પ્રયત્નો કરે તો પણ નાસી ન શકે. બહાર નીકળવાની મનાઈ થઈ જતાં મૃડાનીએ હવે પોતાનો બધો જ સમય પૂજા ભક્તિમાં જ વીતાવવા માંડ્યો. સંસારની વાતો ને બનાવો પ્રત્યે તે સાવ નિર્લેપ બની ગઈ. તેની આવી માનસિક સ્થિતિ જોઈને ઘરના લોકોને થયું કે “આ તો પાછી મુશ્કેલી સર્જાશે. આમ ઘરમાં જ એને ગોંધી રાખવાથી તો ઊલટું એનું મન વિદ્રોહ કરશે ને તેના મનને ને તનને બંનેને નુકશાન થશે. તેના મનને સ્થિર અને સ્વસ્થ રાખવા વચ્ચે ક્યારેક તેને તીર્થાટન અને સાધુ સમાગમ કરાવવો જરૂરી છે.” તેના ઉદાસીન મનને પ્રફુલ્લિત કરવા માટે તેને તેનાં બહેન બગલાદેવી અને બનેવી સાથે કાલના, નવદ્વીપ વગેરે તીર્થધામોમાં મોકલવામાં આવી. આ તીર્થધામોનાં દર્શનથી મૃડાની ખરેખર આનંદિત બની ગઈ અને એટલે હવે તેમને સાગર સંગમની તીર્થયાત્રાએ લઈ જવામાં આવી. આ યાત્રા એના જીવનની નિર્ણાયક યાત્રા બની રહી.

(ક્રમશઃ)

Total Views: 155
By Published On: August 1, 1994Categories: Jyotiben Thanki0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram