ઘણીવાર આપણને એવો વિચાર આવે કે સંતો-ભક્તો-જ્ઞાનીઓ એવો ઉપદેશ આપે છે કે ‘કર્તા ન થાવ’,  ‘અનાસક્તિ રાખો.’ વાત તો સાચી છે, પણ પ્રશ્ન એ થાય કે તે કેટલી હદે શક્ય છે?

એક નાના કુટુંબમાં રહેતી વડિલ વ્યક્તિ પણ પોતાને ઝડપથી માલિક સમજે છે, કુટુંબનો કર્તા સમજે છે; ત્યારે મોટા વ્યવસાયમાં કોઈ મોટા પદે કે વ્યક્તિ ઉદ્યોગપતિ હોય, ત્યારે તેનો માલિકીભાવ કેટલો હોઈ શકે? આ બધાં સ્થાનોનો પ્રભાવ જ એવો છે કે વ્યક્તિ સતત એવા ભ્રામક વિચારમાં હોય છે કે પોતે જ કર્તા છે! પોતાના વિના નહીં ચાલે!…અને માહોલ પણ એવો જ હોય છે! ટેલિફોન કૉલ કરવાના હોય, પત્રો લખવાના હોય, મિટિંગોમાં હાજરી અનિવાર્ય હોય, જવાબદારીવાળી જગ્યા હોય એટલે હુકમો પણ ક૨વાના હોય! આ બધી પ્રવૃત્તિના ચગડોળ વચ્ચે, તેની સતત ગતિશીલતામાં, ‘આ બધાનો કર્તા કોણ?’ એ ચિંતન માટે ભાગ્યે જ સમય મળવાનો. દર પળે વ્યક્તિના મનમાં ઉતાવળ અને કામ પતાવવાનો જ ભાવ હોવાનો.

કમનસીબે, પશ્ચિમમાં આને ‘ડાયનેમિઝમ’ નામે પ્રશંસવામાં આવે છે. પશ્ચિમ તો તેનાથી ગ્રસ્ત છે. ત્યાં તો સખ્ત કામ કરવું. ‘કશુંક’ પ્રાપ્ત કરવું. – આ બધામાં પુષ્કળ શક્તિ ખર્ચવામાં આવે છે. વ્યક્તિ તે ‘હમણા’ ‘અત્યારે જ’ પ્રાપ્ત કરવા મથે છે. તેને ભવિષ્યમાં રસ નથી.

પણ… પણ…એવું ન હોય કે ‘આ’ પરિસ્થિતિમાં જ કદાચ, વ્યક્તિ એવી જાગૃત થાય કે સ્વસ્થતા અને સંતોષથી કામ કરે અને કતૃત્વના ભાવથી મુક્ત રહે?

વાસ્તવમાં તો ઈશ્વર જ કર્તા છે. આપણે તો નિમિત્ત માત્ર છીએ. આપણે ‘તેનું’ ધ્યેય પ્રાપ્ત કરવા ‘તેના’ વતી આ ફ૨જો બજાવીએ છીએ. પરંતુ આવું વિચારવા જતાં પ્રેરણા તૂટી ન પડે? કાર્યક્ષમતા ન ઘટે? આપણા પાસે તો સમય પણ ઓછો છે! તો શું કરવું?

‘જો પ્રોસ્પર’ નામના શ્રીરામકૃષ્ણદેવના એક ભક્તે ‘વેદાંત ફૉર ઇસ્ટ ઍન્ડ વેસ્ટ’ નામની પત્રિકામાં કેટલાંક સૂચનો કર્યાં છે તે જોઈએ:

૧. પ્રથમ, તમારે શું કરવાનું છે તે યાદ કરાવવા તમારા આદર્શ ૫૨ જવાબદારી મૂકો. તે સ્મૃતિમાં રહે માટે દૈવી સહાય માગો.

૨. દ૨રોજ જ્યારે તમે તમારા કામના સ્થળે પ્રવેશો-બારણામાં કે કામની જગ્યાએ-કે બન્ને-, ત્યારે તમારા આદર્શને યાદ કરો. કામ શરૂ કરો તે પહેલાં આ કરો.

૩. આ વખતે ખાસ યાદ રાખો કે તમારું કામ ‘તેના’ હેતુ માટે છે. તો તે પૂર્ણ કરવા તમે તમારી શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકશો. તમને સતત ભાન રહેશે કે તમે કર્તા નથી.

૪. તમારા ટેબલ પર, ડાયરીમાં કે કૉમ્પ્યુટરમાં એવી નોંધ કરો જેમાં દિવસ દરમિયાન ‘કરવાનાં કાર્યો’ની યાદી હશે. તો દ૨રોજ આ યાદીના ઉપરને છેડે શા માટે આવું કંઈક લખી ન શકાય?

* ઈશ્વર કર્તા છે. હું તો તેનો દાસ છું.

* દિવસની શરૂમાં, અને અંતે, મારે સતત આનું સ્મરણ રાખવું.

* એટલું જ નહીં, દરેક કાર્યની શરૂઆત તથા અંતે પણ આ યાદ કરવાનો પ્રયત્ન કરવો.

હા, દરેક વ્યક્તિ પોતાની પસંદગી અનુસાર કોઈ વ્યક્તિ-વિચાર કે મૂર્તિનો ઉપયોગ કરી શકે.

આવું ક૨વું સ૨ળ તો નથી જ. અતિ વ્યસ્ત વ્યવસાયી માટે તો પોતાની યાદીમાં આવું નોંધવાનું યાદ કરવું પણ કઠિન લાગે. જેમ કોઈ ધંધામાં કુશળતા માટે ખાસ તાલીમની જરૂર પડે છે. તેમ જ અહીં પણ અભ્યાસ અને ધૈર્યની (ખાસ કરીને અભ્યાસની) જરૂર પડે છે. પણ જો વ્યક્તિ ખંતપૂર્વક તે ચાલુ રાખે તો, આપણને નવાઈ લાગે કે થોડા સમય પછી, તે કોઈ મિટિંગમાં જતી હશે ત્યારે તેને તેની યાદીમાંથી આ બાબતો જ પ્રથમ યાદ આવશે.

અને તે તેના જીવનમાં કેવું પરિવર્તન લાવશે!

સંકલન: હરેશ ધોળકીયા

Total Views: 171
By Published On: August 1, 1994Categories: Hareshbhai Dholakiya0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram