જીવનનો અનુભવ જેમ વધતો જાય છે તેમ તેમ લાગતું જાય છે કે સાધ્ય કરતાંયે સાધન વધારે મહત્ત્વની વસ્તુ નીવડે છે.

માનીએ કે એક શિક્ષક ખરે જ સેવાનિષ્ઠ અને સમાજની કે શિષ્યની સુધારણા માટે ઉત્સાહી છે, પણ આ ઉત્સાહમાં તે વિદ્યાર્થીને મારે છે, ધમકાવે છે, હીણો પાડે છે, લાલચ આપે છે કે ખોટી હકીકતો આપે છે. આવું કરવા માટેની તેની સાચા હૃદયની દલીલ એટલી જ કે મારા ખાતર તો આ કાંઈ નથી. વિદ્યાર્થીનું ચારિત્ર ઘડાય, તે સમાજસેવા તરફ વળે, તે એદી કે આયતારામ ન થાય તે જ મારો હેતુ છે.

શિક્ષકની વાત તો સાચી છે. તેના ધ્યેય વિષે બે મત નથી. પણ પરિણામ શું આવશે?

ઉચ્ચ ધ્યેયે લઈ જવા નીકળેલ શિક્ષક હરેક વાર્તાલાપ કે ક્રિયા દ્વારા વિદ્યાર્થી પર એવા સંસ્કાર પાડશે કે જે સંસ્કાર સૂક્ષ્મ બલપ્રયોગના, અધિકા૨વાદના કે વગર ચર્ચાએ આજ્ઞાપાલનના હશે. કાં તો વિદ્યાર્થી આ સ્વીકારશે નહિ ને એ સ્વીકારશે તો બીજે પણ તે એવી જ રીતે વર્તશે. ધ્યેયે તો પહોંચતાં પહોંચશે પણ દરમ્યાનમાં રોજ વિદ્યાર્થીને શિક્ષક પોતાની પદ્ધતિ દ્વારા દબાણ કરવાના, લાલચ આપવાના, ચૂપ રહેવાના કે હકીકતો મારવા મચડવાના સંસ્કારો આપશે.

વસ્તુતઃ સેવાભિમુખ કરવાના તેના ધ્યેયથી આ વિરુદ્ધ જ થવાનું.

એક બીજા શિક્ષકનો દાખલો લઈએ. જે કદાચ આવી નિઃસ્પૃહ, કે ધ્યેયનિષ્ઠ સેવાનું ધ્યેય ગમે તે કા૨ણે નહિ ધરી શકતો હોય પણ તે પાઠ ભણાવતી વખતે, વિદ્યાર્થીને કામ શીખવતી વખતે ધીરજ નહિ ખુએ, વિદ્યાર્થીને હીણપત નહિ લગાડે, કે વિદ્યાર્થીનો ઉત્સાહ મંદ પડે તેવી ટીકાટિપ્પણી નહિ કરે, તેને સાવચેત કરશે, તેને ઠપકો પણ જરૂર પડ્યે આપશે, પણ તે બધામાં અધિકાર પણ નહિ દેખાય. આત્મીયતા પ્રગટ થશે. શીખવશે ત્યારે પણ તે વિદ્યાર્થીની વિચાર અને વિવેકશક્તિને ખીલવવાનું જ નજર સામે રાખશે. માહિતી આપ્યાથી તેને સંતોષ નહિ થાય – પણ માહિતી આપતી વખતે વિદ્યાર્થીની જિજ્ઞાસા, ચિકિત્સાવૃત્તિ, તાટસ્થ્ય, સત્ય તરફનો અહોભાવ, કેટલાં જાગ્યાં, તે મેળવવા માટે વિદ્યાર્થીની ચિત્તવૃત્તિ કેટલી તૈયાર થઈ, તે લક્ષ્ય રાખશે.

આવો શિક્ષક વિદ્યાર્થીને માણસે માણસની જોડે સદ્ભાવપૂર્વક, ધીરજપૂર્વક વર્તવાના રોજ સંસ્કાર પાડશે. જ્ઞાન, વિજ્ઞાનના તપઃપૂત ઓજ તરફ વાળશે, એટલે પહેલા પ્રકારના ધ્યેયનિષ્ઠ શિક્ષક કરતાં આ બીજો, ધ્યેયમાં રત ન હોય પણ સાધન વિષે જાગ્રત ને માંડવાળ ન કરનારો શિક્ષક, વિદ્યાર્થીને વધારે સારી રીતે ધ્યેયે પહોંચાડશે.

આમ કેમ બને છે?

કારણ કે સાધ્ય કરતાં સાધન જ વધારે મહત્ત્વનું છે. સાધ્ય તો મુકામ છે, સાધન તાલીમ છે. સંસ્કાર આપનાર વસ્તુ સાધન છે.

એટલે જ ધ્યેય વિષે સ્પષ્ટ હોય તો વધારે સાચો શિક્ષક બની શકે છે. આનો અર્થ એ નથી કે ધ્યેય વિષે બેપરવાહી રાખવી. બહુ અંશે ધ્યેયને અનુકૂળ માર્ગ મનુષ્ય સ્વભાવ પસંદ કરતો હોય છે. સાધનની આવશ્યકતા ને યોગ્યાયોગ્યતાનો ગજ ધ્યેય પાસેથી મળે છે.

પણ ધ્યેય જોઈ શકતો ન હોય તે શિક્ષક પણ જો નિર્મળ સાધનોને વળગી રહે તો સોય પાછળ દોરો આવે તેમ ધ્યેયે પહોંચી જાય.

ધર્મનું પૂરું રહસ્ય ન જાણનાર માણસ પણ જો શ્રદ્ધાપૂર્વક નીતિના નિયમોનું પાલન કરે તો ધર્મનું રહસ્ય તેની પાસે આપોઆપ પ્રગટ થાય, એવો ભક્તોનો અનુભવ છે.

માત્ર શિક્ષકને જ નહિ પણ રાજકીય, સામાજિક, વૈજ્ઞાનિક અન્ય ક્ષેત્રમાં કામ કરનાર સૌને આ વાત સરખી જ લાગુ પડે છે. સાચા સાધનની પસંદગીમાં સાચું ધ્યેય આપોઆપ પસંદ થઈ જાય છે.

કારણ કે વ્યક્તિ કે રાષ્ટ્રનું સંસ્કાર ઘડતર કરે છે તેના રોજિંદા વ્યવહા૨નો કાર્યક્રમ. એટલે જ બાપુએ કહેલું કે, મારે એક ડગલું બસ થાય.

સ્વામી વિવેકાનંદે એક સુંદર આખ્યાયિકા કહી છે. એક માલિકના બે નોકરો. આ બંનેને બગીચો ભળાવેલો. એક નોકર આખો વખત બગીચાને નીંદવા, ગોડવા, ખાતર આપવા, પાણી પાવામાં મશગૂલ રહે. બીજો શેઠના સ્વરૂપની, શાણપણાની વાતો કર્યા કરે. એક દિવસ શેઠ આવવાના હતા. બીજા નોકરે તેના માટે હાર તોરા બનાવ્યા, તેલફૂલો લાવ્યો ને દરવાજે જઈને ઊભો રહ્યો. પહેલો નોકર નીંદવા ગોડવામાં જ મચેલો. શેઠનાં ઝાડ સાચવવામાં જ પડેલો. શેઠ આવ્યા, એકે સ્વાગત કર્યું, પણ બીજો ક્યાં? કેમ હાજર નથી? શેઠે જ્યારે જોયું કે તે તો બગીચાના છોડ સાચવવામાં જ તલ્લીન છે, ત્યારે તે જાતે તેની પાસે જઈને ઊભા રહ્યા. સ્વામી વિવેકાનંદે આ આખ્યાયિકા ભગવાનના આખરી સ્વરૂપ વિષે ચિંતા છોડી ભગવાને સર્જેલ આ જગતને સાચવવા, સંવર્ધવામાં લાગી જવા માટે કરી હતી ને તેમ કરનાર પાસે ઈશ્વર આવશે તેવું આશ્વાસન આપ્યું હતું. આ વાત ઊંચા ધ્યેય વિષે ભલે અનાગ્રહી પણ સાચી પદ્ધતિ વિષે આગ્રહી શિક્ષકને પણ કરી શકાય.

અલબત્ત આ માટે શિક્ષકની પાસે ધ્યેય ભલે સ્પષ્ટ ન હોય, પણ કેટલાંક મૂલ્યો તો સ્પષ્ટ જોઈશે જ. એક માણસ બીજા માણસને સાધન તરીકે ન જ વાપરી શકે, કે સત્ય હકીકત જ આપણને માર્ગ બતાવી શકે કે આવું સત્ય સહિષ્ણુ, નિરાગ્રહી છતાં એકાગ્ર તપથી મળે. આ મૂલ્યોમાં તો તેને શ્રદ્ધા હોવી જ જોઈશે. આ મૂલ્યો હશે તો જ તે સાચી પદ્ધતિને ઓળખીને વળગી રહેશે.

(‘સર્વોદય અને શિક્ષણ’માંથી સાભાર ગૃહીત)

Total Views: 204

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.