દક્ષિણેશ્વર – પ્રવેશ

(શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના ગુરુભાઈઓને લખ્યું હતું, “હમણાં જ મેં અક્ષયનું પુસ્તક વાંચ્યું, તેને મારા તરફથી પ્રેમપૂર્વકના લાખો આલિંગનો આપજો. તેની કલમ દ્વારા શ્રીરામકૃષ્ણ પોતાને વ્યક્ત કરે છે.” આ ગ્રંથનું રૂપાંતર બ્રહ્મલીન સ્વામી ચૈતન્યાનંદજીએ કર્યું હતું, જે હજુ અપ્રકાશિત છે. તેના થોડા અંશો ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના વાચકો માટે રજૂ કરીએ છીએ.)

મનુષ્યો ન જાણે તેને નર બુદ્ધિ વડે;

દેખી કાર્યો તેનાં લોકો આશ્ચર્યમાં પડે.

અંદર અનંત શક્તિ શક્તિના આધાર;

બહારે ધાર્યો વેશ દીન બ્રાહ્મણ – આકાર

સત – બુદ્ધિ યુક્ત, હરિ લુબ્ધ નેત્રવાન;

સ્પષ્ટ દેખે ખેલ, તથા રસનું તોફાન

સંતુષ્ટ થઈને રાણી બોલી ભક્તિ ભાવે;

રાધાકૃષ્ણ – સેવામાં હવેથી પ્રભુ આવે.

ઠરાવ્યું માસિક સાત રૂપિયા વેતન;

પ્રસાદીનો થાળ તથા અન્ન ને વેસન.

‘છોટા ભટ્ટાચાર્ય’ કરી પદવી અર્પણ;

નિવાસની જગા એક કરી સમર્પણ.

મોટાભાઈ ‘બડા ભટ્ટાચાર્ય’ મહાશય;

પૂજામાં સહાયકારી ભાણેજ હૃદય.

અન્ય દેવાલયો ગંગાતીરે ભલે હોય;

તુલનામાં આ મંદિર સમ કોઈ ન્હોય.

મંદિર જોવાને આવે બહુ લોક જન;

ધની, ગુણી, પદધારી, દુ:ખી અગણન.

કાલીમાને રાધાકૃષ્ણ પાસે ધનવાન;

ધન મૂકી ભક્તિભાવે નમતા સમાન.

મંદિરની રીત એવી દેવનાં ચરણે;

પડે જે પ્રણામી રૂપે પુજારીનું ગણે-

પ્રભુદેવ પૈસા ટકા રાખે નવ હાથે;

વ્હેંચી આપે ગરીબોમાં બધું પ્રીતિ સાથે.

અનાસક્ત, ત્યાગી તથા દયામય પણ;

પડે જે પ્રણામી કરે સર્વ વિતરણ.

છ માસ શ્રી રાધાકાન્ત કેરી પૂજા કરી;

પછી કાલીમાતાજીની સેવા હાથે ધરી.

પ્રભુની અપાર કથા, નહિ છોટી મોટી;

કોટી મુખે રટતાંય રહે કોટી કોટી.

પ્રભુ જ્યારે માતાજીની પૂજા શરૂ કરે;

દાંડી પડે તપાવેલાં નગારા ઊપરે.

કાલી પર પ્રીતિ અતિ કાલી પ્રાણ મન;

જપ,તપ, મંત્ર, તંત્ર, ધ્યાન, જ્ઞાન, ધન

૨ચે પ્રભુ માતાજીનો વેશ મનોહ૨;

દેખતાં જ ખેંચે દેખનારનું અંતર.

નિત્ય નવો વેશ માં નો ઉપમા શી દેવી;

દેવી મૂર્તિ લાગે જાણે જીવતી છે એવી.

વિવિધ કુસુમો – બિલ્વ શ્રી ચરણે સોહે;

મનોહર શ્યામારૂપ દેખી મન મોહે.

જાગે દિવ્યભાવ મન પાંખડી મોઝારે;

નિહાળે નયને દેવીને જો એક વારે.

ફેલી ગઈ વાત બધે એવી કાનોકાન;

આવી દેવી મૂર્તિ નહિ બીજે કોઈ સ્થાન.

ટોળાબંધ આવે લોકો ચારે દિશામાંથી;

ખેંચાઈને કાલી મૂર્તિ કેરી જ શોભાથી.

અતિથિ સવાની પ્રથા મંદિર – કોઠારે;

અગણિત સાધુ સંતો આવે દેવદ્વારે.

મૂર્તિ દેખી એક સ્વરે બોલે સર્વજન;

કર્યાં નથી ક્યાંય આવાં દેવીનાં દર્શન.

નવાઈથી કરે સહુ આશ્ચર્ય ને સ્વરે;

કોણ જાણે શું છે શ્યામા પ્રતિમા ભીતરે.

વાયુનો સુસાટો જેમ જાય મહાવેગે;

પ્રસરે દેવીની વાત પ્રબળ આવેગે;

પરસ્પર સાધુ મુખે ફેલાઈ તે દૂર;

અતિથિ ફકીર બાવા આવે ભરપૂર.

અલ્લા, મલ્લા, વીર, પીર ગમે તેને માને;

દક્ષિણ, શહેરે આવે વાત સુણી કાને.

ગૂઢ છે પ્રભુની વાત, લાગે તો નમાલી;

પ્રચારિયું નિજ સ્થાન શણગારી કાલી.

પોતાને રાખીયા ગુપ્ત પુજારીને વેશે;

નવ દીધા ઓળખાવા કોઈને વિશેષે

ગૂઢથીયે અતિગૂઢ પ્રભુ કેરાં કર્મ;

માયા અંધ નર, સમજે શું તેનો મર્મ.

મનુષ્ય તો ઠીક પણ દેવોથીયે ગુપ્ત;

તેની કૃપાથી ન થાય આંખો યતિ મુક્ત.

માયાનું પડળ ખસે નહિં જ્યાંહાં સુધી;

લીલા દ૨શન થાય નહિં ત્યાંહાં સુધી.

શ્રી હરિ પોતે જ અહિ તરતનુ ધારી;

બિરાજે મંદિર મહી થઈને પુજારી.

જ્યારે જ્યાંહાં થાય પ્રભુ – પ્રાગટ્યનું સ્થાન;

દિવ્યભાવ રહે ત્યાંહાં સદા વિદ્યમાન

મંદિરે આવીને લોકો એવા રાજી થાય;

કોણ પોતે, આવ્યા ક્યાં, એ બધું ભૂલી જાય.

દિવ્યભાવ એવો ઊઠે માનવીને મન;

પ્રસાદ લીએ ને થાય પુલકિત તન

બ્રાહ્મણોય ભૂલે ત્યાંહા જાતિનો વિચાર!

સુણો રામકૃષ્ણ – કથા અમૃત ભંડાર.

ભક્ત વત્સલ પ્રભુ ભક્તગત પ્રાણ;

નહિં બીજું પ્રિય તેને ભક્તની સમાન

હતો ભક્ત રાસમણિ અંતરે વિષાદ;

ઉચ્ચવર્ણ તુચ્છકારે દેવનો પ્રસાદ.

એ વિષાદ એકદમ કરી દીધો દૂર;

વાડીમાં પધારી પ્રભુ દયાળે ઠાકુર.

પ્રસાદ આરોગે પોતે કરુણા નિધાન;

આરોગાવે અભ્યાગત સર્વને સમાન.

કડક આચારી સુદ્ધાં દ્વિધાનવ લાવે;

પ્રસાદ લઈને ખાય અતિ ભક્તિભાવે.

કાલી ભક્ત રાસમણિ ભરી ભક્તિ અંગે;

નિરુપમા વિભૂષિતા કરી દરશન.

કેવો જે આનંદ, તેનું નહિ વરણન;

વેશકારી પ્રભુ, વેશ તેમનો રચિત.

દેખતાં જ થાય મુગ્ધ હૃદય ખચિત;

ઉપજે રાણીને ખૂબ ભક્તિ પ્રભુપરે.

કાલીમાને વિભૂષિતા નિહાળી અંતરે;

સમજી ને પ્રભુની સેવાથી અનુરાગી.

પાષાણ મૂર્તિમાં દેવી ઊઠ્યા છે જાગી;

દિન દિન ભક્તિ, પ્રીતિ, અતિ વૃદ્ધિ પામે;

સેવામાં મગ્ન જેમ જૂએ પ્રભુ સામે;

ઈશ્વર પ્રસંગ કદી ઊઠે બંને માંય;

બોલે પ્રભુ, સુણી ભક્ત રાણી રાજી થાય;

ક્યારેક ક્યારેક મીઠું શ્યામા ગુણગાન.

સુણીને શીતળ થાય રાણી તણા કાન.

શ્યામા શ્યામા ગુણગાન પ્રભુને વદને.

જાણે શા મીઠાં તે સુણ્યાં કાને જેહ જને.

સુરિલો મધુર કંઠ વર્ણવ્યો ન જાય,

મો૨ વીણા વેણુ જાણે એકઠાં ત્યાં થાય.

દિવ્યભાવ અને દર્દ ભરેલા એ ૨વે;

સુણતાં પાષાણ સમું હૈયું પણ દ્રવે.

કેવી આત્મા, શોભા ફુલ્લ વદન કમલે;

જનમ પાખંડી જેહ તેમ દેખી ભૂલે.

રાણીને ગીત નશો અતિશય ચડે;

રોજ એક વાર તો સાંભળવું જ પડે.

ત્રુટી ન જરાય પૂજાવિધિની અંદર;

પૂજામાં પ્રભુના જાય પ્રહર પ્રહર.

ડૂબી જતાં તેમાં સોળ આના દઈ મન;

વીસરી જઈને સાવ પોતાનું ય તન

કોણ શું કરે, કે કયહાં, કોણ આવે જાય;

સુણે ન, દેખે ન, મગ્ન એવા પૂજામાંય.

મધુ લુબ્ધ ભ્રમર જે રીતે ફુલ્લ ફુલે;

બેસી મધુ ભીનાં મત્ત થઈ સર્વ ભૂલે,

ઉલટ પાલટ થાય પાંખડી ઉપર;

પોતાના શરીર કેરી ભૂલીને ખબર

ચૂસ લઈ મધુ ચૂસે, મસ્ત નશામાંય;

એવી રીતે મગ્ન પ્રભુ દેવી પૂજામાંય.

આ તો ઘો૨ કળિકાળ સહુ કોઈ જન;

ભજે પૂજે એકમાત્ર કામિની કાંચન.

દેવી દેવ પૂજા સેવા આદિ આરાધના;

જપ તપ ક્રિયા કર્મ ભજન સાધના.

એકદમ લુપ્ત થયા પૃથ્વી આખીમાંહિ;

રહ્યું છે તે ઢોંગ વિના બીજું કાંઈ નહિં.

એથી પ્રભુ દયામય દયાના સાગર;

અવતર્યા ધરા ધામે ધારી કલેવર

જીવોને દેવાને જ્ઞાન માં ને કરગર્યાં;

સાધના ભજન પૂજા પોતે જ આચર્યાં;

પ્રભુની પૂજાની કથા અમૃતભારતી;

કરે કેવી, સુણો શ્યામા તણી એ આરિત,

સુવિદિત, રાસમણિ તણે દેવાલયે;

પૂજા યોગ્ય વાદ્યો વાગે આરતિ – સમયે

ખોલ કરતાલ વાગે શ્રીકૃષ્ણ – આંગણે;

દુંદુભે નોબતો બબે ઉત્તર-દક્ષિણે.

ડમડમે નગારાં ઝાલરો ઝાંઝ વાગે;

‘જય જય’ નાદ ઊઠી આકાશને લાગે.

મંદિરે અંદર પ્રભુદેવ ભગવાન;

તેજસ્વી તપસ્વી સમા તેજે દીપ્તિમાન

ઘરે ઘરે રાત દીપ્ત દીવી એક કરે;

ગુરુભાર ઘંટા પ્રભુ ધરીને અપરે.

શોભાવી શ્રીમંદિ૨ને કરતા આરતિ;

દેખો મન ત્યારે કેવી પ્રભુની મૂરતિ.

ભક્તો તણાં મન લોભા શોભા અનુપમ.

ઉપમાથી કહેવાનું બળ નથી મમ.

થાકી જાય હાથ કાયા વાદ્યકારો તણા;

વાદ્યોને વગાડવામાં રાખે નહિં મણા.

શબ્દ જાય, સર્વ સ્તબ્ધ ધામે ભીંજે કાય;

આરતિ પ્રભુની તો યે પૂરી નવ થાય

ઘોર ઘણ્ણ ઘણ્ણ શબ્દે ઘંટા મોટી વાગે;

છટા દીવી કેરી હાથ જમણામાં લાગે.

અવિરામ થતું રહે જ્યોતિનું ધૂંચળું

પ્રભુ, જાણે સંજ્ઞાહીન યમનું પૂતળું.

રકિતમ વરણ મુખ મંડળે ફેલાય

પાગલની પેઠે ‘માં’, ‘માં’ બોલ્યે જાય.

અવશેષ પડી જાય ધરણી ઉપરે;

દેખીને અપર જનો જઈ તેને ઘરે.

બહાર લાવે પ્રભુને ટાંગા ટોળી કરી;

નેત્રોમાંથી વારિ વહે છાતીની ઉપરી

નહિ ભાન, મુખે માત્ર ‘મા’ ‘માં’ બોલાય

એવી જ અવસ્થામાંહિ રાત આખી જાય.

એવો જ પ્રકાર પાછો અ૫૨ – દીનેય;

ખવરાવે હાથથી હૃદય ભાગીનેય.

એવી રીતે થાય રોજ આરતિને કાળે

સમજે ન લોકો, રોગ ઉન્માદ નો ભાળે

ભક્ત ભાવે અવતાર પ્રભુ ભગવાન

દેવા અંધ જીવો માટે ભક્તિનું વિધાન

ભક્ત ભાવવાળા ભગવાન કેરી કથા;

બદ્ધ જીવભાવ થકી જુદી જ વારતા

ભગવાન એક, અને જીવો અગણન;

જીવભાવે જીવભાવ તણું જ મિલન.

ભક્તભાવ જીવભાવ મેળ ન પકડે.

તેથી પ્રભુ ગાંડા, એમ જીવો બડબડે

તેને ગામ ફેલાઈ બધેય એવી વાત;

થયો છે ગદાઈને ઉન્માદનો ઉત્પાત

ઉન્માદ તે શેનો, મન, કહું હકીકત;

એની તો અંદર રહી જબરી ગમત.

વિવાહની ઈચ્છા હતી ખૂબ મોટી તેને;

ઉન્માદી ગાંડાને લોક કન્યા દીએ શેને?

પ્રભુને પરણવાની ઈચ્છા અતિશય;

પણ માનવીઓ કરે એ પ્રમાણે ન્હોય.

બાલક સ્વભાવ પ્રભુ બાલક વ્યવહાર;

વધેલો કેવળ માત્ર દેહનો આકાર.

Total Views: 135

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.