શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં વાર્ષિકોત્સવ ઉજવાયો

તા ૫ થી ૭ મે દરમિયાન શ્રીરામકૃષ્ણ આશ્રમના વાર્ષિકોત્સવની ઉજવણીના ભાગરૂપે રાજકોટમાં વિભિન્ન કાર્યક્રમો યોજાયા હતા.

તા. ૫મી મેના રોજ સવારના ૮.૩૦થી બપોરના ૧૨.૩૦ સુધી યોજાયેલ યુવ-શિબિરનું ઉદ્ઘાટન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી જયેશભાઈ દેસાઈએ કર્યું હતું, જેમાં લગભગ ૪૫૦ યુવા-ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. આશ્રમની યુવા વર્ગ માટેની પ્રવૃત્તિઓને બિરદાવતાં તેમણે કહ્યું હતું કે આવી શિબિરો દ્વારા આજના શિક્ષણમાં ખૂટતી કડીઓ મળે છે અને આપણા જીવનમાં પ્રાણવાયુ પુરાય છે. સુપ્રસિદ્ધ ચિંતક શ્રી શશિકાંતભાઈ મહેતાએ પોતાની આગવી શૈલીમાં યુવાનોને પ્રતિજ્ઞા લેવાનો અનુરોધ કર્યો હતો, ‘‘જ્યાં ત્યાં જવું નહિ, જે તે ખાવું નહિ, જે તે જોવું નહિ.” આશ્રમના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીએ શિબિરના પ્રારંભમાં પોતાના સ્વાગત પ્રવચનમાં યાદ દેવડાવ્યું હતું કે એક સુંદર સંયોગ છે કે આદિ શંકરાચાર્ય જયંતીને દિવસે જ આ યુવ-સંમેલન યોજાઈ રહ્યું છે. આદિ શંકરાચાર્ય રચિતચિદાનંદ રૂપ: શિવોઽહમ્’ સ્તોત્ર તેમણે ગાયું ત્યારે અદ્ભુત ભાવવાહી વાતાવરણ સર્જાઈ ગયું હતું. રામકૃષ્ણ મિશન હૉમ ઑફ સર્વિસની ઈસ્પિતાલમાં વરિષ્ઠ ડૉક્ટરરૂપે સેવા બજાવતા સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ આ વાર્ષિકોત્સવ માટે વિશેષ અતિથિ રૂપે આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમણે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે એકાગ્રતા અને ધ્યાન એ ચારિત્ર્ય ઘડતરની ગુરુચાવી છે. પોપટની વાર્તા રમૂજપૂર્વક કહીને તેમણે જણાવ્યું હતું કે પોપટ ગોખે છે કે પક્ષી પકડવાવાળો લાકડી લઈને આવે અને દાણા ખાવા માટે લાકડી પર બેસતી વખતે લાકડી ઊંધી થઈ જાય ત્યારે તરત લાકડી છોડી દેવી અને ઊડી જવું, પણ તે વાત કહેતી વખતે લાકડીને પકડી જ રાખે છે અને ફસાઈ જાય છે, આવી જ રીતે આપણે ગોખણવિદ્યાનું શિક્ષણ લઈ રહ્યા છીએ, પણ જીવનવ્યવહારમાં તેનો અમલ કરતા નથી, આ જ આપણા સમાજની સમસ્યાઓનું મૂળ કારણ છે.

પ્રશ્નોત્તરીના સત્ર દરમિયાન સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજે યુવા ભાઈ-બહેનોએ પૂછેલા અનેક પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. યુવા પ્રતિનિધિઓએ પોતાના પ્રતિભાવો આપતાં કહ્યું હતું કે આજના ટી. વી.ના યુગમાં, પાશ્ચાત્ય સંસ્કૃતિના આક્રમણથી યુવા વર્ગને બચાવવા આવી શિબિરોનું આયોજન અવારનવાર થવું જોઈએ. કાર્યક્રમના અંતે સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આભાર-દર્શન કર્યું હતું અને યુવા ભાઈઓને દર રવિવારે સાંજે ૫ વાગે યુથ સ્ટડી સર્કલમાં જોડાવા આમંત્રણ આવ્યું હતું. શિબિરમાં ભેટરૂપે અપાયેલ સ્વામી વિવેકાનંદજીના પુસ્તકને વાંચવાનો તેમણે વિશેષ અનુરોધ કર્યો હતો.

૬ મેના રોજ સવારના ૮-૩૦થી બપોરના ૧૨-૩૦ સુધી મૅનૅજમૅન્ટ વિશે એક સેમિનાર યોજાયો હતો જેમાં ૩૧૭ અગ્રણી ઉદ્યોગપતિઓ, ડૉક્ટરો અને શિક્ષક ભાઈ-બહેનોએ રસપૂર્વક ભાગ લીધો હતો. સુપ્રસિદ્ધ મૅનૅજમૅન્ટ કન્સલ્ટન્ટ, એમ.એમ.સી. સ્કૂલ ઑફ મૅનૅજમૅન્ટ, મુંબઈના ડાયરેક્ટર શ્રી એન. એચ. અત્રેય પ્રમુખ વક્તા હતા. તેમણે પોતાની આગવી શૈલીમાં ભા૨પૂર્વક જણાવ્યું હતું કે, ભારતીય શીલાચાર અને વેદાંત પર આધારિત મૅનૅજમૅન્ટની આજે તાતી આવશ્યકતા છે. કેટલીક સંસ્થાઓ આ સિદ્ધાંતો પ્રમાણે અનુસરીને લાભાન્વિત થઈ રહી છે તેનાં સચોટ દૃષ્ટાંતો તેમણે આપ્યાં ત્યારે શ્રોતાઓ અવાક્ બની ગયા હતા. સ્વામી જિતાત્માનંદજીએ મૅનૅજમૅન્ટના ક્ષેત્રે કેવા ફેરફાર થઈ રહ્યા છે, અને આધ્યાત્મિક મૂલ્યોની મહત્તા આ ક્ષેત્રમાં કેટલી વર્તાઈ રહી છે, તેની વાત કરી હતી. સ્વામી બ્રહ્મેશાનંદજીએ સેવાની ભાવના દ્વારા સંસ્થાઓનું સંચાલન તેમ જ સ્વ-વિકાસ કેવી રીતે સુગમ બને છે તે દૃષ્ટાંતો દ્વારા સમજાવ્યું હતું. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ટ્રસ્ટીશીપ મૅનૅજમૅન્ટ અને મનનું મૅનૅજમૅન્ટ, સામૂહિક તેમ જ વ્યક્તિગત ઉત્પાદક્તા વધારવામાં કેવી રીતે મદદરૂપ થાય છે, તે ઉદાહરણો ટાંકીને સમજાવ્યું હતું.

૭મી મેના રોજ સવારના ૮-૩૦થી બપોરના ૧૨-૩૦ સુધી યોજાયેલ આધ્યાત્મિક શિબિરમાં ૩૫૦ ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. ધ્યાન, ભજન, પ્રાર્થના પછી સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજેભગવત-સાંનિધ્યની સાધના’ વિશે મનનીય પ્રવચન આપ્યું હતું અને પછી ભક્તોના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા.

, ૬ અને ૭ મેના રોજ દ૨રોજ સાંજે ૭-૩૦થી ૯ સુધી જાહેર સભાઓ યોજાઈ હતી. ૫ મેના રોજએકવીસમી સદીના પથપ્રદર્શક સ્વામી વિવેકાનંદ’ એ વિશે શ્રી એન. એચ. અત્રેય દ્વારા અત્યંત રસપ્રદ શૈલીમાં વિદ્વત્તાપૂર્ણ પ્રવચન થયું હતું. ૬ મેના રોજઆધુનિક વિશ્વમાં નારી જાગરણના સ્રોત: શ્રીમા શારદાદેવી’ વિશે બોલતાં શ્રી જ્યોતિબહેન દવેએ શ્રીમા શારદાદેવીના જીવનના વિભિન્ન પાસાંઓ સુંદર રીતે શ્રોતાઓ સમક્ષ રજૂ કર્યાં હતાં. ૭ મેના રોજનો વિષય હતો:આજની વૈશ્વિક સંસ્કૃતિના પુરસ્કર્તા શ્રી રામકૃષ્ણદેવ’. ત્રણે દિવસની જાહેરસભાના પ્રમુખ વક્તા હતા સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ. અનેક ભાવિકજનોએ આ જાહેર સભાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

શ્રીરામકૃષ્ણ મિશન લીંબડીમાં યોજાયેલો નેત્ર ચિકિત્સા કૅમ્પ

શ્રીરામકૃષ્ણ મિશન લીંબડીમાં ૨૬મી માર્ચે નેત્રરોગના દર્દીઓ માટે નેત્ર ચિકિત્સા કૅમ્પનું આયોજન થયું હતું. કુલ ૪૧૭ દર્દીઓને ચકાસવામાં આવ્યાં હતાં. ચશ્મા અને આવશ્યક દવાઓ વિના મૂલ્યે આપવામાં આવ્યાં હતાં .

શ્રીરામકૃષ્ણ આશ્રમ-રાજકોટ દ્વારા આયોજિત સર્વરોગ નિદાન સેવા યજ્ઞ અને વિશેષ નેત્ર યજ્ઞ

૧૨મી માર્ચે કસ્તુરબાધામ (ત્રંબા) ખાતે શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા સર્વ રોગ નિદાન સેવા યજ્ઞ અને વિશેષ નેત્રયજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેમાં આજુબાજુના પછાત-ગ્રામ્ય વિસ્તા૨ના ૧૫ ગામડાઓમાંથી કુલ ૬૭૪ દર્દીઓને સૌરાષ્ટ્રના નામાંકિત નિષ્ણાત ડૉક્ટરો દ્વારા તપાસવામાં આવ્યા હતાં. મુખ્યત્વે આંખના રોગોના ૩૪૮ દર્દીઓને તપાસી સ્થળ ઉપર ચશ્મા અને દવાઓનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. મોતિયા તેમ જ અન્ય રોગોના ઑપરેશન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. ઈન્ડિયન ઑઈલ કોર્પોરેશન દ્વારા દાન સ્વરૂપે પ્રાપ્ત થયેલ નવી બસનો શુભ આરંભ કરવામાં આવ્યો હતો.

આ સેવા યજ્ઞ આયોજનમાં જિનેન્દ્ર ફાઉન્ડેશન (યુ.કે.), જૈન સમાજ માન્ચેસ્ટર (યુ.કે.) તથા બ્લાઈન્ડ ફાઉન્ડેશન ફૉર ઈન્ડીયા (યુ.એસ.એ.)નો બહુ મૂલ્ય સહયોગ મળ્યો હતો. આ પ્રસંગે જિનેન્દ્ર ફાઉન્ડેશનના શ્રી કિશોરભાઈ શાહનું બહુમાન કરવામાં આવ્યું હતું અને જિનેન્દ્ર ફાઉન્ડેશન તરફથી દાન સ્વરૂપે પ્રાપ્ત થયેલીમોબાઈલ વાન’નો શુભ આરંભ કરવામાં આવ્યો હતો.

લાયન્સ કલબ (રેઈસ કોર્ષ), રાજકોટના સૌજન્યથી આ નેત્ર યજ્ઞમાં આંખના દર્દીઓને ચશ્મા અને દવાઓનું વિના મૂલ્યે વિતરણ ક૨વામાં આવ્યું હતું.

વિવેકાનંદ કૉલેજ, મદ્રાસનું ઉજ્જ્વળ પરીક્ષાફળ

મદ્રાસ યુનિવર્સિટી દ્વારા માર્ચ અને એપ્રિલ ’૯૪માં લેવાયેલ પરીક્ષામાં રામકૃષ્ણ મિશન દ્વારા સંચાલિત વિવેકાનંદ કૉલેજ, મદ્રાસના વિદ્યાર્થીઓએ મેરિટલીસ્ટમાં નીચે પ્રમાણેના સ્થાનો મેળવ્યા છે:

બી. એ. (સંસ્કૃત) – ૨, , ૪ અને ૫

બી. એ. (દર્શનશાસ્ત્ર) – ૨ અને ૩

એમ. એ. (સંસ્કૃત)- ૧ અને ૨

એમ. એ. (દર્શનશાસ્ત્ર) – ૧,૨ અને ૩

એમ. એસસી. (બૉટેની) – ૯

Total Views: 88

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.