(શ્રીરામકૃષ્ણ મિશન, ચંડીગઢના સેક્રેટરી સ્વામી પીતાંબરાનંદજીની યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી)
પ્રશ્ન: તમે યુવાનીની વ્યાખ્યા શું કરો છો?
ઉત્તરઃ બાળકો વિચારી શકતાં નથી અને વૃદ્ધોએ કાર્ય ક૨વાની શક્તિ ગુમાવી છે. તેથી બન્નેના સંદર્ભમાં કહીએ તો યુવાની જીવનનો એવો તબક્કો છે જ્યારે આપણે વિચારી શકીએ છીએ અને તે પ્રમાણે વર્તી પણ શકીએ છીએ.
પ્રશ્ન: તે બધા યુવાન લોકો માટે સાચું છે?
ઉત્તરઃ સંભાવનાની દૃષ્ટિએ, હા. તેઓ વિચારી શકે છે અને વિચાર પ્રમાણે કાર્ય કરી શકે છે.
પ્રશ્ન: તો તમે એવું કહેવા માગો છો કે વાસ્તવિક જીવનમાં તેનો અમલ નથી થતો?
ઉત્તરઃ મને લાગે છે કે હા. આપણે ભાગ્યે જ વિચારીએ છીએ અને જ્યારે વિચારીએ છીએ ત્યારે પણ આપણા વિચારો અને કાર્યો વચ્ચે તાલમેલ નથી હોતો. આપણે વિચાર કરતાં આવેગોથી વધુ દોરાઈએ છીએ. સ્વામી વિવેકાનંદે રમૂજમાં કહેલું, ‘જ્યારે માણસ ચાલે છે, ત્યારે તેનું પેટ આગળ ચાલે છે. માત્ર વૃદ્ધાવસ્થામાં, જ્યારે તે વાંકો વળી જાય છે, ત્યારે તેનું માથું આગળ ચાલે છે. પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.’
પ્રશ્ન: તેનો ઉપાય થઈ શકે?
ઉત્તરઃ હા, માત્ર થઈ શકે નહીં, પણ કરવો જ જોઈએ. (૧) દરેક યુવાન વ્યક્તિએ વિચારનું મહત્ત્વ જાણવું જોઈએ. (૨) આ વિચાર-સ્વામીજીના શબ્દોમાં – ‘આકાશ જેટલો વિશાળ અને મહાસાગર જેટલો ઊંડો’ હોવો જોઈએ અને આ વિચાર દ્વારા સમગ્ર માનવજાત માટે જે ખરેખર લાભદાયી પ્રાપ્ત થાય, તેનો સમગ્ર રીતે હૃદયપૂર્વક અમલ કરવો જોઈએ.
પ્રશ્ન: એ સાચું નથી કે ભલે આપણે વિચારીએ અને તેનો અમલ કરવા ઈચ્છીએ, પણ તેનો અમલ કરવા અશક્તિમાન છીએ?
ઉત્તરઃ ઘણી વાર તેવું બને છે, પણ તેનું કારણ આપણી યુવાની દરમ્યાન જે બે શક્તિઓ છે તેનો ઉપયોગ નથી કરતા તે છે. તે છે- સંવેદનની શક્તિ અને સંઘર્ષની શક્તિ.
પ્રશ્ન: પણ હમણાં જ તમે કહ્યું કે આપણે મોટે ભાગે આવેગોથી દોરાઈએ છીએ અને હવે તમે સંવેદનની શક્તિની વાત કરો છો?
ઉત્તરઃ હા, પણ તે બન્ને જુદાં છે. સંવેદન માત્ર આવેગથી જ જુદાં નથી, પણ કહેવાતી ‘લાગણી’થી પણ જુદાં છે. લાગણી મોટે ભાગે શારીરિક છે અને તે ‘ઉત્તેજના’ તરફ દોરે છે. જ્યારે સાચી સંવેદના તો શાંત હૃદયમાંથી પ્રગટે છે અને રચનાત્મક સ્થિર કાર્ય તરફ દોરે છે, એટલે એ આપણે આપણી વિચારશક્તિના નિર્ણયો ઊંડાણથી અનુભવીએ, અને તે પ્રમાણે વર્તીએ, તો આપણી સફળતાની તકો વધે છે.
પ્રશ્ન: સંઘર્ષની શક્તિ શું છે? અને શા માટે તમે ‘તકો’ની વાત કરો છો? તમે એમ કહેવા માગો છો કે ત્યાં પણ ખાતરી નથી?
ઉત્તરઃ આપણે બન્ને પ્રશ્નોના જવાબ સાથે લઈએ. સ્વામી વિવેકાનંદ કહે છે, ‘‘ચાર ઘોડાવાળી ગાડી બેકાબૂ રીતે ડુંગર નીચે ધસી જાય, અથવા ગાડીવાન ઘોડાઓને કાબૂમાં રાખે. બેમાંથી કઈ શક્તિનું પ્રદર્શન વધારે છે- ઘોડાને જવા દેવા કે તેમને કાબૂમાં રાખવા? સ્વાર્થી હેતુ માટે બહાર જતી બધી શક્તિ વેડફાઈ જાય છે, પણ તેને સંયમિત કરવામાં આવે તો તે શક્તિના વિકાસમાં પરિણમશે. આ આત્મસંયમ પ્રબળ ઈચ્છા શક્તિ કે ચારિત્ર્ય પ્રગટ ક૨શે જે વ્યક્તિને બુદ્ધ કે ઈશુ બનાવી શકે.”
તેથી જો આપણે આપણી યુવાનીમાં વિશાળ અને ઊંડું ચિંતન, શાંત હૃદયમાંથી પ્રગટ થતાં સંવેદનો, આ વિચાર તથા સંવેદનથી પ્રેરિત કાર્ય અને છેલ્લું, પણ અગત્યનું, આત્મસંયમ – આ ચાર શક્તિઓ કેળવીએ, તો શક્તિઓ વેડફાશે નહીં અને આપણે અવશ્ય સફળ થશું.
પ્રશ્ન: તમે કઈ સફળતાની વાત કરો છો?
ઉત્તરઃ સ્વામી વિવેકાનંદની વાણીમાં- “દરેક આત્મા સુષુપ્ત રીતે દિવ્ય છે, ધ્યેય તે આંતરિક દિવ્યતાને પ્રગટ કરવાનો હોવો જોઈએ.’’
પ્રશ્નઃ આપણે કાર્ય અને સંયમ બન્ને કેમ વ્યવહારમાં લાવી શકીએ?
ઉત્તરઃ આપણે આવેગયુક્ત કાર્યને સંયમિત કરવું જોઈએ તથા તર્કનિષ્ઠ કાર્ય કરવું જોઈએ.
પ્રશ્ન: એવું નથી લાગતું કે યુવાનીમાં પ્રબળ ઈચ્છા સ્વાતંત્ર્યની હોય છે? તેને શું આપણે અટકાવવી જોઈએ?
ઉત્તરઃ આપણે સાચું સ્વાતંત્ર્ય શું છે તેનું પૃથક્કરણ કરવું જોઈએ અને તેને સમજવું જોઈએ.
પ્રશ્ન: બ્રહ્મચર્ય શું છે?
ઉત્તરઃ બ્રહ્મચર્યના ત્રણ અર્થો, અથવા તો ત્રણ સ્તરે અર્થો છે. બ્રહ્મ અંતિમ સત્ય છે, જે સર્વ વ્યાપક અને અદ્વૈત છે. જ્યારે તેની અનુભૂતિ થાય છે, સાક્ષાત્કાર થાય છે, ત્યારે વ્યક્તિ બ્રહ્મમાં જ રહે છે, બ્રહ્મમાં જ વિચરે છે અને બ્રહ્મમાં જ તેનું અસ્તિત્વ સમાય છે. બ્રહ્મમયતા એ જ બ્રહ્મચર્યનો મૂળ અર્થ છે.
આ સર્વવ્યાપક – અંતિમ સત્યરૂપ બ્રહ્મમાં સ્થિત રહેવા માટે વ્યક્તિએ તાલીમ લેવી પડે છે. તે માટે તેવું જીવતા ગુરુ પાસે રહેવું પડે છે, તેની પાસે ઉચ્ચ જીવનનાં રહસ્યો શીખવાં પડે છે; બ્રહ્મનો સ્વભાવ પ્રગટ કરતાં શાસ્ત્રોનો અભ્યાસ ક૨વો પડે છે; શરી૨-ઈન્દ્રિયો-મન બુદ્ધિ અને હૃદયને સ્વસ્થ રાખવા જીવનને સંયમિત રાખવું; બ્રહ્મમાં સ્થિત રહેવા શક્તિમાન થવા નૈતિક મૂલ્યો પચાવવાં. આ તાલીમ બ્રહ્મચર્યનો બીજો અર્થ છે.
ત્રીજો અર્થ છે વાસના પર નિયંત્રણ.
પ્રશ્ન: આધ્યાત્મિક જીવનમાં તેનો શું ફાળો છે?
ઉત્તરઃ બ્રહ્મ અંતિમ સત્ય છે. સ્વપ્નનું વિશ્લેષણ કરતાં આપણને ખ્યાલ આવે છે કે આપણું મન જ વસ્તુઓનો અને સ્વપ્નના દ્રવ્યનો આકાર ધારણ કરે છે. તે જ રીતે સત્ય એક જ છે, પણ મનને કા૨ણે તે ભોક્તા અને ભોગ્ય એમ બેમાં વહેંચાતું દેખાય છે. જ્યાં સુધી આપણે આ ભોક્તા-ભોગ્ય એવા વિચાર- લાગણી -કાર્યમાં વ્યસ્ત રહીએ છીએ, ત્યાં સુધી બ્રહ્મનું દર્શન થતું નથી. આ વિભાજિતતા વિપરીત લિંગની શારીરિક-માનસિક સભાનતામાં તીવ્ર હોય છે, જે બ્રહ્મનાં દર્શનને ઢાંકી દે છે.
પ્રશ્ન: પરસ્પર જાતીયતાની સભાનતા હોવી શું સહજ નથી?
ઉત્તરઃ તે આજે સહજ દેખાય છે, અને તે માણસ-પ્રાણી બન્નેમાં સામાન્ય છે. પણ જેના પાસે વિચારશક્તિ છે અને વિવેકશક્તિ છે-તે જાણી શકે છે કે બ્રહ્મનો સ્વભાવ- સ્ત્રી કે પુરુષ જેના માત્ર આકાર છે-જાતીયતાથી પર છે અને દ્વૈતથી પર છે. જાતીયતા તે શરીર મનની ગ્રંથિનું સર્જન છે. જેવા આપણે આપણા મૂળ સ્વભાવના અદ્વૈતનું દર્શન કરીએ છીએ, આપણે બધા શારીરિક આવેગોથી ઉપર ઊઠીએ છીએ અને સાચી પૂર્ણતા તથા આનંદને મેળવીએ છીએ, ત્યારે આપણામાંથી વૈશ્વિક પ્રેમ વહેવા માંડે છે જે આસપાસ સર્વને ભરી દે છે.
પ્રશ્ન: પણ આજે શું કરી શકાય?
ઉત્તરઃ હમણાં જેની ચર્ચા કરી ગયા તેના પ્રત્યે યોગ્ય જાગૃતિ વડે જીવનનું આયોજન અને નિયંત્રણ કરવું જોઈએ.
અનુવાદક: શ્રી હરેશ ધોળકિયા
(‘પ્રબુદ્ધ ભારત’ ઑક્ટો-નવે.-‘૯૪માંથી)
Your Content Goes Here