(સ્વામી લોકશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચરના સૅક્રૅટરી છે.)

જો તમારા મનમાં દિવ્ય વિચારો હશે, તો તેને તમારો ચહેરો પ્રગટ કરશે; જો મનમાં નકામા-ખોટા વિચારો હશે, તો તે પણ ચહેરો પ્રગટ ક૨શે. તેથી જ ચહેરાને માણસના હૃદયનો અરીસો કહ્યો છે.

પણ તે હંમેશાં સાચું છે? માણસ પોતાની લાગણીઓ છૂપાવવા પ્રયત્ન કરે તો? બહારથી તે સ્મિત કરતો હોય, પણ અંદ૨થી ગુસ્સા તથા ધિક્કારથી પ્રજ્જ્વલિત હોઈ શકે. તે તમને ઠગવા સ્મિત કરતો હોય જેથી તેના દુષ્ટ વિચારો વિષે તમને શંકા ન જાય. ચતુર દ્રષ્ટા કદાચ તેને ગંભીર તરીકે નિહાળે, પણ નિર્દોષ વ્યક્તિ તો તેમાં ફસાઈ જ જવાની.

માનવીનો ચહેરો ઘણી વાર આપણા તેના સાથેનાં ભાવિના સંબંધો નક્કી કરવામાં ફાળો આપે છે. ‘પ્રથમ દૃષ્ટિએ પ્રેમ’ એ અતિશયોક્તિવાળું વિધાન નથી. આપણે વ્યક્તિને મળીએ છીએ અને તરત જ તે ગમવા લાગે છે. તેનો ચહેરો સૂચવે છે કે તે સારી વ્યક્તિ છે અને આપણે વિચારીએ છીએ કે તેનો ચહેરો સત્ય સૂચવે છે. સંભવ છે, પ્રથમ છાપ સાચી ન પણ હોય, પણ જ્યાં સુધી અન્ય ઘટના અભિપ્રાય બદલાવવા ફ૨જ ન પાડે, ત્યાં સુધી તે છાપને આધારે જ ચાલો છો.

પણ વ્યક્તિ હંમેશાં તેવી જ નથી હોતી. તેનામાં પરિવર્તન પણ આવે, અને તે સાથે તેનો ચહેરો પણ બદલે. માની લઈએ કે આપણી તેના વિષેની પ્રથમ છાપ ‘ખરાબ’ હતી કારણકે તેનો ચહેરો તે સૂચવતો હતો. પણ આપણે તેને મળીએ પછી તેનામાં પરિવર્તન શરૂ થયું હોય, અને આ પરિવર્તન આપણે ધારીએ તે કરતાં વધારે હોય; તે ત્યારે અસભ્ય દેખાતો હતો, પણ હવે તદ્દન સંસ્કૃત પણ હોય. આપણે તે પરિવર્તન જોઈ શકીએ. તેનો ચહેરો અસત્યમાંથી સંસ્કૃત અને તેમાંથી દિવ્ય થતો હોય. હિંદુ યોગીઓ ઈશ્વર સાથે અદ્વૈત ચાહે છે અને તે મેળવે છે. તે ક્ષણે તેઓ માનવ નથી રહેતા, દિવ્યતા પ્રાપ્ત કરે છે.

તેઓ માત્ર ચારિત્ર્યમાં જ દિવ્ય નથી થતા, પણ શરીરમાં પણ તે પ્રગટ થાય છે, ખાસ કરીને ચહેરામાં. યોગી સામે જોશે ત્યારે લોકો થંભી જશે અને વિચારશે, ‘આ કોણ છે, મનુષ્ય કે ઈશ્વર?’ તેનો ચહેરો આત્માના પ્રકાશથી ઝળહળી ઉઠશે. જો તેમને કોઈ દુષ્ટ વિચાર આવશે, તો યોગીના ચહેરા તરફ જોવાથી તે દૂર થઈ જશે. દુ:ખમાં હશે તો આશ્વાસન મળશે, ભયથી ગ્રસ્ત હશે તો હિંમત મળશે. યોગી કશું નહીં બોલે, તેની હાજરી માત્ર સામેની વ્યક્તિમાં શ્રેષ્ઠ વિચારો જન્માવશે.

માનવ શરીરમાં શ્રેષ્ઠ અભિવ્યક્તિવાળું અંગ ચહેરો છે. તે માનવીના જીવન તથા ચારિત્ર્યનું આલેખન છે. ચહેરાની દરેક રેખા પાછળ તેના સંઘર્ષની કથા છે, ક્યારેક સફળતાની, ક્યારેક નિષ્ફળતાની! જો તેનો ચહેરો દિવ્ય હોય તો તેનો અર્થ એ કે તેણે વર્ષો કઠોર સાધના કરી છે અને પોતામાંની કુરૂપતા અને પ્રાણીત્વ ૫૨ વિજય મેળવ્યો છે.

બુદ્ધનો ચહેરો તેના નિર્વાણનો સાક્ષી છે. તે તોફાન પછીની ગાઢ શાંતિને પ્રગટ કરે છે. બુદ્ધે અંદરના તોફાનને અતિક્રમ્યું અને અંતે સર્વ સમજની પાર એવું મૌન પ્રાપ્ત કર્યું. તેમણે પ્રથમ સ્વને જીત્યો અને પછી વિશ્વને જીત્યું. વિશ્વને આજે સ્વયંને જીતવા પ્રયત્ન કરતા લોકોની ખૂબ જરૂર છે.

માનવ ચહેરાએ દિવ્ય ચહેરામાં પરિવર્તિત થવું જ રહ્યું. તે ઈતિહાસનો સંદેશો છે, સાથે ઈતિહાસ સર્જક સ્ત્રી-પુરુષોનો પણ સંદેશો છે.

(‘બુલેટીન ઑફ ધ રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચર – નવેમ્બર ’૯૪ના અંકમાંથી)

અનુવાદ: હરેશ ધોળકિયા

Total Views: 54

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.