જ્યાં રે જોઉં ત્યાં નર જીવતા,

મરેલા ન મળે કોઈ,

પણ મરેલાને જો મરેલા મળે,

તે એને આવાગમન ન હોય.

મડદું પડ્યું મેદાનમાં, કોઈના કહ્યામાં ન આવે,

કામ ક્રોધ ને ઈરષા, ઈ તો ત્રણેને ખાઈ જાવે. જ્યાં રે.

મડદાનો ખેલ મેદાનમાં, એને કોઈ રતિભાર ચાખે,

એક રે અક્ષરનો અનુભવ કરી, એને રૂદિયામાં રાખે જ્યાં રે.

જીવતાને જોખમ ઘણાં, મરેલાને કોણ મારે?

જોખમ મટી ગ્યો એને જીવકો, ઈતો આવતા જમ પાછા વાળે – જ્યાં રે.

મન રે મારીને મેંદો કરે, ગાળીને કરે એનો ગોળો,

ભૂતનાથ ચરણે અખૈયો ભણે, જેણે લીધો સંતનો ઓળો.

જ્યાં રે જોઉં ત્યાં નર જીવતા.

આ દુનિયામાં મૃત્યુ જેવું કાંઈ પણ નિશ્ચિત ને નિર્ધારિત નથી. પણ આશ્ચર્યની વાત છે કે માણસને સહુથી વધુ ડર મૃત્યુનો લાગે છે. મૃત્યુનું નામ પડતાં માણસનાં હાજાં ગગડી જાય છે. અને દુનિયાના ડાહ્યા, રાત – દિવસ દોડધામમાં રચ્યાપચ્યા રહેતા આદમીને પણ મૃત્યુનો પંજો જોતાં સ્મશાન – વૈરાગ્ય આવી જાય છે. મૃત્યુનો કાળો ભયાનક પડછાયો એમના દીવાનખાનાની રંગીન રોશનીને ઝાંખી ઝપટ કરી નાખતો જાય છે. જિંદગીનો તૃષ્ણા – આસવ પીતાં પીતાં હાથમાં ટાઢી હિમ ખો૫રી રહી જાય છે. જીવ વલખાં મારતો રહે છે ને દયનીય પશુની જેમ માણસને પરાણે પ્રાણ છોડવા પડે છે.

પણ આ જ સ્થળે સંતો મેદાન મારી જાય છે. જિંદગીનો સ૨વાળો મોતને ટાણે મંડાતો હોય તો એમના નફાનો પાર નથી રહેતો. આખી જિંદગી તૂટીફૂટી ઝૂંપડીમાં ગાળનારો અને ‘તીને ટૂક લંગોટ કે અરુ ભાજી બિન લૌન’ -ની બાહ્ય દરિદ્રતામાં રહેનારો પોતાના આત્મવૈભવમાં ઈન્દ્રથી ચડી જાય છે. મોત બીજાને મારતું હશે. અહીં તો દાસનું દાસ થઈ, અલેક ધણીનું કહ્યાગરું તેડાગર બની હાથ જોડી બારણે ઊભું રહે છે. મૃત્યુનું આગમન એક મંગળ અવસર બની જાય છે. સ્વામી બ્રહ્માંનદે કહ્યું છે તેમ સંતો –

જીવિત જૂઠું રે, મરવું તે મંગળ જાણે.

જીવનના ઉપરચોટિયા રંગ જેણે જોઈ લીધા એને માટે મૃત્યુ મહાભય નથી. મંગળ ટાણું છે. કારણ કે જીવતાં જ એણે આશા – તૃષ્ણાનાં મૃગજળ જોઈ લીધાં હોય છે. મૃત્યુનો લાલ ડોળો જેના પર મંડાય છે એ મનના મીરને ગાદીએથી ઉઠાડી તેમણે પહેલેથી જ ત્યાં પ્રભુની બેઠક જમાવી દીધી હોય છે. મૃત્યુ કોને મારે? જોગી બાલાનાથ કહે છે:

મારવા તો મન મીર મારવા,

લૂંટવા પવન – ભંડાર.

જેને મન વશ, જેને પ્રાણ વશ એને મોત બિચારું શું કરે? હિન્દુ સંતોની જેમ સૂફી, ઈસાઈ સંતો પણ આવું મૃત્યુંજય ગાન સંભળાવે છે. એક ફાકામસ્ત મુસ્લિમ સાંઈ કહે છે:

મૌત, તુઝે ફકીરોં સે ક્યા લેના હૈ?

વે તો મરને કે પહલે મર ચૂકે હૈ.

અને પોતાને નામશેષ કરી નાખી એક પરમાત્માને જ એકીટશે નીરખ્યા કરવાની સૂફીની આ ઝંખના:

તુઝમેં ફના હૂં, ઔર તુઝીમેં ફના રહૂં,

આ જાય તૂ નઝર તો તુઝે દેખતા રહૂં.’

ઈસાઈ સંતોએ પણ જીવતાં જ પોતાની જાતનું નાહી નાખી ભગવાનમાં જીવતા રહેવાને જિંદગીનું ધ્યેય ગણ્યું છે. આવા ધ્યેયને પહોંચેલાને ખ્રિસ્તી મરમીઓ ‘નૉટેડ સૌલ’ – શૂન્ય થયેલો આત્મા, ‘ખાકસાર’ કહે છે. ઈસુએ કહ્યું છે:

‘જે પોતાની જિંદગી સાચવશે તે જિંદગી ખોશે, પણ મારે ખાતર જે જિંદગી ઓળઘોળ કરશે એને જિંદગી જડશે.’

આપણી એક સાખીમાં આ ફનાગીરીમાં રહેલો મબલખ ખજાનો અને મડદું બનવામાં ૨હેલી અમરતા આબેહૂબ આવી ગયેલ છે:

ઘર બાળે ઘર ઉગરે, ઘર રાખે ઘર જાય,

એક અચંબા એસા દેખા, મડા કાળકું ખાય.

એ જ આપ ન્યોચ્છાવરીનો માર્ગ અને ‘મડદાનો ખેલ મેદાનમાં’ની વીરહાક. આવી ઘરફૂંક મસ્તીથી જ સંતોએ આખી આલમ વસાવી છે. પોતે જીવતા મરી જઈને કાળનો કોળિયો કરી જતા આ સંતો પાસે જાણે અમૃતની કૂપી છે. અખૈયાના આ ભજનમાંથી આપણને એ જ અમૃતનો આસ્વાદ મળે છે. અખૈયો કહે છે:

‘જ્યાં જોઉં છું ત્યાં ‘હું હું’ કરી હાલી નીકળનારા મળે છે પણ ક્યાંય ભીતરના અહંકારને મારીને બેઠેલા જણ નથી મળતા. જો અહંભાવ નિતારીને સાચને સમજવા મથનાર આદમીને આવો મરીને જીવતો થયેલો માટી મળે તો એના ચોરાશીના ફેરા મિટાવી દે. જીવનમુક્ત કરી દે.

કોઈને કહેવા જઈએ તો ગાંડા ગણે કે માને જ નહીં. પણ જીવતે જીવ મડદું બનેલા જ જીવનના મેદાનમાં ખેલે છે. માણસને ગુલામ બનાવી નચાવતા કામ, ક્રોધ અને ઈર્ષ્યાનો તો એ કોળિયો કરી જાય છે.

આ મડદાં મસાણમાં નથી આળોટતાં કે વેરાનમાં હાડપિંજર બની નથી રઝળતાં. એ તો સંસારના ચોકમાં આ રમે. – હસતાં, ખેલતાં, ગાતાં. પોથા – પુરાણનો ભારો એમણે માથે ઉપાડ્યો નથી. પણ એક અ-ક્ષરને તેઓ પામી ગયા હોય છે, એક અવિનાશી તત્ત્વને તેમણે પિછાણ્યું છે ને એમના હૃદયમાં એની રટણા હરદમ ચાલ્યા કરે છે.

બિચારા જીવતા જીવને કાંઈ ઓછું જોખમ છે! ‘હું ને મારું’ની ગાંઠ બાંધતા આપરખા આદમીને ત્રણ સાંધે ત્યાં તેર તૂટે છે. પણ જેણે જીવતરનું જ જોખમ ઉતારી નાખ્યું એને ભય શેનો? એ તો જમડાના ય દાંતમાં દેતા જાયને! આવા મરજીવા પાસે જમદૂતોનું પણ જો૨ ન ચાલે.

આવા સંતોએ મન પર બરાબર કાબૂ મેળવી લીધો હોય છે. મનને તો એમણે મેંદા જેવું નરમ કરી નાખ્યું હોય છે અને એનાં મેલ, કસ્તર – કાંકરા કાઢી ગાળી નાખ્યું હોય છે. ભૂતનાથ ચરણે અખૈયો કહે છે કે આવા નમ્ર અને શુદ્ધ અંતઃક૨ણવાળા સંતનો ઓછાયો મેં લીધો છે. એવા સંતને હું શરણે છું.

મકરન્દ દવે

Total Views: 65

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.