(બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્ ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગોમાં) બહોળી પ્રસિદ્ધિ પામ્યો છે. તેના થોડા અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે.)

ધાર્મિક સાહિત્યની વિશાળ કાયામાં શ્રીમદ્ ભાગવતનું ખરું સ્થાન શું છે? એ તો નોંધવું જ રહ્યું કે અઢાર મહાપુરાણોની યાદીમાં એનો સમાવેશ થાય છે, પણ એની સામે દેવી ભાગવતે સવાલ ઉઠાવ્યો છે અને ભાગવત મહાપુરાણ તરીકે પોતાને ગણવાનો દાવો કર્યો છે અને આ રીતે વિષ્ણુ ભાગવતને એક ઉપપુરાણની કક્ષામાં મૂકી દેવાનો યત્ન કર્યો છે. પ્રૉફેસર હાઝરાના કહેવા પ્રમાણે (Cultural Heritage of India Vol II, P. 281 ) તો દેવી ભાગવત બારમી સદીમાં સાવ મોડું રચાયેલું છે. અને એ દેવી પુરાણને ભાગવત પુરાણ ગણાવવા માટે અને એ રીતે મનુષ્યોમાં શક્તિ પંથનાં વિચારોને ઘુસાડીને અપેક્ષિત માન – મોભો મેળવવા માટે એમાં મત્સ્ય, સ્કંદ અને અગ્નિ પુરાણ વગેરેમાં જોવા મળતાં ભાગવતનાં વર્ણનો કાળજીપૂર્વક સમાવી દેવામાં આવ્યાં છે. કોઈ પણ કારણે દેવી ભાગવતનો એ દાવો જો સ્વીકારી લેવામાં આવે તો પણ વિષ્ણુભાગવતનું મહાપુરાણ તરીકેનું સ્થાન તો ટકી જ રહે છે, એ ઉપપુરાણ ગણાય નહિ. કારણકે એની શ્રેષ્ઠતાઓ અને વિશેષતાઓ એટલી ઉચ્ચ કક્ષાની છે કે એણે લોકોના મનમાંથી અન્ય પુરાણોને તો જાણે કે સાવ હડસેલી જ મૂક્યાં છે, બધા ભક્તો વ્યાપકપણે આ પુરાણનું જ અધ્યયન કરે છે, એ પોતાની કક્ષાનું એક અનન્ય પુસ્તક છે. બધા જ વિચાર-સંપ્રદાયોના વિદ્વાનોએ એના ઉ૫૨ વ્યાખ્યાઓ લખી છે; અંગ્રેજી ઉપરાંત ભારતની અનેક ભાષાઓમાં એના અનુવાદો થઈ ચૂક્યા છે. એ ગ્રંથ એક રીતે વૈષ્ણવ ગ્રંથ હોવાને લીધે સાંપ્રદાયિક ભલે ગણાતો હોય, છતાં એની સાંપ્રદાયિકતા સંકુચિત કે વિભેદક નથી. પરંતુ એ તો કેવળ માનવોને પોતપોતાના ઈષ્ટદેવ ત૨ફની ભક્તિ અને તે ત૨ફ અખંડ ધારણા વિકસાવવાનો પોતાનો વિશિષ્ટ માર્ગ જ બતાવે છે. ભક્તિની તરાહની વ્યાપકતા, ભવ્યતા અને તીવ્રતાની બાબતમાં એ દૃઢ પ્રતીતિ જન્માવે છે. એના સંસ્કૃત શબ્દચયનની લાઘવ કલા, એની સમુચિત પ્રૌઢતા અને ઉંચાઈ, એમાં રહેલા કવિત્વની કલ્પના સમૃદ્ધિ અને એનું કાવ્યનું ઊર્મિલ સૌંદર્ય, આપણા ૫૨ જબરી અસર જન્માવે છે. બીજું એવું કોઈ જ પુરાણ નથી કે જે ભાગવતની નજીક પહોંચી શકે. નિઃશંક રીતે એનો ઉગમ ભારતની સાહિત્યિક અને આધ્યાત્મિક પ્રતિભાનો સૌથી મોટો આવિષ્કાર ગણી શકાય.

આવા ભાગવતના ઊગમકાળ અને પ્રવર્તમાન વાચનારૂપ વિશે આધુનિક સંશોધનો હજુ એક નિશ્ચિત જવાબ આપી શકવાની સ્થિતિમાં નથી. પ્રૉ. હાઝરાના કહેવા પ્રમાણે ભાગવતની પ્રવર્તમાન વાચના ઈશુની છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં આકાર પામી હોવી જોઈએ. પણ તેમણે એટલું કબૂલ્યું છે કે અત્યારની ભાગવતની વાચનાપ્રત કરતાં જૂની વાચના પ્રતવાળું ભાગવત આ પહેલાં હતું ખરું. આ વાત ચોથી સદીમાં પહેલાં લખાયેલા મત્સ્ય પુરાણના વર્ણનમાંથી મળે છે. પ્રૉ. સિદ્ધેશ્વર ભટ્ટાચાર્ય પોતાના વિસ્તૃત તલસ્પર્શી સંશોધન ગ્રંથ ‘‘ફિલૉસૉફી ઑફ ધી ભાગવત-વૉલ્યૂમ-૧”માં લખે છે કે “આથી એવું તારણ નીકળતું જણાય છે કે શ્રીમદ્ ભાગવતના વિકાસના ત્રણ તબક્કાઓ છે. એના સૌથી જૂના સ્વરૂપમાં કેટલીક જૂની સામગ્રી પડી હતી અને એણે જ પાછળથી એને બીજા તબક્કામાં મહાપુરાણ બનાવ્યું. આ ઘટના ઈશુની શરૂઆતના યુગમાં બની. આ ભાગવતની છેલ્લી અને અદ્યતન પ્રત, એમાં રહેલા તામીલ સંતોના પ્રદાન બતાવી જાય છે. આ રીતે જોતાં એક પ્રકારે શ્રીમદ્ ભાગવત તામીલ સંતો આલવારોની સમકાલીન કૃતિ ગણાવું જોઈએ.’’

અહીં એક વાત નોંધવી રહી કે આ ત્રણ તબક્કાના વિકાસની વાતને ભાગવતના વર્તમાન સ્વરૂપમાંથી ચૂંટીને ભેગાં કરેલાં અન્તઃ સાક્ષ્યનો ટેકો છે. ભાગવતની વર્તમાન વાચનાપ્રતના બીજા અને ત્રીજા સ્કંધની પ્રસ્તાવનામાં અમે એની વિસ્તારથી ચર્ચા કરી છે. એમાં બતાવ્યું છે કે આ ભાગવત પહેલાં ભગવાને બ્રહ્માને સંભળાવ્યું, બ્રહ્માએ ભગવાન પાસેથી જરૂર પડે ત્યાં વિસ્તાર કરીને સંભળાવવાની ૫૨વાનગી લઈને એ ભાગવત નારદને સંભળાવ્યું (સ્કંધ ૨,૯). ત્રીજા સ્કંધમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે ભાગવત પહેલા સંકર્ષણ દ્વારા સનત્કુમાર આગળ પ્રકાશિત થયું અને સનત્કુમાર પાસેથી સાંખ્યાયન પરાશર અને મૈત્રેય દ્વારા વિદુરજી પાસે પહોચ્યું. ભાગવતના પહેલા સ્કંધમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વ્યાસે સમાધિ દ્વારા ભાગવત પ્રાપ્ત કર્યું હતું અને તે તેમણે પોતાના પુત્ર શુકદેવને સંભળાવ્યું હતું. ભાગવતના પૂર્વોક્ત ત્રણ વિકાસ તબક્કાઓ માટે આ વાતો સારામાં સારો સંદર્ભ પુરાવો ગણી શકાય.

ભાગવતની અત્યારની વાચનાપ્રતનો આલવાર ભક્તોના આંદોલન સાથેનો ગાઢ સંબંધ શ્રીમદ્ ભાગવતમાં જ દર્શાવેલા સ્પષ્ટ પુરાવાઓ દ્વારા મળી શકે છે. આલવાર ભક્તો સાથે સંકળાયેલા મહાન ભક્તિ આંદોલનને ભાગવતના ૧૧-૫-૩૮થી ૪૦ પરિચ્છેદો મજબૂત ટેકો આપે છે: ‘‘હે રાજન્, સત્-યુગ વગેરે ત્રણ યુગની પ્રજાઓ પોતાનો જન્મ કલિયુગમાં થાય એમ ઈચ્છે છે. કારણ કે કલિયુગમાં પણ નારાયણ ભગવાનમાં પરાયણ ભક્તો કોઈ કોઈ સ્થળે અવશ્ય થશે જ. અને તેમાં પણ હે મહારાજ, દ્રાવિડ દેશમાં ઘણા ભક્તો થશે, કે જ્યાં તામ્રવર્ણી, કૃતમાળા, યશસ્વિની, મહાપવિત્ર કાવેરી તથા મહાનદી પ્રતિચી વગેરે નદીઓ છે. હે રાજન્, જે મનુષ્યો તે નદીઓનાં જળ પીએ છે, તેઓ ઘણું કરી નિર્મળ અંતઃકરણવાળા થઈ ભગવાન વાસુદેવના ભક્તો થાય છે.”

આથી સ્પષ્ટ થાય છે કે ભાગવત આજે જે સ્વરૂપમાં હસ્તી ધરાવે છે તે આલવારી ભક્તિની તીવ્રતા ધરાવતા કોઈ અજ્ઞાત દક્ષિણવાસી ભક્ત દ્વારા ધરમૂળથી પુનઃસંપાદિત થયેલું છે. જો કે આ પહેલાં ભાગવતની કેટલીક સંપાદિત વાચનાઓ અસ્તિત્વમાં હશે પણ એના છેલ્લા સંપાદકે એમાં આમૂલ પરિવર્તન કરી નાખ્યું. ભાગવત માહાત્મ્યમાં કહેલા કથાવિભાગમાં કદાચ આ વાતનો પડઘો દૂરથી સંભળાતો હોય એવું લાગે છે. કથામાં કહ્યું છે કે બાલાસ્વરૂપિણી ભક્તિ દ્રવિડ દેશમાં જન્મી અને કર્ણાટક અને મહારાષ્ટ્રમાંની પોતાની યાત્રા દરમિયાન કેટલાય ફેરફારો પામતી પામતી છેવટે વૃન્દાવન પહોંચી અને ત્યાં તે સોળે કળાએ ખીલી ઊઠી.

આ ભાગવતને આખરી આકાર આપવામાં કોઈ દક્ષિણ ભારતવાસીનો હાથ છે એવી કલ્પનાનું પુનઃદૃઢીક૨ણ કરતા બીજા બે રસિક મુદ્દાઓ પણ મળે છે. પહેલો મુદ્દો તો એ છે કે નગરોની શોભાનાં ચીલાચાલુ વર્ણનો. એવાં વર્ણનો ઠેઠ સરસ્વતીનાં નગરોથી માંડીને દ્વારકાનાં વર્ણનો પણ એકરસીલાં જ છે અને એમાં બધે કેળનાં પુષ્કળ વૃક્ષો હોવાનું બતાવવામાં આવ્યું છે. એવી જ રીતે તાડનાં વૃક્ષો અને પુષ્પોની પુષ્કળતા પણ દર્શાવાઈ છે. અહીં શંકા થાય છે કે આ પ્રદેશોમાં એ નિર્દિષ્ટ વૃક્ષો અને પુષ્પો પુષ્કળ ઊગે છે ખરાં કે? હા, દક્ષિણમાં એ પુષ્કળ હોય છે જ. બીજો મુદ્દો એ છે કે બલદેવના યાત્રાવર્ણનમાં દક્ષિણનાં બધાં જ મહત્ત્વનાં તીર્થસ્થાનો ક્રમબદ્ધ રીતે અને વિસ્તારથી નિરૂપાયાં છે, જ્યારે તેમની ઉત્તરની યાત્રાનો તીર્થસ્થળોનો તો માત્ર અછડતો અને અનૌપચારિક ઉલ્લેખ માત્ર જ કરાયો છે.

મહાપુરાણના પરિઘમાં આવતા પૂર્વોક્ત દસ વિષયોને ભાગવત પોતાના વિશાલ વિષયફલકમાં સામાન્ય રીતે રજૂ તો કરે છે: પણ ભાગવતમાં એ બધાને પોતાના ભક્તિપ્રધાન હેતુ માટે ગૌણ બનાવીને તેમને અવ્યવસ્થિત રીતે ભેગા કરવામાં આવ્યા છે. આ દસ વિષયોમાં છેલ્લો વિષય અપાશ્રય છે, એ સર્વોત્તમ તત્ત્વ છે, સર્વની છેવટની ગતિ-સ્થિતિ છે, એની જ ભક્તિનો સંચય કરવાનો માનવનો ધર્મ છે. એ જ પ્રાથમિક રીતે ભાગવતનો મુખ્ય વિષય છે અને બાકીના બધા વિષયો એની અપેક્ષાએ ગૌણ બની ગયા છે. કારણ કે ભાગવતની દૃષ્ટિએ સર્વોત્તમ તત્ત્વ મહાવિષ્ણુના પૂર્ણાવતાર તરીકે વાસ્તવમાં શ્રીકૃષ્ણ જ છે અને તેથી કૃષ્ણજીવનને અને કૃષ્ણસંદેશને એણે ત્રણ મુખ્ય સ્કંધોમાં સવિસ્તર વર્ણવ્યા છે. બાકીના નવ સ્કંધો તો જાણે કૃષ્ણાવતારની પૂર્વતૈયારી જેવા કે કૃષ્ણે પ્રબોધેલી ભક્તિનાં બધાં પાસાંને દર્શાવનારા છે. આ વિષયની એકતા, ઉચ્ચતમ ભવ્ય કવિત્વશૈલી વગેરે બાબતો પણ જ્યારે એમાં મહાન ભક્તિવિષયનું નિરૂપણ આવે છે ત્યારે ખીલી ઊઠે છે. આ બધું જોતાં આ રચના પાછળ કોઈ ભવ્ય ભેજાંનો હાથ સ્પષ્ટ થઈ જાય છે. દક્ષિણમાં આલવારો દ્વારા વૈષ્ણવધર્મનું પુનરુત્થાન થયું એવું ભાગવત બતાવે છે. એવી જનસામાન્ય માન્યતા રાખવા કરતાં એમ માનવું વધારે ઉચિત ગણાશે કે ભાગવતની ઘણી ખરી મૂળ વાચનાપ્રત જ આજે ઉપલબ્ધ છે એવા રૂપમાં કોઈક અનામી દક્ષિણવાસી ભક્ત-વિદ્વાને ફરી વખત લખીને તૈયા૨ કરી હશે. આલવાર આંદોલનનો સમયગાળો પાંચમીથી આઠમી સદી વચ્ચેનો છે. અને તેથી એમ કહેવું વધારે વાજબી ગણાશે કે ભાગવત આ સમયગાળા પછી તરત જ અથવા તો આ સમયગાળા દરમિયાન જ રચાયું હોવું જોઈએ. પ્રૉ. હાઝરાએ એનો સમય છઠ્ઠી સદીના પૂર્વાર્ધનો માન્યો છે.

પહેલા એક એવો મત પ્રચલિત હતો કે જે ભાગવતના રચયિતા તરીકે તે૨મી સદીમાં થયેલા બોપદેવ (વોપદેવ)ને માનતો હતો. પણ સુવિખ્યાત આરબ વિદ્વાન આલ્બેરુનીએ (સને ૧૦૩૦) પોતાના ભારત વિષયક પુસ્તકમાં વૈષ્ણવ ભાગવતનો ઉલ્લેખ કર્યો છે એ નોંધ જોતાં ઉ૫૨ની વાત સાવ વજૂદ વગરની બની જાય છે. પ્રૉ. સિદ્ધેશ્વર ભટ્ટાચાર્ય પોતાના ‘ફિલૉસૉફી ઑફ ભાગવત’ નામના ગ્રંથની ભૂમિકામાં Sachawના ‘અલ્બેરૂનીઝ ઈન્ડિયા’ નામના પુસ્તકના પાના ૧૩૧માંથી ઉતારો ટાંકીને આ પ્રશ્ન બાબત જણાવે છે કે ભાગવતના બોપદેવ દ્વારા નિર્માણનો પ્રશ્ન તો ભાગવત વિષે અલ્બેરૂનીએ કરેલા ઉલ્લેખથી જ ઓગળી જાય છે. એમાં એના કહેવા પ્રમાણે વાસુદેવને ઉચ્ચતમ સ્થાન આપવામાં આવ્યું છે.

પ્રૉ. બી. એન. કૃષ્ણમૃર્તિ ભાગવત પુરાણના સમય બાબતમાં એક રસપ્રદ વાત કહે છે. પ્રસ્તુત વિષય માટે તેઓએ બાહ્ય પુરાવાઓ મેળવવાનું શોધ કાર્ય કર્યું છે. પૂનાના ભાંડારકર ઓરિયેન્ટલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના વાર્ષિક અહેવાલમાં (વૉલ્યુ. ૧૯૩૨-૩૩) તેઓ પોતાના વિદ્વત્તાપૂર્ણ લેખમાં લખે છે કે સાતમી સદીમાં થયેલા ગૌડપાદે ઉત્તરગીતા ૫૨ની પોતાની ટીકામાં, મૂળ પુસ્તકના ૧૧,૪૬ ઉ૫૨ વ્યાખ્યા કરતી વખતે એ સ્થળે ભાગવતપુરાણનો ઉલ્લેખ કર્યો છે એમાં તેઓ નીચેનો અડધો શ્લોક ટાંકે છે:

“तदुक्तं भागवते – तेषामसौ क्लेष एव शिष्यते नान्यद्यथा स्थूलतुषावघातिनाम्”

આ ચરણ ભાગવતના દશમ સ્કંધના ૧૪મા અઘ્યાયના ૪થા શ્લોકનો પૂર્વાર્ધ જ છે. જરા તરા ફેર સાથે તે આમ છે:

“तेषामसौ क्लेशल एव शिष्यते, नान्यद्यथा स्थूलतुषावघातिनाम्”

૧૯૩૩માં એ લેખ જ્યારે પ્રકાશિત થયો ત્યારે ભાગવતના રચનાકાળ સંબંધે એક આદરપાત્ર શોધિત વિધાન તરીકે સ્વીકારાયો હતો. કારણ કે એણે વિલ્સન, મૅક્ડોનલ, કૉલબુક અને બર્નોંફ જેવા પૂર્વીય તત્ત્વજ્ઞાનના વિદ્વાનોના મંડળને પાછું પાડી દીધું હતું. કારણ કે એ વિદ્વાનો ભાગવતને તેરમી સદીમાં થયેલા બોપદેવની કૃતિ માનવાના લોકપ્રિય અને કપોલકકલ્પિત સિદ્ધાંતમાં માનતા હતા! પ્રૉ. શર્માએ આપેલા સંદર્ભો તો આજે સ્વીકૃત સિદ્ધાન્તને જ ટેકો આપી રહ્યા છે કે પુરાણોનું આજનું સ્વરૂપ છઠ્ઠી સદીના પૂર્વાર્ધ દરમિયાન આકાર પામ્યું હશે. દક્ષિણમાં પાંચમીથી આઠમી સદીના સમયગાળા દરમિયાન જ્યારે આલ્વા૨ આંદોલન પૂરજોશમાં ચાલી રહ્યું હશે, ત્યાર પછી પુરાણોએ વર્તમાન આકાર ધારણ કર્યો હશે. ગૌડપાદમાંથી પ્રૉ. શર્માએ ટાંકેલાં ઉદાહરણો આ બાબતમાં ઘણી સ્પષ્ટતાઓ કરી જાય છે.

એન. રઘુનાથને ભાગવતના પોતાના સુંદર ભાષાન્તરમાં ભાગવતના ઊગમકાળ વિષયક ચર્ચામાં પોતાના નકારાત્મક પુરાવાનો સિદ્ધાન્ત રજૂ કરીને એક નવું પરિમાણ ઉમેર્યું છે. આ નકારાત્મક પુરાવો ભાગવતમાં રાધાની અનુપસ્થિતિનો છે. આજે જાણીતી થયેલી કૃષ્ણ ગાથામાં તો રાધાનું વ્યક્તિત્વ અત્યન્ત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આજે તો કૃષ્ણ પછીના તરતના મહત્ત્વવાળું રાધાનું વ્યક્તિત્વ છે. ભાગવતના ૧૦/૩૦/૨૮માં બતાવ્યા પ્રમાણે રાસલીલા દરમિયાન બીજી ગોપીઓને વિયોગમાં એકલી અટૂલી મૂકીને જે એક ગોપી સાથે શ્રીકૃષ્ણ અદૃશ્ય થઈ ગયા હતા એ ગોપી વિશે વર્ણન કરતાં અન્ય ગોપીઓ કહે છે કે “अनयाऽराधितः” એટલે કે એ ગોપીએ કૃષ્ણને વિશિષ્ટ ભક્તિથી આરાધ્યા હતા. આ ‘આરાધિતાઃ’ શબ્દને રાધાસંપ્રદાયના હિમાયતી ભક્તોએ કુશલતાપૂર્વક ભાગવતમાં રાધાનું નામ દાખલ કરી દેવા માટે સમજૂતી આપી છે, અને ત્યાર પછી જ મોડે મોડે બ્રહ્મવૈવર્ત અને પદ્મપુરાણ વગેરેમાં રાધા ખૂબ મહત્ત્વની વ્યક્તિ બની ગઈ. આજના કૃષ્ણભક્તિ સંપ્રદાયમાં અત્યંત મહત્ત્વશાળી બની રહેલ આ રાધા શબ્દની ભાગવતમાંથી બાદબાકી શા માટે કરવામાં આવી હશે એ એક સમાધાન માગતો મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એનો ઉત્તર ખોળવો રહ્યો. શ્રી રઘુનાથનના કહેવા પ્રમાણે ભાગવતમાંની રાધાની અનુપસ્થિતિ આ ત્રણ જ રીતે સમજાવી શકાયઃ કાં તો (૧) આપણે એમ માનવું રહ્યું કે કૃષ્ણભક્તિની પરંપરામાં રાધાને કોઈ સ્થાન જ ન હતું અને ભાગવતે આ જ ચાલુ પરંપરાનું અનુસરણ કર્યું છે. અથવા તો પછી (૨) ભાગવતકારે જાણીબૂઝીને રાધાની બાદબાકી કરી નાખી હોય કે પછી (૩) આજે જે ભાગવત સ્વરૂપ આપણા પરિચયમાં છે તે આ રાધા ઘટના કૃષ્ણભક્તિમાં બન્યા પહેલાં રચાઈ ગયું હશે. દાખલા તરીકે ભાગવતની પહેલાં રચાયેલા મનાતાં વિષ્ણુપુરાણ અને હરિવંશમાં રાધાનો ઉલ્લેખ નથી. જો કે શ્રી રધુનાથન એ પણ બતાવે છે કે ભાગવત રચનાકાળની પહેલાંની મનાતી એક કૃતિમાં પણ રાધાનું નામ તો છે ખરું. આમ એમના કહેવા પ્રમાણે છઠ્ઠી સદીમાં રચાયેલ ‘ગાથા સપ્તશતી (૧/૮૯)માં કહ્યું છે કે ‘‘હે કૃષ્ણ, તમે જ્યારે રાધાના મુખ પરથી ધૂળ ખંખેરી રહ્યા હો છો ત્યારે સાથો સાથ બીજી ગોપીઓના મુખ ૫૨ના સુમનસૌરભને પણ જાણે કે ખંખેરી રહ્યા છો.” તેમણે છઠ્ઠી સદીમાં થયેલા ભટ્ટનારાયણના વેણીસંહારમાંથી તેમ જ નવમી સદીમાં થયેલા આનંદવર્ધનના ધ્વન્યાલોકમાંથી પણ રાધાની ઉપસ્થિતિનાં ઉદાહરણો પણ ટાંક્યાં છે. આ બધું બતાવે છે કે છઠ્ઠી સદીની આસપાસ કે તેથી પહેલાં પણ રાધા કૃષ્ણ સાથે જોડાયેલી હતી. અને આ સમય પદ્મપુરાણ અને બ્રહ્મવૈવર્ત પુરાણ કરતાં કંઈ વધારે મોડો નથી.

જો કે શ્રી રઘુનાથન ભાગવતના અંતઃ સાક્ષ્યને આધારે આલવાર આંદોલન સાથેના એના સપરિચિત અને સુવિદિત સંબંધને વધારે મહત્ત્વ આપતા નથી. એને તો તેઓ અપ્રમાણિત ગણીને દૂર જ હડસેલે છે. આમ છતાંય પોતાના અભિગમને સાબિત કરવા માટે તેમણે જે ઉદાહરણો ટાંક્યાં છે, તે ઉદાહરણો જ એનું પ્રમાણ પૂરું પાડે છે. એમના મતે છઠ્ઠી સદીમાં રચાયેલ ગાથા સપ્તશતીની પહેલાં જ ભાગવત રચાયું છે, એ વાત આલવાર આંદોલનને આધારે નક્કી કરેલા ભાગવતના છઠ્ઠી સદીના રચનાકાળની કોઈ વિરોધી વાત તો નથી જ. કારણ કે આલવાર આંદોલન પાંચમીથી આઠમી સદી દરમિયાન જ થયું હતું.

પણ આમ છતાંય ભાગવતના આ કે એની પહેલાંના રચનાકાળના સ્વીકારમાં અવરોધ ઊભો કરે તેવો એક વિચિત્ર સંજોગ ઊભો થયો છે. ઈ.સ. ૧૦૧૭માં જન્મેલા રામાનુજાચાર્યે પોતાની વિશાળ લેખન સામગ્રીમાં ક્યાંય પણ ભાગવતમાંથી એકેય ઉદ્ધરણ ટાંક્યું નથી! તેમણે પોતાનાં લખાણોમાં ચોથી સદીમાં લખાયેલા વિષ્ણુપુરાણમાંથી જ બધાં ઉદ્ધરણો ટાંક્યાં છે. વિષ્ણુપુરાણ ભાગવત કરતાં ઘણું વહેલું લખાયેલું છે અને ઘણી રીતે ભાગવત સાથે સમાનતા ઘરાવે છે. પણ ભાગવત કરતાં એ નિમ્નકોટીનો શાસ્ત્રગ્રંથ ગણવામાં આવે છે. જો ભાગવતને પાંચમીથી આઠમી સદીમાં આકાર પામેલો માનીએ તો ભાગવત જેવા વૈષ્ણવધર્મના આ મહાન શાસ્ત્રે ઘણું કરીને દક્ષિણમાં આલવારોના વૈષ્ણવધર્મને વેગથી આગળ ઘપાવ્યો હતો અને રામાનુજ એના જ મોટા પુરસ્કર્તા હતા. એટલે એમને તો આ ભાગવત જાણીતું જ હોવું જોઈએ. છતાં આવું કેમ થયું હશે? ભાગવત પ્રત્યેના રામાનુજના મૌનની બે રીતે સમજૂતી આપી શકાય તેમ છે: (૧) કાં તો ભાગવત પાંચમીથી આઠમી સદી વચ્ચે દક્ષિણમાં જન્મ્યું એ કલ્પના જ ખોટી છે. એ ઉત્ત૨માં જન્મ્યું હશે અને આલ્બેરૂનીના સમય (ઈ.સ. ૧૦૩૦) સુધી દક્ષિણમાં જાણીતું નહિ થયું હોય. અથવા તો (૨) રામાનુજે કોઈક સાંપ્રદાયિક કા૨ણોસ૨ એના સંદર્ભની ઉપેક્ષા કરી હોય.

આમાં સમજૂતીનો બીજો વિકલ્પ વધારે વજૂદવાળો લાગે છે. રામાનુજ પાંચરાત્ર આગમના મહાન પુરસ્કર્તા હતા. અને તેથી તેમણે વિષ્ણુ પુરાણને ભાગવત ક૨તાં પોતાના સિદ્ધાંતને વધુ ટેકો આપનારું માન્યું હશે. ભાગવતમાંની વિષ્ણુ સાથે શિવને પણ સમાન કક્ષાએ મૂકવાની વાત તેમને પોતાના સિદ્ધાંતની વિરોધી વાત લાગી હશે.

વળી, રામાનુજના સંપ્રદાયમાં વૈકુંઠવાસી શ્રીમન્ નારાયણ જ બ્રહ્મનું ૫૨મોત્તમ સ્વરૂપ છે, જ્યારે ભાગવતમાં તો કૃષ્ણને જ ૫૨બ્રહ્મનું પરમોત્તમ સ્વરૂપ માનેલું જણાય છે. અને ચૈતન્ય અને વલ્લભ જેવા વૈષ્ણવ સંપ્રદાયોએ એની જ વિસ્તૃત સમજૂતીઓ પણ આપી છે. (भगवान्स्वयम्) ભાગવતમાં વાસુદેવનું નામ પ્રધાનતયા શ્રીકૃષ્ણનો જ પરમાત્માના પરમ પવિત્ર નામ તરીકે નિર્દેશ કરે છે, જ્યારે પાંચ રાત્રીઓ માટે તો નારાયણ જ અતિ મહત્ત્વનું પાવનકારી નામ છે. ભાગવતો અને પાંચ રાત્રીઓ બન્ને વિષ્ણુપૂજકો હોવા છતાં જૂના જમાનામાં બન્નેના સંપ્રદાયો જુદા હતા. રામાનુજનો વિષ્ણુપુરાણ પ્રત્યેનો પક્ષપાત સ્પષ્ટ રીતે જ પાંચરાત્ર તરફના તેમના વધારે ઝોકને લીધે જ છે અને એને લીધે જ ભાગવતની ઉપેક્ષા થઈ છે. વળી ભાગવતનું વલણ અદ્વૈતવાદી છે. અલબત્ત, એ અદ્વૈત કઈ છાપવાળા અદ્વૈતનું પ્રતિનિધિત્વ કરે છે, એ વાત વિવાદાસ્પદ છે. ભાગવત ઈશ્વર અને જગતના સંબંધને શરી૨ અને શરીરીના સંબંધ ક૨તાં શક્તિ અને શક્તિમાન વચ્ચેના સંબંધ જેવો ગણે છે. પણ રામાનુજ એનો શરીર અને શરીરી જેવો સંબંધ માને છે. આને લીધે જ ભલે ભાગવત નિંબાર્ક, ચૈતન્ય, વલ્લભ અને પછીના સમયમાં શંકરદેવ જેવા લગભગ બધા જ વૈષ્ણવ સંપ્રદાયોનો મુખ્ય ધર્મગ્રંથ બની રહ્યો હોય છતાંય રામાનુજે એની ઉપેક્ષા કરી છે એટલે આપણે એમ સ્વીકારવું જ રહ્યું કે ભાગવતનાં ઉદાહરણોની રામાનુજે કરેલી ઉપેક્ષાની એવી કોઈ નિર્ણાયક સાબિતી તો નથી જ કે રામાનુજ સમયમાં ભાગવતની હસ્તી જ ન હતી.

રૂપાંતર: કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 60

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.