(આજનો યુવાવર્ગ પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણમાં રત થઈ આપણી મહાન સંસ્કૃતિ અને આપણા મહાન ધર્મ પરની શ્રદ્ધા ગુમાવી રહ્યો છે. કાકાસાહેબ કાલેલકરના સમયમાં પણ યુવા વર્ગની આ જ સમસ્યા હતી. ત્યારે સ્વામી વિવેકાનંદજીનાં લખાણોથી યુવાનોમાં આ શ્રદ્ધા પુનઃ પાંગરી હતી. આજનો યુવા વર્ગ પણ સ્વામીજીનાં લખાણોથી આ શ્રદ્ધા પાછી મેળવી સુસંસ્કૃત બની શકે છે, શ્રીરામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ અને ભગિની નિવેદિતા આ ત્રણ વિભૂતિઓના ત્રિવેણીસંગમને કાકાસાહેબ કાલેલકર પ્રબુદ્ધ ભારતના તીર્થોત્તમ પ્રયાગરાજ રૂપે વર્ણવે છે. પોતાની યુવાવસ્થામાં તેઓ અન્ય યુવાનોની જેમ સ્વામી વિવેકાનંદથી કેટલા પ્રભાવિત થયા હતા તેની વાત પણ આ લેખમાં કરે છે. – સં.)

હું જ્યારે મારા બાલ્યકાળનો અને યૌવનકાળનો વિચાર કરું છું ત્યારે અમારા હૃદય પર સ્વામી વિવેકાનંદે કેવી જાદુ જેવી અસ૨ કરી હતી એના સ્મરણથી આજે પણ ગદ્ગદ્ થાઉં છું. અમારા નાનપણમાં શ્રદ્ધા અને બુદ્ધિવાદ વચ્ચે સંઘર્ષ ચાલ્યો હતો. પશ્ચિમની સંસ્કૃતિને પ્રાધાન્ય આપનારા ‘સુધારક’ અને પશ્ચિમનો આંધળો વિરોધ કરી જૂનો કાળ ફરી જીવતો કરવાનો વૃથા પ્રયત્ન કરનારા સનાતની ‘ઉદ્ધારકો’ વચ્ચે દારુણ સંઘર્ષ ચાલ્યો હતો. આ સંઘર્ષ ખાસ તો બંગાળમાં અને મહારાષ્ટ્રમાં વધુ તીવ્રતાથી ચાલ્યો. પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો ઝઘડો તો હતો જ. તે સિવાય બ્રહ્મસમાજ, આર્યસમાજ અને થિયૉસૉફી પોતપોતાની રીતે ધર્મજાગૃતિનું કામ કરતા હતા. આ બધી પ્રવૃત્તિઓમાંથી ભવિષ્યકાળ માટેનાં પોષક તત્ત્વો એકત્ર કરીને અદ્વૈતનું સમન્વય કાર્ય સ્વામી વિવેકાનંદે ચલાવ્યું. સ્વામીજીનું અદ્વૈત માત્ર દાર્શનિક અદ્વૈત ન હતું. એમણે સર્વસમન્વયકારી અદ્વૈતનો દાર્શનિક અને સામાજિક પુરસ્કાર કર્યો. એમના હિન્દુ ધર્મને ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ વિશે પણ આદર જ હતો.

ભારત ભ્રમણ દરમ્યાન એમણે જે દેશનિરીક્ષણ કર્યું, ભારતના ઈતિહાસનું જે રહસ્ય એમણે સમજી લીધું અને સામાજિક આત્માની જે ઓળખાણ એમના મનમાં ઠસી ગઈ એના આધા૨ ૫૨ એમણે સંન્યાસ-આશ્રમને એક નવું જ રૂપ આપ્યું અને દેશમાં અનેક અદ્વૈત-આશ્રમોની અને સેવાશ્રમોની સ્થાપના કરી સાંસ્કૃતિક ઉત્થાનના રચનાત્મક કામનો પાયો નાખ્યો. સ્વામીજી વધુ જીવ્યા હોત તો એમણે વેદાન્તનાં વિશ્વવિદ્યાલયો પણ સ્થાપ્યાં હોત. એમનો બધો પ્રયત્ન વ્યાપક શિક્ષણ મારફતે જીવન-પરિવર્તન કરાવવાની અને સાંસ્કૃતિક સંવર્ધન કરવાની દિશાએ ચાલ્યો હતો. એમના કાર્યનાં આ પાસાંનો વિકાસ કાંઈક અંશે એમની શિષ્યા ભગિની નિવેદિતાએ કર્યો.

હું તો એમ જ માનું છું કે શ્રીરામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ અને ભગિની નિવેદિતા આ ત્રણ વિભૂતિઓનો ત્રિવેણીસંગમ જ પ્રબુદ્ધ ભારતનું તીર્થોત્તમ પ્રયાગરાજ છે. ભગિની નિવેદિતાની ઐતિહાસિક, સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સેવા દ્વારા સ્વામી વિવેકાનંદના યુગકાર્યને રાષ્ટ્રીય રૂપ આપવામાં ઘણી મદદ થઈ છે. કવીન્દ્ર રવીન્દ્રનાથ, યોગીરાજ શ્રી અરવિંદ અને મહાત્મા ગાંધી આ ત્રણેયની જીવનદૃષ્ટિ પર અને એમનાં યુગકાર્ય પર સ્વામી વિવેકાનંદની અસર આજે પણ કેટલી ઊંડી છે તે જોવું હોય તો બે નેતાઓના બે નાના નિબંધો જોઈ લો. એક રાજાજીનો Religion of the Future અને બીજો ડૉ. રાધાકૃષ્ણન્નો Religion We Need. હિન્દુ ધર્મ તથા હિન્દુ સંસ્કૃતિએ કાયાકલ્પ કરી નવું અને ઉજ્જ્વલતર રૂપ ધારણ કર્યું જ છે. આ હિન્દુ સંસ્કૃતિનો એક વિભાગ તે એનો સંન્યાસાશ્રમ. ઈતિહાસમાં આ આશ્રમનાં ઉત્થાન અને પતનનાં અનેક પાસાં જડી આવે છે. ભારતીય સંસ્કૃતિનો કોઈ પ્રતિભાવાન ઈતિહાસકાર જ્યારે સંન્યાસાશ્રમનો આમૂલાગ્ર ઈતિહાસ લખવા બેસશે ત્યારે આપણા પૂર્વજોએ જીવનમાં કયા કયા પ્રયોગો કર્યા હતા અને સામાજિક જીવનનું આધ્યાત્મિક સંગઠન ક૨વા માટે એમણે કયાં કયાં તત્ત્વોનું અનુશીલન કર્યું, આ બધી વાતો ૫૨ નવો જ પ્રકાશ પડશે. આપણે ત્યાં સંન્યાસના કેટલાય પ્રકારો ઉદ્ભવ્યા. શુકમુનિનો સંન્યાસ એક પ્રકારનો, તો યાજ્ઞવલ્કયનો બીજી જ જાતનો. બુદ્ધ-મહાવીરનો સંન્યાસ રૂઢિવિનાશક તો શંકરાચાર્યનો સંન્યાસ બધી રૂઢિઓને પચાવી નવી રૂઢિ નિર્માણ ક૨નારો અને નવું સંગઠન કરનારો.

(કાકા કાલેલકર ગ્રંથાવલિ ૮, પૃ. ૫૩૩-૫૩૭, નવજીવન ટ્રસ્ટના સૌજન્યથી)

Total Views: 148

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.