(શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે. તેઓ દસ વર્ષ સુધી (૧૯૬૬થી ૧૯૭૫) શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ હતા. સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દી નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા.૨૨/૧૧/૯૨ના રોજ યોજાયેલ યુવ-સંમેલનમાં ઉપસ્થિત તેરસો યુવા ભાઈ-બહેનોને સંબોધીને તેમણે જે અત્યંત પ્રેરક પ્રવચન આપ્યું હતું, તેનો સારાંશ અહીં પ્રસ્તુત છે. -સં.)

મારાં વહાલાં યુવા ભાઈઓ અને બહેનો,

આટલી મોટી સંખ્યામાં તમને બધાંને આવેલાં જોઈને મને અત્યંત આનંદ થાય છે. તમારા સૌ વચ્ચે આવીને હું ધન્યતાની લાગણી અનુભવું છું.

આજથી એકસો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદજીએ સમસ્ત ભારતનું ભ્રમણ કર્યું હતું. તેનો સૌથી મોટો ગાળો તેમણે ગુજરાતમાં ગાળ્યો હતો. એ ગુજરાતનું સદ્ભાગ્ય છે. ગુજરાત પ્રત્યે તેમને આટલું ખેંચાણ કેમ હશે? મને લાગે છે કે અહીંના લોકોનાં ધગશ, ખંત, પ્રતિજ્ઞાપાલન વગેરે ગુણોથી તેઓ પ્રભાવિત થયા હશે. ગાંધીજી અને સરદાર પટેલના આ ગુજરાતના યુવાનો પાસેથી સ્વામી વિવેકાનંદની વિશેષ અપેક્ષા છે.

સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, કે શ્રીરામકૃષ્ણદેવના આગમનથી સત્યયુગનો પ્રારંભ થઈ ગયો છે. ગાંધીજી રામરાજ્ય સ્થાપવાની વાત કરતા હતા. યુવાનો, આ બધી વાતો શું કહેવાની જ વાતો રહી જશે? આ બધું વ્યવહારમાં પ્રતિફલિત કોણ કરશે? યુવાનોએ જ આ કાર્ય કરવું પડશે .

યુવાનો, સ્વાધીનતા પછી આપણે સ્વામી વિવેકાનંદના સંદેશને ભૂલી ગયા છીએ. યાદ કરો – તેમણે કહ્યું હતું- ‘‘ઊઠો, જાગો અને લક્ષ્યપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો.’’ ‘‘આત્મશ્રદ્ધા રાખો.’’ ‘‘નીડર બનો.’’

કોણ શું કાર્ય કરે છે એ જોવાનું છોડી દો. બીજા પર દોષારોપણ કરવાનું છોડી દો અને નરનારાયણની સેવાના કાર્યમાં લાગી જાઓ. મોડું કરશો નહિ. દેશની આર્થિક અને સામાજિક સ્થિતિ ખરાબ છે, અત્યારે કેટલી બધી સમસ્યાઓ આપણા દેશની સામે છે તે તો તમે સૌ જાણો છો. માટે અવિલંબે સેવાના કાર્યમાં મંડી પડો.

આજે ચારે તરફથી રામકૃષ્ણ મિશનનાં શાખા કેન્દ્રો શરૂ કરવા માટે માંગ આવી રહી છે. અમદાવાદ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ વગેરે શહેરોમાં ભક્તો અનૌપચારિક કેન્દ્રો ચલાવે છે. તેઓ કહી રહ્યા છે, અમને affiliation આપો, અમારા કેન્દ્રને રામકૃષ્ણ મિશનનું કેન્દ્ર બનાવી લો. ઑસ્ટ્રેલિયા, જર્મની વગેરે કેટલાય દેશોની પણ આ જ માગણી રહી છે. પણ અમારી સમસ્યા છે, નવાં કેન્દ્રો શરૂ ક૨વા માટે સંન્યાસીઓ લાવવા ક્યાંથી? આકાશમાંથી તો સંન્યાસીઓ ટપકતા નથી? ભક્તોના ઘરમાં જ સંન્યાસીઓનો જન્મ થાય છે. એટલે જ હું ભક્તોને કહું છું, છોકરાઓ આપો, તેઓને સંન્યાસ લેવા પ્રેરિત કરો, પછી જ નવાં કેન્દ્રો શરૂ કરી શકાય.

અહીં ઉપસ્થિત યુવા ભાઈ-બહેનોને અપીલ કરીશ – નરનારાયણની સેવા માટે પોતાના જીવનનું બલિદાન આપી દો. ભાઈઓ, રામકૃષ્ણ મિશનમાં જોડાઈ જાઓ. બહેનો, શારદા મઠમાં જોડાઈ જાઓ. જુઓ તો છો, અહીં આશ્રમમાં ખાવા-પીવાની, રહેવાની-પહેરવાની કોઈ અગવડ નથી. હા, કેટલીક વાતોનો ત્યાગ સ્વીકારવો પડે. જો આટલું મોટું બલિદાન દેવા તૈયાર ન હો તો તમારાથી થાય તેટલું કરો. ભારતમાતાને ચરણે પોતાનાથી શક્ય એટલી સેવા સમર્પિત કરીને કહો, ‘‘મા, તારે ચરણે મારી આટલી જ સેવા સ્વીકાર કર.” બીજું કંઈ નહિ, તો દેશના સારા નાગરિક બનો. હવે મોડું કરશો નહિ, યા હોમ કરીને કૂદી પડો

Total Views: 67

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.