(શ્રી શ્રી મા શારદામણિદેવી દ્વારા દીક્ષિત થયેલા અને એમના વિશેષ કૃપાપાત્ર એવા સ્વામી પ્રેમેશાનંદજી (૧૮૮૪-૧૯૬૭) રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા. પ્રેમેશ મહારાજના નામથી જાણીતા થયેલા આ સંતપુરુષના ૩૩૧ પ્રેરણાદાયી પત્રોનો સંગ્રહ બંગાળી તેમ જ અંગ્રેજી ભાષામાં (‘Go Forward’) પ્રસિદ્ધ થયો છે. તેની સમીક્ષા ફેબ્રુઆરી૯૪ના અંકમાં પ્રકાશિત થઈ હતી. રામકૃષ્ણ સંઘમાં જોડાયા પહેલાં તેઓ એક શિક્ષકનું જીવન જીવતા હતા. કેટકેટલાંય યુવક-યુવતીઓ, સાધુ-સાધ્વીઓ, ડૉક્ટરો, શિક્ષકો, દેશભક્તો, વિદ્યાર્થીઓ પોતાના આત્મ-વિકાસ માટે પ્રેરણાનું સ્રોત તેમને માને છે. અહીં આપેલા આત્મ-વિકાસ માટેના તેમનાં બહુમૂલ્ય સૂચનો મુખ્યત્વે તો રામકૃષ્ણ મિશનની વિભિન્ન શૈક્ષણિક સંસ્થાઓનાં છાત્રાલયોમાં ભણતા વિદ્યાર્થીઓને અનુલક્ષીને કરવામાં આવ્યાં છે, પણ અન્ય છાત્રાલયોના વિદ્યાર્થીઓ પણ આ સૂચનોથી વિશેષરૂપે લાભાન્વિત થઈ શકશે. – સં.)

નવાગત વિધાર્થીઓ માટે પહેલો પાઠ

ઉદ્દેશ:
વહાલા વિદ્યાર્થી મિત્રો,

આજથી તમારું એક નવીન જીવન શરૂ થયું. આટલા દિવસ પોતાને ઘેર જ હતા; આજથી તમારે દેવાલયમાં, ભગવાનના ધામમાં, રહેવું પડશે.

આટલા દિવસ, આજ સુધી પોતાનાં બા, બાપુજી, ભાઈ, બહેન સાથે હતા. આજથી એક નવીન વાતાવરણમાં, નવા અભિભાવકને અધીન, નૂતન સાથીઓની સોબતમાં રહેવું પડશે.

તમે પોતાના ઘે૨ રહીને તો ભણવા-ગણવાનું કરી શકત, જેમ બીજા છોકરાઓ કરે છે તેમ જ. અથવા અન્ય વિદ્યાલયના છાત્રાવાસમાં પણ રહેવાનું ગોઠવી લીધું હોત, ખરું ને? તો તેમ હોવા છતાંયે શા માટે આ દેવતાની વાટિકામાં રહેવા માટે આવ્યા? શા માટે આવ્યા, એ હવે ચાલો, સાંભળીએ.

પ્રથમ ઉદ્દેશ: તમે આ સ્થળે રહીને દેશ, જાતિ ને કુટુંબની સાંકડી નાનકડી સીમા છોડીને દરેક મનુષ્યને પોતાના ગણતાં શીખશો.

દ્વિતીય ઉદ્દેશ: સમૂહમાં સાથે રહીને, તમે શીખશો કે બધાં સાથે સંપીને, હળીમળીને કેવી રીતે એક કામ પાર પાડવું.

તૃતીય ઉદ્દેશ: ઘણાં વર્ષો પછી આપણે સંપૂર્ણ આઝાદ થયા. માતૃભૂમિ ભારતના ભલા-બૂરા, શુભ-અશુભ માટે, હવે આપણામાંથી દરેકે દરેક જવાબદાર છીએ. એટલે ક્યા ઉપાયથી દેશનું કલ્યાણ થાય, કેવી રીતે દેશનું અકલ્યાણ થાય; તમારે તે બધું ખૂબ સારી રીતે જાણી રાખવું જોઈશે, સમજવું પડશે, અને સાથોસાથ દેશનું નુકસાન થતું અટકાવવા અને રાષ્ટ્રના કલ્યાણની સાધના માટે, શક્તિનો સંગ્રહ કરી રાખવો જોઈશે.

ચતુર્થ ઉદ્દેશ: ભગવાન શ્રીરામકૃષ્ણદેવના નામે પ્રતિષ્ઠિત આ દેવાલયમાં રહેવાનો મુખ્ય ઉદ્દેશ, તમે તેમના જેવા પવિત્ર અને તેમના જેવા જ પરહિત-પરાયણ બની જાઓ.

નવાગત વિઘાર્થીઓ માટે બીજો પાઠ

વહાલા વિદ્યાર્થી મિત્રો,

તમારા આ નવજીવનનો હેતુ તમે સમજી ચૂક્યા છો એવી આશા છે. આ હેતુને કાર્યમાં રૂપાંતરિત કરવા માટેના ઉપાયો અંગે હવે આલોચના કરીશું.

પ્રથમ ઉપાય: નિયમ નિષ્ઠા

કોઈ નવા સ્થળે જઈએ ત્યારે ત્યાંના રીત-રિવાજ, આચાર-વ્યવહાર જાણીએ નહિ તો જાતે જ અગવડો – અડચણો સહન કરવી પડે, અને આપણે લીધે બીજા લોકોને પણ અગવડ – અસુવિધા વેઠવાં પડે. એટલે સૌથી પહેલાં આ પ્રતિષ્ઠાન – સંસ્થાના નક્કી કરી રાખેલ કાર્યક્રમ સારી રીતે જાણી લેજો અને તમારે માટે પરમ કલ્યાણકારક જાણી-સમજીને, શ્રદ્ધા સાથે તેનું અનુસરણ કરજો.

નિયમ:

૧. દ૨રોજના સઘળાં કામકાજ માટે નક્કી કરેલ સમય માટે ચેતના, જાગરૂકતા કાયમ માટે જાળવવાં, જેથી સૌની સાથે બરાબર સમયસ૨ બધાં કામમાં સહયોગ આપી શકો.

૨. તમારા અભ્યાસ વિષે એક દૈનિક કાર્યક્રમ એવી રીતે ગોઠવી લો, કે જેથી વિદ્યાલયમાંથી રોજ મળતા પાઠ બાબત કોઈ ભૂલ ન આવે.

૩. વ૨સને અંતે પરીક્ષા-પાશની ભયંકર ચિંતામાંથી બચવા માટે પાઠ્ય-વિષયો સારી રીતે જાણી સમજી રાખો.

૪. ખોરાક સંબંધે હિતાહિત જ્ઞાન તથા સાવધાની તંદુરસ્તીના વિકાસને માટે અતિ આવશ્યક છે.

૫. રોજ રાતે સૂતાં પહેલાં વિચારી જુઓ કે કર્તવ્યપાલન કરવામાં તમારા તરફથી કોઈ ભૂલ થાય છે કે નહિ.

દ્વિતીય ઉપાય: સ્વચ્છતા

સ્વચ્છતાને જતનપૂર્વક જાળવવી એ સભ્યતાનું એક મુખ્ય લક્ષણ છે. પવિત્રતા ને સ્વચ્છતા બધી ધર્મ-સાધનાઓનું એક મુખ્ય અંગ છે.

એટલે, નિર્મળ, પવિત્ર અને સ્વચ્છ રહેવા માટે નિમ્નલિખિત નિયમોનું પાલન કરો:

નિયમ:

૧. તમારાં પોષાક, પથારી, આસપાસનું પર્યાવરણ અને રહેવાના ઘરને હંમેશાં સ્વચ્છ રાખો – ચોખ્ખાં રાખો.

૨. તમારી બધી વસ્તુઓ એવી રીતે ગોઠવીને, સજાવીને રાખો, જેથી કોઈ તમારા ઓરડામાં પ્રવેશતાં જ તમારી ઉત્તમ રુચિનો પરિચય મેળવે અને કોઈ વસ્તુની આવશ્યકતા હોય, તો એને માટે ફાંફાં મારતાં, આમથી તેમ ભટકતાં ફરવું ન પડે.

૩. તમે પોતે તો સ્વચ્છ રહેશો જ. પરંતુ તમારા સાથી-સહવાસીઓ પણ જેથી એ જ પ્રમાણે સફાઈ રાખે, એવી રીતે પ્રોત્સાહન પૂરું પાડો અને તેમને સ્વચ્છતાની જાળવણીમાં સહાયરૂપ નીવડો.

૪. તમારા વ્યવહારની દરેકે દરેક ચીજવસ્તુ ખૂબ શ્રદ્ધા, આદર પામે તે જોજો.

૫. ખાસ ધ્યાનમાં રાખો કે આખુંયે છાત્રાલય બધી બાજુએ સુંદર સુશોભિત ૨હે.

તૃતીય ઉપાય: લોકવ્યવહાર

કોઈ એક માણસ ભલે ગમે તેટલો વિદ્વાન અથવા ધાર્મિક હોય, પરંતુ લોકોની સાથે મધુર ને ન્યાયસંગત વ્યવહાર ન કરે, તો કોઈ તેના ૫૨ શ્રદ્ધા રાખે નહિ ને તેને ચાહે પણ નહિ.

દસ જણની મદદ વિના જાણે કે મારા એકલાની જીવાદોરી નંદવાઈ જશે એમ માનીને કોઈના પ્રતિ કઠોર વ્યવહાર ક્યારેય ન કરવો.

નીચે મુજબના નિયમો ધ્યાનપૂર્વક વાંચી જાઓ, સમજો અને એનું હરહંમેશ પાલન કરો.

નિયમ:

૧. બધાંની સાથે તમારો વ્યવહાર એવા પ્રકારનો હોવો જોઈએ, કે જેથી કોઈ તમને ‘પરાયું જણ’ ન સમજે – ‘પોતીકું જણ’ તરીકે જ વિચારે.

૨. મુરબ્બી, વડીલો તથા વયોવૃદ્ધ લોકો સાથે વ્યવહારમાં તમારી શ્રદ્ધાને પ્રકટાવો.

૩. નોકરચાકર, મજૂર વ. સાથે દોસ્તીભર્યો વ્યવહાર અવશ્ય કર્તવ્ય સમજીને કરો.

૪. ગમે તે કામ હોય, પરંતુ બધાને સહાયરૂપ થવા સતત તૈયાર રહો.

૫. કોઈ કાર્યને નાનું, હલકું કે તુચ્છ માની લેતા નહિ. રહેવાના ઓરડી-ઓરડા-ઘર-વાડીમાં સફાઈ કરવી, વાસીદું વાળવું, પોતું કરવું, લૂછવું – સાફ કરવું, કોઈ વજનવાળી વસ્તુને ઉઠાવવી વ. કોઈ પણ કામમાં સહેજે ય સંકોચ રાખવો નહિ.

ચોથો ઉપાયઃ

રહેણીકરણીમાં સૌજન્યભરી રુચિ

સભ્ય, સંસ્કૃત સમાજમાં રહેવું હોય, ત્યારે ઊઠવા બેસવામાં કે વાતચીતમાં, હરવા-ફરવામાં ખૂબ સાવધાન રહેવું યોગ્ય છે.

નિયમ:

૧. વાતચીત કરો એ દરમિયાન હાથને આમતેમ ઘુમાવવો એ એક ભયંકર કુટેવ કે ખરાબ અભ્યાસ છે. કારણ સિવાય જો૨ જોરથી બૂમ પાડીને વાતચીત શ્રોતાને માટે બહુ કષ્ટદાયક છે. વાતચીતની વચ્ચે વચ્ચે ‘હા’, ‘એટલે કે’, ‘સમજ્યા?’, ‘તમારા’ વ. અર્થહીન બિનજરૂરી શબ્દો બોલવા એ કુટેવનું ચિહ્ન છે, અત્યંત અસભ્યતાની નિશાની છે.

૨. દસ જણ સાથે બેસીએ, ત્યારે પગ હલાવ્યા કરવો જ અશોભનીય છે.

૩. હંમેશાં ટટ્ટાર થઈને નહિ બેસો, તો શરીરને ખૂબ નુકસાન થાય છે. વાંકા વળીને બેસવું ખરાબ દેખાય છે. તે જરાયે સ્વાસ્થ્યક૨ નથી.

૪. શણગાર ભરેલ વેશભૂષાનો શોખ વિદ્યાર્થીઓ માટે ખૂબ નિંદનીય છે.

સારસંક્ષેપમાં કહીએ કે બધી બાબતમાં વ્યવસ્થિત રહેવું જોઈએ.

પાંચમો ઉપાય: ઉચ્ચાકાંક્ષા

માત્ર ખાવાપીવા ને રહેવાની સગવડ સુવિધાઓ સિવાય, અન્ય ઉચ્ચ આકાંક્ષા જેનામાં નથી, તેનામાં અને પશુ પક્ષીમાં કોઈ તફાવત છે ખરો?

પરીક્ષા પાસ કરીને એક નોકરી મેળવવાની ગોઠવણી, માત્ર – આટલું જ જેના જીવનનું ધ્યેય છે તે ક્યારેય આત્મવિકાસ, આત્મોન્નતિ માટે પ્રયત્નશીલ બનવા રાજી થાય નહિ.

મનને ઉત્સાહથી ભરી દેવા માટે નીચે પ્રમાણે સંકલ્પ-સમૂહ સતત યાદ રાખો.

સંકલ્પ:

૧. હું કોઈ બાબતમાં ક્યારેય પછાત નહિ રહું, ભણવા-ગણવામાં, ખેલકૂદમાં, કામકાજ, ભદ્રવ્યવહાર બધી બાજુએ હું આગળ ચાલતો રહીશ.

૨. હું વિદ્વાન, વિદ્યાવાન બનીશ. હું વિચારશીલ બનીશ.

કોઈ વિષયમાં હું મતામત વ્યક્ત કરું, તો કોઈ તેની અવજ્ઞા કરી શકશે નહિ.

૩. હું સદુપાયથી ધનની કમાણી કરીશ અને દાતા તરીકે કીર્તિ મેળવીશ.

૪. હું સ્વસ્થ, સબળ બનીશ. હું કોઈ ખોટું કામ નહિ કરું. મારી સામે કોઈ કશી ખોટી બાબત કે ખોટું કામ ક૨વાની હિંમત નહિ કરે.

૫. હું સત્યવાદી થઈશ. મારી વાતમાં કોઈને ક્યારેય સંદેહ નહિ ઉપજે.

નવાગત વિધાર્થીઓ માટે તૃતીય પાઠ

ઉપકરણ:

વહાલા વિદ્યાર્થીઓ,

તમારા જીવનઘડતર કરવાની મોટી જવાબદારી અંગે આટલા વખત પછી તમે અવશ્ય સચેતન થયા છો. જીવનને સુંદર ભાવે વિકસાવવા માટે અને તેના પ્રશ્નોની સુંદર મીમાંસાને માટે ત્રણ લક્ષણો અવશ્ય હોવાં જરૂરી છે: પ્રથમ, સમુદ્ર સમાન અથાગ અને નીલાકાશ જેવું અનંત સહાનુભૂતિથી ભરેલું વિશાળ હૃદય.

બીજું, આ જગતનાં સુખદુઃખ, ભલું-બૂરું વ. તમામ સમસ્યાઓનું સમાધાન કરી શકે એવી સુતીક્ષ્ણ બુદ્ધિ જે વિશ્વથી ૫૨ જઈને વિશ્વનાથના ચરણનો સ્પર્શ કરી શકે.

ત્રીજું, હૃદયની ઈચ્છા તથા બુદ્ધિના નિશ્ચયને, સંકલ્પને કાર્યમાં રૂપાંતરિત કરવા માટે જોઈએ, વજ્ર જેવી દૃઢતા રાખે તેવા કાર્યદક્ષ બાહુ, જે જગતના બધાં અનિષ્ટ, અમંગલને બળપૂર્વક ચૂરેચૂરા કરવાની ક્ષમતા ધરાવતા હોય.

તમે આ ત્રણેય ઉપકરણનો સંગ્રહ કરીને મનુષ્ય થઈને આગળ વધો, મગરુરીથી ઊભા રહો. જગતમાં આટલું દુ:ખ જોયા પછીયે ગતાનુગતિક ભાવથી જીવન વીતાવી દેવું તમને શોભે નહિ. મનુષ્ય ફક્ત ભવિષ્ય તરફ આશાની મીટ માંડીને કેટલાં દુ:ખકષ્ટ સહન કરીનેય જીવતો રહે છે? તમે જ તો એ ભવિષ્યની આશાનું કિરણ છો.

તમે કદાચ વિચારો છો કે ઉપર્યુક્ત ત્રણેય ઉપકરણ બહુ દુર્લભ છે. પરંતુ સંસારમાં કોઈ સારી વસ્તુ સુલભ છે ખરી? યોગ્ય ઉપાયનું અવલંબન લેવાનાં સાહસ, હિંમત ને ખંત – અધ્યવસાય – હોય, તો દુર્લભ પણ સુલભ બની જાય. આ વાત નક્કી જાણજો. જો આ ત્રણ વસ્તુ તમારે માટે અસંભવ હોય, તો શું અમે પણ અશક્ય આદર્શના પથ પર ધકેલીને તમારા જીવનને નષ્ટ કરવાનું કહેત ખરા? તમે જરાક વિચાર કરીને સમજી જશો કે જે બધી વાતો કહેવામાં આવી, તેનું અનુસરણ કરવાથી તમારું જીવન જરૂર આદર્શને અનુરૂપ બની રહેશે.

ઉપસંહાર

વહાલા વિદ્યાર્થીઓ,

હવે અનેક દિવસો સુધી અહીં રહીને તમારા ભાવિ જીવનની આધારની ભૂમિકાનું ઘડતર કરવું પડશે. અત્યારે આ સ્થળ જ તમારું સાચું ઘર. આજથી તમારી ઉન્નતિ-અધોગતિથી આશ્રમનું મંગળ-અમંગળ ગણવામાં આવશે.

તમારા જીવનનો ઉદ્દેશ્ય તથા એને કાર્યમાં રૂપાંતરિત કરવા માટે દર્શાવેલ ઉપાય અને આવશ્યક ઉપકરણ બાબત તમે અનેક વાતો અહીં સાંભળી છે. કોઈ કોઈ નિયમનું પાલન કરવાનો અભ્યાસ તમે આ ગાળા દરમિયાન ખૂબ આગ્રહથી કરવા મંડ્યા છો એવો દૃઢ વિશ્વાસ અમે રાખીએ છીએ. કેટલોક સમય આ રીતે ચાલવાના પરિણામરૂપે પ્રથમ તમને જોવા મળશે – મનમાં એક સ્વસ્તિ, અંત૨માંથી એક આનંદનો ભાવ હરહંમેશ સ્ફૂર્યા ક૨શે.

બીજું પરિણામ મળશે – બધાં કામમાં મન લાગશે અને એને લીધે બધાં કામમાં સફળતા મળશે.

ત્રીજું પરિણામ જોવા મળશે – આત્મવિકાસ માટે ખૂબ આગ્રહ વધશે તથા પરિશ્રમ ક૨વાની અનિચ્છા અથવા મહેનત કરવાથી થાક કે પીડાની લાગણીનો અનુભવ ત્યારે થશે જ નહિ.

ચોથું પરિણામ: મન સ૨ળ થશે – ઈર્ષા, દ્વેષ કે હિંસા રહેશે નહિ. સૌ પોતીકાં લાગશે અને તમને પણ બધાંની સ્નેહની લાગણીનો અચૂક અનુભવ થશે.

નિયમિત જીવન જીવવાથી આ બધાં પરિણામ-ફળ – અવશ્ય તમે પ્રત્યક્ષ અનુભવીને ધન્ય થશો અને ઉત્તરોત્તર મહાન બનવાની પ્રેરણા પામશો.

તમે મહાન થાઓ ત્યારે તમારા આત્મજન, સ્વજન, સગાંઓ, તમારાં દેશવાસી ભાઈ-બહેનોને કેટલો આનંદ થાય, તેની કલ્પના કરી જુઓ. અને મહાન જીવન મેળવવાથી, સમાજની સંમુખે ઊભા રહેશો, ત્યારે તમે જાતે કેટલા સુખી થશો, તે શું તમને કહી સમજાવવું પડશે?

આ નવયુગના પ્રારંભમા ભગવાન શ્રીરામકૃષ્ણદેવે સમગ્ર માનવપ્રજાની સમક્ષ જે મહાન જીવનના આદર્શની પ્રતિષ્ઠા કરી છે, તે તમારા જીવનમાં રૂપાંતરિત કરવાનો પ્રયત્ન કરવાથી એમના આશીર્વાદ પણ તમારા ઉપર વ૨સતા રહેશે.

મનમાં યાદ રાખો

જીવનનો વિકાસ કરીને, એને ઊર્ધ્વમુખી બનાવવું – એ જ શિક્ષણનો ઉદ્દેશ છે.

બધા સદ્ગુણોનો વિકાસ, સર્વ મધુરતા, મીઠાશનું પ્રકટીકરણ એ જ સભ્યતા.

ભાષાંતર: સ્વામી જ્ઞાનેશાનંદ

Total Views: 63

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.