વસો ઊંચે

વસો ઊંચે ઊંચે શિખર, ચિતિ, મારી, અટવીમાં

તળેટીની જાળે નહિ તું અટવા અંધ તમસે,

હજારો વેલાના વમળ ચરણોને તવ ગ્રસે,

હજારો કાંટાળાં કુહ૨ ભરખે તેજ રવિનાં.

ચડો ઊંચે ઊંચે, શ્વસન બનશે નવ્ય રુધિરે,

નવા વાયુઓથી નસનસ નવાં જોમ ગ્રહશે,

દૃગોમાં દીપ્તિઓ નવ ચમકશે, દ્યૌતલ વસ્યે

વિશાળી ગોદે તું અવની ગ્રહશે મોદ મધુરે.

અણુમાં ખૂંતીને અણુતમ બનીને અકળતા

લહી લે સૃષ્ટિની, બૃહતતમ વા વ્યોમ વિચરી

નિગૂઢા દૈવી તે દ્યુતિતણી રચીને સહચરી

૨મી રહે આશ્લેષી અખિલ ભુવનોની સકલતા.

નહીં આ વચ્ચેનાં સ્ફુરણમહીં તું સ્થૈર્ય ગ્રહજે,

પશન્તોને પ્રાન્તે વિહર ચઢીને દિગ્પતિ ગજે.

– સુન્દરમ્

સાધક કવિની સ્વગતોક્તિનું આ કાવ્ય છે. કવિની ઊર્ધ્વની ઝંખના એમાં તીવ્ર બનીને વ્યક્ત થાય છે. ચેતનાની સ્થૂલ કક્ષાઓ વટાવી ઊંચા ગગનચુંબી શિખર ઉ૫૨ આરોહવાનું આ કાવ્યમાં ઉદ્બોધન થયું છે. કવિએ તળેટીથી શિખર સુધીના ચઢાણના આપણા અનુભવની વાત કરતાં કરતાં ચેતનાની સૂક્ષ્મ ઊર્ધ્વગતિની અનુભૂતિનું પણ સ૨સ સૂચન કરી દીધું છે.

કવિ કહે છે કે હે ચેતના! (ચૈતન્યપૂર્ણ જાગ્રત અવસ્થા) નીચેની તળેટીમાં તો વનવગડો છે, જાળાં ઝાંખરાં છે, નર્યું અંધારું છે ત્યાં અનેક સંબંધો- સંઘર્ષો અને વૃત્તિઓના વેલા તારી ગતિને રોકે છે. એમાં પગ અટવાય છે. ત્યાં એવાં કુહરો (ગૂફા-ભોંયરાં) છે જે સૂર્યના તેજને પણ ગળી જાય છે. એ અંધારભૂમિ છે. ત્યાંથી આગળ વધવાનું છે. તળેટીમાં પડ્યું રહેવાનું નથી, પણ જે શિખર ઉપર દિવ્યપ્રકાશ ઝળહળે છે ત્યાં વસવાનું છે. આમ શિખર ૫૨ વસવાના સૂચનમાં પ્રકાશનો સંકેત છે. સૂક્ષ્મ દૃષ્ટિએ જોઈએ તો સમાધિની દશામાં પ્રથમ તબક્કો આવાં ભોગવૃત્તિ અને તૃષ્ણા- લાલસા વગેરેનાં અવરોધક પરિબળોનો નિર્દેશ કરે છે. પ્રારંભમાં તમોગુણી કક્ષા ચેતનાને આગળ વધતાં રોકે છે. એને ઓળંગીને ચિદાકાશમાં ઊર્ધ્વ ગતિ કરવાની હોય છે.

બીજા ચતુષ્કમાં સુન્દરમ્ની સ્વાનુભૂતિ એક કદમ ઊંચે સરે છે. પર્વત ચઢતાં હોઈએ ત્યારે જેમ ઊંચે જઈએ તેમ શ્વાસની ગતિ વધે છે, કાયામાં રક્ત વેગીલું બની ધસે છે. નસેનસમાં નવું જોમ આવે છે. આંખોમાં તેજની ચમક ઝગમગે છે. દ્યૌતલ એટલે આકાશનું ઊંડાણ – એનું તળિયું. ત્યાં જઈએ એટલે પછી વિશાળતાનો જ અનુભવ થાય. પર્વત ઉપર ચઢ્યા બાદ બધું કેવું વિસ્તૃત લાગે છે! ત્યાં પૃથ્વીનું દર્શન પણ તદ્દન નવતર અને આનંદદાયક લાગે છે. આ પર્વતારોહણનો સ્થૂલ અનુભવ. પણ સમાધિ અવસ્થામાં જ્યારે ચેતના એની પ્રથમ તમોભૂમિને – તૃષ્ણાનાં વળગણોની ભૂમિકાને છોડીને ઊર્ધ્વમાં સરે છે, ત્યારે ત્યાં પણ બૃહદનો – ભૂમાનો – અદ્ભુત અનુભવ થાય છે. એ હવે મનોમય સૃષ્ટિને અતિક્રમીને આનંદમય કક્ષા પ્રતિ વળે છે. એ ચિદાકાશમાં ઊંચે સરવાનો સૂક્ષ્મ અનુભવ છે.

કાવ્યમાં કવિની ઊર્ધ્વની અભીપ્સાની અનુભૂતિ જેમ જેમ નિરૂપાતી જાય છે, તેમ તેમ ચેતના નવપ્રસ્થાન કરતી દેખાય છે. ઊંચે શિખર ઉપર જઈએ એટલે અણુઅણુનું દર્શન થાય. અતિ સૂક્ષ્મ બનીને આ સૃષ્ટિનાં અકળ રહસ્યોને પામી લેવાનું શક્ય બને. આ રચનાની ખૂબી એ છે કે ઊંચે શિખર ઉપર ગયા પછી પણ આ ધરાને – સૃષ્ટિને – છોડવાની નથી. વ્યોમમાં વિહરીને એના તેજને પામવાનું છે, તેમ જ આ સૃષ્ટિનાં સૂક્ષ્મ તત્ત્વોને પણ ઓળખવાના છે. પરંતુ તળેટીમાં તો માત્ર સીમાબદ્ધ પૃથ્વી જ દેખાતી હતી, શિખરે પહોંચ્યા પછી તો અખિલ વિશાળાં ભુવનો દૃષ્ટિગોચર થયાં છે. એ બધાંને નિહાળવાનું શક્ય બને છે. ચિદાકાશમાં ઊંચે – ઊર્ધ્વમાં ગતિ કરતી ચેતનાને પણ હવે નિર્વિકલ્પ આનંદસમાધિનો અનુભવ થાય છે. ચૌદેય ભુવનનાં દર્શન થઈ જાય છે સકલતા – સંપૂર્ણતાની અનુભૂતિ થાય છે. તેન એકેન વિજ્ઞાતેન સર્વં વિજ્ઞાતં ભવતિ – તે એકને જાણી લેવાથી જાણે બધું જાણી લેવાયું હોય એવી આનંદલોકની અનુભૂતિ થઈ રહે છે. કવિ ચેતનાને એ ભૂર્, ભુવર્ અને અંતે સ્વર્ લોક સુધી પહોંચવા આહ્વાન કરે છે, એ નિગૂઢ તેજનો પ્રદેશ છે.

આથી અંતિમ બે પંક્તિઓમાં કહ્યું છે – ‘વચ્ચેના પ્રદેશમાં રોકાઈ ન જતી ‘‘નહીં આ વચ્ચેના સ્ફુરણમહીં તું સ્થૈર્ય ગ્રહજે” ત્યાં અટકવાનું નથી. પણ યશલોકમાં જ્યાં કોઈ સિદ્ધિઓ – પ્રલોભનો નથી એવી કક્ષાએ પહોંચવાનું છે, જ્યાં દિશાઓના પતિ (દિક્પતિ)ના હસ્તી ઉપર બેસીને એ સ્વર્લોકમાં – કેવળ આનંદમય અવસ્થામાં વિહરવાનું છે.

આ સૉનેટકાવ્ય છે. અંગ્રેજી શૈલીનું સૉનેટ હોવાથી ત્રણ ચતુષ્કો (ચાર પંક્તિઓનો ઘટક)માં કવિની અનુભૂતિ ઉત્તરોત્તર વિકસે છે અને અંતિમ પરાકાષ્ઠાની બે પંક્તિઓમાં એ ચરમ કક્ષાએ પહોંચે છે. તળેટીથી શિખર સુધીની યાત્રાના અનુભવની વાત કરતાં કરતાં કવિએ ચિદાકાશમાં ઊંચે સરી રહેતી ચેતનાનું કેવું મનોહર દર્શન કરાવ્યું છે! છંદ પણ શિખરિણી પસંદ કર્યો છે, તેથી આ ગુરુલઘુ શ્રુતિઓની યોજના દ્વારા અન્નમય, પ્રાણમય, મનોમય ભૂમિકાઓ ૫૨થી વિજ્ઞાન (વિશિષ્ટ જ્ઞાન) અને આનંદમય ભૂમિકા પર્યંત આરોહણ કરવાનું શક્ય બન્યું છે.

Total Views: 106

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.