‘પ્રબુદ્ધ ભારત’નો શતાબ્દી વિશેષાંક

દુનિયાના ઘણા દેશોની તુલનાએ ભારતમાં માણસનું આવરદા ટૂંકું છે. સામયિકોનું આવરદા તો તેથીયે ટૂંકું જોવા મળે છે. એ સંજોગોમાં ‘પ્રબુદ્ધ ભારત’ સોમા વર્ષમાં પ્રવેશે તે અભિનંદનીય અને અભિવંદનીય છે. અમેરિકાથી સ્વામી વિવેકાનંદની વારંવાર ટકોરે મદ્રાસમાંના એમના યુવાન શિષ્યો આલાસિંગા પેરુમલ, રાજમ ઐયર, નંજુંદા રાવ વગેરેને ચાનક લગાડી અને ‘પ્રબુદ્ધ ભારત’નો પ્રથમ અંક ૧૮૯૬ના જુલાઈમાં પ્રગટ થયો. શ્રી રાજમ ઐયર નામના સ્વામીજીના યુવાન તેજસ્વી શિષ્ય એના સંપાદક હતા. પણ આવું સંપાદન એકલી તેજસ્વિતાથી ચાલે નહીં. એ માટે આયોજન જોઈએ, વ્યવસ્થા શક્તિ જોઈએ, સંપર્કો જોઈએ, નાણાં જોઈએ. શ્રી રાજમ પાસે નાણાં ન હતાં કે આવા કાર્યનો અનુભવ ન હતો. એટલે આરંભના અંકોનો ઉઠાવ વગેરે આકર્ષક ન હોય એ કુદરતી છે. પણ એમની સંકલ્પશક્તિ જબ્બર હતી એટલે, બે વર્ષ પછી એમનું અકાળે, અચાનક અવસાન થયું ત્યારે, એક માસના જ ખાડા પછી ‘પ્રબુદ્ધ ભારત’ના અંકો દેશવિદેશમાં એના ચાહકોના હાથમાં આવવા લાગ્યા. આજે સો વર્ષે પણ તે સોળ વરસના યુવાનના થનગનાટથી ચાલે છે તેને સ્વામી વિવેકાનંદની કૃપા જ સમજવી રહી.

રાજમ ઐયરના મૃત્યુ પછી ‘પ્રબુદ્ધ ભારત’ હનુમાનથીયે મોટો કૂદકો મારી દક્ષિણે મદ્રાસમાંથી ઉત્તરે હિમગિરિની ગોદમાં, અલમોડા થઈ માયાવતી પહોંચી ગયું. આજે પણ તેનું સંપાદન કાર્ય માયાવતીમાંથી જ થઈ રહ્યું છે. મુદ્રણ છેલ્લાં કેટલાંક વર્ષોથી કલકત્તે થાય છે. રાજમ ઐયરના અચાનક અવસાનને અને સ્થાનફે૨ને કારણે માત્ર એક માસનો ખાડો બાદ કરતાં ‘પ્રબુદ્ધ ભારત’ ભારત વર્ષને અને જગતને પ્રબુદ્ધ કરવાનો પાવક યજ્ઞ સતત કરતું રહ્યું છે. શતાબ્દી સ્મારક અંકમાં ‘પ્રબુદ્ધ ભારત’ના જે એકવીસ સંપાદકો -સહસંપાદકોની છબીઓ આપવામાં આવી છે તેમાં, રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમ સાથે સંકળાયેલા સ્વામી જિતાત્માનંદજી અને સ્વામી મુમુક્ષાનંદજી પણ છે એ સૌ આશ્રમભક્તો માટે આનંદની અને ગૌરવની વાત છે.

નજીકમાં નજીકના રેલગાડી સ્ટેશનથી ૮૦-૯૦ કિ.મી. દૂર આવેલ સ્થળેથી આવા સામયિકના પ્રકાશનનું કાર્ય હાથ ધરવું એ ભગીરથ પ્રયત્ન માગી લેનાર કામ હતું. સ્વામી વિવેકાનંદનાં વિદેશી શિષ્ય દંપતી શ્રી અને શ્રીમતી સેવિયરની સહાયથી સ્વામી સ્વરૂપાનંદે તે કાર્ય ૧૮૯૮માં આરંભ્યું. લગભગ બે હજાર મીટર ઊંચા પહાડ પર આવેલા એ નિર્જન, એકાંત આશ્રમમાંથી, છેલ્લાં સતાણું વર્ષથી અવિરતપણે ‘પ્રબુદ્ધ ભારત’ની જ્ઞાનધારા સતત વહેતી રહી છે. ભગિની નિવેદિતાના જણાવ્યા પ્રમાણે ‘વિશ્વને જાગ્રત કરવાનું અને રાષ્ટ્રને ઘડવાનું,’ એ દ્વિવિધ કાર્ય સ્વામીજીનું જીવન ધ્યેય હતું. સ્વામી વિવેકાનંદના આ આદર્શનું મુખપત્ર બનવાનું સુંદર કાર્ય ‘પ્રબુદ્ધ ભારત’ સરસ રીતે પાર પાડી રહ્યું છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી.

‘પ્રબુદ્ધ ભારત’ના પ્રજ્ઞાવાન સંપાદકો જેવા જ તેજસ્વી લેખકો એને સાંપડ્યા છે. ભગિની નિવેદિતા, ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ આપનાર શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત, સ્વામી વિરજાનંદ, ડૉરૉથી ક્રુગર, ક્રિષ્ટોફર ઈશ૨વુડ, રોમાં રોલાં, સ્વામી અભેદાનંદ, વિવેકાનંદના સહાધ્યાયી બ્રિજેન સીલ, મહેન્દ્રલાલ સ૨કા૨, નિકોલસ રો રિશે, પ્રખ્યાત ભાષાશાસ્ત્રી સુનીતિકુમાર ચેટર્જી, શ્રી શરત્ચંદ્રબોઝ (સુભાષબાબુના ભાઈ), શ્રીમતી ચિન્મયી ચેટર્જી, પ્રખ્યાત પુરાતત્ત્વવિદ ડૉ. કાલિદાસ નાગ, રાઘવાચાર, કૃપાસ્વામી, નાનાલાલ મહેતા- એ. આઈ. સી. એસ. અધિકારી હતા, ડૉ. શિવેશ્વ૨ક૨, સ્વામી લોકેશ્વરાનંદ, સ્વામી યતીશ્વરાનંદ,… આ યાદી પૂરી ક૨વી મુશ્કેલ છે.

ભારતીય તત્ત્વ દર્શનોની વિવિધ દૃષ્ટિબિંદુએથી થતી છણાવટને લગતા લેખો ઉપરાંત, દેશ વિદેશના સંતો, સાધકો, સૂફીઓ વિશેના લેખો પણ એમાં પ્રગટ થયા છે. મુસ્લિમ સંત રાબિયા, ગુરુ ગોવિંદસિંહ, ત્યાગરાજ, સ્પેનનાં વિખ્યાત સંત ટેરેસા વગેરે અનેક સંતો વિશે માહિતીસભર લેખોને સ્થાન મળ્યું છે. ગાંધીજી અને શ્રી અરવિંદની અસરો પણ ‘પ્રબુદ્ધ ભારતે’ ઝીલી છે.

૧૯૫૫ના માર્ચના ‘પ્રબુદ્ધ ભારત’ના અંકથી એક વિશિષ્ટ લેખમાળા આરંભાય છે: ‘ન્યુ ડિસ્કવરિઝ રિગાર્ડિંગ સ્વામી વિવેકાનંદ’. એનાં લેખિકા છે ‘એક અમેરિકન ભક્ત’. આ અજ્ઞાત ભક્ત સ્વામીજીના અમેરિકા ભ્રમણ અને અમેરિકા નિવાસ વિશે મકાનોના મેડા માળિયાંઓ ચઢી, ભોંયતળિયે ભંડકિયે પેસી, જૂની ટ્રંકો ઉઘાડી, જૂનાં અખબારો ફેંદી, જૂના પત્ર વ્યવહારો શોધી સ્વામીજી વિશે એટલી બધી આશ્ચર્યજનક માહિતી ૨જૂ કરે છે કે ‘પ્રબુદ્ધ ભારત’નો વિશાળ વાચક વર્ગ સ્તબ્ધ થઈ જાય છે. છ દળદાર ભાગોમાં એમનાં સંશોધનો પ્રસિદ્ધ થાય છે ત્યારે જગતને જાણ થાય છે કે એ અમેરિકન ભક્તનું નામ મેરી લુઈસ બર્ક છે. એ આજે ગાર્ગીને નામે ઓળખાય છે.

સ્વામી ભૂતેશાનંદજીના અને સ્વામી રંગનાથાનંદજીના લેખો પણ ‘પ્ર.ભા.’ને વિશિષ્ટ રોનક અર્પે છે.

‘પ્ર.ભા.’ના સો વર્ષના ઈતિહાસની આ પૂરી માહિતી તો નથી જ પણ આપણે આટલેથી સંતોષ માણીએ અને ‘પ્ર.ભા.’ના શતાબ્દી વિશેષાંકની પ્રસાદી ભણી દૃષ્ટિપાત કરીએ.

૪૧૬ પૃષ્ઠોનો એ દળદાર અંક વિવિધ અને સંતર્પક વાચન સામગ્રી પૂરી પાડે છે. સ્વામી વિવેકાનંદને અંજલિ રૂપનું અને સ્વામીજીનું પોતાનું એમ બે કાવ્યો બાદ કરીએ તો સમસ્ત ગ્રંથ દસ વિભાગોમાં વહેંચાયેલો છે.

‘પ્ર.ભા.’ વિશેનો ૪૦ પૃષ્ઠોનો પ્રથમ વિભાગ પ્ર.ભા.નો ઈતિહાસ આલેખે છે. ગ્રંથનાં ૧૦૫ પૃષ્ઠો રોકતા ભારત વિશેના ૧૭ લેખો માહિતીપ્રદ અને વેધક છે. શ્રી અરવિંદના શ્રીરામકૃષ્ણ વિશેના એક અવતરણથી આરંભાતા એ વિભાગના વિવિધ લેખો આપણને અધ્યાત્મના, ઈતિહાસના, સમાજશાસ્ત્રના, નારી વિશેના ચિંતનગર્ભ લેખોથી આ વિભાગ સમૃદ્ધ છે.

સ્વામી વિવેકાનંદ વિશેના ચાર લેખો સ્વામીજીની અનેકમુખી પ્રતિભાનું દર્શન કરાવે છે.

‘અમેરિકામાં અધ્યાત્મ’ વિશેના ત્રણ લેખો ખૂબ માહિતીપ્રચુર છે. ફ્રઁકલિન સૅન્બૉર્ન પરના લેખમાં, વિવેકાનંદથી બેવડી વયના એ ગૃહસ્થે સ્વામીજીને પ્રકાશમાં લાવવા જે સહાય કરી અને હાર્વર્ડ યુનિ.ના પ્રૉ. રાઈટનો પરિચય તેમને કરાવ્યો – જે ખૂબ અગત્યનો પુરવાર થયો હતો-તેની ઉપયોગી માહિતી તેમાં છે.

‘‘‘પ્રબુદ્ધ ભારત’નો સંદેશ: વેદાન્ત’’ અને ‘માયાવતી વિશે’’ના બે વિભાગો કદમાં ભલે નાના હોય પણ આ ગ્રંથના અતિ અગત્યના વિભાગો છે. સ્વામી ભજનાનંદના લેખમાં માયાવતીની શાંતિ આપણા કાનમાં પડઘાય છે. અદ્વૈતની અનુભૂતિ માટે એ નીરવતા અને એ એકાંતની આવશ્યકતા સ્વામી વિવેકાનંદે બરાબર પિછાણી લીધી હતી. ભર્યા સમાજની વચ્ચે રહેતાં મનુષ્યના અંતરને દોરતા એકલતાના અનુભવ કરતાં માયાવતીનું એકાંત કેટલું ભિન્ન છે તે સ્વામી ભજનાનંદે સરસ રીતે નિર્દેશ્યું છે.

“પ્ર.ભા.ના સંદેશ” વિભાગના નવ લેખોમાં, ૧૮૯૮માં સપ્ટે.માં પ્ર.ભા.ના અંકમાં પ્રગટ થયેલી સ્વામી વિવેકાનંદ સાથેની મુલાકાતનો અહેવાલ રસપ્રદ છે. અને વેદાંતનાં જુદાં જુદાં પાસાંઓને ચર્ચતા બાકીના આઠ લેખો આપણને વેદાંત શું છે તે સમજવામાં સહાયરૂપ થાય છે. પ્રૉ. ડેવિડ ઍપલ બોમનો ‘વેદાંતઃ અંદર અને બહાર’ તથા નવિન ઘોષનું સુંદર કાવ્ય ‘ધ કાઈટ’ (પતંગ) વ્યક્તિને પતંગ સાથે સરખાવે છે. એક ઉત્તમ પતંગનો દોર કપાઈ જાય છે. બીજા બધા પાછા આવે છે, આ એક સિવાય. એ અદ્ભુત કાવ્યની છેલ્લી ચાર પંક્તિઓનો અનુવાદ જોઈએ:

દિવસ ઊજળો હતો, વ્યોમ ભૂરું હતું,

વાયરોયે હતો ઠીક વાતો

પરત સૌ આવતા પૃથ્વી પે કનકવા

એક આ ભૂરિયો ઊડી જાતો.

‘પ્ર.ભા.’ના આ શતાબ્દી અંકના વાચક પણ એ પતંગની દશા અનુભવે તો નવાઈ નહીં! ઉમાશંકર જોશીની પંક્તિઓમાં થોડો ફેરફાર કરી કહીએ:

શતાબ્દીઓના ચિર શાંત ઘુમ્મટો

ગજાવતો મંગલ શબ્દ પાઠવે,

પ્રબુદ્ધ ભારતજગને પ્રબોધતો

ટૂકેથી મંગલ માયાવતીની.

– દુષ્યંત પંડ્યા

Total Views: 77

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.