ભારતીય ઈતિહાસના મધ્યયુગમાં વેદાન્ત-તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે એક એવી પરંપરા શરૂ થઈ કે જેમાં વેદાન્તની પ્રસ્થાનત્રયીનો સ્વીકાર થયો. પહેલું પ્રસ્થાન ઉપનિષદ (શ્રુતિ), બીજું પ્રસ્થાન બ્રહ્મસૂત્ર (ન્યાય) અને ત્રીજું પ્રસ્થાન ભગવદ્ગીતા (સ્મૃતિ), એવી વ્યવસ્થા થઈ અને પ્રથા ચાલી કે જે કોઈ પ્રતિભાવંત વ્યક્તિ આ ત્રણેય પ્રસ્થાનો ૫૨ પોતાનું મૌલિકવિચારયુક્ત સળંગસંપૂર્ણ ભાષ્ય, વાર્તિક કે વ્યાખ્યા લખીને એ ત્રણેમાં પોતાનો આગવો વિશિષ્ટ સિદ્ધાન્ત પ્રસ્થાપિત કરે તો એને ‘આચાર્ય’ની પદવી અપાતી. શંકર, રામાનુજ, વલ્લભ, નિંબાર્ક અને મધ્ય આવા ‘આચાર્યો’ હતા.

સ્વામી વિવેકાનંદ પણ ૫૨મ મેધાવી મહાપુરુષ હતા. છતાં એમણે પ્રસ્થાનત્રયીના કોઈ ગ્રંથ ૫૨, અથવા તો અન્ય કોઈ શાસ્ત્રગ્રંથ પર સંપૂર્ણ ગણી શકાય તેવું કોઈ ભાષ્ય લખ્યું નથી. કારણ કે એવા પ્રકારનું આચાર્યપદ મેળવવાની એમની ઈચ્છા જ ન હતી. તેઓ સમજતા હતા કે એમના જીવનનું કાર્યક્ષેત્ર તો જન્મભૂમિ અને જગતનાં જનોનું જાગરણ કરવા જ નિર્માયું હતું. એમનો આવિર્ભાવ જ આધ્યાત્મિક અને નૈતિક સંક્રાન્તિને સમયે થયો હતો.

આમ છતાં તેમણે પ્રસ્થાનત્રયી વિષે જે કંઈ છૂટું છવાયું કહ્યું છે, અથવા તો થોડું ઝાઝું જે કંઈ લખ્યું છે, તેમાં ભૂતભાવિમાં પડઘાતી તેમની અનન્ય મૌલિક્તા નીતરી રહી છે એવું જણાય છે.

અહીં એ અવશ્ય નોંધવું જોઈએ કે સ્વામી વિવેકાનંદની એવી મૌલિક્તાની ગંગોત્રી તો વિવિધ અનુભૂતિજન્ય ધર્મસમન્વયના ધ્વજધારી એમના ગુરુ શ્રીરામકૃષ્ણદેવ જ હતા, એ જીવતા જાગતા ઉપનિષદ્ સ્વરૂપ હતા. એમનો પ્રત્યક્ષ પ્રકાશ પામ્યા પછી સ્વામીજીને ઉપનિષદો કે બીજા કોઈ ગ્રંથ પર સળંગ વ્યાખ્યા લખવાની આવશ્યક્તા નહિ જણાઈ હોય, એમ ધારવું યોગ્ય લાગે છે. કારણ કે ગુરુદેવના રોજબરોજના જીવનની દરેકે દરેક ક્રિયામાં જ માનવોના આધ્યાત્મિક અને નૈતિક યુગાનુરૂપ આદર્શોને ઉજાગર કરતો પ્રકાશ અપરોક્ષ રીતે દેખાતો હોય તો પછી વળી એના ૫૨ બીજા અલગ સળંગ ભાષ્યની તો જરૂર જ શાની હોય? એટલે જ એમણે ઉપનિષદોના મૂળ ગ્રંથોને ગુરુદેવના જીવન સાથે જોડી દેવાનું જ પસંદ કર્યું અને એમાંથી જ એમની વાણીમાં વૈશ્વિક મૌલિક્તા નીતરવા લાગી.

વેદોના અંતભાગમાંના જ્ઞાનકાંડરૂપ આ ઉપનિષદો સકલ વેદરાશિનું સારતત્ત્વ છે, એ સનાતન અને દિવ્ય છે, વેદના દ્રષ્ટા ઋષિઓએ જોયું કે સાંભળ્યું છે એટલે એ ‘શ્રુતિ’ કહેવાય છે. એની સનાતનતાને કા૨ણે એ અપૌરુષેય છે. આમ ઉપનિષદનાં સત્યોની સનાતનતા સૌની પેઠે સ્વામીજીને પણ સ્વીકાર્ય છે.

સ્વામી વિવેકાનંદે ઉપનિષદોને (અને એથી સ્વાભાવિકપણે જ પ્રસ્થાન ત્રયીને પણ) અન્યધર્મો, તત્કાલીન વિકસતા પાશ્ચાત્ય વિજ્ઞાન, બૌદ્ધિક્તા વગેરેના સંદર્ભમાં જોયાં છે અને જાણ્યાં છે અને એની સમન્વયાત્મક વૈશ્વિક્તા ખડી કરી છે. અર્વાચીન પ્રગતિશીલતાને એની સાથે જોડી દીધી છે. પૂર્ણ સત્યની ખોજની અનંતતા અને એ માટેના માનવીય પ્રયત્નોનું સાતત્ય એમણે સ્વીકાર્યું છે, ઉપનિષદોમાં ખોળ્યું છે, પ્રતિપાદિત કર્યું છે. અનેક દેવવાદમાંથી જ એમાં અંતર્નિહિત ગર્ભબીજભૂત એકેશ્વરવાદમાં પર્યવસાન પામતાં ઉપનિષદોમાં એમણે આ જ ઐતિહાસિક પ્રગતિશીલતા નિહાળી છે. ‘સત્’ની આ ભવ્ય અને અનંત ખોજયાત્રામાં આગળ ને આગળ વધવા પ્રેરતા દ્રષ્ટાઓની વાણી જ આ ઉપનિષદો છે, પ્રગતિના એ માર્ગસૂચક સ્તંભો છે. માનવના ભાવિની ઈશ્વરપ્રાપ્તિની – આ અવિરત અન્વેષણયાત્રા જ પ્રગતિ કે ઉત્ક્રાન્તિની પારાશીશી છે. એક પછી એક એમ અનેક મતો અને આદર્શો આ યાત્રાની જ નીપજ છે. આમ સ૨વાળો થતો રહે છે અને એ સ૨વાળામાંથી વળી બીજા સત્યની ઉપલબ્ધિ થાય છે. એ રીતે લાધેલા સત્યનું મૂળ ભૂતકાલીન સત્યમાં અને મુખ ભાવિ સત્ય તરફ હોય છે.

સ્વામી વિવેકાનંદને મતે આવા ભવ્ય ભૂતકાલીન સત્યોનો આપણો અનન્ય વારસો ઉપનિષદ છે. બીજમાંથી- જીવતા બીજમાંથી જ વૃક્ષ થાય છે. જેવું બીજ તેવું વૃક્ષ થાય છે. આપણા ઉપનિષદ્રૂપી વારસાને આપણે એ રીતે જાણવો અને જોગવવો જોઈએ. તેઓ કહે છે:

“તમારાં ઉપનિષદો તરફ પાછા વળો. ઝળહળતાં, શક્તિદાયક, સુપ્રકાશિત એ તત્ત્વજ્ઞાન તરફ જુઓ. વિશ્વના સાદામાં સાદા પદાર્થમાં પરમ સત્યની હસ્તીમાં – તમારી હસ્તીમાં પરમ સત્યની ગેબી સત્યની હસ્તી પ્રબોધતું એ તત્ત્વજ્ઞાન છે. તમારી સામે જ એ પડ્યાં છે. તેમને જુઓ, જાણો અને જોગવો તો ભારતની મુક્તિ હાથવેંતમાં જ છે.” (CW III p. 225)

આ સિવાય જીવનની જડતા અને યાંત્રિક્તામાંથી ઉગરવાનો કોઈ આરોઓવારો નથી. પ્રજાના આધ્યાત્મિક ઈતિહાસમાં દેખાતી આ પ્રગતિશીલતાએ જ એમને ઉપનિષદોના અભિનવદર્શન તરફ દોર્યા. ઉપનિષદોનું અભિનવ ભાષ્યરૂપ જીવતા જાગતા શ્રીરામકૃષ્ણ તો એમની સામે હાજરાહજૂર જ હતા.

ઉપનિષદોમાંથી સાંપડતા નિત્ય નૂતન સંદેશને ઝીલવા માટેની ભૂમિકા એ વખતે પશ્ચિમમાં અને ભારતમાં રચાઈ ચૂકી હતી. એટલે સ્વામી વિવેકાનંદની ઝંખનાને બાહ્ય ઉદ્દીપક પરિબળો પણ મળી જ રહ્યાં. અમેરિકા અને ઈંગ્લેન્ડ આદિ વિદેશોની વાત કરીએ તો ઈમર્સન, થૉરૉ, વૉલ્ટ વ્હીટમેન વગેરે પશ્ચિમના તત્ત્વજ્ઞો ઉપનિષદ વિચારોથી પરિચિત થઈ ચૂક્યા હતા. મૅક્સમૂલર, શૉપનહોર વગેરેનાં લખાણો અને ઉદ્ગારો પશ્ચિમના દેશોની હવામાં ગૂંજતા થઈ ચૂક્યાં હતાં. વિદેશનો સામાન્યજન ઉપનિષદોની હસ્તી ભલે ન જાણતો હતો છતાં પશ્ચિમના દેશોના બુદ્ધિજીવીઓનાં મન ઉપનિષદો ૫૨ મોહી રહ્યાં હતાં. અલબત્ત, કેટલાક આલોચકો પણ હતા છતાં એકંદરે પશ્ચિમી બુદ્ધિની ભૂમિ એ વખતે આ સંદેશ સત્કારવા સમુચિત રીતે તૈયાર બની ચૂકી હતી. હેગલ જેવાની એ આલોચનાએ તો ઉપનિષદોની પુન: સમીક્ષાને વેગ આપ્યો એમ કહી શકાય. આ ઉપરાંત પણ ઉપનિષદોના અનેક નાના મોટા અને કાચાપાકા અનુવાદો તેમ જ અનુવાદોનાય અનુવાદો એ વખતે યુરોપની ભૂમિ પર મોજૂદ હતા.

સ્વામીજીના પોતાના દેશ ભારતની વાત કરીએ તો એનો તો એ પરાપૂર્વનો વારસો જ હતો. એટલે એની મનોભૂમિ તો ઉપનિષદનો સંદેશ સ્વીકા૨વા સહજ રીતે જ તૈયાર હોય જ. પણ દુર્ભાગ્યે એવું ન હતું. એ વખતે એમની જન્મભૂમિ બંગાળમાં જ જનસામાન્ય માટે ઉપનિષદોને ઝીલવાં કઠણ હતાં. આધ્યાત્મિક્તાને પ્રતિકૂળ એવી પૌરાણિક રૂઢિઓ અને કર્મકાંડોથી ઘેરાયેલ જનસમાજને ઉપનિષદ-માર્ગે વાળવાનું કપરું કામ બંગાળ માટે, ભારત માટે અને વિશ્વ માટે એમણે ક૨વાનું હતું. જો કે બંગાળમાં રામ મનોહર રાયના બ્રાહ્મોસમાજે અને દેવેન્દ્રનાથ ટાગોરે ઉપનિષદોની પાયાની પ્રધાનતા પ્રસ્થાપિત કરી હતી અને પછીથી મહારાષ્ટ્ર અને ક્યાંક ગુજરાતમાં ફેલાયેલા પ્રાર્થના સમાજે પણ આવું કર્યું હતું. એટલે ભારતના નવજાગરણકાળમાં આધ્યાત્મિક અરુણોદય તો વરતાતો હતો, પણ સ્વામી વિવેકાનંદનો ઉપનિષદ તરફનો અભિગમ એ બધાં કરતાં ક્યાંય વધારે વિશાળ અને વધારે ઊંડો હતો.

આ વિશાળતા અને ગહનતા કઈ હતી? બ્રાહ્મોસમાજના સૈદ્ધાંતિક ઈશ્વરવાદમાં ઉપનિષદોનાં કેટલાંક પરિમાણો (આયામો)ની ઉપેક્ષા થઈ હતી. વળી, ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ઉપનિષદો પર તદ્દન પ્રાથમિક અને અણઘડ ‘વિશ્વદેવતાવાદ’ના આરોપની ઘોંસ પણ બોલતી હતી. અને ભારતના ધર્માભિમુખ શિક્ષિત જનસમાજમાં પણ વિશ્વધર્મની આધારશિલા તરીકે ઉપનિષદોને પિછાણવાનો ખ્યાલ ન હતો. અને સમગ્ર વિશ્વને એ અણીને ટાણે એની જ તો તાતી જરૂર હતી.

યુગની આ આવશ્યક્તા પૂરી કરવા જ એમણે ઉપનિષદોને પોતાની આગવી રીતે પ્રબોધ્યાં. એમાં એક અપૂર્વ મૌલિક્તાનાં દર્શન થાય છે. તે એ કે પ્રાચીન આદર્શોની અવગણના કર્યા વગર જ તેઓ ઉપનિષદના નૂતન અને ભાવિ આદર્શ તરફ આપણને સૌને દોરી ગયા. અતીતની ઉપેક્ષા કર્યા વગર જ મહાન ભવિષ્ય માટે કેવી રીતે કામ કરવું, એની અદ્ભુત પ્રજ્ઞા એમનામાં હતી. આધ્યાત્મિક્તાના ઈતિહાસમાં કે કોઈ સામાન્ય ઈતિહાસમાં આવી મૌલિક્તા અનન્ય કહેવાય.

ઉપનિષદ્ વિષયક એમની આ મૌલિક્તાનાં કેટલાંક પાસાં જોઈએ તો ઊડીને આંખે વળગે એવું એક પાસું એમની ‘આધુનિક્તા’ છે. એમની આધુનિક્તા કંઈ પરદેશી શિક્ષણથી આવેલી વાનર નકલી કહેવાતી આધુનિક્તાવાળી રહેણીકરણી ન હતી. એ આધુનિક્તા બુદ્ધિપ્રધાન તર્કપૂત વિચારોની હતી. અને એમાં સ્વતંત્રતા અને સ્વાયત્તતા હતાં. આ બાબતમાં તેઓ કોઈનાં ઊછી ઉધારાં કર્યા વગર પોતાને જ તૂંબડે તરવામાં માનતા અને એ તરણપટ તરીકે – અધિષ્ઠાન તરીકે એમણે ઉપનિષદોની ગંગા પસંદ કરી હતી. સ્વસંસ્કૃતિથી રસેલી અને પોતીકી બુદ્ધિગમ્યતાના પુરસ્કર્તા સ્વામી વિવેકાનંદ બૅકન કે સ્પેન્સર જેવા બહારના પરદેશી બુદ્ધિજીવીઓના વિચારોને એટલે જ કશું જ મહત્ત્વ આપ્યું નથી. તત્કાલીન પરદેશીઓના ભારત વિશેના આછકલા કથન – લેખન – વિચારોમાં પ્રકટ થતું છીછરાપણું તેઓ જાણતા હતા. તેથી તેમણે પોતાના દેશ ભારતના ધાર્મિક ઈતિહાસમાં જ્યારે ક્રાન્તિ કે પ્રગતિની મશાલ પેટાવી ત્યારે એમણે ડાર્વિન કે સ્પેન્સ૨ને ક્યાંય વચ્ચે લાવ્યા નથી. એમણે તો ફક્ત એ જ દર્શાવ્યું છે કે વેદકાળથી માંડીને ઉપનિષદોના નૂતન વેદાન્ત સુધી ક્રમશઃ એક સ્ત૨માંથી બીજા સ્ત૨માં પ્રવેશતી, પ્રત્યેક યુગના ધર્મજ્ઞાનનું પ્રતિનિધિત્વ કરતી આપણી નૈતિક અને આધ્યાત્મિક પ્રગતિની ધારાવાહિક સમગ્ર પ્રક્રિયાને કોઈ અક્કલવાળો માણસ કેવી રીતે જોઈ શકે. માનવની આધ્યાત્મિક ઉન્નતિમાં પગથિયાં તરીકે આવાં ઉત્થાનો જ માનવ-ઈતિહાસ સર્જે છે. આપણા ધાર્મિક જીવનમાં સર્જનાત્મક ઉત્કાન્તિનો (પ્રગતિનો) વિચાર સ્વામીજી આ રીતે કરે છે:

“એક ઉલ્લેખનીય હકીકત એ છે કે ઉપનિષદના આ વિચારો સદાયે પ્રગતિશીલ રહ્યા છે. જૂની અણઘડ ભાષામાં, ઋષિના મનની ક્રિયા જેવી થતી તેવી ચિત્રિત ક૨વામાં આવી છે. વિચારો પ્રથમ કેવા અપકવ હતા અને ધીમે ધીમે એ કેવા સૂક્ષ્મ અને સૂક્ષ્મતર થતા ગયા અને છેવટે વેદાન્તનું લક્ષ્ય પામ્યા – જેને આ ફિલસૂફીનું નામ મળ્યું, એ સર્વ એમાંથી જોવા મળે છે.” (CW III p. 366) (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ૩, પૃ. ૨૮૯-૯૦)

‘ઈશ્વરવિકાસની સંકલ્પનાઓ’ વિષયક, લંડનમાં આપેલ પ્રવચનમાં પણ એમણે ઉપનિષદોના આ ઋષિઓની, પ્રગતિશીલતાની નિજી વિચારસરણીની વાત કરી છે. પગથિયે પગથિયે ક્રમશઃ પ્રગતિ થવાની પ્રક્રિયા આ ૠષિઓ જાણતા હતા. એટલે કે તેઓને એવી ઐતિહાસિક સૂઝ હતી. અને એ સૂઝ પ્રમાણે જ તેમણે પોતાના વિચારો રજૂ કર્યા. માનવસમાજના વિકાસની પ્રક્રિયા તેમને સારી પેઠે જાણીતી હતી. એ જ પ્રવચનમાં તેઓ આગળ કહે છે:

‘‘ધીરજથી ધીમે ધીમે ચોકસાઈપૂર્વક લોકોને ગભરાવ્યા વગ૨, તેમનો તિરસ્કાર કર્યા વગર જ નમ્રતા અને દયાથી એકેક ડગલે તેમને આગળ લઈ જઈને તેઓ પોતાના માર્ગો અજમાવ્યે જતા. ઉપનિષદના ઋષિઓ આવા હતા. તેઓ બરાબર સમજતા હતા કે ઈશ્વર વિશેના જૂના વિચારો, તેમના જમાનાના પ્રગતિશીલ નૈતિક વિચારોની સાથે સાથે મેળ ખાઈ શકે તેમ નથી. તેમને એ પણ બરાબર ખ્યાલ હતો કે નાસ્તિક લોકો જે કહેતા હતા તેમાં સત્યનો ઘણો અંશ હતો. અરે, ઘણું નક્કર સત્ય હતું. પણ સાથે સાથે તેઓ સમજતા કે જે દોરો મણકાઓને બાંધી રાખે છે, તેને કાપી નાખવા ઈચ્છતા લોકો – જેમણે હવામાં સમાજની રચના કરવી છે તેવા લોકો તો તદ્ન નિષ્ફળ જવાના છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ૧૭, પૃ. ૧૩૧- CW III p. 117)

હવે આપણે સ્વામીજીનાં ઉપનિષદ વિશેનાં મુખ્ય વિધાનો વિચારી જોઈએ. સ્વામીજી વેદો અને ઉપનિષદની વાણીને ‘શ્રુતિ’ તરીકે – ઈશ્વ૨ની વાણી તરીકે અથવા તો સ્ફૂરિત વાણી તરીકે સ્વીકારે છે, એટલે એની અપૌરુષેયતાને તો નકારતા નથી. પણ સાથોસાથ ઉપનિષદના ઋષિઓને તેઓ ઉપનિષદોના રચયિતા તરીકે પણ સ્વીકારે છે! આ પરસ્પર વિરોધાભાસી વિધાનનું સમાધાન સ્વામીજીએ એ રીતે કર્યું છે કે ખરી રીતે માનવો સુધી પહોંચાડાયેલી આ ઈશ્વરની વાણીએ ઉપનિષદના ઋષિઓનું માધ્યમ પસંદ કર્યું તેથી કંઈ એ વાણીની ઈશ્વરજનક્તા મટી જતી નથી. ઈશ્વરની વિવક્ષા એ ઋષિમાધ્યમથી જ અવિચ્છિન્ન ગતિએ સતત પ્રવાહિત રહી છે. અને ઈશ્વર તો અવારનવાર અનેકાનેક રીતે પોતાનું નિર્વહન કરે છે. આપણે કોઈએ ક્યારેક એવું ન જ ધારવું જોઈએ કે ઈશ્વરવાણી માનવ પાસે ફક્ત એક જ વાર આવે છે અને એકી વખતે જ માનવજગત માટે એને કહેવાનું બધું કહી નાખે છે. સ્વામી વિવેકાનંદ જ્ઞાનના સ્વપ્રકાશપણાને, એના આવિષ્કરણને માનતા હતા, તો સાથોસાથ એની અવિચ્છિન્ન ગતિશીલતાને પણ માનતા હતા અને એટલે જ એમણે ઉપનિષદના એ જ્ઞાનવાહક ઋષિઓને દુનિયાદારીના ઈતિહાસની ભારે સૂક્ષ્મ સૂઝવાળા ગણીને નવાજ્યા છે. આ રીતે સ્વામી વિવેકાનંદ ઉપનિષદોના વિચારોની દિવ્યતા અને અપૌરુષેયતાને નકાર્યા વગ૨ પણ એનું પૃથક્કરણ કરે છે અને અહીં જ સ્વામી વિવેકાનંદની ધર્મવિષયક વૈચારિક મૌલિક્તા છે.

સ્વામીજીનો આ સીધો જ સવાલ છે: ‘‘શું ઈશ્વરનો અખૂટ જ્ઞાનભંડારનો ચોપડો પૂરો થઈ ગયો છે? કે પછી હજુએ એ જ્ઞાનપ્રકાશ સતત ચાલુ જ રહ્યો છે?” જ્ઞાનપ્રકાશના સાતત્યના પુરસ્કર્તા સ્વામીજીને મતે તો આધ્યાત્મિક્તાનાં આવાં આવિષ્કરણો ધારાવાહી સ્વરૂપે વિશ્વમાં ચાલતાં જ રહે છે. વેદો, બાઈબલ, કુરાન અને અન્ય એવા ગ્રન્થો એ મહાન અને અનન્ત ઈશ્વરી જ્ઞાનગ્રંથનાં આવિષ્કારક પાનાંઓ માત્ર જ છે અને હજુયે એવાં અસંખ્ય પાનાંઓનો આવિષ્કાર થવો બાકી રહ્યો છે.

અહીં સ્વામી વિવેકાનંદે વિશ્વના ધાર્મિક ઈતિહાસમાં સૌથી પહેલી વાર જ બે મહત્ત્વની વાત કરી છે. એક તો એ કે જે કંઈ જ્ઞાનપ્રકાશ થયો છે, તે સર્વકાલીન પણ નથી, અને એક જ ધડાકે થઈ ગયેલો નથી પણ એ એક સતત ચાલુ રહેતી પ્રક્રિયા છે. બીજી વાત એ છે કે હિંદુઓને લાધેલા જ્ઞાનપ્રકાશો જ કંઈ પરિપૂર્ણ નથી. અન્ય ધર્મોને લાધેલા જ્ઞાનપ્રકાશો પણ છે જ; અને એ બધા પણ ભેગા મળીને માનવજાતનો આધ્યાત્મિક વારસો થાય છે. જ્ઞાનપ્રકાશ વિશેના સ્વામીજીના આ બે વિચારો તેમના “જ્ઞાનપ્રકાશની અવિચ્છિન્ન પ્રગતિશીલ ધારા”ના દૃષ્ટિકોણમાં સમાયેલા છે. આ દૃષ્ટિકોણના પરિપ્રેક્ષ્યમાં એમણે ઉપનિષદો જોયાં તો ઉપનિષદોના સાહિત્યમાં એમને ઉત્ક્રાન્તિની પ્રક્રિયાના સજીવ કોશો દેખાઈ આવ્યા. તેમણે કહ્યું:

“વેદોના પૂર્વ ભાગનો આદર્શ એના ઉત્તર ભાગના ઉપનિષદોના આદર્શ કરતાં તદ્દન જુદો છે. (C.W. IV p. 450, ગ્રંથમાળા ૭, પૃ. ૮-૯) વળી કહ્યું: ‘‘તત્ત્વ તરફ પ્રગતિ થતાં ધીરે ધીરે વ્યક્તિત્વો છૂટી જાય છે, વ્યક્તિત્વવાળો ઈશ્વર વ્યક્તિરહિત ઈશ્વર તરફ પહોંચતો થાય છે. ત્યાર પછી વ્યક્તિત્વ વગ૨નો ઈશ્વર વ્યક્તિત્વ વગરનો માનવ – એવી બે આગળ વધતી રેખાઓની ભેગા થઈ જવાની ભૂમિકાઓ આવે છે. અને જે ભૂમિકાઓમાં થઈને આ બે રેખાઓ આખરે એક થાય છે તેમનો સમાવેશ ઉપનિષદોમાં ક૨વામાં આવ્યો છે. આમ, પ્રત્યેક ઉપનિષદનો અંતિમ શબ્દ છે ‘તત્ત્વમસિ’ ‘તે તું છે.’ વિશ્વમાં માત્ર એક જ સનાતન આનંદમય તત્ત્વ છે અને એ જ બધી વિવિધતારૂપે પોતાને અભિવ્યક્ત કરી રહ્યું છે…. ઉપનિષદોના આ વિકાસની પૂરવણી જ પછીના દાર્શનિકોએ કરી.” (ગ્રંથમાળા ૭, પૃ. ૧૯૬, C.W. p. 191).

ગમે તેમ, પણ આપણા સમગ્ર આધ્યાત્મિક અને નૈતિક વિચારોનો સ્રોત અને આપણા ધર્મ વિચારોની બધી આરંભરેખાઓ સ્વામીજીને ઉપનિષદોમાં દેખાતી હતી. એમણે ઉપનિષદ- વેદાન્તને ભારતીય જીવનનો પાયો માન્યો છે. તેઓ કહે છે:

“વેદાન્ત નામથી ઓળખાતા વેદોનો સાર ઉપનિષદો છે. ભારતના તમામ સંપ્રદાયો, દ્વૈતવાદીઓ, વિશિષ્ટાદ્વૈતવાદીઓ, અદ્વૈતવાદીઓ, શૈવો, વૈષ્ણવો, શાક્તો, સૌરો, ગાણપત્યો – જે કોઈ પોતાને હિન્દુ કહેવડાવવાની હિંમત કરતા હોય, તેમણે વેદોનાં ઉપનિષદોને માનવાં જ પડે….આ ઉપનિષદો આપણી પ્રજામાં એટલાં બધાં ઊંડાં ઊતરી ગયાં છે કે તમારામાંથી જેઓ હિન્દુઓના અણઘડમાં અણઘડ સાંકેતિક પ્રતીકોનો અભ્યાસ કરશે, તો તેમને જાણીને નવાઈ લાગશે કે કેટલીક વા૨ ઉપનિષદોના આલંકારિક ઉદ્ગારો તેમાં મળી આવે છે.’’ (ગ્રંથમાળા – ૪, પૃ. ૧૬, C.W. III 119-20) એક બીજે સ્થળે પણ કહે છે: ‘‘ઉપનિષદોમાં આપણને બધા જ ભારતીય ધર્મવિચારોના પાછળથી થયેલા વિકાસનાં બીજ જોવા મળે છે..બૌદ્ધધર્મનું સારતત્ત્વ પણ આ ઉપનિષદોમાંથી જ ઉછીનું લેવામાં આવ્યું છે.’’ (ગ્રંથમાળા ૪, પૃ. ૧૧૦, C.W. III p. 230)

સ્વામી વિવેકાનંદને ઉપનિષદો ૫૨ અસીમ આદર હોવા છતાંય એમણે સ્વીકાર્યું છે કે એમાંના કેટલાક ફકરાઓ અસ્પષ્ટ છે. તેઓ એ પણ કબૂલે છે કે એના કેટલાક ફકરાઓ એના કેન્દ્રવર્તી ઉપદેશને રજૂ ક૨વા માટે જરૂરી પણ નથી. એમણે ગીતા વિશે વિચારતાં એવી મતલબનું કહ્યું હતું કે ઉપનિષદોનું અધ્યયન કરતાં તમને એવુંય લાગશે કે તમે જાણે કોઈ અસમ્બદ્ધ વિષયોના જાળાંમાં અટવાતા હો. પણ ગાઢ મોટા જંગલમાં જ્યાં ત્યાં ભટકતા કોઈક માર્ગભૂલ્યા મુસાફરને જેમ એકાએક જ ધાર્યા વગર જ કોઈ અતિસુંદર વિકસિત ગુલાબ, એનાં પાદડાં, કાંટા, મૂળ વગેરે સાથે સાંપડી જાય તેવી રીતે જ ઉપનિષદોમાં ૫૨મ સત્ની ચર્ચા મળી આવે છે. સ્વામીજીએ ઉપનિષદોમાંથી આવાં ગુલાબો શોધીને એને ભારતીય જ્ઞાનનાં ખીલેલાં મઘમઘતાં પુષ્પ તરીકે આપણી સામે ધરી દીધાં છે.

સ્વામીજીને મતે ઉપનિષદોનો કેન્દ્ર વિચાર શો છે? ઉપનિષદના પેલા મહાવાક્ય ‘તત્ત્વમસિ’ ઉ૫૨ના તેમના ખ્યાલને તો આપણે જોઈ ગયા છીએ જ. છાન્દોગ્યોપનિષદમાં ઉદ્દાલક આરુણિએ પોતાના પુત્ર શ્વેતકેતુને નવ વખત કહ્યા છે. આ અદ્વૈતવાદી વિચારો છે અને સ્વામીજી એને માનવના આધ્યાત્મિક જીવનનું શિખર પણ માનતા હતા. આમ છતાં પણ તેમણે કહ્યું કે કેવળ અદ્વૈત જ કંઈ ઉપનિષદોનું કે વેદાન્તનું તત્ત્વજ્ઞાન નથી. દ્વૈત, દ્વૈતાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત વગેરે પણ ઉપનિષદોના સિદ્ધાન્તો હતા. ખરી રીતે તો ઉપનિષદોમાં ભરેલાં ભક્તિનાં મોતીને પણ નીરખવાનું તેમણે આપણને સૂચવ્યું છે. ઉપનિષદોના ઉપદેશ વિશેના સ્વામીજીના મુખ્ય મુખ્ય બધા જ વિચારોને લક્ષમાં લેતાં આપણને સ્પષ્ટ ખ્યાલ આવશે કે એમણે માનવના આધ્યાત્મિક જીવનના બધા જ રંગો અને બધી જ રેખાઓના સ્મરણીય શબ્દોની રજૂઆત તરીકે ઉપનિષદોનું મૂલ્ય આંક્યું છે. કોઈ બહુમાળી મકાન સાથે એની સરખામણી કરી છે. ઉપનિષદોમાં એમને માનવચેતનાના વિવિધ પડઘાઓ સંભળાયા છે. ઉપનિષદોમાં એમણે ભવ્ય સંવાદિતાના દર્શન કર્યાં અને એ સંવાદિતાએ જ એમને માનવજાત માટે વિશ્વધર્મનું અનુસંધાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ એક અનન્ય ઘટના છે.

વિશ્વના ધાર્મિક ઈતિહાસમાં આ ઘટના ‘અનન્ય’ એટલા માટે છે કે એમાં પ્રાચીન તત્ત્વજ્ઞાનના ઉપદેશોમાં પણ અર્વાચીન- આધુનિક આદર્શો જળવાયા છે! સ્વામી વિવેકાનંદે આપેલી ઉપનિષદજ્ઞાનની સમજૂતીમાં આપણા મનને અહોભાવથી આકર્ષિત કરી મૂકે એવી આ અનન્યતા છે. સ્વામીજીએ એ પુરાણા ઉપનિષદોમાં પોતાની વિશ્વધર્મની અદ્યતન પરિકલ્પનાની સંજીવની શોધી કાઢી છે! જાણે કે સાગર મંથનમાંથી સુરોએ સુધા જ શોધી કાઢી!

આપણે અહીં એ અવશ્ય યાદ રાખવું ઘટે કે વિશ્વધર્મનો આ વિચાર તદ્દન મૌલિક છે અને સ્વામીજી એ પોતાના આધ્યાત્મિક ગુરુ શ્રીરામકૃષ્ણદેવ પાસેથી જ પામ્યા હતા.

સત્તરમી સદીના કૅમ્બ્રિજના પ્લૅટોવાદીઓએ પ્લૅટોને નવા કરા૨ના ધર્મના તાણાવાણામાં મારી મચડીનેય ઘુસાડી દેવાની જેવી મથામણ કરી હતી એવી તો કોઈ પણ મથામણ સ્વામી વિવેકાનંદે ઉપનિષદની ઉપર્યુક્ત અનન્ય મૌલિક્તા દર્શાવતી વખતે કરી જ નથી. એમણે તો પોતીકી ભારતભૂમિમાં ઊગેલાં ઉપનિષદોને પોતીકી ભારતભૂમિમાં જ વિકસિત થયેલા હિન્દુધર્મ સાથે ઈતિહાસસંમત રીતે સાંકળ્યાં છે. અન્ય સ્રોતોમાંથી ઉદ્ભવેલ બીજા કોઈ પણ ધર્મને મૂળરૂપે ઉપનિષદોમાં જ હોવાનો મત પરાણે ઠોકી બેસાડ્યો નથી. ઉપનિષદને નામે સ્વામી વિવેકાનંદ જ્યારે વિશ્વધર્મની વાત કરે છે, ત્યારે તેઓ ફક્ત આટલું જ બતાવવા માગે છે કે ઉપનિષદોમાં અનેકાનેક આધ્યાત્મિક આયામોની એવી તો ભવ્ય સંવાદિતા છે કે એનો નમૂનો લઈને વિશ્વધર્મનું નિર્માણ ક૨વાની ‘સંભાવના’ વરતાય છે. વિશ્વધર્મનો પાયાનો સિદ્ધાન્ત – એની સંજીવની – એનો શ્વાસોચ્છ્વાસ તો ‘એકતાનો સિદ્ધાન્ત’ જ છે. અને એ જ તો ઉપનિષદોનો પણ મધ્યવર્તી ઉપદેશ છે!

આ એકતાનો અર્થ કોઈ વ્યક્તિ કે સંસ્થાના વ્યક્તિત્વને – અલગ વિશિષ્ટ હસ્તીને – નકારી દેવાનો નથી. આ એક્તાનાં મૂળ તો સ્વાતંત્ર્યના આદર્શમાં પડેલાં છે. સ્વામી વિવેકાનંદ તો ભૌતિક અને આધ્યાત્મિક સ્વાતંત્ર્ય જ વિકાસનો પાયો છે, એમ ઉપનિષદોમાંથી તારણ કાઢે છે. વિશ્વ જેને પામવાની અત્યારે રાહ જોઈ રહ્યું છે એવો ઉપનિષદનો એક બીજો વિચાર પણ સ્વામી વિવેકાનંદે ઉપનિષદોમાંથી તા૨વી બતાવ્યો છે તે છે આ વિશ્વની સત્તાનો – એની હસ્તીનો પણ સ્વીકાર. પોતાના ‘વિશેષાધિકાર’ નામના પ્રવચનમાં (ગ્રંથમાળા, પ, પૃ. ૮૧, C.W. II 141) સ્વામી વિવેકાનંદ કહે છે:

‘‘(એક બાજુએ વૈવિધ્યભર્યું વિશ્વ પણ છે જ) તો વળી બીજી બાજુ દરેક કાળે એકત્વના હિમાયતીઓ પણ રહ્યા છે. ઉપનિષદો, બુદ્ધ તેમ જ ઈશુ ખ્રિસ્ત તથા અન્ય સર્વ મહાન ધર્માચાર્યોના સમયથી માંડીને અત્યારના સમય સુધીમાં નવી રાજકીય મહેચ્છાઓમાં, પીડિતોની અને દલિતોની તથા વિશેષાધિકારહીન અન્ય સર્વની માગમાં આ એકત્વનો અને સમાનતાનો દાવો તરી આવે છે.’’

આ એકત્વનો વિચાર જ શાન્તિપૂર્ણ સ્થિર માનવવ્યવસ્થાનો પાયો છે. એને સ્થાપિત કરવા માટેના આપણા એ સિવાયના બીજા વિશ્વશાન્તિ માટેના પ્રયત્નો, જેવા કે ‘યુદ્ઘનિવારણ માટેનું યુદ્ધ’નો ખ્યાલ, આપણી રાજકીય વ્યૂહરચનાઓ, વગેરે બધા જ પ્રયત્નો હજુ સુધી નિષ્ફળ જ નીવડ્યા છે. એટલા જ માટે સ્વામી વિવેકાનંદે પોતાના એક પ્રવચનમાં કાયમી માનવ બંધુત્વ માટે આ આધ્યાત્મિક પાયાની વાત કરી છે. તેમણે કહ્યું: ‘‘ધર્મ શું છે? વૈશ્વિક હૃદયમાં જ્યાં સુધી એકત્વ નહિ આવે, ત્યાં સુધી આપણે આ દૃશ્યમાન વિવિધતાને બરાબર રીતે પિછાણી શકીશું નહિ. ઉપનિષદોમાં ઈશ્વરની વિભાવના આવા પ્રકારની છે.’’

ઉપનિષદોનો આ એકત્વનો વિચાર, કંઈ વ્યક્તિમત્તાની વિવિધતાનો નિષેધ કરતો નથી. ‘તત્ત્વમસિ’- ‘તે તું છે’ -નું મહાવાક્ય કંઈ રંગહીન, આકારહીન ખાલીખમ અવકાશરૂપ જગતને પ્રબોધતું વાક્ય નથી. એ તો ફક્ત એટલું જ નક્કી કરે છે કે દિવ્યતાનું આસન આપણા આત્મામાં છે, અને એ રીતે જ્યારે દરેકે દરેક વ્યક્તિ પોતાના મૂળ સ્વરૂપમાં દિવ્ય જ હોય, તો પછી કશા જ ટંટાફિસાદને અવકાશ હોઈ શકે જ નહિ. સાચું અદ્વૈત માનવના વ્યાવહારિક જીવનનો તિરસ્કાર કરતું નથી. એ તો ઊલટું માનવજીવનને એના ઉચ્ચતમ વલણમાં પ્રતિષ્ઠાપિત કરી દે છે. એ એનું વલણ છે કે જ્યાં સમગ્ર વિશ્વ સાથે માનવજીવનની એક્તા સાધી શકાય છે. મહાવાક્ય આ વાત પ્રમાણિત કરે છે.

સ્વામીજીએ ઉપનિષદોના સંદેશ વિશે જ્યારે કંઈ પણ લખ્યું કે કહ્યું હોય, એને તમે જો ધ્યાન દઈને વાંચશો તો તમને જણાશે કે એમણે ‘તત્ત્વમસિ’ના આ મહાન સિદ્ધાંતને ‘માનવમાં રહેલી દિવ્યતા’ના સિદ્ધાંત તરીકે – માનવતા અને આધ્યાત્મિક્તાને જોડતા સિદ્ધાંત તરીકે- જ લીધો છે અને પછી તેઓએ આપણા નીતિશાસ્ત્ર, આપણા વ્યક્તિગત, સામાજિક અને આંતરરાષ્ટ્રીય નીતિશાસ્ત્રનો બોધ કરતાં અન્ય ઉપનિષદોમાં આવેલાં મહાવાક્યોનો ઉલ્લેખ કર્યો છે: ‘તેન ત્યકતેન ભુંજીથાઃ’ – ‘ત્યાગપૂર્વક ભોગવો.’ આ વાક્ય આપણામાં રહેલી સ્વાર્થપરાયણતા તરફ આપણને બેપરવા બની જવાનો – વૈરાગ્યનો – સંદેશ આપે છે, અને આપણને આપણા બંધુઓ તેમજ ઈશ્વરની નજીક લાવી મૂકે છે આપણે આ વાક્યની સાથે બૃહદારણ્ય-કોપનિષદના ત્રણ મહાન શબ્દોને પણ જોડી શકીએ: ‘દમ્યત, દત્ત અને દયધ્વમ્’ – ‘સંયમ રાખો, દાન કરો અને દયાવાન બનો.’ યુરોપના મહાકવિ ટી. એસ. ઈલિયેટને એ ત્રણ શબ્દો એટલા બધા આકર્ષી ગયા કે એણે ભલે ક્રમ બદલીને પણ એને પોતાની એક કવિતામાં રોમન લિપિમાં આલેખી દીધા! સ્વામીજીએ ઉપનિષદોના કેવળ આધ્યાત્મિક કે અભૌતિક પાસાં વિશે જ નથી કહ્યું, એમણે તો ઉપનિષદોના નૈતિક પાસાં પર પણ ભાર મૂક્યો છે. એમણે એવું વિચાર્યું હતું કે સમગ્ર વિશ્વના અભિનવ માનવની કલ્પનાને આ બંને પાસાંનો સુમેળ જ પ્રમાણભૂત ઠરાવી શકે એમ છે અને એ કંઈ સાવ અનોખું ન હોવાથી તરત જ માનવજાતને ગળે ઊતરી જશે.

ઉપનિષદોના મધ્યવર્તી વિચારોનું વિવરણ કરતી વખતે સ્વામીજી એ પૂરી રીતે સમજતા હતા કે તેઓ ઉપનિષદની વેદાન્તની ફિલસૂફીને જ ઉપદેશી રહ્યા છે. વળી તેઓ એ પણ જાણતા હતા કે ઉપનિષદોનો મધ્યવર્તી વિચાર અને વેદાન્તનું તત્ત્વજ્ઞાન – એ બન્ને, આધ્યાત્મિક અને માનવીય જીવનની એક્તા જ બતાવે છે. સ્વામી વિવેકાનંદે ૧૮૯૩માં ઉચ્ચારેલી આવી પયગંબરી વાણીને આજે એક સૈકા કરતાંય વધુ સમય વીતી ગયો છે અને છતાં માનવજાતિના ભાવિ સાથે સમ્બન્ધ ધરાવતા સૌને માટે એ મહાપ્રશ્ન આજે – માનવઈતિહાસની અણીને ટાણે-આવીને ઊભો છે કે શું સ્વામી વિવેકાનંદનું એ જીવનકાર્ય પૂરેપૂરું સંપન્ન થયું છે ખરું કે? દેખીતી રીતે જ એ હજી સુધી પૂર્ણ રીતે પૂરું થયું નથી.

૧૯૦૨માં એમની મહાસમાધિ પછી આપણા ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામનાં એકધારાં આંદોલનો શરૂ થયાં. એમાં આપણે કાર્યરત રહ્યા અને અંતે આઝાદી હાંસલ કર્યા પછી પણ આપણી રાજનીતિને વ્યવસ્થિત કરવામાં, આપણો ઔદ્યોગિક વિકાસ કરવામાં, આપણી રાજનીતિમાં નક્કર આર્થિક પાયો નાખવામાં – વગેરે કામોમાં ગૂંથાયેલા જ રહ્યા. આ રાજકીય સ્વાતંત્ર્યના સમયગાળામાં આપણા કેટલાક આગેવાનોએ જો કે સ્વામી વિવેકાનંદની વેદાન્ત વિચારણાને ક્વચિત્ ક્વચિત્ યાદ કરી હતી પણ આંદોલનના પાયાના બળ તરીકે વેદાન્ત વિચારને મૂકવાનો કોઈ રાષ્ટ્રીય પ્રયત્ન ખરેખર ક૨વામાં આવ્યો ન હતો. અને રાજકીય સ્વાતંત્ર્ય મળ્યા પછી તો વળી ભારતે પોતાના રાષ્ટ્રના પુનઃ નિર્માણના કાર્યને આધ્યાત્મિક અને નૈતિક રીતે સબળ બનાવવા માટેનો પ્રશ્ન હાથ જ ધર્યો નહિ!

અને પશ્ચિમમાં પણ ઘણા મોટા ભાગમાં બે મહાયુદ્ધો ફાટી નીકળ્યાં. અને હજુ ગઈ કાલ સુધી અનીશ્વરવાદી વિચારસરણીમાંથી છૂટવા માટે મથતા પશ્ચિમી વિશ્વ માટે તો આન્ત૨રાષ્ટ્રીય શાન્તિ મેળવવા માટે આધ્યાત્મિક પ્રયોગો કરવાનો કોઈ અવકાશ જ ન હતો. સ્વામી વિવેકાનંદે જે વાત આપણને માનવાનું કહ્યું હતું તે વાત માનવા માટે વિશ્વના નેતાઓ તૈયાર જણાતા નથી. સ્વામીજીની વાત એ હતી કે કેવળ પુનર્નિમિત વ્યક્તિઓ જ વિશ્વના પુનર્નિર્માણ માટે સારી રીતે કાર્ય કરી શકે. એટલે કે આપણી સમસ્યાઓ તરફનો આપણે અભિગમ હજુ સુધી માત્ર રાજકીય અને આર્થિક જ રહ્યો છે – નૈતિક આધ્યાત્મિક નહિ. ઉપનિષદના વિચારોના અગ્રદૂત સ્વામી વિવેકાનંદે એટલે જ આ બાબતમાં આધ્યાત્મિક અને નૈતિક અભિગમ ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે.

પૂર્વ અને પશ્ચિમમાં આવી પરિસ્થિતિ હોવા છતાં પણ આપણે શ્રદ્ધા ગુમાવવી ન જોઈએ. આપણને આ શતાબ્દીમાં અવાજો સંભળાય છે. એ અવાજો રામકૃષ્ણ-વિવેકાનંદ – ભાવધારાના છે – ભાવધારામાં સ્નાનપૂત થયેલા મહાપુરુષોના એ અવાજો છે. વેદાન્તની-ઉપનિષદોની સુરાવલિઓના એ અવાજો છે. ઉપનિષદના – વેદાન્તના – એ અવાજો આપણને નિમંત્રી રહ્યા છે. પોતાની પાસે આવવા કહી રહ્યા છે. એ આદર્શોનું આહ્વાન છે. એ કહે છે: “નાન્યઃ પન્થા વિદ્યતેઽયનાય” – “આ સિવાય ઊગરવાનો અન્ય કોઈ ઉપાય નથી.’’ નવા વિશ્વનાં નવી માનવતાનાં મંડાણનું કેવું અદ્ભુત નિમંત્રણ! કિસ્ટોફર ઈશ૨વુડે એક વા૨ કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદે પશ્ચિમને જે મેળવી આપ્યું તે વેદાન્ત સાધનાને પૂર્ણ સમર્પિત થયેલા માનવનો જીવતો જાગતો નમૂનો છે. સ્વામી વિવેકાનંદે પોતે એ જીવતો જાગતો નમૂનો માનવદેહધારી શ્રીરામકૃષ્ણમાં જોયો જાણ્યો હતો.

ઉપનિષદ્-વિષયક સ્વામીજીના વિચારોનું ચિંતન કરતાં એટલા જ માટે આપણે કોઈ પ્રાચીન શાસ્ત્ર ગ્રંથોના પુરાવાઓ જોવાની જરૂર પડતી નથી. એ વિચારોને શાસ્ત્રીય પ્રમાણની આવશ્યક્તા ઊભી થતી નથી. કારણ કે આપણી સામે એક જીવતો જાગતો માનવદેહધારી પુરાવો હાજરાહજૂર ખડો જ છે! એ મહામાનવ એક આદર્શ અવતાર છે અને વિશ્વ માટે એ આદર્શનું મૂલ્ય સુદૃઢ કરવા સમર્થ છે.

આપણે યાદ રાખીએ કે આ સદીના કેટલાક અત્યંત તેજસ્વી વિચા૨કોને પણ એવું ચોક્કસ લાગવા માંડ્યું છે કે આ ઉપનિષદના વિચારો જ – ઉપનિષદોનો આદર્શ જ પશ્ચિમને બચાવી શકશે. એકાદ દાખલો લઈએ તો જિરાલ્ડ હર્ડે એક વાર પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે, ‘વિદ્વત્તાપૂર્ણ અધ્યયન રૂપે નહિ પણ જીવંત ધર્મરૂપે ઉપનિષદ્-વેદાન્તનો પશ્ચિમમાં જે પ્રવેશ થયો એ ખરેખર અમૂલ્ય છે. કારણ કે પશ્ચિમનો ધાર્મિક વારસો કેટલાંય હજાર વરસો સુધી હિબ્રૂ સૃષ્ટિ પ્રક્રિયામાં સખ્ત બંધનથી જકડાયેલા ઘડામાં પૂરાયેલો રહી ગયો હતો, તે આજે એને ભેદીને બહાર ફૂટી નીકળ્યો છે. એટલા માટે આ સજીવ ધર્મ અનિવાર્ય છે.’

આજે આપણે સૌએ સાથે મળીને-પૂર્વ અને પશ્ચિમના આધ્યાત્મિક નેતાઓએ ભેગા મળીને સૌથી ભારે મોટું કામ તો એ કરવાનું છે કે આપણે વિચારીએ કે ઉપનિષદોનો આ એકત્વનો અને સંવાદિતાનો આદર્શ માનવબંધુત્વના પાયા તરીકે કેવી રીતે કાર્ય કરી શકે? આ માટે ઉપનિષદના વિચારોને ખાસ ભારતીયતાની જ છાપ મારવાની કશી જ જરૂ૨ નથી. કારણ કે સ્વામી વિવેકાનંદે એને વૈશ્વિક આદર્શ તરીકે જ લેખ્યા હતા.

Total Views: 129

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.