(સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો આ લેખ ‘Eternal Values For a Changing Society’ ગ્રંથમાંથી ગ્રંથકારની પરવાનગીથી પ્રકાશિત કરી રહ્યા છીએ. – સં.)

(ગતાંકથી ચાલુ)

૧૨. સર્વાંગીણ માનવવિકાસની ફિલસૂફી

વેદાંતના દર્શનના તેમ જ અધ્યાત્મમાં બંને વિભાગોમાં, ભારતે સદીઓથી સર્વાંગીણ માનવ-વિકાસની ફિલસૂફીની શોધ કરી છે ને તેણે પોષી છે. ‘મુણ્ડક ઉપનિષદ’માં તેનું વર્ણન ‘સર્વ વિદ્યા પ્રતિષ્ઠા’ – બધી વિદ્યાઓની આધારશીલા તરીકે કરવામાં આવ્યું છે. બાહ્ય પ્રકૃતિની શક્તિઓને ભૌતિક શાસ્ત્રો દ્વારા અને માણસની આંતરિક શક્તિઓને અધ્યાત્મ વિદ્યા દ્વારા શુદ્ધ ક૨વાની પ્રક્રિયા ૫૨ એ સરખો જ ભાર મૂકે છે. ભારતના વિવિધ પ્રદેશોના મારા પ્રવાસોમાં શક્તિ અને ચેતનાવાળા હજારો યુવકોને હું જોઉં છું પણ, એ શક્તિમાંથી પેલી માનવતાની ભાવના પ્રગટતી નથી. આ પરિસ્થિતિ સંતોષપ્રદ નથી જ. કાચી અને પ્રાકૃતિક પશુશક્તિથી ભરપૂર યુવાનો પણ મેં જોયા છે. એ ઘટના ખૂબ ખૂબ ચિંતાજનક છે. આ કાચી માનવશક્તિ જ ભારતમાં આજે ખૂબ વિનાશ વેરે છે; એ જાહેર મિલકતનો જ નહીં પણ નાગરિક શાંતિનો પણ વિનાશ કરે છે અને, વધારે ખરાબ તો એ છે કે, ચારિત્ર્યમત્તા ખીલવવાનો અને સારા મનુષ્ય બનવાની શક્તિનો પણ નાશ કરે છે.

આ પ્રાકૃતિક માનવશક્તિનું શુદ્ધીકરણ કરવું જ રહ્યું અને, આ શુદ્ધીકરણ માટે આપણા દેશમાં, આપણી પાસે, જરૂરી ફિલસૂફી, વિજ્ઞાન, કલા અને પદ્ધતિ બધું જ છે. માનવવિકાસનું આ વિજ્ઞાન, અનુભવને ઘડવામાં વિદ્યા, કલા સમજવાની આપણા લોકોને ખૂબ જરૂર છે. કોઈ પ્રાણી અનુભવ પર કશી પ્રક્રિયા કરી શકતું નથી; પ્રાણીમાં ઈન્દ્રિયો દ્વારા જે કંઈ ઓરાય છે તેના ૫૨ કશી જ પ્રક્રિયા થયા વિના તે સોંસરું બહાર પડે છે. એક માનવઘટકમાં જ, અનુભવને ગ્રહણ કરવાની, એની પર પ્રક્રિયા કરવાની અને કંઈક નવતર રૂપે એને ઉપસાવવાની શક્તિ છે. મનુષ્યની મુક્તિનું એ ચિહ્ન છે અને મુક્તિનું આધ્યાત્મિક મૂલ્ય છે. માણસ કંઈ યાંત્રિક પૂતળું નથી. બધી ભૌતિક શક્તિ બાબત આપણે કહીએ છીએ કે ક્રિયા અને પ્રતિક્રિયા સમાન અને વિરોધી છે; પણ આ નિયમ માનવશક્તિને લાગુ પડતો નથી. માનવસંદર્ભમાં ક્રિયા એક હોય, પ્રતિક્રિયા સાવ ભિન્ન જ હશે. કોઈ પણ ઈન્દ્રિય સંવેદનને અને એના ગતિજન્ય પ્રતિભાવને મનુષ્ય પોતાની અંદર જ ફેરવી, બદલાવી કે લોપ કરી શકે છે. એમ કરવાને એ સ્વતંત્ર છે. એમ નહીં કરે તો એ પોતાની જાતને પશુ કક્ષાએ લઈ જાય છે. બહારની દુનિયામાંથી એને ધિક્કારનો તરંગ મળે તો, એ તેને પોતાનામાં લઈ, પોતાના ચિત્તમાં તેના પર પ્રક્રિયા કરી તેને હાસ્યના અને પ્રેમના બોલ સ્વરૂપે બહાર મોકલી શકે છે. દરેક વખત આમ કરતી વેળા આપણે આપણી સ્વતંત્રતા વ્યક્ત કરીએ છીએ. જિંદગીમાં આ પ્રક્રિયાના આ શુદ્ધીકરણના કેટલા લાખો અવસરો આપણને સાંપડે છે પણ આપણામાંથી ઘણા તો આ જાણતા જ નથી અને નથી જાણતા એમાં સમાયેલી આત્માની સ્વતંત્રતા કે એની વૃદ્ધિ. આપણે યંત્ર હોઈએ તેવો પ્રતિભાવ આપીએ છીએ. એના પર આપણી સ્વતંત્રતાની કશી છાપ માર્યા વિના આપણે એને બહાર કાઢીએ છીએ. ગધેડાની પીઠ તમે પસવારો તો, એ તમને કદાચ, લાત મારવાનો; એનો એ સ્વભાવ છે; પણ માણસે એમ શા માટે કરવું જોઈએ? બહારથી આવતાં બધાં સંવેદનો પ્રત્યે એ માનવીય રીતે વર્તી શકે. માનવીની ઉત્કૃષ્ટતાના વિકાસનો આ કેવો ઉચ્ચ ખ્યાલ છે! અનુભવ પ૨ની આ પ્રક્રિયાનો વ્યાપાર જેટલું વિજ્ઞાન છે તેટલી કલા પણ છે.

આપણી કોલ૨ની સોનાની ખાણોમાં આપણે પુષ્કળ પ્રક્રિયાઓ અને શોધન કરીએ છીએ. કાદવ અને પથરા સાથે કાચી ધાતુ ખોદી કાઢવામાં આવે છે; પછી એની પર પ્રક્રિયાઓ થાય છે. જેમાંથી, સોનાની ઈંટ તરીકે એ બહાર પડે છે. માણસ માટે અને તેના આંતરિક વિકાસ અને સમૃદ્ધિ માટે પુષ્કળ સૂચક અર્થવાળી આ પ્રક્રિયાની શાસ્ત્રીય ટૅક્નૉલૉજી છે. આપણી શિક્ષણ સંસ્થાઓમાં આપણે આ સવાલ આપણી જાતને પૂછવો જોઈએ. કાચી પ્રાકૃતિક માનવશક્તિ ઉપર પ્રક્રિયા કરીને, એને શોધીને, રૂપાંતરિત કરીને સર્જનાત્મક અને રચનાત્મક બનાવવાનું કોઈ વિજ્ઞાન નથી શું? આ પશ્નનો ઉત્તર આપણને ધર્મના વિજ્ઞાન, અધ્યાત્મ, તરફ લઈ જશે. એ આપણને શિક્ષણના સાચા અર્થ પાસે લાવશે. મનુષ્યમાં વ્યક્ત થતા પ્રકૃતિના લક્ષણની વાત કરીએ છીએ ત્યારે, માનવીના આંત૨ સ્વભાવમાં રહેલી આ પ્રાકૃતિક માનવીય શક્તિને ઊંચકી, સુધારી, તેને રચનાત્મક અને સર્જનાત્મક બનાવવામાં માણસને સહાય કરે ત્યારે જ, શિક્ષણ અને ધર્મ – કારણ ધર્મ શિક્ષણનો જ આગલો તબક્કો છે – પોતાનું સાચું સ્વરૂપ વ્યક્ત કરે છે. ચારિત્ર્યનો અર્થ એ છે. આ ન કરી શકીએ તો, આપણા શિક્ષણ દ્વારા ગમે તેટલી બૌદ્ધિક શક્તિ આપણે પ્રાપ્ત કરી હોય તો પણ, આપણે જાતને અને જગતને નિરાશ કરીએ છીએ. આપણા દેશમાં અત્ર, તત્ર, સર્વત્ર, આપણે કાચી, પ્રાકૃતિક માનવશક્તિની કરુણ ભવાઈ જોઈ રહ્યાં છીએ.

દોડતી ટ્રેન પર પથરા ફેંકતા અને ટ્રેનમાં બેઠેલાં બાળકો, સ્ત્રીઓ, પુરુષો, અનેક લોકોને ઈજા પહોંચાડતા યુવાનોનાં મનની સ્થિતિની કલ્પના તો કરો! અસંખ્ય લોકોને ઈજા પહોંચાડવાના આ કાર્યથી એમના આત્માને કશી અસર થતી નથી કે, તેમનાં હૃદયમાં દિલગીરી કે પીડા જન્મતાં નથી. એમનામાં શક્તિ છે ને એ બહાર કાઢવી છે પછી, એનું પરિણામ જે આવે તે. મોટે પાયે આપણે આ કરીએ છીએ. એ શક્તિને વાળવાનું કોઈએ એમને કહ્યું નથી: લોકોને આરામ, આનંદ અને શાંતિ મળે એ માટે તમારી શક્તિનો ઉપયોગ તમે કેમ કરતા નથી? આ ઉવેખાયેલી બાબત છે. અનુભવ પર પ્રક્રિયા કરી એને વિશુદ્ધ કરવાની, પોતાની ભીતર રહેલી શક્તિનું શોધન કરવાની અને માનવતાભર્યો સંવેગ તેમાંથી જાગે તે રીતે માનવ હિતાર્થે કામે લગાડવાની પ્રેરણા અને સહાય જગતના યુવાનોને મળે તો, જગતનું ભાવિ એકદમ ઉજ્જવલ બને. ઘણા વિશાળ પાયા ૫૨ આપણા દેશને આની આવશ્યક્તા છે.

૧૩. ભારતનું ગુનાઓનું પાટનગર

આ દિલ્હીમાં ગુનાઓનું પ્રમાણ ઘણું ઊંચું છે. દિલ્હી કેવળ ભારતનું રાજકીય પાટનગર નથી પણ, એ ગુનાઓનું પાટનગર પણ કહી શકાય છે! એ નથી તો આપણા દેશનો કે આપણા પાટનગરનો શિરપાવ. ને કોણ છે આ ગુનેગારો? ઘણું ખરું, ખૂબ પ્રાણી- શક્તિવાળા, ઘણી વાર ખૂબ શિક્ષણવાળા પણ, માનવતાના સંવેદન વિનાના જુવાનો. આ મોટો તફાવત છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું: ‘દેવ અને અસુર વચ્ચે શો તફાવત છે? જ્ઞાનની વાત કરીએ તો, બંને પાસે તે છે. પણ અસુરોમાં એક વાતની ઊણપ છે, કરુણાની. જ્ઞાન સાથે કરુણા ભળે ત્યારે માણસ દેવ બને છે. કરુણા વિના એ વિનાશકારી અને નુકસાન કરનાર બને છે. આપણી પાટનગરીમાં અદ્ભુત યુવાનો છે. ચૈતસિક શક્તિના એમના તંત્રમાં થોડા પરિવર્તનથી આપણા દેશના મોક્ષદાતા એ બની શકશે પણ, વાસ્તવિક રીતે, એ આપણા દેશની નિરાશા છે. ઊંચા મોભાનાં કુટુંબોમાંથી અને ઉચ્ચ અધિકારી વર્ગ સાથે સંપર્કો ધરાવતા યુવાનો પણ ગુનાને માર્ગે વળે છે એ જોઈએ છીએ ત્યારે, માત્ર પોલિસ માળખામાં ફેરફારોથી કાનૂન અને વ્યવસ્થાના તંત્રમાં ઈધરઉધર પરિવર્તનથી અને નવા કાયદાઓથી અર્થ સરશે નહીં. એ યુવાનોમાં જે શક્તિ છે તેના દિશાદોરમાં જ કંઈ ગરબડ છે. એમની અંગત મહત્ત્વાકાંક્ષાઓ જ એમને પ્રેરે છે. એમને લાગતું નથી, એમ લાગવાનું એમને શીખવવામાં આવ્યું નથી કે: ‘મારી પાસે આ યુવાશક્તિ છે. બીજાને સહાયરૂપ થાય તે રીતે મારી આ શક્તિ હું પ્રયોજીશ. આ શક્તિ વડે મારા દેશની અને દેશબાંધવોની સેવા હું કરીશ અને આપણા બાલ પ્રજાતંત્રને આ રીતે સુદૃઢ કરીશ!’

આ ઉમદા વિચાર છે પણ એ એમનાં દિલને સ્પર્શતો નથી. એમનાં મનમાં કોઈએ એ મૂક્યો જ નથી. એથી જ તો, આપણો સુંદર દેશ કદરૂપો મુખવટો પહેરી રહ્યો છે. દિલ્હી યુનિવર્સિટી જે ટેકરી પર આવેલી છે ત્યાં એક બાગ છે. ૧૯૫૦માં હું અહીં હતો ત્યારે એ બાગ જંગલી અવસ્થામાં હતો અને આજે એ રૂડો બાગ છે. એને સુંદર બનાવવા પાછળ પુષ્કળ પૈસા અને શ્રમ ખર્ચાયાં છે. પણ કોઈ એને માણી શકે તેમ નથી કારણ, કોઈ ગુનેગાર એને લૂંટી લે કે બાળી નાખે. આપણાં શહેરોના બાગોની આ હાલત છે. એ કેવી માનવ કરુણાન્તિકા?

૧૪. માણસના સર્વાંગી વિકાસ દ્વારા માનવ ભવિતવ્યની ખાતરી આપીએ.

આમ, પોલિસથી નહીં પણ, વ્યક્તિના સર્વાંગી વિકાસના ભાગરૂપે, યુવાશક્તિઓનું જાતે જ નિયમન થાય તેવી તાતી જરૂર છે. ભારતમાં માનવ વિકાસ માટે આપણે આ બધી શક્તિઓની આવશ્યકતા છે. પ્રાકૃતિક તેમ જ માનવીય, બધી શક્તિઓનો ઉપયોગ આપણે કરવો જોઈએ અને આપણો રાષ્ટ્રીય વિકાસ સાધવો જોઈએ. ભારતમાં ક્રૂડ તેલનું ઉત્પાદન આપણે વધારી રહ્યા છીએ. આજે એ માત્ર ૧૩૦ કે ૧૪૦ લાખ ટન જેટલું છે પણ, ૫૦૦ લાખ ટન તેલના ઉત્પાદનની જરૂ૨ છે જેથી આ એક જ વસ્તુ પર ખર્ચાતું મૂલ્યવાન વિદેશી ચલણ બચાવી શકાય, અને આ જરૂર માટેનું ક્રૂડ તેલ આપણે જમીનમાંથી તેમ જ સમુદ્રમાંથી થોડાં વર્ષોમાં મેળવી શકીશું એવી આશા છે. અને એમાંથી પૅટ્રોલિયમ પેદાશો બનાવવા માટે, તેલ શુદ્ધીકરણની સગવડો પણ આપણે વધારીશું. આપણા ઊર્જાના પ્રશ્નનો એથી નિકાલ આવશે. પણ, આપણા દેશમાંની વર્તમાન પુષ્કળ અને નિત્ય વૃદ્ધિ પામતી માનવ ઊર્જાનું શું? આટલી બધી માનવશક્તિ શોધાયા વગરની જ રહે અને પોતાનો છેદ ઊડાડતી તથા વિનાશક પ્રવૃત્તિઓ દ્વારા વૃથા થતી જાય ત્યારે, આપણું ભાવિ અંધકારમય છે.

એટલા માટે તો, સંપૂર્ણ માનવ વિકાસના વિજ્ઞાન અને ટૅકનિક તરફ આપણે વળવું પડશે અને આ વિરાટ માનવ ઊર્જાના શુદ્ધીકરણની સમસ્યાઓ અને રીતિઓનો ખ્યાલ કરવો પડશે અને તે ઊર્જાને રચનાત્મક, સર્જનાત્મક, માનવતાવાદી દિશા આપવી પડશે. માનવ ઊર્જાના પ્રત્યેક પ્રગટીકરણ પાછળ માનવતાવાદી સંવેદન હોવું જરૂરી છે. આ માનવ ઉર્જાને જોરદાર માનવતાવાદી સંવેદનમાં અને કાર્યમાં રૂપાન્તર કરતાં શીખવનાર આજના યુગના એક મહત્તમ ગુરુ સ્વામી વિવેકાનંદ હતા. આપણા લોકોમાંથી ઉદ્ભવતાં અને સર્વાંગી માનવ વિકાસના સાધનો બનતાં તંગ માનવતાવાદી સંવેદનો પ્રગટાવવાનો એમનો સંદેશ છે અને પ્રવર્તમાન વૈજ્ઞાનિક માનવતાવાદ સહિતની પશ્ચિમની માનવતાવાદી ફિલસૂફીઓ કરતાં એમનો માનવતાવાદ વધારે ગહન સત્ત્વવાળો છે એ ફિલસૂફીઓ ઈન્દ્રિયતંત્ર વડે કૃત્રિમ રીતે ઘડાયેલ અને એ ઈન્દ્રિયતંત્ર દ્વારા દેખાતા બહિર્ મનુષ્યને જુએ છે. એથી ઊલટું, આપણા પ્રાચીન તથા અર્વાચીન સંતો મનુષ્યના ઊંડાણને પામી શક્યા છે અને એનામાં રહેલી કંઈ મહત્તા, દિવ્યતાનો સ્ફુલ્લિંગ શોધી શક્યા છે. સ્વામી વિવેકાનંદના માનવતાવાદનું એ મૂળ છે.

તત્ત્વતઃ આ માનવતાવાદ ભારતીય અને વેદાન્તી છે. માણસમાંની આ ઊંડી દિવ્ય ગહરાઈને પાશ્ચાત્ય માનવતાવાદ કે માકર્સશાઈ માનવતાવાદ પણ પામી શક્યા નથી. આ દિવ્ય પરિમાણનો અંશ મનુષ્યમાં પ્રગટ થાય છે ત્યારે મનુષ્ય પોતે અને એની શક્તિ સમગ્ર માનવજાત માટે કલ્યાણના સ્રોતમાં પરિવર્તન પામે છે. એથી તો સ્વામી વિવેકાનંદે ધર્મની વ્યાખ્યા ‘આ કરવું, આ ન કરવું’ એવી આજ્ઞાઓના સંપુટ તરીકે નથી આપી પણ, મનુષ્યની ભીતર રહેલી દિવ્યતાના આવિષ્કાર તરીકે આપી છે. માનવીય ઉદ્ગમ, વિકાસ અને પરિપૂર્ણતાના વિજ્ઞાન તરીકે ધર્મનો એ અર્થ છે ને એ તેનું મહત્ત્વ છે. જ્ઞાન વિના માણસમાં બૌદ્ધિક શક્તિની ઊણપ વર્તાય છે. જ્ઞાન વડે એ બૌદ્ધિક રીતે જાગ્રત અને પ્રવીણ બને છે. એટલે, આપણને બૌદ્ધિક કૌવત આપનાર શિક્ષણે આપણને આ માનવતાવાદી સંવેગ અને ચારિત્ર્યની એની શક્તિ આપવાં જોઈએ. ઊર્જાના આ બે સ્રોતોનો સંગમ શિક્ષણમાં થાય તો માણસમાંથી કેવી પ્રચંડ, ભાવાત્મક અને લાભદાયી શક્તિઓ પ્રગટશે!

સ્વામી વિવેકાનંદ આધ્યાત્મિક ગહનતાના અને ઊંડી માણસાઈના માણસ હતા. એમના માનવતાવાદની સમાજ પ૨ પ્રબળ અસર પડી હતી. કારણ કે, જ્ઞાનની પ્રાચીન અને અર્વાચીન બૌદ્ધિક શક્તિઓનું પીઠબળ એને હતું. જ્ઞાન પણ કેવળ એક શક્તિ જ છે ને એ વિનાશક કે રચનાત્મક હોઈ શકે.

એ જ રીતે, માનવતાવાદી સંવેદન જાતે સારું હોવા છતાં, એકલું અસરકારક બનતું નથી. પણ માનવતાવાદી સંવેદનમાં જ્ઞાન ભળે ત્યારે ઊર્જાનું એક અદ્ભુત સ્વરૂપ પ્રગટ થાય છે. પૂર્ણ રીતે વિકસિત યુવકમાં જોવા મળતી એ શક્તિનું વર્ણન ‘‘તેત્તિરીય ઉપનિષદ’’માં કરવામાં આવ્યું છે. સાધુ યુવા, અધ્યાપક: આશિષ્ઠો, દઢિષ્ઠો, બલિષ્ઠ:, – ‘સારો, સુશિક્ષિત, આશાવાન, દૃઢ મન અને સંકલ્પવાળો અને બળવાન સ્નાયુઓ અને તંતુઓવાળો.’ માનવ આનંદનું એ એકમ ભોગવતા લાખો યુવાનો આપણું શિક્ષણ પૂરું પાડે તે જરૂરનું છે. માનવ આનંદનાં એકમો બનતાં અટકાવનારું ભારતમાં એક બીજું પરિબળ બેકારી છે. વિકસિત ૫રદેશોમાં, આપણને કામ માટે ઘણી તકો સાંપડે છે. આપણું રાષ્ટ્ર હજી વિકસતું હોઈને કામ માટેની પૂરી સગવડો આપણા દેશમાં નથી. એટલે આવતી કાલે શું થશે તેની ચિંતા આપણા યુવાનો સતત સેવે છે. વિવિધ જાતના ઉદ્યોગો સ્થપાતાં અને શિક્ષણનો વ્યાપ વધતાં આપણો દેશ પૂર્ણ વિકસિત થશે ત્યારે આપણે ત્યાં પણ અનેક પ્રકારના કામની શક્યતા ઊભી થશે. ત્યારે આપણે અહીંની નોકરીનો ઘા કરી બીજી પકડીશું. અમેરિકામાં મેં જોયું છે કે જુવાનિયાઓ એક નોકરી છોડી બીજી પકડે છે, જો કે, હમણાં અમેરિકામાં એ બેકારીનો આલેખ ચડતો જાય છે. ખૂબ વિકસિત સમાજોમાં બધે ઓછો સંતોષ આપતું કામ છોડીને વધારે સંતોષ આપતું કામ લેવાની તક ઘણી છે. સખત અને બુદ્ધિભર્યા પરિશ્રમ વિના અને માનવ હેતુઓ માટે આપણી શક્તિઓને સમર્પિત કર્યા વિના, ભારતમાં આપણે આવા સંજોગો ઊભા કરી શકીશું નહીં. ધરતીના પેટાળમાંથી ક્રૂડ તેલ કે સોના કે તાંબાવાળી કાચી ધાતુ ખોદી કાઢવાથી અને એમનું શુદ્ધીકરણ નહીં કરીને દેશ શ્રીમંત કે વિકસિત થતો નથી. આ બધી શારીરિક કાચી ધાતુનું રૂપાંતર કરી તેમને સમગ્ર માનવ વિકાસમાં અને માનવકલ્યાણમાં પરિવર્તન કરે તે ચારિત્ર્યશક્તિની જરૂર માનવવિકાસના ક્ષેત્રમાં છે. એ ચારિત્ર્યઊર્જાનો ધોધ વહેવો જોઈએ જેથી, આપણી આર્થિક, સામાજિક અને રાજકીય સમસ્યાઓ આપણે હલ કરી શકીએ અને, આપણા દેશમાં એવી સામાજિક આર્થિક પરિસ્થિતિનું નિર્માણ કરીએ જેમાં, આવતી કાલની ચિંતા આપણાં ચિત્તને કોરી ખાય નહીં અને ચારિત્ર્ય ઊર્જા માનવીનાં એવા આધ્યાત્મિક વિકાસની ઉપજ છે જે તેના જનીન અને બૌદ્ધિક પરિમાણોથી પર છે. (ક્રમશઃ)

ભાષાંતર: શ્રી દુષ્યંત પંડ્યા

Total Views: 181

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.