વેદો એ હિંદુઓનાં પવિત્ર શાસ્ત્રો છે અને સાહિત્યનો વિશાળ સંગ્રહ છે. વેદનો અંતિમ ભાગ વેદાંત એટલે વેદનો છેડો કહેવાય છે. વેદાંત એ જ ઉપનિષદ્ – ઉપનિષદો વેદોમાં રહેલા સિદ્ધાંતો અને ખાસ કરીને આપણે જેની સાથે સંબંધ છે એ તત્ત્વજ્ઞાનની ચર્ચા કરે છે. કઠોપનિષદની કથા રસપ્રદ છે.

પ્રાચીન કાળમાં એક ખૂબ ધનવાન માણસ હતો. તેને એક મોટો યજ્ઞ કરવો હતો. હિંદુઓના ધર્મમાં યજ્ઞો મોટો ભાગ ભજવે છે. યજ્ઞો ઘણા પ્રકારના છે. યજ્ઞોમાં વેદી રચાય છે, અગ્નિમાં આહુતિઓ અપાય છે, વિવિધ મંત્રો ઉચ્ચારાય છે અને યજ્ઞને અંતે બ્રાહ્મણો અને ગરીબોને દાન આપવામાં આવે છે. દરેક યજ્ઞમાં વિશિષ્ટ પ્રકારનું દાન કરવાનું હોય છે. એક યજ્ઞ એવો છે કે જેમાં માણસો પોતાની પાસે જે હોય એ સર્વસ્વનું દાન કરવાનું હોય છે.

હવે આ માણસ પૈસાદાર હોવા છતાં લોભી હતો, અને આવો આ કઠિન યજ્ઞ કરીને કીર્તિ મેળવવાની ઇચ્છા રાખતો હતો. તેણે યજ્ઞને અંતે પોતાની પાસેનું બધું આપી દેવાને બદલે માત્ર આંધળી, લૂલી, ઘરડી, અને વસૂકી ગયેલી ગાયો દાનમાં આપી.

એ માણસને નચિકેતા નામનો એક બુદ્ધિમાન પુત્ર હતો. પુત્રે જોયું કે પિતા જે કરવું ઉચિત હતું તે કરતા ન હતા અને યજ્ઞના સંકલ્પનો ભંગ કરતા હતા. પણ પિતાને આ કહેવું કેવી રીતે એ પોતે નક્કી કરી શકતો ન હતો. ભારતમાં સંતાનોને મન માતા-પિતા જીવંત દેવો ગણાય છે. પિતાને આવું કંગાલ દાન કરવાથી પાપ લાગશે એનો વિચાર કરીને તેણે પોતાની જાતને દાનમાં આપી દઈને તેનું પ્રાયશ્ચિત કરવાનો નિશ્ચય કર્યો. એટલે નચિકેતા ઘણા જ વિનયપૂર્વક પિતા પાસે ગયો અને નમ્ર ભાવે પૂછવા લાગ્યો : ‘પિતાજી! આપના યજ્ઞમાં તો સર્વસ્વ આપી દેવાનું છે, તો તમે મને કોને આપવાના છો?

આ પ્રશ્ન સાંભળીને પિતા ખૂબ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા : ‘છોકરા! તું શું કહેવા માગે છે? પિતા પોતાના પુત્રને આપી દે?’

છતાં પુત્ર પિતાને બીજી વાર તથા ત્રીજી વાર પણ એનો એ સવાલ પૂછ્યો.

એટલે ક્રોધે ભરાયેલા પિતાએ કહ્યું : ‘તને હું મૃત્યુને, યમને આપું છું!’

એ સાંભળીને પુત્ર મૃત્યુના અધિષ્ઠાતા દેવ યમરાજને ઘેર ગયો. પણ યમરાજ ઘેર નહોતા, તેથી તે ત્યાં રોકાયો.

ત્રણ દહાડા પછી યમરાજ ઘેર આવ્યા. તેમણે નચિકેતાને જોઈને કહ્યું : ‘અરે બ્રાહ્મણ! તું મારો અતિથિ છે; કંઈ પણ ખાધા પીધા વિના તું અહીં ત્રણ દહાડાથી બેસી રહ્યો છે! હું તને પ્રણામ કરું છું અને તને પહોંચેલા આ કષ્ટના બદલામાં તને ત્રણ વરદાન આપું છું.’

નચિકેતાએ કહ્યું : ‘પ્રથમ વરદાન એ માગું છું કે, મારા પિતાનો મારા પરનો ગુસ્સો શાંત થાય તે મારા તરફ મમતા બતાવે અને તમારી પાસેથી પાછો જાઉં ત્યારે મને ઓળખે.’

યમરાજે ‘તથાસ્તુ’ કહ્યું.

બીજા વરદાનમાં તેણે વિશિષ્ટ પ્રકારના યજ્ઞનો વિધિ બતાવવાનું કહ્યું.

પછી ત્રીજું વરદાન નચિકેતાએ માગતાં કહ્યું : ‘જ્યારે મનુષ્ય મરી જાય ત્યારે પ્રશ્ન એ ઊઠે છે કે તેનું શું થાય છે? કેટલાક કહે છે કે તે રહે છે, જ્યારે કેટલાક કહે છે કે તે નથી રહેતો. આપના ઉપદેશ દ્વારા હું આ સત્ય જાણવા માગું છું.’

આ સાંભળીને યમરાજ મૂંઝવણમાં પડી ગયા. તેમણે કહ્યું : ‘હે વત્સ! પ્રાચીન કાળમાં આ બાબતમાં દેવો પણ મૂંઝાયા હતા. આ સૂક્ષ્મ ધર્મ સહેલાઈથી સમજાય તેવો નથી. હે નચિકેતા! તું બીજું કોઈ વરદાન ખુશીથી માગ, પણ આ રહસ્ય જાણવાનો આગ્રહ ન કર.’

પરંતુ નચિકેતાનો તો દૃઢ નિશ્ચય હતો. તેણે કહ્યું : ‘હે યમરાજ! આપે જે કહ્યું કે દેવોને પણ આ વિશે શંકા હતી એ વાત સત્ય છે. વળી આ સહેલાઈથી સમજાય તેવો વિષય પણ નથી. પણ આપના જેવો બીજો ઉપદેશક મને મળશે નહીં; અને આના તુલ્ય બીજું કોઈ વરદાન મારા માટે નથી.’

યમરાજ કહે : ‘હે નચિકેતા! સો વર્ષ સુધીનું આયુષ્ય ભોગવે તેવા પુત્રો તથા પૌત્રો માગ; પુષ્કળ ગાયો, હાથી, સુવર્ણ અને અશ્વો માગ; આ પૃથ્વીનું સામ્રાજ્ય માગ અને તને ઠીક પડે તેટલું દીર્ઘ આયુષ્ય ભોગવ; અથવા તને જે યોગ્ય લાગે તે બીજું વરદાન માગ. આ પૃથ્વી પર ઘણી મુશ્કેલીથી મળી શકે તેવી વસ્તુઓ માગ. મનુષ્યને માટે દુર્લભ તેવી આ સ્વર્ગની સુંદરીઓ વગેરે બધું તારું જ છે; તેનો તું ઉપભોગ કર. પણ હે નચિકેતા! મૃત્યુ પછી શું થાય છે તે પ્રશ્ન પૂછ નહીં,’

નચિકેતાએ કહ્યું : ‘હે યમરાજ! આ બધી વસ્તુઓ ક્ષણભંગુર છે. એ બધી વસ્તુઓ ઇંદ્રિયોના તેજનો નાશ કરે છે. દીર્ઘમાં દીર્ઘ આયુષ્ય પણ અનંત કાળની તુલનામાં ટૂંકું છે. આ અશ્વો અને રથો, નૃત્ય અને સંગીત એ બધું આપની પાસે જ રાખો. ધનથી મનુષ્યને સંતોષ થતો નથી. મેં તો જે વરદાન માગ્યું છે તે જ હું પસંદ કરું છું.’

યમરાજ નચિકેતાની વાતથી ખૂબ પ્રસન્ન થઈ બોલ્યાઃ ‘હે નચિકેતા! શ્રેય એક વસ્તુ છે અને પ્રેય બીજી વસ્તુ છે. જે શ્રેયને વરે છે તે પવિત્ર બને છે; જે પ્રેયને–ભોગને વરે છે તે સાચા લક્ષ્યથી ભ્રષ્ટ થાય છે. હે નચિકેતા! તેં કોઈ ભોગ્ય વસ્તુની ઇચ્છા કરી નહીં તે માટે હું તને ધન્યવાદ આપું છું.’

એમ કહીને યમરાજે નચિકેતાને એના સવાલનો લંબાણથી ઉપદેશ આપ્યો.

Total Views: 398

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.