કેટલાક પરિસંવાદો વારંવાર વાગોળવાની ઇચ્છા થઈ આવે એવા બની રહે છે. પરિસંવાદના આયોજકો, તજ્જ્ઞ વક્તાઓનાં વકતવ્યો, વાતાવરણમાં ભળી જઈને પરિસંવાદોને સાર્થક બનાવવાનો પ્રતિનિધિઓનો અભિગમ અને પરિસંવાદ પછી થતાં અનુકાર્યો – એ કોઈ પણ પરિસંવાદને સારી અને સાચી સફળતા તરફ દોરી જાય છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર ઍજ્યુકેશન ફાઉન્ડેશનના સહયોગથી તા. ૧૬ અને ૧૭ જાન્યુ. ૧૯૯૬ના રોજ પરિસંવાદ યોજાયેલ જેનો વિષય હતો – ‘ઉત્તમ શિક્ષક બનવાની કળા અને તેનું વિજ્ઞાન’. એ ચિરકાલીન સંભારણું બની રહે તેવો પરિસંવાદ હતો. યુનેસ્કો ઍજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટના ભૂતપૂર્વ નિયામક ડૉ. શ્રી રવીન્દ્ર દવે, ગુજરાતના મૂર્ધન્ય સાક્ષર શ્રી યશવંતભાઈ શુક્લ, જાણીતા કેળવણીકાર પ્રૉ. શ્રી આર.એસ. ત્રિવેદી, ડૉ. શ્રી મનુભાઈ ત્રિવેદી અને મૅનૅજમેન્ટના નિષ્ણાત શ્રી જી. નારાયણન્‌નાં વિશિષ્ટ અને પ્રેરક વક્તવ્યો ઉપરાંત શ્રી કેશવલાલ વી. શાસ્ત્રી, અને પ્રૉ. શ્રી હિમ્મતભાઈ શાહનાં વક્તવ્યો સૌ કોઈને માટે મનનીય બની રહ્યાં

સમાપન સમારંભમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસ.બી. માંડલિકનું વક્તવ્ય અને પ્રતિનિધિઓના પ્રતિભાવો પણ સૌના મનને ગમી જાય તેવા રહ્યા. શિક્ષકો અને આચાર્યોના નિબંધોનું વાચન અને એ સેશનના સંચાલક ડૉ. શ્રી દુષ્યંત પંડ્યાનું વક્તવ્ય પણ સૌનું આકર્ષણ બની ગયેલ.

સૌથી વધારે જેની અસર પડી અને શિબિરાર્થીઓ જેના પર વારી ગયા તે આકર્ષક પાસું હતું – શ્રીરામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીનું મનનીય પ્રવચન અને તે સાથે આશ્રમના દિવ્ય વાતાવરણને ભક્તિભાવભર્યું અને રસ તરબોળ કરી દેતું વૈદિક મંત્રોચ્ચાર, ભજન, સહ પ્રાર્થનાના ગીતોનું ભાવભર્યું ગાન. થોડી ક્ષણો માટે જાણે સૌ શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદજીની નિશ્રામાં હોય તેવો અનુભવ થયો. શ્રીરામકૃષ્ણ જ્યોતના સંપાદક સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સ્વામી પ્રેમેશાનંદ, શ્રી મ (માસ્ટર મહાશય) અને સિસ્ટર નિવેદિતાના પ્રેમ, ત્યાગ અને સ્વાર્પણ ભર્યા પ્રસંગો વિશે કરેલ વાતો સૌના હૃદયને સ્પર્શી ગઈ.

આ પરિસંવાદના પ્રતિભાવો રૂપે બી.એડ્. કૉલેજના શિક્ષાર્થી શ્રી રિયાઝ મુન્શીનો પત્ર એમને એમ મૂકી દેવાની ઇચ્છાને હું રોકી શકતો નથી :

‘ઉત્તમ શિક્ષક બનવાની કળા અને તેનું વિજ્ઞાન’ વિષય ઉપર ગોઠવવામાં આવેલ આ પરિસંવાદ ખરેખર અદ્‌ભુત હતો. આવા પરિસંવાદ ગોઠવવાથી શિક્ષણ જે આજે ફક્ત પરીક્ષાલક્ષી જ બની રહ્યું છે તેમાં ફેરફાર આવશે જ.

આવા પરિસંવાદ ગોઠવવાથી આજે જે સમાજની પરિસ્થિતિ છે, જે શિક્ષણની પરિસ્થિતિ છે, તેમાં ધરમૂળથી ફેરફાર આવવાની – થવાની પૂરેપૂરી શક્યતા છે એમ હું માનું છું. શિક્ષક એ પ્રેમનું ઝરણું (સરોવર) છે. આવા પરિસંવાદ ગોઠવવાથી આ પ્રેમમાં વધારો થાય છે અને દુનિયામાં આજે જે સા૨૫ છે તે મારી દૃષ્ટિએ સારા શિક્ષકોને લીધે ટકી રહી છે. શિક્ષકો જે Class roomમાં શીખવે તેની વિદ્યાર્થીઓના માનસ ઉપર ખૂબ જ ઊંડી અસર પડે છે. શિક્ષક જો ઉત્તમ હશે તો વિદ્યાર્થીઓ ઉત્તમ થવાના જ, અને પરિણામે સમાજ ઉત્તમ થવાનો.

સ્વામી વિવેકાનંદે જે રીતે સત્ત્વની શોધ કરી, ઈશ્વરનો જે રીતે સાક્ષાત્કાર કર્યો તેનો એક અંશ પણ આ પરિસંવાદને પરિણામે આપણામાં આવે તો પણ આપણે ઘણું પ્રાપ્ત કર્યું કહેવાય.

આભાર સહ,

રિયાઝ મુન્શી (B.Ed. Student)

પરિસંવાદનું એક સૌથી વધારે આકર્ષક પાસું તો એ રહ્યું કે ગુજરાત માધ્યમિક શિક્ષક મહામંડળના કોષાધ્યક્ષ શ્રી અનિલભાઈ મહેતાએ યુનિયનની પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લઈને આવા સદ્ શિક્ષણની પ્રવૃત્તિમાં જોડાવાનું જાહેર કર્યું. તેઓ એક સારા શિક્ષક તો છે જ પણ આ શિબિરે એમને આ કાર્ય માટે ઝંકૃત કર્યા.

ડૉ. દોંગા – જે.જે. કુંડલિયા બી.ઍડ્. કૉલેજ – ની દૃષ્ટિએ સાચા શિક્ષણના મર્મજ્ઞોની પ્રત્યક્ષવાણી અને દિવ્ય સંગીતમય વાતાવરણ સાથેના આવા કાર્યક્રમો વારંવાર યોજાય તો ચોક્કસ એનું પરિણામ આવે જ. એ જ કૉલેજના પ્રાચાર્ય શ્રી એસ.એમ. ઝાલા પોતાના પ્રતિભાવમાં જણાવે છે કે, ‘આ શિબિર દ્વારા શિક્ષકો આત્મખોજ કરતા થશે, શાળામાં પ્રાર્થનાનો ઉદાત્ત હેતુ સમજતા થશે અને એના સાચાં અને સારાં અનુકાર્યો દ્વારા આ સેમિનારને સાચી સફળતા અપાવશે. આ પરિસંવાદથી બી.ઍડ્.નો નક્કી થયેલો અભ્યાસક્રમ પૂર્ણ થયેલો ગણું છું.’ દેવકીગાલોલના શ્રી એચ.એન. વાડોદરિયાની દૃષ્ટિએ-‘આ પરિસંવાદ દ્વારા સાચા-સંનિષ્ઠ શિક્ષક બનવામાં આધ્યાત્મિક બૌદ્ધિક અનુભવોનું જે ભાથું મળ્યું તે અમારા માનસ પટ પર કાયમને માટે છવાઈ રહેશે. વિચારોના આદાન-પ્રદાનનું કાર્ય પણ સરસ રહ્યું – આ ઉત્તમ ભાષાનો અમલ એમાં જ આ પરિસંવાદની સફળતા છે.’

કેટલાક આચાર્ય અને શિક્ષક મિત્રોએ તો આ પરિસંવાદ પછીનું અનુકાર્ય પોતાની શાળામાં આદરી દીધું છે- એ આ પરિસંવાદની ઉત્તમ પરિણતિ ગણાય. કેટલાક મિત્રો વક્તવ્યોની કૅસેટ થાય એમ ઈચ્છે છે. દૈનિક પ્રાર્થનાની કૅસેટ સૌ કોઈ માટે પ્રાપ્ય બને એવું ઈચ્છે છે. આવી શિબિરો આશ્રમ જેવા વાતાવરણમાં અવારનવાર યોજાય તો સૌ કોઈને માટે સાર્વત્રિક પ્રેરણાનું સ્રોત અવશ્ય મળી રહેશે. આવી શિબિરો જ અત્યારની બધી વિષમતાઓ વચ્ચે શિક્ષકને પોતાનો શિક્ષક-ધર્મ અને શિક્ષણ-ધર્મ બજાવવા પ્રેરી શકે.

સ્વાધ્યાય- પ્રવચનાભ્યાં ન પ્રમાદિતવ્યમ્

શિષ્યને સંબોધીને ઉચ્ચારાયેલા ઉપનિષદ્-ના આ શિક્ષણસૂત્રોની શ્રીરામકૃષ્ણ આશ્રમ જેવી સંસ્થા વારંવાર યાદ અપાવે – વારંવાર એની યાદ કરાવે – તો ૨૧મી સદીનો આપણો શિક્ષણ સાથેનો પ્રવેશ ખરેખર સાચો પ્રવેશ બની રહેશે.

આપણા સૌનું સદ્ભાગ્ય છે કે આ ‘શિક્ષણ અંક’ દ્વારા આપણને મળેલી બધી સામગ્રી આપણી પાસે – આપણા હાથમાં આવે છે. ચાલો, એ સામગ્રીનો સદુપયોગ કરીને આજના શિક્ષણને સદ્ભાવના સાથે ઝંકૃત કરીએ.

મનસુખભાઈ મહેતા
આચાર્ય,
શ્રી શા.વે.વિરાણી વિવિધલક્ષી વિદ્યાલય

*****
ચિન્તનિકાઓ

તમારાં બાળકો તે તમારાં નથી, પણ જગ જીવનની પોતાના માટેની કામનાનાં તે સંતાનો છે. તે તમારા દ્વારા આવે છે, પણ તમારામાંથી આવતાં નથી, અને તે તમારી સોડમાં રહે છે, છતાં તે તમારાં નથી. તમે એમને તમારો પ્રેમ ભલે આપો, પણ તમારી કલ્પનાઓ નહિ, કારણ, તેમને એમની પોતાની કલ્પનાઓ છે. તમે ભલે એમના દેહને ઘર આપો પણ એમના આત્માને નહિ, કારણ કે તેમનો આત્મા તો ભવિષ્યના ઘરમાં રહે છે, જેની તમે કદી સ્વપ્નમાંય ઝાંખીકરી શકવાના નથી. તમે તેમના જેવા થવા ભલે પ્રયત્ન કરજો, પણ તેમને તમારા જેવા કરવા ફાંફાં મારશો નહિ. કારણ કે, જીવન ગયેલ માર્ગે પાછું જતું નથી અને ભૂતકાળ જોડે રોકાઈ રહેતું નથી.

– ખલિલ જિબ્રાન

Total Views: 229

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.