આ લેખ ખૂબ જ સંશોધનકાર્ય અને કાળજીભર્યા વિચારોની સહાયતાથી બહુવિધ માધ્યમ અથવા મલ્ટિમીડિયાની માનવજીવન અને સંસ્કૃતિ ઉપર પડતી અસરોના કરેલા અભ્યાસના પરિણામસ્વરૂપે તૈયાર થયો છે. આ મલ્ટિમીડિયાના લાભો તેમ જ હાનિકારક તત્ત્વો, તેમાં રહેલાં વરદાનો અને શાપોનો પણ સમાવેશ કરે છે. જો કે આમાંના થયેલા સંશોધનપૂર્ણ અભ્યાસો યુ.ઍસ.એ.માં પ્રવર્તતી સ્થિતિને અનુલક્ષીને કરવામાં આવ્યા છે, પરંતુ અન્ય દેશો માટે પણ હવે તે એટલા જ અર્થપૂર્ણ છે તે માન્ય રાખવું જ રહ્યું. કેમ કે, માનવપ્રકૃતિ સર્વત્ર એક જ પ્રકારની હોય છે; અને આ મલ્ટિમીડિયાનું આક્રમણ પણ હવે લગભગ સાર્વત્રિક જ ગણી શકાય તેમ છે. સ્વામી વિવેકાનંદજીએ નિર્દેશેલાં ગૂઢ તત્ત્વો, તેમના શિક્ષણમાં આવરી લેવાતાં સૂઝસમજણનાં તત્ત્વો, એકાગ્રતા, જ્ઞાન અને શીલ પ્રત્યે વારંવાર સમાંતર રીતે ધ્યાન દોરીને લેખિકાએ આપણને એક અત્યંત સુંદર, ખૂબ જ મૂલ્યવાન લેખ આપેલો છે જેમાંથી આપણે પોતે તથા આપણાં બાળકો આ મલ્ટિમીડિયાની સગવડોનો લાભ કઈ રીતે લઈ શકીએ તેમ જ તેની હાનિકારક અસરોથી કઈ રીતે બચી-બચાવી શકીએ તે માટે માર્ગદર્શન મળે છે. લેખિકા અમેરિકામાં સાન્તા બાર્બરા સ્થિત રામકૃષ્ણ મઠ અને મિશનના કૅલિફૉર્નિયા કેન્દ્ર દ્વારા સંચાલિત સારદા કૉન્વૅન્ટનાં સંન્યાસિની છે. – સં.

લીહ પોતે તેજસ્વી, યુવાન અને આકર્ષક યુવતી હતી જે મૅરીલૅન્ડની સૅન્ટ જહૉન કૉલેજમાં અભ્યાસ કરતી હતી. ૧૯૯૩માં તેણે વેદાન્ત સોસાયટીમાં કૉલેજના યુવાનો માટેની પ્રાયોગિક યોજના- ‘એક-માસ-માટે-સાધ્વી’માં ભાગ લીધો હતો જેમાં તેની સાથે મારી મુલાકાત થઈ હતી. તે ખૂબ જ ખુલ્લા હૃદયની, હાજરજવાબી અને દોસ્તાના સ્વભાવની હતી, જેથી તે ખૂબ જલદી મારી સાથે હળીભળી ગઈ. પરંતુ આ બધાંમાં કશું જ એવું નોંધનીય નહોતું, જેટલું તેનામાં રહેલું ‘અસાધારણપણા’નું તત્ત્વ.

‘શું ઈસ્ટ કોસ્ટમાં આવેલા કોઈ અમારા કેન્દ્રની મુલાકાત લીધી છે?’ લીહના આવ્યાને હજી માંડ એક કલાક પણ નહીં થયો હોય ને મેં વાતચીતની શરૂઆત આ મુજબ કરી.

‘યાહ!’ (હા!), લીહે જવાબ આપ્યો.

‘શું અમારાં રવિવારીય વક્તવ્યો તમે સાંભળ્યાં છે?’ ‘એક’લીહે કહ્યું.’

‘શું તમને એ વ્યાખ્યાનમાં શું કહેલું તે કંઈ યાદ છે?’ ‘ના…કંઈ ખાસ યાદ નથી…ઘણું ખરું તો હું સૂઈ ગઈ હોઈશ.’

‘કેમ?’ મેં પૂછ્યું, ‘તમને કંટાળો આવે એવું હતું?’

‘ના’, તેણે તરત કહ્યું. અને પછી તો તેના જવાબમાં એક જાણે બૉમ્બ ફાટ્યો!’ હું તો MTV જોનારી પેઢીમાંની છું.’ તેણે આમ તો મને સમજાવતી હોય તેવી ધીરજથી કહ્યું, ‘મારાં મા-બાપને ખબર નહોતી પડતી કે જ્યારે હું નાની હતી ત્યારે મારી સાથે શું કરવું. એટલે તેમણે મને ટી.વી. સામે બેસાડી દીધી લગભગ આઠ કલાક સુધી હું ટી.વી. સામે બેસતી.’ લીહે વાત ચાલુ રાખતાં કહ્યું, ‘પરિણામે મારી પાસે એકાગ્રતા માટે ૨૦ મિનિટથી વધુ શક્તિ રહેતી નથી.’

‘તો તમે કૉલેજમાં કઈ રીતે ભણો છો!’ મેં ખૂબ આશ્ચર્ય સાથે પૂછ્યું.

‘ઓહ, મેં એવી કૉલેજ પસંદ કરી કે જેમાં જૂથચર્ચાઓ દ્વારા ભણાવાતું હોય,’ સહેજ કચવાતી નજરે મારી સામે તેણે જોયું, કે મને આટલી પણ ખબર નહોતી. કેમ કે આજ કાલ બધાંએ આ જાણવું તો જોઈએ જ ને કે આ એક સર્વસામાન્ય પ્રશ્ન હતો અને તેને વિષે બધાં વાતચીત કરતાં હતાં!!

‘વ્યાખ્યાન ૨૦ મિનિટ સુધી આપ્યા બાદ,’ લીધે મને સમજાવ્યું, ‘અધ્યાપક વર્ગના વિદ્યાર્થીઓને જૂથચર્ચા કરવા માટે વિભાજિત કરી દે છે. અને અમે ‘એ’ રીતે ભણીએ છીએ.’

આ તદ્દન નોર્મલ જણાતી નાનકડી યુવતી સામે હું જોઈ રહી જે આટલી મોટી પ્રતિકૂળતાનો ભોગ બની હતી, જ્યારે ૧૯૫૦-૬૦ના દાયકાઓમાં હું નાની હતી ત્યારે થોડા ઘણા વાલીઓ અને શિક્ષકગણે આ પ્રતિકૂળતાનો ભય પ્રથમથી જ પિછાન્યો હતો અને મારે સદ્ભાગ્યે તેમને લીધે આ પ્રમાણેની પ્રતિકૂળતાનો હું ભોગ બની નહિ. ‘ટૅલિવિઝન નુકસાનકારક છે,’ આ વારે ઘડીએ ધ્રાસકો પામનારા તરીકે ઓળખાતા લોકોએ કહ્યું હતું, એ એક એવી ‘બૂબટ્યુબ’ છે જે તેને જોનારાઓને તદ્દન મંદબુદ્ધિના બનાવી દે છે.’

તે સમયે કોઈ વૈજ્ઞાનિક અભ્યાસો આવી ચેતવણીઓના સમર્થનમાં થયા નહોતા, માટે તે ચેતવણીઓને સાંભળવા કોઈ થોભ્યું નહિ. પછીથી, ૧૯૬૦-૭૦ના દાયકામાં જ્યારે અમેરિકાની સ્ત્રીઓએ હજારોની સંખ્યામાં ઘરની બહાર નીકળીને પોતાના નિશ્ચેતન વ્હાલા ઘરજીવનનો ત્યાગ કરતાં કરતાં ઘરબહાર કામ શોધી આર્થિક સ્વાતંત્ર્યનો લાભ લેવા માંડ્યો, જે કદાચ કંટાળા ઉપરાંત આર્થિક જરૂરને કારણે પણ હોઈ શકે છે, એવે સમયે અમેરિકામાં જે કુટુંબોમાં બન્ને જણ કામ કરતાં હોય તેમનાં બાળકોનું ધ્યાન રાખવાના પ્રશ્ને, ટૅલિવિઝનને બીનખર્ચાળ ઉપાય ગણવામાં આવ્યો.

હવે, લગભગ મલ્ટિમીડિયા સામે બેસતી બે-બે પેઢીઓનો સમય વીત્યા પછી આપણે એ પગલાંનાં પરિણામોને નીરખી રહ્યાં છીએ. લીહના ઉંમરના લોકોમાં અને તેથી ય વધુ, આજની ટીન-એજર્સની પેઢીમાં આવેલા વર્તણૂકનાં પરિવર્તનો જોઈએ છીએ. દક્ષિણ કૅલિફૉર્નિયાની પબ્લિક સ્કૂલોના વિદ્યાર્થીઓમાં; ધી લૉસ અઁન્જલિસ ટાઈમ્સ અને સાન્તા બાર્બરા ન્યૂઝ પ્રેસના જણાવ્યા મુજબ, નોંધનીય ફેરફાર થયો છે જેથી તેઓની એકાગ્રતા ઘટી છે અને વાંચન પ્રત્યે તેઓ ઉદાસીન થતા જાય છે. (આમ પણ સામાન્ય અમેરિકન, વર્ષની એક ચોપડીથી વધુ વાંચન કરતો નથી.) તેમાંના ઘણાં હાઈપર-ઍકિટવિટી અથવા વધુ પડતી પ્રવૃત્તિ અને તોફાનની વૃત્તિથી પણ પીડાય છે. વળી શાળાઓના પરિસરમાં પણ હિંસાત્મક પ્રવૃત્તિમાં વધારો જણાયો છે. આ જાતનાં વલણોથી પ્રતીત થાય છે કે વિદ્યાર્થીઓમાં સામાન્ય અભ્યાસનું ધોરણ નીચે ઉતરતું જાય છે. આ બધામાં આવતા પ્રશ્નોનું મૂળ શું છે? હાલમાં થયેલા અભ્યાસો પ્રમાણે, જે આપણે જલદીથી જાણી નથી શકતા તેવું આ મલ્ટિમીડિયાનું તત્ત્વ આ નવાં વલણોમાં મોટો ભાગ ભજવે છે.

જગતમાં આજે તમે કોઈ પણ હો, અને ક્યાંય પણ હો, ઈલૅક્ટ્રૉનિક યુગનો તમને સ્પર્શ અચૂક રીતે થઈ ચૂક્યો હશે, તેનું માધ્યમ પછી સૅટૅલાઈટ ટી.વી.હોય, કે પછી કમ્પ્યુટર પ્રોગ્રામ હોય, ઈન્ટરનેટ ને ઈ-મેઈલ હોય, કે વિડિયો ગેમ્સ હોય, ફેક્સ અથવા સીડી (કૉમ્પેક્ટ ડિસ્ક) હોય, કે હરતુંફરતું ટ્રાન્ઝિસ્ટર પણ હોય. આમાં, આપણને માત્ર ટૅકનૉલૉજીનો સ્પર્શ થયો છે તેમ નથી, પરંતુ તેના દ્વારા આપણને હકીકતથી પણ વધુ મોટે પાયે સંદેશાઓ પણ મળે છે. જો આપણે કદીક ટી.વી. પરની જાહેરખબરોની ભાષા, કમ્પ્યુટરમાંની ભાષા, ‘રેપ’ કલાકારોની આક્રમક ભાષા, અથવા ઉદ્દઘોષકોની વાતચીતો વગેરેથી બચી પણ ગયા હોઈએ તો પણ આપણે એવા લોકો સાથે તો સંબંધો રહે છે જ કે જેઓ આ પ્રમાણે બચ્યા ન હોય, ટાઉન-હૉલની સભાઓ જે ટી.વી. પર દેખાડવાની હોય, જનસાધારણના મતનાં સર્વેક્ષણો જે ઈલેક્ટ્રૉનિક સાધનો વડે થાય છે, અને ટપાલકચેરીમાં કમ્પ્યુટરની મદદથી મોટે પાયે તૈયાર થતાં મેઈલ-લિસ્ટો વગેરે અનેક બાબતોથી અમેરિકાની પાયાની લોકશાહીમાં નવું પરિમાણ આવ્યું છે જેમાં રાજકીય લોકવાદ વધે છે. અને કોઈ વિશિષ્ટ સિદ્ધાન્તો વિનાના રાજકીય નેતાઓ ઊંચા આવે છે. આ ‘બહાદુર નવી દુનિયા’માં આપણે જ્યારે પગલાં માંડી રહ્યાં છીએ, ત્યારે કદાચ એક નવી જીવનશૈલી પણ ઊભી કરી રહ્યા છીએ.

આપણામાંથી કોઈ પણ વ્યક્તિ ઈલૅક્ટ્રૉનિક યુગથી બચી શક્યું નથી. પણ જોખમ એ વાતનું રહે છે કે આપણે આ મલ્ટિમીડિયા ટૅકનૉલૉજીની સગવડોથી એટલા ઘેરાઈ ચૂક્યા છીએ કે આપણે તેમાં રહેલી હાનિકારક અસરોને જોઈ પણ શકતા નથી. આપણા માનસ પર એની પડતી અસરોનું આપણે કઈ રીતે માપ કાઢી શકીશું? તેનાં વિશિષ્ટ કહી શકાય તેવાં ક્યાં નિશાનો આપણા મન અને માનસમાં તેને કારણે આવ્યાં છે? આ ટૅકનૉલૉજીના લાભો ક્યા છે? એમાંથી ઉદ્ભવતી હાનિને આપણે કઈ રીતે રોકી શકીએ?

જે પ્રભુ પ્રત્યે જવાના માર્ગમાં અભાન-મનને શુદ્ધ કરવા મથતો હોય અને સભાન-મનને સુવ્યવસ્થિત કરવા મથતો હોય તેવા એક વેદાન્તી માટે આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા અત્યંત આવશ્યક છે, કારણ કે તેના ઉપર જ વૈયક્તિક તેમ જ રાષ્ટ્રીય સ્તર ઉપર આધ્યાત્મિક જીવનના ટકી રહેવાના પ્રશ્નનો આધાર છે.

૧૮૯૩માં જ્યારે સ્વામી વિવેકાનંદે સર્વ પ્રથમ અમેરિકાની ભૂમિમાં પગ માંડ્યા, ત્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિ એક નવી જ ટૅકનૉલૉજીકલ દિશામાં પ્રગતિ કરી રહી હતી. એક નવીન યુગનાં મંડાણ થઈ ચૂક્યાં હતાં; અને સંસ્કૃતિને પરિવર્તન કરનાર પરિબળો જેવી શોધો થવા લાગી હતી, જેવી કે સર રૉબર્ટ વૉટનું રેડાર, બેલનો ટૅલિફોન, નિકૉસલ ઑટોનું ઈન્ટર્નલ કમ્બશ્ચન ઍન્જિન, કાર્લ બેન્ઝની મૉટરકાર, સબમરીન, થૉમસ આલ્વા ઍડિસનનો વીજળીનો દીવો, ફોનોગ્રાફ અને ટૅલિગ્રાફ રિપિટર, જ્યૉર્જ ઈસ્ટમેનની ફલૅકસીબલ રોલ ફિલ્મ, અને નિકોલા ટૅલ્સાની પૉલિફેઈમ એ.સી. સિસ્ટમ, ફ્લોરેસેન્ટ લાઈટિંગ, તથા રેડિયો તથા રિમોટ-કંટ્રોલ સિદ્ધાંતો વગેરે તો કેવળ થોડાં જ ઉદાહરણો એ સમયે થતી જતી નીતનવી શોધખોળનાં છે. આ શોધખોળોએ સીમાઓને ટૂંકાવી દીધી, પ્રજાઓ વચ્ચેનાં મોટાં અંતર કાપી નાંખ્યાં અને અમેરિકનોને માટે અત્યંત ઝડપી ગતિની જીવનશૈલીની રચના કરી. સંદેશ-વ્યવહાર અને સંચાર-વ્યવસ્થા એટલી તીવ્ર ગતિવાળાં બન્યાં કે છેવટે આજના ‘ઈન્ફર્મેશન સુપરહાઈવે’ માટેનો તેમાં પાયો નખાયો.

બુદ્ધિશીલતાને દિવ્યતાનો પ્રાદુર્ભાવ – પછી તે આધ્યાત્મિક હોય કે ન હોય – ગણનારા સ્વામી વિવેકાનંદ માટે આ બધી પ્રેક્ષણિય શોધખોળો હતી, જેનું પ્રદર્શન તેમણે શિકાગોમાં એક મહાપ્રદર્શનમાં ઉત્પાદકો, યાંત્રિક કળાઓ અને વિજળી વગેરેના ખંડોમાં જોયું હતું, આ બધું પ્રેરણાજનક જ હતું, ‘હું આ ‘યાન્કીલેન્ડ’ (એટલે કે અમેરિકા)ને ખુબ ચાહું છું,’ એમણે કહ્યું. મૅરી હેઈલને લખ્યું પણ હતું, ‘અમેરિકા જ ખરેખર એક સ્થાન છે, પ્રજા છે, અને દરેક ચીજ માટે તક ધરાવે છે’ અન્ય સ્થાને તેમણે લખ્યું છે :

‘કેવળ અમેરિકામાં જ એક એવી હવા છે, વાતાવરણમાં જ કંઈક એવું છે જે દરેકમાંથી તેનું સૌથી વધારે સારું તત્ત્વ ઉપર લાવે છે,’ આ લખતી વેળા સ્વામી વિવેકાનંદ ‘પાશ્ચાત્ય વિજ્ઞાન-તેની ઉત્તમતાની સ્તર’ અંગે ટીકા કરી રહ્યા હતા. એ સમય હતો જ્યારે અમેરિકાના મુક્ત સાહસ (Free Enterprise) અને શોધખોળોનો સમન્વય થયો હતો અને ભવિષ્યમાં તેનાથી સંસ્કૃતિને આગળ ધપાવવાનાં સ્વપ્નો સેવાઈ રહ્યાં હતાં. આ જાદુઈ સમન્વયથી, ઉદ્યોગ તેમ જ આદર્શવાદના મિલાપથી સ્વામીજી એટલા તો પ્રભાવિત થયા હતા કે તેમણે પોતાનો અભિપ્રાય એવો જ આપ્યો કે માનવી માટે આ સમન્વય હવે એક નવી જ વ્યવસ્થાનું નિર્માણ કરશે. ‘પશ્ચિમનાં કેટલાંક પ્રવૃત્તિમય અને પરાક્રમી તત્ત્વોને હિંદુઓના ધૈર્યયુક્ત ગુણોને જો જોડવામાં આવે,’ સ્વામીજીએ ભવિષ્ય ભાખ્યું, ‘તો એક સમય એવો આવશે જ્યારે આ જગતમાં અગાઉ કદી પણ ન થયો હોય તેવો ઉચ્ચકક્ષાનો મનુષ્ય વિહરતો હશે.’

આમ, સ્વામીજી પાશ્ચાત્ય વિજ્ઞાનના મોટા મિત્ર હતા. પોતે વૈજ્ઞાનિક અને ટૅકનૉલૉજીકલ રીતે પછાત રહી ગયેલા દેશમાં ઉછર્યા હોવા છતાં તેઓ આધુનિક પ્રાયોગિક રીતથી પ્રાચીન દર્શનનું વિવરણ કરતા હતા. ‘કેટલાક મનુષ્યો તો સર્વદા એવા મળી જ આવશે, જેઓ ધર્મનું શિક્ષણ અનુભવ દ્વારા કરતાં હશે.’ સ્વામીજીએ પોતાના પાશ્ચાત્ય પ્રેક્ષક ગણને સમજાવ્યું. આવા મનુષ્યોને રહસ્યવાદી અથવા અગમ્યવાદી અથવા ભાવયોગી કહેવામાં આવે છે. આ ગૂઢવાદીઓ પ્રત્યેક ધર્મમાં એક જ પ્રકારની ભાષાનો ઉપયોગ કરે છે અને એક સમાન સત્યને જ બિરદાવે છે. આજ ધર્મનું સાચું વિજ્ઞાન છે.’

એ કોઈ અકસ્માત નહોતો કે સ્વામી વિવેકાનંદની સામે જ આવો ધર્મ અમેરિકાની ભૂમિમાં પોતાનાં મૂળ ફેલાવવા લાગ્યો. ગત શતાબ્દીનાં છેલ્લાં વર્ષોમાં પશ્ચિમની દુનિયા એક એવી ઐતિહાસિક ક્ષણોમાંથી પસાર થઈ રહી હતી જ્યારે ‘ક્વાન્ટમ્ થિયરી’નો આવિર્ભાવ સર્વ પ્રથમ થવા પામ્યો હતો, જેની પછી તુરંત ‘સ્પેશિયલ થિયરી ઑફ રિલેટિવિટી’નો પણ આવિષ્કાર થયો હતો. આ એવો સમય હતો જેમાં કોઈ પણ વિચારને તાર્કિક અને વૈજ્ઞાનિક સબૂત મળતાં જ સ્વીકૃત બની જતો. આ બન્ને રીતે સ્વામી વિવેકાનંદ તથા તેમના આદર્શોનો સ્વીકાર થાય તે રીતે અમેરિકો તૈયાર જ હતો.

સ્વામી વિવેકાનંદની શીખવવાની રીત ઘણા અમેરિકન વિચાકોને યોગ્ય જણાઈ હતી. સ્વામીજીના કઠોર તર્કવાદ સામે કટ્ટર નાસ્તિક, ભૌતિકવાદી અને તર્કવાદી પાશ્ચાત્ય વૈજ્ઞાનિકોએ ઝુકી જવું પડ્યું એટલું જ નહિ પરંતુ ‘સાંખ્ય કૉસ્મૉલોજી’ (અથવા ‘સાંખ્ય વિશ્વવિજ્ઞાન) માં તેમના દ્વારા સમજાવવામાં આવતા વિશ્વના ઉદ્ભવ, ઉછેર વગેરે (અને જેમાં ‘બીંગ બેંગ’નો વિચાર અસંગત નહોતો જણાતો) સિદ્ધાન્તો, અણુ અને શક્તિની પરસ્પર પરિવર્તનક્ષમતાના સિદ્ધાન્તો (જેમાં વિવેકાનંદની ‘ઇલૅક્ટ્રિક સ્ફિયર’ની વાત આઈન્સ્ટાઈનની ‘માસ ઍનર્જી’ને મળતી આવતી હતી), અને પદાર્થ અને મનનું સૂક્ષ્મ વિશ્લેષણ – વગેરે સિદ્ધાન્તોને લીધે નિકોલા તૅલ્સા અને વિલિયમ જેમ્સ જેવા મહાવિદ્વાનો ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા, વિજ્ઞાનના આદર્શોને વેદાન્તના વિજ્ઞાન સાથે જોડી શકાય છે તે આવા વૈજ્ઞાનિકોના આ સમય પછીનાં લખાણોમાં દૃષ્ટિગોચર થાય છે.

અમેરિકામાં અમિશ્રિત પ્રગતિના યુગનાં જ્યારે મંડાણ થયાં ત્યારે સ્વામીજીનું ત્યાં આગમન થયું હતું એ સાચું, પરંતુ સ્વામીજીની ઊંડી પરીક્ષક દૃષ્ટિ આ ભૌતિક પ્રગતિ અને તેનાથી ઉદ્ભવેલ ભવિષ્ય પ્રત્યેના ઉત્સાહની ભીતર પણ પહોંચી શકી હતી. ‘દરેક વસ્તુની કીંમત ચૂકવવી જ પડે છે,’ સ્વામીજીએ આ ડૉલરપૂજક અમેરિકનોને ચેતવણી આપી હતી, ‘અને તેમાંથી પ્રગતિ પણ બાકાત નથી હોતી.’ પ્રગતિથી સંસ્કૃતિને ઓપ મળે છે. એ ખરું પણ સાથે સાથે જ તે માણસાઈનો પણ ભોગ લે છે. ‘હું માનું છું કે હિન્દુ ધર્મ પણ પોતાના ધાર્મિક વિશ્વાસનો વિકાસ તેના અનુયાયીઓના ભૌતિક વિકાસના ભોગે કર્યો છે,’ અને આટલું કહ્યા પછી તેમણે એ પણ ઉમેર્યું, ‘અને હું એ પણ માનું છું કે પશ્ચિમમાં આનાથી વિરુદ્ધ બન્યું છે.’ આ રીતે પ્રગતિ એ જાણે ભાગ્યદેવીની વક્રોક્તિ છે જેને લીધે જે ઝડપે રાષ્ટ્ર પ્રગતિ કરે છે તે જ ઝડપે તેની નસોમાં રાષ્ટ્રની અસંતોષ અને ભ્રષ્ટાચારની માત્રા પણ વધતી જાય છે. ‘દરેક પ્રજાની શક્તિનો સ્રોત તેની આધ્યાત્મિકતામાં છે;’ સ્વામીજીએ જાહેર કર્યું.

‘અને એ પ્રજાનું મૃત્યુ ત્યારે શરુ થાય છે જે દિવસથી તેની આધ્યાત્મિકતા લોપિત થવા માંડે છે અને ભૌતિકવાદનું જોર વધતું જાય છે.’ ૧૦

આ શબ્દોથી તો એમ જ જણાય છે કે જાણે સ્વામીજી આપણને આજે સંબોધીને બોલી રહ્યા છે. આપણે કે જેઓ હવે સાયબર – સ્પેસનાં સંતાનો છીએ – અને નહિ કે ગઈ સદીના અંતનાં વર્ષોમાં જીવતા અમેરિકનો –તેમને આ વાક્યો કહેતા હોય તેમ જણાય છે. તેમણે નીચેનાં વાક્યો પણ એ રીતે જ કહ્યાં છે :

મશીનોના ઉત્પાદન દ્વારા અને અન્ય સાધનો દ્વારા આજે અત્યંત શક્તિ અને સત્તા મેળવવામાં આવી રહી છે. તેને લીધે માનવ ઇતિહાસમાં કદી ન ભોગવવામાં આવ્યા હોય એટલા હક્કો અને સગવડો ભોગવવામાં આવી રહ્યાં છે. આને લીધે જ ‘વેદાન્ત’ તેની વિરુદ્ધમાં પ્રચાર કરવા ઈચ્છે છે, જેથી માનવોના આત્મા ૫૨ નિષ્ઠુરતાપૂર્વક અંકુશ જમાવનારાં તત્ત્વોનો હ્રાસ થઈ શકે.’ ૧૧

શું આજે ટૅકનૉલૉજી આપણા આત્મા પર નિષ્ઠુર અંકુશ દ્વારા રાજ કરી રહી છે? આપણા જીવન પર છવાઈ ચૂકી છે? અથવા તો શું એ શક્ય છે કે ભૌતિક-પ્રગતિ અને આધ્યાત્મિક મૂલ્યો સહજીવિત રહી શકે? જ્યારે ભૌતિકવાદના જીવનચક્ર વિષે તેમણે વાત કરી ત્યારે સ્વામી વિવેકાનંદે એક અદ્‌ભુત રીતનું અર્થઘટન કર્યું છે :

‘રજસ્-ના ઉન્મત્ત સ્થાન સુધી પહોંચેલાઓ (આ પશ્ચિમી સંસ્કૃતિના માનવો) હવે ત્યાંની ચરમ સીમા ૫૨, ભોગ વિલાસની પરાકાષ્ઠાએ પહોંચી ચૂક્યા છે;’ સ્વામીજીએ પોતાના વક્તવ્યને પોતાના હિન્દુ ભારતવાસી ભાઈ-બહેનો સમક્ષ સચોટ રીતે રજૂ કરતાં કહ્યું,

‘શું તમને એમ લાગે છે તેઓ નહિ પણ તમે જ યોગસાધના કરી શકો છો? તમે – જેઓ પોતાના પેટ ખાતર જ જીવી રહ્યા છો!’ ૧૨

એક આખા શતક પછી પણ શું આપણને એમ નથી લાગતું કે સ્વામીજીએ રજૂ કરેલા આ વિચારો તદ્દન સાચા પૂરવાર થયા છે? ભૌતિક ચરમસીમા પર પહોંચીને પશ્ચિમમાં એક આધ્યાત્મિક નવયુગનાં હવે મંડાણ થયાં છે શું? કે પછી, આપણી સતત પ્રગતિમાન ટૅકનૉલૉજી અને આપણી દરેક પેઢીના સંતોષનો માપદંડ નિરંતર આગળ ધપતો જાય છે?

એ ૧૯૪૭ના વર્ષની વાત છે, જ્યારે સ્વામી વિવેકાનંદની મહાસમાધિને પૂરાં ૫૦ વર્ષ પણ નહોતાં થયાં, જ્યારે આ મલ્ટિમીડિયાના ક્રાન્તિકારી યુગનું નવપ્રભાત શરૂ થયું, અમેરિકન રાષ્ટ્રના અડધા જેટલા માનવો – લગભગ ૯૦ મિલિયન – દરેક અઠવાડિયે સિનેમા ઘરોમાં જતા હતા. ૧૯૪૬ના જ વર્ષમાં ૬,000 જેટલાં અમેરિકન ઘરોમાં ટૅલિવિઝને પદાર્પણ કર્યું.

માત્ર પાંચ જ વર્ષમાં, સમસ્ત રાષ્ટ્રમાં ફેલાયેલ ટૅલિવિઝન માટેના મહત્ આકર્ષણે સિનેમાઘરોને બંધ પાડી દીધાં અને બીજાં પાંચ વર્ષમાં ટૅલિવિઝનધારકોની સંખ્યાનો વધારો આકાશને આંબી ગયો – જેથી અમેરિકામાંના લગભગ બે તૃતીયાંશ જેટલાં ઘરોમાં તે જોવાતું હતું. ૧૯૬૦ સુધીમાં, લગભગ ૯૦ ટકા જેટલાં ઘરોમાં ટી.વી. પહોંચ્યું અને પછી તો દરેક સામાન્ય અમેરિકન લગભગ દિવસના પાંચ કલાક જેટલો સમય ટી.વી. જોવામાં ગાળવા લાગ્યો હતો. ૧૩

આજે, એ.સી.નીલસન્સ કંપનીના અહેવાલ મુજબ, દરેક ઘરમાં લગભગ આઠ કલાક જેટલો સમય ટી.વી. ચાલુ રહે છે. સામાન્ય બાળક પણ ત્રણથી સાડા ત્રણ કલાક ટી.વી. જોવામાં ગાળે છે જ્યારે પુખ્તવયના માનવો પથી ૬ કલાક ગાળે છે. ૧૪ આમ આજે લાખો લોકોને માટે ટી.વી. એક પ્રકારની જીવન પર્યંત સહકાર-સાથ આપતી ચીજ બની ગઈ છે.

સ્વામી વિવેકાનંદના ગુરુ, શ્રીરામકૃષ્ણ, ઘણી વખત સારા માણસોના સંગ-સત્સંગના મૂલ્ય ઉપર ખાસ ભાર મૂકતા હતા, કેમ કે તેનાથી આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ મોકળો થાય છે. તેઓને જો આ સમયના અમેરિકનોની જીવનશૈલીની જાણ થાય – જેમાં આધ્યાત્મિક સ્વ-સંસ્કૃતિની પ્રગતિની વિરુદ્ધ પ્રવૃત્તિ થાય છે – તો તેમણે સહુથી પ્રથમ અમેરિકનોને ચેતવ્યા હોત. સંસ્કારો – અથવા માનસ છબીઓ – ની અસર અને ભૂમિકા માનવના આંતરિક જીવન પર ગાઢ હોય છે, તેથી યોગસાધનાનો ક્યો અભ્યાસુ એ બાબતે અકળામણ નહિ અનુભવે જે સંસ્કૃતિમાં ટી.વી.ના સૅટ પાસે કલાકોના કલાકો બેસી રહેવાનું હોય, તેમાંના તદ્દન નિરર્થક કાર્યક્રમો નીહાળ્યા કરવાના હોય, અને તેની માત્ર શારીરિક, ભાવાત્મક કે બૌદ્ધિક જ નહિ પણ આધ્યાત્મિક પ્રગતિના પંથમાં આવતી અડચણો વિષે વિચારતો ન હોય? એક તળાવની ઉપમા માનવમનને આપીને સ્વામી વિવેકાનંદ ‘સંસ્કાર’ના ખ્યાલને વ્યવસ્થિત રીતે રજૂ કરે છે. ‘દરેક તરંગ, દરેક મોજું જે મનમાં ઊભાં થાય તે જ્યારે શમી જાય છે ત્યારે પણ મનમાંથી તદ્દન નિર્મૂળ થઈ જતાં નથી’, તેમણે કહ્યું છે, ‘પણ તે પોતાની પાછળ એક નિશાન છોડી જાય છે, અને એક એવી શક્યતા પણ છોડી જાય છે કે ભવિષ્યમાં તે મોજું એ જ રીતે ફરીથી આવે.’ વળી આગળ તેઓ કહે છે,

‘આ નિશાન, ફરીથી મોજું ઉત્પન્ન થવાની – સંભવિતતા, તે જ ‘સંસ્કાર’ છે. આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ, આપણા શરીરનું જે કંઈ હલનચલન છે, આપણા મનમાં જે કોઈ વિચાર છે, તે દરેક પોતાની પાછળ માનસમાં એક વિશિષ્ટ છાપ છોડીને જાય છે, પછી ભલે તે નાની હોય કે એકદમ સ્પષ્ટ રીતે નજરમાં ન આવતી હોય, તેમ છતાં સપાટીથી નીચે તે કામ કરવાની શક્તિ અવશ્ય ધરાવે છે અને અભાન મનમાં સચવાય છે. દરેક ક્ષણે આપણે શું છીએ તે આ બધાં પ્રભાવો – ચિન્હો અને નિશાનો – નો સરવાળો જ ઠરાવે છે.’ ૧૫

‘ફૉર આર્ગ્યુમૅન્ટસ ફૉર ધી ઍલિમિનૅશન ઑફ ટૅલિવિઝન’નામક પુસ્તકના લેખક, અને પૂર્વે ઍડવર્ટાઈઝિંગ એજન્ટ રહી ચૂકેલા શ્રી જૅરી મૅન્ડર ટૅલિવિઝન માધ્યમના મૂલ્યને પડકારે છે. તેમણે પુસ્તકમાં એવા અભ્યાસો ટાંક્યા છે જેથી પૂરવાર થાય છે કે યોગ દ્વારા એક આંતરિક દૃષ્ટિ મળે છે, અને માનસ પરનાં નિશાનોની પ્રક્રિયામાંથી શીલ ઘડતર માટે પ્રેરણા મળે છે. ‘પોતાની બહારની હોય કે અંદરની હોય, પણ કોઈ એક ચીજ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યાથી માનવીના સમગ્ર શારીરિક તંત્ર ઉપર અસર પડતી હોય છે’ જૅરી મૅન્ડરે લખ્યું છે,

‘તમારી કલ્પનાનો શબ્દભંડોળ તમારી કલ્પના ઘડે છે. તે કલ્પના તમારા મનમાં સદા વસે છે, એટલે કે તમારા મગજના કોષોમાં રહી જાય છે. આમ તેનું શારીરિક બંધારણ છે.’ ૧૬ તો પછી, આપણને પ્રશ્ન થઈ શકે છે, શું કોઈ આધ્યાત્મમાર્ગી આ માધ્યમોની માનસિક – શારીરિક અસરોને અવગણી શકે ખરા? કે જેમાંના કાર્યક્રમો બારેક વર્ષની વયના જૂથ માટે મુખ્યત્વે બનાવવામાં આવેલા હોય છે?’ ૧૭ રોજેરોજ આ કિશોરવયને માટે બનાવેલા કાર્યક્રમોને જોવાથી, તેના અતિરેકથી – અને ખાસ તો મુર્ખામી ભરેલા જ કાર્યક્રમો જોતા રહેવાથી શું જોનારનું માનસ પણ એ જ વયનું બની નહીં રહે? અને તેને ઉચ્ચતર આકાંક્ષાઓને ઘડવામાં નડતરરૂપ નહીં બને?

આ ઉપરાંત, હવે તો વળી ટૅલિવિઝનના નિર્માતાઓને એ ટીકાનો સામનો કરવો પડે છે કે કાર્યક્રમો તો ભેળસેળવાળા સંદેશાઓ મોકલે એવા છે, અને આ ટીકાઓ બાળકોના હક્કો સાચવતી સંસ્થાઓ, સંશોધકો અને બાળકો પોતે જ કરતાં હોય છે. ૧૯૯૫ના માર્ચ મહિનામાં ‘ધી લૉસ ઍન્જેલિસ ટાઈમ્સ’ દૈનિકે ૭૫૦ બાળકોના મતોના પરિણામને જાહેર કર્યું જે ‘ચીલ્ડ્રન્સ નાઉ’ નામની સંસ્થાએ લીધેલા સર્વેક્ષણમાંનો નિચોડ હતો. આ સર્વેક્ષણ અનુસાર ઘણા ખરા કિશોરો અને યુવાનોના માનવા પ્રમાણે ‘ટૅલિવિઝન તેમને જાતીય પ્રવૃત્તિમાં વધુ પડતા જલદી જોડી દે છે, તેમના મા-બાપ પ્રત્યે વધુ ઉદ્દંડ બનાવે છે, અસત્ય બોલવા અને આક્રમક વર્તન કરવા માટે પ્રેરે છે.’ ૧૮ ‘બાળકો ટી.વી.ને ચાહે છે’ વૉલ્ટ ડીઝની ટી.વી. અને ટૅલિકમ્યુનિકૅશન્સના ચૅરમૅન તથા ઍકૅડૅમી ઑફ ટૅલિવિઝન આર્ટસ ઍન્ડ સાયન્સિસના પૅસીડેન્ટ, શ્રી રીચાર્ડ ફ્રૅન્કે કહ્યું, ‘જે તેઓ તેમાં જુએ છે તે એક જ શબ્દમાં કહેવું હોય તો, ગૂંચવણભરેલું છે.’ ૧૯ ટૅલિવિઝિનની હિંસાને કારણે પ્રેક્ષક ૫૨ થતા માનસિક અને શારીરિક પરિણામોને આપણે કઈ રીતે અવગણી શકીએ? આંકડાશાસ્ત્રીઓના કહેવા મુજબ ગત ૧૮ વર્ષના ટી.વીના કાર્યક્રમોમાંથી સામાન્ય અમેરિકન નાગરિકે ૨,00,000 જેટલી હિંસાત્મક ઘટનાઓ જોઈ કાઢી છે. ૨૦સ્વામી વિવેકાનંદને એ વાતે જરા પણ આશ્ચર્ય ન ઉપજ્યું હોત કે આજના અમેરિકન મૅડિકલ એસોસિયેશન, નૅશનલ ઈન્સ્ટિટયુટ ઑફ મૅન્ટલ હૅલ્થ, યુ.એસ. ડિસિઝ કન્ટ્રોલ, અને ‘અમેરિકન સાયકૉલૉજીકલ એસોસિયેશનના અહેવાલો જણાવે છે કે ‘પડદા પર દેખાતી હિંસા અને હિંસાત્મક ગુનાખોર વર્તન વચ્ચે સીધું જોડાણ જણાઈ આવે છે.’ ૨૧ ‘દરેક વિચાર, દરેક મગજમાંથી આવતા વિચાર જાણે ત્યાં સુધી તરંગિત જ રહે છે જ્યાં સુધી તેને વ્યવસ્થિત રીતે સ્વીકૃત કરનાર વિષય – ચીજ મળી ન જાય.’ આ સિદ્ધાન્તને એક વાર સ્વામીજી પોતાના પશ્ચિમી અનુયાયીઓને સમજાવતા હતા.

‘મગજમાંથી નીકળતો દરેક વિચાર, પોતાને સ્વીકારે એવું યોગ્ય પાત્ર ન મળે ત્યાં સુધી જાણે કે આંદોલિત થયા કરે છે. આવા વિશિષ્ટ થડકારોને સ્વીકારવાને તત્પર મન, તરત જ એ આંદોલન ઝીલશે. તેથી, માણસ અશુભ કાર્ય કરે ત્યારે તે તેના મનને અમુક તીવ્રતાની પરિસ્થિતિમાં લાવે છે; અને એ તીવ્રતાની પરિસ્થિતિ સાથે સામ્ય ધરાવતાં અને વાતાવરણમાં પ્રસરી રહેલાં સર્વ મોજાંઓ તેના મનમાં પ્રવેશવાનો જોશભેર પ્રયાસ કરે છે. આ કારણથી જ અશુભ કાર્ય કરનારા સામાન્ય રીતે, વધુ અને વધુ અશુભ કાર્ય કરતા રહે છે. આને લીધે જ દુષ્ટકાર્યો કરનાર વ્યક્તિ સામાન્ય રીતે દુષ્ટ કાર્યો કરતો જ રહે છે’ ૨૨ રૂપેરી પડદા પરની હિંસા ફિલ્મ હોય કે ટેલિવિઝન પ્રેક્ષકોના માનસ પર વિશિષ્ટ પ્રભાવ પાડે છે. ૨૩ જે પ્રેક્ષકોની વૃત્તિ હિંસાત્મક હોય છે, તેમને હિંસાત્મક ક્રિયા માટે તે પ્રેરણા આપે જ છે, પરંતુ તેવી વૃત્તિ ન ધરાવતા નિર્દોષ માનસ ઉપર પણ દા.ત. બાળકો ઉપર પણ – તેનો એવો જ પ્રભાવ પડે છે. પાંચ વર્ષ દરમ્યાનના અને ૪ થી ૯ વર્ષની ઉંમરનાં ૬૩ બાળકોનો નિરીક્ષણ – અભ્યાસ થયો ત્યારે જણાયું કે ‘ખૂબ જ ટૅલિવિઝન જોવાથી સ્કૂલ જતાં પહેલાંની ઉમરવાળાં બાળકો તો ખાસ કરીને વધારે આક્રમક બની જાય છે.’ ૨૪ લેબોરેટરીમાં થયેલા પ્રયોગોનું તારણ આવ્યું છે કે :

‘બાળકો, કિશોરો અને યુવાન-યુવતીઓ માનવીય હિંસાની ઘટનાઓને ટી.વી. અને ફિલ્મોમાં જોવાથી રમતગમતથી લઈને ઝઘડો ટાળવાની બાબતે ‘શીખવાડી’ દેવાની હિંસાત્મકવૃત્તિ આક્રમક રીતે અપનાવતાં થાય છે. જ્યારે માધ્યમોની ઘટનાઓમાં આક્રમક રીતરસમને સફળ થતી દર્શાવાય છે અથવા વિષય ક્રોધાત્મક હોય કે માધ્યમની આક્રમકતાને યોગ્ય ઠરાવવામાં આવે ત્યારે આ પ્રકારનો પ્રભાવ વધારે થતો જણાય છે.’૨૫

સંશોધકોએ નોંધ્યું છે કે પડદા પરની હિંસાને લીધે આવતા પ્રત્યાઘાતોની તીવ્રતામાં વધારો કરનારાં અન્ય કેટલાંક પરિબળો આ મુજબનાં છેઃ (અ) ટી.વી. કાર્યક્રમોમાં વધારે વાસ્તવિકતા લાવવાના હેતુથી વપરાતી સ્પેશ્યલ ઈફેક્ટ્સ (આ) આક્રમક ભૂમિકા ભજવનાર સાથે પ્રેક્ષકનું તાદાત્મ્ય (ઇ) કાર્યક્રમો સત્ય છે તેવી ભ્રમણા (ઉ) પોતાના ઘરમાં થતી હિંસા અને (એ) આક્રમકતાના સામના માટે જરૂરી એવા ધોરણો વિશે ગૂંચવણભરેલા ખ્યાલો ૨૬ માનવમનની સ્મૃતિની મનોવૈજ્ઞાનિક પ્રક્રિયામાં આ ‘ચલ’ (Variables) પરિબળોના મહત્ત્વને સમજાવતાં મનોવૈજ્ઞાનિકો કહે છે, ‘આપણી સ્મૃતિ અનેક પ્રકારના સંબંધોના જાળાંમાં ગંઠાયેલી રહે છે, અને….. એક સ્મૃતિને યાદ કર્યાથી તે જાળાંમાં રહેલી અન્ય સંબંધિત સ્મૃતિઓ પણ જાગૃત થઈ શકે છે (જેને અંગ્રેજીમાં Priming કહે છે)’ તો આનો અર્થ શું થાય?

‘એ બાળકો જેઓ પોતાના ઘરમાં હિંસાના આચરણને જુએ છે, તેઓ પડદા પરની હિંસાનો સંદેશ જે સ્મૃતિજાળમાં ઝીલે છે તે એવા અન્ય બાળકોની સ્મૃતિજાળથી જુદો છે, જેઓ પોતાના ઘરમાં હિંસાનું આચરણ જોતાં નથી હોતાં. (દા.ત. આ હિંસાને તેઓ ‘વાસ્તવિકતા’ની સ્મૃતિજાળમાં ગોઠવશે જ્યારે સામાન્ય અહિંસક ઘરનાં બાળકો તેને કલ્પનાશીલ સ્મૃતિ જાળમાં ગોઠવશે.) જ્યારે વાસ્તવિક જીવનમાં કોઈ સમસ્યા આવે, ત્યારે પ્રથમ વર્ગનાં બાળકો હિંસા વાસ્તવિક છે એમ માનીને આક્રમક બની શકશે, જ્યારે બીજા વર્ગમાં તેમ ન થવાની સંભાવના છે.’ ૨૭

સમાજશાસ્ત્રના પ્રાયોગિક ધોરણે થતા અભ્યાસો કરતાં પણ ક્યાંક અન્યત્ર શું આપણને માધ્યમોની હિંસા સાથે આક્રમક વર્તનને જોડતો વૈદકીય પુરાવો મળે છે? માનસિક સમજશક્તિ perception સાથે માનવના અનુભવને જોડતા જ્ઞાનતંતુ સંબંધી માર્ગો neurological pathways બાબત, ‘એમ જાણવા મળે છે કે ઉઘાડી આંખોથી થતી – આવતી સમજશક્તિમાં જણાતાં શારીરિક તત્ત્વો જ માનસિક રીતે અથવા કાલ્પનિક રીતે મેળવેલી સમજશક્તિમાં હોય છે.’ જૅરી મૅન્ડર વધુ સમજાવતાં કહે છે, ‘આપણું શરીર માનસિક ચિત્રો પ્રત્યે એ મુજબના જ પ્રત્યાઘાત આપતું હોય છે જેવા કે બાહ્ય જગતને તે આપે છે.’ વધુ સમજાવતાં મૅન્ડર લખે છે,

‘ઍડમન્ડ જૉબસન નામના અમેરિકન ફિઝિયૉલૉજીસ્ટે કેટલાક અભ્યાસો કર્યા છે તે અનુસાર જાણવા મળે છે કે જે વ્યક્તિ દોડવાની કલ્પનાનું ચિત્ર મન આગળ ઊભું કરે છે ત્યારે ઓછા છતાં જાણી શકાય તેવી રીતે તેના શરીરમાં એવા તનાવો ઊભા થાય છે જે તે હકીક્તમાં દોડતો હોત અને ઊભા થયા હોત. ‘એ જ જ્ઞાનતંતુઓ તનાવ અનુભવે છે જે તેના હકીકતમાં દોડવાને સમયે ઊભા થયા હોત,’

‘વળી શરીરરચનાના નિષ્ણાતો એ બાબત ઉપર પણ ધ્યાન આપે છે કે મગજમાં આવેલ બહારના કોષોનું ભૂરું આવરણ (cerebral cortex) માનસચિત્રોને ભંડારતું હોય છે અને શરીરની જ્ઞાનતંતુઓની રચના એવી છે કે આ ભંડાર સાથે શરીરના કહેવાતા નામરજીયાત (involuntary) મસલ્સ જોડાયેલા છે.’ અને આ સમજાવટ ચાલુ રાખતાં મૅન્ડર લખે છે,

‘આ નામરજીયાત જ્ઞાનતંતુની રચનાના નિયંત્રણમાં પ્રસ્વેદગ્રંથિઓ, રક્તવાહિનીઓ, વિસ્તૃત થવું કે સંકોચ પામવું જેવી ક્રિયાઓ, લોહીનું દબાણ, શરમના શેરડા પડવા (એટલે કે ચહેરા પર લોહી ધસી આવવું) કે રૂવાડાં ઊભાં થવાં, હૃદયના ધબકારાની માત્રામાં વધઘટ થવી, શ્વાસોશ્વાસની ગતિ, મોં સુકાવું; મોટા આંતરડાની હિલચાલ અને મસલ્સનું સામાન્ય તંગીકરણ, જેવાં મોટાં કાર્યો હોય છે. ઉપરાંત પિચ્યુટરી અને આર્ડેનલ ગ્રંથિઓ પણ આ જ્ઞાનતંતુઓના નિયંત્રણ માર્ગોમાં આવેલી છે. પિચ્યુટરી ગ્રંથિ તો હોર્મોન્સના સ્રાવને નિયંત્રિત કરે છે એટલું જ નહિ પણ અન્ય બધી ગ્રંથિઓના અંતઃસ્રાવ ઉપર પણ નિયંત્રણ રાખે છે. આર્ડેનલ ગ્રંથિ સ્ટિરોઈડ્સનો સ્રાવ કરે છે, જે શરીરમાં બંધારણીય પ્રક્રિયાઓનું નિયંત્રણ કરતી હોય છે, અને (અન્ય મહત્ત્વની ગ્રંથિ છે) એપીનેફ્રાઈન જે માનવમનની ‘લડો, અથવા તો ભાગો’ જેવા પ્રતિભાવોને જન્મ આપે છે. આ બધા જ જ્ઞાનતંતુના માર્ગો મારફતે, મેળવેલા માનસચિત્રોની અસર શરીરના દરેકે દરેક કોષ સુધી પહોંચી જાય છે’ ૨૮

યોગસાધના જાણનારા સાધકોને તો આ પશ્ચિમના વૈજ્ઞાનિકો કરતાં ઘણા પ્રાચીન સમયથી જ્ઞાન મળેલું છે કે શરીર-મન કેટલાં બધાં સંકળાયેલાં રહે છે. શ્રીરામકૃષ્ણે પણ પોતાના અનુયાયીઓને મન તથા શરીર વચ્ચેના આ સીધા સંબંધની બાબત સમજાવતી વેળા કહ્યું હતું કે આધ્યાત્મિક શિસ્ત અને નિયમોના પાલન કરતાં કરતાં સાધક એક પ્રકારનું ‘પ્રેમશરીર’ (love body) મેળવે છે જેમાં એની પાસે ‘પ્રેમચક્ષુ’ અને ‘પ્રેમશ્રવણેન્દ્રિય’ વગેરે હોય છે. ‘આ પ્રેમશરીર દ્વારા આત્મા પરમાત્મા સાથે સંબંધ જોડે છે.’ તેમણે કહ્યું હતું ૨૯આપણા સંપૂર્ણ અસ્તિત્વ પર આપણી સમજ શક્તિનો કેટલો મોટો પ્રભાવ છે તે આપણે શ્રી જૅરી મૅન્ડરના શબ્દોથી જાણી શકીશું એમ જ જણાય છે કે તેઓ જાણે પસંદગીના આદર્શ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી થતાં પરિવર્તનોને જ વર્ણવી ન રહ્યા હોય? પણ તેઓ તો રૂપેરી પડદા પરની હિંસાના માનસપટલ પર થતા પ્રત્યાઘાતો વિષે આ શબ્દો લખે છે: ‘માનસમાં વણાઈ ગયેલાં ચિત્રો માનવીની ઉત્ક્રાન્તિના સાર અને જૈવિક ભૂમિકા ઉપર ચોક્કસ પ્રકારનો પ્રભાવ પાડતાં જ હોય છે.’

‘જે પ્રકાશથી તેઓ વણાયાં છે, તેવાં આ માનસચિત્રો જાણે કે વાસ્તવિક જ છે. આ કાલ્પનિક નહીં પણ વાસ્તવિક હકીકતો બને છે… આપણા માનસપટલ ઉપરનાં ચિત્રોનો આપણા ઉપર શારીરિક પ્રભાવ પડતો રહે છે અને આપણામાં મનોવૈજ્ઞાનિક પ્રતિભાવો પણ ઊભાં કરતાં રહે છે, ધીમે ધીમે આપણે જેવાં ચિત્રો માનસપટલમાં સમાવતાં હોઈએ, જે આપણે જોઈએ, તેવાં આપણે બનતાં જઈએ છીએ.’૩૦

(ક્રમશઃ)

ભાષાંતર : સુધા નિખિલ મહેતા

પાદ ટીપો :

ક્રમ

૧. જુઓ ‘હાઇપર ડૅમૉક્રસી’, ‘ટાઈમ’, ૨૩ જાન્યુ. ૧૯૯૫, પાના નં. ૧૫ થી ૨૧; તેમ જ ‘મૅનહૅટન પ્રૉજેક્ટ’, ‘ન્યૂઝ વીક’, નવેમ્બર – ડિસેમ્બર, ૧૯૯૨, પાનાં ૪૦ થી ૫૬

૨. ‘એ ક્રૉનિકલ ઑફ ઈમ્પોર્ટન્ટ ઈવૅન્ટ્સ ઈન ધી લાઈફ ઍન્ડ ટાઈમ્સ ઑફ વિવેકાનંદ (૧૮૬૩-૧૯૦૨)’,નો લેખ, ‘વિવેકાનંદ : હિઝ ગૉસ્પેલ ઑફ મૅન-મેકિંગ’, સંપાદક : સ્વામી જ્યોતિર્મયાનંદ, (મદ્રાસ, ૧૯૮૮), પાનાં ૩૫૫ થી ૬૪૪

૩. ‘ધી કમ્પ્લીટ વર્કસ ઑફ સ્વામી વિવેકાનંદ’, વૉલ્યુમ ૭, માયાવતી : અદ્વૈત આશ્રમ, ૧૯૭૨, માયાવતી મેમોરીયલ ઍડિશન, પાનાં નં. ૪૯૮-૯. (હવેથી ‘ધી કમ્પ્લીટ વર્કસ’ કહેવાશે.)

૪. ‘ધી કમ્પ્લીટ વર્કસ’ વૉલ્યુમ ૬, પાનાં નં. ૩૬૩.

૫. મેરી લુઈસબર્કઃ ‘ન્યૂડિસ્કવરીઝ’, વૉલ્યુમ બીજું, પા. ૩૬૨

૬. ધી કમ્પ્લીટ વર્કસ…’ વૉલ્યુમ, ૬, પા. ૮૧

૭. મેરી લુઈસ બર્ક : ‘ન્યૂડિસ્કવરીઝ’, વૉલ્યુમ ૩,પાનાં ૪૬૯-૭૧.

૮. ઉપર મુજબ, વૉલ્યુમ ૩,પાનાં નં. ૪૩૪; ૫૦૬-૫૦૭.

૯. ઉપર મુજબ, વૉલ્યુમ ૨, પાનું ૩૬૨

૧૦. ઉપર મુજબ, વૉલ્યુમ ૪, પાનું ૪૪૮.

૧૧. ‘ધી કમ્પ્લીટ વર્કસ,’ વૉલ્યુમ ૧, પાનું. ૪૨૫

૧૨. ‘ધી કમ્પ્લીટ વર્કસ’, વૉલ્યુમ ૬, પા. ૪૫૯

૧૩. ‘ફિલ્મ ઈન ધી ટૅલિવિઝન એજ’, વિભાગ-૬, ‘અમેરિકન સિનેમા કે.સી.ઈ.ટી., ૨૦ ફેબ્રુ, ૧૯૯૫.

૧૪. ઈન ધી ઍબ્સન્સ ઑફ ધી સૅક્રૅડ’, જેરી મૅન્ડર, (સાન ફ્રાન્સિસ્કો, સિયેરા ક્લબ બુક્સ, ૧૯૯૧), પા. ૭૬

૧૫. ‘ધી કમ્પ્લીટ વર્કસ’, વૉલ્યુમ ૧, પા. ૨૩૩.

૧૬. ‘ફૉર આર્ગ્યુમૅન્ટ્સ ફૉર ધી ઍલિમિનેશન ઑફ ટેલિવિઝન’, જૅરી મૅન્ડર, (ન્યૂયૉર્ક, મૉરૉ કવીલ પેપરબેકસ, ૧૯૭૮) પાનાં ૨૨૧, ૨૨૨

૧૭. નીલ પોસ્ટમૅન, ‘ધી ડિસઅપિયરન્સ ઑફ ચાઈલ્ડહુડ’, (ન્યૂ યૉર્ક, ડીલિકૉર્ટ પ્રેસ, ૧૯૮૨), પા. ૧૧૮

૧૮. કલૉડિયા, પ્યુગ, ‘ચિલ્ડ્રન્સ ટી.વી. પૅનલ ટયુન્સ ઈન ટુ પૅરૅન્ટ રોલ,’ ‘લૉસ ઍન્જેલિસ ટાઈમ્સ’ (૬ માર્ચ, ૧૯૯૫), પા. એફ ૧૧

૧૯. ઉપર મુજબ.

૨૦. સી.બી.સી. ન્યૂઝ, કૅલગરી, ૨૭ નવેમ્બર, ૧૯૯૪

૨૧. પૅટ્રિશિયા માર્કસ ગ્રીન ફિલ્ડ, ‘માઈન્ડ ઍન્ડ મીડિયા’, ધી ઈફેક્ટસ ઑફ ટૅલિવિઝન, વિડિયો ગેમ્સ ઍન્ડ કમ્પ્યુટર્સ’ (કેમ્બ્રિજ, હાવર્ડ યુનિવર્સિટી પ્રેસ, ૧૯૮૪), P. ૧૨૫

નોંધ : આ જ બાબતમાં સર્જન-જનરલ ડૉ. સી. એવરેટે પણ ઑક્ટોબર ૧૯૮૭માં તાજેતરનાં અભ્યાસોનાં તારણ તરીકે જણાવ્યું છે કે નાનાં બાળકો તેમ જ કિશોરવયના બાળકો પર રૉક મ્યુઝિકમાં ઊભી થતી હિંસક કલ્પનાચિત્રોની હારમાળાની હાનિકારક અસર અવશ્ય પડે છે – જેથી કરીને આત્મહત્યા, શયતાનવાદ અને દારૂની લત વગેરે જેવી કુટેવો તરફ તે દોરી જઈ શકે છે.’ (ગીલ્ડા બર્જર, ‘વાયોલન્સ ઈન ધી મિડિયા’, (ન્યૂયૉર્ક: ફ્રૅન્ક્લીન વૉટ્સ, ૧૯૮૯ B. પાનાં નં. ૧૩૧). ડૉ. જૉસૅફ સ્ટ્યુસી, યુનિ. ઑફ ટૅક્સાસ, સાન્ત એન્ટોનિયોમાં સંગીતના પ્રાધ્યાપક છે તેમ જ ‘ધ હૅવી મૅટલ યુઝર્સ મેન્યુઅલ’ નામના પુસ્તકના લેખક પણ છે, તેમણે એક વક્તવ્યમાં સંગીત માધ્યમથી પડતા ગહન પ્રભાવો અંગે જણાવ્યું કે ‘દરેક સંગીત માધ્યમ દ્વારા મનોસ્થિતિ, લાગણીઓ, અભિગમો તેમ જ વર્તન ઉપર ગહન પ્રભાવ પડતો હોય છે.’ (વાયોલન્સ ઍન્ડ મીડિયા, પા. ૧૩૧)

૨૨. ‘ધી કમ્પ્લીટ વર્કસ’, વૉલ્યુમ ૧, પા. ૮૨,

૨૩. જો ઉર્શેલ, ‘યુ.ઍસ.એ. ટુડે’ના કટાર લેખકે તાજેતરમાં જ ફિલ્મોના વિવેચકોની ટીકા કરી હતી કે તેઓ ફિલ્મોને ઘણુંખરું બિરદાવતા જ હોય છે અને સમાજવિરોધી ફિલ્મની નૈતિક જવાબદારીઓ વિષે વિચારતા જ નથી. તેમના રીવ્યુમાં તો વળી આવી ફિલ્મોને ‘વિશિષ્ટ અને જુદા પ્રકારના કલાત્મક સર્જન તરીકે ગણે છે જેનું ‘થિયેટર બહારની દુનિયામાં કોઈ વાસ્તવિક સ્થાન નથી’ પરંતુ ‘હમણાં જેઓ તમાકુના બહુ મોટા વ્યાપારીઓ હોય તેઓ તમાકુ અને કેન્સરના રોગ વચ્ચેના સંબંધને જેમ નકારે છે, તેમ હૉલિવૂડના કાર્યકરો હવે દસ વર્ષ પછી જ્યારે સંસદીય સમિતિ સામે બેસશે ત્યારે (નૈતિક જવાબદારી અંગે) ધરા૨ નકાર કરતા હશે,’ ઉર્શેલે ખાસ ભાર દઈને ટીકા કરી છે, ‘તેઓ પોતાનાં ઉત્પાદનો (ફિલ્મો) અને સમાજની વધતી હિંસા વચ્ચે – ખૂબ જ મોટા પ્રમાણમાં વૈજ્ઞાનિક અભ્યાસોએ તે સંબંધ પૂરવાર કર્યો હોય તેમ છતાં – કોઈ સંબંધ છે એ વાતને તદ્દન નિષ્ઠુરતાથી વખોડી કાઢશે.’ (જે.કે. મૅથ્યુસ; ‘કેન ૨૦૦ ક્રિટિકસ બી રૉન્ગ? મે બી લૉસ ઍન્જેલિસ, ટાઈમ્સ, સોમવાર, ૨૬ ડિસેમ્બર, ૧૯૯૪, P. F ૧૪)

૨૪. લિન્ડા હીધ, પીએચ.ડી, લીન્ડા બી. બ્રૅસલીન, પીએચ.ડી; રોબર્ટ સી. રીનાલ્ડિ, પીએચ.ડી, ‘ઈફેક્ટ્સ ઑફ મીડિયા – વાયોલન્સ ઑન ચિલ્ડ્રન’, એ રિવ્યુ ઑફ ધી લિટરેચર : આર્ચ જૈન સાઈકિયાટ્રી (વૉલ્યુમ ૪૬, પા. ૩૭૭)

૨૫. ઉપર મુજબ. પા. નં. ૩૭૬-૯.

૨૬. ઉપર મુજબ પા.નં. ૩૭૬-૭,

૨૭. ઉપર મુજબ પા.નં. ૩૭૮.

૨૮. જૅરી મૅન્ડર, ‘ફૉર આર્ગ્યુમૅન્ટ્સ ફૉર ધી ઍલિમિનેશન ઑફ ટૅલિવિઝન’, પાનું. ૨૨૬.

૨૯. એમ. ‘ધી ગૉસ્પેલ ઑફ શ્રીરામકૃષ્ણ’ (ન્યૂયૉર્ક, રામકૃષ્ણ-વિવેકાનંદ સૅન્ટર, ૧૯૭૩), પાનાં નં. ૧૧૫.

૩૦. જૅરી મૅન્ડર, ‘ફૉર આર્ગ્યુમેન્ટ્સ ફૉર ધી ઍલિમિનેશન ઑફ ટૅલિવિઝન’, પા. ૨૧૯.

Total Views: 238

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.