(રામકૃષ્ણ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મૉરલ ઍન્ડ સ્પિરિચ્યુઅલ ઍજ્યુકેશન, માયસોરનો પરિચય)

આપણા દેશમાં હાલ કેળવણીની જે પદ્ધતિ પ્રવર્તે છે તે બિલકુલ સંતોષકારક નથી એમ વ્યાપકપણે માનવામાં આવે છે. એમ પણ માન્યતા છે કે શારીરિક કેળવણીને પણ તેનું યોગ્ય સ્થાન આપવામાં આવતું નથી. પરીક્ષાલક્ષી તાલીમ બાળકમાં પડેલી સ્વતંત્ર વિચાર કરવાની શક્તિનો વિકાસ કરવાને બદલે બીજા લોકોના વિચારો અને અભિપ્રાયોને મોઢે કરવા પાછળ ઘણો બધો સમય ગાળવા માટે તેમને ફરજ પાડે છે. આટલું ઓછું હોય તેમાં વળી આ પુસ્તકિયા કેળવણી એમને શારીરિક શ્રમ માગી લે એવાં કાર્યોથી માનસિક રીતે વિમુખ કરી દે છે. માત્ર આધ્યાત્મિક મૂલ્યો જ નહિ પરંતુ નીતિ અને સદાચારના ગુણો કેળવાય એ માટેની તાલીમ કરુણાજનક રીતે અપર્યાપ્ત છે. આપણો દેશ સ્વતંત્ર થયો ત્યાર પછી શિક્ષણનો વ્યાપ સંખ્યાની દૃષ્ટિએ વધ્યો છે પરંતુ ગુણવત્તાની દૃષ્ટિએ આપણે ૧૯૪૭માં હતા ત્યાંથી પણ નીચી કોટિએ ઉતરી ગયા છીએ.

આપણા દેશમાં જેટલાં શિક્ષણ માટેનાં કમિશનો નીમાયાં તે તમામે એકી અવાજે નૈતિક અને આધ્યાત્મિક કેળવણીને તમામ કક્ષાના અભ્યાસક્રમોમાં સ્થાન આપવાની બાબતને ખૂબ મહત્ત્વની ગણાવી છે. આ મૂલ્યોનું શિક્ષણ કેવી રીતે આપી શકાય એનું વિસ્તૃત નિરુપણ પણ એમણે કર્યું છે. કોઠારી કમિશને જણાવ્યું છે કે ‘મિશને જે ભલામણો કરી છે તે પ્રમાણે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ તેમના નિયંત્રણ હેઠળ આવતી તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં નૈતિક, સામાજિક અને આધ્યાત્મિક મૂલ્યોના શિક્ષણનો સમાવેશ કરવો જોઈએ. આ માટે સંસ્થાના સમયપત્રકમાં અલગ તાસ (પિરિયડ) ફાળવવા જોઈએ. આ વિષયોના શિક્ષણ માટે નીમવાના વિશિષ્ટ શિક્ષકો દ્વારા નહિ પરંતુ વિવિધ સમુદાયોમાંથી યોગ્ય વ્યક્તિઓની પસંદ કરીને તેમના દ્વારા શિક્ષણ અપાય એ શ્રેયસ્કર ગણાશે.’

કમિશને આ પ્રકારની ભલામણ કરી તે પહેલાં જ રામકૃષ્ણ આશ્રમે ૧૯૬૫થી નૈતિક અને આધ્યાત્મિક શિક્ષણની ઉત્તમ ગુણવત્તા ધરાવતી વિશિષ્ટ આધ્યાત્મિક શિબિરોનું અદ્‌ભુત સફળતાપૂર્વક સંચાલન કર્યું છે. આ શિબિરો બે પ્રકારની હતી : (૧) ઉનાળાના વેકેશનમાં દેશના વિવિધ ભાગોમાંથી આવતા કૉલેજના વિદ્યાર્થીઓ માટે બે અઠવાડિયાની શિબિર અને (૨) ઑગસ્ટ – સપ્ટેમ્બરમાં શ્રીરામકૃષ્ણ વિદ્યાશાળા, માયસોરના વિદ્યાથીઓ માટે ચારિત્ર્ય નિર્માણની ત્રણ દિવસની શિબિર. ઉનાળુ શિબિરના અભ્યાસક્રમમાં વિશ્વના પ્રમુખ ધર્મોનાં સારભૂત લક્ષણો, તે ધર્મોના મહાન ધર્મગ્રંથોમાંથી ઉદ્ઘારણો તથા તે ધર્મોના સ્થાપકોનાં ટૂંકા જીવનચરિત્રો વગેરે વિષયો ઉપરનાં વ્યાખ્યાનોનો સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત ધ્યાન, પ્રાર્થના, (સમુહગાન સહિત) કડક મૌન પાલન અને આત્મ નિરીક્ષણ વગેરેના પ્રાયોગિક પ્રશિક્ષણનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

સમય જતાં પ્રાયોગિક પ્રશિક્ષણ જેમનું તેમ રાખીને જીવનનાં વિવિધ ક્ષેત્રોના તથા વિશ્વના જુદા જુદા દેશોના વ્યક્તિવિશેષો અંગેનાં વ્યાખ્યાનો પૂરતું જ આ શિબિરો સીમિત રાખવામાં આવી.

વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવતી શિબિરોની સફળતાએ શિક્ષક સમુદાયમાં પણ રસ જગાડ્યો, પરિણામે ઘણી બધી શાળાઓ અને કૉલેજો તરફથી તેમના શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે આવી શિબિરો યોજવા માટે વિનંતી કરવામાં આવી.

કેટલાક રાષ્ટ્રીય નેતાઓ અને યુનિવર્સિટીઓના કુલપતિઓ સહિત વિદ્વાન શિક્ષણશાસ્ત્રીઓએ આ શિબિરના પ્રયોગોની ઉત્સાહપૂર્વક પ્રશંસા કરી અને આવા પ્રયોગો ચાલુ રહે તે માટે તેમના સંપૂર્ણ સમર્થન અને સહકારની તત્પરતા દર્શાવી.

આ પ્રકારના પ્રશંસનીય પ્રતિસાદથી પ્રોત્સાહિત થઈને સંસ્થાએ આ કાર્યક્રમને સ્થાયી સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો. એ સત્ય છે કે એક શિક્ષકને તાલીમ આપીએ એ ઘણા બધા વિદ્યાર્થીઓને તાલીમ આપ્યા સમાન છે. આથી રાષ્ટ્રીય કક્ષાની એક સંસ્થાની સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો, જેમાં પ્રથમ માધ્યમિક શાળાઓ તથા ત્યારબાદ પ્રાથમિક શાળાઓ તથા જુનિયર કૉલેજોના શિક્ષકોને નૈતિક અને આધ્યાત્મિક શિક્ષણની તાલીમ આપવામાં આવે એમ નક્કી કરવામાં આવ્યું, જે શિબિરોનું આયોજન થતું હતું તે પણ ચાલુ રાખવામાં આવ્યું.

આથી રામકૃષ્ણ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મૉરલ ઍન્ડ સ્પિરિચ્યુએલ ઍજ્યુકેશન, યાદવગીરી, માયસોરની સ્થાપના કરવામાં આવી. સંસ્થાના વિશાળ કેમ્પસમાં વહિવટી મકાન, શિબિરોમાં ભાગ લેનારાઓ માટે સગવડભર્યા ખંડો, પ્રાર્થનાખંડ, વર્ગખંડો, રસોઈઘર, ભોજનાલય અને મહેમાનો માટેના ખંડોની સગવડો ઊભી કરવામાં આવી.

આપણા દેશમાં નૈતિક અને આધ્યાત્મિક શિક્ષણ આપતી સંસ્થા જેમાં યુનિવર્સિટી માન્ય બી.ઍડ્. પદવી અને ડિપ્લોમા અભ્યાસક્રમોની જોગવાઈ હોય એવી કદાચ આ એક જ નમૂનેદાર આદર્શ સંસ્થા છે. આ સંસ્થામાં શિખવાતા અભ્યાસક્રમોની વિગતો જોઈએ.

() બી.ઍડ્. અભ્યાસક્રમ : આ અભ્યાસક્રમ નવ મહિનાનો છે. માયસોર યુનિવર્સિટી આ માટે બી.ઍડ્.ની પદવી ૧૯૭૪થી આપે છે. આ અભ્યાસક્રમમાં નૈતિક અને આધ્યાત્મિક શિક્ષણ (તેના તત્ત્વ અને કાર્યપ્રણાલી સાથે) એક ફરજીયાત વિષય તરીકે રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત નિયમાનુસારના શાળાના વિષયોનું શિક્ષણ પણ આપવામાં આવે છે. આ અભ્યાસક્રમ માટે વિદ્યાર્થીઓએ સંસ્થામાં જ રહેવાનું હોય છે. કાર્ય શિબિરોમાં પણ હાજર રહેવાનું હોય છે. સંસ્થાએ અત્યાર સુધીમાં બે હજારથી પણ વધુ તાલીમી શિક્ષકો બહાર પાડ્યા છે. સંસ્થાનાં પરિણામ સો ટકા આવતાં હોય છે. અને ઘણા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં પ્રતિષ્ઠા ક્રમ મેળવતા હોય છે.

() ડિપ્લોમા અભ્યાસક્રમ : કર્ણાટકની સરકારી શાળાઓમાં તથા જુનિયર કૉલેજોમાં શિક્ષણકાર્ય કરતા શિક્ષકો માટે બે મહિનાની મુદતનો નૈતિક અને આધ્યાત્મિક શિક્ષણનો ડિપ્લોમા અભ્યાસક્રમ ૧૯૭૫થી શરૂ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં અઢી હજારથી વધુ શિક્ષકોએ તાલીમ લીધી છે. જગતના મહાન ધર્મોના પ્રેરણાદાયી અને ગૌરવપૂર્ણ વિચારોનો ખ્યાલ આપવામાં આવે છે. સંસ્થામાં કઠોર શિસ્તપાલનનો આગ્રહ રાખવામાં આવે છે. પોતે જે સૈદ્ધાંતિક અને પ્રયોગિક શિક્ષણ લીધું તેનું પોતાના વિદ્યાર્થીઓ સમક્ષ કેવી રીતે વિતરણ કરવું એ પણ શિખવવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોતાના વ્યક્તિત્વનો અને ચારિત્ર્યનો વિકાસ સાધે છે. તાલીમ દરમ્યાન લીધેલા શિક્ષણ અને ઉચ્ચ વિચારોનો અમલ કરવા પ્રયત્ન કરે છે.

() મૂલ્ય શિક્ષણ અંગેના ઉનાળુ વેકેશન અભ્યાસક્રમ : ભારત સરકારના હ્યુમન રિસોર્સીઝ ડૅવલપમૅન્ટ મંત્રાલય તરફથી મોકલાયેલા આખા દેશની કેન્દ્રિય વિદ્યાલયો તથા જવાહર નવોદિત વિદ્યાલયોના શિક્ષકો માટેનો આ અભ્યાસક્રમ ૧૯૯૪થી શરૂ કરવામાં આવ્યો છે, જે માટે ભારત સરકાર તરફથી અનુદાન આપવામાં આવે છે.

() મૂલ્ય શિક્ષણ અભ્યાસક્રમ : યુનિવર્સિટીઓના શિક્ષકો, બેંકોના કર્મચારીઓ અને અન્ય લોકો માટે જ્યારે જ્યારે વિનંતી કરવામાં આવે છે ત્યારે ટૂંકાગાળાનો આ અભ્યાસક્રમ શીખવવામાં આવે છે.

() રવિવારના વર્ગો : ‘તરુણ સંઘ’ના ઉપક્રમે આ સંસ્થા તરફથી દર રવિવારે નૈતિક શિક્ષણના વર્ગો લેવામાં આવે છે, જેનો ઉચ્ચ પ્રાથમિક શાળાઓ તથા માધ્યમિક શાળાઓના સોથી પણ વધુ વિદ્યાર્થીઓ નિયમિત લાભ લે છે. આ વર્ગોમાં વર્ગકાર્ય ઉપરાંત પ્રાર્થના, ધ્યાન, પ્રવચનો, રમતગમત, શ્રમદાન, ગ્રંથાલય કાર્ય અને ફિલ્મ શોનો સમાવેશ કરવામાં આવે છે.

() અન્ય : સંસ્થા તરફથી શાળાઓ તથા જુનિયર કૉલેજના પંદરથી વીસ વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ માટે આધ્યાત્મિક શિબિરો યુવક કલ્યાણ પ્રવૃત્તિઓના ભાગ રૂપે યોજવામાં આવે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય એકતા શિબિરો, તથા ચારિત્ર્ય નિર્માણ શિબિરોનું આયોજન પણ કરવામાં આવે છે. જાહેર જનતા માટે ચારથી પાંચ દિવસની આધ્યાત્મિક શિબિરોનું આયોજન વર્ષમાં બે વાર કરવામાં આવે છે. આ શિબિરોમાં ૮૦ વર્ષ સુધીની ઉંમરના લોકોએ પણ ભાગ લીધો છે. સામાન્ય રીતે પિસ્તાળીસથી પંચાવન વર્ષની ઉંમરના લોકો આ શિબિરોનો લાભ લે છે. ઉચ્ચ અને અન્ય વર્ગોના સરકારી અધિકારીઓ, વેપારીઓ, ડૉક્ટરો, વકીલો, શિક્ષકો અને નિવૃત્ત લોકોનો આમાં સમાવેશ થાય છે. આ શિબિરો ખૂબ જ લોકપ્રિય બની ગજવે અને દર વર્ષે વધુ ને વધુ સંખ્યામાં લોકો ભાગ લે છે. દર શિબિરમાં લગભગ બસો જેટલા લોકોની હાજરી હોય છે. સંસ્થાના સક્રિય સહકારથી કૉલેજોમાં પણ નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો અંગે શિબિરોનું આયોજન કરવામાં આવે છે.

સંસ્થાને પોતાનું ગ્રંથાલય છે જેમાં ત્રીસ હજારથી વધુ પુસ્તકો છે. વિદ્યાર્થીઓ, સંશોધન કાર્યકરો અને જાહેર જનતા આ ગ્રંથાલયનો લાભ લે છે. ગ્રંથાલય સાથેના ધર્મશાસ્ત્રો અંગેના મ્યુઝિયમનો પણ સારો એવો લાભ લેવાય છે. મ્યુઝિયમ જાહેર જનતા માટે પણ રોજ નિયત સમય ખુલ્લું રાખવામાં આવે છે.

નૈતિક શિક્ષણ અંગેના, વિશ્વના મહાન ધર્મશાસ્ત્રો, વિશ્વના ધર્મોનાં પ્રતીકો વગેરે અંગેનાં પુસ્તકો સંસ્થા તરફથી પ્રકાશિત કરવામાં આવ્યાં છે. સંસ્થા તરફથી ‘પ્રબોધ’ નામનું સામયિક દર વર્ષે બહાર પાડવામાં આવે છે.

ભક્તો, શિબિરાર્થીઓ, શહેરીજનો વગેરેએ ‘રામકૃષ્ણ સેવાસંઘ’ની સ્થાપના કરી છે. આ સંઘ તરફથી આજુબાજુના ગામડાઓમાં તબીબી મદદ આપવામાં આવે છે. ભજનોનું આયોજન થાય છે તથા ગ્રામજનોને આરોગ્યની સંભાળ તથા સ્વચ્છતા વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. આ સંઘના સભ્યો દર રવિવારે પોતાના કાર્યક્રમોના આયોજન માટે નિયમિતપણે આ સંસ્થામાં મળતા રહે છે.

સંસ્થા ભવિષ્યમાં આ વિષયમાં જ ઍમ.ઍડ્.નો અભ્યાસક્રમ શરૂ કરવા ધારે છે. આ ઉપરાંત આ દિશામાં સંશોધન કાર્યક્રમોનો પ્રારંભ કરવાની ધારણા છે.

સંસ્થાના સ્વામીજીઓ તથા શિક્ષણ કાર્ય કરતા ફેકલ્ટી સભ્યો માયસોર શહેરમાં તથા અન્ય સ્થળોએ આમંત્રણ આવ્યેથી જાય છે અને આ વિષયનાં પ્રવચનો અને વાર્તાલાપો આપે છે.

સંકલન : શ્રી વાલ્મીકભાઈ દેસાઈ

Total Views: 208

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.