પરિસંવાદો પૂરા થયા પછી કેટલાય શિક્ષક ભાઈ-બહેનો કહે છે – ‘અમે ઉત્તમ શિક્ષક બનવાનો પ્રયત્ન કરીશું.’ કેટલાય લોકો કહે છે, ‘મારી જાતને સુધારવાનો પ્રયત્ન કરીશ.’ પણ પછી – જૈસે થે! સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને સફળ શિક્ષક ફાધર વાલેસ આપણા પ્રયત્નો કરવાના પ્રયત્નો કેવા હોય છે તેનું રસપ્રદ ચિત્રણ રજૂ કરે છે. આ લેખ વાંચ્યા પછી શિક્ષક ભાઈ-બહેનો અને અન્ય વાચકો સાચા અર્થમાં પ્રયત્નો કરવાના પ્રયત્નો કરશે તો અમારો આ પ્રયત્ન સાર્થક માનીશું, – સં
‘હું પ્રયત્ન કરીશ.’ સારું, કરી જુઓ. વાત પુરી થઈ. અને કામ જ પૂરું થયું.
એટલે કે થવાનું હતું એ કામ થયું જ નહિ; જેને માટે પ્રયત્ન કરવાનો હતો એ કામ રહી ગયું અને શરૂ પણ ન થયું. અને એ કામ થવાનું નહોતું એ હું પહેલેથી જ જાણતો હતો. એણે કહ્યું કે ‘હું પ્રયત્ન કરીશ’ ત્યારથી હું એ જાણતો હતો, અને એણે પ્રયત્ન કરવાનું કહ્યું હતું એટલે જ હું જાણતો હતો કે હવે આ કામ નહિ થાય. પ્રયત્ન એટલે બહાનું, ‘પ્રયત્ન કરી જોઈશ’ એટલે ‘એ કામ કરવાની મારી બિલકુલ ઇચ્છા નથી.’ ચોખ્ખી ના તો પાડવી નથી. અવિવેક લાગે. અને હા પણ કહેવી નથી કારણ કે એ કામ કરવું નથી. એટલે વચલો રસ્તો કાઢે. હા પણ નહિ અને ના પણ નહિ. પ્રયત્ન કરીશ. કોશિશ કરીશ, જોઈ લઈશ. સારું લગાડે, સભ્યતા બતાવે, સહકાર આપે. પ્રયત્ન કરીશ. પણ કામ તો નહિ કરું. કામ કરી જ ન શકું એ બતાવવા માટે થોડો ખોટો પ્રયત્ન કરીશ. પછી બચાવ પૂરો. આપણે છૂટા. પ્રયત્ન કર્યો. ફાવ્યા નહીં. માફ કરજો. ઇચ્છા તો બતાવી, સફળતા ન મળી, કામ કરવું નહોતું તે કર્યું નહિ, અને માન સાચવવું હતું તે સાચવ્યું. ઉત્તમ સગવડ છે ને!
પ્રયત્ન એટલે જૂઠ. કામ ખરેખર કરવું હતું તો કરી નાખો. તમારાથી જરૂર થાય એમ છે. ઇચ્છા હોય તો કરી લો, સાચું મન હોય તો પતાવી દો. એમાં કંઈ પ્રયત્નની જરૂર નથી, સીધું કરી નાખવાની જરૂર છે. પ્રયત્ન એટલે આનાકાની, પ્રયત્ન એટલે વિલંબ, પ્રયત્ન એટલે છટકબારી. જોઈશું. પ્રયત્ન કરીશું. એટલે આશા છોડી દો. કામ કદી થવાનું નથી. પ્રયત્ન થશે એટલું આશ્વાસન લઈને જ સંતોષ માનવાનો છે.
પત્ર લખશો?
પ્રયત્ન કરીશ.
સમારંભમાં આવશો?
પ્રયત્ન કરીશ. પૈસા મોકલશો? પ્રયત્ન કરીશ.
એટલે પત્ર નહિ ને પૈસા નહિ ને સમારંભમાં હાજરી નહિ એમ સમજી લો. પત્ર લખવાની પ્રયત્ન એટલે પત્ર ન લખવાનો નિર્ણય. પૈસા મોકલવાનો વિચાર એટલે પૈસા ન મોકલવાની ખાતરી. ‘હું પત્ર નહિ લખું, હું પૈસા નહિ મોકલું, હું સમારંભમાં નહિ આવું.’ એ સીધું કહેવું નથી એટલે ‘પ્રયત્ન કરીશ’ એમ કહે છે. અરે, આવવું હોય તો સીધા આવી જાઓ, એમાં શું આવવાનો પ્રયત્ન કરવાનો હોય! શું, પત્ર લખવાનો ‘પ્રયત્ન’ કરાતો હશે? કાગળ છે, પેન્સિલ છે, સમય છે, ટિકિટ છે, લખી કાઢો – લખવું હોય તો. અને લખવું ન હોય તો છોડી દો. પણ લખવાનો ‘પ્રયત્ન’ કરવાનો ઢોંગ નહિ કરો.
આ વાત સ્પષ્ટ છે. પણ હવે જોખમની વાત આવે છે. કારણ કે એ મારી પોતાની વાત છે. બીજા મને ‘પ્રયત્ન કરીશ’ એમ કહે, અથવા તો હું બીજાઓને ‘પ્રયત્ન કરીશ’ એમ કહું ત્યારે ખાલી સામાજિક વ્યવહાર છે, શિષ્ટાચારનું નાટક છે. પરંતુ હું જ્યારે મારી પોતાની જીતને કહું કે ‘પ્રયત્ન કરીશ’, મારું જીવન સુધારવા, મારું કામ સારી રીતે કરવા, મારી સાધના વધારવા જ્યારે ‘પ્રયત્ન કરીશ’ એમ હું મને પોતાને બોલતો સાંભળું ત્યારે જરા ક્ષોભ પામું છું અને ખ્યાલ કરું છું કે શું, આ પણ હું મારી જાતને છેતરી રહ્યો ન હોઉં? બીજાઓને ‘પ્રયત્ન કરીશ’ એમ કહું છું ત્યારે ભલે એ છેતરાય, પણ અહીંયા તો મારી જ વાત છે, મારું જીવન છે, મારું ચારિત્ર્ય છે, એમાં પણ જો આ ‘પ્રયત્ન’નું પ્રકરણ ચાલે તો કોણ છેતરાઈ જવાનું હશે?
હવે જૂઠું બોલવું નથી. પ્રયત્ન કરીશ. હવે કદીયે લાંચ આપવી –લેવી નથી. પ્રયત્ન કરીશ. ગુસ્સે થવું નથી. પ્રયત્ન કરીશ. કોઈની નિંદા કરવી નથી. પ્રયત્ન કરીશ.
બહુ પ્રયત્ન થયા, નહિ? અને જેટલા પ્રયત્ન તેટલાં જૂઠ. પ્રયત્ન એટલે મોળો, ઢીલો, નબળો. પ્રયત્ન એટલે દેખાવ, પડદો, ડોળ. પ્રયત્ન એટલે પોતાના અંતરને સારું લગાડવાની યુક્તિ. હા, હું જરૂર પ્રયત્ન કરીશ. કેટલો જાગ્રત છું, કેટલો પ્રામાણિક છું, કેટલો પવિત્ર છું! બહુ પ્રયત્ન કરું છું. હજીય વધારે કરીશ. સામેથી લાંચ આપે ત્યારે ન લેવાનો પ્રયત્ન કરીશ. કદાચ મારો પ્રયત્ન સફળ ન થાય અને લાંચ લેવાઈ જાય, પણ પ્રયત્ન તો કરતો જ રહીશ. જરૂર કરતો રહીશ. એ મારી પ્રતિજ્ઞા છે ને! અને વાતચીતમાં કોઈની કૂથલી નીકળે ત્યારે હું મૌન સેવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. એ મારો નિર્ણય છે. હું એમાં ભાગ નહિ લઉં. હું કોઈની નિંદા નહિ કરું, હું કોઈને ખોટું નહિ લગાડું. જરૂર પ્રયત્ન કરીશ. દૃઢ નિશ્ચયથી કરીશ. પછી કદાચ પૂરી સફળતા નહિ મળે. એ ઓછી આપણા હાથમાં હોય? આપણે પ્રયત્ન કરીએ, ને પછી જે બને તે બને. કદાચ થોડું બોલાઈ જાય. કદાચ થોડી નિંદા થાય. કદાચ થોડું ખોટું લગાડાય. હા દુઃખની વાત છે. ન થાય તો સારું, એ માટે પ્રયત્ન કરીશું. જરૂર કરતા રહીશું. એ જ આપણો ધર્મ છે ને!
એટલે આખો ખેલ છતો થયો. જો હું સીધું કહું કે મારે લાંચ લેવી જ છે અને પહેલી તક મળે કે રાજી-ખુશીથી સામે ચાલીને એનો પૂરો લાભ લેવાનો છું- તો મારા દિલને ખોટું લાગે. મારી આબરૂ જાય, મારું સ્વમાન ઘવાય. એટલે હું એમ કહેતો નથી. હું એમ કહું છું કે મારે લાંચ લેવી નથી અને ન લેવા માટે પ્રયત્ન કરું છું. એટલે મારા દિલને સારું લાગે. હું સદાચારી છું. હું લાંચખોર નહિ. હું પ્રયત્ન કરું છું. મારું બનતું કરું છું. એટલે સંતોષ છે. આબરૂ છે. પ્રમાણપત્ર છે. હા, અને લાંચ પણ છે. પૈસાનો લાભ છે. અનીતિની કમાણી છે. સારી સગવડ છે. પૂરી આંખમિચામણી છે.
જો હું ‘પ્રયત્ન’ની વાત છોડી દઉં અને સીધું કબૂલ કરું કે હું લાંચ ખાઉં છું ત્યારે મારા દિલને આંચકો લાગે અને જાગ્રત થાય અને… કદાચ મને લાંચ લેતો બંધ કરી નાખે. એ જોખમ વહોરવું નથી. એ નુકશાન નોતરવું નથી. એટલે દિલને સારું લગાડું છું. પ્રયત્ન કરું છું. ખાતરી આપું છું. પ્રવૃત્ત રહું છું. એટલે દિલ શાંત રહે છે. લાંચ પણ ચાલુ છે. ખિસ્સાં ભરાય છે. સ્વમાન સચવાય છે.
મારી વાણીમાંથી હવે ‘પ્રયત્ન’ શબ્દ કાઢવો જ છે. કરવાનું હશે તો સીધું કરીશ, અને કરવું ન હોય તો ચોખ્ખું કહી દઈશ. બધાને કહીશ ને મારી જાતને કહીશ. હા તે હા, અને ના તે ના. હા, ખુશીથી કરીશ. ના, એ હું નહિ કરું. પણ.. કરવું તો છે ને થતું નથી, વિશ્વાસ નથી પણ પ્રયત્ન કરીશ, ખાતરી નથી પણ જોઈ તો લઈશ… એવી વાણી હવે નહિ જોઈએ. કરવું છે? તો કરી નાખો. કરવું નથી? તો કહી દો. પ્રયત્ન કરવાની ખોટી જૂઠી ઢોંગી કપટી વાત હવે કાયમ માટે જવા દઈએ.
મારે મન આ અગત્યની વાત છે. એ સમજાવવાનો મેં પૂરો ‘પ્રયત્ન’ કર્યો છે. એ પ્રયત્ન નિષ્ફળ ગયો ન હોય ને!
Your Content Goes Here