‘વિમલાતાઈ’ના નામથી જાણીતા શ્રી વિમલા ઠકારે આ લેખ મોકલાવતાં તા. ૧૪ માર્ચ ’૯૬ના પત્રમાં લખ્યું છે – ‘‘એક નાનકડો લેખ મોક્લી રહી છું. હું સુધારાવાદી નથી, ક્રાન્તિકારી છું – મને રાષ્ટ્ર કે રાષ્ટ્રીયતાની હયાતીમાં જીવનના ધબકારા પ્રતીત થતા નથી. કૃત્રિમ શ્વસન પર રાષ્ટ્ર – રાષ્ટ્રીયતા ટકી શકવાના નથી. પાયાના ધરખમ ફેરફારો જો શિક્ષણના ક્ષેત્રમાં નહિ થાય તો ભારત દેશમાંથી ભારત રાષ્ટ્ર કેમ કરીને ઊભું થશે ? સહિયારી અસ્મિતા કેવી રીતે પ્રવૃત્ત થશે ?’’ લેખિકાની વ્યથા જાણે પ્રત્યેક શબ્દમાં ટપકી રહી છે ! આ નાનો પણ અત્યંત મહત્ત્વપૂર્ણ લેખ સૌને રાષ્ટ્રીય નિર્માણના કાર્યમાં પોતાનું યોગદાન આપવા પ્રેરશે તેવી આશા રાખીએ છીએ. – સં.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ જે પ્રકારે સ્વામી વિવેકાનંદના જીવનદર્શનનું હાર્દ જનજનમાં પહોંચાડવાના મૌલિક પ્રયત્નો કરે છે તે પ્રકારે ભારત આખામાં આશ્રમો કરતા હશે અથવા કરશે તો ભારતનો ભાગ્યોદય થયા વિના નહિ રહે, ‘कृण्वन्तु विश्वम् आर्यम्’ એ હતી સ્વામીજીની ભીષ્મપ્રતિજ્ઞા.

આર્ય શબ્દનો જન્મ થયો છે ‘ઋજુ’ શબ્દમાંથી. ૠજુ એટલે સરળ. જ્યાં કુટિલતા પ્રવેશી ન શકે તેને ૠજુતા કહેવાય. એવી ઋજુતા જીવનારી વ્યક્તિ આર્ય કહેવાય. તે શબ્દ જ્ઞાતિવાચક નથી. ગુણવાચક ગણાય.

શિક્ષણનો મૂળ હેતુ ૠજુતાના સંસ્કાર આપવાનો છે. ઠાકુર રામકૃષ્ણદેવ કહેતા કે ચિત્તની સરળતા પ્રભુકૃપાનું વરદાન કહેવાય. આજે બુદ્ધિ પ્રશિક્ષિત થાય છે પણ ચિત્ત કષાયથી ખરડાયેલું, મલિન અને જટિલ કુટિલ રહી જાય છે. ચિત્તશુદ્ધિના સંસ્કારો નથી મળતા ઘરમાં કે વિદ્યાલયોમાં, નથી મળતા સાહિત્યમાંથી કે સંગીત,નાટ્યાદિ કલાઓમાંથી. The mind remains crooked.

તાત્પર્ય, શિક્ષણની પદ્ધતિ અને પ્રક્રિયામાં ચિત્તશુદ્ધિના તેમ જ જીવનશુદ્ધિના સંસ્કારોનું સિંચન પ્રાથમિક શાળાઓથી માંડીને વિશ્વવિદ્યાલયો સુધી થવું ઘટે. તે પરત્વે શિક્ષાવિદો મળીને યોજના ઘડી કાઢે અને અમલમાં મૂકે તે જરૂરી છે.

બીજી વાત રાષ્ટ્રીયતાની. આપણી રાષ્ટ્રીયતાનો આધાર ભૌતિકવાદ કે ભોગવાદ હોઈ ન શકે. ભૌતિક સમૃદ્ધિ જોઈશે, મેળવીશું પણ ખરા; છતાંયે વ્યક્તિનું ચિત્ત ધનપરાયણ બને, વિલાસપરાયણ બને અને અમીરી કે ભોગવિલાસ માટે નૈતિક મૂલ્યોની જ નહિ પણ માણસાઈની સુધ્ધાં આહૂતિ નાખવા તે વ્યક્તિ આતુર બને એ ભારતીય સંસ્કૃતિ કેમ કરીને સાંખી લેશે? માણસને પદાર્થપરાયણ બનાવે તે સંસ્કૃતિ ભારતીય કહેવાય નહિ. પરમ-પરાયણ બનાવે તે આપણી ઋષિ-સંસ્કૃતિ. એટલે રાષ્ટ્રીયતાનો આધાર વૈદિક સંસ્કૃતિ છે. એનો રાષ્ટ્રવ્યાપી સ્વીકાર ઘોષિત થવો ઘટે. અર્થાત્ શિક્ષણનો મૂળભૂત પાયો, શિક્ષણ સંસ્થાનું સ્વરૂપ, શિક્ષક – છાત્ર – સમ્બન્ધોનું સ્વરૂપ, અભ્યાસ કરાવવાની પદ્ધતિ – શૈલી ઈત્યાદિમાં સમૂળગું પરિવર્તન લાવવું પડશે. અધ્યાત્મનિષ્ઠાના પાયા ઉપર શિક્ષણનું માળખું રચાશે ત્યારે જ સર્વાત્મમાં સમદૃષ્ટિ રાખવાની ક્ષમતા વિકાસ પામશે. ત્યારે જ અનેક સમ્પ્રદાય, ભાષા અને વિવિધ જીવનશૈલી રાખનારા સમુદાયોનું સહજીવન સખ્યમય બનશે. સહયોગ પરાયણ બનશે. રાષ્ટ્રીય એકતા જનમાનસમાં તેમજ જનજીવનમાં અનુપ્રાણિત થશે.

આપણે ત્યાં મધુર શબ્દ છે આચાર્ય. શિક્ષક શિક્ષણ શબ્દો પરવર્તીકાળમાં ઉદય પામ્યા. આચાર – પ્રભવો ધર્મઃ ।

ધર્મમૂલક અર્થ અને મોક્ષમૂલક કામ જીવવાનું વિજ્ઞાન શિખવાડે તે આચાર્ય. શિખવાડે એટલે ગ્રન્થાધ્યયન કરાવે. પોતાના જીવનથી દાખલો બેસાડે. પોતાની જીવનચર્યાથી ધર્માચારના સંસ્કાર થાય એવી રીતે જીવે તે આચાર્ય. જે શબ્દજ્ઞાન જીવન જીવવાના કર્મમાં બોધરૂપે પ્રતિબિંબિત થતું નથી તે શબ્દજ્ઞાન ‘વાચારંભણ માત્ર’ રહી જાય છે. આચાર્યો જ્ઞાન જીવનારા નાગરિકો વિકસિત કરે. ‘અભયં સત્ત્વસંશુદ્ધિ’ પામેલા અભિજાત્યપૂર્ણ નાગરિકો વિકસિત કરે એની અનિવાર્યતા છે.

આજે જીવનનું વ્યાપારીકરણ થયું છે. શિક્ષકો પણ તેના અવિભાજ્ય અંગ રૂપે સરકારીકરણ થયેલ શિક્ષણના માળખામાં ગોઠવાઈ જાય છે. હું મારી વાત કોને કહું? કોણ સાંભળે? ‘उर्ध्वबाहु: विरोम्यैष’ જેવી ‘न कश्चित् शृणोति माम्’ જેવી દશા થવાની. એટલે શિક્ષકો પરત્વે કે શિક્ષણ પરત્વે લખવા બોલવાનું ભાગ્યે જ થાય.

રાષ્ટ્રીય પુનર્નિર્માણ નહિ પણ ‘રાષ્ટ્રના નિર્માણ’ માટે ઝઝુમવું પડશે. સામાજિક જીવનના બધાં જ ક્ષેત્રોમાં સત્યાગ્રહી લોકતાંત્રિક સંઘર્ષ આદરવો પડશે. અભિભાવકો, શિક્ષકો તેમ જ સંસ્કૃતિપ્રેમી નાગરિકો અને પૌઢ વિદ્યાર્થીઓ ભેગા થાય, શિક્ષણના શુદ્ધીકરણનું યજ્ઞકર્મ આદરે, રાષ્ટ્રીયતાના આધારોની વિશદ વ્યાખ્યા કરે તો આવતી શતાબ્દીમાં સાનુકૂળ સંયોગો ઊભા થઈ શકશે! ટૂંકા ગાળાના ઉપાયો કે વર્તમાન શિક્ષણ પદ્ધતિને થાગડ-થિંગડાં મારવાથી કાંઈ વળવાનું નથી એવું અમોને જણાય છે.

Total Views: 301

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.