(વર્તમાનકાળમાં આપણા વિધાર્થીઓ માટે આધ્યાત્મિક શિક્ષણની આવશ્યકતા અને એની શક્તિ)

આજે આપણે ક્યા પ્રકારનું શિક્ષણ આપી રહ્યા છીએ?

સમગ્ર વિશ્વમાં આજની શિક્ષણ પ્રણાલી એક મુખ્ય પાયાની ખામી વહોરી રહી છે. આજની સમગ્ર કેળવણી લગભગ માનવમસ્તિષ્કના વામાર્ધ (યાન)ને લક્ષ્ય કરીને અપાય છે. આવી કેળવણી માણસને જુસ્સાદાર, તાર્કિક, ગણતરીબાજ, મહત્ત્વાકાંક્ષી, આક્રમક, ધનલોભી થવા ધકેલે છે – આ બધું સાવ સ્વાર્થી, કેવળ સ્વકેન્દ્રી અને વૈયક્તિક હસ્તીવાળું શિક્ષણ છે. પરિણામે, આપણા વિદ્યાર્થીવૃંદને વિજ્ઞાન અને યંત્રવિદ્યાનું શ્રેષ્ઠ શિક્ષણ અપાતું હોવા છતાં આપણે ઍરિસ્ટોટલના શબ્દોમાં ‘રાજકીય પ્રાણીઓ’ અથવા તો બૅન્જામીન ફ્રૅન્કલીનના શબ્દોમાં ‘યાંત્રિક પ્રાણીઓ’ બનતા જઈએ છીએ; આપણે કાં તો માત્ર આર્થિક અથવા તો ફ્રોઈડના સાવ શરીર – ભૌતિક – યાંત્રિક સત્ત્વવાળા ને ઈન્દ્રિયસુખોમાં રાચતા બની જઈ રહ્યા છીએ. અને એનો સ્વાભાવિક અંજામ નશીલા પદાર્થોના સેવનમાં અને આત્મહત્યાઓમાં આવ્યો છે! દિલ્હીમાં ૧૯૮૬માં નશીલા પદાર્થોને સેવનારાઓની એક લાખની સંખ્યા વધીને ૧૯૯૪માં ત્રણ લાખ સુધી પહોંચી ગઈ છે. આ ઘટના ઉપરની વાતનો પુરાવો છે. આ જ રીતે ભારતનાં બીજાં મુખ્ય શહેરોમાં પણ નશીલા પદાર્થોના સેવનના અને આત્મહત્યાઓના આંકડા વધતા રહ્યા છે. કારણ કે બધે જ સ્થળે માનવમસ્તિષ્કના આ વામાર્ધ            (ડાબા અડધિયા)નું જ – યાન – નું જ પ્રભુત્વ પ્રવર્તે છે.

આર્થિક, વૈજ્ઞાનિક અને યંત્ર વિદ્યાકીય ક્ષેત્રે અમેરિકાથી વિશ્વમાં બીજા ક્રમે આવતા સિંગાપોર પોતાના દેશવાસીઓને કેળવણીમાં વધારેમાં વધારે નૈતિક મૂલ્યોનો વિનિયોગ કરવા અમેરિકી સમાજમાંથી દાખલો ટાંકીને ભારપૂર્વક કહે છે. ‘ધી સ્ટ્રેઈટ ટાઈમ્સ’ (સપ્ટેમ્બર) ગુરુવાર, સપ્ટેમ્બર ૧, ૧૯૯૪ લખે છે :

‘અમેરિકાના જે માજી શિક્ષણ સચિવ વિલિયમ બૅનૅટનું ‘મૉરલ બુક ઑફ વર્ચ્યુઝ’ ત્યાંના જાણીતા પુસ્તક વિક્રેતાની યાદીમાં મહિનાઓ સુધી પડી રહ્યું હતું, તેમને જ આજે તાજી આવી રહેલી ચૂંટણીમાં – લગભગ સો જેટલા રિપબ્લીકન ઉમેદવારો તરફથી પોતાને માટે આજીજીભર્યા પત્રો મળ્યા છે! ટૅનૅસમાં મૉડરેટ ડૅમૉક્રેટિક સૅનૅટર જીન સેસરે પોતાની નવી ચૂંટણી ઝુંબેશની શરૂઆત ટી.વી.ની જાહેરાતમાં કરતાં જણાવ્યું હતું કે, ‘હું એક એવું આંદોલન જગાવવા માગું છું કે જે નૈતિક મૂલ્યોને મજબૂત બનાવે, શાળામાં પ્રાર્થનાથી જ શરૂઆત થાય, અને સમાજ માટે કલ્યાણકારી સુધારાઓ શરૂ થાય.’

ભારતની ધર્મનિરપેક્ષ સરકારની શિક્ષણપ્રણાલીમાં આપણી પાસે માનવમસ્તિષ્કના દક્ષિણાર્ઘ (યીન)ના શિક્ષણ માટે ખૂબ ઓછી કે લગભગ નહિવત્ જ જોગવાઈ છે, અને એવું શિક્ષણ હોય તો જ વિદ્યાર્થીઓને અનંત શક્તિમાં અને આત્મસ્વરૂપ પિછાણવામાં શ્રદ્ધા અને પ્રેરણા નીપજી શકે અને તેથી પ્રાર્થના દ્વારા તેમજ ‘બહુજન હિતાય બહુજન સુખાય’ – બીજાના હિત માટે જીવન જીવવાની પ્રેરણા થાય અને જીવનની સાચી ભવ્યતા અને જીવનનો આનંદ મળી શકે. આપણી શાળાઓમાં કાં તો પ્રાર્થના છે જ નહિ, અથવા તો ઔપચારિકતા માત્ર છે અને કોઈ વિશિષ્ટ સંપ્રદાયના છાપવાળી હોય છે. નિઃસ્વાર્થ અને સર્વગ્રાહી જીવનનું શિક્ષણ નથી તો શિક્ષકો આચરતા કે નથી તો વિદ્યાર્થી આચરતા.

ભારતની શિક્ષણનીતિને આ આવશ્યકતાનું સત્ય ખરેખર સમજાયું છે ખરું કે?

હા, સમજાયું તો છે. ‘ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’ના ૧૯૮૬ના રિપોર્ટમાં કહ્યું છે કે, ‘આજે ભારતીય શિક્ષણમાં ભારતીય શૈક્ષણિક અનુભવોની આવશ્યકતા છે.’ બહુ સાચી રીતે તેનો આવો ઉપસંહાર છે :

‘અત્યારના ભારતીય શિક્ષણમાં પશ્ચિમના વિચારોનું ખૂબ જ પ્રભુત્વ છે. અને પ્રશિક્ષણાર્થી શિક્ષકો પૂરતી રીતે ભારતીય તત્ત્વજ્ઞાન અને ભારતીય માનસવિજ્ઞાન સંબંધી શિક્ષણના વિચારોને પારખતા નથી. એટલા માટે NCERT અને UGC એ આ માટે નવી શિક્ષણ સામગ્રી તૈયાર કરવાનું માથે લેવું જોઈએ. આ શિક્ષણ સામગ્રી તૈયાર કરવામાં ભારતીય શૈક્ષણિક અનુભવોને પ્રતિબિંબિત કરતાં પાઠ્યપુસ્તકો, સંદર્ભ ગ્રંથો, સર્વસંગ્રહો, સ્લાઇડો, ફિલ્મો વગેરેનો સમાવેશ થાય છે.’

આમ છતાં ભારતીય રાષ્ટ્રીય શિક્ષણનીતિએ આ ભારતીય અનુભવોને સંબંધે કોઈ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું નથી. એણે તો કેવળ થોડાં આછાં પાતળાં સૂચનો જ આપ્યાં છે કે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શિક્ષણપ્રણાલીમાં આધ્યાત્મિક પ્રાયોગિકતા દાખલ કરવામાં આવતાં ઉત્તમ પરિણામો આવ્યાં છે.

૧૯૯૨ના NCERTના રિપોર્ટમાં ભારતની સર્વ શ્રેષ્ઠ કક્ષા ધરાવતી ૮૪ શાળાઓમાંથી પહેલો અને ત્રીજો ક્રમ રામકૃષ્ણ મિશન સંચાલિત બે શાળાઓને મળેલ છે. આ ઉપરાંત દ્વિતીય શ્રેષ્ઠ કક્ષા ધરાવર્તી અનેક શાળાઓમાંથી બીજો ક્રમ પણ રામકૃષ્ણ મિશન સંચાલિત શાળાએ મેળવ્યો છે.

૧૯૮૫નો શિક્ષણ વિષયક રિપોર્ટ જણાવે છે કે, ‘વિચા૨ક લોકો કૂદકે ને ભૂસકે વધતા જતા આ મૂલ્યોના ઘસારાથી ખૂબ જ વિહ્વળ થઈ ગયા છે. અને આ મૂલ્યઘસારો શાળાઓ, મહાશાળાઓ અને વિશ્વવિદ્યાલયમાં તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ઉત્તરોત્તર વધતો જ જાય છે.’ આ રિપોર્ટ આગળ કહે છે : ‘આ ખૂબ જ ઘાતક ફેલાવો છે.’ જો કે તે આગળ જતાં સ્વીકારે છે : કેટલીક આગળ પડતી શાળાઓ પોતાના વિદ્યાર્થીઓમાં સામાજિક ઉત્તરદાયિત્વની ભાવના સીંચવાની પોતાની ફરજ સમજે છે.’ ૧૯૮૦-૮૫માં કેળવણીનું આ ચિત્ર હતું.

આજે ભારતીય વિદ્યાર્થીઓએ ભારતમાં તેમજ વિદેશોમાં વિજ્ઞાનક્ષેત્ર અને યંત્રવિદ્યાના ક્ષેત્રે મોટી નામના મેળવી છે. અમેરિકામાં NIST (National Institute of Standard & Technology) માં ડાયરેકટર તરીકે એક ભારતીય મહિલાએ ૧૯૯૪માં નિમણૂક મેળવી છે. તો બીજી બાજુ વળી આપણી ટી.વી. ચેનલમાં વિદેશી માધ્યમના મુક્ત સ્વીકાર વિષે જેમ જસ્ટિસ જે.વી. કૃષ્ણ આયરે કહ્યું છે તેમ દુર્ભાગ્યપૂર્ણ ‘મુરડોકીકરણ’ આવે છે. (માધ્યમ વ્યવસાયના પશ્ચિમના રૂપર્ટ મુરડોકના માધ્યમનો સ્વીકાર દુર્ભાગ્યપૂર્ણ છે.) આજે ઉદાર અર્થકારણને કારણે ભારતમાં સમૃદ્ધિ ફેલાય તો છે પણ થોડાક વિચારકો એ બધું રાષ્ટ્રના ભોગે થઈ રહ્યું છે, એમ માને છે.

‘ઈન્ડિયા ટુ ડે’ના ૧૯૯૪ના સર્વેક્ષણમાં બતાવ્યું છે કે ત્રેસઠ ટકા એન્જિનિયરો મૅનૅજમૅન્ટની નોકરી કરે છે અને એમના વેતન માટે છથી આઠ લાખ રૂપિયા પ્રતિવર્ષ ખર્ચાય છે! ધનિક લોકો ત્રણસો રૂપિયે કિલો મળતા કોર્નફ્લેકસ ખાય છે અને બિચારા ગરીબો બે રૂપિયે કિલો ચોખા મેળવવા માટે પડાપડી કરી રહ્યા છે! એંસી ટકા ગામડાની પ્રજા એવા વૈભવી ખાણાના એંઠાજૂઠા કણો માટે ધલવલે છે!

૧૯૮૫નો કે ૧૯૮૬નો શિક્ષણ વિષયક રિપોર્ટ પ્રયોગક્ષમ મૂલ્યપદ્ધતિની કોઈ સ્પષ્ટતા કરતો નથી. ‘એ એકી સાથે વૈજ્ઞાનિક અને નૈતિક પણ હોવી જોઈએ’ – એવું એ કહે તો છે પણ એની કોઈ સ્પષ્ટતા કે નિરૂપણ કરવામાં આવ્યું નથી. બીજા પણ આ સિવાયના કેટલાક શબ્દો એ રિપોર્ટ વાપરે છે પણ એનું કોઈ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી. જેવા કે ‘આધ્યાત્મિક મૂલ્યો’, ‘ગુણવત્તા પ્રધાન કેળવણી’, ‘વ્યક્તિની પૂર્ણતમ સક્ષમતા’, તેમજ ‘ભારતીય શૈક્ષણિક અનુભવો’ વગેરે.

ભારતીય અનુભવો વેદાન્ત ફિલસૂફીના મૂળભૂત સત્યો પર આધારિત છે. કેનોપનિષદ કહે છે, ‘આત્મના વિન્દતે વીર્યમ્’ – આત્માથી જ વીર્ય પ્રાપ્ત થાય છે. અને ‘વિદ્યયા વિન્દતેડમૃતમ્’ (અમરતા આત્મસાક્ષાત્કારથી મળે છે.) ભીતર રહેલી આ દિવ્યતાનું પ્રકટીકરણનું વિજ્ઞાન જ આ આધ્યાત્મિકતા છે. સ્વામી વિવેકાનંદે પોતાના શિષ્યોને વારંવાર યાદ અપાવી હતી કે ‘તમારી અંદર રહેલી દિવ્યતાને પ્રકટ કરો અને પછી બધું જ સંવાદિતાભર્યું થઈ તમારી આગળ સુવ્યવસ્થિત થઈ જશે.’

‘ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યાં જગત્ । તેન ત્યકતેન ભુંજીથાઃ મા ગૃધઃ કસ્યસ્વિદ્ધનમ્ ॥ (ઈશોપનિષદ્) દરેકે આ જગતને ઈશ્વરના આવાસરૂપ માનવું જોઈએ. અને એટલે ત્યાગ કરીને જ બધું માણવું જોઈએ અને પરાયા ધનના લાલચુ કદાપિ ન બનવું જોઈએ. તો પછી માણસે શું કરવું જોઈએ? ‘અર્હયેત્ દાનમાનાભ્યાં મૈત્ર્યાડભિન્નચક્ષુષા’ (ભાગવત). ‘માણસે બીજાને માન અને દાનથી પૂજવો જોઈએ અને તેનામાં રહેલી દિવ્યતાને માન આપવું જોઈએ.’ ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિની આ પંક્તિઓનું અનુસરણ કરીને સ્વામી વિવેકાનંદે હાર્વર્ડ યુનિવર્સિટીમાં આ પ્રમાણે ઉદ્ઘોષણા કરી હતી, ‘માનવમાં રહેલી દિવ્યતાને પ્રકટ કરવી, એ જ સંસ્કૃતિ છે. એ સમાજ શ્રેષ્ઠ સુસંસ્કૃત છે કે જેણે બુદ્ધ અને ક્રાઈસ્ટ જેવા મહાત્માને નીપજાવ્યા!… જ્યાં ભૌતિક સંસ્કૃતિએ માનવજાતને દોરી છે, ત્યાં છેવટે વિનાશ જ સર્જાયો છે. ૧૯૯૪ના ડિસેમ્બરના ‘ટાઈમ’માં આશ્ચર્ય સાથે લખ્યું છે કે અમેરિકાને તો ખરી રીતે ‘બંદૂકની સંસ્કૃતિ’નો દેશ ગણવો જોઈએ! કારણ કે ત્યાં અડતાલીસ ટકા લોકો જુદી જુદી જાતની બંદૂકો રાખે છે, અને દર વરસે સાઈઠ લાખ જેટલા બંદૂકના અકસ્માતો સર્જાય છે.

વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો સમન્વય :

આજનો આદર્શ માનવ :

સ્વામી વિવેકાનંદે વારંવાર ભારતીયોને એ યાદ દેવડાવ્યું છે કે ભારતીયોએ પશ્ચિમના વિજ્ઞાન અને યંત્રવિદ્યા સાથે ભારતીય આધ્યાત્મિકતાનો સમન્વય સાધવો જોઈએ. આપણે પશ્ચિમ પાસેથી તેમની વિજ્ઞાન અને યંત્ર ક્ષેત્રે નિપુણતા શીખવી જ જોઈએ કે જેથી આપણા સામાન્યજનનું જીવન ઉજ્જ્વળ બને અને ગરીબ ભારતનું કલ્યાણ થાય અને એની સમૃદ્ધિ વધે.

સાથોસાથ તેમણે વારંવાર પશ્ચિમના અને દેશના વાસીઓને કહ્યું કે માહિતીપ્રધાન શિક્ષણ માણસને જંગાલિયતમાંથી માનવ નહિ બનાવી શકે. તેમણે કહ્યું : ‘માનવને આઘાતમાંથી એની સંસ્કૃતિ જ ઉગારી શકે, નહિ કે કેવળ માહિતી. તમે માહિતીનો ગમે તેટલો જથ્થો માણસને આપો પણ એ એનું વધુ કલ્યાણ કરી શકશે નહિ. રાષ્ટ્રના રક્તમાં કશોક સંસ્કા૨વારસો હોવો જરૂરી છે. આપણે બધાં જાણીએ છીએ કે અત્યારે ઘણા રાષ્ટ્રો પાસે માહિતીનો જથ્થો છે પણ તેથી શો ફાયદો? તે તો ફક્ત હિંસક પ્રાણીઓ જેવા જંગલી જ છે કારણ કે તેનામાં કોઈ સંસ્કૃતિ નથી. માહિતી તો સભ્યતા વગર ખાલી ઉપરછલ્લી છે. અને થોડા ઉઝરડા પડે તો વળી પાછી તે જૂની જંગાલિયતમાં પરિણમે છે. આવું બને છે અને એ જ ભયંકર છે.’

વૈશ્વિક આધ્યાત્મિક સત્ય શું છે?

સ્વામી વિવેકાનંદે જે ઉપર આધ્યાત્મિક સંસ્કૃતિની વાત કહી છે, તે ભારતના ‘સર્વકાલીન મૂલ્યો’ પર આધારિત છે અને તે વળી વિશ્વસ્વીકૃત બે જીવનસત્યો પર આધારિત છે. આ બે વિશ્વસત્યો આજના વિજ્ઞાનની છેલ્લામાં છેલ્લી શોધોએ નિરીક્ષણ – પરીક્ષણ કરીને સ્વીકાર્યાં છે.

(૧) દરેક માનવમાં રહેલી મૂળભૂત દિવ્યતા અને અનંત શક્યતા. ભારતીયોએ આ વિચારની વ્યાખ્યા ‘અહમ્ બ્રહ્માસ્મિ’ (વ્યક્તિગત આત્મા વિશ્વાત્માનું સત્ત્વ ધરાવે છે).

(૨) આખા વિશ્વની એકતા અને પારસ્પરિક સંબદ્ધતા. ઉપનિષદ આ સર્વગ્રાહી વૈશ્વિક સત્યને ‘સર્વં ખલ્વિદં બ્રહ્મ’ કહીને વર્ણવે છે. (જગતમાં દેખાતું બધું બ્રહ્મથી વ્યાપ્ત છે)

સ્વામી વિવેકાનંદે પ્રથમ સત્ય વર્ણવતાં કહ્યું કે, ‘પ્રત્યેક આત્મા અપ્રગટરૂપે પરમાત્મા છે. ધ્યેય છે બાહ્ય તેમ જ આંતરપ્રકૃતિ પર કાબૂ મેળવી અંદર રહેલા આ પરમાત્મભાવને પ્રગટ કરવો. એ તમે કર્મ દ્વારા, કે ઉપાસના દ્વારા, કે યોગ દ્વારા કે તત્ત્વજ્ઞાન દ્વારા કરો – એક દ્વારા કે એકથી વધારે દ્વારા કે આ બધાં દ્વારા કરો – અને મુક્ત થાઓ. ધર્મનું સમગ્ર તત્ત્વ આ છે. સિદ્ધાંતો, કે સાંપ્રદાયિક માન્યતાઓ કે કર્મકાંડ, કે શાસ્ત્રગ્રંથો, કે મંદિરો કે મૂર્તિઓ, એ બધી ગૌણ વિગતો માત્ર છે.’

બીજા સત્યને ગ્રહણ કરવાની આવશ્યકતા સ્વામીજીએ આ પ્રમાણે સમજાવી છે :

‘જેમ દુનિયા હર પળે પરિવર્તન પામે છે, તેમ દ૨રોજ જીવનની સમસ્યાઓ ઊંડી ને વધુ ઊંડી થતી જાય છે. જીવનની પરસ્પર સંબદ્ધતાનો આ સાર ખૂબ આદિકાળથી શોધાયો, ત્યારથી એનો પ્રચાર કરવામાં આવ્યો, વિશ્વનો કોઈ એક અણુ પણ બીજા અણુઓને પોતાની અસર પમાડ્યા વિના હલીચલી શકે નહિ, સમગ્ર વિશ્વ અનુસરે નહિ એવી કોઈ પ્રગતિ સંભવી શકે નહિ. અને એથી એ વધુ સ્પષ્ટ થાય છે કે કોઈ પણ સમસ્યાનો ઉકેલ વંશીય, રાષ્ટ્રીય કે એવા કોઈ સાંકડા પરિઘથી આવી શકે નહિ. દરેક વિચાર આખી દુનિયાને આંબી જાય એવડો મોટો થવો જોઈએ. દરેક વાંછા વિશાલતર થવી જોઈએ તે એટલે સુધી કે તે આખી માનવજાતને અને સમગ્ર જીવનને પોતાનામાં સમાવી લેતી હોવી જોઈએ.’

આ બે સત્યો શું વૈશ્વિક છે?

હા, તે વિશ્વવ્યાપી છે. આ બે સત્યો કેવળ હિન્દુ ધર્મના જ નહિ પણ વિશ્વના મુખ્ય ધર્મના પાયારૂપ છે. બધા સૅમૅટિક ધર્મો – યહૂદી, ખ્રિસ્તી અને ઈસ્લામ – વગેરે માને છે કે સ્ત્રી અને પુરુષ બીજું કશું નહિ, પણ પરમ વિશુદ્ધ, અકલંકિત પવિત્રતાની મૂર્તિ સમા આદમ અને ઈવની વિકૃત પ્રતિકૃતિઓ જ છે; આદમ અને ઈવ ઈશ્વરના શાશ્વત સાન્નિધ્યમાં રહે છે. મસીહા અને પયગંબરોની ફરજ એ છે કે વિકૃત રૂપને પાછું પરમ પવિત્ર રૂપ બક્ષે. ઇશુ ખ્રિસ્ત કહે છે : ‘ઈશ્વરનું રાજ્ય તમારી ભીતર છે….ખખડાવો અને ઈશ્વર બારણાં ખોલશે’

‘અનલહક (હું પરમાત્મા છું)’ – એમ સૂફી રહસ્યવાદી કહે છે. એ ઈસ્લામના ‘અનલબ્દ’ (હું ઈશ્વરનો સેવક છું)થી થોડું જુદું છે. જો કે ઈશુ પણ જનસામાન્યને કહે છે કે, ‘ભગવાન પિતા રૂપે સ્વર્ગમાં વસે છે’ પણ પોતાના શ્રોતાઓને પ્રકાશ આપીને કહે છે કે, ‘હું અને મારા પિતા એક જ છીએ.’

જૈનો અલબત્ત આત્મવિજયને જે જીવનનું પરમ ધ્યેય માને છે; પોતાના પર વિજય મેળવનારને જ ‘જિન’ કહેવાય છે. બુદ્ધે પોતાના શિષ્યોને છેલ્લા સંદેશમાં પોતે જ પોતાનો દીવો થવાનું કહ્યું હતું.

આજે નોબલ પારિતોષિક વિજેતા ઍડવીન શ્રૉડિંજર અને આધુનિક ઘણા પ્રસિદ્ધ વિજ્ઞાનીઓ સ્વીકારે છે કે, છેવટના પૃથક્કરણમાં તો વિજ્ઞાન, ઉપનિષદોનાં બે સત્યોને જ પામે છે. (૧) આત્મા – બ્રહ્મ છે. (૨) આપણી દુનિયાની પાયાની એકતા એવી છે કે બધું જ પરસ્પર સંબદ્ધ છે.

ભારતની બહારના દેશોના શિક્ષણમાં નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોની આવશ્યકતા છે ખરી કે?

યુનેસ્કોના શિક્ષણ વિષયક છેલ્લા અહેવાલનું શીર્ષક ‘આવતીકાલનું શિક્ષણ’ એવું અપાયું છે. ઘણી સદીઓ પહેલાં શરૂ થયેલું શિક્ષણ તો વિદ્યાર્થીને કેવળ યાંત્રિક ઉપકરણ બનાવી દેવામાં જ, એના તરફ દોરી જવામાં જ પરિણમ્યું હતું (બૅન્જામીન ફ્રૅન્કલીન) અથવા તો એવું શિક્ષણ ઍરિસ્ટોટલ કહે છે તેમ. ‘હોમો પૉલિટિકસ’ બનાવી દેવાના ઉદ્દેશવાળું હતું. અહેવાલ જણાવે છે કે આધુનિક વિજ્ઞાનીઓએ માણસને શારીરિક અપૂર્ણતાવાળો બતાવીને દર્શાવ્યું છે કે ‘માનવજીવનની હસ્તી, પૂર્ણતા અને શિક્ષણ પ્રાપ્ત કરવાની અવિચ્છિન્ન અને અનન્ત પ્રક્રિયા છે.’ આધુનિક કેળવણીનો ઉદ્દેશ એ રીતે ‘પૂર્ણ માનવ’ બનાવવાનો છે. રિપોર્ટ સર જુલિયન હકસ્લીને ટાંકીને આગળ જણાવે છે કે ‘પૃથ્વી પર માનવની ભૂમિકા આ વિકાસની પ્રક્રિયાનું નેતૃત્વ સંભાળવાની છે.’ આધુનિક કેળવણીના ઉદ્દેશનો ઉપસંહાર કરતાં અહેવાલ અંતમાં જણાવે છે કે, ‘કેળવણી એ માનવને પૂર્ણમાનવ બનાવવાનો એક પ્રયત્ન છે. વ્યક્તિની શારીરિક, બૌદ્ધિક, ભાવાત્મક અને નૈતિક સંવાદિતા સાધીને પૂર્ણમાનવ બનાવવો, એ એની વિસ્તૃત વ્યાખ્યા છે. અને એ જ શિક્ષણનો પાયાનો ઉદ્દેશ છે.’ લગભગ એક સદી પહેલાં સ્વામી વિવેકાનંદે આ જ વિચાર આપ્યો હતો : ‘ઈશ્વર એવું કરે કે બધા જ માનવો એવા ઘડાય કે તેમના માનસમાં તત્ત્વજ્ઞાન, રહસ્યવાદ, ભાવાત્મકતા અને કર્મઠતાનાં આ બધાં જ તત્ત્વો પૂર્ણ સ્વરૂપે અને સમાન રીતે હસ્તી ધરાવતાં હોય. આ મારો આદર્શ છે. ‘પૂર્ણમાનવ’નો આ મારો આદર્શ છે.’ તેમણે આગળ કહ્યું હતું કે ‘કેળવણીનો ઉદ્દેશ, માનવમાં મૂળભૂત રીતે રહેલી પૂર્ણતાનું પ્રકટીકરણ કરવાનો છે.’

યુનેસ્કોનો અહેવાલ પણ એવું સ્પષ્ટપણે જણાવે છે કે ‘આજના યુવાનોની મલિનતાનું મુખ્ય કારણ એ છે કે તે પોતાના વડીલવર્ગને રોજબરોજ નૈતિક મૂલ્યોની ઉપેક્ષા કરતા જુએ છે અને એને એ યુવાનો મનમાં સંઘરી રાખે છે.’

અહેવાલ એ સ્વીકારે છે કે આજના યુવાનોમાં ઊઠતી હતાશા અને અકર્મણ્યતાની લાગણીનું કારણ, માણસ અને વિશ્વ તરફની તેમની ધૂંધળી અને વિકૃત દૃષ્ટિનું પરિણામ છે.

પૂર્ણ માનવ બનવા માટે બે પ્રકારનું શિક્ષણ આવશ્યક છે. એક ભૌતિક અને બીજું આધ્યાત્મિક : એમ મુંડકોપનિષદમાં ગુરુ શિષ્યને કહે છે. ૧૮૯૭માં સ્વામી વિવેકાનંદે ભારતવાસીઓને કહ્યું હતું કે ‘રાષ્ટ્રના ભૌતિક અને આધ્યાત્મિક, બન્ને પ્રકારના શિક્ષણ ઉપર આપણું પ્રભુત્વ હોવું જોઈએ. એ સિવાય આપણી પ્રજાને ઉગારવાનો કોઈ આરો નથી.’ ભારત માટે સ્વામી વિવેકાનંદે એ દિવસોમાં જે કહ્યું હતું તે આજે પણ ભારત માટે અને સમગ્ર વિશ્વ માટે કેળવણીની બાબતમાં સત્ય અને પ્રસ્તુત છે.

આજે છોકરા-છોકરીઓને કૉમ્પ્યુટર ઉપર કાબૂ મેળવવાની અને હવાઈ જહાજો ચલાવવાની તાલીમ તો અપાઈ રહી છે, પરન્તુ એક નાનકડા પ્રલોભન કે નાનકડી વિપત્તિ સામે પોતાના મનને કાબૂમાં રાખવાની તાલીમ ક્યાંય અપાતી નથી. પરિણામે આધ્યાત્મિક વિફલતા આવે છે અને એ હતાશા, પરાજય અને ગુનેગારપણાની લાગણી તરફ દોરી જાય છે. યંત્રવિદ્યાના ચળકાટને કારણે માનવે જીવનનો પ્રાથમિક હેતુ પોતાની અંદરની મૂળભૂત દિવ્યતાના પ્રકટીકરણનો હેતુ, પોતાનું બુદ્ધ અને ઈશુનું સ્વરૂપ ગુમાવી દીધેલ છે. ઍલવીન ટૉફલર લખે છે કે ‘ઘણા અમેરિકન યુવકો એકધારી હેતુવિહીનતામાં સબડતા રહીને નશીલા પદાર્થો સેવે છે. સ્વામી વિવેકાનંદે ચેતવણી આપી હતી કે ‘ભૌતિકવાદથી જન્મેલાં દુઃખોનું નિવારણ ભૌતિકવાદથી ક્યારેય થઈ શકે નહિ. અને એટલા માટે આધ્યાત્મિકતાએ જ વિશ્વવિજય કરવો રહ્યો.’

આજનું ભૌતિક, યાંત્રિક અને ઈલૅક્ટ્રૉનિક શિક્ષણ ઘણી રીતે ટીકાપાત્ર બની રહ્યું છે – ઇંગ્લેન્ડના વિખ્યાત મનોવિજ્ઞાની આર.ડી. લૅન્ગે કહ્યું છે : ‘આજના ઈંગ્લેન્ડમાં જન્મેલ બાળકોમાં દસ ગણી શક્યતાઓ તો એવી છે કે તે વિશ્વવિદ્યાલયમાં દાખલ થવાને બદલે ગાંડાની હૉસ્પિટલમાં દાખલ થવા પાત્ર ઠરવાની સંભાવના ધરાવતો હોય… આ એક એવી નિશાની છે કે આપણે આપણાં બાળકોને સાચું શિક્ષણ આપવાને બદલે વધારેમાં વધારે ગાંડપણ તરફ ધકેલી રહ્યા છીએ. કદાચ આપણી શિક્ષણ આપવાની રીત જ એવી છે કે જેથી તેઓ પાગલ જ બની રહે.’

૧૯૯૪ના ઑગસ્ટ માસમાં પોતાના દેશમાં સ્વાતંત્ર્ય દિને લોકોને સંબોધન કરતાં સિંગાપુરના પ્રધાનમંત્રીએ કહ્યું કે ‘હું એ દૃઢપણે ફરી કહું છું કે આપણા રાષ્ટ્રની મજબૂતી અને ચેતના જાળવી રાખવા માટે નૈતિક અને પારિવારિક મૂલ્યોની જાળવણી કરવી આવશ્યક છે. નહિતર તો આપણે પેલા પશ્ચિમના દેશોની માફક વૈયક્તિક મૂલ્યો અને શિથિલ વલણને કારણે ઘણાં ખરાબ પરિણામો ભોગવતાં થઈ જઈશું.’ (ધ સ્ટ્રેઈટસ ટાઈમ, ઑગસ્ટ ૩૧, ૧૯૯૪, પાનું ૧)

આપણું વામાર્ધ મસ્તિષ્કને અપાતું શિક્ષણ આપણને ક્યાં લઈ ગયું છે?

ભારતના વિખ્યાત ચિંતક શ્રી નાની પાલખીવાળાએ એક રસિક ઘટના કહી છે; ઘણાં વરસ પહેલાં એક યુવાન ભારતીય વૈજ્ઞાનિકે જાપાનના કૉન્સલ જનરલને પૂછ્યું હતું કે, ભારતના લોકો જાપાન કરતાં આટલા બધા વધારે બુદ્ધિશાળી હોવા છતાં પણ ભારત કરતાં જાપાન ઉદ્યોગ ક્ષેત્રે અને યંત્ર ક્ષેત્રે કેમ આગળ આવ્યું છે? ત્યારે કૉન્સલ જનરલે જવાબ આપ્યો, ‘ભારતમાં તમે સાઠ કરોડ વ્યક્તિઓ છે, જ્યારે જાપાનમાં અમે તેર કરોડ નાગરિકો છીએ. (ટાઈમ્સ ઑફ ઈન્ડિયા, ૨૫ નવેમ્બર, ૧૯૯૪, જાપાન વિષે ખાસ પૂર્તિ)

આટલી બધી આધ્યાત્મિક સંસ્કૃતિ હોવા છતાં ભારત પરદેશીઓની ઘૂંસરી નીચે ગરીબી અને ગુલામી કેમ ભાગવતું રહ્યું?

સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે ગ્રીસ સંસ્કૃતિ એણે સાધેલા કળા અને વિજ્ઞાનના ઊંચા વિકાસવાળું હોવા છતાં- મસ્તિષ્કના વામાર્ધનું શિક્ષણ-વિકાસ મેળવ્યા છતાં પણ મસ્તિષ્કના દક્ષિણાર્ધની યોગ્ય આધ્યાત્મિક તાલીમ વગર નાશ પામ્યું.

એ જ પ્રમાણે રોમન સંસ્કૃતિ પણ તેમાં બહારની કલાકારીગરીનો અને વિજ્ઞાનનો ઉત્તમ વિકાસ થયો હોવા છતાં બીજા પર ત્રાસ ગુજારવાની વૃત્તિમાં પરિણમી અને અંતે એ જ રીતે આધ્યાત્મિકતાની ઉપેક્ષા કરીને અસ્ત થઈ ગઈ. આજના સ્વાર્થી વ્યક્તિત્વવાદી જનોના સાવ ભૌતિકતાપ્રધાન સમાજો પણ આ રીતે જ અતિશય ઈન્દ્રિયાસક્ત થઈને પરિણામે હતાશા, નશીલા પદાર્થોનું સેવન અને આત્માહત્યાઓથી નાશ પામવા જ સર્જાયેલી છે.

બીજી બાજુ ભારતીય સંસ્કૃતિએ મસ્તિષ્કના દક્ષિણાર્ધ ૫૨ જ ખૂબ જોર મૂક્યું. અને ઘણા આગળ પડતા સંતો જન્માવ્યા. પણ ભારતે પેલા વામાર્ધ મસ્તિષ્કની (ભૌતિકતાની) સાવ ઉપેક્ષા કરી અને માનવની સામાજિક ઉન્નતિની ખાસ દરાર કરી નહિ. એ મરી તો નહિ પણ નારી અને જનસામાન્યની ઉપેક્ષા કરવાથી એને બારસો વરસની ગુલામી વેંઢારવી પડી. ખરી વાત એ બની કે માનવના કલ્યાણ માટેના સર્વગ્રાહી વલણ વગરની આવી કહેવાતી આધ્યાત્મિકતાને લીધે ઘોર સ્વાર્થીપણું આવ્યું અને એને લીધે માનવસમાજનું ભયંકર શોષણ થવા લાગ્યું, એ શોષણખોરો પુરોહિતો હતા. એમને રાજરજવાડાનો અને જમીનદારોનો સાથસથવારો મળી ગયો.

સ્વામી વિવેકાનંદ ધર્મને સર્વગ્રાહી બનાવવા આવ્યા. ધર્મની વ્યક્તિગત સ્વાર્થની વિભાવનાને એ સ્વીકારતા ન હતા. તેઓ ભારતના એવા એક પ્રથમ પયગંબર હતા કે જેમણે ધર્મને ગતિશીલ બનાવ્યો અને રાષ્ટ્રજીવનનાં સર્વ ક્ષેત્રોમાં એનો સમાવેશ કર્યો. આજે આ પ્રગતિશીલ અને પ્રયોગક્ષમ ધર્મશક્તિ એવી શાળા કૉલેજોમાં વિકસી રહી છે કે જ્યાં વિદ્યાર્થીઓને શ્રેષ્ઠતાની પૂર્ણ ક્ષમતાવાળા માનવ તરીકે સન્માનવામાં આવે છે. અને જ્યાં શિક્ષકોની ભૂમિકા ફક્ત વિદ્યાર્થીઓને ભણાવવાની જ નહિ, પણ તેમનામાં સતત ઉત્સાહ, આત્મસન્માન અને આત્મશ્રદ્ધા ભરીને તેમનામાં રહેલી મૂળભૂત દિવ્ય શક્તિ જગાડવાની છે. આ કેળવણીની નવી તાત્ત્વિકતા છે કે જે પ્રયોગક્ષમ આધ્યાત્મિકતાના પાયા પર ચણાયેલી છે અને આપણને આજે એની જ જરૂર છે.

આપણે નૈતિક શા માટે થવું જોઈએ?

બઘી નીતિમત્તાઓ અસ્તિત્વની એકતા પર આધારિત છે. મારે મારા પાડોશી સાથે આત્મવત્ વ્યવહાર શા માટે કરવો જોઈએ? કારણ કે હું અને મારો પાડોશી એક જ છીએ. તે ખરેખર મારો જ આત્મા છે. પોતાના ઘરમાં રાજઅતિથિ એવા સૂતેલા ડંકનને મારી મૅકબૅથ મનમાં ગણગણ્યો એ શેકસપિયરે લખેલ ડહાપણના શબ્દો છે : ‘મૅકબૅથે સૂતેલાને મારી નાખ્યો છે એટલે મૅકબૅથ હવે સુખેથી સૂઈ નહિ શકે.’

આપણે બીજાની નિઃસ્વાર્થ સેવા શા માટે કરવી જોઈએ?

સ્વામી વિવેકાનંદે ‘કર્મયોગ’માં સ્પષ્ટ રીતે કહ્યું છે કે જે સ્વાર્થી છે તે અનૈતિક છે અને જે નિઃસ્વાર્થતા તરફ દોરી જાય છે, તે નૈતિકતા છે. સ્વાર્થી વિધિઓ ૫૨ રહેલી કહેવાતી નૈતિકતા સાચી આધ્યાત્મિક સંસ્કૃતિ આપી શકે નહિ. વિધિ- નિષેધ, સ્વકીર્તિ- સ્વનામ માટે તપશ્ચરણના દેખાવ, નાતપાતના ભેદો, નિરક્ષર લોકો અને ગરીબોના શોષણ, ધનિકો અને સત્તાધારીઓના આનંદ પર આધાર રાખતો – એ બધાંને પાયામાં રાખતો ધર્મ તો દેખાવનો દુકાનદારનો વેપારી ધર્મ જ છે. આધ્યાત્મિકતાનો ખોટો અંચળો ઓઢેલ એ કહેવાતો ધર્મ છે. શ્રેષ્ઠ અને સાચો ધર્મ તો ગરીબો અને જરૂરતમંદોમાં રહેલી દિવ્યતાને સન્માનતો અને તેમની સેવા કરતો હોવો જોઈએ. સ્વામી વિવેકાનંદ કહે છે કે, ‘તમે સારા કામમાં લાગી જાઓ. એનાથી તમારામાં અખૂટ અને અમાપ શક્તિ ભરાઈ જશે. અન્યો માટે થોડુંક પણ કરેલું કાર્ય તમારામાં એવી શક્તિ જગાડશે.’

‘એવો માણસ દુનિયાને હચમચાવી શકશે કે જેમાં નાનો ક્ષુલ્લક સ્વાર્થ – અહમ્ – મરી પરવાર્યો છે. અને એની જગ્યાએ પરમાત્મા આવીને બેસી ગયો છે.’

‘છેલ્લે ભગવદ્ગીતા છેલ્લી પંક્તિમાં આશ્વાસન આપે છે કે બીજા માટે કરેલું નિઃસ્વાર્થ કાર્ય સમૃદ્ધિ, વિજય, જનસામાન્યનું કલ્યાણ અને શાશ્વત નીતિ આપે છે (તત્ર શ્રી ર્વિજયો ભૂતિ ર્ધ્રુવા નીતિર્મતિર્મમ)

મહિસૂરના મહારાજાને સ્વામી વિવેકાનંદે યાદ અપાવ્યું હતું કે ‘બીજાઓ માટે જીવતાં જ સાચી રીતે જીવે છે, અન્ય લોકો તો જીવતા કરતાં મરેલા વધારે છે.’ આ રાષ્ટ્રસેવાનું નસનસમાં વ્યાપેલું સત્ત્વ જાપાનીઓમાં છે અને એટલે જ ઍશિયાના એક હજાર મુખ્ય ઉદ્યોગમાં આઠસો ઉદ્યોગો જાપાનના હાથમાં જ છે. (ઍશિયા વીક, ડિસેમ્બર, ૧૯૯૪) છાંદોગ્ય ઉપનિષદ્ કહે છે કે ‘ભૂમૈવ સુખં નાલ્પે સુખમસ્તિ’ ‘જીવનનો ખરો આનંદ તો બીજાના કલ્યાણ માટે જીવવામાં છે.’

આપણે બુદ્ધ- ઈશુની શક્તિ પ્રગટ કરવી કે હિટલર – સ્ટૅલિનની શક્તિ પ્રકટાવવી?

વેદાન્ત કહે છે કે દરેક માનવમાં કોઈ બુદ્ધ, ઈશુ, સિકંદર, અથવા નૅપૉલિયન કે આઈન્સ્ટૅઇનની શક્તિ સુષુપ્ત રીતે પડેલી જ છે. માનવ દેહમાત્ર નથી. શરીરમાં સચ્ચિદાનંદ બહ્મ રહેલું છે. જ્યારે આ શક્તિ સ્વાર્થ લાભ માટે પ્રકટ થાય છે ત્યારે હિટલર, સ્ટૅલિન કે અણુયુદ્ધ ઉત્પન્ન થશે પણ જ્યારે આ શક્તિ માનવતાપ્રેમ સાથે યુક્ત હશે ત્યારે આપણને ઈશુ, અશોક, સ્વામી વિવેકાનંદ કે ગાંધી મળશે.

આધ્યાત્મિક સંસ્કૃતિ આપણે ખાલી શબ્દો દ્વારા જ શીખવી શકીએ ખરા? આપણે આત્મશક્તિને કેવી રીતે પ્રકટાવી શકીએ?

વેદાન્તસૂત્રનો જવાબ આ છે : ‘અનાવૃત્તિ: શબ્દાત્’ (શુચિ શબ્દોના રટણથી મોક્ષ થાય છે.) એટલા માટે શ્રી શંકરાચાર્યે નિર્વાણષટક લખ્યું છે અને એના દરેક શ્લોકની છેલ્લી પંક્તિ ‘ચિદાનન્દરૂપઃ શિવોઽહમં શિવોઽહમ્’ આપેલ છે. જો આપણે શબ્દો દ્વારા જ ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર વગેરે વિષયો શીખવી શકતા હોઈએ, તો પછી આધ્યાત્મિક જ્ઞાન ભલા શબ્દો દ્વારા શા માટે ન શીખવી શકીએ? અહં બ્રહ્માસ્મિ (હું બ્રહ્મ છું) કે તત્ત્વમસિ (તે તું છે) એવાં મહાવાક્યોના રટણથી આપણે આપણા શરીરમાં અને મનમાં ખાસ્સું પરિવર્તન લાવી શકીએ છીએ અને પાવિત્ર્ય, અને શક્તિ આપણામાં પ્રકાશી ઊઠી શકે છે. બૃહદારણ્યક ઉપનિષદ્ વારંવાર કહે છે કે ‘શ્રોતવ્યઃ, મંતવ્યઃ નિદિધ્યાસિતવ્યઃ- એને સાંભળવું, એનું મનન કરવું અને ધ્યાન કરવું જોઈએ.’ સ્વામી વિવેકાનંદની અતિપ્રેરક ઉત્સાહવર્ધક વાણી આત્મશક્તિને જગાડતી દરેક નિષ્ઠાવંત આત્મામાં ચેતનાની ભરતી કહી રહી છે કે, ‘તમે પોતે શીખો, બીજાને શીખવાડો કે સૌનું સાચું સ્વરૂપ શું છે.’ – ‘સૂતેલા આત્માને જગાડો અને જુઓ કે તે કેવી રીતે જાગી રહ્યો છે!’ શક્તિ આવશે, કીર્તિ મળશે, સારાપણું આવશે, પવિત્રતા આવશે અને સર્વ શ્રેષ્ઠ વસ્તુઓ આવી મળશે પણ એ ત્યારે કે જ્યારે આ સૂતેલો આત્મા જાગશે. અને આત્મભાનપૂર્વક કાર્યરત થશે’ … ‘જો કોઈ માછીમાર કહેશે કે હું આત્મા છું તો તે સારો માછીમાર બનશે.. વિદ્યાર્થી આત્મા તરીકે પોતાને માને તો તે વધુ સારો વિદ્યાર્થી બનશે.’ એ જ રીતે શિક્ષક પોતાને આત્મા માનશે તો તે ગમે તે પરિસ્થિતિમાં ગમે તે શીખવાડશે તો વધુ સારું શીખવાડશે. વેદાન્ત વિચાર મનને વિશાલતમ બનાવે છે. ભય અને સંકોચની સાંકળો ભાંગી નાખે છે અને માનવમાં પરમાત્માને બેસાડે છે. આ મહાન વિચાર બધા દ્વારા દૈનિક સમૂહપ્રાર્થના દ્વારા, વાચન દ્વારા, ધ્યાન દ્વારા, કેળવી શકાય છે.

મહાન આદર્શો અને મહાન આત્માઓ ઉપર કેવી રીતે ધ્યાન ધરવું?

સમૃદ્ધ સંકલ્પનાઓ દ્વારા આ ધ્યાનને મદદ મળે છે એવી સમૃદ્ધ સંલ્પનાઓ પ્રભાવક પ્રેરક પ્રાકૃતિક દૃશ્યો દ્વારા, વિશુદ્ધ વિચાર સહિતના સુંદર સંગીત દ્વારા, ચિત્રો કે શિલ્પોમાં આલેખેલ દિવ્ય મૂર્તિઓ દ્વારા ઉત્પન્ન થાય છે. જૉન કીટ્સે કહ્યું છે કે સુંદ૨ પદાર્થ શાશ્વત આનંદનું રૂપ છે. નાનાં બાળકો સુંદર દૃશ્યો, પ્રેરક સંગીત અને સુંદર વાતાવરણ તરફ જલદી આકર્ષાઇ જાય છે કારણ કે તે બધાં તેમનામાં રહેલ આનંદને એકાએક જ સ્ફુરાવી દે છે. અને તેમનાં મનને ખેંચી લે છે. આવા આનંદની લાગણી, કોઈ પદાર્થ પર કે ઉચ્ચ વિચાર પર ધ્યાન ધરવાથી આવી શકે છે.

આપણી શાળાને આધ્યાત્મિક રીતે પવિત્ર અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ વાતાવરણની જરૂર છે?

પાતંજલ યોગસૂત્ર કહે છે કે ઘણી ક્ષુદ્ર ઇચ્છાઓનો ભોગ બન્યા છતાં પણ સમૃદ્ધ અને પ્રકાશિત વાતાવરણ એનામાં અભિવ્યક્ત થાય છે. જો કોઈ બાળક શાળાના સ્વચ્છ અને પ્રેરક વાતાવરણમાં છ થી આઠ કલાકનો સમય ગાળતો હોય તો તે પોતાની જાગ્રત અવસ્થાનો અડધો ભાગ ખરેખર સુયોગ્ય વાતાવરણમાં ગાળે છે એમ કહી શકાય, કારણ કે બાકીના આઠ કલાકો તો એ ઊંઘમાં જ ગાળે છે.

આ રીતે જીવનનો ઘણો ભાગ સતત ચાલ્યા કરે તો જાગ્રત અવસ્થાના એ સબળ તરંગો અર્ધજાગ્રત મન (Subconscious mind)ને ધોઈ નાખે છે કે પછી એના સ્તરને પણ બદલી નાખે છે. આપણી આજની શાળાઓ દીવાસળીની પેટી જેવા બનેલા વર્ગોમાં એક અથવા બીજા વિષયની માહિતી જ આપ્યા કરે છે અને જેની ખાસ જરૂર છે એવા સમૃદ્ધ વાતાવરણની કશી પરવા કરતી નથી. અને એની તો વિદ્યાર્થીઓનાં મન તન-હૃદયને ઘડવામાં ખાસ આવશ્યકતા છે.

જો શાળામાં જગ્યાની સવલત હોય તો બાગબગીચા અને વૃક્ષોનું નિર્માણ પણ થવું જોઈએ. વૃક્ષો આપણને પ્રાણવાયુ આપીને કાર્બન ડાયૉકસાઈડ લઈ લે છે. આપણને એ રીતે એ વિશુદ્ધ અને શક્તિશાળી બનાવે છે. જગ્યા ઓછી હોય તો દીવાલ અને સીડીઓ પર પ્રેરક મહાપુરુષોનાં ચિત્રો કે પ્રાકૃતિક દૃશ્યોનાં પ્રેરક ચિત્રો લગાડી શકાય. ફૂલદાનીઓમાં ફૂલો પણ શણગારીને રાખી શકાય.

વિધાર્થીઓના જીવનમાં સમૂહ પ્રાર્થનાની શી શક્તિ છે?

પ્રાર્થનાથી શરૂ થતી ભક્તિમયતા, જપ, વગેરે વિદ્યાર્થીજીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પ્રાર્થના આપણી વ્યક્તિગત ઇચ્છાની વૈશ્વિક ઇચ્છા સાથે સંવાદિતા સાધે છે અને જ્યારે એ વૈશ્વિક ઇચ્છા વ્યક્તિ દ્વારા પ્રકટ થાય છે ત્યારે એક ઇતિહાસ સર્જાય છે. અમેરિકન આકાશવિદ્ વિજ્ઞાની ડૉ. સ્ટૉમ્બર્ગ લખે છે કે, ‘માનવની ઇચ્છાની મૂળભૂત શક્તિ ઘણી મહાન છે કારણ કે એ વૈશ્વિક ઇચ્છાનો જ એક ભાગ છે. અને કલ્યાણ કરવાની આપણી શક્તિનું એ અભિનયાત્મક રૂપ છે. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, ત્યારે આપણે આપણા જ મનના અધિષ્ઠાનરૂપ વૈશ્વિક મન સાથે એકાકારતા સાધીએ છીએ. વૈશ્વિક મન એ સર્વશક્તિમાનનું જ મન છે.’

૧૯૧૨માં વૈદ્યકીય ક્ષેત્રે નોબેલ પારિતોષિક વિજેતા ઍલૅકસીસ કૅરલે લખ્યું છે કે, ‘પ્રાર્થના એ ખાલી સ્તુતિ નથી. પણ માનવના આરાધ્યનું રૂપ છે કે જેનાથી ધસમસતી શક્તિ ઉત્પન્ન થાય છે… એ શક્તિ જ માત્ર એવી છે કે જે કુદરતના નિયમોને પણ ઉવેખી શકે છે.’

સમૃદ્ધ વિચારવાળી સમૂહપ્રાર્થના, આપણા દેહમનમાં રચનાત્મક વિચારોના તરંગો સર્જે છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે વિચાર એ વિશ્વમાં સૌથી મોટું બળ છે. રચનાત્મક વિચારો શરીરમાં બે રસાયણો – ‘ઍન્ડૉરફીન’ અને ‘ઍન્કૅફૅલીન’ – ઉત્પન્ન કરે છે. આ રસાયણો દેહ મનમાં બળ, આશા અને આનંદને ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. અને નવાં જ દેહ મન એનાથી તૈયાર થાય છે. આનો પ્રયોગ કરીને ડૉક્ટરોએ કૅન્સરના નિદાન માટે પણ પ્રયોગ કર્યો છે. (કવૉન્ટમ્ હીલિંગ – ડૉ. દિપક ચોપડા, બૅન્ટમ પબ્લિકેશન, ૧૯૯૧). વિજ્ઞાને વિશ્વમાં પાંચ પ્રકારનાં બળો ગણાવ્યાં છે; ગુરુત્વાકર્ષણ, વિદ્યુતશક્તિ, ચુંબક, સબળ અણુશક્તિ અને નબળી અણુશક્તિ (જે અણુઘટકોને બંધનમાંથી મુક્ત કરે છે), જ્યારે ભારતે છ પ્રકારના બળો ગણાવ્યાં છે, એમાં વિચારબળ ગણાવ્યું છે અને બધાં બળોમાં વધારે શક્તિશાળી છે કારણ કે એ સૂક્ષ્મ રીતે મનને અસર કરે છે અને આ મન એક સૂક્ષ્મ શરીર જ છે, બીજું કંઈ નથી.

સ્વામી વિવેકાનંદ કહે છે કે, ‘વિચારશક્તિમાંથી જ શ્રેષ્ઠ બળ ઉત્પન્ન થાય છે. જેટલી જે વસ્તુ સૂક્ષ્મ હોય તેટલી તે વધારે શક્તિશાળી હોવાની. વિચારોની સૂક્ષ્મતા ખૂબ દૂર રહેલ માનવી પણ અસર પહોંચાડે છે કારણ કે મન અનેક હોવા છતાં એક જ છે.’

માણસે નૈતિક અને શુદ્ધ શા માટે થવું જોઈએ?

કારણ કે નૈતિકતા અને વિશુદ્ધિ માનવની ઇચ્છાને વધારે સબળ બનાવે છે. અને એને પોતાના મનનો સ્વામી બનાવે છે. સ્વાર્થી હેતુઓથી ઇચ્છાશક્તિ નબળી થઈ જાય છે. સ્વાર્થી હેતુઓના ત્યાગથી ઇચ્છાશક્તિ સબળ બને છે. સબળ ઇચ્છાશક્તિ માનવને વિશુદ્ધિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. એ વિશુદ્ધિ અનંતશક્તિનું મૂળ છે. અને આ શક્તિ માનવને વિઘાતક લાલસાઓ અને આત્મહત્યા જેવી હતાશાઓમાંથી બચાવે છે.

સ્વામી વિવેકાનંદ કહે છે કે, ‘તમારા જીવનને ત્યાગથી, સબળ ઇચ્છાશક્તિથી યુક્ત બનાવો.’ સ્વચ્છ મનનો વિદ્યાર્થી પહેલાં સબળ શરીર, તીક્ષ્ણબુદ્ધિ અને પ્રબળ ઇચ્છાશક્તિ વિકસાવે છે. સાવ નિ:સ્વાર્થ વિચારથી પ્રેરિત વિદ્યાર્થી તન્મયતાની જબરી શક્તિ પ્રાપ્ત કરે છે. અને કોઈ પણ વિષયના અધ્યયનમાં પોતાની મેધા બતાવી શકે છે.

આપણી શાળામાંથી રાજકારણને દૂર કેમ કરી શકાય?

આપણી શાળા-મહાશાળાઓ અને વિશ્વવિદ્યાલયો રાજકારણીઓની ક્રીડાભૂમિ થઈ રહી છે. અલગ અલગ રાજકીય પક્ષો એક બીજાની હરિફાઈ કરે છે અને સંસ્થા પર પોતાનો હક્ક જમાવે છે અને વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા પોતાના મતો મેળવે છે. ઘણા કિસ્સાઓમાં તો શાળા-મહાશાળાઓની સમૃદ્ધિ વધારવાને બદલે તે શાળા-મહાશાળાનાં ફંડો સીધા રાજકારણીઓના ગજવામાં પહોંચી જાય છે. રાજકારણીઓ વિદ્યાર્થીઓની લાગણીઓ સાથે રમીને પોતાની સત્તા હાંસલ કરે છે. કેટલાક તો ઉપકુલપતિઓ અને શિક્ષકોને પણ પોતાના હાથા અને પ્રચારકો બનાવી દે છે. આનો એક જ ઉપાય છે સારી ઇચ્છાવાળા વાલીઓ અને શિક્ષકોએ એક બિરાદરી રચવી જોઈએ. અને તેમણે આ રાજકારણીઓની સામે ટક્કર ઝીલવી જોઈએ. વાલીઓ અને મા-બાપોની બિરાદરી જ આ માટે ખૂબ મોટી ભૂમિકા ભજવી શકે છે.

સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ શાળાકીય વાતાવરણનું શું મહત્ત્વ છે?

સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ વાતાવરણવાળી શાળાઓમાં રાજકારણીઓ તો પગ મૂકી શકશે નહિ. જો શાળા મહાશાળા અને વિશ્વવિદ્યાલયોમાં સમૂહ-પ્રાર્થના, સમાજસેવાના કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વાલીઓની છ માસિક મિટિંગ થાય તો એનાથી એ સંસ્થાઓમાં એક મજબૂત આધ્યાત્મિક પ્રણાલી સર્જાય છે. એ રાજકારણ દૂર કરવા માટેની દિશામાં એક મોટું પગલું ગણાશે. જ્યારે સંસ્થા, આધ્યાત્મિક રીતે અને સાંસ્કૃતિક રીતે નબળી હોય ત્યારે જ રાજકારણનાં કીટાણુઓ એમાં પ્રવેશી શકે. જે શૈક્ષણિક સંસ્થાઓ ગંદી અને અસ્વચ્છ વાતાવરણવાળી હોય, અને જેમાં આધ્યાત્મિક સંસ્કૃતિ વિષયક કશી સગવડ ન હોય, એવી સંસ્થાઓ રાજકારણીઓનું અને ધનલાલચુ ટ્રસ્ટીઓનું સહેલાઈથી નિશાન બની શકે છે. એના ટ્રસ્ટીઓ ભારે લાંચ લઈને શિક્ષકો નીમે છે અને વિદ્યાર્થીઓને દાખલ કરે છે.

શિક્ષકોને મૂલ્યલક્ષી કેળવણીની તાલીમ આપી શકાય ખરી?

શા માટે નહિ? જો IAS, IPS, IRSન ઑફિસરો, કંપની ડાયરૅકટરો અને ઉદ્યોગોના સિનિયર મૅનૅજરો માટે આત્મનિરીક્ષણ, સર્વગ્રાહી જીવન અને આધ્યાત્મિક પ્રકાશ માટેની શિબિરો યોજી શકાતી હોય તો ભલા શિક્ષણ આપવાનું જ જેમનું કામ છે, એવા શિક્ષકો માટે એવી શિબિરો કેમ ન યોજી શકાય? દુર્ભાગ્યે આપણે ભૂગોળ, ઇતિહાસ અને ભૌતિક વિજ્ઞાન જેવા બીજા વિષયો માટે પ્રશિક્ષણ વર્ગો તો ચલાવીએ છીએ તો આધ્યાત્મિક અને નૈતિક વિજ્ઞાન માટે એવા વર્ગો કેમ નહિ ચલાવતા હોઈએ? એવા વર્ગોથી શિક્ષકની વ્યક્તિગત આકર્ષકતા, વ્યક્તિત્વ, આંતરિક તાકાત, આત્મવિશ્વાસ, શક્તિ અને અન્ય પ્રત્યેની લાગણી વધે છે.

અધ્યાત્મ અને ભૌતિક વિજ્ઞાન બન્નેમાં નિપુણ શિક્ષક કેવળ શાળા માટે જ નહિ પણ સમગ્ર સમાજ માટે એક મૂડી બની રહેશે. આપણે માનીએ છીએ કે આવી નિયમિત તાલીમથી વધુમાં વધુ શિક્ષકો ઉત્પન્ન થશે અને એનાથી આપણું આજનું ભૌતિકવાદી અને સ્વલક્ષી શિક્ષણ સર્વગ્રાહી અને સંપૂર્ણ શિક્ષણ તરફ વળશે. અને એનાથી ઊંચી કક્ષાની વ્યક્તિમત્તા અને સામાજિક કલ્યાણ નિષ્પન્ન થશે.

શિક્ષક પૂજકના સ્થાને અને વિધાર્થીઓ દેવતાના સિંહાસને

આજની વિદ્યાપીઠો કે શિક્ષણ સંસ્થાઓમાં અપાતું શિક્ષણ એ વ્યક્તિને પ્રલોભનો સામે કે અનૈતિક પ્રવૃત્તિઓ સામે ઝઝૂમતા કરવાને બદલે, સામાન્ય રીતે હતાશ, માંદલા અને આત્મઘાતક વૃત્તિવાળા બનાવે છે. વર્તમાન શિક્ષણ માણસને ભીતરથી મજબૂત બનાવે અને આંતરિક રીતે સમૃદ્ધિ ન બક્ષે, તેમ જ તેની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ ન કરે તથા જીવનમાં આવતા પડકારો ઝીલવાની શક્તિ ન આપે અને તેને પહોંચી ન વળે તો એ શિક્ષણની કોઈ કિંમત નથી. અત્યારે આપણે વિદ્યાર્થીઓને જે શિક્ષણ આપીએ છીએ તેનાથી તેજસ્વી વિદ્યાર્થીઓ જરૂર મળે છે પણ સ્વાર્થી, અર્થોપાર્જન કરતા વિદ્યાર્થીઓ મળે છે એ એક હકીકત છે. ઍલ્વિન ટૉફલર આવા વિદ્યાર્થીઓને ‘પેટભરા’ પ્રાણી કહે છે, જ્યારે ઍરિસ્ટોટલ એમને ‘રાજકીય પ્રાણીઓ’ કહે છે.

એક સદી પહેલાં, ‘શિક્ષણનું કાર્ય તો આંતરિક શક્તિ જગાડવાનું છે,’ એ બાબત સ્પષ્ટ કરતાં સ્વામી વિવેકાનંદજીએ અમેરિકામાં કહ્યું : ‘ખ્યાલ રાખો, માત્ર શિક્ષણની કોઈ જ કિંમત નથી. મનને શિસ્તબદ્ધ અને મજબૂત ન બનાવે એ જ્ઞાન પણ શા કામનું? માહિતીના ખડકલા પેટમાં ઠાંસીઠાંસીને ભરવા છતાં મને તે નવાઈ લાગે છે કે, આપણને હજુ પણ અપચો કેમ નથી થતો!’

હકીકતમાં મૂળ મુદ્દો જ મનની શિસ્તબદ્ધ તાલીમનો છે. અન્યનું ચાવેલું – ચગળેલું સત્ય તમે ચગળશો તો એ તમારું સત્ય નહિ બને. મારા મુખમાંનું સત્ય તમે ભણાવી નહિ શકો. અથવા તો મારા મુખમાંનું સત્ય તમે ભણી નહિ શકો. કોઈ કોઈને શીખવી શકે નહિ. તમારે તમારા સ્વભાવ અને શક્તિ પ્રમાણે સત્યને પામવાનું છે, સૌએ સંઘર્ષ કરવાનો છે, મજબૂત બનવાનું છે, પોતાના પગ ઉપર ઊભા રહેવાનું છે, તમારા પોતાના જ વિચારોને વિકસાવવાના છે અને આત્મસાક્ષાત્કાર કરવાનો છે.’

પ્રતિભાવાન અને પ્રેરક શિક્ષક તરીકે તમારું પ્રથમ કાર્ય વિદ્યાર્થીઓમાં ભીતર પડેલી દિવ્ય શક્તિને સન્માનવાનું છે અને તેમને સતત આ વિચારથી – પરિચિત કરવાના છે, નબળા વિદ્યાર્થીમાં પણ અખૂટ શક્તિનો ભંડાર ભર્યો છે, એ ખ્યાલથી એની સ્વશક્તિને બહાર લાવવા જે શિક્ષક પ્રયાસ કરે છે, એ સફળ શિક્ષકની નિશાની છે. ચાર પ્રકારે આવી સફળતા હાંસલ કરી શકાય :

૧. વિદ્યાર્થીમાં રહેલ દિવ્યતા અને અનંત શક્યતા તરફ સતત અંગુલિનિર્દેશ કરતો આપણો આંતરિક વ્યવહાર ગોઠવવો. ૨. ક્રાઈસ્ટ, આઇન્સ્ટાઇન અને નેપોલિયન જેવી જ અનંત શક્યતાઓ, જ્ઞાન, શ્રેષ્ઠત્વ કે આનંદ તમારામાં પણ પડેલ છે, એ વાત સ્પષ્ટ શબ્દોમાં સતત કહેતા રહેવી. ૩. એક સાચા, સન્માનનીય, સહૃદયી, પવિત્ર અને પ્રેરિત શિક્ષક તેને જ કહેવાય જે શિક્ષક આધ્યાત્મિક દૃષ્ટિએ મજબૂત હોય. પ્રતિદિન થોડો સમય પણ પ્રભુભજનમાં પસાર કરતો હોય. એક વખત શિક્ષકમાં દિવ્યતાનું ઝરણું ફૂટયું એટલે વિદ્યાર્થીઓમાં પણ તેની અસર થવાની. ૪.શાળામાં આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરવા પવિત્ર ગ્રંથ-વાચન, મંત્રોચાર અથવા તો પ્રતીકોનાં પ્રદર્શનો યોજી શકાય. ઊંડા શ્વાસોચ્છ્શ્વાસ અને ઘેરી શાંતિમાં એમની શક્તિને જાગૃત કરવી.

સ્વામીજીએ આપણને શીખવ્યું કે, શિક્ષક એ પૂજક છે; વિદ્યાર્થી એ એમની સામે સિંહાસને બિરાજીત દેવતા છે. પૂજા, પ્રાર્થના અને ધ્યાનના સમયે આપણે વધુ ને વધુ આપણી શક્તિ અને ઉત્તમતાને પ્રગટ કરી શકીએ છીએ. કોઈ પણ શિક્ષક આ વલણ અખત્યાર કરે તો શાળા એ મંદિર બની જાય અને વિદ્યાર્થીઓ દેવી-દેવતા! તત્ક્ષણ શિક્ષક અને શિષ્યમાં જબરા આધ્યાત્મિક ફેરફાર આપણે જોઈ શકીશું. સામાન્ય શિક્ષક પણ વધુ મજબૂત, વધુ સ્ફૂર્તિલો બની કામ કરતો થશે. તે અજાગૃતપણે પોતાના મનની અને મગજની શક્તિને વધુ સારી રીતે કાર્યાન્વિત થતી અનુભવશે. અને પૂર્ણતાની ઊંડી સમજ કેળવતો થશે.

ભાષાંતર : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 302

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.