પી.ડી. માલવિયા બી.ઍડ. કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ શ્રી ક્રાન્તિકુમાર જોષી અહીં શિક્ષક ભાઇ-બહેનોને શ્રેષ્ઠત્વની સાધના કરવા માટે આહ્વાન આપે છે. – સં.
વિનોબા ભાવેનું પુસ્તક ‘મધુકર’ ખૂબ જ મનનીય અને કમનીય પુસ્તક છે. એમાં ‘માત્ર શિક્ષણ’ નામના પ્રકરણે શિક્ષણમાં પડેલ હર એક ભાઈ-બહેનનું ધ્યાન ખેંચ્યું છે. યુવાનીના ઉંબરે પગ માંડતો યુવાન તો શક્તિનો ભંડાર હોય, ઉત્સાહનો ખજાનો હોય, હિંમત અને હામ એને હૈયે વસ્યાં હોય. પણ ‘માત્ર શિક્ષણ’નો શિક્ષક એટલે, –
કોઈ પણ જાતની જીવનોપયોગી કાર્યશક્તિ જેની પાસે નથી એવો, કોઈ પણ જાતના કામથી સદાય કંટાળેલો, ‘માત્ર શિક્ષણ’નો ઘમંડ રાખનારો, પુસ્તકોમાં દટાયેલો, આળસુ પ્રાણી, એવો અર્થ થયો. ‘માત્ર શિક્ષણ’ એટલે જીવનમાંથી કાપીને જુદું કાઢેલું મુડદાલ શિક્ષણ, અને શિક્ષક એટલે ‘મૃતજીવી’ માણસ! આ છે એક શબ્દચિત્ર. હવે એક બીજા શબ્દ ચિત્ર ઉપર નજર નાખીએ.
હજુ તો આંબે મોર પણ નથી બેઠા. વૈશાખી વાયરા પણ શરૂ નથી થયા. એવે સમયે એક કીડી સૌથી અલગ પડી, આંબાના માર્ગે કેરી ખાવા નીકળી પડી. આંબાની ડાળીએ પોપટ ઝૂલતો હતો. પોપટે પૂછ્યું, ‘કેમ કીડી બહેન! શું આવ્યાં!’ કીડીએ જવાબ આપ્યો, ‘કેરી ખાવા’ ‘પણ હજુ તો કેરીને તો ઘણી વાર’ પોપટ બોલ્યો, કીડીનો જવાબ સૌએ જીવનમાં ઉતારવા જેવો છે. ‘હું આંબાની ડાળી ઉપર પહોંચીશ ત્યાં સુધીમાં કેરી પાકી ગઈ હશે’, અતૂટ શ્રદ્ધા અને અખૂટ ધૈર્ય એ કીડીના જીવનનું ભાથું હતું. કીડીનો જીવનમંત્ર હતો :
‘ભલે હો નાવડી નાની,
સમંદર હો તૂફાની,
અમારો નાખુદા,
આલા જીગર છે આસમાની.’
મનુષ્યદેહ અને યુવાની જેને મળેલ છે એ શિક્ષક આરંભમાં જ પામરતા બતાવે છે અને પેલી સામાન્ય તુચ્છ કીડી હસતી-રમતી જીવનધ્યેયે પહોંચવા પ્રયાસ કરે છે, શ્રેષ્ઠત્વની સાધના પથના બે બિન્દુઓ : એક છે, આરંભ બિન્દુ અને બીજું છે, અંતિમ બિન્દુ. પેલો મૃતજીવી શિક્ષક સાધના-પથના આરંભ બિન્દુથી શ્રેષ્ઠત્વની સાધના કરવાનો અધિકારી ક્યારેય પણ ન બની શકે. કદાચ સંજોગવશાત્ આ પથ ઉપર આવી ચડ્યો હોય તો પણ શક્ય એટલી વહેલી ત્વરાથી એણે આ વ્યવસાય છોડી દેવો જોઈએ.
સાધના-પથ પર ડગ માંડતો શિક્ષક હવે પોતાને આંતર-બાહ્ય બન્ને રીતે સજ્જ કરવાના પ્રયાસો ચાલુ કરે છે. હજુ તો કારકિર્દીની શરૂઆત છે. પોતાનો વિષય, એની સાથેના આનુષંગિક વિષયો, વિષયમાં ઊંડાણ, એની ખૂબીઓ, પદ્ધતિ અને છેલ્લે, સંક્રમણ અને વિદ્યાર્થીઓમાં ખોવાઈ જવાનું, વિદ્યાર્થીઓમાં ડૂબી જવાનું, વિદ્યાર્થીઓ સાથે એકરસ થઈ જવાનું, પરંતુ કોઈ પણ ક્ષેત્રમાં સાધનાની વાત આવે એટલે મુશ્કેલીઓ આવે, મર્યાદાઓ આવે, વિરોધ થાય, સાથી મિત્રોની ઇર્ષ્યાનો ભોગ પણ બનવું પડે. કોઈ વા૨ આર્થિક મુશ્કેલી સાધકને ચલિત કરવા પ્રયાસ કરે તો કોઈ વાર અન્ય પ્રલોભનો પણ આસપાસ વીંટળાઈ વળે. પણ સાધકને આ બાહ્ય પરિબળોની કોઈ જ અસર નહિ થાય કારણ કે, એની દૃષ્ટિ એના જીવન ધ્યેય ‘શ્રેષ્ઠત્વ’ પર જ છે. બાહ્ય રીતે સજ્જ થવા પ્રયાસ કરતો શિક્ષક સાધનાના પથ પર શારીરિક ક્ષમતા અને માનસિક ક્ષમતા પૂરેપૂરી પ્રાપ્ત કરી લે છે. હવે એની ભીતરની યાત્રા શરૂ થાય છે. આત્મબલની યાત્રા.
બાહુબલ – શારીરિક ક્ષમતા
શિવ મનોબલ – માનસિક ક્ષમતા
આત્મબલ – આત્મિક ક્ષમતા.
આત્મબલની યાત્રા, ચારિત્ર્યશીલ શિક્ષક જ કરી શકે. એટલે કે ચારિત્ર્યશીલ શિક્ષક જ આત્મબલ પ્રાપ્ત કરી શકે. વર્તમાન સમયમાં સમગ્ર દેશમાં, શિક્ષણ ક્ષેત્રે ફેલાયેલી અરાજકતાના મૂળમાં ચારિત્ર્યનો અભાવ એ મુખ્ય બાબત છે. સ્વામી વિવેકાનંદજીએ એટલા માટે જ, ‘Man Making and Character building education ‘માનવીને માનવ બનાવતું અને ચારિત્ર્યનિર્માણ કરતું શિક્ષણ’ આપવાની વાત કરેલી, એમ થયું હોત તો આજે જે ઘોર નિરાશા જોવા મળે છે એ ન મળત. ચારિત્ર્યબળ સાથે જ જીવનનિષ્ઠા પાંગરે છે. હવે સાધનાપથ પર આગળ ડગ માંડતો શિક્ષક પકવ બને છે, એનામાં સ્થિરતા આવે છે. ચારિત્ર્ય, જીવનનિષ્ઠા, ધૈર્ય અને શ્રદ્ધા સાથે વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમભાવના જાગે છે જે, એ શિક્ષકને ભર્યોભર્યો બનાવે છે. આંતરિક રીતે સદ્ધરતા પ્રાપ્ત કરતો શિક્ષક વિદ્યાર્થીઓને નેતાગીરી પૂરી પાડી શકે એટલો સક્ષમ બની આગળ વધે છે.
ગૌતમીય તંત્રમાં ગુરુનાં લક્ષણો આ પ્રમાણે બતાવ્યાં છે :
सुन्दरः, सुमुरवः, स्वच्छः, सुलभो बहु तत्वविद्। સુંદર હોય – બહારથી નહિ પણ અંદરથી – તેની વાણી મધુર હોય, પોતે સ્વચ્છ હોય, સુલભ હોય, અનેક તત્ત્વોને તે જાણનારો હોય, નહિ કે કૂપમંડુક. આવો શિક્ષક જ શ્રેષ્ઠત્વને પામી શકે.
‘સાહિત્ય પલ્લવ’ ધો. ૮ કે ૯માં ‘નાખુદા’ કાવ્ય આવતું. આખું કાવ્ય રૂપક કાવ્ય છે. શાંત સમુદ્ર, વેગથી વહેતી જાતી નૌકા, મુસાફરો આનંદમાં નિમગ્ન, એકા એક સમુદ્રમાં તોફાન, નાખુદાની સ્થિરતા અડગતા, મુશ્કેલીમાંથી બચી જવું. શિક્ષણક્ષેત્રમાં પણ આજે વાવાઝોડું ઊભું થયું છે, અશિસ્ત અને અરાજકતાનો કોઈ પાર નથી. બધું જ હાલકડોલક છે. જાણે કે હમણાં જ બધું ડૂબી જશે. આંતર બાહ્ય સજ્જ, શ્રેષ્ઠત્વને પામેલ શિક્ષક જ આ અરાજકતામાંથી શિક્ષણને બચાવી શકે.
‘પરંતુ પેલો ત્યાં તુતક ઉપરે સૌમ્ય ગિરિશો, ઊભો છે નાખુદા, અડગ દિલના ગુપ્ત બળથી’
Your Content Goes Here