(ભગિની નિવેદિતાની શિક્ષણપદ્ધતિ)
સ્વામી વિવેકાનંદ પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરી ભારતમાતાને કાજે – નારી શિક્ષણને કાજે – પોતાનું સર્વસ્વ નિવેદિત કરી માર્ગરેટ નોબેલ બ્રહ્મચર્યદીક્ષા પછી ભગિની નિવેદિતા બન્યાં. તેમનું જીવન શિક્ષક ભાઇ-બહેનો માટે અત્યંત પ્રેરણાદાયક છે. આજથી સો વર્ષો પહેલાં વિષમ પરિસ્થિતિમાં તેમણે શિક્ષણ – ક્ષેત્રે જે અભિનવ પ્રયોગો કર્યાં તેની ઝાંખી સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકી તેમના જીવનના પ્રેરક પ્રસંગો દ્વારા પોતાની આગવી શૈલીમાં કરાવે છે. – સં.
‘આપ મારી પુત્રીને શિક્ષણ આપવા અમારે ત્યાં આવશો?’ ભગિની નિવેદિતાનાં જ્ઞાન, વિદ્વત્તા અને ગુરુ પ્રત્યેની સમર્પિતતાથી પ્રભાવિત થયેલા કવિવર રવીન્દ્રનાથ ટાગોરે એમને કહ્યું. ‘તમારે એને શાનું શિક્ષણ આપવું છે?’ તેમણે પૂછ્યું. ‘અંગ્રેજી અને અંગ્રેજી ભાષા મારફત જે શિક્ષણ અપાય તે.’ ટાગોરને એમ કે અંગ્રેજી ભાષામાં નિપુણતા ધરાવતી આ વિદેશી વિદુષી નારીના સંપર્કથી એમની પુત્રી પણ એમના જેવી જ વિદુષી બને. પરંતુ ભગિની નિવેદિતાએ અંગ્રેજી ભાષાના મહાત્મ્યને બદલે માતૃભાષામાં અપાતા શિક્ષણના ગૌરવની વાત કરતાં કહ્યું; ‘બહારથી કોઈ પણ શિક્ષણ ગળાવવાથી શો લાભ? જાતિગત નૈપુણ્ય અને વ્યક્તિગત વિશેષ શક્તિ સ્વરૂપે માણસમાં જે વસ્તુ રહેલી છે, તેને જાગૃત કરવી એને જ હું ખરું શિક્ષણ માનું છું. નિયમબદ્ધ વિદેશી શિક્ષણ વડે તેને દાબી દેવી એ મને ઠીક લાગતું નથી.’ મનુષ્યમાં રહેલી આંતરશક્તિઓને જાગૃત કરવી એ જ શિક્ષણનું હાર્દ છે અને માતૃભાષા દ્વારા એ વધુ સારી રીતે થઈ શકે એ વાત ભગિની નિવેદિતાએ ટાગોરને સ્પષ્ટપણે સમજાવી દીધી. તેથી તો ટાગોર એમના વ્યક્તિત્વથી વધુ પ્રભાવિત થયા અને તેમણે ભગિની નિવેદિતાને ખુબ આગ્રહ કર્યો કે તેઓ જે રીતે ઈચ્છે તે રીતે ભલે માતૃભાષા દ્વારા તેમને જે શીખવવું હોય તે, તેમની પુત્રીને શીખવે.
આ તો બંગાળના સુવિખ્યાત ટાગોર કુટુંબનું આમંત્રણ હતું. ભગિની નિવેદિતા માટે તો એ ખૂબ જ ગૌરવની વાત હતી. બંગાળના ઉચ્ચ અને ભદ્ર ગૃહસ્થ સમાજમાં તેમના વ્યક્તિત્વના સન્માનભર્યા સ્વીકારની વાત હતી. ટાગોર કુટુંબમાં પ્રવેશ મળતાં તેમની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક વગેરે ઘણી મુશ્કેલીઓનો અંત આવી જાય તેમ હતું. તેથી ટાગોરની વાત સાંભળી એક ક્ષણ થંભી ગયું ને પછી બોલ્યાં ‘ના, એ મારું કામ નહીં,’ કેમ કે એમને તો સામાન્ય બંગાળી સમાજની અસંખ્ય બાલિકાઓના હૃદયમાં શિક્ષણ જગાડવું હતું. આ વિષે ટાગોરે લખ્યું છે; ‘તેમણે તો બાગબજારની અમુક ગલીને આત્મનિવેદન કર્યું હતું, ત્યાં તેઓ શિક્ષણ આપવાનાં નહોતાં પણ શિક્ષણ જગાડવાનાં હતાં.’ અને સાચે જ બાગબજારની ૧૭ નંબરની ગલીમાં આવેલી કન્યાશાળાની બાલિકાઓના હૃદયમાં તેમણે શિક્ષણ જગાડ્યું. પણ એ માટે તેમણે કંઈ ઓછો સંઘર્ષ વેઠ્યો નહોતો.
ભગિની નિવેદિતા ભારત આવ્યાં પહેલાં જ્યારે તેઓ ઇંગ્લેન્ડમાં કુમારી માર્ગરેટ નોબલ હતાં, ત્યારે પણ તેઓ એક પ્રગતિશીલ શિક્ષિકા તરીકે પ્રસિદ્ધિ પામી ચૂક્યાં હતાં. શિક્ષણનું કાર્ય તેમના આત્માની પસંદગીનું કાર્ય હતું. તેમાં નિરંતર અધ્યયન, અધ્યાપન થતું રહે તેથી અવિરત પ્રગતિ થઈ શકે ને સાથે સાથે અસંખ્ય વિદ્યાર્થીઓના જીવનઘડતરનું કાર્ય પણ થઈ શકે, આથી અભ્યાસ પછી તેમણે શિક્ષણક્ષેત્રને જ પસંદ કર્યું હતું. ઉત્તમ શિક્ષણ કેવી રીતે આપી શકાય એ માટે તેઓ પ્રારંભકાળથી જ શિક્ષણક્ષેત્રમાં અવનવા પ્રયોગો કરી રહ્યાં હતાં. નૂતન કેળવણી અંગે તે સમયે સ્વિસ અધ્યાપક પૅસ્ટાલૉજીએ કેટલાક સફળ પ્રયોગો કર્યા હતા. તેમના શિષ્ય ફ્રૉયબૂલે આ પદ્ધતિનો સારી રીતે વિકાસ કર્યો હતો. ભગિની નિવેદિતાને આ નૂતન કેળવણીમાં રસ પડતાં તેમણે પણ એ દિશામાં પ્રયોગો કર્યા. એમના નૂતન કેળવણીના વિચારોથી પ્રભાવિત થયેલા મિસિસ ડી. લાઉડે તેમને લંડનમાં આવીને આ પદ્ધતિ મુજબ શાળા ચલાવવા આમંત્રણ આપ્યું. એ મુજબ તેમણે રસ્કિન સ્કૂલની સ્થાપના કરી. એમની આ નૂતન પદ્ધતિ બાળકેન્દ્રી હતી. એમાં શિક્ષકે પાઠ ભણાવવાના નહોતા રહેતા, પણ વિદ્યાર્થીઓ માટે વાતાવરણ ઊભું કરવાનું હતું. આ વાતાવરણમાં વિદ્યાર્થીઓ જાતે અધ્યયન કરે અને શિક્ષકોની મદદ લે. આ કેળવણીમાં વિદ્યાર્થીઓની શક્તિઓનો પૂરો વિકાસ થાય છે તેમ તેઓ માનતાં હતાં. આ નૂતન પદ્ધતિમાં શિક્ષકની ફરજ અંગે જણાવતાં તેમણે કહ્યું હતું, ‘શિક્ષક માટે પહેલી જરૂરી વસ્તુ એ છે કે તેણે શિષ્યની ચેતનામાં પ્રવેશ કરવો અને તે ક્યાં છે, કઈ દિશા તરફ પ્રગતિ કરે છે, તે જાણવું. આ જાણ્યા પહેલાં કોઈ પણ પાઠ શીખવી શકાય નહીં.’ બાળકની ચેતનાની સ્થિતિ જાણ્યા વગર શિક્ષકો પાઠ ભણાવી દે અને બાળકો તે યાદ રાખી લે – તેવી કેળવણીમાં ભગિની નિવેદિતાને બિલકુલ શ્રદ્ધા નહોતી. સ્વામી વિવેકાનંદને મળ્યા પહેલાં જ કેળવણી વિષે એમના આવા વિચારો હતા. આ ક્ષેત્રમાં એમણે ઊંડું ચિંતન, મનન અને કાર્ય પણ કર્યું હતું. ભલે એમના કેળવણીના વિચારો પશ્ચિમની સંસ્કૃતિમાં ઉદય પામ્યા હતા, પણ સત્યદર્શનને કંઈ પૂર્વ કે પશ્ચિમના ભેદ હોતા નથી. બાળકમાં રહેલી સુષુપ્ત આંતરશક્તિઓને પ્રગટ કરવી – એનો સર્વાંગી વિકાસ કરવો અને મનુષ્યને સાચો મનુષ્ય બનાવવો એ આપણા પ્રાચીન ભારતીય શિક્ષણનો આદર્શ ભગિની નિવેદિતાના વિચારોમાંથી પ્રગટ થઈ રહ્યો છે. સ્વામી વિવેકાનંદના- એમના ગુરુદેવના સાન્નિધ્યમાં આ આદર્શને ભારતની જ ભૂમિ ૫૨ બાલિકાઓનાં જીવનમાં ચરિતાર્થ કરવાની એમને તક મળી.
લંડનમાં સ્વામીજીનો પરિચય થયા પછી અને એમનો ગુરુ તરીકે સ્વીકાર કર્યા પછી એક વાર્તાલાપમાં સ્વામીજીએ તેમને કહ્યું; ‘મારા દેશની સ્ત્રીઓ માટે મારી પાસે યોજના છે. અને મને લાગે છે કે તેમાં તમે મને ઘણાં મદદરૂપ થઈ શકો તેમ છો.’ પણ તે વખતે તો ભગિની નિવેદિતાને ખબર નહોતી કે આ યોજના શી છે. પણ પછી એક પત્રમાં સ્વામીજીએ આ વિષે સ્પષ્ટતા કરતાં લખ્યું; ‘હું તમને સ્પષ્ટપણે કહી દઉં કે ભારતના કાર્યમાં તમારું ભાવિ મહાન છે, એની હવે મને ખાતરી થઈ ગઈ છે. ભારતવાસીઓ માટે ખાસ કરીને ભારતની સ્ત્રીઓ માટે કાર્ય કરવા માટે જે જરૂર હતી તે પુરુષની નહીં પણ સ્ત્રીની. સાચી સિંહણની. ભારત હજુ મહાન સ્ત્રીઓને ઉત્પન્ન નહીં કરી શકે. તેણે બીજી પ્રજાઓમાંથી સ્ત્રી કાર્યકરોને ઉછીની લેવી પડશે. તમારી કેળવણી, અંતરની સચ્ચાઈ, પવિત્રતા, અથાગ પ્રેમ, નિશ્ચય અને સહુથી વિશેષ તો તમારું સેલ્ટ જાતિનું ખમીર જે જાતનાં સ્ત્રી કાર્યકર્તાઓની જરૂર છે, તેવાં જ તમને બનાવે છે.’
ભારતમાં સ્ત્રીઓનો ઉદ્ધાર સમર્થ સ્ત્રી જ કરી શકશે તેવું જણાતાં સ્વામીજીએ ભગિની નિવેદિતાને ભારત આવવા આમંત્રણ આપ્યું. પણ એ પહેલાં તેમણે ભારતની આબોહવા, રૂઢિચુસ્તતા, વાતાવરણ બધા અંગે પૂરી ચેતવણી પણ આપી હતી. ભગિની નિવેદિતા ભારત આવીને કન્યાવિદ્યાલયની સ્થાપના કરવા ઉત્સુક હતાં. પણ સ્વામીજી આ કાર્યમાં તેમને બિલકુલ ઉતાવળ કરવા દેવા ઈચ્છતા નહોતા. તેમણે ભારતના વાતાવરણમાં ઓતપ્રોત બનવા માટે ભગિની નિવેદિતાને પુરતો સમય આપ્યો. દેશના પરિભ્રમણ, અવલોકન અને વસવાટ દ્વારા જ્યારે તેઓ હિંદુ સંસ્કૃતિથી પૂરેપૂરા રંગાઈ ગયાં ત્યારે જ તેમણે ભગિની નિવેદિતાના નિવાસસ્થાનની બાજુમાં જ કન્યાશાળાના પ્રારંભ અંગે સંમતિ આપી.
૧૪મી નવેમ્બર ૧૮૯૮ સોમવા૨ કાલીપૂજાના દિવસે શ્રીમા શારદાદેવીના વરદ હસ્તે શાળાનું ઉદ્ઘાટન થયું. શ્રીમાએ પૂજા કરીને પછી આશીર્વાદ આપ્યા : ‘આ શાળા ૫૨ મા કાલીના આશીર્વાદ ઊતરો અને અહીં બાળાઓ આદર્શ બાળા તરીકેની તાલીમ પામો.’ શ્રીમાના આશીર્વાદથી શરૂ થયેલી આ શાળા આજે શ્રીરામકૃષ્ણ શારદા મિશન ભગિની નિવેદિતા વિદ્યાલય તરીકે કલકત્તા શહેરની સુવિખ્યાત કન્યાવિદ્યાલય તરીકે પ્રસિદ્ધિ પામી છે.
ભગિની નિવેદિતાની આ શાળામાં તે સમયે લેખન, વાચન, ઉપરાંત હસ્તઉદ્યોગો, કલા, ચિત્રકામ, માટીકામ, સીવણ વગેરેનું શિક્ષણ પણ આપવામાં આવતું હતું. બાલિકાઓને શાળામાં લાવવા લઈ જવા માટે એક ભાઈની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તે સમયે બંગાળમાં કન્યાકેળવણીની અન્ય સંસ્થાઓ દ્વારા જે શિક્ષણ અપાતું હતું, તેમાં બંગાળની ફક્ત સાડા છ ટકા બહેનો જ જોડાયેલી હતી. આથી ભગિની નિવેદિતા એવું ઇચ્છતાં હતાં કે કન્યા કેળવણી દ્વારા બધી જ કન્યાઓને શિક્ષણ અપાવું જોઈએ, પરંતુ આ શિક્ષણ બહારથી લદાયેલું ન હોવું જોઈએ. સરકાર તરફથી ઠોકી બેસાડાયેલું વિદેશી શિક્ષણ પણ ન હોવું જોઈએ, પણ પ્રજાની ચેતનાને અનુરૂપ હોવું જોઈએ અને તેની જરૂરિયાત પણ પ્રજાની ભીતરમાંથી જ ઊઠવી જોઈએ. એમણે કેળવણી અંગે જે દર્શન રજૂ કર્યું છે, તે ફક્ત કન્યાઓ પૂરતું કે અમુક દેશ કે સ્થળ પૂરતું જ મર્યાદિત નથી. એ દર્શન કોઈ પણ સ્થળ કે સમયની કેળવણીને એટલું જ લાગુ પડે છે, જેટલું તેમના સમયમાં લાગું પડતું હતું. એમના શિક્ષણ અંગેના દર્શનને આપણે આઠ મુદ્દાઓમાં આ રીતે વહેંચી શકીએ :
(૧) શિક્ષણ ભીતરમાંથી જ ઊગવું જોઈએ;
જેમ ચેતનાનો વિકાસ ભીતરમાંથી જ થાય છે, તેમ શિક્ષણ પણ ચૈતન્યને જાગૃત કરનાર હોઈને તે પણ હંમેશાં અંદરથી જ આવવું જોઈએ. એનો વિકાસ સ્વયંભૂ થવો જોઈએ. એમાં ફક્ત શીખનારની ઇચ્છા અને આંતરિક મથામણ હોવાં જોઈએ. શિક્ષણ ભીતરમાંથી ઊગવું જોઈએ અને પાંગરવું જોઈએ. બહારથી કંઈ શીખવી શકાતું નથી. તેઓ કહે છે; ‘કેળવણીનું કાર્ય શિષ્ય દ્વારા થવું જોઈએ. શિષ્યનું કોઈ સ્વયં સ્ફૂરિત કાર્ય એનો સંકેત આપે છે, અને ડાહ્યો શિક્ષક એનો લાભ લે છે. જો શિષ્ય તરફથી શરૂઆત ન થાય તો તેને ભણાવવાનું એ લાકડાં અને ઇંટને ભણાવવા જેવું થશે.’
(૨) શિક્ષણ દરેક દેશની જીવનપદ્ધતિને અનુરૂપ હોવું જોઈએ :
પ્રત્યેક દેશને પોતાની આગવી ધાર્મિક, સામાજિક અને આર્થિક પ્રણાલીઓ હોય છે. બહારથી લદાયેલા શિક્ષણ દ્વારા આ પ્રણાલીઓમાં ઘાલમેલ કરવી જોઈએ નહીં. એથી શિક્ષણ સુધરતું નથી પણ બગડે છે. દરેક દેશને પોતાની શિક્ષણ પદ્ધતિ નક્કી કરવાનો અધિકાર છે, અને એ એનું ગૌરવ પણ છે. આથી જ ભગિની નિવેદિતાએ ક્યારેય પણ ભારતની એક પણ તત્કાલીન સંસ્થાઓ કે પ્રણાલિકાઓની ટીકા કરી નથી.
(૩) શાળા અને ઘર વચ્ચે સંવાદિતા હોવી જોઈએ.
બાળક શાળામાં જે આદર્શો શીખે છે, તેને અનુરૂપ ઘરમાં પણ વાતાવરણ હોવું જોઈએ. શાળામાં તો બાળક ઓછો સમય રહે છે. જ્યારે ઘરમાં તે વધારે સમય ગાળે છે. તેથી ઘર વધારે મહત્ત્વનું છે, એમ તેઓ માનતાં હતાં. ભારતીય નારીની કેળવણી તેને વધુ સારી ભારતીય નારી બનાવે તેવી હોવી જોઈએ. આથી જ ભારતીય આદર્શ, તેની પ્રાપ્તિ, તેની સમજ તેના જીવનમાં આ બધું ચરિતાર્થ કરવા માટેનું જ્ઞાન આપે તેવી કેળવણી હોવી જોઈએ, નહીં કે આ બધાંને તુચ્છ સમજીને તેને સામાજિક કે નૈતિક અવ્યવસ્થામાં ધકેલી દે. કૌટુંબિક પરંપરા, ધર્મ, કરકસર, સન્માન, રાષ્ટ્રીય વિભૂતિઓ પ્રત્યે આદર, મહાકવિઓની પુરાણકથાઓનું ભાથું – ભારતને ઘડનારી આ બાબતોનું જ્ઞાન કન્યાઓને મળવું જોઈએ. તેનું મૂળ સ્રોત ઘર છે. તે પછી શાળા છે.
(૪) શિક્ષણ માતૃભાષા દ્વારા થવું જોઈએ. વળી તે હેતુલક્ષી પણ હોવું જોઈએ.
માતૃભાષા બાળકને સહજ હોય છે તે દ્વારા અપાતા શિક્ષણથી તેની ચેતનામાં સઘળું ઝડપથી ગ્રહણ થાય છે. આથી શિક્ષણ તો માતૃભાષા દ્વારા જ અપાવું જોઈએ તેમ તેઓ દૃઢતાપૂર્વક માનતાં હતાં. પણ સાથે સાથે અંગ્રેજી ભાષા અને તેનું સાહિત્ય પણ શીખવવાં જોઈએ, તેમ પણ તેમણે જણાવ્યું હતું. તેમણે બાળકોને નીચેના વિષયો શીખવવા જોઈએ, એ બાબત પર ભાર મૂક્યો હતો :
(૧) માતૃભાષા અને તેનું સાહિત્ય
(૨) અંગ્રેજી ભાષા અને તેનું સાહિત્ય
(૩) ગણિત
(૪) વિજ્ઞાન
(૫) હસ્તકળા તાલીમ
પ્રાચીન ઉદ્યોગો અને કળાઓને પુનર્જીવિત કરવા પણ તેઓ ઈચ્છતાં હતાં. હસ્તકળાઓ અને ગૃહઉદ્યોગો દ્વારા ભણતા વિદ્યાર્થીઓ ઘરે કામ કરીને પોતાનો ખર્ચ કાઢી શકે એ માટે હસ્તકળા તાલીમ અત્યંત જરૂરી છે એમ તેમને જણાયું હતું. તેમની શાળામાં હસ્તકળા શીખવવામાં આવતી હતી. ગાંધીજીએ પાછળથી શિક્ષામાં જે નવી તાલીમ ને બુનિયાદી શિક્ષણનો પ્રયોગ કર્યો તે પ્રયોગ આજની એક સૈકા પહેલાં ભગિની નિવેદિતાએ પોતાના બાલિકા વિદ્યાલયમાં અમલમાં મૂક્યો હતો.
(૫) બાળકનો સર્વાંગી વિકાસ થાય તેવું શિક્ષણ હોવું જોઈએ.
શિક્ષણ દ્વારા બાળકના મનનો જ નહીં, પણ તેમની અંદર રહેલી શક્તિઓનો, તેની લાગણીઓ, ઊર્મિઓ, સંવેદનો – તેની કાર્યશક્તિનો – શરીરનો – આ સર્વનો વિકાસ થવી જોઈએ. તેમની આ શિક્ષણ પદ્ધતિનો પાયો જર્મનીની કિંડરગાર્ટન પદ્ધતિ પર રચાયેલો હતો, જેમાં બાળક કેન્દ્રમાં રહે છે. પરંતુ તેઓ એ બાબતમાં સ્પષ્ટ હતાં કે યુરોપમાં કિંડરગાર્ટન અને ભારતમાં કિંડરગાર્ટન એ બે જુદી જ વસ્તુઓ છે. એમણે જેમાં ભારતીય જીવન પાંગરી શકે તેવી રીતે કિંડરગાર્ટન શિક્ષણને ભારતીય ઢાંચામાં ઢાળ્યું. આ વિષે એક પત્રમાં તેમણે જણાવ્યું હતું; ‘જર્મનીમાં જે રીતે કિંડરગાર્ટનનો ઉપયોગ થયો એ જ સ્વરૂપે ભારત તેને ગળે ઉતારી શકે નહીં પણ જેનો હેતુ સમાન હોય એવી એક પદ્ધતિ ભારત વિકસાવી શકે, જેમ કે માટીના નમૂના બનાવવા, કાગળ કોતરકામ, રંગોળી, ચિત્રકામ વગેરે ગૃહકળાઓ વિદ્યાલયમાં શીખવી શકાય.’
ભગિની નિવેદિતા હિંદુઓના ધાર્મિક શિક્ષણને ફક્ત ધર્મનું જ નહીં પણ ઘર સંસાર અને સામાજિક ઘડતરનું સંપૂર્ણ શિક્ષણ ગણાવે છે. તેઓ કહે છે; ‘ઈશ્વરી શક્તિની અનુભૂતિને બૌદ્ધિક રીતે રજૂ કરવા મૂર્તિ એ એક પાયો છે. બાળાઓના વ્રતો, ગૌપૂજા ને એવી સંખ્યાબંધ બાબતોમાં હિંદુત્વની વિચારસરણીનો સંપૂર્ણ નિખાર છે. સાચો રસ્તો ત્યારથી જ આરંભ કરવાનો છે. અને શક્ય હોય તો ત્યાંથી આગળ વધવાનો છે. શિક્ષણનો આરંભ આ રીતે મૂર્તથી હોય અને તાલીમબદ્ધ ધ્યાન અને મનને એકાગ્ર કરવાની શક્તિમાં તેનો છેડો હોય, જેને ભારત સમજી શકે, યુરોપ નહીં.’ આમ ભૌતિક અને અભૌતિક દ્વારા પરા અને અપરા વિદ્યાઓનું શિક્ષણ આપતું ભારતીય શિક્ષણ સાચું શિક્ષણ છે એમ તેઓ જણાવે છે.
(૬) શિક્ષણ રાષ્ટ્રીય ચેતનાને જગાડનાર હોવું જોઈએ
શિક્ષણ રાષ્ટ્રપ્રેમને જગાડનાર જ નહીં પણ તેમાં વૃદ્ધિ કરનાર હોવું જોઈએ, એમ તેઓ દૃઢપણે માનતાં. આ માટે તેઓ ઇતિહાસના શિક્ષણ પર ભાર મૂકતાં હતાં. દેશની ઐતિહાસિક વ્યક્તિઓનાં જીવનનાં દૃષ્ટાંતો દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિનું સિંચન કરી શકાય છે. પોતાના વિદ્યાલયમાં તેમણે બાલિકાઓના અંતરમાં રાષ્ટ્રપ્રેમ જાગે એ માટે અથાક પ્રયત્નો કર્યા હતા.
(૭) પ્રવાસ અને પર્યટનો દ્વારા શિક્ષણ જીવંત બનવું જોઈએ.
ભગિની નિવેદિતા વર્ગની ચાર દીવાલો વચ્ચે અપાતાં શિક્ષણ જેટલું જ મહત્ત્વ પ્રવાસ અને પર્યટનો દ્વારા અપાતાં શિક્ષણને આપતાં હતાં. પ્રવાસોનાં શૈક્ષણિક મૂલ્યોને તેઓ જાણતાં હતાં. પ્રવાસો દ્વારા ઇતિહાસ અને ભૂગોળનું જ્ઞાન, તેમજ દેશ અને સમાજનું જ્ઞાન વિશેષ દૃઢ થાય છે એટલું જ નહિ પણ તે દ્વારા વિદ્યાર્થીઓના જીવન ખડતલ બને છે, તેમનામાં પરસ્પર પ્રેમ, હિમ્મત, સહનશીલતા, ઉદારતા, મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ – આ બધા ગુણોનો પણ વિકાસ થાય છે. પ્રકૃતિના મુક્ત વાતાવરણમાં વિદ્યાર્થીઓનું જે જીવન ઘડતર થાય છે, તે વર્ગના બંધિયાર વાતાવરણમાં થઈ શકતું નથી. આથી તેઓ પ્રવાસ પર્યટનોને શિક્ષણમાં ઘણું જ મહત્ત્વનું સ્થાન આપે છે.
(૮) શિક્ષણમાં શિક્ષક અને વિધાર્થી વચ્ચે આંતરિક સંબંધ જરૂરી છે.
જ્યાં સુધી શિક્ષક વિદ્યાર્થીના અંતરને જાણતો નથી ત્યાં સુધી તેણે આપેલું શિક્ષણ વિદ્યાર્થીના અંતરમાં પ્રવેશી શકતું નથી. આથી શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આંતરિક સંબંધ હોવો અત્યંત જરૂરી છે. એક વાર શિક્ષક વિદ્યાર્થીની ચેતનાનો સ્પર્શ કરી લે, પછી કેળવણીનું કાર્ય શરૂ થઈ જાય છે. વિદ્યાર્થીના અંતરમાં પછી એ શિક્ષક જ્ઞાનની ભૂખ જગાડી શકે છે અને આ પછી કેળવણીની કોઈ જ સમસ્યા ઉદ્ભવતી નથી. મનુષ્યમાં પ્રથમથી જ રહેલી પૂર્ણતા પ્રકટીકરણ એ કેળવણી છે. સ્વામી વિવેકાનંદના કેળવણીના આ વિચારોને ભગિની નિવેદિતાએ પોતાના જીવનમાં ઊતાર્યા હતા. તેઓ માનતાં હતાં કે ગુરુ કે શિક્ષક એ ઘેટાંના ટોળાંને દોરનાર કે હાંકનાર નથી પણ એ તો માળી છે. જેમ માળી છોડની માવજત કરે છે તેમ શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની માવજત કરીને એમના માર્ગમાં અવરોધરૂપ બનતી આડખીલીઓને, મુશ્કેલીઓને દૂર કરીને એમના વિકાસને અનુરૂપ વાતાવરણ પૂરું પાડવું જોઈએ. જેમ માળી બળજબરીથી વૃક્ષને ખેંચીને તેનો વિકાસ કરી શકતો નથી. તે જ રીતે શિક્ષક પણ બળજબરીથી બાળકને ભણાવી શકતો નથી. શિક્ષકે તો વિદ્યાર્થીઓની અંદર રહેલી અનંત શક્તિઓને પ્રગટ કરવાના કાર્યમાં તેના જ્ઞાનના અવરોધો અને સંજોગોની વિષમતાઓને દૂર કરીને તેને સહાયક બનવાનું છે. જ્યારે શિક્ષકો વિદ્યાર્થીઓના આત્માઓનો સ્પર્શ કરી તેમને મહાન ચૈતન્યના સંપર્કમાં મૂકી આપશે ત્યારે જ શિક્ષણ સાચા અર્થમાં ઊગી નીકળશે. આ માટે શિક્ષકોનું પોતાનું જીવન પણ મહાન પાઠરૂપ હોવું જોઈએ. શિક્ષક પોતે જ એ મહાન ચૈતન્યના સ્પર્શથી આલોકિત હોવો જોઈએ અને તો જ તે શિષ્યોની ચેતનામાં પ્રવેશી શકે.
ભગિની નિવેદિતાનું આ શિક્ષણદર્શન અને તેમનું જીવન પણ ભારતના ઋષિઓનાં જીવન અને દર્શનથી ભિન્ન જણાતું નથી.
ભગિની નિવેદિતાનું પોતાનું જીવન જ તેમની વિદ્યાર્થિનીઓ માટે એક મહાન આદર્શરૂપ હતું. શાળામાં આવતી પ્રત્યેક વિદ્યાર્થિનીઓ સાથે તેમને આત્મીય સંબંધ હતો. શાળાના સમયે તેઓ દરરોજ સવારે વિદ્યાલયના દરવાજા આગળ ઊભાં રહેતાં અને સસ્મિત વદને બાલિકાઓને આવકારતાં. એમના મધુર સ્મિતભર્યાં દર્શનથી જ બાલિકાઓમાં ચૈતન્યનો સંચાર થઈ જતો. શાળાના કાર્યની શરૂઆત પ્રાર્થના અને પછી ‘વંદેમાતરમ્’ના ગીતથી થતી. એ સમયે તેઓ પોતાની શાળામાં ‘વંદેમાતરમ્’ ગવડાવતાં હતાં. પોતાની વિદ્યાર્થિનીઓને તેમણે ‘ભારતને ચાહોં’એ મંત્ર આપ્યો હતો. વિદ્યાર્થિનીઓને તેમણે કહ્યું હતું : ‘આપણા ભારત દેશનું હિત એ જ તમારું સાચું લક્ષ્ય હોવું જોઈએ. વિચારો કે સમગ્ર દેશ તમારો છે અને તમારા દેશને કામની જરૂર છે. જ્ઞાનને માટે પ્રયત્ન કરો, શક્તિ માટે, આનંદ માટે, સમૃદ્ધિ માટે પ્રયત્ન કરો. આ બધું જીવનમાં તમારું લક્ષ્ય બનો અને જ્યારે યુદ્ધનો પોકાર ઊઠે તો કોઈ પણ પરિસ્થિતિમાં નિદ્રાધીન ન રહો.’ તેઓ પોતે પણ અતિ ઉત્કટપણે ભારતને ચાહતાં હતાં. પોતાનો ભારતપ્રેમ તેઓ વિદ્યાર્થિનીઓમાં સંક્રમિત પણ કરતાં હતાં. એ માટે તેઓ પોતે ઇતિહાસ શીખવતાં. રાષ્ટ્રને માટે કુરબાન થયેલા દેશભક્તોની વાત કહેતાં કહેતાં તેઓ એવાં તો તન્મય બની જતાં કે પોતે વર્ગખંડમાં છે, એ પણ ભૂલી જતાં. એક દિવસ વર્ગમાં ચિતોડની વાત કરતાં કરતાં તેમણે કહ્યું; ‘હું ટેકરી પર ગઈ ને ઘૂંટણ ટેકવીને બેઠી. મેં આંખો બંધ કરીને પદ્મિનીનો વિચાર કરવા માંડ્યો. તો મેં દેવી પદ્મિનીને ચિતા પાસે ઊભેલી જોઈ. (ચિતા પર ચઢતી વખતે જીવનની અંતિમ ક્ષણે તેમના મનમાં આવેલા વિચારો વિષે મેં ચિંતવન કર્યું)’ આમ પોતાના અનુભવો દ્વારા, ઇતિહાસના પાત્રોની સાથે તાદાત્મ્ય દ્વારા, તેઓ ઇતિહાસના પાત્રોનાં બલિદાનોને એવા જીવંત બનાવી દેતાં કે વિદ્યાર્થિનીઓના અંતરમાં એ પાત્રો સ્થાયી બનીને તેમને દેશભક્તિની પ્રેરણાનું સિંચન કરવા લાગતાં. રજપૂત સ્ત્રીઓની વાત કરતાં કરતાં તેમણે કહ્યું; ‘ભારતવર્ષની પુત્રીઓ, તમારે ક્ષત્રિય નારી થવું જોઈએ. એ માટેના તમે શપથ લો.’ પોતાની વિદ્યાર્થિનીઓ દેશનેતાઓનાં ભાષણો સાંભળી શકે તે માટે તેઓ તેમને બ્રાહ્મસમાજની સ્કૂલમાં લઈ જતાં કે જ્યાં બાજુના બગીચામાં થતાં ભાષણો તેઓ સાંભળી શકે. જ્યારે કલકત્તામાં સ્વદેશી વસ્તુઓનું પ્રદર્શન ભરવામાં આવ્યું ત્યારે તેમની બાલિકાઓએ બનાવેલી વસ્તુઓ તેમણે પ્રદર્શનમાં મૂકી હતી. પરદેશી માલનો બહિષ્કાર કરવા માટે તેઓ પોતે આગળ આવ્યાં હતાં. આમ રાષ્ટ્રીય ચેતનાને જાગૃત કરવા માટે એમણે શિક્ષણના માધ્યમનો પૂરો ઉપયોગ કર્યો હતો, હિંદુ રાષ્ટ્રની તેમની વિભાવના ઘણી જ વ્યાપક હતી. એ સંદર્ભમાં તેમણે કહ્યું હતું; ‘હિંદુ કહેવડાવવું’ એ ધાર્મિક વિચાર મનાય છે. પરંતુ એ કોઈ સંપ્રદાય નથી કે કોઈ સામાજિક વિચાર પણ નથી કે કોઈ જાતિ કે જૂથની સંપત્તિ નથી. એ તો છે ઐતિહાસિક ઉત્ક્રાન્તિ કે જેમાં બધાં એક જ છે. આ એવી વસ્તુ છે કે જે બધામાં છે અને તે માત્ર ભારત કહેવાય છે. આમ તેમણે ભારતને સતત વિકસતી રહેલી ચેતના તરીકે સ્વીકાર્યો હતો કે જેમાં સમગ્ર માનવજાતિ એક છે. ભારતનો એ ખરો આત્મા પુનઃ જાગૃત થાય એ માટે તેઓ શિક્ષણ દ્વારા પ્રયત્ન કરી રહ્યાં હતાં. તેમણે એમ પણ કહ્યું હતું કે ‘આપણે સાચા અર્થમાં હિંદુ બનીએ. સહુથી પહેલાં તો આવડા મહાન શબ્દને અનુરૂપ થવા લાયક બનીએ. આપણા દેશનું નામ અને આપણી શ્રદ્ધા જ આપણને આ પુરુષાર્થ કરવાનું ગૌરવ અપાવે તેમ છે.’ એમની ઓજસ્વી વાણીમાં વહેતી ભારતભક્તિએ અસંખ્ય યુવાન-યુવતીઓના અંતરમાં માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ જાગૃત કર્યો ને ભારતમાતાની મુક્તિ માટે ફના થવાની પ્રેરણા આપી. ઇતિહાસકાર યદુનાથ સરકાર આ વિષે લખે છે; ‘એક વાત હું સંપૂર્ણ વિશ્વાસની સાથે કહી શકું છું અને તે એ છે કે વર્તમાન સમયમાં આપણે જીવનમાં રાષ્ટ્રીય ભાવનાના જે અંકુર ફૂટતા જોઈ રહ્યા છીએ તેનો મોટા પ્રમાણમાં યશ ભગિની નિવેદિતાને ફાળે જાય છે.’
શાળામાં આવતી પ્રત્યેક વિદ્યાર્થિનીઓના વિકાસમાં તેઓ કેટલો ઊંડો રસ લેતાં હતાં તે, તેમણે બનાવેલા પત્રક પરથી જાણી શકાય છે. એ પત્રકમાંના આ રહ્યાં બે ઉદાહરણો; ‘નામ છે વિદ્યુતબાલા બોઝ : ૬૦માંથી ૪૫ દિવસ હાજર. મેં ભાગ્યે જ જોઈ હોય તેવી વ્યક્તિ. તેમાં ઉત્સાહ અને નિશ્ચયબળ અદ્ભુત છે, તેનો શોખ ઊંચી કક્ષાનો છે, પહેલાં તે માથાના દુઃખાવા જેવી ને ઉદ્દંડ હતી. પણ તેની સાથે શાંતિથી વાત થઈ ત્યારથી તેની સાથે કામ લેવામાં એક સ્મિત પૂરતું છે. પછી તો તેની પાસેથી અનેક ઉત્તમ અને મધુર વસ્તુઓ મળી રહી છે. તેનામાં એક આગ છે, અને તેનામાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળે તેવી ઇચ્છાશક્તિ છે. અલબત્ત લગ્ન પછી શાંત થઈ જશે. તેનું સીવણકામ સારું છે.’
બીજી એક વિદ્યાર્થિની વિષે નોંધ છે; ‘ધ એન એમ : સુંદર, મધુર, શાંત, ૬૦માંથી ૩૯ દિવસ હાજર. હું જાણું છું તે તમામ બહેનોમાં સૌથી મધુર, હોશિયાર અને ઉત્તમ. ખૂબ એકાંતપ્રિય, સાલસ ને કામમાં ડૂબી રહેનાર.’
આમ પ્રત્યેક વિદ્યાર્થિનીની આંતરિક શક્તિઓ, શોખ, સ્વભાવ, વિશિષ્ટતાઓ – બધાંની તેઓ નોંધ રાખતાં. આટલી સૂક્ષ્મ અને ઊંડી નોંધ તો તેમની માતાઓએ પણ નહીં રાખી હોય. ફક્ત નોંધ રાખીને અટકી જતાં નહીં પણ તેમને ખબર પણ ન પડે તે રીતે પ્રેમપૂર્વક તેમની ખામીઓને દૂર કરી, તેમની આંતરશક્તિઓને જાગૃત કરી દેતાં. વિદ્યાર્થિનીઓ સાથેનો તેમનો સંબંધ ફક્ત શાળા પૂરતો જ મર્યાદિત નહોતો પરંતુ શાળાના સમય બાદ પણ તેઓ તેમની મુશ્કેલીઓ અને સમસ્યાઓને દૂર કરવા તેમના ઘરે પણ જતાં. ગિરિબાલા નામની એક બાવીસ વરસની વિધવાને તેઓ પોતાની શાળામાં ભણવા માટે લાવ્યાં. તે થોડા દિવસ તો આવી પણ પછી એકાએક શાળામાં આવતી બંધ થઈ ગઈ એટલે તેઓ તેના ઘરે ગયાં. તે તેના કાકાના ઘરે રહીને ભણવા આવતી હતી. તેમણે નિશાળે ન આવવાનું કારણ પૂછતાં તેમના કાકાએ કહ્યું એક તો વિધવા ને પાછી આટલી મોટી ઉંમર ને વળી નિશાળમાં ભણવા આવે તેથી લોકો એની અને સાથે મારી પણ કેટલી વાતો કરે છે? હાંસી ઉડાવે છે? હું એને ભણવા નહીં મોકલું.’ ભગિની નિવેદિતાએ તેના કાકાને ખૂબ સમજાવ્યા ને ગિરિબાલાની લાંબી જિંદગી ને ભવિષ્યની વાત કરી. તો પણ તેઓ મોકલવા તૈયાર થયા નહીં, ત્યારે ભગિની નિવેદિતાએ પોતે ઓઢેલી ગરમ શાલ ગિરિબાલાને ઓઢાડતાં કહ્યું : ‘મારી દીકરી, આ શાલમાં ઢબુરાઈને તે દરરોજ શાળાએ આવજે. કોઈ તને જોઈ નહીં શકે!’ દુઃખી પીડિત વિધવાઓની સ્થિતિ જોઈને તો તેમનું હૃદય ખૂબ દ્રવી જતું. મહામાયા નામની છોકરીને ક્ષય લાગુ પડ્યો. નિવેદિતાએ પોતાની ઓછી આવકમાંથી પણ તેની દવા અને પથ્ય માટે પૈસા આપ્યા. એટલું જ નહીં પણ પછી ખબર પડી કે તે બચી શકશે નહીં ત્યારે પોતાના ખર્ચે જગન્નાથપુરીમાં એક ઓ૨ડો ભાડે રાખી ત્યાં એને રાખી કે જેથી તેના અંતિમ દિવસો શાંતિમાં પસાર કરી શકે. આવી હતી એમની બાલિકાઓ પ્રત્યેની કરુણા! પ્રફુલ્લમુખી તેમની પડોશમાં રહેતી બાળવિધવા હતી. તેને પણ તેમણે શાળામાં આવતી કરી હતી. બંગાળના રીવાજ મુજબ બાળવિધવાએ એકાદશીનો કરવો પડતો ઉપવાસ પ્રફુલ્લમુખીને પણ કરવો પડતો. ભગિની નિવેદિતા દર એકાદશીએ પ્રફુલ્લમુખીને પોતાના ઘરે ફળો ને મિઠાઈ ખવડાવતાં. એક એકાદશીના દિવસે તેઓ ડૉ. જગદીશચંદ્ર બોઝને ત્યાં ગયાં હતાં. ત્યાં તેમણે જમી લીધું. પછી એકાએક એકાદશી યાદ આવતાં, તેઓ ત્યાં રોકાવાનાં હતાં, પણ રોકાયા વગર તાત્કાલિક ઘરે પાછાં આવ્યાં. પ્રફુલ્લમુખીને બોલાવીને ફળો ને મિઠાઈ આપતાં કહ્યું; ‘મારી દીકરી, આજે એકાદશી છે, તે તો હું સાવ ભૂલી જ ગઈ ને મેં જમી લીધું! અરેરે તું ભૂખી હતી ને મેં ખાધું એ કેટલું અવિચારી કહેવાય!’ આમ ક્યાંય સુધી અફસોસ કરતાં રહ્યાં. આ હતું એમનું પ્રેમ દ્વારા વિદ્યાર્થિનીઓના આત્માને સ્પર્શતું શિક્ષણ. પછી એમને સીધો ઉપદેશ આપવાની જરૂર જ રહેતી નહીં. એમનું જીવન જ વિદ્યાર્થિનીઓને માટે મહાન પાઠ રૂપ હતું. તેમણે પોતાના આત્માના ઊંડા પ્રેમથી સર્વ વિદ્યાર્થિનીઓના હૃદયોને એવાં જીતી લીધાં હતાં કે વિદ્યાર્થિનીઓને શાળામાંથી જવું ગમતું નહી. એક રવિવારે ઘરની બહા૨ કલબલાટ થતાં તેમણે નોકરને જોવા મોકલ્યો કે આજે રજાના દિવસે બહાર આટલો અવાજ કેમ થાય છે. નોકરે પાછા આવીને ભાંગ્યાતૂટ્યા શબ્દોમાં – અંગ્રેજીમાં તેમને કહ્યું; ‘છોકરીઓને આજે ય નિશાળે આવવું છે ને તમારી પાસે ભણવું છે. એમને રજા ગમતી નથી.’ આ સાંભળીને તેઓ છલકાઈ ગયાં. એમના શિક્ષણની સફળતાની નક્કર આનાથી બીજી વધારે કઈ હોઈ શકે? તેઓ પોતે પોતાના આરામનો, રજાના દિવસે કરેલાં કાર્યોનાં આયોજનનો, કશાયનો વિચાર કર્યા વગર બાલિકાઓને આવકારવા દરવાજે દોડી ગયાં! અને એ જ તો હતું એમનું શિક્ષણ જગાડવાનું કાર્ય જે અસંખ્ય બાલિકાઓના અંતરમાં જાગીને સિદ્ધિ સ્વરૂપે એમના દ્વાર આગળ ઊભું હતું!
Your Content Goes Here