જસાણી આટર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. મધુભાઈ કોઠારી ‘સમય બાંધો મુઠ્ઠીમાં’, ‘વ્યક્તિત્વ ખીલો ખંતથી’ વગેરે પુસ્તકોના લેખક છે. મોટા ભાગનાં શિક્ષક ભાઈ-બહેનોની ફરિયાદ હોય છે – ‘સ્વવિકાસ’ માટે, સમાજસેવા માટે વિદ્યાર્થીઓના ચારિત્ર્ય-ઘડતર માટે, સમયનો અભાવ છે. દરેકને દરરોજના ૮૬,૪૦૦ સેકંડો (૨૪ કલાક) જ મળી શકે. આ મર્યાદિત સમયનો શ્રેષ્ઠતમ ઉપયોગ – ‘ટાઈમ મૅનૅજમૅન્ટ’ જ એક માત્ર વિકલ્પ છે. – સં.

સમય અસરકારક રીતે કેમ વાપરવો તેનું પણ વિજ્ઞાન છે. દરેક શિક્ષકે આ વિજ્ઞાન જાણી લેવું જોઈએ. શિક્ષકનો મોટા ભાગનો સમય શાળામાં જાય છે. તેથી પ્રશ્ન થાય કે શિક્ષકે સમયનું આયોજન કરવાની જરૂર ખરી? તેનો સમય તો આયોજિત થયેલો જ હોય છે. પણ ખરેખર એવું હોતું નથી. જો ઊંડાણથી વિચારીએ તો શિક્ષકને પણ સમયના આયોજનની જરૂર પડે તેમ છે.

સમયની એકવિધતા

શિક્ષકના જીવનમાં જરા ડોકિયું કરીએ તો જાણવા મળશે કે તેનું જીવન એકધારું બની જતું હોય છે. એક પ્રકારની એકવિધતા (monotony) પ્રવેશી જતી હોય છે. તેને કારણે તેનામાં નીરસતા પણ આવી જતી હોય છે. સવારે ૧૨થી ૫ દરરોજ સ્કૂલે જવાનું છે. એટલે કે સવારે સ્કૂલે જવું અને સાંજે ઘરે પાછું આવવું, એવું યંત્રવત્ જીવન થઈ જાય છે. આમ સમય રેતીની જેમ સરી જાય છે અને શિક્ષક જોતો જ રહી જાય છે.

જો આપણે શિક્ષકોની દુનિયા વિષે વિચારીએ તો તેમાં જણાશે કે કેટલાક શિક્ષકો ખૂબ જ પ્રગતિ કરે છે અને રાષ્ટ્રપતિ ઍવૉર્ડ મેળવે છે. કેટલાક ઉત્તમ લેખક બને છે. અને કેટલાક સુંદર સમાજસેવક બને છે, આમ તેમના જીવનને ઉચ્ચ ભૂમિકા ઉપર લઈ જાય છે જ્યારે મોટાભાગના શિક્ષકો સામાન્ય સ્તરે જ રહી જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો મોટા ભાગના શિક્ષકો સમયની એકવિધતાનો ભોગ બની જાય છે અને જીવનમાં કશું પ્રાપ્ત કરી શકતા નથી.

ટાઈમ-મૅનૅજમૅન્ટ એટલે શું?

ટાઈમ મૅનૅજમૅન્ટ એટલે સમયનું યોગ્ય રીતે આયોજન કરવું તે. તેની વ્યાખ્યા એ રીતે આપવામાં આવે છે કે : ‘Time-management is using the time properly and fully and thus relieving tension.’ એટલે કે સમયનો યોગ્ય ઉપયોગ કરવો અને પૂરેપૂરો ઉપયોગ કરવો. સમય પસાર કરવો તેવો અર્થ નથી. વ્યક્તિને સહાયરૂપ થાય તેવી રીતે, ઉત્પાદક (productive) બની રહે તેવી રીતે સમય વાપરવી. બીજી બાબત છે સમયને વેડફવો નહીં. તેનો જેટલો બને તેટલો વધુ ઉપયોગ કરવો. આ તો જ બની શકે જો સમયનું પહેલેથી આયોજન કરવામાં આવે અને તે જ પ્રમાણે દિવસ પસાર કરવામાં આવે. મોટા ભાગના લોકોને દિવસ દરમ્યાન શું કરવું તેનો ખ્યાલ હોતો નથી. જેમ પાણીમાં ઘાસનું તણખલું આમ તેમ અફળાયા કરે અને આગળ વધે નહીં તે પ્રમાણે, આ લોકો અહીં તહીં રખડ્યા કરે છે અને દિવસ પૂરો કરે છે. કેટલાક લોકો થોડા સમયમાં એટલાં બધાં કામ કરવા મથે છે કે તેઓ માનસિક તનાવ (Mental Tension) અને ચિંતા (Anxiety)નો ભોગ થઈ પડે છે. ટાઈમ-મૅનૅજમૅન્ટના સિદ્ધાંતો અમુક બાબતો જણાવે છે. મહત્ત્વનાં કાર્યો સૌ પ્રથમ કરવા જોઈએ અને તેને માટે પૂરતો સમય આપવો જોઈએ. ક્ષુલ્લક બાબતો માટે સમય બગાડવો જોઈએ નહીં. જે સમયે જે કાર્ય કરો તેના ઉપર ધ્યાન આપો. દિવસ દરમ્યાન કરવાના કામની યાદી બનાવો. કામ પ્રમાણે સમયની ફાળવણી કરો. જો તમને ફાજલ સમય મળે તો તેનો પણ ઉપયોગ, નાનાં કાર્યો પતાવવામાં કરો. દા.ત. ઉપયોગી બાબતોની યાદી બનાવવી, નાના હિસાબ કરવા, ઉપયોગી વાચન કરવું વગેરે. આમ ટાઈમ-મૅનૅજમૅન્ટ એટલે સમયનું સારી રીતે આયોજન કરવું તે.

શિક્ષક કઈ રીતે ટાઈમ-મૅનૅજમૅન્ટ કરી શકે?

શિક્ષક પણ ધારે તો ઉપર જણાવ્યા પ્રમાણે સમયનું આયોજન કરી શકે, અને માનસિક તનાવમાંથી રાહત મેળવી શકે એટલું જ નહીં સમયનો સદુપયોગ કરી શકે, જીવનમાં પ્રગતિ કરી શકે, શિક્ષક માટે સમય બહુ કીંમતી વસ્તુ છે, કારણ કે સ્કૂલમાં તેનો મોટા ભાગનો સમય જાય છે, તેથી તેણે કાળજીથી સમય વાપરવો જોઈએ.

પ્રમાણભાનની જરૂર

જ્યારે તમે સમયનું આયોજન કરો ત્યારે કોઈ એક પ્રવૃત્તિ માટે વધુ સમય ન ફાળવો. પ્રમાણભાન રાખો. તમારો વધુ સમય અધ્યાપન પાછળ અને તેના માટેના વાચન પાછળ ન ચાલ્યો જાય તેની કાળજી રાખો. કેટલાક શિક્ષકો સમગ્ર દિવસ આવી પ્રવૃત્તિમાં જ પસાર કરી નાખે છે. તે જ પ્રમાણે કોઈ એક જ પ્રવૃત્તિનું પ્રમાણ વધી ન જાય તે પણ જુઓ. કેટલાક શિક્ષકો સ્કૂલોથી છૂટીને શહેર કે ગામમાં ફરવા નીકળી પડે છે અને સાંજ પાડી દે છે.

કેટલાક વળી એટલી બધી પ્રવૃત્તિઓ કરે છે કે આરામનો સમય પણ તેમની પાસે રહેતો નથી. સમયની ફાળવણીમાં ૫% આરામ માટે પણ રાખો. તે જ પ્રમાણે સમાજને ઉપયોગી કાર્યો પણ કરો. કોઈને વ્યવહારિક કામમાં મદદ કરો. સાક્ષરતા અભિયાનમાં ભાગ લો. લોકોને વહીવટી કાર્યોમાં મદદ કરો. એટલે કે જુદાં જુદાં ફૉર્મ ભરવાં, અરજીપત્રકો તૈયાર કરી આપવાં; મહેસૂલ કે અન્ય વેરાની ગણતરી કરી આપવી, ટપાલો લખી આપવી – આવી અનેક સમાજ ઉપયોગી પ્રવૃત્તિ થઈ શકે. તમે ભણેલા છો તો તેનો લાભ અન્યને આપો. આટલી પ્રવૃત્તિ તમને આધ્યાત્મિક આનંદ (spiritual joy) આપશે. તેનાથી તમારું માનસિક સ્વાસ્થ્ય જળવાશે અને દવા લેવાની પણ જરૂર પડશે નહીં.

શિક્ષક માટે આમ ટાઈમ-મૅનૅજમૅન્ટ આવશ્યક બની જાય છે. દરેક શિક્ષકે સમયનું ઉપર મુજબ આયોજન કરી લેવું જોઈએ. એક રીતે જોઈએ તો જે સમજે છે તેને માટે સમય એ મર્યાદિત બાબત છે અને તેથી તેનો પૂરેપૂરો અને સારામાં સારો ઉપયોગ કરી લેવો જોઈએ.

– ડૉ. મધુભાઈ કોઠારી

ટાઇમ-મૅનૅજમૅન્ટ માટે મહત્ત્વના મુદ્દાઓ

  • અગત્યનાં કાર્યો માટે પૂરતો સમય આપો.
  • કોઈ પણ કાર્ય ઉતાવળે ન કરો.
  • નાની-નજીવી બાબતો પાછળ સમય વેડફો નહિ.
  • કોઈ પણ કાર્ય હાથ ધરો તેનો નિકાલ કરી નાખો.
  • બીજાને સોંપી શકાય તેવાં સામાન્ય કામો બીજાને સોંપો.
  • એક સમયે એક જ કામ કરો. તેમાં એકાગ્ર બનો.
  • કામ કરતી વખતે કોઈ ખલેલ ન કરે તેમ ગોઠવણ કરો.
  • ગૂંચવણભર્યું કામ હોય તેને સરળ બનાવી.
  • મોટાં કામના ટુકડા કરી નાખો અને એક પછી એક હાથ ધરો.
  • નાનું કામ પણ મુલતવી ન રાખો. અત્યારે જ પૂરું કરો.
  • કામની યાદી બનાવો. અગત્ય અનુસાર ક્રમમાં ગોઠવો.
  • એક કામ પૂરું થયા પછી જ બીજું કામ હાથ પર લો.
  • રાહ જોવાના સમયનોય સદુઉપયોગ કરી લો. તે સમય દરમિયાન આયોજન વિચારી લો.
  • અગત્યની નોંધ ટપકાવી લો. સ્મરણશકિત પર આધાર ન રાખો.
  • કામનું આયોજન દિવસવાર, માસવાર અને વર્ષવાર નક્કી કરો. તેને કાગળમાં ટપકાવી રાખો અને તે પ્રમાણે થાય છે કે નહિ તે તપાસતા રહો.
  • કામ શરૂ કરતી વખતે બધાં સાધનો હાથવગા રાખો.
  • બહાર જાઓ, ત્યારે બધાં જ કામો સાથે (એક પછી એક) પતાવો.
  • ટૅલિફોનથી કે ચિઠ્ઠીથી કામ પતે તેમ હોય તો રૂબરૂ જવાનું ટાળશો.
Total Views: 247

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.