ડૉ.મોતીભાઈ પટેલ બી.એડ.કૉલેજ, મૈત્રી વિદ્યાલય, સુરેન્દ્રનગરના આચાર્ય છે.

ડૉ. રાધાકૃષ્ણન્‌ના જન્મદિનને આપણે શિક્ષકદિન તરીકે ઊજવીએ છીએ. તેઓ શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ થયા હતા તે માટે નહિં પરંતુ તેઓ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે, તે પહેલાં અને તે પછી પણ શિક્ષક મટ્યા ન હતા માટે આપણે શિક્ષકદિનને તેમના જન્મદિન સાથે જોડ્યો છે.

પોતાની ૮૭ વર્ષની ભરપૂર જિંદગીમાં એમણે પૂરાં ૪૦ વર્ષ તો શુદ્ધ અધ્યાપનકાર્ય જ કર્યું છે. દર્શનશાસ્ત્રના પ્રૉફેસર તરીકે વિવિધ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓનો પ્રેમ વિદ્યાવ્યાસંગથી જીતેલો. તેઓએ પ્રૉફેસર, એલચી, ઉપરાષ્ટ્રપતિ, ઉપકુલપતિ, રાષ્ટ્રપતિ, શિક્ષણપંચના અધ્યક્ષ, વિદેશની યુનિ.ઓમાં વિઝિટિંગ પ્રૉફેસર અને યુનેસ્કોની કારોબારી સમિતિના સભ્ય – અધ્યક્ષ જેવા અનેક હોદ્દા ભોગવ્યા છે. વિશ્વના ૧૩ દેશોએ તેમને ડૉક્ટરેટની ડિગ્રીઓ એનાયત કરી છે. ૧૫૦ જેટલાં તેમણે પુસ્તકો લખ્યાં છે. તેમને લાલબહાદુર શાસ્ત્રી, નહેરુ અને ઈન્દિરા ગાંધી – જેવા ત્રણ વડાપ્રધાનો સાથે કામ કરવાનો લ્હાવો મળ્યો છે. ભારતના તેઓ પ્રથમ રાષ્ટ્રપતિ હતા કે, જેમણે પોતાના રાષ્ટ્રપતિ તરીકેના પગારના ૭૫ ટકા પગાર જતો કરેલો. તેઓ માત્ર રૂ. ૨૫૦૦નો જ પગાર લેતા. તેમને ‘સર’નો ખિતાબ, ‘ભારતરત્ન’નો ખિતાબ અને ‘ટૅમ્પલટન’ પારિતોષિક (૮ લાખ રૂપિયાનું) પણ મળેલ છે. આવી બહુમુખી પ્રતિભા ધરાવનાર ડૉ. રાધાકૃષ્ણન્ પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના સેતુ સમાન હતા. શિક્ષક તરીકેની તેમની ખ્યાતિ કૉલેજની દીવાલો ચીરીને વિશ્વકક્ષા સુધી પ્રસરી હતી. તેઓ સાચા અર્થમાં ‘વિશ્વશિક્ષક’ હતા.

આપણે શિક્ષણમાં પડેલા સૌ શિક્ષકદિન ઊજવીએ છીએ. શિક્ષકની પ્રતિભાનું સમાજમાં સ્થાપન થાય તેવા આદર્શો રજૂ કરીએ છીએ. વળી કરુણતા તો એ છે કે, ‘શિક્ષકદિન’ની ઉજવણી શિક્ષકો દ્વારા જ થાય છે. ખરેખર તો રાજ્ય અને સમાજે તેની ઉજવણી કરવી ઘટે. એ જ્યારે થાય ત્યારે. પરંતુ આપણે મહાપ્રતિભાવંત વિશ્વશિક્ષક ડૉ, રાધાકૃષ્ણન્‌ના જીવનની કેટલીક ઘટનાઓ જોઈએ કદાચ… કદાચ… તેમાંથી કોઈ પ્રેરણા – ચિનગારી મળી રહે!!!

રાધાકૃષ્ણન્‌ના પૂર્વજ સર્વપલ્લી ગામમાં રહેતા તેથી તેમની અટક સર્વપલ્લી થઈ. સર્વપલ્લી ગામ છોડીને આજીવિકાની શોધમાં રાધાકૃષ્ણન્‌ના પૂર્વજો મદ્રાસથી ૪૦ માઇલ દૂર આવેલા તિરુતની ગામમાં સ્થિર થયા. રાધાકૃષ્ણન્‌નો જન્મ તિરુતનીમાં ઈ. સ ૧૮૮૮ના પાંચમી સપ્ટેમ્બરે થયેલો. તેમના પિતા વીરસ્વામી ઉય્યા પુરોહિતનું કામ કરતા. શિક્ષકનું કામ પણ કરતા. રાધાકૃષ્ણન્ નાનપણથી જ શાંત અને રાગદ્વેષથી પર હતા. તેમનું બાળપણ તિરુતનીમાં વીત્યું.

રાધાકૃષ્ણન્ પાંચ ભાઈ-બહેનોમાં બીજા નંબરના હતા. સ્થાનિક જમીનદાર પરિવાર સાથે તેમના પિતાને સારો સંબંધ હતો. ૧૮૯૬થી ૧૯૦૦ સુધી તેઓએ તિરુપતિની લ્યૂથર મિશન હાઇસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. ત્યાર પછી ૧૯૦૦થી ૧૯૦૪ દરમ્યાન વેલોરની ઉરહી કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. ૧૯૦૪થી ૧૯૦૮ દરમ્યાન ક્રિશ્ચિયન કૉલેજ, મદ્રાસમાં ભણ્યા. ૧૯૦૭માં ૨૦ વર્ષની ઉંમરે તેઓ દર્શનશાસ્ત્ર વિષય સાથે પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે બી.એ. થયા. ૧૯૦૯માં તેઓ ઍમ.એ. થયા. ત્યારે જ વીસ વર્ષની ઉંમરે તેમણે ‘વેદાન્ત નીતિશાસ્ત્ર’ નિબંધ લખ્યો. રાધાકૃષ્ણન્‌નો અંગ્રેજી ભાષા પરનો કાબૂ જોઈને તેમના અધ્યાપકો ખુશ થતા.

આમ જુઓ તો રાધાકૃષ્ણન્‌નો અભ્યાસ ખ્રિસ્તી કૉલેજોમાં જ થયો. ખ્રિસ્તી કૉલેજોમાં થતી હિન્દુ ધર્મની નિંદા તેમણે માની ન લીધી, ઊલટાની હિંદુ ધર્મ પ્રત્યેની ભક્તિ વધુ દૃઢ બની. ખ્રિસ્તી અધ્યાપકોનો પોતાના ધર્મ પ્રત્યેનો પ્રેમ જોઈને રાધાકૃષ્ણન્‌નો પોતાના ધર્મ પ્રત્યેનો પ્રેમ વધ્યો. અભ્યાસ દરમ્યાન જ દિલથી હિન્દુ ધર્મનું રક્ષણ અને પ્રસાર કરવાનો સંકલ્પ કર્યો. સ્વામી વિવેકાનંદના વિચારોની પણ તેમના પર પ્રબળ અસર હતી.

રાધાકૃષ્ણને બી.એ.માં ફિલૉસૉફી વિષય લીધો એ એક અકસ્માત હતો. તેમના કાકાના દીકરા અગાઉના વર્ષે બી.એ. ફિલૉસૉફી સાથે થયેલા. તેઓ પોતાનાં પુસ્તકો આપતા ગયા અને કહેતા ગયા કે, ‘ફિલૉસૉફી લે – તરી જઈશ.’ સાચા અર્થમાં તેઓ તર્યા અને વિશ્વને તાર્યું.

રાધાકૃષ્ણન્ જે કૉલેજમાંથી બી.એ. થયા તે જ કૉલેજમાં ૧૯૦૮માં ૨૦ વર્ષની ઉંમરે દર્શનશાસ્ત્ર અને લૉજિકના આસિ.પ્રૉફેસર બન્યા. તે દરમ્યાન ઍમ.એ. પણ કરી લીધું. વળી ૧૯૧૦માં એક વર્ષ એલ.ટી. (અધ્યાપનશાસ્ત્રી) ટીચર્સ કૉલેજ સૈદાપેઠમાંથી થયા. (તે જમાનામાં બી.એડ્. સમકક્ષ આ એલ.ટી.ની ડિગ્રી હતી.) એલ.ટી.ની તાલીમ દરમ્યાન એક યાદગાર ઘટના બની. મનોવિજ્ઞાનના અધ્યાપક રાધાકૃષ્ણન્‌ની વર્ગમાંની હાજરી સહી શકતા ન હતા. જેથી તેમને મનોવિજ્ઞાનના વ્યાખ્યાનમાંથી છુટ્ટી મળી. એલ.ટી.ના અધ્યાપકોના આગ્રહથી વિદ્યાર્થીઓ (સહાધ્યાયીઓ) સમક્ષ એમણે મનોવિજ્ઞાનનાં ૧૩ વ્યાખ્યાન આપ્યાં. જેનાથી સૌ ખૂબ જ પ્રભાવિત બન્યા. વિષયનું ઊંડાણ, વાગ્મિતા, શબ્દોની સુંદર પસંદગી અને ઉત્તમ શૈલીનાં તેમનામાં દર્શન થયાં. અધ્યાપકોએ પણ તેમનાં વ્યાખ્યાન વખાણ્યાં.

ભારતની સંસ્કૃતિના સાચા શિક્ષક એવા રાધાકૃષ્ણને પોતાની શિક્ષક તરીકેની નોકરી શરૂ કરી ત્યારે જ ભારતીય પોશાક (ધોતિયું, લાંબો ડગલો અને માથે પાઘડી) પહેરવાની શરૂઆત કરી હતી તે જીવનભર સાચવી રાખી. વિદેશમાં પણ તેઓ આ જ પોશાકમાં ફર્યા છે, વ્યાખ્યાન આપ્યાં છે. રાષ્ટ્રપ્રેમનું એ પ્રતીક છે. ૧૯૦૮થી ૧૯૧૬ સુધી તેઓ મદ્રાસની પ્રૅસિડેન્ટ કૉલેજમાં દર્શન અને તર્કશાસ્ત્રના આસિ. પ્રૉફેસર તરીકે રહ્યા. ૧૯૧૬થી ૧૯૧૮ સુધી તેઓ દર્શનશાસ્ત્રના પ્રૉફેસર તરીકે રહ્યા. ૧૯૧૮થી ૧૯૨૧માં તેઓ મૈસુર યુનિવર્સિટીમાં પૉફેસર બન્યા. ૧૯૨૧થી તે ૧૯૪૧ દરમ્યાન તેઓ વીસ વર્ષ કલકત્તા યુનિવર્સિટીમાં પ્રૉફેસર રહ્યા. આમ તો ૧૯૪૮ સુધી તેમણે વિધિસર પ્રૉફેસર તરીકે કામ કર્યું. ત્યાર પછી તેઓ ઉપકુલપતિ, એલચી, ઉપરાષ્ટ્રપતિ જેવા હોદ્દાઓ પર રહ્યા. પરંતુ શિક્ષક તરીકે તો કામ કરતા જ રહ્યા. તેઓ વિદ્યાર્થીઓમાં અત્યંત પ્રિય હતા. તેમની વિદ્યાપ્રીતિ અને વિદ્યાર્થીપ્રીતિએ જ તેમને મહાન બનાવ્યા.

૧૯૩૧થી ૧૯૩૬ દરમ્યાન આન્ધ્ર યુનિવર્સિટીના, – ૧૯૩૭થી ૧૯૩૯ દરમ્યાન કલકત્તા યુનિવર્સિટીના અને ૧૯૩૯થી ૧૯૪૮ દરમ્યાન બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉપકુલપતિપદે રહ્યા. જીવનનાં ૧૭ વર્ષ તેઓ ઉપકુલપતિપદે રહ્યા, તે પણ દેશની ખ્યાતનામ યુનિવર્સિટીઓમાં. તેઓ ઉપરાષ્ટ્રપતિપદે હતા ત્યારે પણ દિલ્હી યુનિવર્સિટીના ઉપકુલપતિપદે હતા તે તો વધારામાં. ૧૯૪૮-૪૯માં નીમાયેલા ભારતીય વિદ્યાપીઠ પંચના પણ તેઓ અધ્યક્ષ હતા. આમ, ઉપકુલપતિપદ દરમ્યાન તેઓ સાચા અર્થમાં શિક્ષક જ રહ્યા. વિશ્વના અનેક દેશોની યુનિવર્સિટીઓમાં તેઓએ વ્યાખ્યાનો આપ્યાં છે. તેમને ફૅલોશિપ મળી.

શિક્ષણમાં જ વ્યસ્ત એવા રાધાકૃષ્ણન્‌નું મહાન રાજનીતિજ્ઞ તરીકેનું પ્રદાન કંઈ ઓછું નથી. ત્રણ વર્ષ તેઓ રશિયામાં એલચી તરીકે ઉત્તમ કામગીરી કરી આવ્યા. ત્યાર પછી તો ૧૯૫૨થી ૧૯૬૨ દરમ્યાન દશ વર્ષ તેઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ રહ્યા. રાજ્યસભાના પ્રથમ સ્પીકર તેઓ જ બન્યા. ૧૯૬૨થી ૧૯૬૭ દરમ્યાન પાંચ વર્ષ તેઓ ભારતના રાષ્ટ્રપતિપદે રહ્યા. રાષ્ટ્રપતિ તરીકે તેઓ સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા હતા. ૧૯૪૬થી ૧૯૫૧ દરમ્યાન તેઓ યુનેસ્કોની કારોબારી સમિતિના સભ્ય તરીકે અને ૧૯૪૯માં કારોબારીના અધ્યક્ષ તરીકે પણ રહી ચૂક્યા હતા. પ્લૅટોએ કહ્યું છે કે, ‘રાજા ફિલૉસૉફર હોવો જોઈએ અથવા ફિલૉસૉફર રાજા હોવો જોઈએ’… તે વાક્ય રાધાકૃષ્ણને સાચું કરી બતાવ્યું છે. ભારતને આવી બહુમુખી વ્યક્તિત્વ ધરાવતી પ્રતિભાએ વિશ્વમાં માન અપાવ્યું છે. તેઓ જીવ્યા ત્યાં સુધી નખશીખ શિક્ષક રહ્યા. તેમનું મૃત્યુ ૧૯૭૫ની ૧૭મી ઍપ્રિલે થયું. તેમની ૮૭ વર્ષની ભરપૂર જિંદગીમાં તેમણે ભારતને જ નહીં વિશ્વને ઉત્તમ વિચારો આપ્યા. ભારતના સર્વોચ્ચ સ્થાને બિરાજ્યા હોવા છતાં સત્તા – વિદ્યા – ક્રીર્તિ અને લક્ષ્મીને પણ પચાવી શક્યા એવા આ મહાન શિક્ષકને યાદ કરી તેમના જીવન અને કવનમાંથી થોડુંક પણ આચમન કરીએ તો આજનો દીન શિક્ષક સાચા અર્થમાં સજ્જ અને સમૃદ્ધ શિક્ષક બની શકશે, એવા શમણાંની શોધમાં રાચું છું.

Total Views: 177
By Published On: May 1, 1996Categories: Motibhai Patel Dr.0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram